Sahiyara Swash - 1 in Gujarati Love Stories by Nayana Viradiya books and stories PDF | સહિયારા શ્વાસ - અધ્યાય 1

Featured Books
Categories
Share

સહિયારા શ્વાસ - અધ્યાય 1

આજથી શરુ થતી મારી નવી સફર....

"મળ્યા વગર પણ આખી જિંદગી સાથે શ્વાસ લેનારા બે આત્માઓની કથા."



🌷🪻 સમર્પણ🪻🌷
એ દરેક નામ વગરના સંબંધને...
જેમાં અધિકાર નહોતો, છતાં ચિંતા હતી...
અંતર હતું, છતાં આત્મીયતા હતી...
અને શબ્દો ઓછા હતા, છતાં પ્રાર્થનાઓ ક્યારેય અધૂરી નહોતી.
આ કૃતિ એવા દરેક હૃદયને સમર્પિત છે, જેણે કોઈને પોતાના માટે નહીં, પરંતુ તેના સુખ માટે પ્રેમ કર્યો છે.


🌷🪻લેખકની કલમેથી...🌷🪻

   દરેક સંબંધને કોઈ નામ હોય એવું જરૂરી નથી.
કેટલાક સંબંધો જન્મથી મળે છે. કેટલાક સંબંધો સમાજ બનાવે છે. અને કેટલાક સંબંધો તો
ઈશ્વર પોતાની સૌથી સુંદર ફુરસદમાં બનાવે છે.
એ સંબંધો લોહીથી જોડાતા નથી.કોઈ વચનથી પણ બંધાતા નથી.તેમને સાબિત કરવાની જરૂર પડતી નથી.
તેઓ ફક્ત ને ફક્ત અનુભવાય છે.
ક્યારેક એક અજાણ્યો માણસ આપણા માટે એટલો પોતાનો બની જાય છે કે તેની ખુશી માટે આપણે ભગવાનને મનાવી બેસીએ છીએ.
તો ક્યારેક આખી જિંદગી પસાર થઈ જાય છતાં આપણે તેને રૂબરૂ મળતા પણ નથી બસ ત્યારે જ સમજાય છે...
કે આત્મીયતા માટે સ્પર્શ જરૂરી નથી પરતું એક સાચી લાગણી જ પૂરતી છે.
"સહિયારા શ્વાસ" એવી જ એક સફર છે.
આ કોઈ  જ પ્રેમકથા  કે મિત્રતાની વ્યાખ્યા  નથી... પણ આ તો બે આત્માઓની એક એવી યાત્રા છે, જેમાં એકબીજાની ખુશી માટે કરાયેલી પ્રાર્થનાઓએ સંબંધને શ્વાસ જેટલો પવિત્ર બનાવી દીધો.
જો તમારા જીવનમાં પણ કોઈ એવો સંબંધ હોય.
જેને તમે ક્યારેય કોઈ નામ આપી શક્યા નથી.
તો કદાચ...
આ વાર્તામાં તમને તમારો એક અંશ જરૂર મળશે.



🪻🌷પ્રસ્તાવના🪻🌷

એક અનેરો અહેસાસ... પ્રેમ, રોમાંચ, સસ્પેન્સ અને અજોડ મિત્રતાની દાસ્તાન...
"સહિયારા શ્વાસ"
  બધી જ પ્રેમકથાઓથી અલગ...
બે ધબકારાના મિલનની નહીં, પણ બે આત્માઓના નિઃશબ્દ જોડાણની ગાથા.
એક એવો સંબંધ... જેમાં ક્યારેય હાથ પકડાયા નહીં... છતાંપણ આખી જિંદગી એકબીજાનો હાથ છોડાયો પણ નહીં.
એક એવો સંબંધ... જેમાં "આઈ લવ યુ" ક્યારેય કહેવાયું જ નહીં.
પરંતુ....
"જમી લીધું?"
"દવા લીધી?"
"હું છું... ચિંતા નહીં કર."
આવા સામાન્ય શબ્દોમાં આખી આત્મીયતા વસતી રહી.
કલમ મારી... વાંચન તમારું...
અને લાગણીઓ...આપણી સહિયારી.
તો ચાલો...
આપણે સાથે મળીને પ્રવેશ કરીએ...
"સહિયારા શ્વાસ"ની દુનિયામાં....

            🪻🌷ખાસ નોંધ: 🪻🌷
       
             આ નવલકથા મારી કલ્પનાની દુનિયાનો એક અંશ માત્ર છે કોઈ વ્યક્તિ કે સ્થળ સાથે તેનો કોઈ સંબંધ કે જોડાણ નથી.

🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻

સહિયારા શ્વાસ
ભાગ– ૧
એક અજાણી શરૂઆત

"દરેક મુલાકાતો રૂબરૂ થતી નથી... કેટલીક મુલાકાતો તો બે પ્રાર્થનાઓની વચ્ચે જન્મે છે."
               
         અસ્તાચળે ઢળી રહેલા સૂર્યેએ આજે જાણે આકાશને વિદાય આપતા પહેલાં પોતાના બધા જ રંગો ધરતી પર મનમુકીને વેરી દીધા હતા. પશ્ચિમના ક્ષિતિજ પર કેસરી, ગુલાબી અને આછા જાંબલી રંગો એકબીજામાં એવી રીતે ભળી રહ્યા હતા, જાણે પ્રકૃતિએ પોતાના હૃદયની લાગણીઓને રંગોનું સ્વરૂપ આપ્યું હોય. પવનમાં શિયાળાની આછેરી ઠંડક ભળી ગઈ હતી. રસ્તાની બંને બાજુ ઊભેલા વૃક્ષો ધીમે ધીમે લહેરાઈ ને જાણે સંધ્યાના આગમનને વધાવી  રહ્યા હતા.
પંખીઓના ટોળાં પોતાના માળા તરફ પરત ફરી રહ્યા હતા છતાં દિવસભરની ઉડાન પછી પણ તેમની ચહેકમાં થાક નહોતો, પરંતુ ઘેર પહોંચવાનો આનંદ હતો. આકાશમાં એક પછી એક તારાઓ પોતાની હાજરી નોંધાવવા લાગ્યા હતા. શહેરની ગલીઓમાં દીવાઓ પ્રગટી ઊઠ્યા હતા, પણ કુદરતે તો પહેલેથી જ પોતાની ચાંદનીનો દીવો પ્રગટાવી દીધો હતો.
સાંજ એટલે...
દિવસ અને રાતની વચ્ચેનો એવો સમય, જ્યારે બહારનું જગત ધીમું પડી જાય અને માણસ પોતાની અંદરના અવાજને સાંભળવા લાગે.
ગુજરાત ના ધબકાર સમાન રાજકોટ શહેર...
રંગીલું, જીવંત અને સંસ્કારોથી છલકાતું શહેર.
આ શહેરના મધ્યભાગથી થોડે દૂર આવેલા એક શાંત વિસ્તારમાં, એક નાનકડા પરંતુ ખૂબ જ હૂંફાળા ઘરની બાલ્કનીમાં એક યુવતી ઊભી હતી.
તેનું નામ હતું નિત્યા.
ઉંમર લગભગ બત્રીસ વર્ષની આસપાસ 
ચહેરા પર કોઈ અસાધારણ સૌંદર્ય નહોતું, છતાં એક અજીબ આકર્ષણ હતું. કદાચ એનું કારણ તેની આંખો હતી. એવી આંખો, એકદમ  વાચાળ જે સતત કંઈક શોધી રહી હોય એવું લાગે પરંતું શબ્દો કરતાં મૌન તેમાં વધારે વસેલું હતું.
તેના હાથમાં ગરમ મહેંકતી તુલસીની સોડમવાળી ગ્રીન ટી નો કપ હતો. કપમાંથી નીકળતી વરાળ હવામાં ઓગળી રહી હતી, પરંતુ નિત્યાની નજર તો સામેના આકાશમાં ક્યાંક અટકી ગઈ હતી.
તેને સાંજ ખુબ જ ગમતી.
તે હંમેશાં કહેતી...સવાર માણસને આશા આપે છે.બપોર જવાબદારીઓ યાદ અપાવે છે.
પણ સાંજ...
સાંજ તો માણસને તેની જાત સાથે મળાવે છે.
એટલે જ રોજ સાંજે થોડો સમય તે પોતાની સાથે વિતાવતી.
ઘરમાંથી જતીનનો અવાજ આવ્યો.
"નિત્યા... ચા ઠંડી થઈ ગઈ,ગરમ કરી આપને.."
નિત્યાએ પાછળ જોઈને હળવું સ્મિત કર્યું અને કહ્યું,
"હમણાં જ આવું છું, જતીન."
પણ તે અંદર ગઈ નહીં.
કેટલીક ક્ષણો એવી હોય છે, જેને માણસ કોઈપણ કિંમતે છોડવા માંગતો નથી.
આ પણ એવી જ ક્ષણ હતી.
પવનની એક લહેર આવી અને તેના ખુલ્લા વાળને સ્પર્શીને પસાર થઈ ગઈ.
તેને અચાનક પોતાની ડાયરી યાદ આવી.
હા...
ડાયરી...
તેની સૌથી જૂની અને સૌથી વિશ્વાસુ મિત્ર.
જ્યારે દુનિયા સમજતી નહોતી ત્યારે ડાયરી જ તેને સમજતી હતી.
જ્યારે આંખો રડી શકતી નહોતી ત્યારે કલમ રડી લેતી હતી.
અને જ્યારે મનમાં ખૂબ બધું ભરાઈ જતું ત્યારે ખાલી પાનાં તેની અંદરનો ભાર પોતાની અંદર સમાવી લેતા.
તેના રૂમમાં એક લાકડાનું ટેબલ હતું.
ટેબલ પર સુંદર રીતે ગોઠવેલી ડાયરીઓ.
દરેક ડાયરીના કવર પર એક વર્ષ લખેલું.
૨૦૧૮...
૨૦૧૯...
૨૦૨૦...
૨૦૨૧...
દરેક વર્ષ...એટલે એક આખું જીવન.
ક્યાંક હાસ્ય...ક્યાંક નિરાશા...
ક્યાંક અધૂરી ઇચ્છાઓ...
અને ક્યાંક એવી લાગણીઓ, જે તેણે ક્યારેય કોઈ માણસ સાથે વહેંચી નહોતી.
તે ઘણીવાર લખતી....
"માણસને બધું મળી જાય છે... છતાં ક્યારેક એક સાચો શ્રોતા કેમ નથી મળતો?"
આ પ્રશ્નનો જવાબ કદાચ કોઈ પુસ્તક પાસે પણ નહોતો.
રાત્રિના દસ વાગી ચૂક્યા હતા.
ઘરમાં શાંતિ પ્રસરી ગઈ હતી.
દીવાલ પરની ઘડિયાળની ટિક-ટિક રૂમના મૌનને વધુ ઘેરું બનાવી રહી હતી.
નિત્યા પોતાના રૂમમાં પલંગ પર ટેક લગાવીને બેઠી હતી.
સામે ટેબલ લેમ્પનો પીળો પ્રકાશ ડાયરીના ખુલ્લા પાનાં પર પડી રહ્યો હતો.
તે લખી કંઈક રહી હતી.
"આજે ફરી એક દિવસ પૂરો થયો.
લોકો ઘણાં મળ્યા...વાતો પણ ઘણી થઈ...
પણ મન આજે પણ કોઈ અજાણ્યા માણસને શોધે છે.
એવો માણસ...
જેને મારી ખુશી માટે કોઈ કારણ ન જોઈએ.
અને મારા દુઃખ માટે કોઈ પ્રશ્ન ન પૂછવો પડે."
લખીને તેણે પેન બંધ કરી.
થોડી ક્ષણ સુધી પોતાના જ શબ્દોને જોતિ રહી.
પછી ડાયરી બંધ કરી અને મોબાઇલ હાથમાં લીધો.
સ્ક્રીન પર અસંખ્ય નોટિફિકેશન ઝબૂકી રહ્યા હતા.
સોશિયલ મીડિયાની દુનિયામાં બધું જ રંગીન લાગતું હતું.કોઈ પ્રવાસમાં હતું તો કોઈ પાર્ટીમાં....
કોઈ સફળતાની ઉજવણી કરતું હતું તો કોઈ જિંદગી ના દુઃખને સ્ટેટ્સ પર ચમકાવી ને કદાચ ભાર હળવો કરવા મથી રહ્યા હતા.
પણ નિત્યાને હંમેશાં જ લાગતું...
મોબાઇલની સ્ક્રીન પર દેખાતાં સ્મિતો અને માણસના હૃદયમાં રહેલા સત્ય વચ્ચે ઘણું અંતર હોય છે.
તે સ્ક્રોલ કરતી રહી.
એટલામાં તેની નજર એક અજાણ્યા નંબર પર અટકી.
આ નંબર પરથી લગભગ  એકાદ વરસ થી  આવેલો ગુડ મોર્નિંગ નો મેસેજ અનસીન જ ફોનમાં ઘણા મહિનાથી સેવ હતો.
કોઈ સાહિત્યિક ગ્રુપમાં  કદાચ ક્યારેય આ નંબર સેવ થયો હશે.
તેને યાદ નહોતું.
તે થોડા સમય સુધી એ નંબરને જોતિ રહી.
મનમાં અજીબ ખેંચાણ અનુભવાયું.
કોઈ કારણ નહોતું...
કોઈ ઓળખાણ નહોતી...
તો પણ લાગ્યું કે...
"આ વ્યક્તિને એક વાર 'ગુડ મોર્નિંગ' કહેવું જોઈએ."
તે પોતાની જાત પર જ હસી પડી.
"અરે નિત્યા... તું પણ છે ને..."
પણ હૃદય ક્યાં  ક્યારેય તર્ક સાંભળે છે?
તે ધીમે ધીમે ટાઇપ કરવા લાગી...
"ગુડ મોર્નિંગ...
કદાચ તમે મને ઓળખતા નહીં હો.
હું પણ તમને ઓળખતી નથી.
પણ આજે અચાનક તમને મેસેજ કરવાનું મન થયું.
જો આ મેસેજ તમને અજુગતું લાગે... તો નિઃસંકોચ અવગણી દેજો."
મેસેજ લખાઈ ગયો.
હવે ફક્ત એક જ સ્પર્શ બાકી હતો.
'સેન્ડ'.
નિત્યાની આંગળી સ્ક્રીન પર અટકી ગઈ.
તેના મનમાં એક સાથે અનેક વિચારો દોડી રહ્યા હતા.
"શું વિચારશે?"
"જો જવાબ જ ન આપે તો?"
"જો ખોટું સમજે તો?"
પણ તરત જ અંદરથી એક અવાજ આવ્યો...
"દરેક સંબંધ પહેલાં એક અજાણ્યું પગલું જ હોય છે."
નિત્યાએ આંખો બંધ કરી...
એક ઊંડો શ્વાસ લીધો...
અને...
'સેન્ડ'નું બટન દબાવી દીધું.
મેસેજ પહોંચી ગયો.
રૂમમાં બધું જ પહેલાં જેવું હતું.
ઘડિયાળ હજુ પણ ટિક-ટિક કરતી હતી.
પવન હજુ પણ બારીના પડદાને હળવેથી હલાવી રહ્યો હતો.
પણ...,નિત્યાના જીવનમાં કંઈક અદૃશ્ય બદલાઈ ચૂક્યું હતું.
કદાચ...
નિયતિએ પોતાના પુસ્તકનું પહેલું પાનું લખી દીધું હતું.
અને...એ એક અજાણ્યો માણસ પોતાના મોબાઇલની સ્ક્રીન પર ઝબૂકેલા આ નાનકડા મેસેજને વાંચવા જઈ હતો...
ક્રમશઃ... 🌿