Shabdavkash - Ank - 6 - 7 in Gujarati Magazine by Shabdavkash books and stories PDF | શબ્દાવકાશ-6 લેખ-7

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

શબ્દાવકાશ-6 લેખ-7

શબ્દાવકાશ અંક-૬

લેખ ૭ : વાર્તા

માતૃભારતી દ્વારા મેગેઝીનને એક નવતર સ્વરૂપે આપની સમક્ષ રજુ કરવાનું વિચાર્યું છે. દરેક લેખને, દરેક લેખકને એક સરખું ફૂટેજ મળે એ હેતુથી આ નવા સ્વરૂપે ‘શબ્દાવકાશ અંક-૬’નો સાતમો લેખ અમારી ટીમના સક્રિય સભ્ય આલોક ચાટની વાર્તા છે .


તમારા ફીડબેક અને રચનાઓ અમને kathakadi.online@gmail.com પર મોકલી આપો . આ આપણું મેગેઝીન છે તમે પણ જોડાઈ જાઓ .














સપ્ટેમ્બર મહિનાની એ વરસાદી સવાર હતી. હું હજી માંડ ઉઠીને પરવારીને જરા નિરાંતે પેપર હાથમાં લઈને બેઠો ત્યાં જ મોબાઈલ રણકી ઉઠ્યો. સ્ક્રીન પર મોટાભાઈનું નામ વાંચતા જરા ઉતાવળે કોલ રીસીવ કર્યો. મોટાભાઈએ કાકાનાં અવસાનનાં દુઃખદ સમાચાર આપ્યાં. ડાયાબીટીસ અને બ્લડપ્રેશર સામેની દસ વર્ષની લડાઈમાં અંતે કાકા હારી ગયા અને પ્રાણ ત્યજી દીધાં. મોટાભાઈએ ફોન પર આપેલી સૂચના મુજબ મારે મારી પત્નીને લઈને ભાઈ અને ભાભીને એમનાં ઘરેથી પિકઅપ કરીને કાકાનાં ઘરે જવાનું હતું. ખાસ દૂર જવાનું ન હતું. કેશોદ થી જુનાગઢ માંડ ૩૭ કિલોમીટર થાય, પણ વરસાદ એટલો ધોધમાર હતો કે જુનાગઢ પહોંચતા અડધો કલાકના બદલે કલાક જેવો સમય થઈ ગયો. ફૂલ સ્પીડમાં ચાલતા વાઈપર પણ જાણે વરસાદ પાસે લાચાર બની ગયા હતાં, નજીકનું એ માંડ માંડ જોઈ શકાતું હતું.

કાકાનાં ઘરનું વાતાવરણ અતિ શોકમય તો હતું જ, પણ પરિવારજનો દ્વારા થતું આક્રંદ તેને વધુ દુઃખસભર બનાવી રહ્યું હતું. ઘરે પહોંચતાની સાથે જ સૌથી પહેલું કામ અમે બંને ભાઈઓએ કાકાના દીકરાને સધિયારો આપવાનું કર્યું. મારી પત્ની અને ભાભીએ કાકીને તેમજ કાકાની દીકરીને સાંત્વના આપી શાંત પાડવાનું કર્યું. થોડી વાર પછી જ્ઞાતિજનો , બધાં સગાવહાલાં અને સમાજના આગેવાનો આવી જતાં અંતિમ વિધિની શરૂઆત કરી. કાકાનાં મુખમાં ગંગાજલ આપ્યાં બાદ છેલ્લું સ્નાન અને પિતામ્બર પહેરાવ્યું અને એમનાં પાર્થિવ દેહ પર ફૂલ અર્પણ કરીને સૌ પરિવારજનો એ પ્રદક્ષિણા કરી. અંતિમયાત્રા રથને થોડીવાર પહેલાં જ ફોન કરી દીધેલ હોવાથી એ પણ આવી ગયેલો. હું , મોટાભાઈ , કાકાનો દીકરો અને બીજા એક બે જ્ઞાતિજનો અને વડીલો અંતિમયાત્રારથમાં કાકાનાં દેહ પાસે ઉભા રહ્યાં અને બાકીના લોકો પોતાની રીતે મોટરસાઈકલ અને રિક્ષા લઈને સ્મશાન પહોંચવાના હતાં. જૂનાગઢનું સ્મશાન એટલે ખાલી સ્મશાન નહીં, પણ અનેક દેવી દેવતાઓનાં મંદિરો પણ અહીં હોવાથી એક પવિત્ર તીર્થ સ્થળ જેવું છે. જેવો અંતિમયાત્રા રથ સ્મશાનમાં પહોંચ્યો ત્યાં જોયું તો જાણે કોઈ મેળો જામ્યો હોય એટલાં માણસો હતાં. વિદ્યુત સ્મશાન, ગેસ પર ચાલતું સ્મશાન તથા સાદું - લાકડાંવાળું સ્મશાન ત્રણેય હોવાં છતાં કાકાનાં શબ સહિત કુલ પાંચ શબ લાઈનમાં હતાં. લાકડાંવાળા સ્મશાનનું સ્ટેન્ડ ખાલી હતું કારણકે, વરસાદનાં લીધે ત્યાં ઘડીક માં ચિતાની આગ ઉપડે નહીં એટલે કોઈ ત્યાં શબ લઈ જવાની હિંમત કરે એમ ન હતું.

મારી નજર મોહનને શોધતી હતી. હા મોહન, આ સ્મશાનનો મસાણિયો(મહાણિયો). ત્યાં જ સામેથી જાડી ધોકા જેવી ડાંગ પછાડતો આવતો મોહન દેખાયો. દેખાવે જરા શામળો પણ છ ફૂટની પડછંદ કાયા, કાળી ડિબાંગ મોટી મોટી આંખો, લાંબી ભરાવદાર વળ ખાઈ ગયેલી મૂછ અને પૂરેપૂરું કસાયેલું શરીર જેના પર માત્ર એક ફાટેલું બાંય વિનાનું ગંજી, એ પણ બે - ત્રણ થિગડાંવાળા પેન્ટમાં અંદર ખોસેલું , કપાળ પર લાંબું અને લાલ ચટ્ટક તિલક, બાવડાં પર કાળી દોરીથી બાંધેલું મોટું માંદડિયું અને જમણાં હાથમાં પંચધાતુનું જાડું કડું. મને જોતાંવેત મોહનની આંખો ચમકી અને એ જરા ઉતાવળા પગલે મારી પાસે આવ્યો અને મને પૂછ્યું,

“સા’ય્બ હું થ્યું..? હવે કોણ મરી ગ્યું..? હજી તો તમારાં મોટી બા ને મ’યરાને માંડ થોડો વખત થ્યો સે..?”

કાકાનાં અવસાનનાં દોઢ મહિના પહેલાં જ મારાં દાદીમાનું પણ અવસાન થયેલું, ત્યારે મોહનને પહેલી વાર હું મળેલો. મોહનની પોતાનાં આ કામની આવડત, સેવાભાવ અને એની ખુમારી જોઇને હું એનાથી ખૂબ પ્રભાવિત થયેલો. ત્યારે મારે જે થોડી વાતચીત મોહન સાથે થયેલી એના લીધે જ આજે એ મને તરત ઓળખી ગયેલો. હું મોહનને એક બાજુ લઈ ગયો અને કહ્યું,

“ હા મોહન, બા ગુજરી ગયા ના દોઢ મહિનામાં જ હવે કાકા પણ ગુજરી ગયા. પણ આજે સ્મશાનમાં કેમ આટલાં બધાં શબ એક સાથે ભેગા થઈ ગયા છે..? કાકાનાં શબનો વારો ક્યારે આવશે..?”

“હુ ક’વ સા’ય્બ , આ ઉપરવાળાને પણ હખ નથ, ચોમાહાની હાથે પંચક બેહાડી દીધું લાગ’સ, હું હવારનો વરગ્યો’ સુ , પણ એક પછી એક મડદાં આય્વા જ કરે’સે. મશીનમાં તો બ’વ ટેમ જાહે. તમે કે’તા હોવ તો હું લાકડાં ગોઠવી દ’વ? અંદર ઈસ્ટોરમાં થોડાં કોરા લાકડાં પયડા સે ઈ લેવરાવી દયો તો તમારે આ મે માં બવ હેરાન થાવું નો પડે.”

એની વાત સાંભળી હું જરા વિચારમાં પડ્યો કે આટલા વરસાદી વાતાવરણમાં લાકડામાં ચિતાની આગ કેમ કરી સરખી ઉપડશે?

મને વિચારમાં જોઈ જાણે મારી વિમાસણ એ સમજી ગયો હોય એમ એણે કહ્યું,“ સા’ય્બ, ભડકો તરત ઉપડી જાહે ઈ જબાબદારી મારી, ભલે ને ગમ ઈવો મે વરહતો આ મોહન પાહે ઈનું કાંઈ નો આવે...”

મેં જરા વિચાર કર્યો અને પછી કાકાનાં દીકરા અને મોટાભાઈને બંનેને વાત કરી તો એમણે પણ સંમતિ બતાવી એટલે મેં મોહનને લાકડાં ગોઠવવા ઈશારો કર્યો. મોહનની સાથે અમે આઠ દસ જણા અંદર સ્ટોરમાંથી કોરા લાકડાં લઈ આવ્યા. મોહન સ્ટેન્ડ પર લાકડાં ગોઠવતો હતો ત્યારે ક્યારથી મનમાં એક સવાલ સળવળતો હતો એ મેં મોહનને પૂછી લીધો,

“અલ્યા તને આ બધું કામ કરવામાં બીક ન લાગે..? ક્યારેક તો રાતે પણ અગ્નિદાહ કરવા માટે મડદાં આવતાં હોય છે તો..?”

મોહને જરાં વિચિત્ર નજરે મારી સામે જોઈને જવાબ આપ્યો,

“સા’ય્બ મરેલાથી હું બીવાનું આં’ય તો જીવતે જીવતાં જ હં’ધાય એકબીજાનું લો’ય પી જાય, બાકી મેં હજી હુધી કોઈ મડદું એવું ન’થ જોયું કે કોઈને બેઠું થઈને બીવરાવે કે મારી નાખે. આમેય મારે તો આ કાયમનું થ્યું. માણહો આં’યા હુધી આવવામાં ભલે વરહોના વરહ કાઢી નાખે, પણ હું ઈ’મન કલાકોમાં જ અલોપ કરી દઉં ન ભગવાનન હોંપી દઉં. નાનાં હોય કે મોટા , ગરીબ હોય કે રૂપિયાવાળા આ મ’હાણિયો તો ગમે ઈ’ને રાખ કરી નાખે.”

હું મોહનના લાપરવાહ અને એકદમ નિર્ભય છતાં સચોટ જવાબને સાંભળી રહ્યો હતો, ત્યાં મોહને આગળ કહેવાનું ચાલું રાખ્યું..

“હંધાયને આ કામમાં બોવ બીક લાગ પણ હાચું ક’વ તો મને તો આ કામ બો’વ હ’દી ગ્યું શે, અને હવે હારું પણ લાગ’શ. મને તો ઈ’મ લાગ’શ કે ઉપરવાળા અને આ મડદાની વસ્સેનો માણહ જ હું શુ, માણહ જન્મે ઈ પે’લા નવ મહિના એણે માના પેટમાં રે’વું પડે પણ મર્યા પશે તો કોઈ એક દા’ડો પણ ઈ’ને ઘરમાં હન્ઘરે ન’ય અને મારી પાહે લઈ આવે એટલે મારે પણ બે ત’ય્ણ કલાકમાં એને આ ધુ’ય્ળમાં જ ભેળવી દીવાનો. હવે જે ધુ’ય્ળમાં જ ભળી ઝાવાનું હોય ઈ’નાથી હુ બીવાનું સા’ય્બ...?”

લાકડાં ગોઠવતાં ગોઠવતાં મોહન બધી વાત કરતો રહ્યો અને હું એકધ્યાન થઈ બધું સાંભળી રહ્યો. લાકડાં બરાબર ગોઠવાય ગયા પછી કાકાનાં શબને ચિતા પર ગોઠવ્યુ અને અંતિમ પ્રદક્ષિણાને બધી વિધિ પત્યા પછી કાકાનાં દીકરા એ ચેહ આપી. મોહને થોડું ઘાસ સળગાવી ફરતી બાજુ લાકડામાં અડાડી દીધું જેથી આગ ફરતી બાજુ એક સરખી લાગી જાય.

ચિતાએ જરા સરખી આગ પકડી પછી મોહન મારી બાજુમાં આવીને જેવો ઉભો રહ્યો કે મેં જિજ્ઞાસાવશ ફરી પૂછ્યું, “મોહન, તારે ઘરમાં કોણ કોણ છે? તું તો અહીં સ્મશાન માં જ રહે છે ને ...? તો ઘર ક્યાં છે તારું..?”

મોહને જરા અણગમાથી જવાબ આપ્યો, “સા’ય્બ કેવું ઘર...? હવે તો આ મહાણ જ મારું ઘર સે, હાત આઠ વરહનો થ્યો ત્યાં બાપુ મરી ગ્યો ને મા ને તો મેં કોઈ’દી ભાળી જ નથ. બાપુ એવું કે’તો કે મને જણીને જ મારી મા મરી ગઈ’તી એટલે મારો બાપુ મને આખો દા’ડો મહાણિયો , મહાણિયો જ કે’તા. બાપુ મરી ગ્યો પશે એક આઘેરા બાપા હતાં એને ન્યા રેતો’તો ને રખડપટ કરી ને હંધાય ના સુટક કામ કરી કરીને પેટનો ખાડો પુરતો. જરા હમજણો થ્યો એટલે ઈ બાપા એ એક બાઈ હારે પ’ય્ણાવી દીધો, ઈ’માં ઉપરવારા એ એક દીકરો દીધો. માંડ થોડાં વરહ હં’ધુય હમુ હુતરું હાલ્યું તો એક કાળે દા’ડે એક ખટારા વારો રોયો મારાં દીકરાને પીલીને ભાગી ગ્યો. બસ ઈ દા’ડાથી હું હં’ધુય મેલીને આંયા આ મ’હાણમાં જ રે’વા આવી ગ્યો અને બાપુ કે’તાતા ઈમ મહાણિયો જ બની ગ્યો. ”

ખડખડાટ હસતો મોહન હજી આટલું બોલીને પૂરું કરે એ સાથે જ મારાથી રહેવાયું નહીં અને મેં પૂછી લીધું,

“અને તારી ઘરવાળી...? એ ક્યાં રહે છે...?”

“ઈવડી ઈ’ય આંયા ગામ માં જ રે’તીતી, તય્ણ જમણ પે’લા આ જ થાળામાં ઈને’ય બારી નાખી ને મારું કામ કરી નાય્ખું.”

મોહનની આંખોમાં ચિતાની અગ્નિ દેખાતી હતી જે એની આંખોમાંથી વહેતી ગંગા જમના પણ બુઝાવી ન શકી. હું ઘડીભર સ્તબ્ધ થઈને ભીની આંખે મોહન સામે જોઈ રહ્યો. એ પોતાનાં આંસુને ગંજીથી લૂછી સાણસો લઈ ફરી પોતાનાં કામે લાગી ગયો. ત્રણ કલાક જેવાં સમયમાં કાકાનો દેહ પણ માટીમાં મળી ગયો. મોહને ચિતાની રાખ પર પાણી છાંટીને ઠંડી પાડી. રાખમાંથી થતાં છુમકારા અને પછી એમાંથી ઉઠતાં ધુમાડા મને એના દિલમાંથી ઉઠતાં દેખાયા. મોહને એક દોણીમાં અસ્થીઓ ભેગી કરીને આપી. મેં ખિસ્સામાં હાથ નાખી જેટલાં હતાં એટલાં રૂપિયા કાઢી તેના હાથમાં મુકવા કર્યા પણ ત્યાં તેણે પૂરી ખુમારી સાથે મારો હાથ પાછો વાળ્યો અને કહ્યું,

“સા’ય્બ, આ મહાણિયાને આ કાગળીયાની કોઈ ખપ નથ, હંધાય ને રાખ કરતો કરતો હું’ય એક દા’ડો રાખ થઈ જાવાનો. આ તમારી પાહે જ રાખો ઈ તમારા કામના. મારે ન’ય. હાલો સા’ય્બ, હું હવે બીજા મડદાંને ઠેકાણે પાડું, મા મેલડી તમારું હંધુ’ય હારુ કરે... જય માતાજી.”

હું કેટલીયે વાર સુધી મોહનને ઇલેક્ટ્રિક સ્મશાનના આધુનિક બિલ્ડીંગ તરફ જતાં જોઈ રહ્યો અને મારી આંખોમાંથી વહેતાં આંસુઓ તેની ખુમારીને ક્યાંય સુધી બિરદાવતા રહ્યાં.

આલોક ચટ્ટ