અમુક સંબંધો હોય છે
ભાગ ૭
  
     આગળ ભાગ ૬ માં આપે જોયું કે, અનમોલ રોજની માફક  ઘરની અંદર આવી ઓફીસ બેગ સોફા પર મુકતા મોટેથી જાનવીને બોલાવે છે. જાનવીનો કોઈ જ અવાજ ન સંભળાતા તે કિચનમાં જઈ ફરી મોટેથી જાનવીને બોલાવે છે. તે એક નજર બહાર ગાર્ડનમાં ફેરવે છે. સામેથી જાનવીનો કોઈ જ અવાજ ન સંભળાતા તે પોતાની જાતને જ કહે છે.” જાનવી હોલ, કિચન કે ગાર્ડનમાં નથી તો શું થયું...! ઉપર બેડરૂમમાં હશે. આજે ફરી બેડરૂમને એક નવો જ રોમેન્ટિક લુક આપી રહી હશે.” અનમોલ ‘આશિક બનાયા, આશિક બનાયા આપને...’ સોંગ ગણગણતો સીડી ચડી ઉપર બેડરૂમ તરફ જાય છે. બેડરૂમ માંથી જાનવીનો ખાસવાનો અવાજ સંભળાતા તે સોંગ ગણગણવાનું બંધ કરી જલ્દી અંદર જાનવી પાસે જાય છે. જાનવીને બેડ પર ગરમ બ્લેન્કેટ ઓઢેલ જોય અનમોલ ગભરાય જાય છે. “ જાનવી શું થયું તને?” આટલું બોલતા તે જાનવીના કપાળ પર હાથ મુકે છે. “ઓહ, માય ગોડ...તને તો સખત તાવ છે”
હવે આગળ - 
અનમોલને ચિંતામાં જોઈ જાનવીએ તેમની ચિંતા દુર કરતા કહ્યું, “ અરે, તમે ચિંતા નહિ કરો. કાલ સવાર સુધીમાં હું બિલકુલ ઠીક થઇ જઈશ. મેં મેડીકલ માંથી તાવની ગોળી મગાવીને ખાઈ લીધી છે”  
અનમોલે જાનવી પર ગુસ્સો કરતા કહ્યું, “શું? તે મેડીકલ માંથી દવા મગાવીને ખાઈ લીધી? તારાથી મને એક ફોન નતો થઇ શકતો? મેડીકલ વાળો શું ડોક્ટર હતો? શું એ તને તપાસીને દવા આપી ગયો છે? મેડીકલ વાળાને કેમ ખબર પડે કે તારો તાવ કયા પ્રકારનો છે?” 
અનમોલને આગળ બોલતો અટકાવતા જાનવીએ કહ્યું, “ બસ, બસ આગળ કેટલા પ્રશ્નો પૂછવા છે? હું એટલી પણ બીમાર નથી કે તમારે મારી આટલી બધી ચિંતા કરવી પડે” 
જાનવીનો આટલો અવાજ સાંભળતા અનમોલની ચિંતા થોડી ઓછી થાય છે. તે પ્રેમથી જાનવીને કહે છે, “ હું તારાથી નારાજ છું, તારે મને એક ફોન કે મેસેજ તો કરવો જોઈતો હતો. હું તાત્કાલીક તારી સામે હાજર થઇ ગયો હોત”  
જાનવીએ અનમોલનો ચહેરો પોતાની હથેળીમાં લેતા કહ્યું, “હું જાણું છું કે મારા પતિદેવને મારી કેટલી ચિંતા છે. અને હું એ પણ જાણતી હતી કે આજે ઓફિસમાં તમારે કેટલું કામ હતું.માટે જ....”. 
જાનવીનું અધૂરું વાક્ય કાપતા અનમોલ કહે છે, “ મારા માટે મારા કામથી વધુ મહત્વની તું છો. અને હું એ  પણ જાણું છું કે મારી પત્ની એક પતિવ્રતા નારી છે, પણ હવે મને પણ પત્નીવ્રતા બનવાનો એક મોકો આપ” 
તે ખિસ્સા માંથી મોબાઈલ ફોન કાઢી ડોક્ટરને ફોન કરે છે. થોડી જ વારમાં ડોક્ટર આવીને જાનવીનું ચેકઅપ કર્યા બાદ કહે છે, “ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. પણ.....” 
 ‘પણ’ શબ્દ સાંભળતા જાનવી અને અનમોલ એકી સાથે જ ડોક્ટરને પૂછે છે, “પણ શું ડોક્ટર સાહેબ?”  
ડોક્ટર થોડું સ્મિત સાથે બોલ્યા, “ જાનવી માં બનવાની છે” 
આજ સુધી અનમોલ અને જાનવીએ ફક્ત સાંભળ્યું જ હતું કે ડોક્ટર એ ધરતી પરના ભગવાન છે પણ આજે અનમોલ અને જાનવી માટે સાચે જ  આ  ડોક્ટર ભગવાન સમાન પુરવાર થયા હતા
અનમોલ ડોક્ટરને બહાર દરવાજા સુધી મુકવા જતા દિલથી તેમનો આભાર માને છે અને મેઈન ગેઇટ બંધ કરી ખુશી ખુશી જાનવી પાસે આવે છે. બંને એકબીજાને કહેવા તો ઘણું ઈચ્છતા હતા પણ શબ્દો મળવા મુશ્કેલ હતા.જાનવી સવારની ભૂખી હતી માટે અનમોલ જાનવીને થોડીવાર બેડરૂમમાં જ આરામ કરવાનું કહી પોતે  કિચનમાં રસોઈ બનાવવા જતો રહે છે. અનમોલને આજે પહેલીવાર કિચનમાં રસોઈ બનાવવા જતા જોઈ જાનવી ચોર પગે સીડી ઉતરી કિચન પાસે આવી અંદર રસોઈ બનાવી રહેલ અનમોલને એકી નજરે જોયા કરે છે. થોડી વાર બાદ જાનવીના ખાસવાનો અવાજ સંભળાતા અનમોલ પાછળ ફરી એક નજર કિચન બહાર ફેરવે છે. જાનવીને બહાર ઉભેલ જોય તે બોલ્યો , “ તું નીચે શા માટે આવી? તને ડોકટરે આરામ કરવાનું કહ્યું છે ને? જા તું ઉપર જઈને આરામ કર. રસોઈ બની જાશે એટલે હું ઉપર આવીને તને જમાડી જઈશ”.
 જાનવી કિચનની અંદર આવી પ્લેટફોમ પર બેસે છે અને બાજુમાં પડેલ લોટલા ડબ્બામાં એક આંગળી વડે થોડો લોટ લઇ અનમોલના ગાલ પર લગાવતા કહે છે, “ મારે હવે આરામની બિલકુલ જરૂર નથી. મારે અહી બેસીને એ જોવું છે કે મારા વ્હાલા પતિદેવ મારા માટે શું રસોઈ બનાવી રહ્યા છે..!”.
 અનમોલ કુકરમાં ખીચડી મુકતા જાનવી પર મીઠ્ઠો ગુસ્સો કરે છે,” મેડમ બીમાર છે તો પણ તેમને રોમેન્ટિક વાતો જ સુજે છે. અને હા કાલથી તને ભાવતી રસોઈ બનાવી આપીશ, પણ આજે તો ડોકટરે તને માત્ર ખીચડી જ ખાવાનું કહ્યું છે”
જાનવીને બાળપણથી જ ખીચડી નામથી  નફરત હતી. તે એવું જ માનતી કે ખીચડી બીમાર લોકો જ ખાય છે. અને આજે ખીચડી ખાવાના વિચાર માત્રથી જ તેમનો મુડ ઓફ થઇ જાય છે. જાનવીનો મુડ ફરી ઠીક કરવા અનમોલ ગેસ પર કુકર મુકતા સોંગ ગાવા લાગે છે,- 
“એક ગરમ ચાય કી પ્યાલી હો,
કોઈ ઉસકો પિલાને વાલી હો.
ચાહે ગોરી હો યા કાલી હો,
સીનેસે લગાને વાલી હો”
અનમોલને સલમાનખાનની નકલ કરતા જોઈ તે હસવા લાગે છે અને બાહો ફેલાવી અનમોલને પોતાની પાસે બોલાવે છે. અનમોલ પોતાના ભીના હાથ રૂમાલ વડે લુછતા જાનવી પાસે જઈ તેમને પોતાની બાહોમાં ભરી લે છે. બંને કિચનની બારી માંથી બહાર ઝરમર વરસતા વરસાદમાં ગાર્ડનમાં ગુલાબના છોડમાં ખીલમાં જઈ રહેલ ફૂલની કડીને એકી નજરે નિહાળ્યા કરે છે અને ખુલ્લી આખે જ ભવિષ્યના સપના જોવા લાગે છે. થોડીવાર બાદ કુકરની સીટી વાગતા બંને ફરી વર્તમાનમાં આવે છે. 
 અનમોલે ગેસ બંધ કરતા કહ્યું, “ તું બહાર ડાયનીંગ ટેબલ પર બેસ હું ખીચડી લઈને આવું છું.”
જાનવીએ બહાર જતા જતા કહ્યું. “બહાર આટલું રોમેન્ટિક વાતાવરણ છે અને આ મહાસય આજે મને બોરિંગ ખીચડી ખવડાવી રહ્યા છે.”
જાનવી દ્વારા ધીમેથી બોલાયેલ આ વાક્ય સાંભળી અનમોલ પાછળથી જાનવી પાસે આવી ખિસ્સા માંથી રૂમાલ કાઢી જાનવીની આખો પર પટ્ટી બાંધતા કહે છે, “આ ખીચડી ભલે બોરિંગ હોય, પણ તારો પતિ તો રોમેન્ટિક જ છે ને”
જાનવીએ થોડું મોઢું બગાડતાકહ્યું, “તો શું તમે મને બહાર ડીનર માટે લઇ જવાના છો?”
અનમોલ જાનવીને આગળ બોલતા અટકાવતા કહે છે, “ તું ફક્ત દસ મિનીટ મૂંગી બેસીસ?” 
જાનવી પોતાની જાત સાથે જ વાતો કરવા લાગે છે, “ સાચી વાત છે... સમય અને સંજોગો બદલાતા સંબંધોમાં રહેલ પ્રેમ અને લાગણી પણ બદલાય છે. લગ્ન પહેલા ગર્લફ્રેન્ડનો અવાજ કોયલ જેવો લાગે છે, પણ લગ્ન બાદ એ જ ગર્લફ્રેન્ડ જયારે પત્ની બને છે ત્યારે એમનો અવાજ કાગડાના અવાજ જેવો કર્કશ લાગે છે”
“ તું કેટલું બોલે છે...! હવે ફક્ત પાચ જ મિનીટ મૂંગી રહી શકીશ? આંખ પર પટ્ટી ખોલું ત્યાર બાદ તું જ નક્કી કરજે કે સમય અને સંજોગો બદલાતા મારો તારા પ્રત્યેનો પ્રેમ વધ્યો છે કે ઘટ્યો છે? 
થોડીવાર બાદ અનમોલ જાનવીની આંખ પર બાંધેલ રૂમાલ હટાવતા મોટેથી કહે છે,- “સરપ્રાઈઝ”
અનમોલે ડાયનીંગ ટેબલને ગુલાબની પાંદળીઓથી સજાવ્યું હતું. ઉપરાંત હોલ અને કિચનની લાઈટ ઓફ કરી મીણબતીઓ પ્રગટાવી હતી. મીણબતીનો આછો પ્રકાશ અને તાજા ગુલાબની મહેક જાનવીને ફરી મુડમાં લાવે છે. અનમોલ હોલમાં રહેલ મ્યુઝીક સીસ્ટમ ચાલુ કરતા જાનવીને પોતાની પાસે બોલાવે છે.
અનમોલને આટલો રોમેન્ટિક મુડમાં જોઈ જાનવી તેમની પાસે જઈ તેમની સાથે કપલ ડાન્સ કરતા કહે છે, “તમે હોલ, કિચન અને ડાયનીંગ ટેબલને ભલે રોમેન્ટિક બનાવ્યું , પણ ડીનરમાં તો આખરે આ બોરિંગ ખીચડી જ ખાવાની છે ને...!
અનમોલ ડાયનીંગ ટેબલ પર રાખેલ બાઉલ માંથી થોડી ખીચડી વાટકીમાં લઇ એક ચમચી ભરી જાનવીને ખવડાવતા કહે છે,- “પહેલા ખીચડી ચાખી જો, પછી કહેજે કે ખીચડી બોરિંગ છે કે આજે આ પણ મારા જેવી રોમેન્ટિક છે?
જાનવી ખીચડીનો કોળીયો ગળે ઉતારતા કહે છે, “અરે વાહ, અનમોલ... ખીચડી તો સાચે જ ખુબ ટેસ્ટી છે”
અનમોલ જાનવીના હોઠ પર રહેલ ખીચડીને લુછતા કહે છે, “ ટેસ્ટી કેમ ન હોય...! મેં ખીચડી વઘારી નાખી છે,અને ઉપરથી તારો ફેવરીટ ચાટ મસાલો પણ છાંટ્યો છે”
જાનવી બાઉલમાં રહેલ બધી જ ખીચડી પ્લેટમાં લઇ લે છે અને પોતાના હાથે અનમોલને પણ ખવડાવે છે. સાથે ડીનર કર્યા બાદ જાનવી થોડીવાર બહાર ચાલવા જવાની જીદ કરે છે. અનમોલ જાનવીને ફરી ઉદાસ જોવા ઇચ્છતો ન હતો માટે જાનવીની વાત માની લે છે. તે અંદર સ્ટોરરૂમ માંથી છત્રી અને રેઇનકોટ લઇ આવે છે.
અનમોલના હાથમાં છત્રી અને રેઈનકોટ બંને જોઈ જાનવી આશ્ચર્યથી પૂછે છે, “ આ શું...! છત્રી અને રેઈનકોટ બંને કેમ લાવ્યા? બહાર એટલો પણ વરસાદ નથી કે રેઈનકોટ પહેરવો પડે.
અનમોલ જાનવીને રેઈનકોટ પહેરાવતા કહે છે, “છત્રી ફક્ત તને વરસાદના પાણીથી જ બચાવશે જયારે આ રેઈનકોટ તને ઠંડા પવનથી પણ બચાવશે”
જીવનમાં કદી જંખેલુ બધું મળતું નથી અને જે મળે છે એ જંખેલુ હોતું નથી. પણ જયારે જંખેલુ મળી જાય છે ત્યારે જીવન જન્નત સમાન લાગવા લાગે છે. અનમોલનો અઢળક પ્રેમ આજે જાનવીને જન્નતની એક અનોખી જ દુનિયાનો અહેસાસ કરાવી રહ્યો હતો. તેમની આંખોમાં ખુશીના આંસુનું એક એક બિંદુ ઉપસી આવે છે. તે અનમોલના ગળે વળગી શબ્દો વિના માત્ર અહેસાસ દ્વારા મનોમન અનમોલનો આભાર માની રહી હતી. 
અનમોલ જાનવીની આંખોમાં ઉપસી આવેલ બિંદુને પોતાની હથેળીમાં મુકતા કહે છે, “ તમે અહી હોલમાં જ આંસુઓનો વરસાદ વરસાવા લાગસો તો બહાર આકાશ માંથી વાદળો રિસાઈને વરસાદ વરસાવવાનું બંધ કરી દેશે.”
હોલની દીવાલ પરની ઘડીયાર રાત્રીના દસ વાગ્યાનો સમય બતાવી રહી હતી. અનમોલ જાનવીની વાત સાથે સહમત થતા બંને થોડીવાર બહાર ચાલવા જાય છે. વરસાદી માહોલને લીધે રસ્તો સાવ સુમસાન લાગી રહ્યો હતો. ક્યારેક દેડકાનો ડ્રાઉ... ડ્રાઉ... અવાજ સંભળાય રહ્યો હતો તો ક્યારેક આકાશમાં ચમકી રહેલ વીજળીના કડાકા સંભળાય રહ્યા હતા. થોડું આગળ ચાલતા અનમોલ જાનવીને પાછા ઘેર જવાનું કહે છે, પણ જાનવી હજુ થોડીવાર વધુ વરસાદની મજા માણવાની જીદ કરી રહી હતી. 
અનમોલે જાનવીને સમજાવતા કહ્યું, “શું તું એવું ઇચ્છે છે કે તારા ગર્ભમાં ઉછરી રહેલ આપણા બાળકને કોઈ નુકશાન પહોચે...?”
જાનવી અનામોલે પુછેલ સવાલનો જવાબ આપ્યા વિના જ પાછી વળી ઘર તરફ જવા લાગે છે. જાનવીને ઉદાસ જોઈ અનમોલને પણ પોતે કહેલ વાત પર અફસોસ થઇ રહ્યો હતો. જાનવીના જીવનમાં ફક્ત કાગળ,કલમ, મ્યુઝીક અને ડાન્સ જ તેમના ઉદાસ ચહેરા પર ફરી સ્મિત લાવી શકે તેમ હતા માટે અનમોલ જાનવીને ફરી મુડમાં લાવવા તેમની આગળ જઈ રસ્તા પર જ હ્રીતિક રોસનનો ડાન્સ કરવા લાગે છે. 
“ઇધર ચલા, મેં ઉધર ચલા..
જાને કહા મેં કીધર ચલા..
અરે ફિસલ ગયા..
એ તુને ક્યાં કિયા...!” 
અનમોલને હ્રીતિક રોસનનો ફની ડાન્સ કરતા જોઈ જાનવી ખડખડાટ હસવા લાગે છે. જાનવીને હસતા જોઈ અનમોલ તેમની પાસે જવા એક ડગલું ભરે છે ત્યાજ તેમનો પગ લપસતા તે નીચે જમીન પર કીચડમાં પડે છે. અનમોલના શરીર પર લાગેલ કીચડ દુર કરતા જાનવીએ કહ્યું,” હ્રીતિકની નકલ કરે એમની દશા તો આવી જ થાય. મારો હ્રીતિક તો કરોડોમાં એક છે “
અનમોલે ગુસ્સો કરતા કહ્યું, “તારો હ્રીતિક ? તો પછી લગ્ન પણ તારે તારા હ્રીતિક સાથે જ કરવા હતા ને...!”
જાનવી અનમોલને ધક્કો મારી ફરી કીચડમાં ધકેલતા કહે છે, “ અરે વાહ..., મેં ફક્ત આજે ‘મારો હ્રીતિક’ કહ્યું તો તમને આટલો ગુસ્સો આવી ગયો અને તમે આખો દિવસ પેલી શ્રેયા ઘોસાલના જ ગીતો સાંભળો છો તો શું મને તમારા પર ગુસ્સો નહિ આવતો હોય...!”
“તું વાતને ક્યાંથી ક્યાં ખેચી જાય છે..! મને ફક્ત શ્રેયાનો અવાજ ગમે છે કારણ કે એમના અવાજમાં કોયલના અવાજ જેવી મીઠાસ છે”
આખી દુનિયાએ લતા મંગેશકરના અવાજને કોયલના અવાજ સાથે સરખાવ્યો છે જયારે તમે ફક્ત શ્રેયાના અવાજને જ કેમ કોયલના અવાજ સાથે શરખાવી રહ્યા છો?”
અનમોલ કઈ પણ બોલે એ પહેલા જ જાનવી આગળ બોલવા લાગે છે, “કોઈ જ જવાબ નથી ને તમારી પાસે ? ક્યાંથી હોય જવાબ..! બોલતી જ બંધ થઇ ગઈ ને ? કઈ વાંધો નહિ, હું જ આપું છું જવાબ... તમને લતાજીના અવાજ કરતા શ્રેયા ઘોસાલનો અવાજ વધુ ગમે છે કારણ કે શ્રેયા યંગ છે ઉપરથી દેખાવમાં ખુબ સુંદર છે” 
અનમોલ પોતાના શરીર પર લાગેલ કીચડ સાફ કરતા ઉભા થવાની કોસીસ કરે છે. તે પોતાનો એક હાથ ફેલાવી જાનવીની મદદ માંગતા કહે છે,” શું કઈ પણ બોલે છે ? શું તને મારા પ્રેમ પર એટલો પણ વિશ્વાસ નથી ?”
જાનવી પોતાનો હાથ અનમોલને આપી તેમને કીચડ માંથી બહાર લાવતા કહે છે, “અરે, મારા વ્હાલા પતિદેવ.. હું તો બે ઘડી મજાક કરું છું. અને આમ પણ મારે ચિંતા કરવાની શું જરૂર છે..! એ શ્રેયા ક્યાં અહી આવવાની છે..! ‘ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગુ તેલી’ ક્યાં એ આટલી મોટી સિંગર ને ક્યાં તમે કીચડમાં લપસીયા ખાઈ રહેલ...”
જાનવીની વાત કાપતા અનમોલે કહ્યું, “સમાજની દ્રષ્ટીએ હું ભલે ગંગુ તેલી હોય, પણ તારા જીવનમાં તો તારો રાજકુમાર જ છું ને..!
 
અનમોલની વાત સાથે સંપૂર્ણ સહમત થતા જાનવીએ કહ્યું, “ હા તમારી એ વાત તો સાચી, “તુમ્હી મેરે મંદિર, તુમ્હી મેરી પૂજા. તુમ્હી દેવતા હો..”
એકબીજાનો હાથ પકડી પોતાના ઘર તરફ જતા બંને એકી સાથે જ બોલી ઉઠે છે, “ચલ ચલે, અપને ઘર, હમસફર...”
                                                ક્રમશ: ..........
( મિત્રો, પ્રસ્તુત સ્ટોરી આપને પસંદ આવી રહી હોય અને આગળ પણ વાચવા ઉત્સુક હોય તો વોટ્સઅપ પર મને મેસેજ કરી આપનો અભિપ્રાય જણાવવા વિનંતી.)
                                                                                                                                                                                                             ધર્મિષ્ઠા પારેખ 
                                                                                                                                                                      8460603192