Doctor ni Dairy - 13 in Gujarati Short Stories by Sharad Thaker books and stories PDF | ડોક્ટરની ડાયરી-13

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

ડોક્ટરની ડાયરી-13

ડોક્ટરની ડાયરી-13

ડૉ. શરદ ઠાકર

ये तेरा खेल न बन जाये हकीकत ईक दिन,

रेत पे लीखके मेरा नाम मीटाया न करो

અચાનક વરસો પછી અમદાવાદની મોટી જનરલ હોસ્પિટલનાં ઓપરેશન થિયેટરના ગ્લાસ-ડોર પાસે એક જૂની ઓળખાણ જીવતી થઈ. મારા સ્વજનના પગનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. હાડકામાં સળીયો દાખલ કરવાનો હતો. આવશ્યકતા એક જ સળીયાની હતી, પણ મને ચૌદ-પંદર સળીયા લાવવાનું પ્રિસ્ક્રીપ્શન આપવામાં આવ્યું હતું. અને ઓપરેશનના અંતે મને કહેવામાં આવ્યું કે એક સળીયો કામમાં આવ્યો હતો, બાકીનાં બધા જ વળી ગયા હતા.

“હું એ નકામા થઈ ગયેલા સળિયાઓ જોઈ શકું?” મેં ઉદ્ધત હાઉસમેનને પૂરેપૂરી વિનમ્રતાથી પૂછ્યું.

એણે અંગ્રેજોની શૈલીમાં ખભા ઊલાળ્યા: “અફ કોર્સ! સિસ્ટર, બ્રિંગ ધોઝ નેઇલ્સ…”

અને જવાબમાં સફેદ યુનિફોર્મમાં અપ્સરાની જેમ શોભતી સૌમ્ય ચહેરાવાળી એક યુવાન નર્સ કોરીડોરમાંથી ચાલી આવતી મને જોવા મળી. હાઉસમેન તો જતો રહ્યો હતો. નર્સ છેક નજીક આવી ત્યારે અમને પરસ્પરની ઓળખાણ પડી.

“અરે, તમે?!”

“અરે, તું?!…”

ક્ષણો એમ જ પસાર થઈ ગઈ. એ એન્જેલા હતી. હું જ્યારે એમ.ડી.ના અભ્યાસક્રમમાં હતો ત્યારે એ સ્ટુડન્ટ નર્સ હતી. મેં એને જોઈ એ પહેલાં એનાં વિષે મને સાંભળવા મળ્યું હતું.

એ દિવસે શુક્રવાર હતો. દર ગુરૂવારે રાત્રે મારી ઇમરજન્સી ડ્યુટી રહેતી હતી. શુક્રવારની સાંજ હું મારા બે અંગત મિત્રો સાથે નવરાશમાં વિતાવતો. થોડું ફરીએ, ગપ્પા મારીએ, આશ્રમરોડ ઉપર એમ જ નિરૂદેશ ચાલવા નીકળી પડીએ. પછી કકડીને ભૂખ લાગે એટલે અમારી માનીતી રેસ્ટોરન્ટમાં જમવા જઈએ. હાથી ખાય એટલું જમીએ. એ વખતે એ રેસ્ટોરન્ટ નવી-સવી ખૂલી હતી. રવિવાર ન હોય એટલે ભીડ ઓછી હોય. તાજા પ્રેમી-પંખીડા દૂરના ખૂણા પાસેનું એક એક ટેબલ પચાવીને ગૂટરગું કરતા હોય. આછા કેન્ડલલાઇટમાં જગજીતસિંહનો ઘેરો અવાજ ભળીને માદક વાતાવરણ ઊભું કરતો હોય અને… !

અચાનક એ શુક્રવારે મારી નજર કોર્નર ટેબલ પાસે બેઠેલા ડૉ. રાગેશ ઉપર પડી. એ અસ્થિવિભાગમાં હાઉસમેનશિપ કરી રહ્યો હતો. મારો ગાઢ મિત્ર તો ન કહેવાય, પણ… બસ, મિત્ર હતો. અને એની સાથે એક છોકરી હતી. સાથે એટલે બાજુમાં નહીં, પણ એની બરાબર સામે. એ એવી રીતે બેઠી હતી કે હું એનો ચહેરો જોઈ શકતો ન હતો. મને માત્ર એની પીઠ જ દેખાતી હતી અને એ પીઠ કહી આપતી હતી કે એ કોઈના પ્રેમમાં છે. પ્રેમિકાનાં શરીરને એની આગવી ભાષા હોય છે. મને આવી બોડી લેંગ્વેજ જોવાનું હંમેશાં ગમે છે. એ સાંજે પણ ગમ્યું.

બીજે દિવસે ટેબલ-ટેનિસ રૂમમાં રાગેશ મળી ગયો.

“ગેઇમ રમીશું?” એણે મને પૂછ્યું.

“ના, માત્ર સર્વિસની પ્રેક્ટિસ કરું છું. ઇચ્છા હોય તો આવી જા.” મેં પરસેવો લૂંછતા કહ્યું.

“સ્પર્ધામાં ભાગ લેવાની ઇચ્છા છે?”

“ના, મને લવ-ગેઇમમાં રસ નથી.” મેં જાણી જોઈને ‘લવ’ શબ્દને ટેબલ-ટેનિસની રમતની પરીભાષા સાથે જોડી દીધો. પછી દડીને હવામાં ઉછાળીને રેકેટ એવી રીતે ફટકાર્યું કે એ ધૂમરી ખાઈને એના હિસ્સામાં જઈ પડે, સાથે મારો પ્રશ્ન પણ!

“કોણ હતી? કાલ રાતવાળી… ! સીઝલર જમી રહ્યો હતો… !”

એ ગરમાગરમ હસ્યો: “કેવી લાગી?”

“જોઈ નથી. મારો એંગલ ઠીક ન હતો. ઉપાડ સર્વિસ… !!” મેં ઉત્તેજિત સ્વરે કહ્યું. એ દડીને ઉઠાવી ન શક્યો. એ પાંચમી સર્વિસ હતી. એ થાકી ગયો. હમણાં જ જમીને આવ્યો હતો એટલે હશે કદાચ. નેપકીનથી પરસેવો લૂછતો એ બાજુમાં પડેલી ખુરશીમાં બેસી પડ્યો.

“લવર નહોતી, લફરું છે. એક ઓર નયા પંછી…” એણે ક્રિકેટની પીચ ઉપર રન વધારતા ખેલાડીની અદાથી જવાબ આપ્યો.

દડી પકડેલો મારો હાથ સહેજ ઘૂ્રજી ગયો: “નામ?”

“એન્જેલા.”

“સુંદર તો છે ને?”

“વાત જ ન થાય. એનાથી વઘુ સુંદર હોય એને સ્ત્રી ન કહેવાય, અપ્સરા કહેવી પડે.” એણે ખીસ્સામાંથી બ્રિસ્ટોલનું પેકેટ કાઢ્યું. સીગારેટ સળગાવી. હોઠ વચ્ચે મૂકી. બે-ચાર કશ માણીને આંગળી અને અંગૂઠાની ચપટી વગાડીને રાખ ખંખેરી: “એમ તો મને બ્રિસ્ટોલ પણ ખૂબ ગમે છે. પણ અંતે શું? એની લિજ્જત માણી લેવાની અને પછી રાખને…” એણે ફરીથી ચપટી વગાડી.

મારો હાથ ફરીથી ધ્રૂજી ઊઠ્યો. કંપન થોડુંક જ હતું, પણ મહત્ત્વ એની માત્રાનું નહોતું, એના હોવાનું હતું. એન્જેલા વિષે સાંભળ્યાની આ પ્રથમ ઘટના. એ પછી મેં એને જોઈ. એક વાર આશ્રમરોડ પરના સિનેમાઘરમાં મેટીની શોમાં ‘દુલારી’ પડ્યું હતું એ જોવા ગયો. બાલ્કનીના અંધકારથી આંખો ટેવાયા પછી જોયું તો મારી આગળની હરોળમાં જ રાગેશ અને એન્જેલા બેઠા હતાં. રાગેશનો હાથ એન્જેલાનાં હાથમાં હતો. ફરી એક વાર અમે એ રીતે બેઠા હતા કે હું એનો ચહેરો જોઈ શકતો ન હતો અને એની પીઠ જોઈને હું કહી શકતો હતો કે એન્જેલા પ્રેમમાં હતી.

બીજા દિવસે મેં રાગેશને પૂછ્યું: “કેવું લાગ્યું ‘દુલારી’? એન્જેલાએ તારો હાથ એના હાથમાં પકડી જ રાખ્યો હતો ને કંઈ!”

જવાબમાં રાગેશે જમણા હાથની અનામિકા ઉપર પહેરેલી સોનાની વીંટી બતાવી: “એન્જેલાએ પહેરાવી. ગઈ કાલે ફિલ્મ જોતા જોતા.”

“કારણ?”

“એ ગાંડી એમ સમજે છે કે હું એની સાથે લગ્ન કરવાનો છું. આ વીક એન્ડમાં આબુ જઊં છું, એન્જેલાની સાથે.”

“લગ્ન કરવાનો છે તું એની સાથે?” મેં પૂછ્યું. મારી નજર હજુ પણ એન્જેલાએ આપેલી વીંટી તરફ હતું.

“લગ્ન?!” રાગેશ હસ્યો: “અરે, આ વીંટીમાંથી તો હું આબુ જવાનો ખર્ચ કાઢવાનો છું. એન્જેલાને કહી દઈશ કે વીંટી ખોવાઈ ગઈ.”

ફરીથી મેં કંપન અનુભવ્યું. પછી કંઈક વિચારીને પૂછ્યું: “રાગેશ, આપણે મિત્રો છીએ. મારું કહેવું માનીશ? વચન આપ.”

“શું?”

“ગાવસ્કરે કેટલીયે સદીઓ ફટકારી. એકાદ ઇનિંગ્ઝમાં એકાદ રન જતો કરે તો એને કેટલો ફરક પડવાનો છે?”

“મતલબ?”

“આ છોકરીને જવા દે. મને ખબર છે કે તું એની સાથે લગ્ન નથી કરવાનો, નહીંતર મેં એ જ વચન માગ્યું હોત. પણ આ છોકરી તારી રમતને બરદાસ્ત નહીં કરી શકે. જવા દે… ! પ્લીઝ… !”

રાગેશે મારી સામે જોયું. શું જોયું એ એને જ ખબર, પણ બીજી જ ક્ષણે એણે વીંટી ઊતારીને મારા હાથમાં મૂકી દીધી: “તારી વાત સાચી છે. એન્જેલા એવી નથી. એ કોઈ સારા પતિની પત્ની બની શકે એવી છે. હવે પછી હું ક્યારેય એને નહીં મળું. આ વીંટી તું જ એને સોંપી દેજે.”

અને જ્યારે હું એંશીની સાલના ડિસેમ્બર મહિનાની એક હુંફાળી બપોરે ઓર્થોપેડીક ઓપરેશન થિયેટરના બારણા પાસે ઊભો રહીને એન્જેલા નામની સ્ટુડન્ટ નર્સની હથેળીમાં એની જ વીંટી એને પરત સોંપી રહ્યો હતો, ત્યારે એણે ફક્ત એટલું જ પૂછ્યું: “કેમ? શું થયું? રાગેશની ઇર્ષા આવી?”

મેં કહ્યું: “ના, તારી દયા આવી. વઘુ કંઈ ન પૂછીશ. મારા મિત્ર વિષે મારી પાસે ઘસાતો શબ્દ ન બોલાવીશ. પણ એક વાત સમજી લે, તું સ્ત્રી છે. વીંટી અને શરીર કોઈને લગ્ન પહેલાં ન સોંપીશ.”

એન્જેલા ખરેખર સ્ત્રી હતી. મારી વાત એની તમામ અર્થછાયાઓ સાથે એ સમજી ગઈ. મનમાં બબડતી હોય એમ બોલી ગઈ: “થેન્કયુ, શરદભાઈ! આવતા અઠવાડિયે ક્રિસ્ટમસ છે. જીસસને જોઈશ ત્યારે તમને જરૂર યાદ…”

એ પછી અમે ક્યારેય મળ્યા નહીં. રાગેશ તો ઓર્થોપેડીક સર્જન બનીને અમેરિકા ચાલ્યો ગયો. ગ્રીનકાર્ડ હોલ્ડર પત્ની એને ફાવી ગઈ. એન્જેલાનું શું થયું એની મને ક્યાંથી ખબર મળે? સિવાય કે એ જાતે મને ક્યાંક મળી જાય.

અને આટલા વરસ પછી એ મને મળી ગઈ હતી. એને જોઈને મારી આંખમાં આનંદનો ચમકારો હતો. અને મને જોઈને એની આંખમાં આશ્ચર્ય હતું.

“એન્જેલા, તમે લોકો શું કરો છો? મારા બનેવીના ઓપરેશનમાં આટલા બધા સળીયા વાપરી નાખ્યા?”

એ મીઠું હસી: “કોણ કહે છે? માત્ર એક જ નેઇલ વપરાયો છે, આ બધા તો દર્દીના સગાંને બતાવવા માટે સંઘરી રાખેલો ભંગાર છે. હું હમણા આવી. પ્લીઝ, તમે ક્યાંય જતા નહીં…”

એ ગઈ. એની ચાલમાં ગતી હતી. એ આવી. એની ચાલમાં ઉમંગ હતો… અને બાકી બચેલા તમામ સળીયાઓ પણ હતા. તદ્દન સારા અને સહેજ સરખો ઘસરકો પણ ન પડ્યો હોય એવા.

“લો… ! જ્યાંથી ખરીદયા હોય ત્યાં પાછા આપી દેજો. પૈસાનું રીફંડ મળી જશે.” એન્જેલા હસી. એક માયાળુ મિત્ર જેવું. એક પ્રમાણિક નર્સ જેવું અને એક પ્રેમાળ સ્વજન જેવું.

હું પણ હસ્યો: “એન્જેલા, પૈસાનું રીફંડ તો મળશે ત્યારે મળશે, અત્યારે તો લાગે છે કે મને સોનાની વીંટીનું રીફંડ મળી રહ્યું છે.”

એ હસતી અટકી ગઈ. અમારી બંનેની નજર ઓપરેશન થીયેટરના દ્વાર પર, અંદરની કોરીડોર પર, બહારના પેસેજ પર અને બાજુની દિવાલ પર પડી. એ જ સ્થળ હતું અને એ જ બે વ્યક્તિઓ હતી. એક વેદનાભરી સ્મૃતિ હતી. એન્જેલાની આંખોના તળાવમાં તળિયે જરા ભીનાશ જેવું પ્રગટ્યું.

મેં પૂછ્યું: “પરણી ગઈ?”

“હા.” એણે માથું હલાવ્યું.

“સુખી છે?”

“ખૂબ જ… !” એના રૂપાળા ચહેરા પર સુખ તરતું હતું. આંખોમાં આંસુ હતા. શેના હશે? ખુશીનાં? તૃપ્તિનાં? આટલા વરસે મને મળી ગયાનાં? કે પછી એ કંઈક કહેવા માગતી હતી?

એનાં હોઠ ફફડ્યા. મેં પૂછ્યું: “કંઈક કહેવું છે? શું?”

“કંઈ ખાસ નહીં, બસ! એટલું જ કે મારું ચાલે તો સ્ટેઇનલેસ સ્ટીલની જગ્યાએ આ તમામ સળીયા તમને સોનાના બનાવીને આપું. તમે મને ડૂબતાં બચાવી છે.” આ એની સાથેની મારી અત્યાર સુધીની છેલ્લી મુલાકાત. હું ત્યાં ઊભો હતો અને એ ચાલી ગઈ. હું એની પીઠને જોઈ રહ્યો. મારા માટે તો એન્જેલાનાં ચહેરા જેટલી જ એની પીઠ પણ પરીચીત હતી.