1. પ્રસ્તાવના
આ પ્લેટફોર્મ પર જ અગાઉ મૂકેલી લઘુનવલ સાંબ સાંબ સદાશિવ ને વિસ્તારી વધુ રોચક બનાવી આ 60 પ્રકરણોની નવલકથા મૂકું છું. અઘોરીઓ વિશે પ્રાચીન વાર્તાઓમાં ઘણું ખોટું, ગેરમાર્ગે દોરતું લખાયું છે જેમ કે અઘોરી જીવતું બાળક ખાંડણિયા માં ખાંડી અઘોરી એનું માંસ ખાવા આપે જે અઘોરી મનુષ્યનું રક્ત પીવે, મૃતદેહ સાથે સંભોગ કરે એવું એવું.
કેટલીક અહીં તહીં રિસર્ચ કરી એટલે નેટ પર થી વાતો ભેગી કરી અઘોરીઓના રિવાજો, શિવ ભક્તિની વિચિત્ર રીતો, તેમની હિંમત વગેરે વિશે મુસદ્દાઓ બનાવી રોચક ઘટનાઓ ઘડી આ નોવેલ ઘડી છે. મૂળ નાની નવલકથા વાંચી પછી આ વાંચશો તો પણ મઝા આવશે.તો વાંચીએ આ લાંબી નવલકથા હું એક અઘોરી.
પ્રાસ્તવિક નવલકથા અઘોરી સન્યાસીઓની દુનિયાની છે.
અઘોરી પંથ મૂળભૂત રીતે શિવજીની આરાધના કરવા માટેનો છે પણ દુન્યવી કરતાં ઘણી અલગ રીતે. તેઓ શિવજીની જેમ જ એકાંતમાં રહે છે, દુનિયાથી સાવ અલગ વિચારસરણી ધરાવે છે અને તેમની શિવ આરાધના ખૂબ કઠિન હોય છે.
આપણે સહુ અઘોરીઓ વિશે ઘણું ઓછું જાણીએ છીએ અને પ્રાચીન વાર્તાઓ તો અઘોરીઓ વિશે ખૂબ ભયંકર વાતો કહે છે એ બધી અતિશયોક્તિ સાથે અઘોરી પંથને અન્યાય કરતી વાતો મને લાગે છે. અઘોરીઓ વિચિત્ર વર્તાવ કરતા જોયા સાંભળ્યા છે પણ અમુક ક્રિયાઓ અહીં સારા કે ખરાબ અઘોરીઓ પાસે કરાવી નથી. દરેક જગ્યાએ હોય છે તેમ અહીં અઘોરી પંથમાં પણ સારા સાધુઓ અને ખરાબ સાધુઓ એમ બે વચ્ચે ટકરાવ બતાવ્યો છે.
સારા સાધુઓ સમાજ અને દેશ માટે ખૂબ દિલધડક પરાક્રમો કરે છે અને અઘોરી પંથની રીતે શિવજીની આરાધના કરે છે.
આપણો નાયક મૂળભૂત રીતે નીડર, હિંમતવાન અને સારા ચારિત્ર્યનો બતાવી તેને સારાં કામ કરતો બતાવ્યો છે. તે એક ઉચ્ચ સરકારી અધિકારી છે, યુવાન છે અને અનાયાસે ન છૂટકે અઘોરીઓ વચ્ચે જઈ ચડે છે. તેને સહાય કરવા અને તેને હિંમત, કંઇક અંશે માર્ગદર્શન આપવા સતત તેની સાથે એક અઘોરી સ્ત્રી રહે છે.
અઘોરી બનવા જઈ રહેલો નાયક તેની કઠિન સાધના, તેના માર્ગમાં આવતા પડકારો અને તેણે મેળવેલી સિદ્ધિઓનો કેવો ઉપયોગ કરે છે તે બતાવ્યું છે જે આપ સહુ વાચકોને જરૂર પસંદ આવશે.
આ સાથે સામી ટોળીનો નાયક અઘોરી યેનકેન પ્રકારે અઘોરી નાયિકાને મેળવવા અને નાયક અઘોરી પર જીત મેળવવા પ્રયત્નો કરે છે. તે આપણે વાંચ્યું કે સાંભળ્યું હોય તેવાં જુગુપ્સા પ્રેરક કાર્યો પણ કરતો બતાવ્યો છે. આપણા અઘોરી નાયકને તે પંથમાં અમુક વિચિત્ર કાર્યો કરતો બતાવ્યો છે કેમ કે એ તેની સાધનાનો એક ભાગ છે.
વચ્ચેવચ્ચે એ માર્ગની ફિલોસોફી પણ વર્ણવી છે કે અમુક ચીજો કે પ્રથાઓ તેઓ શા માટે કરે છે. તેમનો પંથ નાગા બાવાઓ કરતાં કઈ રીતે જુદો પડે છે અને અઘોરી પંથ આખરે છે શું, તે સમાજને ઉપયોગી છે કે હાનિકારક તેની વાત કરી છે.
કથાની ભૂમિ નોર્થઇસ્ટ એટલે આસામ મેઘાલય નજીકનાં જંગલોની રાખી છે. ત્યાં અમુક જગ્યાઓ તો એવી છે કે કોઈને તે હોવાની જાણ નથી ને આજ સુધી કોઈ ગયું નથી. તે આપણા ભારતની ચીન સાથેની સરહદની ખૂબ નજીક છે.
અઘોરીઓ સાધના અતિ દુષ્કર અને એકાંત જગ્યાએ જ કરતા હોય છે. ગુજરાતમાં ગિરનાર પર્વતનાં જંગલો અને ગુફામાં પણ દેખાય છે, તેમના વિશે ગુજરાતીમાં કેટલીક વાતો લખાઈ છે. જો કે અઘોર નગારાં વાગે જેવી કથાઓનો અહીં ખપ પડે તેમ ન લાગ્યું. આ સાવ અલગ રીતનો સંપૂર્ણ કાલ્પનિક કથા પ્રવાહ છે.
આ આખી નવલકથામાં એક નવો પ્રયોગ કર્યો છે. નાયક અને નાયિકા બે માંથી કોઈને નામ નથી આપ્યું. અઘોરીઓ પણ પૂર્વાશ્રમમાં કોણ હતા તે આપણે જાણતા હોતા નથી અહીં પણ, પાત્રના કામ એટલે કથા પ્રવાહમાં તે શું શું કરે છે તેનાથી મતલબ છે, તેનું નામ ગમે તે રાખો. અઘોરીઓ કોઈને નામથી બોલાવતા બતાવ્યા નથી.
આ નવલકથા માટે જે રિસર્ચ કરી સાહિત્ય એકઠું કરેલું તે નેટ પરથી ફરીથી મળ્યું નથી પણ યાદ છે તે એમનું એમ રાખ્યું છે.
અઘોરીઓ વિશે સાચું ખોટું ઘણું સાહિત્ય મળ્યું, બધું અહીં કામનું ન લાગ્યું.
અહીં હેતુ આધ્યાત્મિક ઉપદેશ કે ફિલસૂફી સમજાવવાનો નથી, કાલ્પનીક રોચક કથાપ્રવાહ રચી વાચક સાથે તેમાં તરવાનો છે.
આખી કથા સંપૂર્ણ કાલ્પનિક છે. પૂરેપૂરી મૌલિક રીતે બનાવેલ રચના છે.
તો વાંચીએ આખી નવલકથા.
ક્રમશ: