Back to the past days in Gujarati Fiction Stories by Dhamak books and stories PDF | પાછા વળ્યા પાછલા દિવસો - 6

The Author
Featured Books
Categories
Share

પાછા વળ્યા પાછલા દિવસો - 6


ભાગ ૬

પાર્ટીનો કોલાહલ અને રોશની પાછળ છૂટી ગયાં. પ્રેમ જાનવીને તેના ઘરની બહાર સુરક્ષિત રીતે મૂકી જાય છે. રાત ઘણી વિતી ગઈ હોવાથી અને ઘરમાં કોઈને ડિસ્ટર્બ ન કરવાના હેતુથી પ્રેમ અંદર ગયા વગર બહારથી જ શાંતિથી વિદાય લે છે.

જાનવી હળવા પગલે ઘરમાં પ્રવેશ કરે છે. સામે જ સોફા પર તેની મમ્મી (પાર્વતીબેન) બેઠી બેઠી કપડાંની ઘડી કરી રહી હતી અને ધીમા અવાજે એક જૂનું મધુર ગીત ગણગણતી હતી. આ દ્રશ્ય જોઈને જાનવી ક્ષણભર રોકાઈ જાય છે. ઘરમાં ફેલાયેલી એ શાંતિ અને પાર્વતીબેનનો મધુર અવાજ જોઈને તે એ ક્ષણને, એ યાદોને પોતાના હૃદયમાં કાયમ માટે સમાવી લેવા માંગતી હતી. તે મમ્મીને બિલકુલ ડિસ્ટર્બ નથી કરતી અને થોડી વાર દૂર ઊભી રહીને તેને ગીત ગાતી જોયા રાખે છે. જાનવીના મનમાં અંદરથી એક અવાજ આવે છે, 'મારી બા કેટલી સુંદર છે! બસ હું ઈચ્છું છું કે તે કાયમ મારી પાસે જ રહે અને હંમેશા જીવતી અને સ્વસ્થ રહે.'

થોડી વારમાં પાર્વતીબેનની નજર જાનવી પર જાય છે. તે સહેજ આશ્ચર્યથી પૂછે છે, "અરે જાનવી! તું આટલી જલ્દી પાર્ટીમાંથી આવી ગઈ?"

જાનવી તેની નજીક જાય છે અને મમ્મીના હાથમાંથી કપડાં લેતાં ચિંતિત અવાજે કહે છે, "બા, તું હજી સુધી કામ કરે છે? કેટલા વાગ્યા છે એ તો જો! તું થાકતી નથી?"

જાનવીને સારી રીતે ખબર હતી કે પાર્વતીબેનને સંગીત અને ગીતો ગાવાનો કેટલો ભારે શોખ છે. મમ્મીને જોતાં જ તેને જૂના દિવસો યાદ આવી જાય છે. તે વિચારવા લાગે છે કે 'હું નાની હતી ત્યારે પણ બા ટીવી સ્ક્રીન સામે ગીત ચાલતું હોય ત્યારે તેની સાથે ખુશીથી નાચતી અને ગાતી. તેને ગાવું કેટલું બધું ગમતું!' તે મનોમન એક દ્રઢ સંકલ્પ કરે છે કે 'એક દિવસ જ્યારે મારી પાસે પૈસા ભેગા થશે, ત્યારે હું બા માટે કેરાઓકે સિસ્ટમ જરૂર ખરીદીશ. મારી પૂરી ઈચ્છા છે કે મમ્મી આ દુનિયામાં છે અને જીવતી છે ત્યાં સુધીમાં જ તેની બધી નાની-મોટી ઈચ્છાઓ હું પૂરી કરી શકું.'

જાનવી થોડી વાર મગ્ન થઈને પાર્વતીબેનના ચહેરા સામે એકીટશે જોતી રહે છે. પાર્વતીબેનને જાનવીનું આ રીતે જોવું થોડું અજુગતું અને વિચિત્ર લાગે છે. તે સ્મિત સાથે પૂછે છે, "શું જોઈ રહી છે મારી સામે આમ અટક્યા વગર?"

જાનવી હસી પડે છે અને તેના ચહેરા પર વહાલ છલકાઈ આવે છે, "હું તો એ જોઉં છું કે મારી બા કેટલી સુંદર છે! એટલે જ તેને જોયા કરું છું."

એમ કહીને જાનવી મમ્મીના બંને હાથ પોતાના હાથમાં પકડી લે છે અને ભાવુક થઈને કહે છે, "બા, તું કહે તો હું કાયમ તારી સાથે જ રહું... હું તારી સાથે જ રહું તો તને કોઈ વાંધો નથી ને?"

પાર્વતીબેન તેના માથા પર હાથ ફેરવતાં હસીને કહે છે, "જા જા ઘેલી! કોઈ છોકરીઓ કાયમ થોડી મા-બાપ સાથે રહેવાની હતી? એક દિવસ તો તેના લગ્ન થાય એટલે તેણે પોતાના ઘરે, બીજાના ઘરે જાવું જ પડે ને!"

જાનવી જરાય વિચાર્યા વગર બાળકની જેમ જીદ કરતાં કહે છે, "ના, હું ક્યાંય નહીં જાઉં! હું તો કાયમ તારી સાથે જ રહીશ."

પાર્વતીબેન ધીમેથી મીઠો ઠપકો આપતાં જાનવીના ખભા પર હળવી થાપલી મારે છે અને વહાલથી કહે છે, "ચલ હવે છાનીમાની સૂઈ જા, બહુ રાત થઈ ગઈ છે!"

મમ્મીને શાંત પાડીને જાનવી પોતાના રૂમમાં જાય છે. આખા દિવસના માનસિક તણાવથી તે ભારે થાક અનુભવતી હતી. તે પથારી પર પડી જાય છે. તેના મગજમાં વિચારોનું વંટોળ ચાલતું હતું. તે વિચારે છે, 'આજે તો હું માંડ બચી ગઈ, નહીંતર જતીન મને પ્રપોઝ કરી જ નાખત...'

તે પથારીમાંથી ઊભી થાય છે અને ટેબલ પાસે મુકેલી ખુરશી પર બેસે છે. તે ધીમેથી ટેબલનું ડ્રોઅર ખોલે છે. ડ્રોઅરમાં જતીનનો એક નાનો પાસપોર્ટ સાઈઝ ફોટો પડેલો હોય છે. તેને એ દિવસ યાદ આવે છે જ્યારે બંને એક સાથે કોલેજના ફોર્મ ભરવાની લાઈનમાં ઊભા હતા. ત્યારે જતીનનો આ ફોટો નીચે પડી ગયો હતો અને જતીનની જાણ બહાર જાનવીએ તે પોતાની પાસે રાખી લીધો હતો.

તે ફોટા સામે જોતી જોતી સ્વગત વિચારે છે, 'જો હું આ જતીનથી દૂર રહીશ તો જ મારું ભવિષ્ય સુધરશે, નહિતર હું ફરીથી એ જ રીતે હેરાન થઈશ અને મારા પરિવારની જવાબદારીઓમાંથી ભટકી જઈશ.'

એ જ સમયે તેનો ફોન રણકે છે. સ્ક્રીન પર મનોજનો ફોન બતાવે છે.જાનવી ફોન ઉપાડીને કહે છે, "હેલો મનોજ, આટલી રાતે કેમ ફોન કર્યો?"મનોજ સામા છેડેથી કહે છે, "સોરી જાનવી, આટલી રાતે તને ડિસ્ટર્બ કરવા બદલ. પણ એક ખૂબ કામની વાત હતી.""હા બોલ, શું વાત છે?" જાનવીએ પૂછ્યું."મેં ચાર સારા ટ્યુશન શોધ્યા છે, હાયર સેકન્ડરીના સ્ટુડન્ટ્સ છે. જો તને અનુકૂળ આવે તો કોલેજ પૂરી થયા પછી તું રોજના બે કલાક ભણાવી શકે એમ છે. તે લોકોની ફી પણ ખૂબ સારી છે, તો હું નક્કી કરી નાખું?"જાનવીના ચહેરા પર રાહતની એક છાપ ઉપસી આવે છે. તે તરત જ માની જાય છે, "હા, ચોક્કસ! કોઈ વાંધો નહીં. હજી પણ વધારે સ્ટુડન્ટ્સ હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી."

મનોજ આગળ કહે છે, "તારું ગણતરી બહુ સારું છે. જો તારા ફ્રી ટાઈમમાં, રાતે ઘરે નવરી હોય ત્યારે કોઈનું રોજનું ખાતું સંભાળી શકે એમ હોય, તો એ કામ પણ છે. રોજના હિસાબ રાખવાના છે. તને રોજ બુક આપી દેવામાં આવશે, તારે ચોકસાઈથી નામું લખી દેવાનું. આ માટે તારે ક્યાંય બહાર જવું નહીં પડે. હું દરરોજ કોલેજ આવીશ ત્યારે બુક લેતો આવીશ અને બીજે દિવસે તું મને પાછી આપી દેજે."

જાનવી ખુશીથી હા પાડે છે અને આટલી મોટી મદદ કરવા બદલ મનોજનો આભાર માનીને ફોન મૂકે છે.

ત્યારબાદ તે પાછી પથારીમાં આડી પડે છે અને ખુલ્લી બારીમાંથી બહાર આકાશ તરફ જુએ છે. પૂનમનો સોનેરી ચાંદો આકાશમાં ખીલેલો હતો. ચાંદનીના નિર્મળ પ્રકાશમાં બહારના ઝાડ અને રંગબેરંગી ફૂલો અત્યંત રમણીય અને સુંદર દેખાતા હતા. ઠંડા, મંદ પવનની લહેરખીઓ રૂમમાં આવી રહી હતી. આ પવનના સ્પર્શ અને મનની થોડી હળવાશ વચ્ચે જાનવીની આંખો ક્યારે મીંચાઈ ગઈ અને તે ગાઢ નિંદ્રામાં સરી પડી, તેનો તેને ખ્યાલ જ ન રહ્યો.

બીજી તરફ, ઘરના બીજા રૂમમાં જાનવીના માતા-પિતા પથારીમાં સૂતા સૂતા વાતો કરી રહ્યા હતા.રમેશભાઈ પથારીમાં પાસાં બદલી રહ્યા હતા. પાર્વતીબેન રમેશભાઈને કહે છે, "તમને નથી લાગતું કે આજકાલ જાનવી થોડી અલગ લાગે છે? તે અચાનક બહુ જિમ્મેદાર થઈ ગઈ છે અને મારી બહુ ચિંતા કરવા લાગી છે."રમેશભાઈ થોડા અચકાતા અને ખચકાતા અવાજે બોલે છે, "હા, તે તારી ચિંતા તો કરે છે... પણ જાણે કેમ તે મને નફરત કરતી હોય તેમ મારી સાથે વર્તે છે! જાણે મેં કોઈ મોટો ગુનો કર્યો હોય! શું મારાથી કોઈ ભૂલ કે ખોટું થઈ ગયું છે કે શું?"પાર્વતીબેન તેમને શાંત પાડતા કહે છે, "ના ના, તમારાથી તો કંઈ ખોટું થાય નહીં. છતાં જો તમને એવું લાગતું હોય, તો બે દિવસ પછી જાનવીને શાંતિથી એક બાજુ બેસાડીને પૂછી જોજો." બંને જણા નક્કી કરે છે કે બે દિવસ રાહ જોઈને પછી જ વાત કરશે.

જ્યારે ઘરના બીજા ખૂણામાં જાનવીનો મોટો ભાઈ રોહન પોતાના રૂમમાં જાગી રહ્યો હતો. તેનો ફોન રણકે છે—તેની ગર્લફ્રેન્ડ રિયાનો ફોન હતો.

રોહન પ્રેમથી ફોન ઉપાડીને કહે છે, "હાં રિયા, બોલ... આટલી રાતે?"

સામે છેડેથી રિયા સીધા મુદ્દા પર આવતાં થોડા હુકમી અવાજે કહે છે, "રોહન, મારે એક ખૂબ જ મોંઘો બ્રાન્ડેડ ડ્રેસ લેવો છે. મારી ફ્રેન્ડ્સે નવી ડિઝાઇન લીધી છે, તો મારે પણ એ જ શોપમાંથી બે-ત્રણ દિવસમાં આટલા રૂપિયાની જરૂર છે. તું ગમે તેમ કરીને વ્યવસ્થા કરી આપ."

રોહન પોતાના (bank balance) ખાતાનો વિચાર કરીને થોડો મૂંઝાઈ જાય છે. તે અત્યંત મજબૂરીમાં અને ધીમા અવાજે કહે છે, "રિયા, તું સમજી શકે છે કે અત્યારે મારી પાસે આટલી મોટી રકમ નથી. પપ્પા પાસે પણ અત્યારે કોઈ મોટો હાથ નથી અને મારી પાસે પણ બચત નથી..."

રિયા તરત જ સામો વિરોધ નોંધાવતાં નારાજ થઈને કહે છે, "જો રોહન, મને આ બહાના ન બતાવ. તું મારા માટે આટલું પણ નથી કરી શકતો? જો તું મને આ રૂપિયા નહીં આપે, તો હું તારી સાથે વાત પણ નહીં કરું અને આપણો સંબંધ પણ અહીં પૂરો સમજજે!"

ગર્લફ્રેન્ડને ખોઈ બેસવાના ડરથી રોહન ગભરાઈ જાય છે. તે લાચાર બનીને કહે છે, "પ્લીઝ રિયા, એવું ન બોલ. તું ચિંતા ન કર! હું મારા મિત્રો પાસે હાથ લંબાવીને કે ગમે ત્યાંથી ઊછીના-પાછીના કરીને પણ બે દિવસમાં તારા માટે રૂપિયાની સગવડ કરી આપીશ, ઓકે?"

રિયા થોડો અહંકાર દર્શાવીને "ઓકે, હું રાહ જોઉં છું" કહીને ફોન કાપી નાખે છે. રોહન ફોન હાથમાં રાખીને ઊંડા વિચારમાં પડી જાય છે કે હવે આટલા પૈસાની ગોઠવણ ક્યાંથી કરવી.


To be continu....