“શિવત્વ” : ૧
પ્રકરણ: ૨
પ્રસ્તાવના
“શિવત્વ” એક અનોખી રહસ્યમય કહાની છે. વાર્તામાં બનતી ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો એક વિચારમંત્ર ચિત્રણ છે.
મુખ્ય પાત્ર “પ્રશિવ” નામના વૈજ્ઞાનિકની રહસ્યમય કહાની છે, જેણે પોતાનાં, વિજ્ઞાનનાં જ્ઞાનથી અને ભગવાન શિવની ભક્તિની, આધ્યાત્મિકતા, એમ બંનેનો સમન્વયથી, પોતાનો પ્રેમ “તિસા” માટે સમયયાત્રા ખેડે છે. આ ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ ની સમયયાત્રા દરમિયાન, પ્રશિવને ઘણા બધા રોમાંચક સફરોનો અનુભવ થાય છે, અને તે દ્વારા જ પ્રશિવ “શિવત્વ” નું રહસ્ય જાણે છે.
“શિવત્વ” નામનું રહસ્ય શું છે ? આ દૂરની સમયયાત્રા શરૂ કરવા માટે પ્રશિવે કેટલા વૈજ્ઞાનિક પ્રયોગો પર પોતાનો હાથ અજમાવ્યો હશે ? શું પ્રશિવ, પોતાનો પ્રેમ, “તિસા” ને સમજી શકશે ?
વાચક મિત્રો, “શિવત્વ” એક અલગ જ દુનિયામાં લઈ જવાની છે, જેમાં પ્રેમ, રહસ્ય, સાહસિકતા, આચકો અને જ્ઞાન એમ બધાનો જ અનુભવ મળી રહેશે, કારણકે શિવત્વ: ૧, શિવત્વ: ૨, શિવત્વ: ૩ એમ ત્રણ ભાગોમાં આ કહાની ચાલવાની છે.
જેમાં શિવત્વ: ૧ નું, પ્રકરણ: ૨ આજે આપણે વાંચીશું. વાચક મિત્રો, આ રહસ્યમય કહાની વાંચવા માટે રેડી છો ને ? આશા છે, અમારા વાચક મિત્રોને, આ રહસ્યમય કહાની પસંદ આવશે.
ખૂબ આભાર,
“પ્રજ્ઞેશ ઠુંમર” – “પ્રવિણા માહ્યાવંશી”
“શિવત્વ” : ૧
પ્રકરણ: ૨
શિવત્વ: ૧ નું, પ્રકરણ: ૧ માં આપણે વાચ્યું કે પ્રશિવ નામનો જમીન પર રહેતો યુવાન અચાનક પોતાને બીજા અવકાશ એટલે કે અખંડદ્રુવ નામના શહેર પર પહોંચેલો નિહાળે છે, ત્યાં જ તેને, મચ્છરમાં આવતા રોબોટોનો પણ સામનો થાય છે.....પોતે ક્યાં આવી ગયો છે તેના ગુંચવણમાં જ તે આખા અખંડદ્રુવ પર આમતેમ ફરવા લાગે છે...અને ફરી તે પોતાની યાદોમાં ખોવાઈ જાય છે....રસપ્રદ સ્ટોરી છે વાચક મિત્રો, એના માટે પ્રકરણ:૧ જરૂર વાંચજો.
હવે આગળ......
પ્રશિવ હવે ધ્યાનમાંથી બહાર આવે છે.
અડધો કલાક બાદ તે પોતાનું બાઈક લઈ તિસા માટે સારું ગિફ્ટ લેવા માટે એક ગિફ્ટ શોપમાં પહોંચે છે, ત્યાં જ તેના મનમાં વિચારો ચાલતા હતાં કે, “ તિસા જે મને ગિફ્ટ આપશે એને હું એક જ શ્વાસે ખોલી નાંખીશ.”
કોઈ ભારેખમ અવાજ આવતા પ્રશિવને પોતાની યાદોમાં ખલેલ પહોંચી ગઈ હતી, તે પોતાનો ભૂતકાળ વર્ષ ૨૦૧૨ માં તિસા સાથે ઘટેલી ઘટનાને યાદ કરી રહ્યો હતો પરંતુ ના છુટકે પોતાની યાદોને ત્યાં જ પડતી રાખીને અત્યારે જે અખંડદ્રુવ પર આવી પહોંચ્યો હતો એટલે કે અહીંનું અત્યારનું વર્ષ ચાલી રહ્યું હતું ૫૦૪૬.
પ્રશિવની આંખ ઊંઘડી ગઈ.
સામેથી ફરી એવો જ ભારેખમ સ્પીકરમાંથી અવાજ આવવા લાગ્યો, “ અખંડદ્રુવની સવારમાં તમારું સ્વાગત છે. પ્રશિવ, તમે હવે બોક્ષમાંથી બહાર આવો..”
પરંતુ પ્રશિવને હજુ પણ ખબર પડી રહ્યું ન હતું કે તે ક્યાં આવી પહોંચ્યો છે, તેને પોતાનાં મન ને સમજાવી લીધું કે, “કદાચ પછી ધીરે ધીરે જાણ થઈ રહેશે કે શું બનાવ મારી સાથે બની રહ્યો છે !!”
પ્રશિવ ઊભો થઈ બોક્ષમાંથી નીકળવા લાગે છે પરંતુ તેનું માથું જાણે ભારે થઈ ગયું હોય તેમ ચકરાવા લાગ્યું. તે પોતાનું ડોકું ધુણાવે છે, અને આંખના મોટા મોટા પલકારો મારતો સ્થિર થઈને ઊભો રહી જાય છે. આમતેમ નજર કરી તે દરેક દિશામાં જોવા લાગ્યો, તેનો આશ્ચર્યનો પાર ન હતો. તેને આ અહેસાસ તો થઈ જ ગયો કે પોતે અખંડદ્રુવની સૌથી ઊંચી ઈમારત પર આવીને ઊભો છે. તે કોઈ વિકસિત શહેરમાં આવી પહોંચ્યો હોય તેમ લાગવા માંડ્યું.
પ્રશિવ માટે બધું જ રમણીય દ્રશ્ય લાગવા માંડ્યું હતું, એકતરફ જોવા જાય તો તેને આ અખંડદ્રુવ પર ગમવા લાગ્યું હતું. તેને અખંડદ્રુવ એક શહેર જેવું લાગવા માંડ્યું. અને હકીકતમાં પણ અખંડદ્રુવ એક શહેર જ હતું.
પ્રશિવ મલકાતો, સવારના ઠંડક વાતાવરણનાં અજવાળામાં સામેનું દ્રશ્ય જોવા લાગ્યો. તે જોઈ રહ્યો હતો કે આખુ શહેર સીધું લાગી રહ્યું હતું. એટલે કે કોઈ પણ રોડની શરૂઆતથી લઈને જ્યાં છેડાનો અંત થાય ત્યાં સુધી બધું જ સરળ અને સ્પષ્ટ દેખાતું હતું. પેરીસનાં એફિલ ટાવરની જેમ બધા જ રોડ, પોતે જ્યાં ઊભો હતો તે ઈમારત સાથે જોડાયેલા હોય તેમ લાગતા હતાં. એટલે કે સરળતાથી કહેવાં જાય તો અંખડદ્રુવની ઈમારત મધ્યમાં આવી હતી તેથી ત્યાંથી બધું જ ડાબી જમણી કે પછી ચારે દિશાની બધી જ ગતિવિધિ સહેલાઈથી જોઈ સકાતી હતી.
પરંતુ પ્રશિવને નવાઈ પણ લાગી રહ્યું હતું કે અહિયાં ક્યાંય પણ ઊડતી કાર કે પછી જાહેર પરિવહન જેવું કંઈ પણ લાગી રહ્યું ન હતું. લોકોનું આવનજાવન જ ન દેખાતું હતું. પ્રશિવ વિચારમાં પડી ગયો, “પરંતુ કેમ? કોઈ લોકો દેખાતાં જણાતા નથી, તો પછી આ સળંગ લાગતા રસ્તાઓ શેના માટે બનાવ્યા છે?
ત્યાં જ થોડો આઘો થતાં, દૂર રોડની જમણી તરફ પ્રશિવનું ધ્યાન દોરાય છે, સામે તે જુએ છે કે થોડાક છ સાતેક જેટલા લોકો ઊભા રહ્યાં હતાં, એમાના કેટલાક લોકો, ઘણા બધા લાઈનબંધ એક્સેલેરેટરનાં દાદરા દેખાતાં જણાતા હતાં, તે પગથિયાં ઉપર ઊભેલા જણાતા હતાં, તે ઉપરની તરફ જતું અને એક દરવાજામાંથી પસાર થતું અને બીજે ક્યાંક ખાલી થઈને ફરી તે જ જગ્યે આવીને ઊભું રહી જતું. પ્રશિવ અનુમાન લગાડવા લાગ્યો કે આ એક્સેલેરેટરનાં મદદથી જે લોકોને ચોક્કસ જગ્યાએ જવું હોય તે, તે જ જગ્યાએ જઈને ઉભું રહેતું હશે! એટલે કે લોકોને પહોંચાડી ફરી પોતાની જગ્યે આવીને ઊભું રહી જતું હતું. આ વ્યવસ્થા પ્રશિવને સારી લાગી.
આ ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા માટે અખંડદ્રુવનાં વાસીઓએ, ટેલીપોર્ટટેશનની સાથે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડીએશન વિકસાવેલું હતું. જેથી જે માણસ એક વાર એક્સેલેરેટરની મદદ લેતા જ, જ્યાં તેને જવાનું હોય ત્યાં જ સીધો પહોંચી જતો હતો.
“ વાઉં !! ખૂબ જ સરસ છે આ જગ્યા તો, હેરી પોટરમાં દર્શાવામાં આવતું દ્રશ્ય જેવું લાગે છે.” પ્રશિવ સ્વગત જ શબ્દો ઉદ્દગારવા લાગ્યો.
પ્રશિવનું મન હવે લલચાવા લાગ્યું હતું, તેને આ આખુ અખંડદ્રુવ શહેરનો પ્રવાસ ખેડવાનું મન થઈ આવ્યું.
પરંતુ તે સાથે જ ફક્ત આટલું દ્રશ્ય જોઈને જ પ્રશિવના શરીરમાં થાક લાગી આવ્યો હોય તેમ પોતે એકદમ ઢીલો પડી ગયો છે, એમ લાગવા માંડ્યું. તેનું શરીર થાકી ગયું હોય તેમ તે ફરી તે જ બોક્ષમાં ઊંઘવા માટે આડો પડી ગયો.
હજુ તો પ્રશિવ ઊંઘવા જ મંથી રહ્યો હતો ત્યાં જ તેને ઝપકીને બોક્ષ બેડમાંથી ઉઠવા પડ્યું, તેને સતત હમણાં એવું લાગી રહ્યું હતું કે તેને કોઈ બૂમ મારીને જગાડી લીધો છે.
“સર તમારો નાસ્તો..” એક અજાણ સ્ત્રીનો સ્પીકરમાંથી મીઠો સ્વર સંભળાયો.
તે સાથે જ પ્રશિવ પોતાની સામે ઉડતી આવતી એક પ્લેટ તરફ નજર નાંખે છે. પ્રશિવ ઘણો આશ્ચર્યથી તે પ્લેટમાં મુકેલી એક ટેબલેટને જોવા લાગે છે. તેને ઘણી નવાઈ લાગી. નાસ્તો તે વળી કેવો ? પ્લેટમાં એક ટેબલેટ !! આને તે વળી નાસ્તો કહેવાતો હશે !! પ્રશિવે પોતાનું વિચારવાનું માંડી વાળ્યું અને તે ટેબલેટને લેવા માટે ઊભો થઈ પોતાનો ધ્રૂજતો હાથ આગળ ધરે છે, તેને તે ટેબલેટ પણ લેવાથી ન હતી એટલી કમજોરી તેનામાં આવી ગઈ હતી, તેમ છતાં મહાપ્રયત્ને તે ટેબલેટ ઉઠાવી લે છે અને પોતાના મોઢામાં નાંખી દે છે, પરંતુ તે સાથે જ પોતાની સમતુલા ગુમાવતા તે ગબડી પડે છે.
પ્રશિવ પોતે બેભાન અવસ્થામાં સરી પડવાનો હોય એમ તેની આંખો મીંચાતી જતી હતી. પ્રશિવને જરા પણ સમજાતું ન હતું કે આવા સમયે તેને શું કરવું જોઈએ? જેથી તે આ નવી જગ્યેથી પાછા પોતાની જમીન પર જઈ શકે. તો પણ તે બેભાન અવસ્થામાં જ વિચારી રહ્યો હતો કે મને અહીંથી નીકળવા માટે પદ્માસનની મુદ્રામાં બેસવું પડશે, પણ અત્યારે પોતાની સ્થિતિ જોતા તે શક્ય ન હતું. પરંતુ તે સૂતા સૂતા જ ઉઠવાનો ઘણો પ્રયત્ન કરે છે, કારણ કે તેને આ સમયમાંથી નીકળી જવું હતું. ત્યાં જ સામેથી ટેલીપોર્ટટેશન નો દરવાજો ખોલાય છે, એમાંથી એક ખુબસુરત સ્ત્રી આવી, પ્રશિવના ખબા પર પોતાનો જમણો હાથ રાખી ઘણી શાંતિથી કહે છે :
“ઓમ શાંતિ.”
પ્રશિવ આ સાંભળી થોડો શાંત થાય છે, તે સાથે જ પ્રશિવના શરીરનાં બધા જ અંગોમાંથી પરસેવો નીકળી જાય છે. પોતે એકદમ સ્વચ્છ થઈ ગયો હોય તેનો અહેસાસ થવા લાગે છે. બસ એક અણજાણ સ્ત્રીએ, પ્રશિવના ખબા પર હાથ રાખી ઓમ શાંતિ કહેવાથી તેનામાં ફરી શક્તિનો સંચાર થયો હોય તેમ ઘડીભરમાં જ ઊભો થઈ જાય છે. પરંતુ હકીકતમાં તે અસર ટેબલેટ લેવાથી થઈ હતી.
પ્રશિવે પૂછ્યું, “ મેં જે હમણાં ટેબલેટ લીધી, એ શું હતું ?”
“નાસ્તો સર” તે ખુબસુરત દેખાતી સ્ત્રીએ અદપ વાળીને પોતાનું ડોકું સહેજ નીચું નમાવતા કહ્યું.
પ્રશિવને નવાઈ લાગી એટલે ફરી પૂછ્યું, “ શું કહો છો તમે ! નાસ્તો?”
સામે ઊભેલી સ્ત્રીએ હમણાં કંઈ જ ન કહ્યું.
પ્રશિવ એ અદપ વાળેલી સ્ત્રીને જોતો જ રહી ગયો. અજીબ ખુબસુરતી તેના ગોરા ગુલાબી ચહેરા પર ઝળકાતી હતી. તેનો ચમકતો ચહેરો કોઈને પણ મંત્રમુગ્ધ કરી દે તેવો હતો. તે એક જમાનાની મહારાણી હોય તેમ તેના રેશમી વાળ ક્રીમ કલરના, વચ્ચેથી નાનો સેથો પાડી, થોડા ઉપરની તરફ ઉપસેલા વાળ, અને પાછળથી અંબોડો વાળીને બાંધેલા હતાં. તેના ભરાવદાર સ્તનયુગ્મ સાથે બંધબેસતા કપડા અતિ ચુસ્ત લાગતા હતાં. તેને સિલ્કી કાળો હાલ્ફ બાયનો કોલરવાળો ટુંકો ચુસ્ત શર્ટ પહેર્યો હતો અને નીચે પણ એવું જ સિલ્કી કાળા કલરનું પેન્ટ પહેર્યું હતી. ઘડીભર તો પ્રશિવ પણ આવું જોબન રૂપ જોઈને ચકિત થઈ ગયો.
“તમે?” પ્રશિવે નામ પૂછવા માટે સવાલ કર્યો.
“અમિષા....હું અમિષા છું.”
આ અવાજમાં કેટલી સરળતા હતી, એનો મૃદુ અવાજમાં કેટલી મિઠાશ હતી. અમિષાની ખુબસુરતી સાથે અવાજ પણ લલચાવે એવો હતો.
પ્રશિવ અવાજની મિઠાશ તથા અમિષાની બેહદ ખુબસુરતીથી ક્ષણભર તો મંત્રમુગ્ધ થઈ ગયો, તે એકીટશે અમિષા ભણી જોવા લાગ્યો. પ્રશિવે આવી ખુબસુરતી ક્યારે પણ જોઈ ના હતી કે અમિષા જેવો મીઠો અવાજ પણ ક્યારે પણ સાંભળેલો ન હતો. પ્રશિવ પોતાનાં પર કાબુ રાખી કંઈક બોલવા જાય છે પરંતુ ત્યાં જ અમિષા ફરી કહેવાં લાગી.
“ જેન્ટલમેન !! એમ પણ તમે જ આજની ચર્ચાનો વિષય બની રહેશો. એમ તો અમારા આખા અખંડદ્રુવ પર તમારી ચર્ચાઓ ફેલાઈ ગઈ છે.” અમિષાએ કહ્યું.
અમિષાનાં આ શબ્દો સાંભળી, પ્રશિવથી રહેવાયું નહિ, તે પૂછવા લાગ્યો, “ મને એક વાત કહેશો, તમે સૂર્યમંડલ છોડી અહીં અખંડદ્રુવ પર આવ્યા કંઈ રીતે ?”
“તમારો જવાબ આપવાનો અધિકાર મને મળ્યો નથી. પરંતુ તમારા બધા જ પ્રશ્નોનાં ઉત્તર જલ્દી મળી જશે એણી ખાતરી હું આપી શકું છું.” અમિષાએ એવાં જ મીઠા સ્વરમાં કહ્યું.
“તમે ભારતીય છો ? તમે હિંદુ છો ?” પ્રશિવે જલ્દબાઝીમાં પૂછ્યું .
પ્રશિવને આમ તો આ પ્રશ્ન પૂછવો ન જોઈતો હતો તો પણ પૂછી જ લીધો.
“ હે..હે..હે..” અમિષા હસી. અને પછી જવાબ આપ્યો,“ અમે પૃથ્વીવાસી છીએ.” એટલું કહી તે અટકી.
અને ફરી કહેવાં લાગી, “અખંડદ્રુવ પર તમારી ચર્ચા થઈ રહી છે કે, તમે સમય પાર કરીને આવ્યા છો. કયા વર્ષથી આવ્યા છો તમે?
“ ૨૦૧૯ થી ” પ્રશિવે ઉત્તર આપ્યો.
એટલે હિંદુ, શીખ, મુસ્લિમ, ઈશાઈ કરશો ? અમિષાએ પૂછ્યું.
પ્રશિવ સમજી ગયો કે, અમિષા ધરતી પરનો બધો જ ઈતિહાસ જાણે છે એટલે જ તેને પહેલા આ જ પ્રશ્ન કર્યો. અમિષાના આ પ્રશ્ન પરથી સમજી જાય છે કે, આ જાતિવાદ આપણા સમયમાં જ છે. એટલે ભવિષ્યમાં ભણતર એટલું વધી ગયું હશે કે જાતિવાદ જ નહી રહે !!
અમિષાનાં પ્રશ્નનો ઉત્તર આપીને પ્રશિવને પોતાની છાપ ખરાબ કરવી ન હતી, એટલે તે ચૂપ રહેવું જ મુનાસીબ સમજે છે.
“ચાલો હું તમને અખંડદ્રુવની યાત્રા કરાવું છું, થોડુંક જાણવા મળશે અને તમને ફ્રેશ જેવું પણ લાગશે.” અમિષાએ કહ્યું.
પ્રશિવને અમિષાની આ વાત ગમી.
બંને ચાલતા ચાલતા, ભીની માટીવાળી જમીનને ત્યાં પહોંચે છે. ભીની માટીને ત્યાં આવતા જ એક અજીબ પ્રકારની મગમધતી સુંગંધ આવતી હતી. એમ જ માની લો કે જેવી પહેલા વરસાદની ભીની માટીની સુવાસ કેવી મન ને મહેંકાવી દે, એવો જ એહસાસ સુગંધિત માટીનો સુંગંધ લઈને હમણાં પ્રશિવને થઈ રહ્યો હતો.
“વાઉં ! આપણે કંઈ જગ્યે આવ્યા છે અમિષા ?” પ્રશિવ નાકથી એક ઊંડો શ્વાસ છાતીમાં ભરી કહેવાં લાગ્યો.
“ત્યાં જો...” અમિષાએ આંગળી ચીંધતા કહ્યું.
પ્રશિવનું ધ્યાન તે તરફ ગયું, અને આશ્ચર્યનો પાર ન રહ્યો, તેને જોયું કે એક ઝાડનું થડ લાંબુ જણાતું હતું, પરંતુ તેના પર જ નાની નાની ડાળીઓ ઉગી નીકળી હતી અને એ ડાળી ઉપર જ ક્યાંક ગુલાબના ગુચ્છા તો ક્યાંક કમળનાં ફૂલો ઠેકઠેકાણે ઉગી નીકળેલા જણાતા હતાં. તેને આવું અદ્ભુત લાગતું દ્રશ્ય ક્યારે પણ જોયું ન હતું, અરે જોઉં શું ? આ તો વળી હોઈ જ ન શકે કે, એક જ ઝાડ પર કમળના ફૂલ અને સાથે જ ગુલાબના ફૂલો પણ ઉગેલા દેખાતાં હતાં. કારણ કમળફૂલ એ પાણીમાં ઉગનારું ફૂલ હતું જયારે ગુલાબનું ફૂલ તો ધરતી પર ઉગનારું છોડ...તો પછી આ કેવું દ્રશ્ય !!
પ્રશિવ જ્યારથી અખંડદ્રુવ પર પહોંચ્યો છે ત્યારથી નવા નવા અચંબો આપતા દ્રશ્યો એક પછી એક સામે આવતા હતાં. પણ તે બેહદ ખુશ હતો, કે કેવી અસ્મરણીય જગ્યે આવી પહોંચ્યો છે!!
“આ બહુફૂલી વૃક્ષ છે. આ વૃક્ષ અહિયાં અખંડદ્રુવ પર “પુષ્પવર્ષા” ના નામથી ઓળખાય છે. આ વૃક્ષ પર ૧૦ ફૂલો, ૧૨ ફળ અને તેના મૂળમાં બટેટા, ગાજર જેવા ૯ કંદમૂળ થાય છે.” અમિષા જાણે કોઈ માર્ગદર્શિકા બનીને ભાષણ આપતી હોય તેવી રીતે કહેવાં લાગી.
પ્રશિવના માટે આ બધી જ વાતો નવાઈ આપનારી હતી. તે અમિષાની વાતને ધ્યાનથી સાંભળતો હતો.
પરંતુ, પ્રશિવ “પુષ્પવર્ષા” વૃક્ષનું નામ સાંભળીને તે પોતાનાં ટાઈમ ટ્રાવેલની સફરને યાદ કરતો જ વિચારમાં પડી જાય છે.
(પ્રશિવની યાદો)
૬ ડિસેમ્બર, ૧૭૦૪, ચામકૌર
એ દિવસ સોમવારનો હતો. અહિયાં પણ પ્રશિવ એક નાનકડા બિંદુ લાગતા પ્રકાશનાં કણ દ્વારા જ આ સમયમાં પહોંચ્યો હતો. પ્રશિવ આ ઐતિહાસિક ઘટનાને પોતાની નજરોથી નિહાળવા માગતો હતો, તેથી પોતાની સમય યાત્રા દ્વારા તે આ ઐતિહાસિક ચામકૌરનાં યુદ્ધમાં પહોંચી ગયો હતો.
પ્રશિવે સાંભળેલું હતું કે ચામકૌરનું યુદ્ધ ૩૦૦ સ્પાર્ટન કરતા પણ વધુ જોરદાર હતું. તેથી આ જ જિજ્ઞાસા અને ઉત્તેજના માટે પ્રશિવ આ સમયમાં દોરી ગયો હતો.
આ યુદ્ધ “ Battle of Chamkaur ” ના નામે પણ ઓળખાય છે.
આ યુદ્ધનાં હિરો હતાં “ગુરૂ ગોવિંદ સિંહ જી”
(ક્રમશ: ....)