.....તુ ના જાને આસપાસ હે ખુદા!!
...ઇશ્વર એટલે શુ?
ઇશ્વર ક્યાં છે?
....યુગો યુગો થી દરેક ના મન માં ઉદભવતો એક વણઉકેલાયેલો આ સવાલ.જેનો જવાબ શોધવા મુફલિસ ની જેમ ક્યારેક ધર્મસ્થાનો તો ક્યારેક ધર્મગુરુઓ ની ચોખટ ચુમવા દરદર ભટકતો માનવી !
...દુનિયા ની રેસ માં સિકંદર થઇ સઘળુ જીતી જ લેવાની મહત્વકાંક્ષા માં પોતાની આસપાસ વસતા,શ્વસતા,ધબકતા ઉગતા ઇશ્વર ને અલપ ઝલપ એક નજર જોવા નો પણ સમય ના ફાળવી શકતો માણસ જોજનો દુર પત્થરો ની ચોખટો પર તળીયા ઘસતો થઇ જાય છે!
અરે! ક્યારેય બીડાયેલા ફૂલ ની પાંદડી પર બાઝેલી ઝાકળ માંથી પરાવર્તન પામતા સુર્યકિરણો ને લીધે બનતા સપ્તરંગી મેઘધનુષ ના રંગો માં શુ ક્યારેય ઇશ્વર નથી દેખાતો?
શરીર ની એક એક શિરા-ધમનીઓ માંથી ધસમસતા રક્તપ્રવાહ થી ચાલતા આ હાડ માંસ ના રમકડા માં ક્યારેય ઇશ્વર ને જોવા ની તસ્દી લીધી છે?.
....ક્યારેય કોઇ રુપકડી ,રતુબંડી,ભીનેવાન કમનીય કમનીય કાયા ના ચેહરા પર અનાયસ જ ઉડી ને આગળ આવી જતી એ કર્લી લટો ને કાન પાછળ રાખતી વખતે આંગળી ના ટેરવા પર ઉભરી આવતી એ લાલાશ માં શુ ક્યારેય ઇશ્વર નથી દેખાણો?.ક્યારેક કોઇ બાળક ના ચેહરા પર પિપરમીન્ટ ના રેપર ને ખોલતી વખતે આવતી મિલીયન ડોલર સ્માઇલ માં બ્રહ્માંડ ના નાથ ને ખોળવા ની જરાક અમથી મેહનત લીધી છે ક્યારેય?
...રાસાયણીક સુત્ર H2-O ને જ પાણી કેહનારાઓ દિકરી ની વિદાય વેળાએ પહાડ જેવા પુરુષની આંખો માંથી વેહતા પોતાની વ્હાલસોયી ને વળવા ની,છોડવાની વ્યથા ની એ ઉભરતી લાગણીઓ ના ધોધ માં છુપાયેલા એ ઇશ્વર ને અંતર ના હિડન કેમેરા માં ક્યારેક ક્લિક કરી ઇમેજીન કરી જોજો બાપ બની ને બેઠેલો એ ઇશ્વર આંખો માં બાઝેલી ભિનાશ ના કારણે ઝાંખો-ઝાંખો તો દેખાશે જ.
...દરીયા કિનારે રેતી ના ઢગલા માં કુમળા કુમળા હાથે ક્યારેક મંદિર ક્યારેક મસ્જીદ તો ક્યારેક કોર્પોરેટ ઇમારત બનતો ને એજ દરીયા ના પ્રવાહ માં ધ્વંસ થતો મેં એ 'સેક્યુલર' ઇશ્વર બારીકી થી જોયો છે.વિર્ય ના એક ટીંપા માં લાખો કરોડો જીવન ની શક્યતા ધરાવતા એ એક-એક શુક્રાણુ માં વસતા એ ઇશ્વર ને ક્યારેય સ્વીકાર્યો છે?.
સેકન્ડ,મિનીટ,કલાક ના કાંટા માં ડિવાઇડ થયેલા કાળની ટીક-ટીક માં કે આંપણી હયાતી ના હસ્તાક્ષર કરતા હ્રદય ની ધક ધક માં ક્યારેય કાન સરવા કરી ઇશ્વર નો સાદ સાંભળવા ની કોશિષ કરી છે?.
...વરસાદી બુંદો ને વગર ડીપ ફ્રિઝરે જમાવી ટાલકા પર તડા તડી બોલાવતા એ કરા ના અજાણ્યા ફોરમેન ની કારીગરી પર ક્યારેય સલામ ઠોકવા નુ મન નથી થયુ?. કોઇક અંધારી રાતે મંદ મંદ પવન ની વચ્ચે અગાશીએ સુતા સુતા આકાશી આભલા માં ટમટમતા તારલાઓ ની વચ્ચે કોઇ ધ્યાનમગ્ન મહર્ષી ની જેમ બેઠેલા પુંછડીયા તારા ની ભૂમિતી માં ઓલા સર્જનહાર ની ભાત દેખાણી છે ક્યારેય? હજારો અત્તર ની શીશીઓ ને ઠાલવી ને પણ ના મળે એવી પેહલા વરસાદે મહેકતી માટી ની સુગંધ ને ફેફસા માં ભરતી વખતે ક્યારેય એ સુગંધ ના શહેનશાહ ને યાદ કર્યો છે?.
...કેકટસ ના કાંટા માં , વેરાન રણ ની રેતી માં,કાબર ના કલબલાટ માં, સુર્ય ના ઉજાસ માં ,ઘાસ ની લીલાશ માં, ચાંદ ની શિતળતા માં, અંધારી રાત ના કાજળ માં,પાષણ ની કઠોરતા માં,પાણી ની પારદર્શકતા માં અત્ર તત્ર સર્વત્ર વ્યાપેલા કુદરત રુપી ઇશ્વર ને જોવા માટે જે દિવસે આત્મા ની આંખો પર કુતુહલતા ના 3ડી ચશ્મા ચઢાવી લઇશુ ત્યારે એ ઇશ્વર આપણી આસ-પાસ ક્યાંક તો નજરે ચઢી જશે.બસ એને જોવા ની જીવવા ની સંજય દ્રષ્ટી કેળવવી પડશે..!!
"બે ફૂલ ચઢાવી મુર્તી પર પ્રભુ નહી મળે સસ્તા માં ઇશ્વર પડ્યો નથી રસ્તા માં,
કૃષ્ણ ની પાસે જાઉ હોય તો અંહી થાવુ પડે સુદામા,
ઇશ્વર પડ્યો નથી રસ્તા માં"
-કૃણાલ દરજી