કૃષ્ણ અને કૃષ્ણત્વ.....
ભગવાન શ્રીવિષ્ણુ અધર્મનો નાશ અને લોકસેવા કાજે જુદા-જુદા ૨૪ અવતારો ધારણ કરી પૃથ્વી પર અવતર્યા. તેમના દરેક અવતારો આંશિક હતા. માત્ર કૃષ્ણ એક જ પૂર્ણ અવતાર કહેવામાં આવ્યો. કારણ કે કૃષ્ણનું જીવન જન્મથી લઇ મૃત્યુ સુધી પ્રેરણાદાઈ હતું. માનવ તરીકે જ જન્મ લઈ તેઓ માનવની રોજીંદી ઘટનાઓ માંથી પસાર થયા. જીવનની હરેક ડગર પર મળતા સુખ-દુઃખમાંથી પલાયન થયા વગર તેનો સ્વીકાર કર્યો, તેનો સામનો કર્યો. કૃષ્ણ એ પોતાનું જીવન એક ઉત્સવ બનાવી દીધું. સહજપણું એજ કૃષ્ણત્વ છે. કૃષ્ણને શોધી નાં શકાય તેમને પામી શકાય. કૃષ્ણ એ અવિરત યાત્રા છે, તેમણે કદાપિ એક જગ્યાએ ઉભા રહી જિંદગીની પ્રતિક્ષા કરી નથી. હમેંશા ચાલતા રહી જિંદગીને માણી છે.
દુનિયાના દરેક ભગવાનને જોઈ લો, અભ્યાસ કરી લો તો તમે જાણસો કે બધા ઉદાસન હતા, નીરસ હતા, ક્યારેય તેમના મુખારવિંદ પર સહજ સ્મિત નહોતું. ઈશુ વિષે એવું કહેવાતું કે તે જિંદગીમાં ક્યારેય હસ્યાં નહોતાં! આ સકલ વિશ્વમાં શ્રીકૃષ્ણ જ એક એવા ભગવાન અવતર્યા કે જેમના ચહેરા પર સદાય સ્મિત રહેતું. કૃષ્ણનું જીવન સ્ટાઈલસ હતું. એ સમયમાં માથે મોરપીંછ રાખી એ ઘૂમતાં.
આશરે પાંચ હજાર વર્ષ પૂર્વે જન્મેલ કૃષ્ણનાં વિચારો આજે પણ એટલા જ અર્થપૂર્ણ લાગે છે. તેમના વિચારોનો વ્યાપ દિવસે દિવસે વધતો જશે. એનું કારણ એ છે કે કૃષ્ણ એ આનંદના પર્યાય છે. જે પરિસ્થિતિ આવી હોય એમાં જીવી લેવું, એનો મક્કમતાથી મુકાબલો કરવાનો સંદેશો એ આપે છે. સંસારી સંન્યાસી થઇ આ જીવનને માણી લો એવું નિરંતર કહે છે, બીજા ભગવાનોનાં જીવનચરિત્ર અને વિચારોનું તારણ કાઢતાં એ નિષ્કર્ષ પર પહોચાય કે કૃષ્ણને બાદ કરતા દરેક ભગવાન એવું કહેતા કે જીવનમાં સતકાર્યો કરો, દુરાચારોનો ત્યાગ કરો, ખોટું આચરણ ન કરો તમને સ્વર્ગ મળશે, તમને મોક્ષ મળશે. કૃષ્ણ એ તો આ જિંદગીને જ સ્વર્ગ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આજની ભૌતિકવાદી પેઢીને આનંદ, ઉત્સવ જોઈએ છે, તેને કોઈ વસ્તુનો ત્યાગ કરી મોક્ષ અને સ્વર્ગની મહેચ્છાઓ નથી, અહીં જ સ્વર્ગ ભોગવવું છે. માટે સાંપ્રત સમયનો માનવી દિવસે દિવસે કૃષ્ણનાં વિચારોથી વધારે પ્રભાવિત થઇ એની નજીક થતો રહેશે. કારણકે કૃષ્ણનાં વિચારો સાથે નવી પેઢીના વિચારો મેળ ખાય એમ છે! હવેનો જમાનો વિષાદી, ત્યાગવૃતિનાં સમર્થક, મર્યાદામાં બંધાવાનું કહેતા સાધુ-ભગવાન-આચાર્યો-ગુરુઓથી વિમુખ થતો જશે. માટે જ આ ધરતી પર જ્યાં સુધી માનવીનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી કૃષ્ણનું નામ ચોક્કસ રહેશે. કૃષ્ણ હજારો વર્ષ પહેલા જન્મી ચુક્યા છે પણ તેમનાં વિચારો નિત્ય તરોતાજા લાગે છે.
શ્રીરામનાં જીવનચરિત્રને તમે આંગણામાં માવજતથી ઉછરેલ નાનકડા બગીચા સાથે સરખાવી શકો. જેમાં દરેક વસ્તું સુયોજિત જગ્યાએ ગોઠવાયેલ હોય. શું કરવું શું ન કરવું એની મથામણ મનમાં ચાલતી હોઈ. લોકો શું કહેશે તેનો છૂપો ડર હોય. મર્યાદાનાં વાડામાં બંધાઈને જીવન વ્યતીત કરવાની ટેક હોય. આથી વિપરીત કૃષ્ણનું જીવન ઘનઘોર જંગલ જેવું છે. તેમાં ઉબડ-ખાબડ કંટકોથી ભરેલી કેડીઓ છે, મનમોહક ફૂલોની ખુશ્બુ છે. વિકરાળ પ્રાણીઓની આહટ છે, મનભાવક કલરવ કરતાં પક્ષીઓની ગૂંજ છે. ઝેરી ફળ-ફૂલો છે, અમૃત સમા ફળ અને આજીવન યુવા રહી શકાય એવી જડીબુટીઓ પણ મોજુદ છે. કૃષ્ણ પથ ખૂબ કઠિન છે, માટે જ કૃષ્ણની લોકોએ પોતાના જીવનમાં આંશિક સ્વીકૃતિ આપી છે.
વ્રજને ચાહનારનાં મનમાં ગીતાનો કૃષ્ણ કલ્પવો કપરો છે, એને તો કૃષ્ણનાં બાલ્યસ્વરૂપમાં રુચી છે. સુરદાસજીનાં પદ માત્ર કૃષ્ણનાં બાળલીલા પુરતા જ સીમિત હતા! મહર્ષિ વેદવ્યાસની ગીતા સમર્થક પ્રજાને કૃષ્ણની બાલ્યલીલાની એલર્જી હશે! કૃષ્ણને પૂર્ણ રીતે સ્વીકારીને આજ સુધી કોઈ ધર્મ જ બન્યો નથી. આ પણ એક નવાઈ છે. કૃષ્ણને સમજવો કપરો છે. એ ચીર હરી પણ શકે અને ચીર પૂરી પણ શકે! કૃષ્ણનાં જીવનનું મન ફાવે તેમ અર્થઘટન કરી અસંખ્ય ધર્મ ફૂટી નીકળ્યા છે! આવું તો ફક્ત કૃષ્ણ સાથે જ થાય.
કૃષ્ણત્વ પામવા માટે કૃષ્ણમય થવું પડે. માખણ-ચોર થવું પડે, રાસલીલા રચવી પડે, મસ્તી-મજાકમાં ચીર હરવા પડે, સગા મામા અધર્મી હોય તો તેને મારવા પડે, દુશ્મનનો વિનાશ કરવા સુદર્શન છોડવું પડે, લોકોની મુશ્કેલીઓને ધ્યાને લઇ રણછોડી દુર વસવાટ કરવો પડે, સગા-સંબંધીને થતાં અન્યાયને લીધે કુરુક્ષેત્રમાં મહાભારતનાં યુધ્ધમાં સારથી તરીકે સરીક થવું પડે! એક જ માનવીનાં જીવનમાં કેટલી બધી વિસંગતતા છે!
પાંચ હજાર વર્ષોથી પણ વધારે સમયમાં કૃષ્ણને પૂરો સમજી શકે તેવો કોઈ મનુષ્ય જનમ્યો નથી. જો કૃષ્ણને સમજનાર કોઈ પાક્યો હોત તો ભારતવર્ષની પ્રજા આટલી નમાલી, કાયર ન હોત. માનવ ઇતિહાસમાં આજ સુધીનું સૌથી ભીષણ યુદ્ધ મહાભારત આપણે લડ્યા છીએ. તે યુદ્ધનાં પરિણામોથી ભારતની પ્રજા એટલી બધી હતપ્રાય થઇ કે એ પછી કોઈ યુદ્ધ જ ન લડ્યું! શ્રીકૃષ્ણ ધારત તો મહાભારતનું યુદ્ધ અટકાવી શકત. ધર્મ અને નીતિનાં પક્ષે રહી એ આ યુદ્ધનાં શાક્ષી બન્યા. શું તેમને આ યુદ્ધનાં પરિણામની ખબર નહોતી? કૃષ્ણ યુદ્ધખોર નહોતા, યુદ્ધ એક જ આખરી રસ્તો હોય તો એ તેનો સ્વીકાર કરવાનો ખચકાટ પણ નહોતા અનુભવતા. ગીતામાં એમણે ફળ કે પરિણામનો વિચાર કર્યા વગર કર્મ કરવાની સલાહ આપી છે. કૃષ્ણનો એક પણ સાચો અનુયાયી પાચ હજાર વર્ષમાં થયો હોત તો ભારત બહારથી થયેલ આક્રમણ વખતે સમગ્ર ભારતભ્રમણ કરી દરેક રાજા-મહારાજાને એક કરી દુશ્મનોનો મુકાબલો કરવાનો ઉપદેશ આપત, નહીં કે કૃષ્ણની રાસ-લીલા, પદ, ભજનમાં રચ્યાં-પચ્યાં રહી ગુલામીની ગર્તામાં આ દેશને ધકેલત. ભારતની આ રાષ્ટ્ર ભીરુ જનતાના માનસપટ પર યુદ્ધનાં પરિણામોનો ડર બતાવી ગુલામ બનવા પાછળ બની બેઠેલ મહાત્માઓનો ફાળો સૌથી મોટો છે. કૃષ્ણત્વ ન પામવાની આજે ભારત ખુબ મોટી કિંમત ચૂકવી રહ્યું છે.
જે તે દેશોનાં ઈતિહાસ તપાસો તો માલુમ થશે કે જે દેશો એ વધું યુધ્ધો લડ્યા છે એ દેશોમાં જ આજે સૌથી વધારે શાંતિ અને આર્થિક સમૃદ્ધિ છે. દા.ત. જર્મની,જાપાન,ફ્રાંસ, અમેરિકા,ઈંગલેન્ડ. જો આપણે સંપૂર્ણ કૃષ્ણત્વ પામ્યા હોત તો આજ સુધીમાં આપણે મહાભારત જેવા ૫૦-૧૦૦ યુધ્ધો લડ્યા હોત. આપણે યુધ્ધ પહેલા તેનાં પરિણામોની ફિકર કરીએ છીએ. જે કૃષ્ણના વિચારોથી વિસંગત છે.
જ્ઞાન,ભક્તિ અને કર્મનો ત્રીભેટા સંગમસમી ગીતા કૃષ્ણ એ આપેલ આપણેને અમુલ્ય વારસો છે. ગીતાજીને વિદેશોની વિદ્યાપીઠો મેનેજમેન્ટનું પ્રમાણ ગણી તેના કોર્ષમાં સામેલ કરે છે. કોઈપણ વક્તાની મોટીવેશન સ્પીચ સાંભળો એ બધું કૃષ્ણએ પાચ હજાર વર્ષ પહેલા ગીતાજીમાં કહેલું જ છે! છતાં આપણે એમની ઘોર ઉપેક્ષા કરીએ છીએ.
કૃષ્ણની સંપૂર્ણ સ્વીકૃતિ જ માનવનું કલ્યાણ કરશે. ગાંધીજી કહેતા કે હું અવારનવાર ગીતાજીનાં પાઠ કરું છે, તેમણે પણ મહાભારતનાં ભીષણ યુદ્ધને રૂપક કથા કહી છેદ ઉડાડી દીધો હતો! ગાંધીજી જેવા અહિંસક વ્યક્તિ આવી યુદ્ધ ખુવારી કઈ રીતે સ્વીકારી શકે? જો ગાંધીજી જેવા વિદ્વાન માણસ કૃષ્ણને ના સમજી શકે તો સામાન્ય માણસ માટે કૃષ્ણત્વ સમજવું ખુબ અઘરુ છે. આશા રાખું આગામી પેઢી કદાચ કૃષ્ણને સમજી શકે.
ભારતભરમાં ગીતાજીના ઉપાસક કરતા શ્રીકૃષ્ણને બાળરૂપે પૂજનારા વધારે છે! રાધા-કૃષ્ણની રાસ-લીલા સાંભળી ગદગદિત થનારો વર્ગ વધારે છે, કૃષ્ણનાં પ્રેમથી ભીંજાવા છતાં પણ દિવસે-દિવસે લોકો પ્રેમથી જ વિમુખ થતા જાય છે! આ કેવી વિડંબણા? સ્ત્રીઓ રાધા-કૃષ્ણનાં પ્રેમના ગુણગાન ગાઈ છે કિન્તું પોતાનાં પતિની પ્રેયસીને ક્યારેય સહન કરી શકતા નથી. દરેકે કૃષ્ણનાં જીવનમાંથી પોતાને માફક આવે તે ગ્રાહ્ય કર્યું. કૃષ્ણને પૂર્ણ કોઈ સમજી કે આચરી શક્યું નથી. માટે જ કૃષ્ણત્વ પામવામાં આજ પણ માનવી વંચિત છે. લોકો એવું પણ કહેતા ફરે છે કે કૃષ્ણ એ કર્યું તેવું નહિ કૃષ્ણએ કહ્યું તેવું કરો. કૃષ્ણ આજે પણ માનવજાત માટે ગુઢ કોયડો બની ને રહી ગયો છે.
પ્રેમ પામે એને દેહ પામવાની હશે બાધા,
એટલે જ કૃષ્ણને ક્યાં મળી હતી રાધા
કૃષ્ણ વિષે લખીએ અને રાધાનો ઉલ્લેખ ન કરીએ તો અધૂરું લાગે. રાધા એ કૃષ્ણનો આત્મા છે, રાધા એ અમાપ પ્રેમનું પ્રતિક છે. જો રાધા જ ન હોત તો ભારતનાં ભવ્ય વારસા સમા પાશ્ચાત્ય ભજન, ભક્તિગીત, પ્રેમગીતો, કાવ્યો, શેર, શાયરીમાં મીઠાસ ન હોત. ભારતીય સંગીતમાંથી જો રાધા અને કૃષ્ણને બાદ કરીએ તો સંગીત જ નહિ બચે. એક વાર એક કવિ એ રાધાને કહ્યું “હું તારા પર હજારો કવિતા લખી શકું...શરત માત્ર એટલી જ કે એમાં કાનો નહીં આવે” રાધા એ હસીને ઉત્તર આપ્યો “તમે રાધા લખશો એમાં જ બે વખત કાનો આવશે!”, યમુનાતટ પર આજે પણ ત્યાં જઈ એમના પ્રેમગીતોમાં તરબોળ થવાનું મન થાય. ગોકુલમાં રચેલી રાસ-લીલા, મોરલીનો કર્ણપ્રિય નાદ ન સાંભળી શકવાનું દરેકને દુઃખ હશે. જગતગુરુ કૃષ્ણથી આખી દુનિયા સંમોહિત છે એ જ નાથ રાધાના પ્રેમમાં પાગલ હતો. કૃષ્ણને ૧૬૧૦૮ રાણીઓ હતી. બધી સાથે મજબુરીમાં કરેલ વિવાહો હતા...પણ તેમની સાચી પ્રેયસી તો રાધા જ હતી માટે જ કૃષ્ણની આગળ રાધાનું નામ લખાય છે, માટે જ દરેક મંદિરમાં કૃષ્ણની સાથે પત્ની રુકમણી કે સત્યભામાનાં સ્થાને રાધાજી ઉભેલ જોવા મળે! રાધાનાં વિષાદ, મનોવ્યથા પર ઘણું લખાયું છે, ગવાયું છે પરંતુ કૃષ્ણએ ક્યારેય પોતાના પ્રેમ થકી ઉદભવતા મનનાં ઉચાટ, આવેગ, વિરહતા વિષે ઉલેખ્ખ નથી કર્યો. અર્જુનને રણ-મેદાનમાં ઉપદેશ આપ્યો જેનાં દ્વારા ગીતાજી જેવો દુર્લભ ગ્રંથ આપણને મળ્યો એ જ રીતે પોતાની પ્રેમ-કહાની વિષે દ્રોપદી જેવી મિત્ર કે રુકમણી જેવી નારીશ્રેષ્ઠ પત્ની આગળ પોતાની પ્રેમ-કહાનીનો નિચોડ રજુ કર્યો હોત તો આજે ભારતને વિશ્વનો ઉચ્ચકોટીનો પ્રેમ-ગ્રંથ મળ્યો હોત. આ પ્રેમગ્રંથથી પ્રેમભગ્ન આત્મહત્યા કરતા લાખો યુવાનાં જીવ કદાચ બચી શકત. પ્રેમભગ્ન થકી હતાશ સેકડો પ્રેમીઓ ડીપ્રેશન મુક્ત બની પોતાની લાઈફ જીવી શકત.કદાચ કૃષ્ણ મને મળે તો હું કોઈ નિજસ્વાર્થ માટે આશિર્વાદ મેળવવા કરતા પહેલા તેના પ્રેમ-વિષાદ વિષે ચર્ચા જરુર કરું.
કૃષ્ણનાં જીવનમાં ત્રણ ખાસ મિત્રો હતા. ઓધવજી, સુદામા અને અર્જુન. મિત્રો માટે તે હમેંશા ખડે પગે રહેતા, શક્ય એટલી તમામ મદદ કરતા. કૃષ્ણને પામવાનો સૌથી ટૂંકો રસ્તો એ કે તેના મિત્ર બની જાવ. છપ્પનભોગ ધરાવવા કરતા એક પ્રેમથી કરેલ પોકાર તેમને વ્હાલો લાગે! ...હાં, જેમનાં માટે કૃષ્ણ જાન ન્યોછાવર કરી શકે એવી સ્ત્રી-મિત્ર પણ હતી. દ્રોપદી! પાચ હજાર વર્ષ પૂર્વે કોઈ માણસને સ્ત્રી-મિત્ર હોય, કેટલો આધુનિક હતો કૃષ્ણ!! આજના જમાનામાં હજુંય કૃષ્ણભક્તો સ્ત્રી-મિત્ર રાખવામાં છોછ અનુભવે છે.
કૃષ્ણના જીવનમાંથી મળતા જીવન બદલી નાંખે એવા બોધપાઠને લીધે જ એમને જગતગુરુ કહેવાય છે. આવો આપણે સાચું કૃષ્ણત્વ મેળવીએ. કૃષ્ણની જેમ સદાય આનંદિત રહીએ, પળેપળે જીવનમાં બનતી ઘટનાઓનો સહજ સ્વીકાર કરી તેમાંથી ઉત્સવ શોધીએ. જીવનને જ ઉત્સવ બનાવીએ. આ જ તો કૃષ્ણત્વ છે. કોઈ ત્યાગી, વિષાદી, મોઢું ચડાવી ફરતા ગુરુઓને સાંભળવા કરતા જાતે જ ચિંતન-મનન કરી કૃષ્ણને જીવનમાં ઉતારીએ. જીવનને અહીં જ સ્વર્ગ બનાવીએ.
આ તો હરી અનંત કથા અનંતા છે....કૃષ્ણ વિષે જેટલું લખાય એટલું ઓછું જ છે. ખેર ...અંતે એટલું જ કહીશ “यथच्छसि तथा कुरु” (તમારી ઈચ્છા મુજબ કરો)
જય શ્રીકૃષ્ણ....શ્રીકૃષ્ણમ્ વંદે જગતગુરુ