દુનિયાની અજાયબીઓ :: ભાગ-3
કાળા પથ્થરો ચડે
સામાન્ય રીતે લોકો દેવી દેવતાઓના મંદિરમાં ફૂલ હાર અને અગરબતી સાથે પૂજા-અર્ચના કરતા જોવા મળે છે. પરંતુ ઉત્તર પ્રદેશમાં એક મંદિરમાં કંઈક અલગ રીતે પૂજા કરવામાં આવે છે. અહીં લોકો દેવી પર કાળા પથ્થરો ચડાવી પૂજા-અર્ચના કરે છે. ઈટાવા જિલ્લાથી આશરે 40 કિલોમિટર દૂર નગભાભીટન ગામ સ્થિત આવેલા ભુજંગા દેવી મંદિરમાં વર્ષોથી આ પરંપરા ચાલતી આવી છે. શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પુરી કરવા માટે દેવી ભુજંગાને કાળા પથ્થરો ચઢાવે છે. મંદિરના પુજારી જગરામ દાસે જણાવ્યું હતું કે, જે લોકો સાચા દિલથી મંદિરના દ્વારા મસ્તક જુકાવી, પાણી અર્પણ કરીને દેવીના કાળા પથ્થરો ધરે છે તેની ઈચ્છા જરૂર પુરી થાય છે. 65 વર્ષીય પુજારીના જણાવ્યા પ્રમાણે મંદિરમાં આ પરંપરા કેટલા વર્ષોથી ચાલે છે તેના વિશે કહેવું મુશ્કેલ છે. પરંતુ અહીં આસપાસ રહેલા લોકો કહે છે કે છેલ્લા 200 વર્ષથી મંદિરમાં આવો રિવાજ ચાલી રહ્યો છે. આ રિવાજ પાછળ પણ એક અનોખી વાર્તા છે. અહીંના સ્થાનિક વ્યક્તિના જણાવ્યા પ્રમાણે કાળા પથ્થરો ચઢાવવાની પરંપરા મંદિરના નિર્માણ સાથે જોડાયેલી છે.
લિંગ રૂપે પૂજાય છે દેવી
ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આદિકાળથી લિંગપૂજા થતી આવી છે. આમ છતાં ભારતમાં એક મંદિર એવું પણ છે કે જ્યાં દેવીની લિંગપૂજા થાય છે. એટલું જ નહીં પણ આ દેવીની પૂજા માટેનો મોકો પણ વર્ષમાં એક જ વાર મળે છે.
મંદિર માત્ર આ બે બાબતો માટે જ વિખ્યાત નથી. મંદિર પૂરી થતી મનોકામનાઓ માટે પણ વિખ્યાત છે. અહીં એવી મનોકામના માંગવામાં આવે છે કે જેની ઈચ્છા દરેક નરનારી કરે છે. માનતા પૂરી કરવાની રીત પણ અનોખી છે. આવો જાણીએ આ મંદિર વિશે.
આ અનોખું મંદિર છત્તીસગઢમાં અલોર ગામની પહાડીઓ પર આવેલું છે. આ મંદિરમાં દેવીની પૂજા માટે લિંગ રૂપ કેમ છે તેની પાછળ માન્યતા એવી છે કે આ લિંગમાં શિવ અને શક્તિ બંનેની શક્તિ સમાયેલી છે. એવી માન્યતા છે કે સંતાનપ્રાપ્તિની મનોકામના અહીં જરૂર પૂરી થાય છે.
આથી નિઃસંતાન દંપતિ આ મંદિરમાં આવીને સંતાન સંબંધી માનતા માને છે. કહેવાય છે કે અહીંયા માંગેલી મનોકામના ફળે જ છે. આ મંદિરમાં આવીને જો તમે દેવીના દર્શન કરવા ઈચ્છતા હોય તો તમારે લિંગઈ ગટ્ટા પહાડી પર જવું પડે. આ પહાડ પર આવેલી એક ગુફામાં માતા લિંગરૂપે સ્થિત છે.
આ લિંગની ઉંચાઈ બે ફૂટ છે. એવું કહેવાય છે પહેલા આ લિંગની ઉંચાઈ ઓછી હતી પણ તે દરવર્ષે ધીરે ધીરે વધી રહી છે. માતાના મંદિરમાં પ્રવેશ મેળવવો પણ મુશ્કેલ છે. મંદિરનું પ્રવેશદ્વાર ખુબજ નાનું અને સાંકડું છે. સૂઈને કે બેસીને અંદર દાખલ થવું પડે તેમ છે.
મંદિરનું ગર્ભગૃહ પણ નાનું છે. માંડ 20થી 25 વ્યક્તિઓ સાથે મળીને તેમાં પૂજા-અર્ચના કરી શકે છે. લિંગઈમાતા મંદિરમાં મનોકામના માંગવાની રીત પણ અનોખી છે. જ્યારે મનોકામના પૂરી થાય ત્યારે અહીં ન તો કોઈ આભૂષણો ચડાવવામાં આવે છે કે ન વસ્ત્રો ચડાવાય છે.
અહીંયા કોઈ ભોગ પણ ચડાવાતો નથી. કોઈ બલિ પણ અપાતો નથી. બાધા રાખવાવાળાએ ખીરાનો પ્રસાદ ચડાવાનો હોય છે. પ્રસાદના રૂપમાં પછી તે ખીરા પતિ-પત્નીને પાછી આપાય છે તેને નખોથી તોડીને સરખા બે ભાગ કરવામાં આવે છે પતિ-પત્ની બંને એક-એક ભાગ માતાજીની સામે જ આરોગે છે.
સંપત્તિ અને ધન લાભ માટેઃ આ મંદિર સાથે જોડાયેલી તાજુબ પમાડે તેવી એ વાત છે કે એક દિવસની પૂજા પછી મંદિરનો દરવાજો બંધ કરી દેવામાં આવે છે. મંદિર બંધ કરાયા પછી બહાર રેતી પાથરી દેવામાં આવે છે.
વર્ષ પછી જ્યારે મંદિર ખોલવામાં આવે છે ત્યારે રેત પર જે ચિન્હ અંકાયેલું મળે છે તેના પરથી વર્ષ કેવું જશે તેનો અંદાજ લગાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કમળનું નિશાન અંકિત હોય તો ધન અને સંપત્તિમાં વધારો થાય છે.
જો વાધના પગનું નિશાન અંકિત હોય તો સાલ દરમિયાન ભય અને આતંકનો માહોલ છવાયેલો રહે છે. જો કુકડાના પગનું નિશાન અંકિત હોય તો તે વર્ષે દુકાળ પડે છે. હાથીઓના પગનું નિશાન અંકિત હોય તો ઉન્નતિ થાય છે જો ઘોડાના પગનું નિશાન હોય તો વર્ષ દરમિયાન યુધ્ધ ફાટી નીકળે છે.
શિવજી વિશે અજબ જેવી વાત એ છે કે તેમની પૂજા મૂર્તિ ઉપરાંત શિવલિંગ સ્વરૂપે વધારે થાય છે. દૈવી શક્તિની યોનિથી વીંટળાયેલી લિંગ ઊર્જાનું, નવસર્જનનું, સ્ત્રી-પુરુષ ઊર્જાના ઐક્યનું પ્રતિનિધિત્વ કરે છે. કહેવાય છે કે અગાઉ શિવલિંગ હીરામાંથી બનાવવામાં આવતું, એ પછી એને પથ્થરમાંથી કંડારવાની શરૂઆત થઈ.
એક થિયરી પ્રમાણે શિવલિંગને હિન્દુ માન્યતાના સૌથી પ્રચલિત મણિ એવા શ્યામંતક સાથે પણ જોડવામાં આવે છે. ચમત્કારિક શક્તિઓ ધરાવતો આ અતિશય ઊર્જાવાન મણિ વાસ્તવમાં રેડિયોઍક્ટિવ ગુણો ધરાવતો હોવાની એક થિયરી છે. સૂર્યની ભેટ અને ભગવાન શ્રીકૃષ્ણ પાસે રહેલો આ શ્યામંતક ત્યાર પછી પેઢી દર પેઢી એકથી બીજા હાથમાં ફરતો રહ્યો. એને બાહ્ય આક્રમણોથી છુપાવી રાખવા માટે શિવલિંગમાં જ છુપાવી રાખવામાં આવતો હોવાની એક વાત છે.
આ શ્યામંતકના રેડિયોઍક્ટિવ ગુણોને કારણે એમાંથી ઉત્સર્જિત થતી ગરમીને શાંત પાડવા માટે જ શિવલિંગ પર સતત જળનો અભિષેક કરવાની પ્રથા શરૂ થઈ હોવાનું કહેવાય છે. સ્ત્રી-પુરુષના ઐક્યના સ્વરૂપે જ શિવજીના અર્ધનારીશ્વર સ્વરૂપની કલ્પના થઈ છે.
પાર્વતીજીની ભક્તિથી પ્રસન્ન થયેલા શિવજીએ તેમને પોતાના અડધા શરીરમાં સ્થાન આપ્યું. એ પર્ફેક્ટ દામ્પત્યજીવનનું તો પ્રતીક છે જ, પરંતુ એ વ્યક્તિમાં સ્ત્રી-પુરુષ, મસ્ક્યુલાઇન-ફેમિનાઇન, પુરુષપ્રકૃતિ એવી ઊર્જાના સંતુલનનું પણ પ્રતીક છે. બૌદ્ધ પરંપરામાં રહેલો યિન-યાંગ કન્સેપ્ટ પણ આવા જ સંતુલનની વાત કરે છે.
ઉંદર મંદિર
કરણી માતા મંદિર- કરણી માતા મંદિર રાજસ્થાનમાં બીકાનેરથી થોડે જ દૂર પર દેશનોક નામના સ્થાન પર છે. આ સ્થાન ઉંદર મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે. આ મંદિરની વિશેષતા એ છે કે, અહીં ભક્તોથી વધારે કાળા ઉંદર જોવા મળે છે અને કાળા ઉંદરો વચ્ચે જો તમને સફેદ ઉંદર જોવા મળી જાય તો સમજી લેજો કે તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ જશે. આ જ અહીની માન્યતા છે.
જોકે, આ ઉંદરોને અહી કાબા તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ કાબાઓને ભક્તો દ્વારા દૂધ અને લાડવાઓ પણ પિરસવામાં આવે છે. આશ્ચર્યજનક વાત તે પણ છે કે, અસંખ્ય ઉંદરોથી ઘેરાયેલ આ મંદિરની બહાર એક પણ ઉંદર જોવા મળતો નથી, આ મંદિરની અંદર ક્યારેય બિલાડી પણ પ્રવેશ કરતી નથી. એવુ પણ કહેવામાં આવે છે કે, જ્યારે પ્લેગ જેવી બીમારીએ પોતાનો આતંક ફેલાયો હતો ત્યારે આ મંદિર જ નહીં આખું દેશનોક આ બીમારીથી સુરક્ષિત હતું.
પાણીની ધારા
ઝારખંડની રાજધાની રાંચીથી ૨૦ કિ.મી. દૂર આવેલા એડચોરો નામની પહાડીઓમાં સ્થિત ‘ટંગરા મહાદેવ’ નામનું મંદિર અનેક બાબતોને લઈને સ્થાનિકોમાં અનેરી આસ્થાનું કેન્દ્ર છે. અહીંના મંદિરના પ્રાંગણમાં એક શિલા આવેલી છે. કહેવાય છે કે, જે કોઈ સાચા દિલથી ‘મહાદેવ ટંગરા’ની આ શિલા પર હાથ ફેરવે તો, તેમાંથી તરત જ પાણીની ધારા વહેવા માંડે છે અને સ્પર્શ કરનારની તમામ ઇચ્છાઓ પૂરી થાય છે. અહીં બાજુમાં જ પથ્થર પર પગલાં પડેલાં છે. લોકવાયકા મુજબ ભગવાન શ્રીરામ અને માતા સીતા વનવાસ દરમિયાન આ સ્થળે પણ રોકાયાં હતાં. એ પગલાં તેમનાં જ છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટે છે. રામનવમી, મહાશિવરાત્રી અને શ્રાવણ માસ દરમિયાન ભક્તોનું જાણે કે ઘોડાપૂર ઊમટે છે.