Lagnettar Prem in Gujarati Magazine by Gopali Buch books and stories PDF | લગ્નેત્તર પ્રેમ !

Featured Books
Categories
Share

લગ્નેત્તર પ્રેમ !

“લગ્નેત્તર પ્રેમ “

“લંચ બોક્સ” માત્ર ટીફીનના ડબ્બામાં ગૂંથાતા જતા તાણાવાણાની એક અદભૂત કથા ! જેનો ચહેરો જોયો નથી, જેનું નામ સુધ્ધા ખબર નથી, જેના જીવનની કોઈ જ માહિતી નથી, એના હાથની ખુશ્બુને ટીફીનના ડબ્બામાં પામી જવી. અને સામે પક્ષે પણ એજ રીતે સાવ અજાણી વ્યક્તિ માટે બધી તકલીફ સ્વીકારી રોજ અલગ અલગ વાનગી બનાવી મોકલવાની તાલાવેલી જાગે .ટીફીનમા સાથે સાથે નાનકડી ચીઠ્ઠી સ્વરૂપે પોતાની સંવેદના પણ આસ્વાદીત થાય.એમાંથી બે પરિણીત પાત્રો વચ્ચે નહિ સમજાતો પ્રણય જાગૃત થાય.જરાક વિચારીએ તો કે

શું ખુટતુ હતું બન્ને પાત્ર વચ્ચે ? એવો કેવો ખાલિપો હતો જે આ બન્ને અજાણ્યાં પાત્ર વચ્ચે ધબકતી સંવેદના ભરી ગયો?

બે પાત્ર વચ્ચે સર્જાતો શૂન્યાવકાશ ત્રીજા પાત્રને જગ્યા કરી આપે છે એ હકીકત સમજાય એ પહેલાં તો ત્રીજુ પાત્ર પગ કરી જાય છે અને પ્રણયત્રિકોણનો ખૂણો રચાય છે. કહેવાય છે ખાલી પણયત્રિકોણ, પણ ત્રિકોણ હોતો નથી, તે બે ખૂણા વચ્ચે પ્રણય હોત તો ત્રીજો ખૂણો સર્જાયો જ ન હોત ને !

લગ્નજીવનનું આ એક વિષમ પાસુ છે જયારે વર્ષોના એકધારા રૂટિનથી પતિ-પત્ની માત્ર જરૂરિયાત પૂરતા વહેવારથી જીવતા થઇ જાય ત્યારે જીવનમાં રસ લેતી વ્યક્તિ તરફ અજાણતાં જ ઢળી જવાય છે. માત્ર પુરૂષ જ ઢળે છે એવું નથી, સ્ત્રી માટે પણ આ વાતો સરખી જ લાગુ પડે છે. એક થ્રીલ, એક સ્પાર્ક, અનુભવાય છે. ફરી વાર જિંદગી રંગીન સપનાઓ સાથે શેપ અપ થતી દેખાવા લાગે છે. માણસ દેખાવ અને વર્તાવ પ્રત્યે ફરી સભાન થાય છે. ફરી એનામાં ‘રોલા’ મારતો કોઈ એક્ટર/એક્ટ્રેસ ફીટ બેસતા દેખાવા લાગે છે. ઘરનો અરીસો ફરી વાર જીવંત થઇ જાય છે. પરફયુમની નીત નવી ફ્રેગરેન્સ તન સાથે મનને પણ સતત તરબતર કરતી રહે છે અને આવનારા પરિણામોની ચિંતા કરતા વગર “દો દિલ મિલ રહે હે મગર ચુપકે ચુપકે....” વાતાવરણમાં ઘુટાતુ જાય છે.દુનિયાથી ‘ચુપકે ચુપકે’. જીવન જીવંત થઇ જાય છે. સ્થગિત થઇ ગયેલી નસોમાં ફરી ગરમ લોહીનો થનગનાટ અનુભવાય છે. ખુલ્લી આંખે દિવસના અજવાળામાં ગુલાબી સપનાઓ દૃશ્યમાન થાય છે.

ઘર-પરિવાર કે સમાજ સામે આંખ મિચામણા કરી શરુ થયેલાં એક ખતરનાક ખેલનું આયુષ્ય કેટલું એ આ લગ્નેતર પ્રેમીઓ જાણતાં નથી.નાસા નસમાં બરફ થઇ થીજી ગયેલી ઉર્જાને લીલા લાકડે શેકવાનો પ્રયત્ન કરી પોતાની જિંદગીનો ચાર્મ જીવતો રાખવાનો એમનો પ્રયત્ન ચાલુ રહે છે. જો હું એમ કહું કે એમાં કશું જ ખોટુ નથી તો સમાજ મારી સામે એક અવાજે તલવાર ખેંચશે . પણ તેમ છતાં હું કહીશ કે, “હા, જો માણસને એના જીવનકાળ દરમિયાન થોડી હુંફ લગ્ન બહારના સંબંધોથી મળતી હોય તો એને સુખી થવાનો અધિકાર છે.” લગ્ન એ સામાજિક માળખાની મહત્વની વ્યવસ્થા છે.ક્યારેક માણસ એમાં સંતુષ્ટ ના હોય એવું બને. ક્યારેય બે જણ વચ્ચે ત્રીજુ પાત્ર જગ્યા કરાવતુ નથી, પણ બે જણ વચ્ચેની જગ્યામાં જ ત્રીજુ પાત્ર આવતુ હોય છે, હવે મહત્વની વાત એ છે કે બે પાત્ર વચ્ચેની તિરાડમાં ગોઠવાલું આ ત્રીજુ પાત્ર એમ ભુલી જાય છે કે એ માત્ર તિરાડ પુરતુ જ મર્યાદિત છે. એટલું જ એનુ અસ્તિત્વ છે. બસ, ત્યારે આ વર્ચ્યુંઅલ સંબંધોમાં મનદુઃખ શરુ થાય છે. આમપણ કોઈ પણ રિલેશનમાં માલિકીભાવ એ રિલેશનને વેન્ટીલેટર પર લઇ આવવાનું મહત્વનું નકારાત્મક પરિબળ છે. એક જ જીવનમાં બે પાત્રને ચાહવું એ ખોટુ નથી. ખોટુ ત્યારે છે જયારે એક પાત્રને હડસેલી બીજાને ચાહવું. કાજલ ઓઝા વૈદ્ય લખે છે કે,”એક સ્ત્રીને જીવનમાં બે પુરુષની જરૂર હોય છે.એક એને સમજી શકે અને એક એને ચાહી શકે .”પણ એજ કાજલ ઓઝા એમ પણ લખે છે કે ‘લગ્નેત્તર સંબંધોમાં પડેલી સ્ત્રીઓને પ્રશ્ને પૂછવાનો અધિકાર નથી હોતો”. મારું એવું માનવું ખરું કે તો પુરુષોને પણ નથી જ હોતો. પુરુષોને પ્રશ્નો પુછવાની બહુ પડી પણ નથી હોતી. એક વાર સ્ત્રીને પામી લીધા પછી પુરૂષનો પ્રેમ વ્યવહારુ અભિગમ અપનાવે છે. એને ખબર છે કે સંપૂર્ણ સમર્પિત ભાવે ચાહવું એ સ્ત્રીને સ્વભાવ છે એટલે સ્ત્રી એને ક્યારેય દગો નથી કરવાની પણ પુરુષની વ્યવહાર દક્ષતા સ્ત્રીમાં અસલામતિનું બીજ રોપે છે, એમાંથી જનમતો માલિકીભાવ અને શંકા એક સુંદર, ખુશહાલ સંબંધને એક પગ પર ઉભો કરી દે છે. પણ એકલી સ્ત્રી જ સંબંધની ડેડલાઈન માટે જવાબદાર હોય છે એવું નથી પુરૂષની ભ્રમરવૃતિ પણ એટલી જ જવાબદાર છે, વળી પુરૂષ માથે સ્ત્રી કરતાં જવાબદારી વધુ હોય છે માટે પણ એવું બને છે કે પુરૂષ આવા સંબંધોને યોગ્ય સમય નથી આપી શકતો, એનો આકરો સ્વભાવ અને થોડી બેદરકારી પણ એટલી જ જવાબદાર હોય છે.

પણ આ બધી જ વાતોની વચ્ચે મોટામામોટુ ભયસ્થાન રહે છે ‘સમાજ’. આપણી સામાજિક વિચાર સરણી અને વ્યવસ્થા બન્ને આવા ‘અનૈતિક’ સંબંધોને સ્વીકારી શકતી નથી. ચોરીછુપીથી ચાલતો આ સંબંધ બહાર આવે ત્યારે બન્ને પાત્રએ કુટુંબ અને સમાજ બન્નેની ઘૃણાનો સામનો કરવો પડે છે. આ સમય બન્ને પાત્રની એક બીજા પ્રત્યેની વફાદારી, નિષ્ઠા, સમજણ, ધીરજ અને હિંમતની કસોટી હોય છે. આવા સમયે પુરૂષ કરતા સ્ત્રીએ વધુ સહન કરવું પડતુ હોય છે. એટલે એકલી સ્ત્રી જ સહન કરે છે એવું પણ નથી જ હોતું.બન્ને પાત્રની સરખી જ જવાબદારી બને છે.ઘણી વાર એવું જોવા મળે કે સ્ત્રી પુરુષ માથે આળ ઓઢાડી આબાદ બચી નીકળે છે અને પુરુષ એકલો બિચારો બદનામ થઇ જાય છે.એ પણ ખોટું જ છે.જો આવા સંબંધો પચાવવાની તાકાત ના હોય તો શરૂઆતથી જ જાતાનું વિશ્લેશણ કરી આગળ વધવુ જોઈએ.ક્ષણિક સુખ માટે રચાતો સંબંધ માત્ર સ્વાર્થનો જ હોય છે.ઘણીવાર પુરૂષને એમ પણ કહેતા સાંભળ્યો છે કે હું બન્ને ઘર નંદવાય એવુ નથી ઈરછતો”તો આ પણ ૧૦૦% છટકબારી જ છે, કારણકે એક વાર તમે લગ્ન બહારના સમ્બમ્ધામાં દાખલા થયા એટલે ઘર તો નંદવાઈ જ ગયા હોય છે. પછી તો જે બચે એ મકાન હોય છે,અને એ મકાન સ્ત્રી-પુરુષ બંનેની જવાબદારી હોય છે. માટે ખાસ તો જે આવા સંબંધોમાં ઓતપ્રોત હોય છે એવી સ્ત્રીઓ માટે પુરૂષનું આવું વિધાન ખતરાની ઘંટડી સ્વરૂપ છે આવું સ્ટેટમેન્ટ પાસ કરનાર પુરૂષ પર કેટલો વિશ્વાસ મુકી શકાય એ પ્રશ્ન વ્યક્તિગત ધોરણે ચકાસી લેવો.

બાકી આવા સંબંધની પોઝીટીવ બાજુ પણ હોય છે. મારી એક લગ્નેત્તર સંબંધની વાર્તામાં આખરે બન્ને પાત્ર છુટ્ટા પડે છે. આ વાતની ચર્ચા મારા એક મિત્ર સાથે કરી તો એણે કહયું કે છુટ્ટા કેમ પડે ? શા માટે બધી પરિસ્થિતીને સમજણથી મુલવી બન્ને પાત્ર બન્ને પરિવારની જવાબદારી નિભાવતા નિભાવતા મળતા રહે છે એમ ન દર્શાવી શકાય ?

મને સાચુ પણ લાગ્યુ કે વાત તો સાચી જ છે. લગ્નેત્તર સંબંધમાં પડેલી બન્ને વ્યક્તિ તમામ સચ્ચાઈથી વાકેફ તો હોય છે તો શા માટે બન્ને જણાં સત્ય સ્વીકારી એક રસ્તે ન ચાલી શકે?

ખેર, આપણી પાસે ઘણી વાર્તા, નવલકથા એવી છે જેમાં આ વિષય છેડાયો હોય મુખ્યત્વે વાત તો એક જ છે કે આ એક કાંટાળો રસ્તો છે , જેમાં પોતાની જવાબદારી અને જોખમે સાચવી સાચવીને ચાલવાનું હોય છે.

સમાજની દૃષ્ટિએ આ અપ્રમાણિકતા છે, પોતાના પાત્ર સાથેની બેવફાઈ છે એ પણ એક નિર્વિવાદિત સત્ય છે.તો પણ પ્રેમ તો પ્રેમ છે .ગમે ત્યારે ગમે તે ઉમરે ગમે તેની સાથે થાય.થાય એની ના નહિ પણ જવાબદારી સાથે થાય તો એની મજા છે.

ગોપાલી બુચ

gopalibuch@gmail.com