Mini Myau in Gujarati Children Stories by Sejal ponda books and stories PDF | મીની મ્યાઉ

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

મીની મ્યાઉ

SEJAL Ponda

bansary31@gmail.com

મીની મ્યાઉ

મીની ચાલતા ચાલતા જંગલ સુધી પહોચી ગઈ હતી. જયારે એનું મન ઉદાસ થાય કે દસ વર્ષની મીની દૂર ચાલી જતી. ફ્રોકના ખિસ્સામાં બોર અને આમલી તો હોય જ. સ્કુલે જતી વખતે માંએ આપેલી ભાખરીનો ડબ્બો પણ હતો મીની પાસે. જંગલમાં બહુ અંદર સુધી જવું મીનીને સુરક્ષિત ના લાગ્યું એટલે જંગલની શરૂઆત થાય પછી સો ડગલા ગણીને મીની એક મોટા ઝાડ નીચે બેસી ગઈ. હાથમાં રહેલી લાકડી બાજુ પર મૂકી એ વિશાળ ઝાડને જોવા લાગી. એને યાદ આવ્યું સ્કુલની ચોપડીમાં આવા જ મોટા વડ નામના ઝાડની વાર્તા હતી. મીનીને થોડીક બીક લાગી. કારણકે એ વાર્તામાં વડના ઝાડની આસપાસ એક મોટા યોગી બાવા બેસતા હતા. જે કોઈ ખોટું બોલે એને પકડી પડતા અને સજા આપતા. મીની આજે ખોટું બોલી હતી. સ્કુલે જાઉં છું એમ કહી એકલી નીકળી ગઈ હતી. મીનીએ આજુબાજુ જોયું. કોઈ જ નહોતું. એને થોડી રાહત થઈ. ભાખરીનો ડબ્બો ખોલી ખાવા લાગી અને ત્યાં જ અવાજ આવ્યો ... મ્યાઉ . મીની ડરી ગઈ. પાછળ જોયું તો ચકળ વકળ માંજરી આંખોવાળી એક સફેદ બિલાડી મીનીને જોઈ રહી હતી.

મીનીએ ભાખરીનો એક ટુકડો બિલાડી તરફ મુક્યો. બિલાડી ચપ ચપ ખાઈ ગઈ. ફરી બંનેની આંખો મળી. મીનીને લાગ્યું જાણે સફેદ બિલાડી એની સામે હસી રહી છે. મીનીએ આંખ ચોળી. ડબ્બો બંધ કરી. સ્કુલના દફતરમાં નાખી ઉભી થઇ ગઈ તો પાછળથી અવાજ આવ્યો. થેંક યુ મીની. મીની પાછળ ફરી તો બિલાડી હસી રહી હતી. પોતાનો એક પગ ઉંચો કરી બોલી...’હાય મારું નામ કલમ છે.’ મીની ડરીને ચાલવા લગતી તો કલમ બોલી ‘ડર નહિ હું તને કઈ નહિ કરું. ના હું કોઈ ભૂત છું.’ મીની ઉભી રહી અને બોલી : ‘બિલાડી કોઈ દિવસ બોલે ખરી?’ બિલાડી હસતા હસતા બોલી: ‘બિલાડી ના બોલે પણ કલમ બોલી શકે.’ મીની કઈ સમજી નહિ તો કલમ હસતા હસતા બોલી ‘તું બહુ ભોળી છે.’

‘તો એમાં નવું શું છે? મારી મમ્મી પણ એમ જ કે છે.’ મીની મોઢું ચઢાવી બોલી.

‘તને ખબર છે મને આ પહાડો, જંગલ, ફૂલ, નદી આ ગ્રીનરી બહુ જ ગમે છે.’ કલમ બોલી

‘હાઈલા તને તો મારા જ રસનું બધું ગમે છે.’ મીની એકદમ ખુશ થઇ બોલી.

હવે મીનીને કલમની વાતમાં રસ પડવા લાગ્યો. બંનેએ સાથે મળી ભાખરી, બોર, આંબલી ખાધા. એકબીજાની પસંદગીની, અલક મલકની વાતો કરી. અને અચાનક મીનીએ ગુસ્સામાં ભાખરીનો ડબ્બો ફેંક્યો અને બોલી : ‘નથી ગમતું મને ભણવું. આખો દિવસ ભણ ભણ કરીને મારું માથું ખવાઈ જાય છે. કઈ મગજમાં નથી ઘરતું. એમાય ગણિત તો જરા પણ નહિ. ગણિતના અંક જોઈ મને ચક્કર આવે છે. જો અત્યારે નામથી જ ચક્કર આવવા લાગ્યા. મારી ખાસ મિત્ર ટીના પણ મને આખો દિવસ ભણવાની સલાહ આપે છે. એટલે હવે ટીના પણ મને નથી ગમતી.’ મીનીએ છણકો કર્યો.

કલમ માથું ખંજવાળતા બોલી : ‘હમમમ મામલો ગંભીર છે. તારી અને મારી લાઈફ સ્ટોરી એક સરખી જ છે. બટ ડોન્ટ વરી આય એમ વિથ યુ.’

‘તને તો સારું અંગ્રેજી આવડે છે. ક્યાંથી શીખી?’ મીનીએ પૂછ્યું.

‘સંજોગો ભલભલાને ના આવડતુંય શીખવાડી દે છે માય ડાર્લિંગ મીની.’ કલમ થોડી એક્ટિંગ કરતા બોલી. ‘હું ભણી નહિ એનું પરિણામ હું આજે ભોગવી રહી છું. મારી શેઠાણીએ બહુ પ્રેમથી મારું નામ કલમ રાખ્યું હતું. ટ્યુશનના બીજા બાળકો જોડે મનેય ભણાવતા, પણ મારું મન લાગતું નહિ એટલે હું સરકી જતી. જેનું પરિણામ એ આવ્યું કે એક દિવસ શાકવાળા પાસે વીસ રૂપિયાનું શાક લીધા પછી મેં એને સો રૂપિયાની નોટ આપી, પણ બાકીના એંસી રૂપિયા લીધા વગર જ આવી ગઈ. એ દિવસે બહુ વઢ પડી. એ પછી આવા કેટલાય નુકસાન કર્યા. દુકાનના.. ઘરના પાટિયા વાંચતા ના આવડે. એટલે ગમે ત્યાં જઈ ચઢતી. છેવટે મને શેઠાણીએ કાઢી મૂકી.’

મીની કલમની વાત બહું ધ્યાનથી સાંભળી રહી હતી. ના ભણવાને કારણે પોતાના જીવનમાં કેટકેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો એની લાંબી વાત કલમે કરી. મીનીએ એને અઢળક પ્રશ્નો પૂછી નાખ્યા. વાતોનો દોર એવો ચાલુ રહ્યો કે બંને ખાસ બેનપણી બની ગઈ. કલમની ભણવાની વાત મીનીને થોડી થોડી પચવા લાગી.

કલમ ખોખરો ખાતા બોલી : ‘જો મીની. તું ઇચ્છતી હોય કે તારા સપના પુરા થાય તો એના માટે ભણતરની જરૂર પડે. તને ફરવાનો બહુ શોખ છે. તો એના માટે પૈસા જોઈએ. ભણતર વગર તું સારા પૈસા નહિ કમાઈ શકે. મજુરી કરશે તો એમાં માંડ તારું ગુજરાન ચાલશે. અને બહાર નીકળીએ તો છેતરનારા લોકોની સંખ્યા વધુ હોય. ભણતરથી જ્ઞાન આવે. આપણે સ્માર્ટ બનીએ. લોકો ફાયદો ના ઉપાડે. અને ફ્રેન્કલી સ્પીકિંગ એસ અ ગર્લ તારે તો ભણવું જ જોઈએ. હું અત્યારે સ્કુલના ક્લાસની બહાર છુપકેથી ઉભી રહી બધું શીખી રહું છું. મારે કોઈ ઉપર ડીપેન્ડ નથી થવું. મારું ભવિષ્ય હું બનાવીશ. મારા સપના હું પુરા કરીશ.’

મીની હવે કલમથી એકદમ ઈમ્પ્રેસ્સ થઇ ગઈ હતી. એને કલમને છેલો પ્રશ્ન પૂછ્યો. : ‘શું હું પણ મારું ભવિષ્ય ઘડી શકું છું?’

પોતાનો જમણો પગ ઉંચો કરતા કલમ બોલી : ‘તારા હાથમાં કલમ આવશે એટલે તું જાતે તારું ભવિષ્ય ઘડી શકીશ. કલમની તાકાત એને હાથમાં પકડ્યા પછી જ સમજાશે.’

મીનીએ કલમને હાથમાં ઉચકી લીધી અને બોલી : ‘હા સાચે જ કલમને હાથમાં ઉચક્યાં પછી જ સમજાય છે કે તારામાં કેટલી તાકાત છે.’

‘અરે મારી ભોળી મીની. હું મારી નહિ... કલમ એટલે કે પેનની વાત કરું છું.’ કલમ હસતા હસતા બોલી. અને બંને જોર જોરથી હસવા લાગ્યા. કલમે મીનીને એક વાત કાનમાં કહી અને મીનીએ એને પ્રોમિસ આપ્યું.

કલમને આવજો કરી મીની હરખાતી હરખાતી રસ્તા તરફ ચાલવા લાગી. મનમાં વિચારતી રહી કે માં-બાપુ, ટીના, સ્કુલના શિક્ષક સાચું જ કહેતા હતા કે ભણતર જીવન બદલી નાખે છે. મીનીએ મનોમન નક્કી કર્યું કે હવે થી રોજ સ્કુલમાં જશે. ટીના પાસે બેસી ગણિત સમજશે. માં-બાપુ પાસે ગણિતના ઘડિયા બોલશે. રોજ પાઠ વાંચશે. સારા અક્ષરે લખશે. સ્કુલનું વર્ગકામ કરશે. અને સૌથી મહત્ત્વની વાત એટલે કલમ નામની સફેદ બોલતી બિલાડી એને જંગલમાં મળી હતી એ વાત કોઈને કહશે નહિ.

મીની ઘરે જઈ સૌથી પહેલા માને વળગી પડી. માં મીનીને રોજ સમજાવતી કે પોતે ભણી નહિ એટલે ખેતરમાં મજુરી કરવી પડે છે. આ વાત હવે મીનીને બરાબર સમજાઈ ગઈ હતી. મીની માં પાસે આવીને બોલી : ‘માં હવે થી હું રોજ સ્કુલે જઈશ. ખુબ બધું ભણીશ. મોટા થયા પછી તારા માટે મોટું ઘર લઈશ. તને અને બાપુને બધે ફરવા લઇ જઈશ. અને ગરીબ લોકોની સેવા કરીશ.’

મીનીની માંને દીકરીની વાતથી બહુ આશ્ચર્ય થયું. મીનીમાં આવેલા અચાનક બદલાવ વિષે પૂછ્યું તો મીની એટલું જ બોલી કે : ‘માં મને કલમની તાકાત સમજાઈ ગઈ છે.’

-સેજલ પોંદા