સાન ફ્રાન્સિસ્કો ના છેલ્લો દિવસે અમે શોપિંગ મોલમાં ફરી, સાંજે કેનેડા ના કેલ્ગેરી શહેર જવા નીકળ્યા. નાનકડું વિમાન- ઈન્ટરનેશનલ ફ્લાઇટ હોય એવું જરા પણ ન લાગે. ફ્લાઇટ થોડી મોડી હતી અને અધૂરામાં પૂરું કેલ્ગેરીમાં એરો બ્રિજ નો દરવાજો ખુલ્યો જ નહીં એટલે વધારે મોડું થયું - ત્યાં પણ આવું થઇ શકે! ઇમિગ્રેશન પસાર કરી બહાર આવ્યા અને મધરાત પછી ભત્રીજી પાયલ ને ઘેર પહોંચ્યા. બીજો દિવસ એના મીઠડા દીકરાઓ સાથે રમવામાં પસાર થઈ ગયો. એમની કેનેડાની જીવન શૈલી ની વાત કરી. જમાઈ સંદીપકુમારે જણાવ્યું કે પરદેશમાં રહેવા છતાં એમની જીવન શૈલી ખાસ બદલાઈ નથી અને તેમને હજુ પણ સોની ફળિયામાં રહેતા હતા તેમ રહેવું વધારે ગમે છે.
કેલ્ગેરી નું મુખ્ય આકર્ષણ છે તેની નજીક આવેલા કેનેડિયન રોકીઝ. ઉત્તર અમેરિકા ખંડમાં પશ્ચિમ કિનારે રોકી માઉન્ટન્સ ની લાંબી પર્વત માળા પથરાયેલી છે. તેનું સૌંદર્ય વિમાનમાંથી જોવા મળે અને એની મજા પણ આવે અને અમેરિકામાં પણ ઘણે ઠેકાણે એ બહુ સરસ છે; પણ કેલ્ગેરી પાસે તો અપ્રતિમ છે. આ કેનેડિયન રોકીઝનો આખો વિસ્તાર વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત થયેલો છે. એ બે રાજ્યો, આલ્બર્ટા અને બ્રિટિશ કોલમ્બિયામા ફેલાયેલો છે.
અમે શરૂઆત યોહો નેશનલ પાર્ક થી કરી. ક્રિ ભાષામાં યોહો એટલે વિસ્મય અને અહોભાવ. અહીં કુદરત ની કરામત જોઈએ એટલે આ બંને લાગણીઓ છલકાયા જ કરે! આ વિસ્તારમાં થોડા આગળ ગયા એટલે સ્પાઇરલ ટનલ પોઇન્ટ આવ્યું. રોકી પર્વત માળા ને ભેદી દેશના પશ્ચિમ ભાગને પૂર્વ સાથે જોડવા રેલસેવા ચાલુ કરવાનું મુશ્કેલ કાર્ય લગભગ સો વર્ષ પહેલાં પૂરૂં કરવામાં આવેલું. બે જગ્યાએ ઢોળાવ એટલો સીધો હતો કે ત્યાં સ્પાઇરલ ટનલ બનાવવામાં આવી. ટનલ ના બે છેડા વચ્ચે ઊંચાઇમાં લગભગ બે માળ જેટલો ફરક. આ પાટા પર મોટે ભાગે માલગાડી અને દિવસમાં એકાદ ટુરિસ્ટ ટ્રેન ફરે. અમે પર્વતમાં ટનલ શોધતા હતા ત્યારે એક ગુડ્સ ટ્રેન આવી. ધીરે ધીરે ઉપર ચઢતી ટ્રેન ટનલ ના નીચલા છેડામાથી અંદર ગઈ અને થોડી વાર પછી ઉપર ના છેડે એન્જિન બહાર આવ્યું. ત્યારે હજુ પાછલા ડબ્બા નીચે ના લેવલ પર જ હતા એટલે સરસ મજાનો આઠડો બન્યો હતો .
આ એન્જિનીયરીન્ગ કમાલ જોવાનું ગમ્યું. હવે નૈસર્ગિક કમાલ નો વારો આવ્યો. નામ નેચરલ બ્રિજ. ત્યાંથી જે નદી વહે છે તેનું નામ છે, કિકીન્ગ હોર્સ - લાત મારતો ઘોડો! આ નદી એ રસ્તે આવતા ખડક ને પોતાના પાણીની લાત મારી મારીને એની નીચે થી પોતાની જગ્યા એવી રીતે બનાવી છે કે ઉપરના ખડકો પુલ હોય એવું લાગે. બે ખડકો વચ્ચે થોડી જગ્યા હોય તેમાંથી નીચે પાણીની લાતો દેખાતી હતી! પુલ પર થોડું ડરતા ડરતા ચાલી આવ્યા અને સાહસ ના સેલ્ફી પણ પાડી લીધા. આ નદી અને આસપાસના ખડકો નું સૌંદર્ય જોઇ બદ્રીનાથ પાસે જોયેલી સરસ્વતી નદીની યાદ આવી ગઈ.
નેચરલ બ્રિજ જોઈ અમે એમેરલ્ડ લેક પહોચ્યા. પન્ના, નીલમ કે પિરોજ જેવા મૂલ્યવાન રત્નમાં અલગ અલગ લીલા રંગ જોવા મળે છે. ન્યુઝીલેન્ડના પ્રવાસ દરમિયાન અમે નદી અને લેકના પાણીમાં લીલા અને ભૂરા રંગના ઘણા શેઇડ જોયા હતા. પણ આ લેકના પાણી નો રંગ જોઈ અમે દંગ રહી ગયા. કહે છે કે જે સાહસિકે આ લેકનુ નામ એમેરલ્ડ આપ્યું એણે પહેલાં લેક લુઇસનું નામ એમેરલ્ડ પાડેલુ પણ પછી આ લેક જોયા પછી એને લાગ્યું કે આ જ સાચું એમેરલ્ડ છે. એની સાથે સહમત થતા અમે થોડી વાર ત્યાં શાંતિ થી બેસી રહ્યા.
પછી ભૂખ લાગી એટલે નજીકના ગામ ફિલ્ડ ના વિઝિટર સેન્ટર પહોંચી ત્યાં પિકનીક બેઠકો પર તળાવ કિનારે બેસીને પેટપૂજા કરી. હા, અહીં પણ તળાવ તો ખરું જ. અને હજુ તો અમારે બે પ્રસિદ્ધ તળાવ અને એક મોટો ધોધ જોવા જવાનું હતું! રોકીઝ મા ફરવા ની આ જ તો મજા છે. થોડા વર્ષો પહેલા અમેરિકા થી આવેલા એક મિત્ર એ કરેલી વાત યાદ આવી ગઈ. એના પપ્પા ફરી અમેરિકા જવા તૈયાર નહોતા. કહે કે ત્યાં પહાડ, પાણી ને પથરા સિવાય બીજું શું છે! એમની દ્રષ્ટિએ આ વાત સાચી હશે પણ પ્રવાસી તરીકે તો આનો આનંદ લેતા અમે કદી થાક્યા કે ધરાયા નથી.
પછી અમે ટકાકાવ ફોલ્સ જોવા નીકળ્યા. આ ધોધ કેનેડા નો ત્રીજા નંબરનો ધોધ છે. રસ્તામાં એના નામ પર આપણી રીતે મજાક પણ કરી લીધી કે ટકે શેર ખાવાનું સાંભળ્યું હતું પણ ટકા ખાવાનું તો આ ધોધ અથવા આપણા રાજકારણીઓ જ કરી શકે! લગભગ અઢી સો મીટર થી વધુ ઊંચો આ ધોધ, ખરેખર સુંદર અને અદભૂત છે. છે. ગોવા અને મેંગલોરની વચ્ચે આવેલા રમણીય જોગ ફોલ્સ ની યાદ આવી ગઈ. ફરક એટલો કે જોગ દૂર થી જ જોઇ શકાય, જયારે અહીં નજીક જઈ એની ઠંડી ઠંડી વાછટનો પણ લાભ લઈ શકાય.
યોહો નેશનલ પાર્ક ની સફર આ નયનરમ્ય ફોલ્સ જોઈ પૂરી કરી.
લેક લુઇસ
કેનેડિયન રોકીઝ ના જોવા લાયક સ્થળો, ત્રણ મુખ્ય નગર ની આસપાસ આવેલા છે. બાન્ફ, લેક લુઇસ અને જાસ્પર. યોહો નેશનલ પાર્ક ફરી ને અમે લેક લુઇસ જવા નીકળ્યા. લેક લુઇસ, આ વિસ્તારનુ અદભૂત સૌંદર્ય! ગયા વખતે વાત કરી હતી કે લેક એમેરલ્ડ ના પાણી નો રંગ લેક લુઇસ કરતાં વધુ લીલો - એમેરલ્ડ જેવો છે. અહીં રંગ થોડો ભૂરાશ પડતો લીલો છે. પરંતુ લેક લુઇસ નું સ્થાન વધુ સુંદર લાગ્યું. આસપાસ નાના પર્વત ને લીધે, આ જગ્યા કલાકાર ના અપ્રતિમ ચિત્ર જેવી લાગે છે અને અહીં ફોટો પાડીને તરત ફેસબુક પર પોસ્ટ કરવા નું મન થાય એવું છે.
આ વિસ્તારમાં હાઈકીન્ગનો ઘણો મહિમા છે. અને તેને અનુરૂપ આ લેક ની આજુબાજુ પણ ચાલવા ની ઘણી કેડી છે. અમે પણ એક નાની - ત્રણ કિ.મી ની ટ્રેઇલ પર પગ છૂટા કરી આવ્યા. પાછા આવી ત્યાં ની ખૂબસૂરત પંચતારક હોટલ ફેરમોન્ટ માં નાસ્તો કરતા ફરી કુદરતની કરામત માણી..
પછી અમે લેક મોરેઇન જોવા નીકળ્યા. પ્રમાણમાં નાનું એવું આ તળાવ અને એની આસપાસના રિસોર્ટ હનીમૂન કપલ્સ માટે ખાસ ગણાય છે. આમ પણ આપણે અહીંથી જઇયે એટલે ત્યાં બધું શાંત જ લાગે પણ આ વિસ્તાર તો એકદમ શાંત છે. એમ લાગતું હતું કે એમેરલ્ડ અને ટરકોઈઝના બધા રંગ જોઈ લીધા, પણ અહી વળી એક જુદો શેઇડ મળ્યો. લેક લુઇસ ના પાણીના રંગ કરતા અહીં વધુ ભૂરાશ છે. અહીં પેલી રંગની જાહેરખબર બને તો મેરા વાલા યે રંગ ને બદલે ફલાણા લેક વાલા યે રંગ જેવી બનાવી શકાય!
અમુક લોકોને એમ થશે કે આ પાણીના રંગની વાત છોડે તો સારું, પણ મને બધી જગ્યાઓએ એવો વિચાર આવતો કે આવા સરસ રંગ કેવી રીતે બનતા હશે! એટલે ઘરે જઈ ગૂગલદેવને પૂછ્યું ! જાણવા મળ્યું કે આ બધા લેક ગ્લેશિયર (હિમનદી)ના પાણીથી બને છે. ગ્લેશિયર ખસે ત્યારે તેના રસ્તામાં આવતા પહાડો અને ખડકોનો પણ ચૂરો થતો જાય. આમાં ચૂનાના કે ગ્રેનાઈટના ખડકો હોય તેનો કાંપ પાણીમાં ભળે અને તેના પર સુર્યપ્રકાશનું પરાવર્તન થાય ત્યારે અવનવા રંગ જોવા મળે.
આ વિસ્તારનું બીજું એક રમણીય આકર્ષણ છે જોહ્નસ્ટન કેન્યન અને તેના બે ધોધ - લોવર અને અપર ફોલ્સ. પણ ત્યાં સુધી પહોંચવા માટે થોડી કસરત ખરી એટલે અમે સવારમાં ત્યાં પહોંચી ગયા. સવારે બીજો ફાયદો એ કે પ્રવાસીઓ થોડા ઓછા હોય. લોવર ફોલ્સ સુધી પહોંચવાનું સહેલું છે - લગભગ 1 કિમી રસ્તો, સરસ જંગલની કેડી અને ઓછો ઢોળાવ - અડધા કલાકમાં આરામથી પહોચી જવાય. એક નાનકડું તળાવ જેવું બનેલું અને તેમાં આ ધોધ પડે. ત્યાં નદીની ઉપર એક નાનકડો પુલ, જેના પર ઊભા રહી આ ધોધ સરસ રીતે જોયો. મસૂરીમાં આવો કેમ્પ્ટી ધોધ છે જે આનાથી મોટો છે , પણ હવે તેની આજુબાજુ એટલી દુકાનો અને કચરો કરી દીધો છે કે, તેની સુંદરતાને જાણે ગ્રહણ લાગી ગયું છે! લોવર ફોલ્સમાં સુંદરતા બગાડે એવું કઈ નથી. પુલની પેલી બાજુ લગભગ 20 લોકો ઊભા રહી શકે એટલી જગ્યા અને ખડકમાં એક નાની ટનલ જેમાંથી પસાર થઈને ધોધની એકદમ લગોલગ જઈ શકાય। માંડ 3-4 જણ ઊભા રહી શકે એટલી જગ્યા એટલે ફોટા પાડવાનું મુશ્કેલ પડ્યું। પણ ધોધની વાંછટ માણવાની મજા આવી ગઈ!
એ જોઈ અપર ફોલ્સ જોવા નીકળ્યા. હવે ખરો કોતરો નો ચઢાણ વાળો રસ્તો શરુ થયો. અમુક જગ્યાએ સાંકડી કેડી અને અમુક જગ્યાએ તો તે પણ નહીં - ફક્ત પહાડની સાથે લગાવેલી બોર્ડવોક! પણ આ બધે સલામતી ની એટલી ચિંતા એ લોકો એ જ કરી હોય કે આપણે ડરવાનું રહે નહીં. બોર્ડવોક માં એકે જગ્યાએ પાટીયું નીકળી ગયું ન હોય અને બહારની બાજુએ સરસ રેઈલીંગ . એક બોર્ડ મૂક્યું હોય કે કોઈએ અહીં દોડવું નહીં અને બધા, બાળકો પણ- એ શિસ્ત પાળે. આજુબાજુ લાઇમ સ્ટોન ના પહાડો નું સૌન્દર્ય અને વચ્ચે કોતરમાં વહેતી જોહ્નસ્ટન નદી. નાના નાના ફોલ્સ તો આવ્યા જ કરે. લગભગ પોણા બે કિમી નું અંતર કાપતા કલાક ઉપર થઇ ગયો. આટલી મહેનત કરી હોય એટલે આપણી અપેક્ષા વધી જાય. અપર ફોલ્સ ના વ્યુ પોઈન્ટ પર પહોંચી એવું લાગ્યું કે મંઝિલ કરતાં સફર વધારે સુંદર હતી! શિયાળામાં આ ધોધ આખો થીજીને બરફ થઇ જાય છે અને અહીં સાહસિકો આઈસ ક્લાઈમ્બીંગ કરે છે! આવું જ જાસ્પર પાસે પણ થાય છે. શિયાળાને ઘણી વાર હતી એટલે એના ફોટા અમારા એડમન્ટન ના મિત્રો કુંદન અને વ્યોમેશ પાસે જોઈ લીધા!