Supar Star - 3 in Gujarati Short Stories by Prashant Seta books and stories PDF | સુપર સ્ટાર - ભાગ ૩

Featured Books
Categories
Share

સુપર સ્ટાર - ભાગ ૩

સુપર સ્ટાર

ભાગ - ૩

પ્રશાંત સેતા

સુપ્રિયાએ ત્રીજી જુલાઇ, ૨00૫ થી શરુઆત કરી. હું ચુપ થઇ ગયો અને ધ્યાનથી સાંભળવા લાગ્યો. એ દિવસે રાત્રે હું બેભાન થયો ત્યારે ઇમરાન અને સુપ્રિયા જ મને બાંદ્રાની કોઇ નાની-મોટી હોસ્પિટલમાં લઇ ગયા હતા અને સારવાર કરાવી હતી. સવાર થતાં તો હું એકદમ ઠીક થઇ ગયો હતો. એક –બે દિવસમાં તો હું ઓફિસ આવતો પણ થઇ ગયો હતો અને બધુ સામાન્ય થઇ ગયુ હતું.

પછી અચાનક એક દિવસ મારા નસિબનો સિતારો ચમક્યો હતો. ૨૬ જુલાઇ, ૨૦૦૫ નાં દિવસે મુંબઇમાં હોનારત થઇ હતી. મુશળધાર વરસાદ અને દરિયામાં ભરતીને કારણે આખું મુંબઇ જળબંબાકાર થઇ ગયુ હતું. હજારો લોકો મુંબઇનાં ખુણે-ખુણે ફસાયેલા હતા. એ દિવસે સોનાલી મેડમની ગાડી બાંદ્રા – કુર્લા રોડ પર ફસાઇ ગઇ હતી. અને છેલ્લી વખત ઇમરાન સાથે એનો ફોન પર સંપર્ક થયો ત્યારે અમે બધા ઓફિસમાં હતા. પછી વાહનવ્યવહારની સાથે ફોન વ્યવહાર પણ ઠપ થઇ ગયો હતો. ઓફિસેથી વહેલા રજા આપી દેવામાં આવી હતી. ઓફિસનો પુરો સ્ટાફ ઘરે જવા નીકળી ગયો પણ મેં સોનાલી મેડમની મદદે જવાનો નિર્ણય કર્યો હતો. હું એમની સામે આવવા માંગતો હતો. એ બધા મારી મુર્ખાઇ પર હસતા હતા કારણ કે કાર ડુબી જાય એટલા પાણી ભરાઇ ગયા હતા અને એ વાત એકદમ સાચી પણ હતી. છતાંય મે નિર્ણય કર્યો હતો કે “આજે નહી તો ક્યારેય નહી”. બધા કહેતા હતા કે કોઇ ને કોઇ એની મદદ કરશે...હું પહોંચીશ ત્યા સુધીમાં એ હોય કે ના પણ હોય છતાંય મેં એક પ્રયત્ન આપવાનું નક્કી કર્યું હતું. હું મુર્ખ ન હતો કે ના તો મને સોનાલી પ્રત્યે કોઇ હમદર્દી હતી. પરંતુ મારી એક કુનેહવાળી વ્યુહરચના હતી સોનાલીની નઝરમાં આવવાની..!! મારા સિવાય બધા જ જતા રહ્યા હતા અને હું બાંદ્રા-કુર્લા રોડ પર જવા નીકળ્યો હતો. કમર સુધીનાં પાણીમાં હું આઠથી દસ કિલોમીટર ચાલ્યો હતો...અને આખરે મારી આશા પ્રમાણે મેં સોનાલી મેડમની બ્લુ કલરની ‘E-class Mercedes’ જોઇ હતી કે જે રોડની વચ્ચો – વચ્ચ ફસાયેલી હતી અને મારા સદનસીબે એમાં સોનાલી મેડમ પણ હતા. આવી તો પાંચસો કાર એક જ હરોળમાં ફસાયેલી હતી અને લોકો પણ અંદર હતા. કારનો દરવાજો અડધો ડુબી જાય એટલા પાણી ભરાઇ ગયા હતા. હું કમર સુધીનાં પાણીમાં ચાલીને સોનાલી મેડમની કાર સુધી પહોચ્યો હતો. અને સોનાલી મેડમને કારનો દરવાજો ખોલવા કહ્યું અને ઉમેર્યુ હતું કે હું તેમની કંપનીનો કેશિયર હતો અને એમને અહીંથી કાઢવા માટે આવ્યો હતો. સોનાલી મેડમ ડ્રાઇવર સીટ પર બેઠેલા હતા અને ખુબ જ ડરેલા હતા. હું ડ્રાઇવર બાજુનાં દરવાજા સામે જ ઊભો હતો. સોનાલી મેડમે દરવાજો ખોલ્યો અને ખોલતાની સાથે જ આખી કારમાં પાણી ભરાઇ ગયું હતું. મેં સોનાલી મેડમનો હાથ પકડી કારની બહાર કાઢ્યા હતા અને કમર સુધીનાં પાણીમાં રસ્તો પસાર કરાવી તેમને સહીસલામત બાંદ્રા સ્ટેશન પર પહોંચાડ્યા હતા અને એટલું જ નહી પણ એમનાં જુહુ પરના બંગલો સુધી સહીસલામત મુકી આવ્યો હતો. એ દિવસે રાત્રે ત્રણ વાગ્યા હતા. સાંજનાં પાંચ થી લઇ ને મધરાત્રી ત્રણ વાગ્યા સુધી સોનાલી મેડમે મારો હાથ એક ક્ષણ માટે પણ છોડ્યો ન હતો.

હું સોનાલીની મદદ કરવા ગયો એ નિર્ણયે મને ઊગારી દિધો હતો.

એ દિવસ પછી સોનાલીની કંપની અને દિલ બન્નેમાં મારા માટે ખાસ જ્ગ્યા થઇ ગઇ હતી.ધીમે-ધીમે એટલે કે આગલા છ મહિનામાં મને કેશિયરમાંથી મારા સહ-કર્મચારીઓ કરતા પણ ઊચા પદ પર પહોંચાડી દીધો હતો. ધીમે – ધીમે હું ‘કનેક્ટ ટુ પિપલ’માં કો-ઓનર બની ગયો હતો અને સાથે-સાથે બધાનો બોસ..!! હું સોનાલીનાં ખાસ માણસોમાંનો એક હતો. પણ મારૂ લક્ષ્ય તો કાંઇક બીજુ જ હતું. મારે કોઇ ઊચું પદ જોઇતુ ન હતું પણ મારે તો હિન્દી ફિલ્મમાં એન્ટ્રી જોઇતી હતી.

અને એક દિવસ જેમ મેં વિચાર્યુ હતું તેમ જ થયું હતું અને સોનાલીએ મારો પરીચય ફિલ્મ ઇંડસ્ટ્રીનાં દિગ્ગજ લોકો સાથે કરાવ્યો હતો. મને તક આપવા માટે એ લોકોને સોનલીએ પોતે ભલામણો પણ કરી હતી. અને એક દિવસ મને એક મોટી ફિલ્મમાં કામ કરવાની તક મળી ગઇ હતી અને એ પછી મેં પાછળ ફરીને જોયુ જ ન હતું. જોત – જોતામાં ત્રણ વર્ષની અંદર હું સુપર સ્ટારની કેટેગરીમાં આવી ગયો હતો. મારૂ બેંક બેલેંસ તો અગાઊથી અઢળક રુપિયાથી છલકાઇ રહ્યું હતું અને હવે ખ્યાતિ પણ મળવા લાગી હતી.

આ બાજું સોનાલી મને પ્રેમ કરવા લાગી હતી. તે ઉંમરમાં મારાથી બે વર્ષ મોટી હતી પણ મારી અને તેની વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. આ બાજું સુપ્રિયા અને ઇમરાન ગળાડૂબ પ્રેમમાં હતા અને સગાઇ પણ કરી લિધી હતી. સુપ્રિયાએ ક્યારેય મારી પાસે પાછા આવવાની ઇચ્છા ન બતાવી એના બદલામાં મે સોનાલીને મારી સાથે લગ્ન કરવાની પ્રસ્તાવનાંને લીલી ઝંડી આપી દિધી હતી.

હું સુપર સ્ટાર બની ગયો એમાં સુપ્રિયા અને ઇમરાન બહુ ખુશ હતા પણ મને અંદરથી વસવસો હતો કે બીજા લોકોની જેમ એ લોકો મારી ચાપલુસી કેમ કરતા ન હતા? એના બદલામાં કંપનીનાં એક કાર્યક્રમમાં દારૂ પીને મેં ઇમરાન સાથે બબાલ કરી હતી. એટલું જ નહી મેં એને નોકરીમાંથી કાઢી મુક્યો હતો અને આટલા લોકો વચ્ચે મારી નાંખવાની ધમકી પણ આપી હતી. બધું મેં દારૂનાં નશામાં કર્યું હતું. મને સુપ્રિયા મળી ન હતી એનો પણ મનોમન વસવસો તો હતો જ..!!

એ વાતનાં થોડા સમયમાં જ કાર અકસ્માતમાં ઇમરાનનું મોત થયું હતું. અને એ કેસમાં મારા પર આંગળી ચિંધવામાં આવી હતી.

બધું પાછું સામાન્ય થઇ ગયું હતું. મારી એક પછી એક ફિલ્મો હીટ જતી હતી. અને પાંત્રીસ વર્ષની ઉંમરે મને બત્રીસથી પણ વધારે એવોર્ડ્સ મળી ગયા હતા. મેં અને સોનાલીએ લગ્ન કરી લિધા અને લગ્નનાં બે વર્ષ પછી હું પિતા પણ બન્યો.

સુપ્રિયા ઇમરાનની મોત પછી એકદમ ભાંગી પડી હતી. ઇમરાનની મોતનાં સમાચાર મળતા જ હું સામે જઇને સુપ્રિયાને મળવા ગયો હતો. મેં તેને દિલાસો આપ્યો હતો કે બધું ઠીક થઇ જશે. મેં જ સામેથી તેને મારી સેક્રેટરીની જોબ સ્વીકારવા કહ્યું હતુ. જેમ – જેમ તેણે મારી સેક્રેટરી તરીકે ફરજ બજાવવા માટે અમારી મુલાકતો વધવા માંડી તેમ તેમ અમારા બન્ને વચ્ચે પ્રેમ પાંગરવા લાગ્યો હતો. અને એક દિવસ સોનાલી સાથે કાંઇ અણબનાવ થતા મેં સુપ્રિયાને કહ્યું હતુ કે હું હજી તેને પ્રેમ કરતો હતો અને સોનાલી સિંઘને છોડીને તેની સાથે લગ્ન કરવા માંગતો હતો.

“પણ, સોનાલી મને સાચો પ્રેમ કરે છે” મેં અચરજતાથી પુછ્યું

“હાં, એ તને પ્રેમ કરે છે પણ તું નથી કરતો..” સુપ્રિયાએ ફટાકથી જવાબ આપ્યો

“સુપ્રિયા સાંભળ, પ્રેમ તો હું તને પણ નથી કરતો...મને એક કારણ આપ કે તને એવું કેમ લાગે છે કે હું તને પ્રેમ કરું છું?” મેં દ્રઢતાથી સુપ્રિયાને કહી દીધું

“આ તું શું બોલે છે?” સુપ્રિયા ચિલ્લાઇ ઊઠી “તું મને પ્રેમ કરે છે...આપણા બન્નેનાં સંબધો વિશે તે ઇમરાનને કહી દઇને અમારી સગાઇ તોડાવેલી..કારણ કે તું મને પ્રેમ કરે છે...”

“ઇમરાનને મેં મરાવ્યો છે એ વાતમાં કેટલી હકીકત છે?” મેં પુછ્યું

“લોકો કહે છે કે તે મારા પ્રેમમાં પાગલ થઇને ઇમરાનને મરાવી નખાવેલો છે....”

મને માનવામાં આવતું ન હતું. સુપ્રિયા ખોટુ બોલતી હશે. હું તો સુપ્રિયાને ભુલી ગયો હતો. અને ઇમરાન મારો ખાસ મિત્ર હતો. હું એને મારી નાખવાનો પ્રયત્ન ક્યારેય કરું એ શક્ય જ ન હતું.

બીજી બાજુ સોનાલી કોઇ માટે આટલું કરી શકે એનો મને અંદાજો પણ ન હતો.

મેં મારા મગજને ખુબ જ જોર લગાવ્યુ પણ કશું જ યાદ આવતું ન હતું.

“આજે સોનાલી આવશે એટલે તુ નિર્ણય લઇ લઇશ, બરાબર ને?” સુપ્રિયાએ અધિરાઇથી પુછ્યું

મેં કાંઇ જવાબ આપ્યો નહી. એના બદલે ઇંટરનેટ પર મારા નવા ન્યુઝ શોધવાનું ચાલુ રાખ્યું હતું. એમાં એક સમાચાર મારા અને મારા પિતાનાં કડવા સંબધો પર પ્રકાશ પાડતા હતા.

પછી સુપ્રિયાએ મને મારા સેડ્યુલ વિશે જણાવ્યું હતું. મારી આજે એક ફિલ્મનાં પ્રોડ્યુસર સાથે મિટીંગ હતી કે જે હું ચુકી ગયો હતો. પછી એક એવોર્ડ સમારંભ હોસ્ટ કરવા માટેની પ્રેક્ટિસ કરવા જવાનું હતું. આવતી કાલે ફિલ્મનાં શુટીંગ માટે નવી મુંબઇનાં એક સ્ટુડીયો પર જવાનું હતું. અને આવતા અઠવાડિયાથી એક મહિના માટે ફિલ્મનાં શુટીંગ માટે ટોરંટો જવાનું હતું. હાલ મારા હાથ પર છ ફિલ્મો હતી અને આવતા ત્રણ વર્ષની બધી તારીખો ફાળવેલી હતી.

મને વિશ્વાસ આવતો ન હતો કે મારી કિંમત આટલી બધી હતી અને ઓછામાં ઓછા મારા પર પાંચ સો કરોડ નો બિઝનેસ લાગેલો હતો. આ દિવસ હમેંશા મારુ સપનું રહ્યો હતો. આ સપનું સાકાર થઇ ગયું હતુ પણ મને યાદ ન હતું. સુપ્રિયાએ મને એ પણ માહિતિ આપી હતી કે સોનાલીએ તેને મારાથી દૂર રહેવાનુ કિધું હતું અને તેને સેક્રેટરીમાંથી હટાવી દેવાની પણ મારી સાથે વાત કરેલી હતી. એ બાબત પર પણ મારી અને સોનાલી વચ્ચે ઘણીવાર માથાકુંટ થયેલી હતી.

મને કાંઇ જ સમજાતું ન હતું. વાતો –વાતોમાં અને ઇંટરનેટ પર મારા સમાચાર વાંચવામાં ખાસ્સો સમય નીકળી ગયો એની ખબર જ પડી નહી. સાંજે સાત વાગી ગયા હતા અને સોનાલીને આવવાનો સમય થઇ ગયો હતો.

“મારે હવે જવું જોઇએ. સોનાલી આવતી જ હશે...” સુપ્રિયાએ ઊભા થતા કહ્યું

“ઓ...કે..”

“કાલથી કામે લાગી જઇશ, રાઇટ?” સુપ્રિયા એ કહ્યું “તારા બધા પ્લાન્સ રી-સેડ્યુલ કરી દિધા છે”

જતા – જતા એણે મને ગળે લગાડ્યો અને ગાલ પર કિસ આપી.

હું ખુબ જ થાક અનુભવી રહ્યો હતો. મગજ બહુ કસ્યુ પણ કાંઇ જ યાદ આવતું ન હતુ. આખરે મારી આંખો ઘેરાવા લાગી. હું મારા બેડ પર આવીને લંબાઇ ગયો. સાથે સાથે એક ચિંતા પણ હતી કે જો યાદશક્તિ પાછી નહી આવે તો શું થશે?હું વિચારમાં ડુબ્યો અને ક્યારે ઊઘ ચડી ગઇ એ ખબર જ ન પડી.

જ્યારે મારી આંખ ખુલી ત્યારે સોનાલી મારા પગ પાસે મારા બેડનાં ખુણે બેઠી હતી. મારુ એની તરફ ધ્યાન ગયું અને એ એકદમ ખુશ થઇ ગઇ. મને ગળે લગાડી લિધો. મને વિશ્વાસ આવતો ન હતો કે સોનાલી સિંઘે મને ગળે લગાડ્યો હતો અને વધારે તો એ માનવામાં આવતું ન હતું કે એ મારી પત્નિ હતી.

“હવે કેવું લાગે છે, અનવર?” સોનાલીએ મારા વાળમાં હાથ ફેરવતાં કહ્યુ

“સારું છે મેડમ, થેંક યુ” મેં જવાબ આપ્યો.

“મેડમ?” સોનાલીએ આશ્ચર્યથી પુછ્યું “...અને થેંક યુ?... મને થેંક યુ કહેવાનું હોય?”

એક વાત તો નક્કી હતી અને મારે માનવી જ પડે એમ હતી કે તે મારી પત્નિ હતી. પણ એ સમયે તેને ખબર ન હતી કે હું નામ સિવાય બધુ ભુલી ગયો હતો. એક ચોક્કસ સમયમાં થયેલી તમામ ઘટનાઓ મારા મગજમાંથી નાબુદ થઇ ગઇ હતી. એ યાદ કરવા હું બહુ મથામણ કરી રહ્યો હતો પણ કશું પલ્લે પડતું ન હતું.

હું થોડીવાર માટે ચુપ રહ્યો.

“તું મને સોના કહીને બોલાવે છે. મને સોના કેમ ન કહ્યું?” સોનાલીએ કહ્યું અને પછી ચિંતાથી પુછ્યું હતુ “અનવર, તું ઠીક છે ને?”

“ના, હું ઠીક નથી”

એણે મારી સામે ગંભીરતાથી જોયું અને પુછ્યું “એટલે?”

પછી મેં સોનાલીને માંડીને વાત કરી કે હું બધુ ભુલી ગયો હતો. મેં નર્સ પાસેથી મારા વિશે માહિતીઓ મેળવી હતી, ઇંટરનેટ પરથી પણ માહિતીઓ મેળવી હતી. મને માનવામાં આવતું ન હતુ કે હું એક સુપર સ્ટાર બની ગયો હતો અને એમા સોનાલીનો જ મોટો ફાળો હતો. અને વધારે તો એ માનવામાં આવતું ન હતું કે સોનાલી મેડમ મારા પત્નિ હતા...સોરી સોનાલી..અરેય સોરી સોના. મને કશું યાદ ન હતું. એ સમયે મેં સુપ્રિયા મને મળવા આવી હતી એ વાતની ચર્ચા ન કરી. ઉઠ્યો ત્યારથી યાદ કરવાની મથામણ કરતો હતો પણ મને એ પબવાળી ઘટના પછીનું કશું જ યાદ આવતું ન હતું. પછી મેં સોનાલીને પબવાળી ઘટના વિસ્તાર પુર્વક કહી હતી. મારી પુરી વાત દરમિયાન સોનાલીનું મોઢુ ખુલ્લુ ને ખુલ્લુ જ રહી ગયું હતું. તે થોડી-થોડી ડરી પણ ગઇ હતી. તેને માથેથી પરસેવો છુટતો હતો.

“આ તો એકદમ ગંભીર બાબત છે” તેણે એકદમ ચિંતાથી કહ્યું

“હા, ખબર છે”

“ડોક્ટર શું કહે છે?”,

“મેં ડોક્ટરને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પણ એણે મારી વાત મજાકમાં કાઢી નાખી હતી. મારી વાત જ માનવા તૈયાર ન હતા. એને એમ લાગતું હતુ કે હું મજાક કરતો હતો..”

“હું ડો. નિકમ સાથે વાત કરીશ. અને જરુર પડે તો વિદેશમાં સારામાં સારા ડોક્ટર પાસે જશું” સોનાલીએ આશ્વાસન આપતા કહ્યું

પછી મેં સોનાલી ને કહ્યું હતું કે એકવાર આપણે અહીંયાથી ડિસ્ચાર્જ લઇને જતા રહીયે. અને આમ પણ મને જે તકલીફ છે એમાં સુભાષ નિકમ કાંઇ નહી કરી શકે. કદાચ ઘરે જતા મને યાદ આવી જાય.

મેં સોનાલીને એમ પણ જણાવ્યું હતું કે ડોક્ટર તેની જ રાહ જોતા હતા. નર્સનાં કહેવા મુજબ રીપોર્ટ તો એકદમ નોર્મલ હતા

પછી તે ડોક્ટરને મળવા માટે જતી રહી હતી.

દસ મિનિટમાં ડિસ્ચાર્જ ફોર્માલીટી પુરી કરીને સોનાલી પાછી આવી હતી. મને બાથરૂમમાં જઇ મારા કપડા પહેરી આવવા કહ્યું. મેં બાથરૂમમાં રહેલા મારા જિન્સ અને ટી-શર્ટ પહેર્યા. અમે જેવા રૂમની બહાર નીકળ્યા કે પુરો હોસ્પિટલનો સ્ટાફ અમને જોવા બહાર ઊભો હતો. ઓહો અને આહ-હા લોકો પોકારી રહ્યા હતા. થોડીવાર હોસ્પિટલમાં કોલાહલ મચી ગયો હતો. હોસ્પિટલનો સ્ટાફ, પેશન્ટોનાં પરીવારજનો, જુનીયર ડોકટરો, અને કોઇક તો પેશન્ટો, એ તમામ લોકો મારી એક ઝલક જોવા ઊમટ્યા હતા.

બે મિનીટમાં તો ચાર હઠ્ઠા-કઠ્ઠા કાળા કલરનાં યુનીફોર્મવાળા બોડીગાર્ડોએ મને કવર કરી લીધો હતો. જેમ-જેમ હું કોરીડોર તરફ જતો હતો તેમ તેમ બોડીગાર્ડો મારા માટે રસ્તો સાફ કરતા હતા. સોનાલી મારી સાથે જ ચાલતી હતી. લોકો અનવર અલી અનવર અલી કરતા હતા. ત્યાં હાજર દરેક વ્યક્તિ મને ઓળખતો હતો. કેટલાક લોકોએ તો મારો ઓટોગ્રાફ લેવા માટે ડાયરીઓ, પેપરો તેમજ રૂમાલો મારી તરફ લંબાવ્યા હતા. હું તો ચાલતો જ રહ્યો હતો. મને તો એક જાતની મુંઝવણ અને એક જાતની ખુશી એમ બન્ને આવતા હતા. હું તો આશ્ચર્યથી એ લોકોને તાકતો રહ્યો અને ચાલતો રહ્યો. મેં સોનાલી સામે જોયું. એના મોઢા પરથી આ બધું સામાન્ય હોય એવું લાગતું હતું, પણ મારા માટે તો આ એક ચોંકાવનારો અનુભવ જ હતો.

અમે હોસ્પિટલની નીચે ઉતર્યા ત્યારે મને વધારે ચોંકતો કરી મુકે એવું દ્રશ્ય જોવા મળ્યું હતું. હોસ્પિટલની બહાર હજારોની મેદનીમાં માણસો હતા. બાળકો, યુવાનો, સ્ત્રીઓ, પુરુષો અને સો થી પણ વધારે કેમેરામેન અને સાથે એમના સંવાદદાતા હાથમાં માઇક લઇને ઊભા હતા. ડોક્ટરે મને રજા આપવાની હતી એ સમાચાર વાયુવેગે પ્રસર્યા હતા. લોકોને કાબુમાં રાખવા માટે પોલીસની ટોળકીઓ પણ હતી. પોલીસની ટોળકીઓ લોકોને હોસ્પિટલનાં મુખ્ય દરવાજા સામે ઊભેલી કાળા કલરની લાંબી કારથી બને તેટલુ દૂર રાખવાની કોશીશ કરતા હતા. મને જોઇ ને લોકો બુમાબુમ કરી રહ્યા હતા, મિડીયાવાળા થોડા લોકો પોલીસ બંધન ઓળંગીને મારા સુધી પહોંચી પણ ગયા હતા. મારા બોડીગાર્ડોએ વ્યાજબી અંતરથી દૂર રાખ્યા હતા. અમે કાર નજીક પહોંચ્યા એટલે એક બોડીગાર્ડે કારનો દરવાજો ખોલ્યો અને બીજાએ મને અંદર બેસાડી દીધો હતો. પછી સોનાલીએ મિડિયાવાળાઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોનાં જવાબમાં એટલું જ કહ્યું હતું કે,“અનવર ઇસ કંપલીટલી ઓલરાઇટ. અનવર બધું ભુલી ગયો છે એ એક અફવા છે”

સોનાલીનોએ જવાબ સાંભળીને હું ચોંક્યો હતો. એ બધા લોકોને ખબર પડી ગઇ હતી કે મને બધું ભુલાઇ ગયું હતું. ત્યાં સુધીમાં તો આખા દેશમાં બધાને ખબર પડી ગઇ હશે કે મને બધું ભુલાઇ ગયું હતું.

મારી કાર મારા બંગલે જવા રવાના થઇ હતી. થોડેક સુધી મારી ઝલક જાળવી રાખવા માટે કારની સાથે પણ લોકો ચાલ્યા હતા. મિડીયાવાળાઓ પણ પોતાના માઇક અને કેમેરાઓ લઇને થોડે સુધી મારી કાર ને વળાવવા આવ્યા હતા. આ બધું અત્યારે મારા માટે નવું હતુ. આ એ જ જિંદગી હતી જે હું ખરા દીલથી ઇચ્છતો હતો અને મેં ઘર પણ આ જિંદગી જીવવા માટે જ છોડ્યુ હતું.