Safadtani Gatha in Gujarati Magazine by Vishal Zala books and stories PDF | સફળતાની ગાથા

Featured Books
  • લુચ્ચું શિયાળ

    એક વખતની વાત છે. જંગલમાં બે પ્રાણી રહેતા —એક સિંહ, ખરા અર્થમ...

  • MH 370- 24

    24. પાણી અને આગ!અમે દરિયાનાં એક પ્રચંડ મોજાં સાથે ઉપર ઊંચકાય...

  • After 40's

    નારિમાઇન પોઇન્ટ... દરિયો એની મસ્તી માં ઘૂઘવતો જતો હતો. અને આ...

  • ખાટું શ્યામ મંદિર

    બાર્બરીક: એક અજોડ યોદ્ધાદ્વાપરયુગના વિશાળ રણક્ષેત્રમાં, જ્યા...

  • ચંદ્ર પર રોમાંચક પ્રવાસ - 1

    ​પ્રકરણ ૧: રહસ્યમય ટાપુ​પ્રવેશ: આરવ, એક સાહસિક યુવાન, પોતાના...

Categories
Share

સફળતાની ગાથા

સફળતાની ગાથા

સફળતાનું પ્રમાણ એ નથી કે તમે મહીને લાખ-દોઢ લાખ રૂપિયા કમાઈ શકો અથવા કોઈ મોટી મલ્ટીનેશનલ કંપનીમાં સારો હોદ્દો પ્રાપ્ત કરો પરંતુ સફળ વ્યક્તિ એ છે કે જે બીજા અનેક લોકોને સફળ થવા માટે પ્રેરણા પૂરી પાડી શકે અને સાથે સાથે એ માટે યોગ્ય માર્ગદર્શન પણ આપી શકે..!!!

ચાલો આવા જ એક વિદ્યાર્થીનો પ્રસંગ વાંચીએ,

28 મે 2009 નો દિવસ આજથી બરાબર સાત વર્ષ પહેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહ ના પરિણામ નો દિવસ..
સવારના લગભગ સાડા નવ વાગ્યાની આસપાસ એક વિદ્યાર્થી પોતાના ઘરેથી એક શિક્ષકના ટ્યુશન કલાસમાં પોતાનું રીઝલ્ટ જોવા માટે નીકળે છે, કેમ કે એ સમયે ઈન્ટરનેટ અને મોબાઈલ આજના જેટલા સુલભ નહતા અને જો તે સાયબર કાફે માં જાય તો નાહક ના 15-20 રૂપિયા ખર્ચવા પડે..!!

ક્લાસમાં જઈને જુવે છે તો ત્યાં વિદ્યાર્થીનીઓનો મેળો જામ્યો હોય છે. એને બોલાવનાર શિક્ષક ત્યાં ઓફિસમાં હાજર હોતા નથી એટલે તેને આવકારનાર કોઈ નથી પરંતુ તેને એની કોઈ ચિંતા નથી, કેમ કે પોતાની શાળાના શિક્ષકો અને બીજા સહાધ્યાયીઓ થી ઉપેક્ષા પ્રાપ્ત કરતા આ વિદ્યાર્થીને લોકોનું આ પ્રકારનું ઉપેક્ષિત વર્તન કોઠે પડી ગયું છે, એટલે તે ચુપચાપ ખૂણા માં જઈને બેસી જાય છે.!!

ત્યાતો 10 વાગતાની સાથે બધા ચહેરા કોમ્પ્યુટર પર કેન્દ્રિત થયી જાય છે બધી છોકરીઓ પોતાનું રીઝલ્ટ જોવા માટે ધસારો કરે છે અને કોમ્પ્યુટરનું સંચાલન કરતા ભાઈ બધી છોકરીઓના રીઝલ્ટ જોયી આપવામાં વ્યસ્ત છે ( સ્ત્રી-દાક્ષીણય તો એ સમયે પણ પુષ્કળ હતું..!!) એક-બે હોશિયાર વિદ્યાર્થીનીઓના ધાર્યા મુજબના ટકા નાં આવતા તેઓ નિરાશ થયી જાય છે. પેલો વિદ્યાર્થી ખૂણામાં ઉભો ઉભો શાંતિથી આ બધું જોયા કરે છે. ત્યાં તો કલાસના મુખ્ય શિક્ષક કમ સંચાલક આવી જાય છે પેલો વિદ્યાર્થી આ શિક્ષકનો માનીતો છે તે આવી ને પૂછે છે કે તારું પરિણામ જોયું? વિદ્યાર્થી નકારમાં ડોકું હલાવે છે.

તે શિક્ષક પેલા સ્ત્રી-દાક્ષીણયની ભાવનાવાળા ભાઈને આપણા વિદ્યાર્થીનું રીઝલ્ટ જોવાનો હુકમ કરે છે.. ત્યાં તો એનો બેઠક નંબર નાખતા જ સર્વત્ર આનંદ અને ખુશીની છોળો ઉડવા લાગે છે અને દેકારો મચી જાય છે..!!

પેલો વિદ્યાર્થી 93.29 % પ્રાપ્ત કરીને સમગ્ર વડોદરા જીલ્લામાં પ્રથમ નંબરે અને ગુજરાત રાજ્યમાં ચોથું સ્થાન મેળવે છે...!! જેમ મચ્છવેધ કર્યા પછી અર્જુન જેટલો શાંત અને સ્વસ્થ હતો તેમ જ આ વિદ્યાર્થી એટલો શાંત છે કેમ કે તેની મહેનત પ્રમાણે તેના માટે આ પરિણામ એકદમ સહજ અને અપેક્ષિત હતું..!! (Y)

ટ્યુશન ક્લાસના સંચાલક તેને આનંદપૂર્વક ભેટી પડે છે કેમ કે આ વિદ્યાર્થી તેમના ક્લાસ માટે “ ન ભૂતો ન ભવિષ્યતિ “ જેવું પરિણામ લાયી આવ્યો છે, જો કે તે વિદ્યાર્થી ક્લાસમાં ફક્ત ત્રણ વિષયોનું જ કોચિંગ લેવા માટે જતો હતો અને તે પણ તેના પ્રિય શિક્ષકના આગ્રહને વશ થઈને.. હજુ ગઈકાલ સુધી આ વિદ્યાર્થીની મજાક ઉડાવતી બધી છોકરીઓ તેને અભિનંદન આપવા માંડે છે પરંતુ તેને જલ્દી પોતાના ઘરે જવું છે અને પોતાના માતા-પિતા, દાદા-દાદીને આ આનંદના સમાચાર આપવા છે. આથી તે મારતી સાઇકલે ઘરે જવા ઉપડે છે..

પરંતુ આ શું, ઘરે વાતની સાથે તે જોવે છે કે તેના ઘરે તો બધા ન્યુઝ્પેપરના પત્રકારો અને ટીવી ચેનલોના ન્યુઝ એન્કરોનો મેળાવડો જામ્યો છે, બધા તેનો ઈન્ટરવ્યું લેવા માટે આતુર છે.. તેની બહેન, માતા-પિતા, દાદા-દાદી, કાકા-કાકી અને તેના પ્રિય ફોઈ બધાની આંખમાં હરખના આંસુ છે, વાતાવરણમાં સર્વત્ર આનંદ ઉલ્લાસ છવાઈ જાય છે.!!

આ બધું પત્યા પછી આ વિદ્યાર્થીને શાળાએ બોલવાવાળા આવે છે. તેના વર્ગશિક્ષક, આચાર્ય અને બીજા શિક્ષકોને વિદ્યાર્થીની આ સિદ્ધી થી ગર્વની લાગણી ઓછી અને આશ્ચર્ય વધારે થાય છે કેમ કે એમને બધાએ એક બીજા વિદ્યાર્થી પાસેથી આ આશા રાખી હતી પરતું અંતે તેઓ “ છેવટે ઘી ઢળ્યું તો ખીચડીમાં જ “ એમ માનીને અભિનંદન આપે છે.

સાંજે ચાર વાગ્યે વડોદરાની એક નામાંકિત શાળામાં શહેરના ટોપર વિદ્યાર્થીઓના સન્માનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હોય છે શહેરના DDO તરફથી, ત્યાં આ વિદ્યાર્થી જાય છે. જીલ્લા શિક્ષણ અધિકારી તેને પ્રેમપૂર્વક સ્ટેજ પર બોલાવે છે અને બધાની વચ્ચે કહે છે કે “ બેટા તે ગુજરાત બોર્ડમાં સ્થાન મેળવીને આપના વડોદરા શહેરનું નામ રોશન કર્યું છે.” અને ખુબ ખુબ અભિનંદન આપે છે..!!

બીજા દિવસે Times Of India ન્યુઝપેપર વાળા “ He Stitched His Success Against All Odds” ના શીર્ષક હેઠળ આ વિદ્યાથીની સિદ્ધિ વિષે એક રસાળ અને વિસ્તૃત લેખ પ્રગટ કરે છે. સાથે બીજા અંગ્રેજી,હિન્દી અને ગુજરાતી ન્યુઝ્પેપરમાં આ વિદ્યાર્થીની સફળતાને બિરદાવતા લેખો પ્રગટ થાય છે. TV માં ન્યુઝ ચેનલોવાળા 8-10 દિવસો સુધી આખા રાજ્યમાં તેના ઈન્ટરવ્યું પ્રકાશિત કરે છે, બીજા 15-20 દિવસો સુધી ગુજરાતની અનેક શાળાઓ , સંસ્થાઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્રારા આ વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવે છે. વિદ્યાર્થી બીજા ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાથીઓને બોર્ડની પરીક્ષામાં સફળ કેવી રીતે થવું તે અંગેની માહિતી અને માર્ગદર્શન આપે છે. લગભગ એક મહિના સુધી તે એક સેલીબ્રીટી જેવું સ્ટેટસ ભોગવે છે.!!

ત્યાર પછી આ વિદ્યાર્થી CA ના અભ્યાસક્રમમાં દાખલ થાય છે, CA ની CPT ની પરીક્ષામાં વડોદરામાં બીજો ક્રમાંક , IPCC માં નવમો ક્રમાંક અને Final માં વડોદરામાં દસમો ક્રમાંક હાંસલ કરે છે.. આ ઉપરાંત M.S.University માંથી અને ની ડિગ્રી પણ પ્રાપ્ત કરે છે B.Comમાં 69 % સાથે ફર્સ્ટ ક્લાસ અને M.Comમાં 80 % સાથે સમગ્ર યુનીવર્સીટીમાં બીજો ક્રમાંક હાંસલ કરે છે અને 23 વર્ષની વયે Chartered Accountant, અને ની પદવી મેળવે છે..અને સાથે સાથે એ પણ પ્રમાણિત કરે છે કે એનું ધોરણ 12 નું પરિણામ એ કોઈ એક વારનો ચમત્કાર નહતો.!! પાછુ આ બધી ડીગ્રીઓ એ કોઈ પણ ટ્યુશન ક્લાસમાં ગયા વગર જાતે પોતાની મહેનતથી મેળવે છે.!

આખરમાં હવે એ સ્પષ્ટતા ની જરૂર નથી કે આ વિદ્યાથી એટલે આ લખનાર પોતે જ..!!

સંભવ છે કે ઘણા લોકો ને આ આત્મ-પ્રશંસા લાગશે પરંતુ આ લેખનો એક એક શબ્દ સંપૂર્ણપણે સાચો છે અને મારા નજીકના મિત્રો એના સાક્ષી છે..!! (Y)

કોઈ પણ વિદ્યાર્થી મિત્ર ને ગમે ત્યારે મારી મદદની આવશ્યકતા હોય તો મારા મોબાઈલ નંબર પર મારો સંપર્ક કરી શકે છે અને નાપાસ થનાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે એટલો જ મેસેજ કે “ નાપાસ થનાર વિદ્યાર્થી ફક્ત પરીક્ષામાં જ નાપાસ થયો હોય છે..!!”