aanand nagar in Gujarati Comedy stories by Rupen Patel books and stories PDF | આનંદનગર : પ્રકરણ ૫

Featured Books
Categories
Share

આનંદનગર : પ્રકરણ ૫

 પ્રકરણ ૫: નીટની લડાઈ... માત્ર પરીક્ષા નહીં, સપનાની પણ
રવિવારની સાંજ આનંદનગર સોસાયટી માટે દર અઠવાડિયાની જેમ સામાન્ય નહોતી. ક્લબ હાઉસમાં આજે એક ખાસ અને ગંભીર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સોસાયટીના યુવાનો, કિશોરો અને ખાસ કરીને બોર્ડના વિદ્યાર્થીઓ માટે ડૉ. નિલેશ દેસાઈ સાથે "કારકિર્દી માર્ગદર્શન અને નીટની વાસ્તવિકતા" વિષય પર સરસ સેમિનાર ગોઠવાયો હતો.
ક્લબ હાઉસનો મોટો હોલ વિદ્યાર્થીઓથી છલકાઈ રહ્યો હતો. આરવ, વિવાન, રુદ્ર, મિશ્રી, કિયારા, તનિષ્કા, આન્યા, રિયાન અને ગુરનૂર સહિત સોસાયટીના અનેક બાળકો આગળની હરોળમાં ઉત્સુકતાથી બેઠા હતા. તેમની પાછળ તેમના વાલીઓ—હર્ષિલ મહેતા, હિતેશ પટેલ અને માણેકલાલ જેવા વડીલો પણ બેઠા હતા. દરેકના ચહેરા પર પોતાના બાળકના ભવિષ્યને લઈને એક અજાણ્યો ડર અને આશા બંને છવાયેલાં હતાં.
ડૉ. નિલેશ દેસાઈ—જેઓ પોતે એક સફળ બાળરોગ નિષ્ણાત (Pediatrician) હતા—તેમણે માઇક હાથમાં લીધું. હોલમાં શાંતિ છવાઈ ગઈ.
"ડૉક્ટર બનવાનું સપનું જોવું ખૂબ જ સરળ છે... પરંતુ એ સ્ટેથોસ્કોપને ગળામાં પહેરવા સુધીનો રસ્તો અતિશય કઠિન, લાંબો અને ધૈર્ય માગી લે તેવો છે."
ડૉ. દેસાઈના આ શબ્દો સાંભળીને તેમની દીકરી આન્યાએ પોતાના પિતા તરફ ગર્વ અને આદરભરી નજરે જોયું.
ડૉ. દેસાઈએ આગળ વાત વધારી, "ભારતમાં દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ NEET (નીટ)ની પરીક્ષા આપે છે. સીટ મર્યાદિત છે અને દાવ પર લાખો બાળકોનું ભવિષ્ય હોય છે. ઘણા વિદ્યાર્થીઓ એક-બે નહીં, પણ ત્રણ-ચાર વર્ષ સુધી પોતાના સુખ-ચોપડ છોડીને, રાત-દિવસ એક કરીને અથાગ મહેનત કરે છે."
ત્યાં જ મિશ્રીએ ધીમેથી હાથ ઊંચો કર્યો અને પૂછ્યું, "સર... બધા કહે છે કે NEETની પરીક્ષા ખૂબ જ મુશ્કેલ હોય છે. શું ખરેખર એ એટલી અઘરી હોય છે કે માણસ ડિપ્રેશનમાં આવી જાય?"
ડૉ. દેસાઈએ સહાનુભૂતિપૂર્વક સ્મિત કર્યું, "બેટા, પરીક્ષાના પ્રશ્નો કરતાં પણ વધુ મુશ્કેલ તેની ગળાકાપ સ્પર્ધા અને હરીફાઈ છે. એક-એક માર્ક્સ પર હજારો રેન્ક બદલાઈ જાય છે."
આ વાત સાંભળી ક્લબ હાઉસમાં એક ક્ષણ માટે સ્મશાનવત શાંતિ છવાઈ ગઈ. પાછળ બેઠેલા હર્ષિલ મહેતા બોલી ઉઠ્યા, "અને સર, આજે તો નીટ માટેના મોટા મોટા કોચિંગ ક્લાસનો ખર્ચ પણ લાખો રૂપિયામાં પહોંચી ગયો છે. સામાન્ય માણસ માટે તો આ ભણતર નહીં પણ બોજ બની ગયું છે."
હિતેશ પટેલે પણ વાતમાં સૂર પુરાવ્યો, "સાચી વાત છે હર્ષિલભાઈ, મધ્યમ વર્ગના વાલીઓ માટે પોતાના બાળકને ડૉક્ટર બનાવવો એ આર્થિક રીતે સૌથી મોટું ટેન્શન અને અઘરું કામ બની ગયું છે."
ડૉ. દેસાઈએ ગંભીરતાથી માથું હલાવ્યું, "તમારી વાત સાચી છે. પરંતુ યાદ રાખજો, સફળતા માત્ર મોંઘી ફી કે પૈસાથી મળતી નથી. યોગ્ય માર્ગદર્શન, સતત મહેનત, શિસ્ત અને ધીરજ હોય તો સામાન્ય પરિવારનો બાળક પણ આ પરીક્ષા પાસ કરી શકે છે."
દરમિયાન, બેન્ચ પર બેઠેલા કૌતુકપ્રિય રુદ્રથી શાંત ન રહેવાયું. તેણે ધીમેથી વિવાનના કાનમાં કહ્યું, "ભાઈ, હું તો ગમે તે થાય પણ ડૉક્ટર નહીં બનું."
વિવાને આશ્ચર્યથી પૂછ્યું, "કેમ ભાઈ? એટલો બધો ડર લાગે છે?"
રુદ્રએ ગંભીર ચહેરો બનાવીને કહ્યું, "આટલું બધું ભણવાનું હોય અને આટલું ટેન્શન લેવાનું હોય તો એના કરતાં આપણે ડૉક્ટર બનવાને બદલે દર્દી બની જવું સારું!"
રુદ્રની આ રમુજી વાત સાંભળીને વિવાન પોતાનું હસવાનું રોકી ન શક્યો અને મોટેથી હસી પડ્યો. ડૉ. દેસાઈની તીક્ષ્ણ નજર તરત જ એ બંને પર પડી.
"રુદ્ર... વિવાન... કઈ ખાસ ચર્ચા ચાલે છે? સોસાયટી સાથે પણ શેર કરવું છે?" ડૉ. દેસાઈએ માઇકમાં પૂછ્યું.
આખું ક્લબ હાઉસ બંને તરફ જોવા લાગ્યું અને ખડખડાટ હસી પડ્યું. રુદ્ર થોડો શરમાયો પણ પછી હિંમત કરીને ઊભો થયો.
"સર... હું તો બસ વિવાનને એટલું જ કહેતો હતો કે ડૉક્ટર બનવા માટે બહુ જ હિંમત અને કાળજું જોઈએ."
ડૉ. દેસાઈએ સ્મિત કરતાં પૂછ્યું, "અને દર્દી બનવા માટે?"
રુદ્રએ તુરંત જ હાજરજવાબી આપી, "સર, દર્દી બનવા માટે તો કઈ નહી કરવાનું... એ તો ફ્રીમાં જ બની જવાય!"
રુદ્રના આ જવાબે આખા હોલમાં હાસ્યનું મોજું ફેરવી દીધું. ગંભીર બની ગયેલું વાતાવરણ એક ક્ષણમાં હળવુંફૂલ થઈ ગયું.
એટલામાં સોસાયટીમાં રહેતાં તેજસ્વીબેન દેશમુખ, જેઓ એક જાણીતી સમાચાર ચેનલમાં પત્રકાર તરીકે કામ કરતાં હતાં, તેમણે વાતનો દોર સંભાળ્યો. "ડૉક્ટર સાહેબ, તાજેતરના વર્ષોમાં NEETની પરીક્ષાને લઈને દેશભરમાં અનેક વિવાદો અને ચર્ચાઓ થઈ છે. પ્રશ્નપત્ર લીક થવાના આક્ષેપો, પરીક્ષાની પારદર્શિતા સામે ઉઠેલા પ્રશ્નો અને વિદ્યાર્થીઓમાં વધતો માનસિક તણાવ—આ બધા મુદ્દાઓએ લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના દિલ ભાંગી નાખ્યા છે."
હર્ષિલ મહેતાએ ગંભીર અવાજમાં ઉમેર્યું, "સાચી વાત છે, દિવસ-રાત એક કરતા બાળકોની પ્રામાણિક મહેનત પર કોઈ શંકા કે અન્યાય ન રહેવો જોઈએ."
વડીલ માણેકલાલ પણ પોતાની લાકડી ટેકવતા બોલ્યા, "દેશનું ભવિષ્ય બનાવતી આવી મોટી પરીક્ષાઓ પર દેશના નાગરિકો અને બાળકોનો વિશ્વાસ જળવાઈ રહે એ જ સૌથી મહત્વનું છે."
બધાની વાતો સાંભળ્યા પછી, ધીમા પણ દ્રઢ અવાજે આન્યા ઊભી થઈ. તેણે પહેલીવાર આટલા મોટા મંચ પરથી પોતાની વાત કહી, "હું પણ છેલ્લા એક વર્ષથી NEETની તૈયારી કરી રહી છું. ક્યારેક મોડી રાત્રે વાંચતા વાંચતા મને પણ બહુ ડર લાગે છે કે જો સિલેક્શન નહીં થાય તો શું થશે? પણ પછી મને વિચાર આવે છે કે જો સપનું મોટું અને કિંમતી હોય તો મહેનત પણ એટલી જ મોટી અને કઠોર કરવી પડે."
ડૉ. દેસાઈએ પ્રેમથી પોતાની દીકરીના ખભા પર હાથ મૂક્યો અને આખા હોલ તરફ જોઈને કહ્યું, "દીકરી, ડર હોવો એ કોઈ ખરાબ વાત નથી... પણ એ ડરથી હારી જવાને બદલે ડરને જીતવો એ સૌથી મહત્વનું છે."
આખી સભા તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠી. વાલીઓના ચહેરા પર પણ એક નવી શાંતિ દેખાવા લાગી.
કાર્યક્રમ પૂરો કરતાં પહેલાં ડૉ. દેસાઈએ તમામ યુવાનોને ઉદ્દેશીને એક ખૂબ જ સુંદર અને કિંમતી વાત કહી, "યાદ રાખજો બાળકો... કોઈપણ પરીક્ષા એ તમારા જીવનનો એક નાનો ભાગ છે, આખું જીવન નથી. પરિણામ ગમે તે આવે, પણ એ પરિણામ કરતાં પણ વધારે મહત્વનું છે તમે ઈમાનદારી અને નિષ્ઠાથી કરેલી મહેનત. જો તમે મહેનત કરતા શીખી ગયા, તો જીવનની કોઈ પણ પરીક્ષામાં તમે ક્યારેય નકામ નહીં જાઓ."
સેમિનાર પૂરો થયો. વિદ્યાર્થીઓ ઉત્સાહમાં આવીને ડૉ. દેસાઈ સાથે ફોટા પડાવવા અને પોતાના પ્રશ્નો પૂછવા માટે તેમની આસપાસ ભેગા થઈ ગયા.
ક્લબ હાઉસની બહાર નીકળતી વખતે રુદ્રે વિવાનના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, "વિવાન, આજે એક બહુ મોટી વાત સમજાઈ ગઈ."
"શું સમજાઈ ગયું તારા મગજમાં?" વિવાને હસીને પૂછ્યું.
રુદ્રએ અત્યંત ગંભીરતાથી કહ્યું, "ડૉક્ટર કે એન્જિનિયર બનવું તો કદાચ અઘરું છે... પણ એક સારા, સચ્ચા અને ઈમાનદાર માણસ બનવાનું કામ તો આપણે આજથી અને અત્યારથી જ શરૂ કરી શકીએ ને?"
વિવાને દિલથી સ્મિત કર્યું અને પોતાનો હાથ આગળ વધાર્યો, "સાચી વાત છે. ડીલ?"
રુદ્રે ગર્વથી હાથ મિલાવ્યો, "પાક્કી ડીલ!"
ધીમે ધીમે ક્લબ હાઉસની લાઈટો બંધ થવા લાગી અને સોસાયટીમાં શાંતિ છવાઈ ગઈ. પરંતુ આજે એ અંધારામાં પણ આનંદનગરના ઘણા માસૂમ બાળકોની આંખોમાં એક નવું, અજવાળું આપતું સ્વપ્ન પૂર્ણ ક્ષમતા સાથે ઝળહળી રહ્યું હતું.