Necklace - Chapter 7 in Gujarati Love Stories by Hiren Kavad books and stories PDF | Necklace - Chapter 7

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

Necklace - Chapter 7

નેકલેસ

~ હિરેન કવાડ ~


અર્પણ

૨૦૧૫ ના વર્ષે મને ઘણુ આપ્યુ છે. કેટલીક સુંદર પળો, કેટલીક રેસ્ટલેસ મોમેન્ટ્સ, ડીઅર ફેન્સ, સ્ટનીંગ ફ્રેન્ડ્સ. આ વર્ષમાં એવું એવું થયુ છે જે મારા માટે કમ્પ્લીટલી અનપ્રીડીક્ટેબલ હતો. આ વર્ષે મને હસાવ્યો પણ છે એટલો અને રડાવ્યો છે પણ એટલો. ઘણા વર્ષો પછી બેચેની અને અકળામણોની એવી એવી પળો આપી, જેમાં હું એટલો કન્ફ્યુઝ્ડ હતો કે કંઇ કરવાનું સૂજતુ નહોતુ. આજ વર્ષે મને ધ લાસ્ટ યર જેવી અદભૂત નવલકથા આપી. આ સ્ટોરીનો અમુક ભાગ આ વર્ષની જ પ્રેરણા છે. એટલે જ આ સ્ટોરી હું એક તો મારા લવીંગ રીડર્સને ડેડીકેટ કરૂ છું, જેના ઓવરવ્હેલ્મીંગ લવ વિના હું આજે જ્યાં છુ ત્યાં ન હોત અને બીજુ આ સ્ટોરી મારી લાઇફના એક બીઝાર વર્ષ ૨૦૧૫ને ડેડીકેટ કરૂ છુ.


પ્રસ્તાવના

નેકલેસ, હું એના માટે સરપ્રાઇઝ ગીફ્ટ લઇને ગયો હતો. મારા મગજમાં એના માટેના નેકલેસની એક પર્ટીક્યુલર ઇમેજ હતી. એક અઠવાડીયા સુધી અમદાવાદમાં જ્યાં ત્યાં ફર્યો પણ જેવુ જોઇતુ હતુ એવુ નેકલેસ ન મળ્યુ. આખરે એક ફ્રેન્ડે એની ગર્લ ફ્રેન્ડ માટે એમેઝોન.કોમ પરથી મંગાવેલુ નેકલેસ મારી નજરે પડ્યુ. ‘આ જ’ મારે જે નેકલેસ જોઇતુ હતુ એ નેકલેસ મને મળી ગયુ હતુ.

પરંતુ એની પ્રાયોરીટી બદલાઇ ગઇ હતી. હું એને બર્થ ડેની આગલી રાતના ૧૨ વાગે એના બેડ નીચે એ નેકલેસ છુપાવવા માંગતો હતો. બટ એનું ધ્યાન તો કેક કાપવામાં પણ નહોતુ. એ કોઇની સાથે ફોન પર વાતોમાં ડૂબેલી હતી. ઇગ્નોરન્સ મને બાળી રહ્યુ હતુ. મેં એ રાતે નેકલેસ આપવાનું ટાળ્યુ. બર્થ ડે ના દિવસે એના પ્લાન્સમાં મારી પ્રાયોરીટી ક્યાંય નહોતી. આખો દિવસ અમે વિતાવેલી સુંદર પળોને યાદ કરતો રહ્યો. મેં નક્કિ કરી લીધુ હતુ મારે શું કરવાનું હતુ. રાતે જ્યારે એ ઘરે આવી ત્યારે ફેમીલી સાથે ફરી કેક કાપી. પોણા બાર વાગ્યા સુધી હું એના ઘરમાં જ હતો. મારે એને સૌથી પહેલા પણ વિશ કરવુ હતુ અને સૌથી છેલ્લે પણ. હું એને સતત જોતો રહ્યો અને એ મોબાઇલમાં ડૂબેલી હતી. મને ખબર હતી એ કોણ હતુ. હું પ્રેમની આગમાં બળી રહ્યો હતો. અત્યાર સુધી મેં એને કંઇક જ ગીફ્ટ નહોતુ આપ્યુ. એને એમ જ હતુ કે હવે તો બર્થ ડે પૂરો થઇ ગયો. બારમાં ૫ મિનિટની વાર હતી. એનો બર્થ ડે પૂરો થવાનો હતો. હું એક બહાનુ કાઢીને એના બેડરૂમમાં ગયો. જડપથી એની રજાઇ નીચે મારૂ ગીફ્ટ પેક જેમાં નેકલેસ હતુ એક મુક્યુ અને એક કાર્ડ નોટ મુકી. તરત જ હું મેઇન હોલમાં આવી ગયો. એ હજુ મોબાઇલમાં જ ડૂબેલી હતી. મેં એને ત્રીજીવાર વિશ કર્યુ. પરંતુ એનુ ધ્યાન હજુ કોઇ બીજી વ્યક્તિમાં હતુ. મેં જતા જતા ગુડનાઇટ કહ્યુ. એણે સામુ સુદ્ધા ન જોયુ. હું આ બધુ જ સહન કરવા માટે તૈયાર હતો. ફાયનલી મેં નક્કિ કરી લીધુ હતુ. એ એનાથી ક્યાંય દૂર ચાલ્યો જઇશ. હવે હું એની લાઇફમાં ફરી જવા નહોતો માંગતો. મને ખબર હતી જેવી એ ગીફ્ટ જોશે અને ચીઠ્ઠી વાંચશે એટલે એ તરત જ મને કોલ કરશે કે મેસેજ કરશે. હું જેવો ઘરની બહાર નીકળ્યો એવો તરત મોબાઇલ સ્વીચ ઓફ કર્યો અને હું નીકળી ગયો મારી યાત્રાએ. એ દિવસે મારામાં આગ લાગેલી હતી. હું ઉંઘી ન શક્યો. પરંતુ પ્રેમની આગ એક તરફ નથી લાગતી. પ્રેમ બે ધારી તલવાર છે.

તો પ્રસ્તુત છે સત્યઘટનાઓ પર આધારીત એક કહાની “નેકલેસ”.


પ્રકરણ – ૭

***

આગળ આપડે જોયુ.

મીરા અને વિશાલ એકબીજાની નજીક આવે છે. એ લોકો કેટલીક સારી અને યાદગાર પળો શેર કરે છે. પરંતુ વિશાલની પઝેસીવનેસ મીરાને નથી ફાવતી. પરંતુ મીરા વિશાલ વિના રહી પણ નથી શકતી. વિશાલની પઝેસીવના લીધે જ મીરા મીત સાથેની ફ્રેન્ડશીપ તોડી નાખે છે. પરંતુ વિશાલ અને મીરાની ફાઇટ થતી રહે છે. આઠ મહિનામાં બન્ને વચ્ચે ઘણુ બદલાઇ જાય છે. આખરે વિશાલ નક્કિ કરે છે કે એ મીરાની લાઇફથી ઘણો દૂર ચાલ્યો જશે. એ મીરાને એક નેકલેસ સરપ્રાઇઝ ગીફ્ટ આપે છે અને નીકળી જાય છે. હવે આગળ.

***

૧૩ ડિસેમ્બર, એ દિવસે ત્રણ લોકો રડ્યા હતા. મીત, વિશાલ અને મીરા. ત્રણ લોકો ઘવાયા હતા. વિશાલ, મીરા અને મીત. ત્રણ લોકો તડપ્યા હતા. મીરા, મીત અને વિશાલ.

***

મીરાએ વિશાલને કોલ કર્યો પણ સ્વિચ ઓફ આવી રહ્યો હતો. એણે વોટ્સએપમાં મેસેજ કર્યો બટ ડિલીવર ન થયો. એક તરફ એણે વિશાલને ઇગ્નોર કર્યાની તડપ હતી બીજી તરફ તડપનું નિશાન નેકલેસ હતુ. મીરા પાસે એ દિવસે બે નેકલેસ હતા. એક એની ગરદન પર બંધાયેલ હતુ અને બીજુ એના હાથમાં સુન્ન પડ્યુ હતુ.

***

નેકલેસની સરપ્રાઇઝ મળ્યા પછી એણે બધા જ દરવાજા બંધ કરી દીધા હતા. હવે ન તો એની સાથે મીત હતો ન તો વિશાલ. એક તરફ મીતનો આવેલો મોબાઇલમાં બર્થ ડે વિશનો મેસેજ હતો જેનો જવાબ મીરાએ નહોતો આપ્યો અને બીજી તરફ વિશાલે નેકલેસની સાથે મુકેલી એક નોટ હતી. એ પોતાના બેડ પર લાંબી થઇ. એની આંખો પૂરેપૂરી ભરાઇ ચુકી હતી. એકાંતમાં ડૂસકા કોણ સાંભળી શકે. પણ એ પોતેજ ડૂસકા સાંભળતી રહી.

***

રેડ BMW કોન્સર્ટના બેક સ્ટેજ પાસે આવીને ઉભી રહી ગઇ. લાલ કલરની સાડી. કપાળમાં મોટો ચાલ્લો. હાથમાં બે મોટા કંગણ, કમર સુધીના લાંબા વાળ, ૬ ફૂટની હાઇટ અને પડછંદ ગોરી માંસલ કાયા. એણે BMW માંથી પોતાનો એક પગ બહાર મુક્યો. બન્ને નેકલેસ એના ગળાને શણગારી રહ્યા હતા. એણે માઉથ માઇક પહેરેલુ હતુ. જેવી એ કારની બહાર નીકળી એવા એના મોંમાંથી વિશાળ સ્મિત સાથે શબ્દો પણ નીકળ્યા.

‘પહેલી વાત એમ છે કે આઇ લવ યુ અમદાવાદ.’, જેવુ એ બોલી રિવરફ્રન્ટના મેદાનમાંથી પ્રચંડ ચીચીયારીઓ સંભળાઇ. ‘બીજી વાત એ છે કે ગુજરાત સરકાર આજે સાબરમતી ફેસ્ટીવલ ઉજવી રહી છે. માત્ર અને માત્ર તમારા માટે, અમદાવાદીઓ માટે’, એનો અવાજ પ્રચંડ હતો, આત્મવિશ્વાસથી ભરપૂર, ઉર્જાથી છલોછલ. જેમ જેમ એ પોતાનું માંસલ ખડતલ શરીર સ્ટેજ તરફ લઇ જઇ રહી હતી એમ એમ ચીચીયારીઓ વધતી જતી હતી.

‘અને છેલ્લી વાત કહી દવ?’, એણે સ્ટેજના દાદર ચડતા ચડતા કહ્યુ. ફરી એ જ ‘હા’ ની ચીચીયારીઓ.

‘પાક્કુ?’

‘હાઆઆઆઆ……’,

‘જો જો હો, ગીફ્ટ આપવુ પડશે.’, ચારેતફ ઉત્સાહના અવાજો હતા.

‘તો ત્રીજી વાત એમ છે કે આજે મારો છે બર્થ ડે……….’, જાણે આખુ અમદાવાદ આજે ચીસો પાડતુ હોય એટલો અવાજ આવ્યો.

‘તો હું છુ RJ મીરા. અને તમે?’,

‘અમદાવાદી….’, સામેથી એકસાથે અવાજ આવ્યો. જ્યારે પણ મીરા લોકો સામે આવતી ત્યારે આ સવાલ તો કરતી જ. હવે એ માત્ર મીરા તો નહોતી જ રહી. RJ મીરા બની ગઇ હતી. એ પણ અમદાવાદની સૌથી પોપ્યુલર અને લવ્ડ RJ. અમદાવાદની કોઇ વ્યક્તિ નહોતી જે મીરાને ઓળખતી ના હોય.

‘હવે પાક્કા અમદાવાદી. તમને ખબર છે? આટલી એનર્જી અમદાવાદ સિવાય ક્યાંય જોવા ના મળે.’, એણે પોતાનું એન્કરીંગ શરૂ કર્યુ.

‘ઘણીવાર હું આઉટ ઓફ સીટી જાવ છું ત્યારે સાંભળુ છું. લોકો કહેતા હોય છે અમદાવાદીઓ ખુબ કંજુસ હોય છે. ખેર મને તો એવુ નથી લાગતુ. કારણ કે આજે જ્યારે હું અહિં આવી રહી હતી ત્યારે એક વ્યક્તિ રસ્તા પર રખડતા ૨૦ થી ૨૫ કૂતરાઓને દૂધ પીવરાવી રહી હતી. તો શું તમને લાગે છે અમદાવાદીઓ ચીંગુસ છે?’, એણે ફરી મોટે અવાજે સામેના વિશાળ માનવ સમૂહને પૂછ્યુ.

‘ના……’, સામેથી એ જ એનર્જી સાથે જવાબ આપ્યો.

‘તો શું કરીશું આજે?’, એણે સ્ટેજની આગળ જઇને પૂછ્યુ. સામેથી કોઇ જ અવાજ ના આવ્યો.

‘અરે યાર બોલો તો ખરા આપણે અહિં શાંમાટે ભેગા થયા છીએ? શું કરીશું.’

‘મજાઆઆઆ’, સામેથી અવાજ આવ્યો.

‘એક સીક્રેટ વાત કહું. ઓર્ગેનાઇઝર્સને ના કહેતા.’,

‘હા…’, ઓડીયન્સમાંથી અવાજ આવ્યો.

‘પ્રોમીસને?’, ફરી મીરાએ પૂછ્યુ. ફરી લોકોએ ‘હા’ નો સ્વર ફેંક્યો.

‘મેં આજે એન્કરીંગની પ્રીપેરેશન નથી કરી.’, બોલી અને લોકોમાંથી હસવાનો અવાજ આવ્યો.

‘એનો મતલબ એમ કે આજે ખરેખર મજા આવવાની છે. મને ખબર જ નથી કે અહિં શું શું થવાનું છુ અને હું શું બોલવાની છું.’, ફરી લોકો હસ્યા. મીરાનો આ સેન્સ ઓફ હ્યુમર અને સ્પોન્ટેનીટી જ લોકોને ગમતી હતી. અમદાવાદ RJ મીરાને બહું ચાહતુ હતુ. સવારનો ૭ વાગ્યાનો શો મીરા હોસ્ટ કરતી. અને સૌથી વધારે લીસનર્સ આજ ટાઇમમાં હોતા. સ્કૂલે જતા બાળકોથી માંડીને જોગીંગ કરવા જતા બુઢ્ઢાઓ મીરાને સાંભળતા. મીરા કોઇ પણ વાતને લોકો સામે એવી રીતે રજુ કરતી કે ગળે શીરો ઉતરે એમ વાત ઉતરી જાય.

‘કેન આઇ હેવ અ શેડ્યુઅલ પ્લીઝ?’, મીરાએ પાછળ જોઇને પોતાના કલીગને કહ્યુ. RJ કૃણાલ એક કાર્ડ લઇને આવ્યો.

‘થેંક્સ કૃણાલ.’, મીરાએ કહ્યુ. મીરાએ ફટાફટ શેડ્યુઅલ કાર્ડ પર નજર નાખી. કૃણાલ સાથે બે મિનિટમાં બધુ ડીસ્કસ કર્યુ. પ્રોગ્રામ કૃણાલ હોસ્ટ કરવાનો હતો. અને પ્રોગ્રામ દરમ્યાન જ મીરાને લોકો સાથે અલગ અલગ બાબતે ઇન્ટરેક્ટ કરવાનું હતુ. પરંતુ એ પહેલા પ્રોગ્રામની શરૂઆતમાં ગૂજરાતના મુખ્યમંત્રીના હાથે દિપ પ્રાગટ્ય કરવાનું હતુ.

‘તો આ રહ્યુ શેડ્યુઅલ. થોડી જ વારમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી આવશે અને દિપ પ્રાગટ્ય કરશે. પરંતુ તમને મજા તો આવે છે ને?’, મીરાએ કહ્યુ. સામેથી ફરી હકારાત્મક રીસ્પોન્સ આવ્યો. મુખ્યમંત્રી આવી ચુક્યા હતા.

‘હું આપણા મુખ્યમંત્રીને રીક્વેસ્ટ કરીશ કે એ સ્ટેજ પર આવે અને દિપ પ્રાગટ્ય કરીને પ્રાસંગીક પ્રવચન આપે.’, નીચેથી ગુજરાતના મુખ્યમંત્રી અને મહેમાનો સ્ટેજ પર આવ્યા અને દિપ પ્રાગટ્ય કર્યુ. મુખ્યમંત્રીએ થોડુ કંટાળા જનક પ્રવચન આપ્યુ.

‘થેંક્યુ વેરી મચ ટુ ઓલ ગેસ્ટ.’, જેવુ પ્રવચન અને ફોર્મલ ઇનોગ્રેશન પૂરૂ થયુ એવુ મીરાએ કહ્યુ.

‘તો મારૂ સ્ટેજ પરનું કામ હાલ પૂરતુ તો પુરૂ થયુ છે. હવે હું તમારી પાસે આવુ છું. ઓવર ટુ RJ કૃણાલ.’, મીરાએ કહ્યુ અને RJ કૃણાલ આગળ આવ્યો. મીરા પોતાની સ્ટાઇલમાં સ્ટેજની નીચે ઉતરી અને અમદાવાદીઓના ટોળા તરફ જવા લાગી. એના હાથમાં એક માઇક હતુ. પાછળ એક કેમેરામેન પણ હતો.

‘તો તમને અમદાવાદની કઇ વસ્તુ સૌથી વધારે ભાવે છે?’, એણે ટોળામાં રહેલ એક યંગ છોકરીને પૂછ્યુ.

‘દાળવડા?’,

‘અરે તમે પ્રશ્ન પૂછો છો કે જવાબ આપો છો?’, મીરાએ હસતા હસતા કહ્યુ.

‘દાળવડા જ.’, પેલી યંગ છોકરીએ હસતા હસતા જવાબ આપ્યો.

‘કેન આઇ હેવ અ સેલ્ફી?’, ગૃપમાંથી એક છોકરી આગળ આવી.

‘સ્યોર.’, મીરાએ બધા સાથે ગૃપ સેલ્ફી ખેંચાવી. મીરા કેટલાક છોકરા છોકરીઓ ઉભા હતા એ સાઇડ ચાલી.

‘હાઇ ગાય્ઝ હાવ યુ ડૂઇંગ?’, મીરાએ ત્યાં જઇને કહ્યુ.

‘વન્ડરફુલ.’

‘તમારા લોકોમાંથી ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ કેટલા છો?’, મીરાએ પૂછ્યુ. સામેના બધા હસવા લાગ્યા.

‘ઓકે તો તમે ઓફ ધ રેકોર્ડ જવાબ આપશો એમ?’, મીરાએ સમજીને કહ્યુ. એણે કેમેરામેનને કેમેરો બંધ કરવા કહ્યુ. તરત જ ત્રણ કપલ ફોર્મ થઇ ગયા.

‘તો મારો સવાલ એ છે કે અમદાવાદમાં મેક આઉટ માટેના સૌથી સારા પ્લેસીસ ક્યા ક્યા છે?’, મીરાએ હસતા હસતા પૂછ્યુ. પેલા છ લોકો પણ હસવા લાગ્યા.

‘અરે બોલો બોલો શરમાઓ છો કેમ?’, મીરાએ કહ્યુ.

‘થોળ,’, એક છોકરી બોલી.

‘વાહ.’, મીરાએ કહ્યુ.

‘સેપ્ટની પાછળનો રસ્તો.’

‘મલ્ટીપ્લેક્સ’, એક પછી એક બધા લોકો બોલી રહ્યા હતા.

‘કરાઇ ડેમ ગાંધીનગર’

‘ઇન્દ્રોડા’

‘સરીતા ઉદ્યાન.’

‘૨૮નું ગાર્ડન’,

‘અરે અરે તમે લોકો ગાંધીનગર પહોંચી ગયા. આપણે અમદાવાદની વાત કરવાની છે.’

‘ઓકે ઓકે કાંકરીઆ ઝુ પાર્ક, નગીના વાડી.’, એક છોકરો એની ગર્લ ફ્રેન્ડ સામે જોઇને બોલ્યો. જાણે એમણે ત્યાં ઘણી પળો માણી હોય.

‘અડાલજની વાવ.’

‘કોલેજનો ક્લાસરૂમ.’,

‘વોઓઓ. હિમ્મત છે હો બાકી અમદાવાદીઓમાં.’, મીરાના મોંમાંથી નીકળી ગયુ.

‘એસ.જી હાઇ વે.’

‘કાર.’

‘ઇવનીંગ એટ રીંગરોડ.’, એક છોકરી બોલી અને મીરાના વિચારોમાં વંટોળ આવ્યુ. રીંગરોડ સાંભળતા જ એની મેમરીઝ તાજી થઇ ગઇ.

‘ઓકે થેંક્યુ વેરી મચ ગાય્ઝ. તમે ઘણુ એન્જોય કર્યુ છે.’, સંભાળતા જ મીરા બોલી. એણે એ ગૃપ સાથે સેલ્ફી લીધી અને બીજી તરફ ફરી. અત્યાર સુધીમાં એક ભૂતકાળનું એક સ્થળ એની સામે હતુ. પરંતુ ફરી ત્યારે એનો ભૂતકાળ એની સામે હતો.

બન્નેની આંખો મળી. પહેલીવાર મીરા કોઇની સામે અચકાણી હતી. પરંતુ એ વર્ષોની અનૂભવી RJ હતી. ઢોળ ચડાવતા શીખી ગઇ હતી. તરત જ એણે સામેની વ્યક્તિ સામે સ્માઇલ કરી. પરંતુ સામેથી કોઇ રીસ્પોન્સ ના આવ્યો.

‘હેપ્પી બર્થ ડે.’, એ વ્યક્તિએ હાથ લાંબો કર્યો. એણે વ્હાઇટ બ્લેઝર પહેરેલ હતુ. કાંડામાં મોંઘી ઘડીયાળ હતી. મીરા એને ઓળખતી હતી.

‘થેંક્યુ વેરી મચ સર ફોર યોર વીશીસ. તમારૂ નામ કહેશો અમને ?’, મીરાએ એજ ઉત્સાહથી સીચુએશનને હળવી અને નોર્મલ કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ અજાણ્યા બનવાની એ ભૂલ કરી બેઠી.

‘મીત.’, એ બોલ્યો અને ટોળાને ચીરીને ચાલતો થઇ ગયો. ચારેતરફ લોકો હતા. એ આ બધુ જ જોઇ રહ્યા હતા. સીચુએશન ખુબ જ ઓકવર્ડ હતી. એ ક્ષણભર માટે જઇ રહેલા મીત પરથી નજર ના હટાવી શકી.

‘થેંક્યુ એવરીવન.’, તરત જ મીરા આસપાસના લોકોને જોઇને બોલી અને ત્યાંથી આગળ નીકળી.

‘તમે જાઓ. હું તમને સ્ટેજ પાસે મળુ છું.’, મીરાએ કેમેરામેનને કહ્યુ. એ હેન્ડ માઇક પકડાવીને એ તરફ ચાલતી થઇ જે તરફ મીત જઇ રહ્યો હતો. એની ચાલ ઝડપી હતી. એ જ્યાંથી પણ નીકળતી રસ્તો બની જતો હતો. મીરા બધાને આકર્ષિત કરતી હતી. લાલ સાડીમાં એક સંપૂર્ણ સ્ત્રી ભીડને ચીરીને જઇ રહી હતી.

***

‘મીત વર્ષો પછી મળીએ છીએ, આવી રીતે મળીશું?’, મીરાએ આગળ ચાલી રહેલા મીતને સંભળાય એટલા ઉંચેથી કહ્યુ. મીત ન થોભ્યો.

‘મીત’, મીરાએ ફાયનલી મીતનું બાવડુ પકડીને ઉભો રાખ્યો. મીરા મીતની આંખોમાં ના જોઇ શકી.

‘સ્ટોપ બીહેવીંગ લાય્ક અ ચાઇલ્ડ. કેન વી ટોક.’, મીરાએ કહ્યુ.

‘RJ મીરા મને લેઇટ થાય છે. મારો હાથ છોડો.’, મીતે પણ અજાણ બનીને કહ્યુ.

‘મીત પાંચ મિનિટ પણ નહિં આપે?’, મીત ગેટ તરફ આગળ વધતો ગયો અને મીરા ચાલતી ગઇ.

‘ગેટ અન અપોઇન્ટમેન્ટ.’, મીતે પોતાના બ્લેઝરમાંથી વિઝીટીંગ કાર્ડ કાઢીને મીરાને પકડાવી દીધુ. ગેટ બહાર નીકળતા જ મર્સીડીઝ પડી હતી. મીત અંદર બેસ્યો. મીરા એક ડગલુ આગળ ભરી ના શકી.

***

‘મીરા યુ નીડ ટુ કમ ઓન સ્ટેજ રાઇટ નાવ.’, મીરાને કૃણાલનો કોલ આવ્યો હતો. નો ડાઉટ મીરા ડિસ્ટર્બ થઇ હતી. પરંતુ એને એની પ્રોફેશનલ લાઇફની ખબર હતી. એને આંસુમાંથી આખી સ્માઇલ લાવતા હવે વધારે વાર ના લાગતી.

એ સ્ટેજથી વધારે દૂર નહોતી. એની નજર સ્ટેજ પર પડી. સ્ટેજ પરના વ્યક્તિ પર પડી.

‘આજેજ શામાટે?’, એ નિસાસો નાખતા મનમાં જ બબડી. વિશાલ પટેલ જેણે કન્ટીન્યુઅસ પાંચ ગુજરાતી સૂપર હીટ્સ આપી હતી. વિશાલ સાથેના મીરાએ અત્યાર સુધીના દરેક ઇન્ટરવ્યુ ટાળ્યા હતા. વિશાલે પણ મીરા સાથે ઇન્ટરવ્યુ ટાળ્યા હતા. બટ આજે મીરાના ભૂતકાળનો દિવસ હતો. વિશાલ ઓડીયન્સ સાથે ઇન્ટરેક્ટ કરી રહ્યો હતો, એ પોતાની અપકમીંગ ફિલ્મનું પ્રમોશન કરવા માટે આવ્યો હતો. મીરાના પગમાંથી જીવ ચાલ્યો ગયો. એને સ્ટેજની સીડી ચડવા પણ બળ લગાવવુ પડ્યુ. મીરા જેવી સીડી ચડી એવી ચીચીયારીઓ ઓડિયન્સમાંથી આવી. વિશાલે એની જમણી બાજુ જોયુ. મીરાએ પોતાના ચહેરા પર પ્લાસ્ટીક સ્માઇલ લાવવી પડી.

એક સ્ત્રી આવી રહી હતી. મીરાનું આ રૂપ તો લોભાવનારૂ જ હતુ. બટ વિશાલને ખબર હતી. આ રૂપે એની શું હાલત કરી છે. આછી લાલ સાડીમાંથી દેખાતી નાભી વિશાલ ભુલે એમ નહોતો. તરત જ વિશાલે નજર હટાવી લીધી. ઓડિયન્સની ડિમાન્ડ હતી કે વિશાલ પોતાની કોએક્ટ્રેસ સાથે ડાન્સ કરે. એટલે જ વિશાલે મ્યુઝીક પર સીદ્ધી જરીવાલા સાથે ડાન્સ કર્યો. વિશાલ RJ મીરાને મળવા માટે આગળ વધ્યો.

‘હેપ્પી બર્થ ડે.’, એણે પોતેજ આપેલા નેકલેસ સામે જોઇને કહ્યુ.

‘હાઉ આર યુ.’, મીરાએ ખુબ શાંત સ્વરે કહ્યુ.

‘આઇ ડોન્ટ હેવ ટાઇમ. કેન વી ગો અહેડ?’, તરત જ વિશાલે ટોપીક ચેન્જ કર્યો. અહિં મીરા એક જ હતી જે ભૂતકાળના પગથીયા પર ચાલી રહી હતી.

‘વિશાલ.’, મીરા વિશાલને રોકતી હોય એમ બોલી. હજારોની પબ્લીક જોઇ રહી હતી.

‘ડોન્ટ મેક અ સીન હિઅર. તુ ગુજરાતની પોપ્યુલર RJ છે અને હું એક ફિલ્મ સ્ટાર. લોકો જોઇ રહ્યા છે.’, વિશાલે પોતાના હોઠ ભીંસીને કહ્યુ. મીરા તરત જ હોશમાં આવી.

‘તમે જાણો જ છો કે આપડી વચ્ચે અત્યારે કોણ છે? ખરેખર આજે મને ઘણી સરપ્રાઇઝો મળી રહી છે.’, મીરાએ માઇક લઇને બોલવાનું શરૂ કર્યુ.

‘તો આપડે કેટલીક વાતો એમની આવનારી ફિલ્મો વિશે જાણીશું.’, મીરાએ કહ્યુ.

‘વિશાલ, આ મુવીમાં તમારો ફેવરીટ સીન ક્યો છે?’, મીરાએ એક મોટી સ્માઇલ પરંતુ નકલી સ્માઇલ સાથે પ્રશ્ન ફેંક્યો. વિશાલ ઓડીયન્સ સામે જોઇને હસ્યો. ખરેખર ફિલ્મ સ્ટાર્સને રીયલ લાઇફમાં પણ કંઇ ઓછી એક્ટિંગ નથી કરવી પડતી.

‘મારો ફેવરીટ સીન. અમ્મ્મ. હા. સીન એમ છે કે મીરાનો બર્થ ડે. અરે હા આ મુવીના લીડ ફીમેલ કેરેક્ટરનું નામ પણ મીરા છે. તો એનો બર્થ ડે છે. હું રાતે બાર વાગે એના ઘરે કેક લઇને જાવ છું. એના માટે હું ગિફ્ટ પણ લાવ્યો છું. અમે બન્ને ઘણા ટાઇમથી ફ્રેન્ડ્સ છીએ બટ મેં એને પ્રપોઝ નથી કર્યુ, સો આનાથી વધારે મોકો મારા માટે કોઇ નથી હોતો. એટલે જ કેક કાપીને પછી હું એની આંખો બંધ કરવા કહુ છું અને એક નેકલેસ એના ગળા પહેરાવીને એને મેરેજ માટે પ્રપોઝ કરૂ છું, એન્ડ મીરા હા પાડી દે છે. ફાઇનલી વી હેવ અ કીસ. ધીઝ ઇઝ માય ફેવરીટ સીન ફ્રોમ મુવી.’, વિશાલ એકટીસે મીરા સામે જોઇ રહ્યો. મુવીમાં આ સીન હતો કે નહિં બટ મીરાને એણે જે કહેવાનું હતુ એ કહી દીધુ હતુ. એણે બોલવાનું શરૂ રાખ્યુ.

‘બટ કેટલીક વાર લાઇફ તમને ઘણુ શીખવતી હોય છે. રીઅલ લાઇફ અને રીલ લાઇફમાં થોડો જ ફરક છે. રીલ લાઇફને થોડી વધારે ઝુમ કરવામાં આવે છે. રીઅલ લાઇફ ક્યારેક કનેક્શન તોડતી પણ હોય છે,’, વિશાલે મીરા સામે જોયુ. ‘તો રીલ લાઇફ ક્યારેક કનેક્શન જોડતી પણ હોય છે. અને આજનો મોકો હું છોડવા નથી માંગતો. આજની તારીખ મારા માટે ઘણી મહત્વની છે.’, વિશાલે ફરી મીરા સામે જોયુ. પરંતુ એ લાચાર હતી. એની બધી એનર્જી ચુસાઇ રહી હોય એવુ લાગી રહ્યુ હતુ. વિશાલ ફિલ્મની એક્ટ્રેસની સામે ગોઠણીયા વાળીને બેસી ગયો.

‘ભલે આજે વેલેન્ટાઇન્સ ડે નથી. બટ છતા આઇ લવ યુ. વિલ યુ બી માય વેલેન્ટાઇન? વિલ યુ મેરી મી?’, વિશાલે હસતા હસતા સીદ્ધીને પ્રપોઝ કર્યુ. સીદ્ધીએ તરત જ પોતાના હાથ ફેલાવ્યા અને ‘આઇ લવ યુ ટુ’ કહ્યુ. બન્નેએ એકબીજાને હગ કરી. લોકોએ ખુશીઓ ભરી ચીસો પાડી. મીરા માત્ર જોઇ રહી. આજે એનો બર્થ ડે હતો પણ આજે એનો ડે નહોતો. વિશાલનું પ્રમોશન પૂરૂ થયુ.

વિશાલ ઓડીયન્સને બાય બાય કહીને નીચે ઉતરી રહ્યો હતો ત્યારે જ મીરા વિશાલની થોડી નજીક ગઇ.

‘કોન્ગ્રેચ્યુલેશન્સ…’, મીરાએ કહ્યુ.

‘શેના માટે?’, વિશાલે સ્માઇલ સાથે પૂછ્યુ.

‘તને આખરે કોઇ મળી ગયુ.’,

‘ઓહ્હ… હાહાહા. તારી પાસેથી જ તો શીખ્યો છુ, ખોટુ આઇ લવ યુ બોલતા.’, વિશાલ હસીને એક ગંભીર વાક્ય કહેતો ગયો. મીરા લાલ કપડામાં લીટરલી બળી રહી હોય એવી લાગી રહી હતી. એ એક શબ્દ પણ ન બોલી શકી. જાણે લાલ થાંભલો, જે રડી રહ્યો હોય.

***

શું મીરા પોતાના સળગતા ભૂતકાળને ઠારી શકશે? શું મીતને સમજાવી શકશે? શું વિશાલને સમજાવી શકશે. કોણ મીરાને પામશે? જાણવા માટે વાંચવાનું ચુકતા નહિં. આવતા શુક્રવારે પ્રકરણ ૮.


લેખક વિશે

હિરેન કવાડ એન્જીનીયર, ફીલોસોફર, રાઇટર, એક્ટર, ફીલ્મ એન્ડ પ્લે સ્ક્રીપ્ટ રાઇટર છે. પણ એમના મતે તે એક એન્ટરટેઇનરથી વધુ કંઇ જ નથી. હાલ એ ફુલ ટાઇમ આર્ટ્સ એન્ડ લીટરેચર સાથે સંકળાયેલ છે. એમને નાટકો જોવા ખુબ જ ગમે છે. રાઇટીંગ પ્રત્યે એ ખુબ જ પેશનેટ છે. શોર્ટ સ્ટોરીઝ એ એમની પહેલી ગર્લફ્રેન્ડ છે. એ સિવાય એ મ્યુઝીક પણ જાણે છે. ક્લાસીકલ મ્યુઝીકના એ જબરા શૌખીન છે.

એમણે એમનુ એન્જીનીયરીંગ અમદાવાદની એક પ્રતિષ્ઠીત કોલેજમાંથી કર્યુ અને એન્જીનીયરીંગ પુરૂ કર્યાના બે વર્ષ પછી પોતાનો બધો જ સમય આર્ટસમાં આપવાનુ નક્કિ કર્યુ. શોર્ટ સ્ટોરીઝ અને નાટકો, ફિલ્મ સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે.

આ સ્ટોરીઝના રેટીંગ, રીવ્યુઝ અને ફીડબેક આપવાનુ ભુલતા નહિ.

Facebook :

Google Plus :

Twitter :