Shabdavkash - Ank - 3 in Gujarati Magazine by Shabdavkash books and stories PDF | શબ્દાવકાશ અંક-૩

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

શબ્દાવકાશ અંક-૩

અનુક્રમણિકા:

૧.. તંત્રી સ્થાનેથી
૨.. અજબ-ગજબ : સરદારજી ચાલ્યો ક્વીઝ-ગેમ રમવા : અશ્વિન મજીઠિયા

૩.. હરતા ફરતા : ન્યુ યોર્કના ભીખારીઓ : અજય પંચાલ
૪.. નિબંધ : પ્રવૃત્તિ–નિવૃતિ-જાગૃતિ : જહાનવી અંતાણી
૫.. હાસ્ય-લેખ : આમને ઓળખો છો? : શિલ્પા દેસાઈ
૬.. પત્રનો પટારો : લખ્યો પત્ર માંદગીને : નીવારોઝીન રાજકુમાર

૭.. સંસ્મરણો : કટોકટીના તે દિવસો : વિષ્ણુ પંડ્યા
૮.. પ્રાસંગિક : ઓટલો : મીનાક્ષીબેન વખારિયા
૯.. કટાક્ષ-કથા : કેનીબલ : મુકુલ જાની
૧૦.. ધારાવાહિક વાર્તા: મી લોર્ડ: ઈરફાન સાથીયા

Top of Form

મેજેસ્ટિક માર્ચ- પ્રણ લેવાની વધુ એક તક

માર્ચ મહિનો પુરો થતા સુધીમાં હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શિખ, પારસી, બૌદ્ધ અને લગભગ દરેક ધર્મમાં નવું વર્ષ ઉજવાય ચુક્યુ હોય છે. નવા વર્ષની શરૂઆત નવા ઉત્સાહ અને ઉમંગ તરીકે જોવાતી હોય છે. પાછલા વર્ષની નિષ્ફળતાઓને ભુલી સફળતા હાંસલ કરવા ફરી એકવાર મહેનત કરવા નવું વર્ષ હાંકલ કરતું હોય છે. જો પાછલુ વર્ષ સફળ રહ્યું હોય તો સફળતાને બેવડાવવા બમણી ઉષ્માનો સંચાર બેસતું વર્ષ કરતું હોય છે. જુના મનદુ:ખને ભુલી જઇને નવા વર્ષમાં હ્રદયને ચોખ્ખુ કરીને પ્રેમ અને સદભાવનો પ્રસાર કરવાનો સંદેશ દરેક ધર્મમાં અપાતો હોય છે, અને આ એક સદીયોથી ચાલી આવતી સભ્ય સમાજ માટેની માનવિય પરંપરા છે. હિંદુમાં વિક્રમ સંવંત દિવાળી પછી
..ખ્રિસ્તીમાં ન્યૂ યર, મુસ્લિમમાં મોહર્રમ, પારસીમાં પટેટી વગેરે..માર્ચ મહિના પહેલા નવા વર્ષ તરીકે ઉજવાઇ જ જતા હોય છે અને તો પણ માર્ચ મહિનો જ હજારો વર્ષોથી નવા વર્ષની શરૂઆતનાં મહિના તરીકે મનાતો રહ્યો છે. તેની થોડી રસપ્રદ માહિતી અહીં ચર્ચી લઇએ.
જ્યોર્જિયન અને જુલિયન કેલેન્ડરમાં ૩૧ દિવસ ધરાવતા વર્ષના સાત મહિનાઓ પૈકી વર્ષનો ત્રીજો મહિનો એટલે માર્ચ. માર્ચ નામ પડ્યું લેટિન માર્ટીયસ પરથી. જેમાં સૌથી પહેલા રોમન કેલેન્ડરમાં પહેલો મહિનો લેખાયો હતો. રોમન પ્રજા યૂદ્ધ અને ખેતીના દેવતા તથા પ્રજારક્ષક તરીકે "માર્શ" દેવતાની પુજા કરતી હતી. તેઓ યુદ્ધો અને ખેતીની શરૂઆત માર્ટીયસ મહિનામાં જ કરતા. અને આખો મહિનો "માર્શ" દેવતાનાં માનમાં તહેવાર તરીકે ઉજવતા. માર્ટીયસ છેક ૧૫૩ [બી.સી.] સુધી રોમન કેલેન્ડરમાં પહેલો મહિનો જ ગણાતો રહ્યો છે. સમય જતા એ નામ અપભ્રંશ થઇને માર્ચ બની ગયું. ઈ.સ.૧૭૫૨માં ગ્રેટ બ્રિટને જ્યોર્જિયન કેલેન્ડર અપનાવ્યુ ત્યાં સુધી માર્ચ વર્ષનો પહેલો મહિનો જ ગણાતો હતો. વિશ્વમાં અનેક સંસ્ક્રુતીઓ હજુ પણ માર્ચને નવા વર્ષનો પ્રથમ મહિના તરીકે ઉજવે છે. પ્રુથ્વીનાં ઉત્તર ગોળાર્ધમાં(ઉત્તર અમેરિકા, યુરોપ,એશિયા અને આફ્રીકાનાં અમુક દેશો) સ્પ્રિંગની એટલે કે વસંતની, અને પ્રુથ્વીનાં દક્ષિણ ગોળાર્ધમાં (દક્ષિણ અમેરિકા અને અમુક આફ્રીકન દેશ) ફોલ ઓટમની એટલે કે પાનખરની શરૂઆત ગણાય છે. અને તે રીતે વિશ્વભરમાં માર્ચ પુરો થતા નવા નાણાકીય વર્ષની શરૂઆત તરીકે જ ઓળખાય છે.
આપણાં ભારતમાં માર્ચ મહિનો ઠંડીની ઓફિસિયલ વિદાય, વસંતનાં વધામણા અને પાનખર ૠતુનાં વાયરા, ગરમીના આગમનના અણસાર, ગરમ કપડાઓ અવેરવા, હોળાષ્ઠકની સાથે તહેવારોની પુર્ણાહુતી, બોર્ડ અને યુનિવર્સિટીની પરિક્ષાઓ, સ્કૂલનાં વિધ્યાર્થીઓ માટે છેલ્લો મહિનો, વ્યાપારીઓ માટે ટેક્ષ ભરપાઇ કરી નવું નાણાકિય વર્ષ શરૂ કરવાનો મહિનો, લગ્નસરા અને વેકેશનનાં પ્લાનિંગ જેવી અનેકવિધ પ્રવ્રુતિઓથી ધમધમતો મહિનો ગણાય છે.
દરેક સંસ્ક્રુતી અથવા ધર્મનાં લોકો નવા વર્ષની શરૂઆતમાં કોઇકને કોઇક ટેક લેતા હોય છે. જેમ કે "વ્યસન મુક્તિ, જુઠ્ઠું ન બોલવાનુ, મા-બાપની સેવા, અપશબ્દો કે ગાળ નહિ બોલવાની, સમાજ સેવા, દાન" જેવી અનેક ટેક લે છે. જેને ‘ન્યૂ યર રિઝોલ્યુશન’ કહે છે. આ રિઝોલ્યુશન માનવજાતના રિવોલ્યુશન માટે જ પ્રચલીત થયુ હશે કદાચ. દરેકે પોતપોતાના ધાર્મિક અથવા સાંસ્ક્રુતિક નવા વર્ષમાં કોઇક ને કોઇક રિઝોલ્યુશન લીધા જ હશે. જે કોઇ ચુકી ગયા હોય અથવા ફરીથી લેવા માંગતા હોય તેમના માટે ફરીથી રીઝોલ્યુશન લેવા માટે આ નવુ શરૂ થતું નાણાકિય વર્ષ એક ફરી મળેલી તક સમાન છે.
આમ તો તમે લગભગ રિઝોલ્યુશન લઇ ચુક્યા હશો..નવાનવા રિઝોલ્યૂશન વિચારી ચુક્યા હશો. કેટલાક લોકોએ એ પ્રણનો સફળતાપૂર્વક અમલ કર્યો પણ હશે. તો પણ હંમેશા તહેવારોની ઉજવણીમાં કંઇક નવા વિચારોના અમલીકરણ માટે સમય ઓછો પડી જાય છે. આ નવા શરૂ થતા નાણાકીય વર્ષમાં રિઝોલ્યુશન માટે એક નવતર સજેશન છે. આ વર્ષમાં જેટલુ બને એટલુ વાંચન વધારવુ.

વાંચન જ કેમ? તો એના ઘણા કારણો છે. બે પેઢીઓ વચ્ચેનું અંતર એટલે કે જનરેશન ગેપ ટેકનોલોજીના આગમન પછી બહુ વધી ગયો છે. તમે જે કોલેજમાં ભણતા હતા એ આજની પેઢી હાયર-સેકંડરીમાં ભણે છે. તમે જે હાયર-સેકંડરીમાં ભણતા હતા, તેઓ તે આજે ન્યુ જનરેશન પ્રાયમરીમાં ભણે છે.

નવી પેઢી સ્માર્ટ છે. ઉત્સુક છે. તેને નાની નાની વાતોના જવાબ જોઇએ છે. તેના માટે શું કરવું જોઇએ? એક જ ઉકેલ છે કે આપણે જ્ઞાન સાથે અપડેટ થવું જ પડે. જ્ઞાન માટે નવાનવા પુસ્તકો વાંચતા રહેવું જોઇએ. ફેસબૂક અને ટ્વિટર સુધી સિમિત થઇ રહેલી પેઢીને સાહિત્ય સાથે અવગત કરાવવા આપણે જ પહેલા સાહિત્ય સાથે ફરીથી ઘરોબો કેળવવો જ પડશે. આજકાલ મોબાઇલ અને ટેબલેટમાં જ ઘણી એપ્સ છે જેને બિલકુલ ફ્રીમાં ઇ-બૂક સ્વરૂપે લાખો પુસ્તકો ઉપલબ્ધ બનાવી આપ્યા છે. એટલે લાઇબ્રેરીમાં જવા માટે સમય ન હોય તો કોઇપણ સમયે નવરાશની પળોમાં પોતાને ગમતા પુસ્તક મોબાઇલ કે ટેબ્લેટમાં પણ વાંચીને સમય સાથે અપડેટ થતા રહેવું જોઇએ.

વાંચન એકમાત્ર એવી પ્રવ્રુતિ છે જે કોઇ પણ પ્રકારના શારીરિક શ્રમ વગર જ્ઞાનવર્ધક પ્રવ્રુતિ બની રહે છે. એક સામાન્ય ઉદાહરણ આપુ તો મિત્રો આ આપણું ‘શબ્દાવકાશ’ ઇ-મેગેઝિન. વિનામુલ્યે તમે દશ સેકન્ડમાં ડાઉનલોડ કર્યું છે. તમારી અતિ વ્યસ્ત દિનચર્યાના કારણે તમે લાઇબ્રેરીમાં જવા માટે બિલકુલ સમય ફાળવી શકતા નથી. પણ બસ કે ટ્રેનમાં મુસાફરી કરતા અથવા નવરાશનાં સમયે અથવા રજાના દિવસે ઘરમાં બેઠા કંટાળો આવતો હોય ત્યારે પોકેટમાં સાથે ફરતી લાઇબ્રેરી યાદ આવે છે. તમે વાંચવાનુ શરૂ કરો છો. અને તમારા આશ્ચર્ય વચ્ચે અજયભાઇ પંચાલ તમને ઘરે બેઠા જ કેરેબિયન ટાપુઓની આહલાદક સહેલ કરાવે છે. અશ્વિન મજીઠિયા તમને જાતજાતના તર્ક સાથે નામોની ભુલભુલૈયામાં ખોવાડી નાંખે છે. નીવારોઝિન રાજકુમાર વીણેલા મોતી અને ચીવટતાથી ચુંટેલા ફુલની જેમ એક કવિતાનો મધુર આસ્વાદ કરાવે છે. તો જાહ્નવિબેન અંતાણી પુસ્તક પરિચય..! ઉપરાંત અવનવી વાનગીઓની રેસિપિ, સરસ મઝાની વાર્તા અને મનોરંજક ધારાવાહિક વગેરેનું સંકલન કરીને આ ટીમ તમારી સામે વાંચનનો સ્વાદિષ્ઠ રસથાળ રજુ કરે છે.

તાર્કિક રીતે વિચારો મિત્રો, કે માત્ર અર્ધા કલાકથી ઓછા સમયગાળાના વાંચનમાં કેટલું વૈવિધ્ય સભર જ્ઞાન મેળવો છો, અને આ તો માત્ર દ્રષ્ટાંત હતું. વાંચનથી અનેકવિધ લાભ થાય છે. વ્યસન મુક્તિ માટે વાંચન શ્રેષ્ઠ સલાહ ગણાય છે. એંગર મેનેજમેંટ, હતાશા અને બીજી અનેક માનસિક વ્યાધિનાં નિવારણ માટે સારા પુસ્તકોનાં વાંચનની જ સલાહ અપાય છે, અને એટલે જ મિત્રો, આ નવા શરૂ થતાં નાણાકિય વર્ષમાં વાંચન માટે પ્રણ લઇને આપણા ભવ્ય સાંસ્ક્રુતિક, સાહિત્યિક વારસાની જાળવણી કરીએ
મિત્રો, ‘શબ્દાવકાશ’ ઇ-મેગેઝિનનાં પહેલા બે અંકોની જવલંત સફળતા અને વાંચકોના ભવ્ય પ્રતિસાદથી પ્રોત્સાહિત થઇને સહર્ષ આ ત્રીજો અંક પ્રસિદ્ધ કરતા ગૌરવાંતિત અનુભવ થાય છે. આ વાંચકોનું, વાંચકો દ્ધારા, વાંચકો માટે સર્જાયેલુ આપણાં સહુનું પોતિકું મેગેઝિન છે. એટલે નિઃસંકોચ તમારા પ્રતિભાવો અને તમારી લેખન-સામગ્રી અમને મોકલતા રહેશો તો અમને ખુશી થશે. આપના જરૂરી સુચનો ઉપર વિચારણા કરવાનું અમને અવશ્ય ગમશે. વાંચકોના વિશાળ કુટુંબ સાથે જોડાઈ રહેવાની અમારી સતત કોશિષ રહેશે.
આપણું નવપલ્લવિત વિચારો સાથે સર્જાયેલુ ઇ-મેગેઝિન પ્રગતિનાં નવાનવા સોપાન સર કરે એવી શુભેચ્છા સહ આ ત્રીજો અંક આપના હાથમાં સોંપુ છું.

શબ્દાવકાશ ટીમ વતી,
ડો. ઇરફાન સાથિયા..

સરદારજી ચાલ્યો ક્વીઝ-ગેમ રમવા..

.

એકવાર એક સરદાર કોઈક ક્વીઝ-શોમાં ભાગ લેવા ગયો.

તેને પ્રથમ સવાલ પૂછાયો.

૧] '૧૦૦ યર્સ વૉર (યુદ્ધ)' કેટલા વર્ષ સુધી ચાલ્યું હતું?

અ) ૧૧૬

બ) ૯૯

ક) ૧૦૦

ડ) ૧૫૦

સરદારે કહ્યું, "આઈ વિલ સ્કીપ ધીઝ -હું આ સવાલ સ્કીપ કરીશ.." અને આમ તેની એક લાઈફ-લાઈન વપરાઈ ગઈ.

.

.

બીજો સવાલ પૂછાયો:

૨] 'પનામા હેટ' કઈ કન્ટ્રીમાં બને છે?

અ) બ્રાઝીલ

બ) ચીલી

ક) એક્વાડોર

ડ) પનામા

સરદારે કહ્યું, "હું એક્સપર્ટ-ઓપીનીયન લઈશ." અને તેણે પોતાની બીજી લાઈફ-લાઈન વાપરી.

.

.

પછી આવ્યો ત્રીજો સવાલ

૩] રશિયન લોકો કયા મહિનામાં 'ઓક્ટોબર રેવેલ્યુશન (બળવો)' ઉજવે છે?

અ) ઓક્ટોબર

બ) સપ્ટેમ્બર

ક) જાન્યુઆરી

દ) નવેમ્બર

સરદારે કહ્યું, "હું ઓડિયન્સ-પોલ માટે જઈશ" અને તેણે પોતાની ત્રીજી લાઈફ-લાઈનનો ઉપયોગ કર્યો.

.

.

હવે આવ્યો ચોથો સવાલ..

૪) રાજા જ્યોર્જ-૫ નું પ્રથમ નામ શું હતું?

અ) એડર

બ) એલબર્ટ

ક) મેનોએલ

ડ) જ્યોર્જ

સરદારે કહ્યું, "મારે 'ફિફ્ટી-ફિફ્ટી' વાપરવી છે." આમ ત્યારે તેણે પોતાની ચોથી અને છેલ્લી લાઈફ-લાઈન વાપરી નાખી.

.

.

તેના પછીનો સવાલ હતો-

૫) પેસિફિક-સમુદ્રમાં આવેલ કેનેરી-ટાપુઓનું નામ કયા પ્રાણી પર આધારિત છે?

અ) કેનેરી પક્ષી

બ) કાંગારું

ક) પપ્પી

ડ) ઉંદર

સરદારે કહ્યું, "મને સાચા જવાબની ચોક્કસ ખાતરી નથી. ખોટો જવાબ આપીને અત્યર સુધી કમાયેલ ઇનામની રકમ છોડવા કરતા, હું ગેમમાંથી ક્વીટ કરું છું."

.

.

કેમ ???

તમને શું લાગે છે?

તમને જો એમ લાગતું હોય કે તમે સરદારજી કરતા વધુ સ્માર્ટ..વધુ હોશિયાર છો, અને તેનાં વર્તન પર તમને હસવું આવતું હોય...તો નીચે આપેલ સાચા જવાબો ચેક કરી લો.

.

.

.

જવાબો:

૧] '૧૦૦ વર્ષનું યુદ્ધ' ૧૧૬ વર્ષ સુધી ચાલ્યું હતું. સન ૧૩૩૭ થી ૧૪૫૩ સુધી.

૨] પનામા હેટ એક્વાડોર નામના દેશમાં બને છે.

૩] 'ઓક્ટોબર રેવેલ્યુશન (બળવો)' નવેમ્બર મહિનમાં ઉજવવામાં આવે છે.

૪] રાજા જ્યોર્જ-૫ નું પ્રથમ નામ એલબર્ટ હતું. ૧૯૩૬માં તેણે પોતાનું નામ બદલ્યું હતું.

૫] પ્રાણીનું નામ છે પપ્પી. કેનેરી ટાપુઓનું લેટીન નામ 'ઇન્સુલરિયા કેનેરીયા' છે, કે જેનો અર્થ થાય છે- 'પપ્પીઓનાં ટાપુ'

.

.

.

.

તો બોલો હવે, ડફોળ કોણ છે?

.

હવે પછી..

સરદારોની મજાક ઉડાવતા પહેલા બે વાર વિચાર કરજો.

.

-અશ્વિન મજીઠિયા..

ન્યુયોર્ક શહેરના ભીખારીઓ

“દે દે......દે દે... અલ્લા કે નામ પે દે! એ માઈ.... બે દિ' થી ભૂખ્યો છું કંઈ ખાવાનું આપો ને! આ ઠુંઠા- લંગડા પર દયા કરી પૈસા નાંખો ભૈસાબ..!”
આવા ઘણા ઉદ્ગારો ભારતમાં ભિખારીઓના મોંઢે સાંભળ્યા હશે જ. પણ તમે કલ્પના કરી શકો કે અમેરિકાના ધનાઢ્ય શહેર ન્યુયોર્કમાં ભીખારીઓ કઈ રીતે ભીખ માંગતા હશે? અરે પહેલા તો એ જ પ્રશ્ન થાય કે ત્યાં ભીખારીઓ હશે ખરાં?

ન્યુયોર્ક શહેર ધનાઢ્યો અને ઐશ્વર્યથી ભરેલુ સદાય ધબકતું રહેતું રળીયામણું શહેર છે. દાયકાઓ પહેલા અમેરિકાની રાજધાની રહેલું ન્યુયોર્ક શહેર અત્યારે અમેરિકાની આર્થિક રાજધાની છે. વોલ સ્ટ્રીટ પર સ્ટોક માર્કેટમાં અબજો ડોલરની ઉથલ પાથલ થાય છે. ઉંચી ઉંચી ગગનચુંબી ઇમારતોમાં દુનિયાભરની મોટી મોટી કંપનીઓની કોર્પોરેટ ઓફિસો આ શહેરમાં આવેલી છે. ઘણા બધા હોલીવુડ સિતારાઓ આ શહેરમાં વસે છે. દિવસના લાખો લોકો આ શહેરમાં રોજીરોટી કમાવા આવે છે અને વૈભવી જીવન જીવી શકાય એટલું અર્થોપાર્જન કરે છે. નિયોન લાઈટથી ચમકતાં વૈભવી સ્ટોર્સ, મોલ્સમાં લોકો કીડીયારાની જેમ ખરીદી કરવા ઉભરાય છે. આમ છતાં ન્યુયોર્ક શહેરમાં ભિખારીઓનું પણ અસ્તિત્વ છે. અહિયાં ભીખારીઓ માટે હોમલેસ, પુઅર્સ, બમ્સ, બેગર્સ, ટ્રેમ્પ, ફ્રી-લોડર જેવા શબ્દો વપરાય છે.

ભીખ માંગવી એ એક મનોવૃત્તિ છે. આર્થિક વિષમતા કે વિપરીત સંજોગોની સામે ઝૂઝવા માટે ઘણા બધા રસ્તાઓ પ્રાપ્ય હોય છે. પણ ભીખ માંગવી એ એમાંનો સહુથી સહેલો રસ્તો છે. અમેરિકામાં શ્રીમંતોની સંખ્યા વધારે છે અને ઉપલો માધ્યમ વર્ગ પણ વધારે માત્રામાં છે. પણ ગરીબો બહુ જ ઓછી માત્રામાં છે, એના કારણો છે શિક્ષિત અને સુસંસ્કૃત પ્રજા, નોકરી-ધંધાની વિપુલ તકો, સરકારની વિવિધ યોજનાઓ, વિકસિત અર્થ તંત્ર વિગેરે વિગેરે. આમ છતાં પણ જે લોકોની માનસિક વૃત્તિ જ કામ કરવાની ના હોય અથવા સહેલા રસ્તે અર્થવિહીન જીવન જીવવાની ટેવ હોય તેઓ ભીખનો માર્ગ અપનાવે છે.

ભારતમાં મંદિરો, ધાર્મિક સ્થળો, બસસ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન કે ટ્રેઈનમાં ભીખારીઓ ભીખ માંગતા દેખાય છે. ન્યુયોર્ક શહેરમાં જોવાલાયક સ્થળો કે જ્યાં ટુરીસ્ટ વધારે માત્રામાં આવતા હોય ત્યાં, બસ ડેપો અને સબ વે ટ્રેનમાં ભીખારીઓ વધારે જણાય છે. મારી ઘરથી ઓફિસની પચાસ મીનીટની રાઈડમાં રોજ ત્રણ ચાર ભીખારીઓ તો નજરે પડે જ છે. મોટેભાગે સબ વે ટ્રેનમાં જેવી ટ્રેન શરુ થાય એટલે અચાનક જ એક વ્યક્તિ ઉભો થઈને શુદ્ધ અંગ્રેજીમાં એકદમ વિનયપૂર્વક બોલવાનું શરુ કરશે. 'સજ્જનો અને સન્નારીઓ, ગુડ મોર્નિંગ, તમારી સફરમાં ખલેલ પહોંચાડવા બદલ દિલગીર છું. આમ તો હું પણ તમારી જેમ જ નોકરી કરતો યુવાન હતો. પણ મારી જોબ છીનવાઈ ગઈ. અને તાજેતરમાં જ આવેલા વાવાઝોડા દરમ્યાન અમારા બિલ્ડીંગને નુકશાન થવાથી મકાનમાલિકે અમને કાઢી મુક્યા અને હું હોમલેસ અને જોબલેસ થઇ ગયો. મારું અનએમ્પ્લોયમેન્ટ ભથ્થું ખલાસ થઇ ગયું છે. તમારી સામે લાચાર હાલતમાં ભીખ માંગવાથી મને પણ શરમ આવે છે. પણ એ સિવાય બીજો કોઈ ઉપાય નથી.'

ઘણીવાર કોઈ અપંગ વ્હીલચેરમાં જોવા મળે. પણ એજ વિનય અને વિવેક. તમારી સફરમાં ખલેલ પહોંચાડવાની ક્ષમા માંગીને જ એમની કથની કહેવાની શરૂઆત કરશે. કોઈકની જોબ જતી રહી હોય તો કોઈ મીલીટરી-આર્મીમાંથી ડિસેબલ વેટરન્સ હોય, વોર દરમ્યાન ઘાયલ થયા હોય પછી સરકારે જવાબદારી ના લીધી હોય, કોઈને વાઈફ બધા પૈસા લઈને ભાગી ગઈ હોય તો કોઈની સ્ટોરી એમ હોય કે સ્ટોક માર્કેટમાં પૈસા ગુમાવી દીધા અને હવે ભીખ માંગવાનો વારો આવ્યો છે. બસ સ્ટોપ પર ઘણીવાર વ્યવસ્થિત કપડાંમાં સજ્જ થયેલો વ્યક્તિ એમ કહેશે કે મારું પાકીટ મરાઇ ગયું છે અને હવે ઘરે પહોંચવા માટે પૈસા નથી. એકાદ બે ડોલરની મદદ કરો. આમ બધા પાસે એકાદ બે ડોલરની માંગણી કરતો સક્શ કામચલાઉ ભિખારી પણ હોય. એક ભાઈ તો હમેશા ટાઇ પહેરીને જ ટ્રેનમાં દેખાય છે. એ હમેશા એવું કહે છે કે તેઓ એક સંસ્થા માટે કામ કરે છે. એમની સંસ્થા ગરીબ હોમલેસ લોકોને ફૂડ, ક્લોથ્સ અને અન્ય ચીજ વસ્તુઓ પૂરી પાડે છે. તો કોઈપણ વ્યક્તિએ પૈસા કે વસ્તુની મદદ કરવી હોય તે તેમને આપી શકે છે. ઘણીવાર યુવાન કે ઘરડી સ્ત્રીઓ પણ ટ્રેનમાં ભીખ માંગતી દેખાય છે. મારા વિશ્લેષણ પ્રમાણે ચાલુ ટ્રેનમાં કે બસ સ્ટોપ પર ભીખ માંગતા વ્યક્તિઓ બોલકા હોય છે. એમની પાસે એક વ્યવસ્થિત સ્ટોરી હોય છે. હમેશા વિવેકી જણાય છે. જો એમને મદદ ન આપી શકો તો પણ એમને સાંભળવા બદલ આભાર માને છે અને ટ્રેનમાંથી ઉતરતી વખતે ઉતારુઓને 'હેવ અ નાઈસ ડે' અથવા તો 'બી સેફ' કહે છે. સબ વે ટ્રેનમાં જોબ પર જતા લોકોમાંથી કોઈને કોઈ દયાળુ આમને ક્યાંક તો પૈસા અથવા ફૂડ સામગ્રી આપીને મદદ કરે છે. જો કે આ ટ્રેન સફરમાં ઘણી વાર અમુક લોકો મ્યુઝીકલ વાજિંત્ર લઇને એકાદ ગીત ગઈ ને પછી એક ડોલર આપવાની અપીલ કરે છે. હું આવા લોકોને એન્ટરટેઈનમેન્ટર્સની શ્રેણીમાં મુકું છું, કારણ કે તેઓ એટલીસ્ટ તેમની કળાનું પ્રદર્શન કરીને પૈસા માંગતા હોય છે. આમ છતાં ભીખારીઓ અને આમની વચ્ચેની ભેદરેખા ખુબ જ પાતળી છે.

જોવાલાયક સ્થળો પરના ભીખારીઓ મોટે ભાગે એક ખૂણામાં ઉભા રહીને અથવા તો ફૂટપાથના એક કિનારે બેસીને ભીખ માંગતા હોય છે. આ લેખ વાંચતા તમને કદાચ એમ લાગશે કે શું ન્યુયોર્ક ભીખારીઓથી જ ભરેલું છે? પણ એવું નથી. મોટાભાગના ભીખારીઓ કાર્ડ બોર્ડ પર લખીને એકલદોકલ બેઠા હોય છે. ટૂંકા વાક્યોમાં લખેલું હોય કે હું હોમલેસ છું. મદદની જરૂર છે. ઘણાએ એમાં પણ લખ્યું હોય છે કે તેઓ વોરમાં ઘવાયેલા વેટરન્સ છે. ઘણાં ભીખારીઓ તો તમને ઊંઘતા કે અર્ધ બેભાન હાલતમાં પણ જણાય. મજાની વાત તો એ છે કે ઘણીવાર તમને બહુ જ પ્રમાણિક અને સાચાં ભિખારી મળી આવે. એક ભિખારીએ એવું બોર્ડ માર્યું હતું કે 'મને બીયર, ડ્રગ્સ અને પ્રોસ્ટીટ્યુટ[વેશ્યા] પાસે જવા માટે પૈસાની જરૂર છે.' નીચે તાજા-કલમમાં લખ્યું હતું કે, "હેય, એટલીસ્ટ હું પ્રમાણિક અને સાચો છું.' આવા ભીખારીઓ આનંદી સ્વભાવના હોય છે. એમને પણ ખબર છે કે રસ્તે જતા આવતા લોકો હસવાના છે. પણ તેનું એ લોકોને ખોટું નથી લાગતું. પણ આવા ભીખારીઓને મદદ મળે છે પણ ખરી. એક વખત ન્યુયોર્કના પ્રખ્યાત ટાઈમ સ્ક્વેર એરિયામાં એક યુવતી બોર્ડ લઈને ઉભી હતી કે એના સ્તન ખુબ જ નાનાં છે. સ્તનને પુષ્ટ અને માંસલ બનાવવા માટેની સર્જરી માટે એને પૈસાની જરૂર છે. કેટલા બધા પ્રમાણિક ભીખારીઓ..!

મજાક મશ્કરીના કિસ્સા બાદ કરીએ તો જણાશે કે મોટાભાગના ભીખારીઓની પરિસ્થિતિ ખરેખર ખરાબ હોય છે. ઘણાં લોકો સંજોગોવસાત પૂરું ભણી શક્યા ના હોય, નાની ઉંમરે ખોટી ટેવોએ ચઢી ગયા હોય, ઘર છોડી દીધેલું હોય, અનાથ હોય કે માબાપ જાતે જ નશાની લતે ચઢી ગયા હોય અને બાળકોને કૌટુંબિક વ્યવસ્થાઓ ના આપી શક્યા હોય અને એમણે ભીખ માંગવાની પરિસ્થિતિ આવી હોય. ડ્રગ્સ અને શરાબના નશાથી પાયમાલ થયેલા વધારે જણાય છે. આમ છતાં સરકારે આવા લોકોના ઉત્થાન માટે ઘણી બધી સંસ્થાઓ - એજન્સીઓ ઉભી કરેલી છે. જેમાં આવા લોકોને તાત્કાલીક જોબ મળી શકે એવી ટ્રેઈનીંગ આપવા માટેના ક્લાસીસ આપવાની વ્યવસ્થા કરી હોય છે. જોબ મેળવવા માટેની માર્ગદર્શન આપવા માટે સ્ટાફ રાખ્યો હોય છે. ડ્રગ્સની લતમાંથી છૂટવા માટે રીહેબીટેશનની વ્યવસ્થા પણ કરેલી હોય છે.

ભીખ માંગવી જોઈએ કે નહીં કે ભીખ માંગવી ઉચિત છે કે નહિ એ ચર્ચા કરતા પહેલા એમની હાલત વિષે જોઈ લઈએ. મોટાભાગના ભીખારીઓની હાલત બદ થી બદતર એવી ખુબ જ દયનીય હોય છે. એમનો દેખાવ લઘરવઘર તો હોય જ છે. મેલાં અને ફાટેલા ચીંથરાથી ઢાંકેલું, કૃશ અને નાહ્યા વિનાનું શરીર લઈને તેઓ જેમ તેમ બેઠા હોય છે. પૂરતા પોષણના અભાવે, સ્વચ્છતાના અભાવે ઘણા બધા રોગોનું ઘર હોય છે આ ભીખારીઓ ! પણ અચાનક અવારનવાર આવતા વરસાદ દરમ્યાન કે જયારે શિયાળાની હાડચામ ધ્રુજાવતી કાતિલ ઠંડી પડે કે સ્નો ફોલ થાય ત્યારે એમની હાલત ખુબ જ ખરાબ થઇ જાય છે. આમ તો સરકાર અને સેવાભાવી સંસ્થાઓ આવા સમયે શેલ્ટર હોમની વ્યવસ્થા પણ ઉભી કરે છે. પણ માહિતીના અભાવે કે કોઈ કારણસર શેલ્ટર ના મળવાથી ઘણા ભીખારીઓના કરુણ મોત પણ થાય છે. ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ, સરકારી એજન્સીઓ, સેવાભાવી નાગરીકો આવા પુઅર હોમલેસ લોકોને ફૂડ, સૂપ, ક્લોથ્સ, મેડીસીન, અને અન્ય સામગ્રી વિતરણનું કાર્ય પણ કરે છે. હું જે કંપનીમાં જોબ કરું છું તેના માલિક જે ભૂતકાળમાં બાર વરસ માટે ન્યુયોર્ક સિટીના મેયર રહી ચુક્યા છે, તેઓ કરોડો રૂપિયા આવા લોકોના ઉત્થાન માટે ખર્ચે છે. એટલું જ નહિ પણ પોતાની કંપનીના એમ્પ્લોઇઝને પણ જો આવા જરૂરીયાત મંદ લોકોની મદદ માટે જવું હોય તો ચાલુ કામે ચાલુ પગારે આવી સેવા કરવા જવા માટે પ્રોત્સાહિત પણ કરે છે.

હું ભીખને વ્યવસાય બનાવવાની તરફેણ કરીને, કે ભીખ આપીને ભીખ માંગવાની વૃત્તિને બહેકાવીને એને ઉત્તેજન આપવાના મતનો નથી. પણ આવા લોકોની પુરેપુરી પરિસ્થિતિ જાણ્યાં વિના એમનું પ્રત્યે ધૃણા કરવાના મતનો પણ નથી. હું મારા બગલ થેલામાં અમુક ફૂડ પેકેટ્સ કે ફ્રુટ રાખું છું કે જે મને સફર દરમ્યાન વહેલું મોડું થાય તો સ્નેક ખાવામાં કામ લાગે. કોઈક વખત સેન્ડવીચ ખાતા જો એમ લાગે કે આખી સેન્ડવીચ નહિ ખવાય (અહિયાં સેન્ડવીચ ભારત કરતા ખુબ જ મોટી આવે છે.) તો એમાંથી અડધી મૂકી રાખું છું. એમાંથી જયારે જરૂરી લાગે ત્યારે પૈસા આપવાને બદલે આવા જરૂરીયાતમંદોને એ ફૂડ આપીને મારા મનને સાંત્વન આપું છું. મનમાં આશા તો એવી જ રાખું છું કે આ દુનિયામાંથી ગરીબી અને ભૂખમરો કાયમ માટે દુર થઇ જાય, બધાને રોજી રોટી મળે અને સર્વત્ર સુખાકારી ફેલાય.

અસ્તુ...

-અજય પંચાલ

પ્રવૃત્તિ–નિવૃતિ-જાગૃતિ

માનવ સ્વભાવ છે કઇ ને કઈ કાર્ય કર્યા કરવાનો.. વ્યક્તિના જન્મથી માંડીને એના મરણ સુધીના દરેક તબક્કા જો પ્રવૃત્તિ સાથે જોડાયેલા ન હોય તો વિચાર કરો કે જીવન કેવું હોય.... કલ્પના કરો બસ... કઈ કર્યા વગર જ બસ એમ જ....બેસી રહેવાનું... જીવ્યા કરવાનું, જીવન પસાર કેમ કરત આપણે.. !!! કંપારી છૂટી જાય છે ને કલ્પના માત્રથી, ખરું ને? 'પ્રવૃત્તિ' જીવનને અખંડ રાખે છે.

વ્યક્તિ જયારે બાળક હોય છે ત્યારે રમકડાથી રમે છે અને ડગલેને પગલે નવું નવું શીખતો રહે છે પહેલા માત્ર ઘોડિયામાં સુવે.. બેસતા શીખે, રીખતા શીખે.. ચાલતા શીખે, દોડતા શીખવામાં એનો એ સમય પસાર થઈ જાય છે. થોડું મોટું થાય છે ભણતા શીખે છે, લખતા શીખે છે, વાંચતા શીખે છે, અને ઘરની બહાર રમતા પણ શીખે છે. એનાથી થોડો મોટો થાય છે બાળક અને ભણતા ભણતા થોડું સમજતા શીખે છે.સારું નરસું એવી બધી સમજણ કેળવાય છે. આમ આ બચપણનો સમય બાળકનો આવી બધી પ્રવૃતિમાં પસાર થઇ જાય છે અને એને એની ખબર પણ નથી પડતી. ત્યારબાદ સ્ત્રી હોય કે પુરુષ એ પોતાની યુવાનીમાં પ્રવેશતા કોલેજમાં ભણવાની સાથે સાથે રમતગમત, ઇતરપ્રવૃતિઓમાં ભાગ પણ લે છે અને પોતાની જાતને ઓળખતા શીખે છે.અરે હા, છોકરીઓને પટાવતા પણ શીખે છે...અને છોકરી હોય તો આંખોમાં છવાતી હલકી પ્રેમની ભીનાશને સમજતા પણ શીખેજ છે. કોલેજમાં એનો શોખ શું છે એ એને સમજ પડે છે... ભણતર પૂરું કરીને થોડી જવાબદારી ઉઠાવતા શીખે છે અને સમય તો આગળ વધતો જ રહે છે. એનાથી આગળના જીવનમાં એ પોતાની સંસારિક જવાબદારીઓ નિભાવતો જાય છે. લગ્ન, બાળકો, વૃદ્ધ થતા માતાપિતા.. આમ એનું જીવન એક ઝરણાથી શરુ થઈને ખળખળ વહેતી નદી સમ વહેતું રહે છે. માણસને કાંઇક કાર્ય કરવાની એક આદત પડી જાય છે. આ લખ્યું છે એટલું જીવન સહેલું તો નથી જ તો પણ થોડી જાતને ઓળખીને અને મનગમતી પ્રવૃતિઓમાં વ્યસ્ત રહેતા શીખી જઈએ તો જીવનનું એકધારાપણું જળવાઈ રહે અને આધી, વ્યાધી અને ઉપાધિમાંથી કાંઇક અંશે બચી શકીએ.
વ્યક્તિનો ઉપર જણાવેલો સમય ક્યારે પસાર થઇ જાય છે એ તો એને પોતાને પણ ખબર નથી પડતી....પણ સમય ને આગળ વધતા ક્યાં કોઈ રોકી શક્યું છે.જેમ જેમ સમય આગળ વધે છે એમ વ્યક્તિની ઉમર પણ આગળ વધે છે એ સ્વીકારે કે ન સ્વીકારે..સમય આગળ ચાલતો રહે છે.

આમ તો નિવૃતિનો સમય નક્કી હોતો નથી એટલે એમ થાય કે જે ફાજલ સમય જીવનમાં રહે એમાં દરેક એ એવી વસ્તુ કે કાર્ય કરવું જોઈએ જેનાથી જે તે વ્યક્તિનો શોખ પણ વિકસે અને એમાંથી એ કાંઇક કર્યાનો સંતોષ પણ પામી શકે.

માનવ જન્મે છે ત્યારથી જાણે કે એને સમયની મારામારી રહે છે... બાળકો કહે છે.. “મમ્મી, ટાઈમ નથી, રમવું છે, લેસન કરવું છે..પરંતુ સમય નથી ... મોટો થાય છે ત્યારે પણ એના શોખ પોષવામાં, ભણવામાંથી એને સમય હોતો જ નથી... અને સૌના માટે એક હાથવગું વાક્ય જીભ પર રમતું રહે છે ‘ટાઇમ જ ક્યાં છે’. ત્યારપછી તો જીવન, સામાજિક જીવન શરુ થાય ત્યારે તો નોકરી,કુટુંબ, વ્યવહારિક કામો એમાંથી તો માણસ જાણે પરવારતો જ નથી...એના માટે જીવન જાણે એક જંગ બની ગયું હોય છે.

પરંતુ હવે જીવનનો એક ઢળતો પડાવ શરુ થાય છે... થોડો થોડો સમય હવે એને જાણે નિરાંત જેવું લાગે છે.. બાળકો મોટા થઇ ચુક્યા છે પોતપોતાની રીતે જીવન જીવવાના પ્રયત્નોમાં લાગી ચુક્યા છે...પોતાનું સાથીદાર પણ જો સ્ત્રી હોય તો ઘરની જવાબદારીમાંથી થોડી હળવાશ અનુભવતી જોવા મળે છે અને પુરુષ હોય તો ફરજોની જવાબદારીના બોજમાં થોડી રાહત મહેસુસ કરે છે, ત્યારે... શરુ થાય છે નિવૃતિની એ પળ જેનો વ્યક્તિ એ કદી વિચાર પણ નહોતો કર્યો.

ખરેખર તો આ સમયનો વિચાર જયારે જીવન નો સૂર્ય મધ્યાહને હોય ત્યારે વિચારી લેવો જોઈએ, પરંતુ બધી વ્યક્તિ એટલી નસીબદાર ન હોય કે એ એટલું લાંબુ વિચારવાનો એમને એ વખતે સમય મળ્યો હોય.. તો જયારે એ સમય આવે ત્યારે સૌ પ્રથમ એનો સ્વીકાર કરતા શીખી જવું જોઈએ..કેમ કે આપણે જાણીએ છીએ કે દુનિયા ઉગતા સૂર્યને જ પૂજે છે એ ન્યાયે કોઈ વ્યક્તિ પોતાની જાતને આથમતા સૂર્ય સાથે સરખાવવા તૈયાર થતી નથી. પરંતુ મેં ક્યાંક વાંચેલું કે, સૂર્ય ઉષાનો હોય કે સંધ્યાનો આકાશનો રંગ એકસરખો જ રહે છે..આપણે આવું અનુભવી શકીએ છીએ ખરા?

હા, ચોક્કસ અનુભવી શકીએ, મનને સ્વીકાર કરતા શીખવ્યું હશે તો એ કોઈ પણ સમય સંજોગો ને સ્વીકારશે અને દિલથી સ્વીકારશે..અને એ આ સમયમાં પણ પોતાનું મનગમતું કાર્ય જેવુકે વાંચન, લેખન, મ્યુઝીક સાંભળવું, થોડી સમાજસેવા, અને હમઉમ્ર મિત્રો સાથે કાંઇક ને કાંઇક નવું કરતા જઈને જીવન જીવવા લાયક બનાવી શકીએ. જેવું આર્થિક પ્લાનિંગ નિવૃતિના સમય માટે કરતા હોય એ રીતે જ થોડું નીવૃતિનું પ્લાનિંગ કરતા રહેવું જોઈએ અને કદાચ એ ન કરી શક્યા તો... મનને એટલું સજ્જ કરવું જોઈએ કે નીચેની પંક્તિઓ સાર્થક કરી શકીએ.

કવિ શ્રી અશરફ ડબ્બાવાળા કહે છે,

“જીવનમાં રોજ શીખું છું હરદમ નવું-નવું,
એ છે નિશાળ જેમાં રજા આવતી નથી.”

ઉમરમાં ગમે તેટલા મોટા થતા જઈએ પણ નવું નવું શીખવામાં બાળક બની જવામાં કોઈ છોછ ન રાખવો જોઈએ. મોટા થઈએ તો આ કોમ્પ્યુટર કેમ શીખાય!! લોકો શું કહેશે!! મારા બાળકો શું કહેશે !! હું ફેસબુક કે ટ્વીટર કરીશ તો કેવું લાગશે!! દરેક વસ્તુ ખરાબ નથી હોતી બસ એનો ઉપયોગ કરવાની આવડત હોવી જોઈએ.અત્યારે ફેસબુક, વ્હોટસ એપ પર નવી નવી વ્યક્તિઓ સાથે ઓળખાણ પણ થાય છે અને તમારા શોખ મળતા હોય એવી વ્યક્તિઓનું ગ્રુપ પણ બનાવી શકો છો. અને સહિયારી પ્રવૃતિઓ કરી શકો છો. દુનિયા ગમે તે કહે, ગમે તે કરે આપણે આપણી જાતને સક્ષમ બનાવી નવી પેઢી સાથે કદમ મિલાવી શકીએ અને નવી પેઢીને સમજી શકીએ તો નવા જમાના અને પેઢી બને સાથે તાલમેલ મેળવી શક્શું અને બંને પેઢીઓ વચ્ચેનું અંતર ઘટાડવામાં મદદરૂપ થઇ શકીશું. અત્યારે સમયની સાથે કદમ નહિ મિલાવીએ તો તકલીફ જે તે વ્યક્તિ એ જ સહેવાની છે. ‘અરે, જવા દો ને મને તો સમય જ નથી મળતો, ઘરમાંથી ફ્રી જ નથી થવાતું.” તમને કેમ આટલો સમય મળે છે!” લોકો આવું કહે ત્યારે કહેવું પડે છે કે અરે, સમય મળે નહિ, સમય તો કાઢવો પડે.. તમારી જાત માટે તમારા પોતાના માટે, તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે.તમારા ખુદના સંતોષ માટે, તમારા માંહ્યલાને વિકસાવવાથી એક અજબ શાંતિ અને આનંદ મળે છે. વ્યક્તિ તરીકે તમારું વર્તન ગૌરવવંતુ બનાવી શકો અને સમાજમાં આદરણીય સ્થાન પામી શકો.

અને હા, આ લેખનું જીવતું જાગતું ઉદાહરણ તમારી સામે છે. આવી જાગૃતિ આપણે સૌએ શીખવી પડશે. નહિ તો ડોક્ટરનું બીલ ભર્યા કરીએ બીજું શું..!!

---જાહ્નવી અંતાણી

આમને ઓળખો છો?

હેલો .....તમને પૂછ્યું
શું કરો છો તમે ?
રોજની માફક સવારમાં ચા પીતા પીતા ફેસબુકમાં લોગીન કર્યું , ટડીંગ કરતો મેસેજ ઝળક્યો : ‘ હાય ... જી.એમ....જે.એસ.કે. થેંક્યું ... હું બીજનેસમેન છું ..તમે ફોટોગ્રાફર છો ? ‘ મારા ભોગ લાગ્યા હતા તે મેં ટૂંકો જવાબ આપ્યો “ હા “ . આ એક જ અક્ષરના જવાબથી સામેવાળા ભાઈ ભયંકર ઉત્સાહમાં આવી ગયા અને પોતે કેટલા ફોટોગ્રાફર્સ ને ઓળખે છે તેનું લીસ્ટ આપવા માંડ્યો . “ તમે આમને ઓળખો ? “ બહુ જાણીતા ફોટોગ્રાફર છે . આપણે ઘર જેવું . તમને કાઈ કામ હોય તો કહેજો ...તમે રઘુરાય ને ઓળખો ? એ આપણને ગમે એટલી ભીડમાં પણ દુરથી જુએ એટલે ભેટી જ પડે...કહેજો કઈ જરૂર હોય તો ...વગેરે ...વગેરે
બાપરે.... આંટા લાવી દીધા આ માણસે તો . તમે જોજો આવા ફેંકુઓ બધે મળી જાય . સોસાયટીમાં , ગ્રુપમાં , સોશ્યલ સાઈટ પર...બધે જ આ પ્રજાતિ જળોની જેમ ચોટેલી જ હોય . એ બધાને ઓળખતા જ હોય ...બધા સાથે એમને અડીને જ સંબંધો હોય . આ પ્રજાતિ કદાચ એમ સાબિત કરવા માંગતી હશે કે એ બીજાથી સમથીંગ મોર છે , કૈક વધુ ચડિયાતા . જાણીતી વ્યક્તિઓ સાથે ઘરોબો હોય એનો દેખાડો કરીને સમાજમાં પોતે પણ માનભર્યું સ્થાન મેળવવાના તનતોડ પ્રયાસો ચાલુ રાખે . કોઈકવાર વળી આવી વ્યક્તિઓ પંચાતના હેતુસર પણ આવી પ્રવૃતિમાં સક્રિય હોય એમ બને. ફક્ત જાણવા માટે કે કોને કોની સાથે કેવા સંબંધો છે ? લફરું છે કે હતું ?સ્ત્રી-પુરુષની નિર્દોષ મૈત્રી સંભવી જ નાં શકે એવું આ પ્રજાતિ બહુ મક્કમપણે માનતી હોય છે એટલે એ સામાન્ય મૈત્રીમાંથી પણ પોતાને ફાવતા સંબંધ સુંઘવાની ગજબનાક ક્ષમતા ધરાવતા હોય છે . આમને તમે કેવી રીતે ઓળખો ? જેવા સાવ સામાન્ય સવાલના જવાબમાંથી ઉધઈની જેમ ખોતરતા ખોતરતા પોતાને જોઈતા તારણ પર જ આવે . હઅઅઅ ....આ બે ને કઈ છે ....” આ “ કઈ “ એટલે મૈત્રી સંબંધથી ઘણું વધારે .... એમાય જો એ જેના વિષે પૃચ્છા કરતા હોય એને થોડું વધારે ઓળખતા હોય તો એની માહિતી મીઠું-મરચું ભભરાવીને કહે પણ ખરા .
અમારા એક મિત્રને આવી જ ટેવ. જયારે પણ મળે ત્યારે કોઇ ને કોઇ નવી બંધાયેલી મિત્રતાની વાત કરે જ. કોઇની અંગત માહિતિ મળી હોય તો એની પણ વાત વહેંચે. ' આ ભાઇ આમ તો રોફ મારે છે પણ એમની વાઇફ તો બીજા સાથે ચાલુ છે ને આ ભાઇને ખબર પણ છે . . . નમાલો હાળો. આપડું બૈરું આવું કરે તો આપણે તો એક લાત મારીને બાપનાં ઘરે કાઢી મુકીએ. માથે ચડાવી છે બહું તો હવે માથે છાણાં થાપે છે. સહેજેય ગાંઠતા નથી etc....etc.' આવું તો કઇ કેટલુંય બોલી જાય. હકીકતમાં બીજા લઇ ગયા ને પોતે રહી ગયા એવો છુપો ઇષ્યાૅભાવ એમને પજવતો હોય એમ બને. તો નિદોૅષ મૈત્રીને પોતાના જ ચશ્માંથી જોઇને "એવી" જ છે એમ માનનારાઓનો પણ તોટો નથી. વળી આ પ્રજાતિ પોતાના વખાણ કે માૅકેટિંગ કરવામાં સ્વાવલંબી હોય છે, કોઇ કરે ક ન કરે. કરિના કપુર જબ વી મેટ માં કહે છે એમ " મૈ ખુદ અપના/અપની ફેવરીટ હું " એમની મોટાભાગની વાત મેરે નામ સે શરુ મેરે નામ પે ખતમ જેવી હોય છે. તમે કોઇ સ્વજનની બિમારીની વાત કરો તો એ છેક એના સ્પેશિયાલિસ્ટ સુધીની ઓળખાણ કાઢે. " ત્યાં જઇને આપણું નામ આપજો તરત જોઇ આપશે. " કેમ જાણે આપણે ફિલ્લમની ટીકીટની લાઇનમાં ઊભા હોઇએ અને એ આપણને લાભ કરાવવા માંગતા હોય એવી.લાગણી થાય . કંઇ પણ કરીને એ કોઇક ને કોઇક મોટાં માથાની ઓળખાણ તો કાઢે જ અને બધા સાથે એમને ધર જેવાં જ સંબંધ હોય . એક રીતે જોઇએ તો આ પ્રજાતિ ડિપાૅટમેન્ટલ સ્ટોર કે ઓનલાઇન સેલિંગ સાઇટસ જેવી હોય છે . યુ નેઇમ ઇટ વી પ્રોવાઇડ ઇટ. !!!
ટુંકમાં કહેવું હોય તો ' તમે આમને ઓળખો છો.? ' પ્રજાતિની કેટલીક ખાસિયતો હોય છે-
આ પ્રજાતિ અભિમાની હોય જ . જે તે સેલીબ્રીટીને પોતે ઓળખે છે એ વાતનું એમને એટલું અભિમાન હોય ને કે એટલું તો સેલિબ્રિટીને પણ પોતાના માટે ન હોય .-
આ પ્રકારની વ્યકતિઓ બીજી વ્યકતિઓ અબુધ , અગ્યાની છે અને એમની ચેતના ઢંઢોળવા માટે જ પોતે પૃથ્વી પર અવતયાૅ છે એવી માન્યતામાં માથાબુડ હોય એટલે પોતે કાયમ વ્યાસપીઠ પર જ બિરાજમાન હોય અને અન્યોને કાયમ બોધ જ આપતાં હોય.-
એક પ્રચ્છન ખાસિયત એ પણ હોય છે કે બીજાની ઓળખાણ પોતાની ઓળખાણ માનીને કસ કાઢી લે. જો ધારો કે ઓળખાણથી એમને જોઇતો લાભ ન મળે તો વગોવતાં એક મીનીટ બી વાર ન લગાડે.-
કેટલીક વાર આ લોકો આડકતરી ઓળખાણ બીજાને પણ પધરાવી દે . વોશિંગ મશીન લેવું છે તો સેલ્સ ઇન્ડિયામાંથી ન લેતાં એની બદલે રાજદીપમાં જ જાવ. ત્યાંનો મેનેજર મારા સાળાનાં સાળાના ખાસ મિત્રના ભાભીનો બનેવી છે, ડિસ્કાઉન્ટ આપશે . ત્યાં તમે મારા સાળાનાં સાળાના મીત્રના ભાભીનું નામ આપજો. . . બાપરે. . કેટલી બધી ઓળખાણ ??? કેટલા‍ બધાં સગપણ ???-
કયારેક ' અ‍ામને તમે ઓળખો છો ? ' પૃચ્છાં પોતાનું કામ કઢાવવા માટે પણ થતી હોય છે . મારી એક મીત્ર (?) એ કોઇનાં માટે આ ઉંડાણપુૅવકનો પ્રશ્ર્ન મને પુછેલો . મે ભુતકાળનાં અનુભવોને આધારે ના કહી કે " સોરી ખબર નથી ." " કેમ શું હતું ? " " અરે મિક્સર બગડ્યું છે તો આ રીપેરીંગવાળો ૫૫ રુ. માંગે છે. કોઇએ મને કહ્યુ કે આ દુકાનવાળો ૪૦ માં કરે છે તો મને થયુ તારા એરિયામાં છે તો તને કદાચ ખબર હોય . હુ અવાક . . એ મિત્ર મણિનગર રહે છે ત્યાંથી નવરંગપુરા આવે અને જાય એટલે પેલાં બચેલા ૧૫ રુ. થી વધુ વપરાય જાય એટલું સાદું ગણિત એમને નહી સમજાયું હોય ? શું ખબર . . !!!?
જો કે હવે મને કોઇ પુછે કે " તમે આમને ઓળખો છો ? " તો હુ હા જ કહું છુ " હા હુ ઓળખું છું , પણ એ મને ઓળખે છે કે નહી એ ખબર નથી "

.-
દેસાઈ શિલ્પા

પત્ર લખ્યો ‘માંદગી’ને

મારી ‘પ્રિય’ માંદગી,

‘પ્રિય’ શબ્દ બહુ જામતો નથી પણ આમ કહેવાના કારણો આપીશ પછી યોગ્ય લાગશે.

કેટલાક મહિનાઓના સાથ પછી શરીરની ગાડી પાછી પાટે ચડતી જાય છે, ને તારો સાથ છૂટતો જાય છે.

એટલે આજે તારો આભાર માનવાનું મન થાય છે , કારણ આરામદાયક [જો કે એટલી જ પીડાદાયક પણ] અવસ્થામાં ઘણા બધા અનુભવો, વિચારો, મંથનો, અહેસાસો, જેવી અનેક મિશ્રિત લાગણીઓનો અનુભવ, તેં મને કરાવ્યો છે.

શરીરના કોઈ પણ અંગથી, કોઈ પણ ઉંમરે છૂટા પડવું સહેલું નથી જ. કારણ આવા નિર્ણયોમાં શરીર ઓછું ને મન વધારે ઘવાતું હોય છે. દવાઓ શરીરની પીડાઓ હલકી કરે, મનની નહિ. ને પાછું, ‘મક્કમ’ કે ‘મજબૂત’ મનનાં છીએ એ સાબિત કરવાની મથામણમાં મનની વાત ક્યારેય બહાર પાડવા દેવાતી નથી, ને આ બહુ અઘરું છે. આપણા દુઃખે આપણે પ્રિયજનોને દુઃખી ન કરાય, એ તો પ્રિયે, તારા આવવાથી જ તો સમજાયું મને..!

પણ પીડા આપનાર કોઈ પણ વસ્તુ સાથે વધુ સમય ન રહી શકાય, ભલે પછી એ ગમે તેટલો પ્રિય પોતીકો સંબંધ હોય, વ્યક્તિ હોય કે કોઈ શારીરિક અંગ હોય..ક્યારેક તો કમને પણ એનાથી છૂટકારો મેળવવો જ પડે છે, એ પણ સમજાયું….!

પણ સૌથી વધારે સમજ તો એકદમ એક્ટીવ ને દોડધામ કર્યા કરતા, પણ અચાનક જ કોઈ અકસ્માત કે લકવાથી ગ્રસ્ત થઇ ને પછી સાવ અબોલ… અપંગ…. ઓશિયાળા..પરવશ થઇ જતા લોકો વિષે આવી.

અને હા, ઘડપણમાં પ્રવેશેલા આપણા વડીલો પણ હવે સમજાઈ રહ્યા છે.

પોતાની નજર સામે સાવ ખોડંગાતો, લથડતો, પછડાતો, તરફડતો, મરડાતો, માનસિક, શારીરિક, સાંસારીક, સામાજિક સંબંધો, કે લાગણીનો લૂલો વ્યવહાર જોઈને કેવી અસમંજસ, પીડા, વેદના, કશ્મકશનો અનુભવ થતો હશે એ બહુ વિચાર્યું.

ક્યારેય કોઈ ચીજ કે પરિસ્થિતિમાં ‘હોતા હૈ ચાલતા હૈ’ ન ચલાવ્યું હોય, ને એ જ વ્યક્તિને ‘ચાલશે’, ’ફાવશે’, ’ગમશે’ જેવી સમાધાનની ભાવનાથી સાવ અકાળે પીડાવું પડતું હશે.. લાડકોડથી ઉછેરેલા પોતાના બાળકોને અચાનક બીજાના ઓશિયાળા, આધીન, સમજદાર થતા જોવા બહુ અઘરું કામ હશે. આવા કપરા કાળમાં મોઢું ફેરવી લેતા, સાથ છોડી જતા..પોતાના કે માનેલા સગાઓને જોઈએ ને કેટલું બ્રહ્મજ્ઞાન મળી જતું હોય છે, એ પણ સમજાયું..!

ને આથી સાવ વિરુદ્ધ, આ કપરા સંજોગોમાં સગા-વ્હાલા, સ્નેહી, બાળકો (કોઈ એમ કહે કે દૂર રહેતી દિકરી ચિન્તામાં રડીને દુઃખી થતી હતી ત્યારે શું લાગણી થાય એ એમને એમ ન જ સમજાય ને..♥) મિત્રો, ને સમાજના પ્રેમભર્યા વર્તનથી, કાળજીથી, લાગણીથી, પૂછપરછથી, સંભાળથી પોતાની અનેક ધારણાઓ, કલ્પનાઓ સાવ ચકનાચૂર થતી પણ અનુભવાતી હશે, કે પછી..સમર્થન મળી જતું હશે. અને અણધાર્યા જ પ્રેમ, હેત ને લાગણીનાં અનેક સંબંધો કોળી, ફોરી, મહેકી ઉઠતા હશે.

“બીમારીમાં કોઈનાં હાથની રસોઈ ન ખવાય..ને અમે તો છીએ ને !” એમ કહીને ઘરડા સાસુ રોટલી વણે ને એથી વધુ ઘરડા સસરા રોટલી શેકી થાળીમાં ગરમ ગરમ પીરસે..’દવા લીધી?‘, ‘ઊંઘ આવી?’ ઓહ! આવા લાડ તારા આવ્યા વગર મને ય ક્યાં મળવાના કે સમજાવાનાં હતા..!

આ પત્ર થોડો લાંબો થયો છે કારણ લોકો જેટલી માને છે એટલી તું ખરાબ નથી. તારા આવવા અને જવાથી દરમ્યાન ઘણા પદાર્થપાઠો અમે શીખી શકીએ છીએ. તું તો એક ઉત્તમ શિક્ષક છે. કોઈ પોતાનું લાગણીથી તરલ આંખો સાથે, “તને દુઃખે છે?” એમ પૂછે ત્યારે પ્રયત્નપૂર્વક પીડા, દુઃખ અને ઉભરાતા આંસુઓને દૂર હડસેલીને “હું ઠીક છું” એ કહેવામાં જે ભાવો છે..જે મજા છે..એકબીજાની કાળજીની જે સમજ છે, એ તો દોસ્ત, તારા આવવાથી જ સમજાય ને..!

મને આવા સંવેદનશીલ અહેસાસો, અનુભવો, વિચારો કરાવવા બદલ તારો ખુબ ખુબ આભાર..!

તારા વિષયે આટલું સારું સારું લખ્યા પછી..તારા આટલા વખાણ કર્યા પછી પણ, હું તને ‘ફરી વાર આવજે’ એમ નહિ કહી શકું. આશા છે તું પણ મને સમજે છે.

— નીવારાજ

કટોકટીના તે દિવસો

આને વાર્તા કહેવાય? મને ખબર નથી અને પંડિતોની ચિંતા નથી. હા, તેની શરુઆત સાવ અચાનક કોઈએ મધરાતે દસ્તક દીધા હોય તેવી છે. એ સાંજ જાણે કે તે ઘટનાને માટે જ હતી. પણ તેની ભૂમિકા સપ્તરંગી મેઘ ધનુષ જેવી. તમે જયારે આકાશે આ સાત રંગોનો અર્ધ વર્તુળાકાર નિહાળ્યો હશે ત્યારે ઉત્સુકતા અને ગમગીની બન્ને હ્રદયસ્થ હશે. કારણ શું? આવા રંગ-ગગનથી તો આનંદ અનુભવાય, પણ વ્યથા? અને કોની વ્યથા?
સાંજ પડ્યે અમારી બેરેકોના લોખંડી દરવાજા ખુલે એટલે કારાગારની ચાર દીવાલો વચ્ચે બે મોટી બેરેકો, છોટા ચક્કર, અને બડા ચક્કર, એક ટાવર, દિવાલોના ચારે ખૂણે ઉપરથી નજર રાખતા સિપાહી અને તોતિંગ દરવાજો... આટલી દુનિયામાં અમને ક્યાય રસ નહોતો. બસ, "ઇવનિંગ વોક" મળી રહે એ જ સ્વર્ગ-સુખ.
તમે કહેશો કે આમાં રંગધનુષ વળી ક્યાં આવ્યું? ફાગણના ફૂલ ખીલે, ખાખરો પણ આભૂષિત થઈને મ્હાલે. કેસુડાં જ કેસુડાં.. ચિત્તના ચાંદને મસ્તી સુઝે. લીલાછમ પાન જેવી ઊર્મિ કોઈક રસ્તો શોધે અભિવ્યક્ત થવાનો. હોઠ પર વહેતી નદીનું ગીત આકાર લે..આંખોના દરિયે સ્મૃતિની નૌકા વહેતી રહે. પણ, મહાશય તમે તો આ શુષ્ક જેલ અને દિવાલોની વાત માંડી, ને ત્યાં વળી આ બધું...!
વાત તો સાચી, પણ શું કરું? નસીબે ઝાડી ઝાંખરા જ હોય તો તેનું ગીત સાંભળવું જોઈએ ને? એટલે તો મેં કહ્યું કે આને વાર્તા ગણો. તવારીખના સુક્કા પાનાનો ફફડાટ માનો. તથ્યને કઈ રીતે પલટાવું? નસીબે માયા મહેલમાં બેસીને આકાશ નીરખવું અને કોફીની ચૂસકી સાથે કાગળ પર મીઠડું ગીત રચવું... સુકોમળ દેહ વૈભવને વસંતના વાયરા સાથે જોડવો... આવું નસીબ જ ક્યાં હતું? બંધારણના પરમ આદર્શથી રંગાયેલા પાનાં પરથી એ દિવસોમાં છેક ઇન્દ્રપ્રસ્થના ભુવનથી એક આદેશ આવી ચડ્યો હતો. ને બે શબ્દો દેશ આખામાં કઠોર-નઠોર બિહામણા આતંકમાં ફેલાઈ ગયા હતા: કટોકટી અને પ્રી-સેન્સરશીપ! બાકી બધું તો પાછળ જોડાયું, પણ ભય અને ભ્રમણા માટે આ હથિયારે ભારે સફળતા મેળવી લીધી. કવિ, રાજનેતા, શિક્ષક, કિશોર, જુવાન, વૃદ્ધ... તમામ ભેદ મિટાવીને બધાને અનિશ્ચિત મુદત સુધી કારાગારમાં ધકેલી દીધા. અટકાયતના એ કાનુંનનું નામ જ ‘મીસા’. બરાબર ઈશા જેવું જ. ઇશાવાસ્યમ ને બદલે મીસા વાસ્યમ!
અદાલત નહી, આરોપની ફરિયાદ નહી, વકીલ નહિ, મુકદ્દમો નહી, રાજ્ય સત્તાને મનમાં આવે ત્યાં સુધી અંદર રહેવાનું. અને સેન્સરથી નિસ્તેજ બની ગયેલા અખબારો વાંચવાના.
આવા એક લાખમાં અમે હોવા તો જોઈએ એ તો સ્વાધીન પત્રકારત્વ સ્વીકારવાને લીધે નક્કી જ હતું. બધા સમદુ:ખિયા જ હતા, આ ભાવનગર જેલમાં. ઉંચી દીવાલો, કોઈક સમયે ડાકુ ભૂપતને મદદ કરવાના આરોપે રાજવી પરિવારના સભ્યને કેદમાં રાખવા માટે તોતિંગ લોખંડી દરવાજાની "બંગલી". મોટી બેરેકો, રસોડું, દવાખાનું અને જેલ ઓફિસની બારી...
હા, દીવાલની પેલે પાર એક ચર્ચ હતું, તેનું શિખર દેખાતું...ઘંટડી અને મીણબત્તીની કલ્પના કરવાની ફરવા જતા આકાશે ઉડતા પંખી જોઈને થતું કે આમને કોઈ ‘મીસા’ લાગુ નહિ પડતો હોય. કેમ કે પોતાના માળા સિવાય બીજી કોઈ વ્યવસ્થાની જરૂર જ કેવી? અહી તો દેશ, રાજ્ય, બંધારણ. સંસદ, કાનુન વ્યવસ્થા,ચુંટણી, પક્ષો, સરકારો..માણસ તેમાં છેલ્લો આવે, ભલે ને આ બધું તેણે સર્જ્યું હોય!
દુનિયાથી અમુક અંશે દૂર હોવાનો સંબંધ પીડા અને ઈચ્છાના અનંત સમુદ્ર સાથે રહે છે. રોજેરોજ નવી નવી ઈચ્છા જાગે, પત્રોની, લેખનની, ચર્ચાની. સરસ રસોઈની,પરસ્પર મેળ મિલાપની. દીવાલની બહાર પહોંચવાની. રસોઈમાં તો અમારા મંગલ ભાનુશાળી ભુજથી પકડાયેલા તે મઘમઘતી દાળ બનાવવાના નિષ્ણાત. સરકારી રેશનની મર્યાદામાં ક્યારેક લાડુ પણ બનાવે. ૩૦૦ જેટલા અટકાયતીઓ હતા એટલે ગુનાખોરીમાં બંદી થયેલાઓને ય "ટેશ" પડી ગયો. નહિતર આ જેલના રસોડામાં કંકર મિશ્રિત જાડી રોટલી અને પાણીના પ્રભુત્વથી બનતું શાક...એટલું બને.એક બ્રાહ્મણ કેદી સાહિત્યનો શોખીન. નામે છોટાલાલ, વર્ષોથી જેલમાં, એક વાર પોતાની નોટબુક લઈને આવ્યો હતો, અરરે વાહ, આમાં તો કલાપી, કાન્ત, નાનાલાલ, મેઘાણીના ઉત્તમ કાવ્યો હતા. જાતે નોંધેલા. ને પછી છેલ્લે પોતાનું કાવ્ય. જેલના કાચા પાકા રોટલા ખાઈને બધા દાંત ગુમાવેલા એટલે કાવ્ય લખ્યું:"દન્ત વિરહ"!

મહીને એકાદ મુલાકાત મળે, પણ સરકારી નિયમ મુજબ લોહીના સગા જ મળી શકે. એટલે કૃષ્ણ ને બલરામ મળી શકે, રાધા નહી! અઠવાડિયે ચાર ટપાલ લખી શકાય, સામાન્ય બીમાર પડો તો જેલના દવાખાનામાંથી દવા મળે. ડોક્ટર લાલ અને લીલું પાણી ભરેલી બોટલ રાખે એ જ દવા. પણ હોશિયાર કેદી વધુ બીમાર થાય તો જેલ બહારના દવાખાનાની સગવડ મળે, એ બહાને દીવાલ બહારની ભીડ જોવા મળે.. એક જેલથી બીજીમાં કેદી બદલી થતી. ભાવનગરથી અમે વડોદરા જેલમાં એ રીતે પહોંચેલા. બેરેક નમ્બર સેવન. રશિયન વાર્તાકાર વાલેરી તાર્સેસીસની આ જ નામની વાર્તા છે!
પણ આ બધો તો સ્મૃતિનો ખડકલો! પ્રિય વાચક, તને કંટાળો આપવાનો જન્મસિદ્ધ અધિકાર તો છે પણ તેનો ઉપયોગ કરવો નથી. જે બિંદુથી વાત કહેવાની શરુઆત કરી હતી તેનું સંધાન સમજવા જેવું છે. ભાવનગરી જેલની જમીન પર કોઈ ખાસ વૃક્ષો નહી. હા, અમને પાંચ અટકાયતીઓને બેરેકથી થોડી અલગ લાગે તેવી ચાર બંધ ઓરડાની જગ્યાએ રાખ્યા હતા, ત્યાં પહેલા જેલના દસ્તાવેજો હતા, મોટા સાપની ગમતી જગ્યા, એક કેદી કાનમાં ફૂંક મારી ગયો કે અહી ભૂત થાય છે કેમકે ફાંસી ખોલીનો કોઈ ભટકતો આત્મા વસે છે.. લોખંડી સળિયા વચ્ચે ફૂંફાડા મારતી ગરમીમાં દીવાલો અને ભોય તળિયું તપે. ડોલ ભરીને પાણી ઠાલવીએ તોય એવોજ પરિતાપ.
એટલે એવું ઠેરવ્યું કે જમીન પર કંઇક વાવીએ.. ફૂલછોડ.. વૃક્ષ.. વેલી.. પણ પાણી માટે પાઈપ જોઈએ. જેલ સત્તાવાળાઓ કહે, "પાઈપ તો ન મળે, ક્યાંક તેનો ઉપયોગ દીવાલ પરથી ભાગી છૂટવામાં કરો તો? એ દલીલ સાંભળીને અટકાયતનો પ્રથમ દિવસ યાદ આવી ગયો. જન્મ અને બીજા દિવસો કોઈકવાર ભૂલી જાઉં છું પણ એ દિવસ? ૧૨ માર્ચ, સવારે કોલેજ જવાની તૈયારી કરતો હતો અને મન્સૂરી બિલ્ડીંગની ભાંગી તૂટી સીડી પરથી ઠપ ઠપ પગલા સંભળાયા શિકાર જાતે જ હશે અને દાઢી કરતો પકડાશે એવી ખબર તો તે એકસામટા ૨૫ પોલીસ બંધુઓને ક્યાંથી ખબર હોય? તેઓ આવ્યા, નામ પૂછ્યું, કહ્યું, ચોપડા પર હતું તે જ, એવી તેમને ખાતરી થઇ. "ગાયકવાડ હવેલી સાહેબ બોલાવે છે.." મેં કહ્યું જરા કોલેજના પ્રિન્સીપાલ ને ના પડી દઉં? એ બિચારાએ હા પડી. એમ.ડી. ભટ્ટને એટલું જ કહ્યું કે હું જાઉં છું.. તે સમજી ગયા. અને તેમણે બીજે સંદેશો પહોંચાડી દીધો. બધું ગુપચુપ કરવાના જ એ દિવસો હતા, સ્વાધીન દેશ પહેલીવાર સર્વત્ર ભય અને ભ્રમ અનુભવી રહ્યો હતો. કદાચ તેનાથી પ્રેરિત થઈને ફિલ્મી પરદા બનાવનાર એમ.એફ. હુસેને મોટ્ટા ચિત્રમાં ઈન્દિરાજી ને દુર્ગાદેવી દર્શાવ્યા હશે? એ ચિત્ર તો સંસદ ગૃહમાં સ્થાપિત કરાયું હતું..
પછી એક દિવસ અને રાત ગાયકવાડ હવેલીની નામચીન કસ્ટડીમાં વિતાવી, વહેલી સવારે એક જીપમાં અમને બેસી જવા જણાવ્યું. અમે બે અટકાયતી હતા, ડોક્ટર લોહિયાના અનુગામી ચિદમ્બરમ તો ૬૦ વાર જેલવાસી થયેલ, તેને માટે નવું નહોતું. મારે તો કોઈ અજાણ્યા પરિવારમાં પરણાવેલી લાડકી કન્યા, જાન નીકળે ત્યારે સાવ નવા અપરિચિત ઘરે જતા જે અનુભવે એવી દશા. ક્યાં જવાનું એ પણ ખબર નહી. પણ રસ્તાનો અંદાજ આવી ગયો, અરે, આ તો ભાવનગર તરફ..
રસ્તે ખોડીયાર માતાનું મંદિર આવે, પોલીસ અફસર અને સિપાહી કહે, અમે દર્શન કરી આવીએ.. તેઓ ગયા. અમે બે જ જીપમાં. સામે ખુલ્લા મેદાનો.. સવારના ચાર વાગ્યાનું અંધારું અને ઠંડી. સાથીદાર કહે, ચાલો. ભાગી છૂટવું છે? પેલા દર્શન કરશે ત્યાં સુધીમાં તો આપણે ક્યાં ના ક્યાં પહોંચી ગયા હોઈશું. સાચું કહું તો ભૂગર્ભ પ્રવૃત્તિ ચલાવ્યા છતાં એવું સાહસ કરવા મન તૈયાર નહોતું. દીવાલ પર પાઈપ લગાવીને ભાગી જવું હોત તો પહેલા દિવસે મા ખોડીયારની સાક્ષીએ જ એવું પરાક્રમ ના કર્યું હોત?
છેવટે પાણી પીવડાવવાની સગવડ થઇ, રોજ અમારા કચ્છી માડુ અનંત દવે અને અમે છોડ વાવ્યા તેનું સિંચન કરીએ.. એક દિવસ.. બે દિવસ.. અઠવાડિયું.. મહિનો થાય તે પહેલા તો બીજનું છોડમાં પરિવર્તન થયું જ નહી. ફરી બીજીવાર વાવ્યું. પરિણામ શૂન્ય..! હવે?
અમે થાકી ગયા. અને એ વાત છોડી દીધી, ખાડો પણ પૂરી દીધો.. રોજ સાંજે ફરવા જતા તેના પર પગલા વેરાયા હશે..
એક સાંજે ત્યાંથી નીકળતા નજર ગઈ .. અરરે, એક ખૂણામાં નાનકડા પાંદડા ઉગી નીકળ્યા હતા. સાવ નાજુક ડાંડી પર કુમળી પાંદડીઓ. ચમત્કાર! મેં કહ્યું, ભાઈ, આ જ છે જિંદગીનો ચમત્કાર. કાળમીંઢ પત્થરમાં યે ક્યાંક જીવન ધબકતું હોય છે, ને સાવ અનાયાસ તે અવતાર લે છે.
ઓ હેનરીની પેલી વાર્તા છે ને, દર્દી રોજ બારીમાથી દેખાતા વૃક્ષને જુએ છે, રોજ તેમાંથી પાન ખરે છે તેમ તેમ દર્દીની જિંદગીનો અકેક દિવસ ઓછો થતો જાય છે. એક રાતે ભયાનક વાવાઝોડું ફુંકાયું, દર્દીને લાગ્યું કે ત્યાં વૃક્ષના બાકી પાંદડા ખરી પડ્યા હશે ને મારી જિંદગી પણ. સવારે તે વૃક્ષનું એક પાન લીલુછમ હતું, ચિત્રકારે એક જિંદગીની આશા લીલીછમ રાખવા તેમ એવું ચિત્ર દોર્યું હતું.
હવે કહો, જીવનની આ વાર્તાને શું નામ આપશો?
.

-- વિષ્ણુ પંડ્યા

Top of Form

ઓટલો

એક હતો ચકો ને એક હતી ચકી, પછી ......ના ચોખાનો દાણો, મગનો દાણો ..... ખીચડી બનાવી....એ વાત હું અહીં કરવા નથી માંગતી.
વાત એક પ્રેમી યુગલની છે. પ્રેમીએ પ્રેમીકાને વેલેન્ટાઇન ડેની સુંદર સવારે પ્રપોઝ કર્યું અને તે જ દિવસે સિંદૂરી સાંજે બંને પરણી ગયા. આખો દિવસ લગ્નની ઉજવણીમાં પસાર થઈ ગયો, આ લગ્ન વરરાજાના માબાપની મરજી વિરુધ્ધ થયા હતાં તેથી ગ્રહપ્રવેશની વિધિ તો થવાની નહોતી એટલે એક મિત્રને ત્યાં જ બંનેએ રાત વિતાવી, બીજે દિવસે સવારે બંને અલગારી જીવ જે દિશા સુઝી એ તરફ પ્રવાસે નીકળી પડ્યાં, ખૂબ ફર્યા. સરોવર, નદીનાળા, પર્વતો, હરિયાળા મેદાનો, વનવગડા – બધે ફરી વળ્યાં. નવાનવા સ્થળો અને અલગ અલગ મોસમોની મજા પણ લીધી.
આ યુગલ એટલે આપણાં ઘરેલું પક્ષી ચકો અને ચકી ! આપણાં ચકીબેન તબિયતના જરા નાજુક તે ઠંડા પ્રદેશમાં ફરવાથી માંદા પડ્યાં, ને ચકો એને કાગ વૈદજી પાસે લઈ ગયો. કાગ વૈદજીએ દવાઓ આપતાં સલાહ આપી કે ઠંડુ હવામાન ચકીબેનને માફક નહીં આવતું હોય તો હવાફેર કરીને જોઈ જુઓ,ચકીબેનને હૂંફાળા પ્રદેશમાં લઈ જાઓ ત્યાં કદાચ એમને સારું પણ થઈ જાય. ઘરે આવી બહુ જ ચર્ચા વિચારણા બાદ નવદંપતિએ શહેરમાં રહેવા જવાનું નક્કી કર્યું.
ચકીને થોડો આરામ થતાં બંને જણાં નવા પ્રદેશની શોધમાં નીકળી પડ્યાં. લાંબા લાંબા પ્રવાસ બાદ એ લોકો એક મોટા શહેરમાં આવી પહોંચ્યા, શહેરમાં ઠેકઠેકાણે ચકાચકી તો પોતાના ફોટાવાળા મોટા મોટા હોર્ડિંગ્સ જોઈ ખુશ થઈ ગયા, બંનેને થયું વાહ ભાઈ વાહ, આપણાં સ્વાગતની તૈયારી તો શે’રવાળાઓએ પેલેથી જ કરી રાખી છે ને કાઇ ! આ શે’રમાં રેવાનો તો બઉ જલસો પડી જવાનો ! બેઉને હોર્ડિંગ્સ પર લખેલું ‘ ચકલી દિન – ચકલી બચાવો’, ‘world sparrow day’ એવું બધુ વાંચતાં નો આવડે, શું થાય બિચારા ગામડાનાં ને ! એ હોર્ડીંગ પર ચકલીનો ફોટો જોઈ નવાઈ લાગી, પણ પૂછવું કોને ? લાંબી મુસાફરી બાદ ચકીબેન તો થાકીને ઠુસ્સ તેથી બંને જણાં એક દુકાનના પગથિયાં હેઠળ પોરો ખાવા બેઠાં. બિચારા ચકાભાઇ આમતેમ રખડી પાણી ભરેલું ખાબોચિયું શોધી લાવ્યાં અને ચકીને પાણી પીવા લઈ ગયાં. વળી પાછાં ચકાભાઇ આમતેમ ફરી ખાવાનું શોધી લાવ્યાં. પોતે ખાધુ ને ચકીબેન માટે ચાંચમાં ભરીને લાવ્યાં. ચકીએ તો પેટ ભરીને ખાધું,પાણી પીધું ને ખુશ થતાં ચકાને બોલી, “ચકુડા, આજે તો શહેરનું ખાવાનું ખાઈને જલસો પડી ગ્યો, હવે આરામ કરવા માટે સરસ મજાની જગ્યા જોઈશે.”
ચકો બોલ્યો, “ચકૂડી, તેના માટે તો પહેલાં રહેવાનો બંદોબસ્ત કરવો પડશેને? થોડીવાર માટે અહીં જ આરામ કરી લઈએ.” આરામ થયા બાદ ફરી બંને જણાં નવા રહેઠાણની શોધમાં નીકળ્યા. ફરતાં ફરતાં સાંજ પડી ગઈ અંધારું થઈ ગયું પણ ક્યાંય રહેવા યોગ્ય જગ્યા ના મળી. શહેરમાં તો એઇ ...ને આભને આંબે એવા ઊંચા ઊંચા મકાનો, એમાં વળી કાચની દિવાલો, બધુય કનસિલ્ડ વાયરોથી સજ્જ, એક ચકલું યે ફરકી ના શકે એવા તો બાંધકામ. ટીવી મોબાઇલના ટાવરો વચ્ચે રહેવું ક્યાં? એ લોકોએ વિચાર્યું, કે ‘હશે આજની રાત કોઈક ઘરનાં બારી દરવાજા ખુલ્લા હશે ત્યાં રહી જઈશું, કાલે નવેસરથી શોધવા નિકળીશું’. એ બિચારાઓને શું ખબર શહેરમાં બારી રવેશ કે ગોખલાયે કેટલાં દુર્લભ છે. શહેરી વિકાસને નામે મૂરખ માણસોએ લીલાછમ ઘેઘૂર વૃક્ષોનું આડેધડ નિકંદન કાઢી નાખ્યું છે નહીંતો કોઈ વૃક્ષ પર મળો બાંધીને ય રહેવાત. વૃક્ષ વગર બળબળતા તાપમાં આશરો ક્યાં લેવો ? તાપથી કંટાળેલી ચકી બબડી ઉઠી, “બળ્યો આ શે’રમાં રહેવાનો મોહ, હાલ, ચકુડાં આપણે ગામ.આપણે તો આપણો વગડો જ ભલો.”
ચકોચકી નિરાશ થઈ એક ઠેકાણે છાંયડો શોધીને બેઠાં. ચકો બોલ્યો, “હવે તો હું યે કંટાળી ગયો છુ, આપણો કોઈ જાત ભાઈ દેખાય તો એની પાસેથી એકાદ સારી જગ્યા વિશે જાણી લઈએ.” ચકી બોલી, “જોને ચકા, આંય બીજા કોઈ પંખીયે ક્યાં દેખાય છે ? શું શે’રમાં આપણાં જેવાને રે’વાની મનાઇ છે ?” કેટલી બધી રાહ જોયા પછી એક ઘરડો ચકો દેખાયો, ચકો એની પાસે ગયો અને બોલ્યો, “એ રામ રામ મોટાભાઇ, અમે અહીં પરદેશી છઈએ, આંય તો ખાવાપીવાનું સહેલાઇથી મળી ગ્યું પણ રહેવું ક્યાં ? આંય કણે તો પરદેસી પંખીડા માટે કાંઇ સગવડ જ નથી ને !
ઘરડો ચકો ખાંસતો ખાંસતો બોલ્યો, “તમને ખબર નથી પરદેસીભાઈ ? આંય શે’રમાં રોટલો મળવો સહેલો છે પણ ઓટલો મળવો બઉ અઘરો છે.” સાંભળી ચકાના કપાળે તો ચિંતાની લકીરો ઉપસી આવી. તે જોઈ ઘરડા ચકાએ તેને ધીરજ બંધાવતા કહ્યું, “છોરા, અટાણે અંધારામાં ક્યાં જાવાનાં ? હાલો મારી ભેળા, મારો માળો થોડો મોટો છે, આજ રાતવાસો મારે ત્યાં કરી કાલે જ્યાં જવું હોય ત્યાં જજો. મારે ય શે’ર છોડવું છે, આંય કને મારો ગુજારો ય મુશ્કેલથી થાય છે. માણસોની નવી પેઢી એવું તો અતરંગી ખાય છે કે ઇ બધુ મને લગીરે ભાવતું નથી, હું ઝાઝું ઊડી શકતો નથી એટલે જ તો અહીં પડ્યો પાથર્યો છુ. બાકી બધા તો દૂરદૂર બીજે મલક ઊડી ગ્યાં, આપણી વસ્તી તો અહીં ગણી ગાંઠી રહી ગઈ છે. જો પરદેશી, સામે ઓલા ઊંચા મકાન પર જો ‘world sparrow day’નું કેટલું મોટું બોર્ડ લગાવ્યું છે.” “એટલે શું મોટાભાઇ ?” ચકાએ પુછ્યું. “ચકલી દિવસ – ચકલી બચાવો આવા દેકારા તો આજકાલ આખી દુનિયામાં હાલી મળ્યા છે, બોલ ગગા, એક દિ માટે ‘ચકલી બચાવો,ચકલી બચાવો’નો દેકારો બોલાવીને આ લોકો કાલે આપણને ભૂલી જાશે પછી આપણું રણીધણી કોણ થાવાનું ? ઘોર કળિયુગ આવી ગ્યો છે, મારા બાપલા, ઘોર કળિયુગ..! ઘરડા ચકાએ દુઃખ સાથે સમાપન કરતાં કહ્યું.”
થાકેલાં કંટાળેલાં ચકા-ચકી તે રાતે તો ઘરડા ચકાને ત્યાં જ રહી પડ્યાં. સવારે પરોઢિયે ઉઠી પરવારીને ઘરડા ચકાનો આભાર માની, રામ રામ કરી ખુલ્લા આસમાનમાં દૂરદૂર નવા હૂંફાળા રહેઠાણની શોધમાં નીકળી ગયાં.
.

--મીનાક્ષી વખારિયા

કેનીબલ

“અબે સાલે….તેરી તો $&%#@…! ઈતની દેર…? વિસ્કી લાને કો ક્યા અમરિકા યા યુરોપ ગયા થા..?”

અને એક પ્રચંડ ગાળ સાથે ગ્લાસ જમીન પર પછડાઇને ટૂકડા ટૂકડામાં વિખેરાઇ ગયો. ‘સપના’ બારના બધા વેઇટરોના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું અને કામમાં હોવાનો ડોળ કરતા બધા આઘાપાછા થઈ ગયા. કાઉન્ટર ઉપરથી મેનેજર જગજીત ઉર્ફે જગ્ગી દોડતો આવ્યો અને ધ્રૂજતો ધ્રૂજતો બે હાથ જોડીને અસ્લમભાઇને સામે ઊભો રહ્યો, બારમાં રહેલા બીજા ગ્રાહકો હવે શું બને છે ની ઉત્સુકતા સાથે એ ખૂણાના ટેબલ બાજુ નજર માંડીને બેઠા.
ગ્રાન્ટરોડ સ્ટેશનથી દોઢેક કીલોમીટરના અંતરે બદનામ બસ્તીથી નજીક આવેલ સપના બાર, અને એ ’સી’ ગ્રેડના સપના બારના પશ્ચિમ બાજુના ખૂણામાં આવેલું ટેબલ એ અસ્લમભાઇની રોજની બેઠક હતી. સાંજે સાત થી દશ સુધી અસ્લમભાઇનો તમામ કારોબાર અહીંથી જ ચાલતો. સાંજે સાડા છ વાગ્યા પછી કોઇ પણ ગ્રાહક એ ટેબલ પર ન બેસે એની જગજીત ખાસ કાળજી રાખતો અને જો કોઇ ગ્રાહક એ ટેબલનો આગ્રહ રાખે તો સાત પહેલાં કોઇપણ સંજોગોમા ખાલી કરી આપવાની શરત સાથે એ ટેબલ આપવામાં આવતું; કેમકે સાતથી સવા સાતની વચ્ચે ગમે ત્યારે અસ્લમભાઇ અને એના ટપોરીઓ ગણપત અને અબ્દુલની બારમાં દરરોજ અચૂક એન્ટ્રી થતી, એની એન્ટ્રી થતાં જ બાર મેનેજર જગ્ગી અને બધા જ વેઇટર એટેન્શનમાં આવી જતા. અસ્લમભાઇ અને એના રાહુ-કેતુ પોતાના ખાસ ટેબલ ઉપર ગોઠવાતા અને મોબાઇલ ઉપર ધંધાની શરૂઆત થતી, એ દરમ્યાન વધુમાં વધુ દશ જ મિનિટમાં અસ્લમભાઇના ટેબલ ઉપર એની પસંદગીની વિસ્કી અને બાઇટીંગ વગર ઓર્ડરે હાજર થઈ જવાં જ જોઇએ એવો વણલખ્યો કાનૂન હતો, અને એ કાનૂન જો તૂટે તો શું થાય એનો મેનેજર જગ્ગી અને જૂના વેઇટરોને અનુભવ હતો પણ શકૂર બિચારો આજ સવારથી નોકરી પર લાગેલો અને અસ્લમભાઇના ટેબલ સુધી વિસ્કી લઇને જતાં વચ્ચે એક ગ્રાહકનું ટેબલ સાફ કરવા રોકાયો અને દશને બદલે પંદર મિનિટ થઈ ગઇ, બસ ખલ્લાસ….અસ્લમભાઇ નામના ગેંડાનો પિત્તો છટકી ગયો!
આમતો અસ્લમભાઇને ગેંડા કે પછી કોઇ પણ પ્રાણીની ઉપમા આપવામાં આવે તો સમસ્ત પ્રાણી જગત બદનક્ષીનો દાવે માંડે એવું એનું ચરિત્ર હતું. નરાધમ કે નરરાક્ષશ શબ્દો પણ એના માટે વાપવરવામાં આવે તો એનું સન્માન કર્યુ હોય એટલા ટૂંકા પડતા હતા! સાડાપાંચથી પોણા છ ફૂટ વચ્ચેની ઊંચાઇ ને કદાચ એક્સો-એકસો દશ કીલો જેટલું વજન, અંધારામાં સામો મળે તો એકલા દાંત જ દેખાય એટલો ઉજળો વાન! ચહેરા, હાથના કાંડા અને ખભા પર ઘાવના નિશાન ( અને એ નિશાન એ પોતાના સાથીઓને અવારનવાર એટલા ગૌરવથી બતાવતો જેમ કોઇ લશ્કરનો જવાન પોતાની છાતી ઉપરના મેડલ બતાવતો હોય!) અને આવું અદોદળું શરીર હોવા છતાં એમાં રહેલી ચિત્તા જેવી ચપળતા. સામાન્ય માણસનું હોય એના કરતાં થોડું મોટું માથું અને એમાં ઠસોઠસ ભરેલી નિર્દયતા અને ખંધાઇ. પૈસાના બદલામાં કોઇ પણ પ્રકારનું કામ કરવાનો અસ્લમભાઇને છોછ નહોતો અને માણસ મારવો એ મચ્છર મારવા જેટલું એને માટે સહજ હતું, ને હાથમાં લીધેલું કામ પુરું કરવામાં એવો તો પાક્કો હતો કે સુપારીની દુનિયામાં અસ્લમભાઇના નામની કસમો ખવાતી!“
માફ કરદો ભાઇ….નયા લડકા હે, આજસે હી કામ પે લગા હે ઔર આપકો પહચાનતા નહીં હે….અબે સાલે….મેરા મુંહ ક્યા તકતા હે….ભાઇ કે પૈર પકડલે…” ને જગ્ગીએ જોરથી ધક્કો મારી શકૂરને અસ્લમભાઇના પગમાં ફેંક્યો.“
ઉસકી તો….નયા હે તો ક્યા અપુન કે સર પે બિઠાઉં…સા…”આખેઆખ્ખો અપશબ્દકોશ ઠાલવતાં અસ્લમભાઇએ પગમાં પડેલા થર થર ધ્રૂજતા શકૂરને મારવા માટે લાત ઉગામી, ત્યાં…“
સલામ માલેકૂમ, અસ્લમભાઇ….કૈસે હો?” બોલતાં શેટ્ટી બારમાં દાખલ થયો અને અસ્લમભાઇના ટેબલ તરફ આગળ વધ્યો. શકૂરનું કિસ્મત આજે જોર કરતું હતું અને એટલેજ બરાબર અણીના સમયે શેટ્ટી એના માટે ફરિસ્તો બનીને આવ્યો.
શેટ્ટી જ્યારે પણ આવતો ત્યારે કોઇ મોટા શિકારની ઓફર લઈને જ આવતો અને એટલે જ અસ્લમભાઇ શેટ્ટીને ખાસ મહત્વ આપતા.“
અરે આજા શેટ્ટી આજા…બોત દિનો કે બાત દિખરેલા હે…સાલા તુ તો આજકલ…વો ક્યા બોલતે હે…હાં, ઇદ કા ચાંદ બન ગયેલા હે..” અસ્લમભાઇનો મૂડ અચાનક બદલી ગયો; “ બોલ આજ કીસકી કયામતકા પેગામ લેકે આયેલા હે? અચ્છા પહેલે યે બતા ક્યા પિયેંગા? અરે જગ્ગી અપુનકા યાર આયેલા હે, ઉસકો કુછ વિસ્કી , રમ,વોડકા જો કુછભી મંગતા હે પિલા…”“
આજ કુછ પિનેકા નહીં હે ભાઇ, બહોત જલદી મેં હું, ધંધે કી બાત કર લે?” ખાલી ખુરશીમાં ગોઠવાતાં શેટ્ટી બોલ્યો.“
સાલે જબભી દેખો તો એસે જલદી મે રહેતા હે જૈસે તેરે પીછવાડેમેં આગ લગેલી હો…ઠીક હે બોલ ક્યા બાત કર રહા થા?”“
ભાઇ એક બોત બડા મુર્ગા હાથ લગેલા હે, કામ કર દેંગે તો બોત માલ મીલેંગા…”“
અબે સાલે તેરી યે ઘુમાકે બાત કરનેકી આદત ગઈ નહીં…પહેલે તુ બતાયેગા તો પતા ચલેના કી કામ ક્યા હે ઓર તબ જાકે માલ મીલેગા…સીધા મેન પોંઇટ આ, કીસકા ગેમ બજાનેકા હે?”“
ભાઇ કોઇ ઇજનેર હે પટવારી નામકા, વો સાઇન નહીં કરતા ઇસકી વજહ સે આહુજા બિલ્ડર કા દો ખોખા ફસેલા હે, પટવારી સાલા બોત ટેઢી ખીર હે…વો સાલા સમજને કો તૈયાર હી નહીં કી કંટ્રક્શન કે બીજનેસ મેં થોડા બોત તો ઇધર ઉધર કરના પડતા હે તબ જાકે દો પેસા મીલતા હે, ઔર ઇસકી વજે સે આહુજા કા દો ખોખા પીછલે છે-સાત મહીનેસે ફ્સેલા હે…આહુજા બોલતા હે કી અગર ઉસકો ઉડા દિયા તો ઉસકી જગહ જો આયેગા વો ઉસકા આદમી હે ઔર કામ બન જાયેગા…”“
અરે બસ ઇતની સી બાત હે….જા બોલ દે આહુજા કો, એક હપ્તે મેં કામ હો જાયેગા, અસ્લમભાઇ કી જબાન હે, લેકીન ઉસકો બતા દેના કી પચ્ચીસ પેટી લગેગી…દશ પેટી એડવાંસ મેં બાકી કામ કે બાદ…”“
પચ્ચીસ પેટી ભાઇ?” શેટ્ટીથી રાડ પડાઇ ગઈ,”જ્યાદા નહીં હે ભાઇ? વો આહુજા તો પંદ્રહ કા બોલ રહા થા…”“
અબે સાલે…” અસ્લમભાઇના મોઢામાંથી એક વધુ ગંદી ગાળ નીકળી,” યે અસ્લમભાઇકી જબાન હે કોઇ સબ્જીમંડી નહીં જહાં ભાવ તાલ હોતા હો, સમજા? ઉસકો બોલ અગર પચ્ચીસ હે તો ફાઇનલ…વર્ના જાય ઉસકી….”“
ઠીક હે ભાઇ, ઊંટ પહાડકે નીચે આયેલા હે, માનેગા નહીં તો જાયેગા કહાં…મેં બાત કર લેતા હું, ખુદા હાફીઝ ભાઇ.”“
ખુદા હાફીઝ, તેરા કામ બન ગયા સમઝ.”

********


ખબર નહીં શું થવા બેઠું છે આ શહેરનું! માણસની જીંદગીની તો જાણે કોઇ કિંમત જ નથી! ને કાયદો ને વ્યવસ્થા ને પોલિસ ને સરકાર ને આ બધા શબ્દો તો જાણે માત્ર શબ્દકોશમાં જ હોય એવું લાગે છે!”“
અરે…અરે…મેડમ, આમ સવાર સવારમાં કોના ઉપર વરસી રહ્યાં છો? ને આ સરકારે વળી શું બગાડ્યું છે તમારૂં અત્યારના પહોરમાં?”
શહેરના ખ્યાતનામ ગાયનેકોલોજીસ્ટ દંપતિ ડો. તૃપ્તિ અને ડો. તિમિર વચ્ચેના સવારે સાડા સાત વાગે બ્રેકફાસ્ટ ટેબલ પરના આ સંવાદથી જાગી ગયેલો એમનો છ વર્ષનો પુત્ર સિધ્ધાર્થ આંખો ચોળતો ચોળતો પોતાના બેડરૂમમાંથી બહાર આવ્યો.
ડો. તિમિર અને ડો. તૃપ્તિ સામાન્ય રીતે બને છે એમ સાથે જ ભણતાં આંખો લડી ગયેલી અને મન મળી ગયેલાં એટલે પીજી પુરું કર્યા પછી પહેલું કામ પરણવાનું કર્યુ, ને પછી પોતાની હોસ્પીટલ ખોલી સાથે જ પ્રેકટીસ ચાલુ કરી દીધી. આવડત તો હતી જ ને એમાં ભળી બન્નેની મીઠી જબાન અને થોડો સાથ નસીબનો, થોડા સમયમાં તો ’આગમન’ હોસ્પીટલનું નામ થઈ ગયું, ને હોસ્પીટલની સફળતાના ફળ સ્વરૂપ પોશ એરિયામાં ફોર બેડ હોલ કીચન નો બંગલો અને લકઝુરીયસ કાર પણ આવી ગયાં.“
આ જુઓને વળી પાછું ધોળા દિવસે સરા જાહેર મર્ડર…કોઇ પટવારી નામના એન્જીનીયરને ગુંડાઓ એ એની કારમાં ઠાર માર્યા…”ડો. તૃપ્તિએ તિમિર તરફ છાપાંનો ઘા કરતાં કહ્યું.“
હેં શું વાત કરે છે? પટવારી સાહેબનું ખૂન થઈ ગયું? પટવારી સાહેબ તો બહુજ સિધ્ધાન્તવાદી માણસ…લાગે છે કે એમને એમની પ્રમાણિકતા જ નડી ગઈ. કોઈએ એમની સોપારી જ આપી હશે…”ડો. તિમિરે છાપાંમાં નજર નાખતાં કહ્યું.“
ડેડી..ડેડી આ સોપારી આપવી એટલે શું?” ઊંઘરેટી આંખે સિધ્ધાર્થ બોલ્યો.’
જા હવે તું જઈને જલદી બ્રશ કર હમણાં ક્લાસીસનો ટાઇમ થઈ જશે, તારે આવું બધું જાણવાની હમણાં કોઇ જ જરૂર નથી સમજ્યો?” ડો.તૃપ્તિએ આંખો કાઢતાં કહ્યું, ને સિધ્ધાર્થ મોઢું બગાડતો બગાડતો બાથરૂમ બાજુ ગયો.“
હવે સવાર સવારમાં બિચારા એને શું કામ ખિજાય છે? એનો સવાલ બહુ જ સાહજિક હતો. બાળકની જિજ્ઞાસાવૃત્તિને આ રીતે તોડી ના પડાય…”તિમિરે છાપું સાઇડમાં મુકી ટોસ્ટ ઉપર બટર લગાડતાં કહ્યું.“
બોલ્યા મોટા ઉપાડે…તો શું એને આ ઉંમરે એવું બધું જ્ઞાન આપવાનું કે, બેટા સોપારી એટલે પૈસા લઈને માણસને મારવાનો કોન્ટ્રેક્ટ…”તૃપ્તિએ કટાક્ષ કરતાં કહ્યું ને પછી તિમિરને ઉદ્દેશીને બોલી” શું જમાનો આવ્યો છે! લોકો પૈસા માટે થઈને બીજાની જીંદગી છીનવી લેવા તૈયાર થઈ જાય છે…પૈસા માટે લોકો આ હદ સુધી જઈ શકતા હશે કઈ રીતે?”“
ઓ મેડમ…આ બધી દુનિયાભરની ચિંતા પડતી મેલો ને ઘડિયાળમાં નજર કરો, ક્લીનીક ઉપર પેશન્ટની લાઇન લાગી ગઈ હશે એની ચિંતા કરો…”

*******


પપ્પા..પપ્પા…દિકરીને દૂધ પીતી કરી દેવી એટલે શું?”
આઠ વર્ષની દિકરીને મોઢેથી આવો સવાલ સાંભળીને ધર્મેશને આશ્ચર્ય થયું,” કેમ બેટા આજે તને અચાનક આવો સવાલ સુઝ્યો?”“
એતો પપ્પા એવું છે ને કે ગઈ કાલે ક્લાસમાં અમારા બેન એવું કહેતા હતા કે પહેલાના જમાનામાં દિકરીને દૂધ પીતી કરી દેવાનો ક્રૂર રિવાજ હતો. તે હેં પપ્પા, દિકરીને દૂધ પીવડાવે એમાં ખરાબ શું કહેવાય? આ જુઓને મને દૂધ ભાવતું નથી તોય તમે ને મમ્મી રોજ ખિજાઇને પીવડાવો જ છો ને?”
દિકરીની નિર્દોષતા ઉપર ધર્મેશ અને અલકા બન્ને ને ખડખડાટ હસવું આવ્યું. સાડીનો છેડો મોં ઉપર દાબી હસવાનું રોકવાનો પ્રયત્ન કરતાં અલકા બોલી,”લ્યો આપો હવે જવાબ તમારી લાડલીને…આજ કાલ બહુજ અઘરા પ્રશ્નો પૂછવા માંડી છે ને કાંઇ…”“
હાસ્તો વળી જવાબ તો આપવોજ પડશેને મારી નાનકડી આઇન્સ્ટાઇનને!”
ધર્મેશ, અલકા અને ખરેખર સ્વીટ લાગતી નાનકડી સ્વીટી, આ ત્રણેય જણનો ઇશ્વરનેય ઇર્ષા આવે એવો નાનકડો સુખી સંસાર હતો. ધર્મેશ બેંકમાં ઓફિસર હતો અને અલકા એક સુઘડ અને પ્રેમાળ, ઘરરખ્ખુ ગૃહિણી હતી, અને આ જોડાંને પહેલી નજરે જોનાર સૌ કોઇને એમ જ લાગતું કે એમના લવ મેરેજ છે, એ બન્ને સ્પષ્ટતા કરતાં કે અલકા એ ધર્મેશના મમ્મીની પસંદ છે તો પણ સામેવાળા માનવા માટે તૈયાર ન થતા. સ્વીટી ત્રીજા ધોરણમાં ભણતી હતી અને ખૂબજ શાર્પ હતી, ઘણી વખત એના પ્રશ્નો ધર્મેશ અને અલકાને મુંઝવણમાં મુકી દેતા અને એટલે જ ધર્મેશ એને લાડમાં ’મારી નાનકડી આઇન્સ્ટાઇન’ કહીને સંબોધતો.“
અહીંયા આવ જોઉં બેટા, મારી બાજુમાં બેસ.” સ્વીટી લાડથી ધર્મેશના ઢીંચણ ઉપર માથું ઢાળીને બેસી ગઈ-”કહોને પપ્પા…કે દૂધ પીવડાવવું એમાં ખરાબ શું કહેવાય? ”“
કહું છું બેટા કહું છું” ધર્મેશે વહાલથી એના વાળમાં આંગળાં પસવારતાં કહ્યું“એમાં એવું છેને બેટા…કે પહેલાના જમાનામાં લોકોને દિકરીઓ ગમતી નહોતીને એટલે એ લોકો પોતાને ત્યાં દિકરી જન્મે કે તરતજ એને દૂધ ભરેલા મોટ્ટા વાસણમાં ડૂબાડી દેતા…એને કહેવાય દિકરીને દૂધ પીતી કરી દેવી…”
સ્વીટી એક ઝટકા સાથે બેઠી થઈ ગઈ, “ છી…કેવું ખરાબ કહેવાય…એ લોકો પોતાની જ દિકરી સાથે આવું શી રીતે કરી શકતા હશે?” ને પછી અલકા સામે જોઇને બોલી,” હેં મમ્મી…મારા પપ્પા તો કેટલા સારા છે નહીં? એ આવું કોઇ દિવસ ન કરે…”ને અલકા એની આંખમાં આવેલાં ઝળઝળીયાં ને છુપાવવા કામને બહાને રસોડામાં જતી રહી.“
અલક, મારું ટિફીન જરા ઝડપથી લાવજે, મારે મોડું થાય છે, આજે સાંજે હું સાડા ચારની આસપાસ આવી જઈશ, તું તૈયાર રહેજે…ડો.તિમિરની એપોઇન્ટમેન્ટ છે યાદ છે ને?”
ને અંદર રસોડામાં અલકા ગમે એટલો પ્રયત્ન કરવા છતાં ચોમાસું ખાળી શકી નહીં.@ @ @ @

તમે હજુ એકવાર વિચારી જુઓ તો સારું, આ મને બરાબર નથી લાગતું” આગમન હોસ્પીટલના વેઇટીંગ રૂમમાં બીજા દર્દીઓની સાથે પોતાના વારાની રાહ જોઇને બેઠેલી અલકાએ દબાતા અવાજે ધર્મેશને કહ્યું.“
મેં બધું જ વિચારી જોયું છે અને આજે ફરી પાછો બા નો પણ ફોન હતો, આપણે વડિલોની લાગણીનો પણ ખ્યાલ રાખવો જોઇએ કે નહીં ડાર્લિંગ?”“
પણ બે જ વરસની અંદર ફરીથી એનું એજ…ને ગયા વખતે મને કેટલી તકલીફ પડેલી એતો તમને યાદ હશે જ.”“
હા ડાર્લિંગ, મને બધું જ બરાબર યાદ છે, પણ એ વાત અને આજના સમયમાં ઘણો ફેર છે. છેલ્લા થોડા સમયમાં ટેકનોલોજી અને વિજ્ઞાને પણ કેટલી પ્રગતિ કરી છે? હવે તો એક જ દિવસમાં બધું જ પતી જાય છે અને રજા પણ મળી જાય છે, આજે તારું ચેક અપ થઈ જાય અને બધું નક્કી થઈ જાય એટલે કાલે સવારે દાખલ થઈ ને સાંજે તો પાછા ઘરે જતા રહેવાનું…”“
ઠીક છે તમે જેમ ઠીક સમજો એમ…હું બીજું તો શું કહું…” અલકાની નજર ધરતી ખોતરવા લાગી.“
અલકાબેન ધર્મેશભાઇ….” રીશેપ્શનીસ્ટે કોર્ટના બેલિફની જેમ પ્રલંબ સૂરે પોકાર પાડ્યો.ધર્મેશ ઊભો થઈને ડોકટરની ચેમ્બર તરફ ચાલ્યો અને અલકા લગભગ એની પાછળ ઘસડાઇ.“
આવો આવો ધર્મેશભાઇ, કેમ છો? મઝામાં અલકાબેન?” ડો. તિમિરે બન્ને ને આવકારતાં કહ્યું, અલકાએ નિરસતાથી ડોકું ધુણાવ્યું, ધર્મેશે હાથ લંબાવી ડોકટર સાથે શેક હેન્ડ કર્યા ને પછી બન્ને જણ સામેની ખુરસી પર ગોઠવાયાં. થોડી વારમાં ડો. તૃપ્તિએ અલકાને અંદર ના રૂમમાં બોલાવી અને એક્ઝામિનેશન ટેબલ પર લીધી.“
હં…તો પછી તમે શું નક્કી કર્યું છે ધર્મેશભાઇ?” ડો. તિમિરે ધર્મેશ સામે તાકતાં કહ્યું.
“એમાં વિચારવાનું શું બીજું? કેમકે એક દિકરી તો છેજ એટલે જે કરવાનું છે તે નક્કી જ છે, શક્ય હોય તો આવતી કાલે જ પતાવી નાખીએ…કેટલોક ખર્ચ થશે?”“
દવાઓ પણ બધી જ અમે અહીંથી જ આપીએ છીએ એટલે બધું મળીને પચ્ચીસ હજાર જેવું થશે…દશ તમારે એડવાન્સમાં આપવાના રહેશે અને બાકીના પંદર કામ પત્યા પછી…”“
પચ્ચીસ..? આમાં તો બહુ વધારે ન કહેવાય ડોકટર?”“
જુઓ ધર્મેશભાઇ, આજકાલ આ બહુ જ જોખમનું કામ છે, કાયદાઓ તો તમને ખબર છે ને? અમારી પ્રતિષ્ઠા અને ડીગ્રી પણ દાવ પર લાગી જાય છે!”“
તો પણ મારું માન રાખીને કંઇક ઓછું કરો તો સારૂં”“
તમે પણ ધર્મેશભાઇ…શાક માર્કેટ સમજીને ભાવતાલ શરૂ કરી દીધા! ઠીક છે સો-બસ્સો ઓછા આપજો બસ?” ડો. તિમિરે ખડખડાટ હસતાં કહ્યું.

********


અંદર એક્ઝામિનેશન ટેબલ પર સુતેલી અલકા મનમાં આજે બપોરે સ્વીટીએ પૂછેલા સવાલ ઘુમરાતા હતા.“
મમ્મી Cannibal એટલે શું?”“
બેટા, Cannibal એટલે જે પોતાની જ જાતીનો શિકાર કરે છે એવું પ્રાણી.”
ને તુરત જ બીજો સવાલ “મમ્મી આ Cannibalism ક્યા પ્રાણીમાં સૌથી વધારે જોવા મળે છે?”
કોણ જાણે કેમ બપોરે સ્વીટીને એણે જે જવાબ આપ્યો હતો, એનાથી જુદો જ જવાબ અત્યારે એના મનમાં પડઘાતો હતો.

.
--મુકુલ જાની

ધારાવાહિક નવલકથા પ્રકરણ-3

.
મંદિરમાં આવન કરતા જાવન વધી રહી હતી. દાનપેટીમાં સિક્કો નાંખનારને ઉંડે સુધી સિક્કો પડવાની ખનક નહોતી સંભળાતી. કીડીયારાની જેમ નીકળતું માનવ મહેરામણ હવે છુટું છવાયું નીકળતું હતું. પાર્કિંગમાંથી વાહનોની નિકાસ વધવાને કારણે મોકળાશ થવા લાગી હતી. અમુક દ્વીચક્રી વાહનો ઉપર કોલેજીયન કપલ્સ બેસીને વાતો કરતા હતાં. બાંકડાની ઉપરના વડલા પર પક્ષીઓ પણ સમાપન આરતી ગાતા હોય એમ એકસુરમાં કલરવ કરી રહ્યા હતાં. નજદીકનાં લેમ્પશેડનાં મરર્ક્યૂરી લેમ્પનાં પીળા પ્રકાશનાં કારણે મોઢું ધોઇને તાજગી અનુભવતા ચારેય મિત્રોનાં ચહેરાઓ ચમકી રહ્યા હતાં. બાજઠ પર ગોઠવાતો હોય તેમ સુનિલ વચ્ચે મહારાજની જેમ ગોઠવાઈ ગયો. શ્રોતાઓની જેમ બાકીના ત્રણેય મિત્રો સુનિલ તરફ નજર રહે તે રીતે ગોઠવાઈ ગયા. ગળામાં ખખાર કરીને સુનિલે વાતની શરૂઆત કરી.
" જીવતો હાથી લાખનો, મરેલો સવા લાખનો. આ કહેવત અમારા સમીરશેઠને બરાબર લાગુ પડી છે. માંડમાંડ બી.કોમ. થયેલા સમીરને પૈસાના જોરે એમ.બી.એ.નો અભ્યાસ કરવા બેંગલોર મોકલ્યો. એક એક પાઇ જોડતા, અને બચત માટે જ માપીને ખાવાનું પણ ખાતા રસિકલાલ શેઠનો એકાએક દિકરો સમીર પિતાના સ્વભાવથી તદ્દન વિપરીત હાથનો એકદમ છુટો હતો. સંસ્કાર અને ઉપરથી પૈસાદાર હોવાને કારણે રસિકલાલ શેઠ શહેર અને સમાજની લગભગ દરેક સંસ્થાઓમાં આગેવાન હોદ્દેદાર તરીકે તેમનું જ નામ રહેતું. આપણાં ગામડાની ભાષામાં કહીએ તો એકજાતનાં નગરશેઠ હતા રસિકલાલ શેઠ. પરંતુ કુદરતે દીકરામાં રસિકલાલ શેઠનો એક પણ ગુણ સમીરનાં લોહીમાં નહોતો જવા દીધો. અમુક શહેરીજનો અંદરોઅંદર ગણગણાટ કરતા કે રસિકલાલ શેઠને પોતાના કર્મોની સજા મળે છે. કંજુસ અને લાલચુ રસિકલાલ શેઠનો બીજો ધંધો હતો ધિરધારનો. એ કંઇ આમ જ આટલા લક્ષાધિપતિ નહોતા બની ગયા. નાના ખેડૂતોને વાવણીનાં સમયે પૈસાની સખત તંગી રહેતી હોય છે. એવા સમયે સરકારી તંત્રમાં ધક્કા ખાઈને સમયસર વાવણી કરી દેવા માટે બિયારણ ખરીદવું જરુરી હોવાથી આ નાના ખેડૂતોનો એક જ સહારો રહેતો રસિક શેઠ. રસિક શેઠ તેમની બિયારણ તાત્કાલિક ખરીદવાની તાલાવેલી અને મજબુરી જોઇને દશ ટકા વ્યાજનાં ધોરણે દશ હજાર રૂપિયાનું ધિરાણ કરતા. રકમની અવેજમાં ખેડૂતો પોતાની પત્નિની સાંકળી, કંદોરો ગીરવે મુકી જતા. જો એ ન હોય તો જમીનનો એક ટુકડો ગીરો પેઠે લખી આપતા. દશહજારનું વ્યાજ દર મહિને ચુકવવાની શરત રહેતી. દશ ટકાના હિસાબે એક મહિનાનું વ્યાજ હજાર રૂપિયા થાય. હવે તરતની વાવણી કરીને પરવારેલા ખેડૂતને ઘરમાં હાંડલા કુશ્તી કરતા હોય. મમનાં તો ફાંફા હોય. માંડ ફાકા કરીને દિવસો કાઢતા હોય ત્યાં હજાર રૂપિયા ક્યાંથી નીકળે?, એટલે વ્યાજ ચુકવવાની અસમર્થતા બતાવતા ખેડૂતને એક શરતે છુટ મળતી કે હવેથી વ્યાજ અગિયાર હજારનું ગણાશે. ગણિતનો હોશિંયાર સુનિલ શબ્દશઃ પોતાની વાત ગામડીયા મિત્રોને ગળે ઉતરે તે રીતે સાદી ભાષામાં સમજાવતો હતો. અને તેમને સમજ પડતી જોઇને તેના મોઢા પર વિજયી ચમક આવતી હતી. સતત બોલવાના કારણે ગળુ સુકાતું હતું એટલે એક મિત્રને ઇશારો કર્યો . ત્યાં ખાલી બોટલ પડી હશે વીછળીને ફીલ્ટરમાંથી પાણી ભરી લાવ. સંસ્કારી મિત્ર તરત ઉભો થયો અને ત્યાં પડેલી બોટલોમાંથી બે બોટલ વીણી લીધી. અને આદેશનું પાલન કરતો હોય તેમ તરત પાણી ભરીને લઇ આવ્યો. સુનિલે પાણી પીધું અને શ્વરપેટીને ફરી તાજી કરી અને વાત આગળ વધારી.
" આ જે વ્યાજની ગણતરી છે તેને ચક્રવ્રુદ્ધિ વ્યાજ કહેવાય. જે આપણાં મજબુર અને ભોળા ગામડીયાઓ ક્યારેય સમજી નથી શકતા. ચાર મહીને પાકની લણણી કરતા સુધીમાં મુદ્દલ ચૌદ હજાર ઉપર થઇ જતી. ખેડૂતને પાક સારો થયો હોય તો ઘરમાં બિયારણનું અનાજ કાઢવાનું અને રાજી ઉઘરાણી માટે રોજ આવતા શેઠના મુનિમને રાજી કરવા બે મણ અને શેઠને પાંચ મણ અનાજ ધરી દેતો. આમ કરતા તેની પાસે પોતાનાં ઘરમાં ખાવા અનાજ માંડ બચતુ એટલે એ બિયારણ માટે કાઢેલા અનાજનો ખાવા માટે ઉપયોગ કરવા લાગતો. હવે એવામાં ઘરમાં જો કોઇ માંદગીનો અણધાર્યો પ્રસંગ આવી જાય તો? અને આવે જ. કેમ કે માંદગી ગરીબી જોઇને નથી આવતી. ગરીબની ચોકસાઇ ન રાખવાની જીદને કારણે આવે છે. મોટે ભાગનાં રોગો પાણીજન્ય હોય છે. અને વ્યસનના કારણે હોય છે. આપણે ગમે તેટલા ગરીબ હોઇએ પણ પાણીતો ગરણે ગાળીને કે ઉકાળીને પી શકીએ જ છીએ. એમાં પૈસા નથી જ લાગતા. અને ખબર નહિ કેમ પણ ખેતરોમાં પોતાનું શરીર તોડી નાંખતો ખેડૂત આ બાબતમાં કેમ આટલો આળસુ હોય છે? ખાવા માટે ફાંફા હોય, છૈયાં છોરા ભુખ્યે મરતા હોય પણ બીડી અને તમાકુની વ્યવસ્થા ગમે ત્યાંથી કરી જ લાવશે. આ બીડી-તમાકુ ફેફસાંને અને જડબાને રીતસર ઓગાળી નાંખે છે."
વાતોએ ચઢેલો મિત્ર સુનિલ પાછો સ્વામીની જેમ ઉપદેશક બની ગયો હતો. તેને કથાનું તાન ચઢ્યું હોય એમ સતત ઉર્ધ્વ અવાજે બોલી રહ્યો હતો. તેને જોઇને સામે બેઠેલા મિત્રથી થોડું સ્મિત અપાઇ ગયું. સામે સુનિલે પણ સસ્મિત વાત આગળ વધારી..
"બસ , બસ હવે કથા નહિ કરું હોં. હા તો આ ખેડૂતો આવી અણધારી બિમારીના સમયે ઘરમાં પડેલું અનાજ વેચવા નીકળે છે. અને સરકારી ઉપેક્ષાઓના ભોગ બનતા ગરીબ ખેડૂતો પૈસા માટે ફરી એજ શેઠની પેઢી ચઢે છે. એકદમ નીચા ભાવે ખેડૂત પોતાનું બિયારણ માટે સાચવેલુ અનાજ શેઠને વેચી દે છે. હવે તેની પાસે આખું વર્ષ ખાવા માટે માંડ કંઇક થોડુ ઘણું અનાજ બચ્યુ હોય તેના પર વર્ષ કાઢે છે. વચ્ચે જે મળે તે છુટક મજુરી કરીને દહાડી મેળવીને ગમેતેમ પોતાનાં સાંધા મેળવતો ખેડૂત બળબળતી ગરમી પુરી થતા વાયરા કોયણા જોઇને માંડ થોડી હાશ અનુભવે ત્યાંજ પેલા રસિકલાલ શેઠનો મુનિમ દસ્તક દે છે. નવા વાવેતર માટે બિયારણનાં દાણા ન હોય ત્યાં મુદ્દલ ચુકવવાના પૈસા ખેડૂત કયાંથી લાવે? અને ચક્રવ્રૂદ્ધિ વ્યાજના કારણે મુળ રકમનો આંકડો વીસ હજારને પાર કરી ચૂક્યો હોય છે. શેઠની લાલસા સામે ખેડૂતની લાચારી સમર્પણ કરી દે છે. જે ગિરો પેટે આપેલ હતી એ જમીન શેઠનાં નામે કરી આપે છે. નવો ટુકડો ગીરવે મુકીને નવેસરથી વાવેતરની તૈયારી શરૂ કરે છે.પાંચ સાત વર્ષમાં ખેડૂતના મોટામોટા ખેતરો શેઠ ગળી જતા.તે રીતે ગરીબોની આંતરડી શેઠે બહુ કકળાવી હતી. આ રસિકલાલ શેઠની એક બીજી ખરાબ વાત એ હતી કે એ સમાજની અને શહેરની વિધવાઓ ઉપર ચાંપતી નજર રાખતા. તેમના ઘરોમાં માંદગીનો પ્રસંગ આવતો કે તરત આ શેઠ એમના મુનિમ મારફતે ગમે તેટલો ખર્ચ થાય ઇલાજ કરાવવાનું કહેણ મોકલતા. ડુબતાને તો જાણે તણખલાનો સહારો મળી જતો. બસ મુનિમનુ કહેવુ અને વિધવા બાઇઓના શેઠની ઓફિસે ધક્કા ચાલુ થઇ જતા. શેઠ પોતાનો પ્રભાવ બતાવવા વિધવા બાઇઓને ખાસ્સી રાહ જોવડાવતા. ધક્કાઓની સંખ્યા પ્રમાણે શેઠ બાઇની મજબુરી નક્કી કરતા. અને કોઇપણ કહેણ મોકલતા પહેલા શેઠ જાતે તપાસ કરાવડાવી લેતા કે વિધવાના નામે ક્યાં અને કેટલી જમીન છે. પછી તેના હિસાબે એ સહાયની રકમ નક્કી કરતા. એ પોતે સહાનુભુતિ બતાવવા વારંવાર હોસ્પિટલ જતા. લાચાર વિધવાને તો શેઠ ભગવાનનો અવતાર લાગતા. થોડા જ દિવસોમાં શેઠની ઉઘરાણી ચાલુ થતી. કરગરતી બાઇયુ શેઠના ઘરે આવીને પગે પડી જતી. પોતાની ઇજજત ધરાર સાચવીને બેઠેલી સ્વમાની વિધવાઓ જે પોતાની પાસે રકમ હોય તે અથવા જમીન શેઠને નામે કરી આપીને પોતાનુ કરજ ઉતારતી. અમુક બાઇઓ શેઠની લાલચમાં પોતાનું સ્વમાન શેઠને ધરી દેતી. આમ શેઠ શરીર અને જમીન બન્ને સંપતિનો ભોગવટો પોતાના નામે કરી લેતા..સમાજ અને શહેર માટે શ્વેતાંબર શુદ્ધ શેઠ અંદરથી એટલો જ મલીન હતો. અને ઇજ્જતના ભોગે કોઇપણ બાઇ શેઠની સામે નહોતી પડતી.."
લેમ્પશેડનાં થાંભલાનો અને ઝાડનો પડછાયો ગાઢ થતો હતો. અને બાંકડા પર બેઠેલા પાંચે મિત્રોનાં લાંબા થતા પડછાયા અંધારુ વધી રહ્યું હોવાની એંધાણી આપી રહ્યા હતાં.. .અને ચારેય મિત્રો સુનિલની વાતોમાં ઉંડાણ સુધી ઉતરીને કાન ધરીને બેઠા હતાં. [ક્રમશઃ]

.
-ડો.ઇરફાન સાથિયા -Top of Form

આ અંક આપને કેવો લાગ્યો?

તમારા અભિપ્રાયોની રાહમાં છીએ, ‘શબ્દાવકાશ’ એ તમારું પોતાનું મેગેઝીન છે.
અમારો સંપર્ક અમારી ટીમ દ્વારા કે ઈમેઈલ દ્વારા તમે કરી શકો છો.

હવે પછીના અંકોમાં આપ સહુ પણ આપના લેખ-વાર્તા વગેરે અમને મોકલી શકો છો. kathakadi.online@gmail.com આ છે અમારી email-id. આપનું લેખન-કાર્ય આપ અમને અહીં ઈમેઇલ કરી શકો છો.
આવો લખીએ..
.

.
શબ્દવકાશ ટીમ વતી:
-નિમિષ વોરા
-અશ્વિન મજીઠિયા
-જાહ્નવીબેન અંતાણી
-અજય પંચાલ
-નીવારોઝીન રાજકુમાર-ઈરફાન સાથીયા