Incomplete Breath in Gujarati Drama by Ashish Dalal books and stories PDF | અધૂરા શ્વાસ - ભાગ ૪

Featured Books
Categories
Share

અધૂરા શ્વાસ - ભાગ ૪

અધૂરા શ્વાસ - ભાગ ૪

ઘરમાં સવાર-સાંજ વચ્ચેનો ભેદ ભૂંસાઈ ગયો હતો. રસોડામાં બા વાસણો પછાડી રહ્યાં હતાં. અભયે નાસ્તો બનાવવાનું કહ્યું તો બાએ સિયાને સંભળાવતાં કહ્યું, “જેણે કરવું જોઈએ એ કરે!” 

સિયા આવી અને બા સાથે બોલાચાલી થઈ ગઈ. બાએ કહ્યું, “વહુની જેમ રહેતાં શીખ.” 

સિયાએ કહ્યું, “મને કોઈની પરવા નથી.” બાએ કહ્યું, “તારામાં કોઈની લાગણીઓની કદર જ નથી.” સિયાએ સામે પૂછ્યું, “અને તમને મારી કદર છે?”

અભયે વચ્ચે પડી શાંત પાડવા પ્રયાસ કર્યો તો સિયાએ કહ્યું, “તું વચ્ચે ન બોલ.” 

બાએ કહ્યું, “તું એનો પક્ષ કેમ લે છે?” 

અભયે લાચારીથી કહ્યું, “હું કોઈનો પક્ષ નથી લેતો, બસ વાત વણસે નહીં એટલું જ ઈચ્છું છું.” 

સિયાએ કહ્યું, “હું નહીં બદલાઉં.” બાએ કહ્યું, “તો આ ઘર પણ નહીં બદલાય.”

સાંજે અભય ઘરે આવ્યો ત્યારે બા રડતાં હતાં. અભયે સિયાને કહ્યું, “તું થોડી શાંતિથી વાત કરી શકતી હતી.” 

સિયાએ કહ્યું, “દરેક વખતે મારો જ વાંક કેમ હોય છે? હું શા માટે એડજસ્ટ કરું? હું જેવી છું તેવી જ રહીશ.” અભયે થાકેલા સાદે કહ્યું, “પણ સંબંધો આમ નથી ચાલતા.” 

સિયાએ કહ્યું, “તો ન ચલાવો.”

અભયે વેદના સાથે કહ્યું, “હું રોજ બધું સહન કરું છું, એ આશામાં કે કદાચ એક દિવસ બધું સારું થશે...” સિયા એ સાંભળી ક્ષણભર શાંત થઈ ગઈ. તે રાત્રે ત્રણેય એક જ ઘરમાં હતાં પણ ત્રણ જુદી દુનિયામાં. બા રડતાં હતાં, અભય અગાસી પર બેસી નિસાસા નાખતો હતો અને સિયા બારી પાસે ઊભી અકળાતી હતી. હવે નાની તકરાર મોટા તોફાનનું રૂપ ધારણ કરી રહી હતી.

xxxxx   

અગાસી પર બેસી અભય આકાશ સામે તાકી રહ્યો હતો. એને લાગ્યું કે એના પ્રયાસો હવે કોઈ પરિણામ નથી લાવી રહ્યા. બીજે દિવસે અભય મોડો ઊઠ્યો. બાએ ચા માટે ન પૂછ્યું, સિયાએ કોઈ ટોણો ન માર્યો. આ મૌન અભયને વધુ ખૂંચ્યું. નાસ્તાના ટેબલ પર અભયે કશું ન બોલતાં ચૂપચાપ જમી લીધું. 

સિયાએ પૂછ્યું, “આજે આટલો શાંત કેમ છે?” અભયે કહ્યું, “કદાચ હવે બોલવાનું મન નથી થતું.”

ઓફિસમાં પણ અભય સાવ ઉદાસ હતો. સાંજે ઘરે આવીને એ સીધો પોતાના રૂમમાં ગયો, કોઈની સાથે વાત ન કરી. રાત્રે જમીને તરત અગાસી પર ચાલ્યો ગયો. સિયાને આ બદલાવ અજીબ લાગ્યો. પહેલાં તે ઇચ્છતી હતી કે અભય લડે, પણ હવે જ્યારે તે સાવ ચૂપ થઈ ગયો ત્યારે એ મૌન સિયાને બેચેન કરી રહ્યું હતું.

સિયા અગાસી પર આવી અને બોલી, “તું બદલાઈ રહ્યો છે...” 

અભયે દર્દભર્યું સ્મિત કર્યું, “કદાચ.” સિયાએ પૂછ્યું, “કેમ?” 

અભયે એની આંખોમાં જોઈ કહ્યું, “કારણ કે દરેક વસ્તુ સહન કરવાની પણ એક મર્યાદા હોય છે... હવે કદાચ આશા ઓછી થઈ રહી છે.” આ શબ્દો સાંભળી સિયા સ્તબ્ધ થઈ ગઈ. એણે પહેલીવાર જોયું કે આ માણસ સાચે જ અંદરથી તૂટી રહ્યો છે, અને એની સાથે એમનો સંબંધ પણ હંમેશ માટે વિખેરાઈ રહ્યો છે.

 

હવે આગળ શું થશે? 

શું સિયા બદલાઈ જશે કે અભય સિયા ને છોડી દેશે?

લગ્ન જીવન  એટલું સહેલું નથી હોતું જેટલું આપણે એને સમજીએ છીએ. લગ્ન એટ્લે એક બીજા માટે લગન નું ભાવ હોવું અને આ ભાવ સાથે રહેતા રહેતા આવી જાય છે. 

વધુ જાણવા માટે વાંચતાં રહો અને ક્મેંટ્સ પણ કરશો. મારાં માટે તમારા ક્મેંટ્સ બહુ જ અગત્ય ના છે. 

તો ચાલો અભય અને સિયા ના લગ્ન જીવન માં ફરી થી જઇયે.