ભાગ ૧૦: મસાણી રાત અને રણચંડીનો સંગાથ
“હાકલ પડી ને હૈયું ફાટ્યું, જાગ્યો ભોમિયો ભીડનો,
હાથે ડાંગ ને મુખે મહાદેવ, મારગ લીધો ગીરનો.
એકલો નથી તું ઓ ગોવાળિયા, પાછળ જોગમાયા જાગી,
રણમેદાનમાં રમવા આજે, મોતની શરણાઈ વાગી!”
સમય: રાતના ૨ વાગ્યા (અમંગળ ઘડી)
સ્થળ: કનકાઈના જંગલનો રસ્તો અને મંગલનો ગુપ્ત અડ્ડો
મધરાતનો ગજગ્રાહ જામ્યો હતો. ગીરના જંગલ માથે અમાસની કાળી કામળી ઓઢાઈ ગઈ હતી. પવન પણ થંભી ગયો હતો, જાણે કુદરત શ્વાસ રોકીને કોઈ મહા-સંગ્રામની રાહ જોતી હોય.
નેસડામાંથી એક પડછાયો તીરની જેમ છૂટ્યો.
કાનજી.
તેના હાથમાં પિત્તળની કડીઓ જડેલી, તેલ પાયેલી મજબૂત ‘ડાંગ’ હતી. તેના ઉઘાડા ડીલ પર પરસેવો નહોતો, પણ ક્રોધની જવાળા હતી. તેના ગળામાં તૂટેલા રુદ્રાક્ષની ખાલી દોરી લટકતી હતી.
તે દોડતો નહોતો, હવામાં ઉડતો હતો. કાંટા, કાંકરા કે અંધારું – કશું જ તેને રોકી શકે તેમ નહોતું. તેના કાનમાં હજી પણ કેસરીની પેલી દર્દનાક, છેલ્લી ડણક ગુંજતી હતી.
“હું આવું છું ભાઈ... હું આવું છું! જો તારા શરીર પર એક પણ ઘા પડ્યો હશે ને, તો આજે હું આખા ગીરને સળગાવી દઈશ!” કાનજી બબડતો હતો.
તે નેસડાની બહાર નીકળ્યો, ત્યાં જ રસ્તામાં કોઈક આડું ફર્યું.
એક સ્ત્રીનો પડછાયો. હાથમાં સળગતી મશાલ (કાકડા) લઈને.
કાનજીની ડાંગ ઉગામી ગઈ. “ખસી જા! જે હોય તે ખસી જા!”
મશાલનું અજવાળું ચહેરા પર પડ્યું. તે જીવી હતી.
તેનો ચહેરો લાલઘૂમ હતો. તેણે પોતાની ઓઢણી કમરે કસીને બાંધી લીધી હતી. તેના હાથમાં મશાલ હતી અને બીજા હાથમાં પથ્થર મારવાની ‘ગોફણ’.
“જીવી?” કાનજીનો શ્વાસ ફૂલતો હતો. “તું અહીં? ખસી જા, મારે મોડું થાય છે. આ મરદનું કામ છે.”
જીવીએ રસ્તો ન આપ્યો. તેની આંખોમાં ગીરની સિંહણ જેવું તેજ હતું.
“મરદનું કામ છે એટલે જ હું આવી છું કાનજી. તું એકલો ક્યાં જઈશ? સામે દસ ગુંડા હશે અને તું એકલો. આ ધર્મયુદ્ધ છે.”
કાનજીની હિંમત પહેલીવાર તૂટી. દુશ્મન સામે નહીં, પણ જીવીની ચિંતામાં. તે થોડો નજીક ગયો. તેનો અવાજ નરમ પડ્યો.
“જીવી, ગાંડી થા મા. પાછી વળી જા. સામે સાક્ષાત મોત ઉભું છે. આ મંગલ રાક્ષસ છે. અને જો...” કાનજીનો અવાજ ગળામાં ડૂમો બનીને અટકી ગયો. તેની આંખોમાં ભય આવી ગયો.
“જો તારા શરીર પર એક પણ ઉઝરડો પડ્યો ને... જો તને કાંઈક અમંગળ થયું... તો હું...”
કાનજી અટકી ગયો.
“તો હું જીવી નહીં શકું” – આ શબ્દો હોઠ સુધી આવીને થંભી ગયા. એક મરદની મર્યાદા અને એક પ્રેમીનો સંકોચ વચ્ચે આવી ગયો. પણ તેની ભીની આંખોએ બધું કહી દીધું.
જીવી સમજી ગઈ. તેણે મશાલનો પ્રકાશ કાનજીના ચહેરા પર ધર્યો. બંનેની નજર મળી. એ ક્ષણે જંગલનો કોલાહલ શાંત થઈ ગયો.
જીવીના હોઠ પર એક સાત્વિક સ્મિત ફરક્યું. તેણે કાનજીના હાથ પર પોતાનો હાથ મૂક્યો – સ્પર્શમાં કંપારી નહીં, પણ ભરોસો હતો.
“કાનજી,” જીવીએ ધીમેથી પણ મક્કમ અવાજે કહ્યું. “શબ્દો અધૂરા રહેવા દે. હું જાણું છું તારા મનમાં શું છે. પણ સાંભળ... ખોળિયા જુદા છે, પણ જીવ તો ક્યારનોય એક થઈ ગયો છે. જો તને કઈ થશે, તો હું ક્યાં જીવવાની છું? તો પછી અલગ અલગ મરવા કરતા, સાથે મરવું શું ખોટું?”
કાનજી જોઈ રહ્યો. આ છોકરીમાં ગીરની માટીનું ખમીર હતું.
“ચાલ હવે,” જીવીએ મશાલ ઊંચી કરી. “તારો કેસરી રાહ જુએ છે. અને યાદ રાખજે ગોવાળિયા, આજે તારી ડાંગ અને મારી ગોફણ... બેય સાથે મળીને કાળનો સામનો કરશે.”
કાનજીના શરીરમાં નવું જોમ આવ્યું. તેણે માથું હલાવ્યું.
“ચાલ.”
બે પડછાયા જંગલના અંધકારમાં ભળી ગયા. એક ડાંગ, એક મશાલ અને બે એકમેકમાં ભળેલા શ્વાસ.
સ્થળ: ગીદડ-નાળા પાસે, મંગલનો અડ્ડો
જંગલની વચ્ચે, જ્યાં મંગલે કેસરીને પકડ્યો હતો, ત્યાં હવે જીપની હેડલાઈટો ચાલુ હતી.
મંગલ અને તેના પાંચ સાગરીતો જીતનો જશ મનાવતા હતા. દારૂની બોટલો ખૂલી ગઈ હતી.
વચ્ચે એક મોટું, લોખંડનું પાંજરું પડ્યું હતું. અને એ પાંજરાની અંદર... ગીરનો રાજા, સોનેરી કેસરી બેભાન હાલતમાં પડ્યો હતો. તેના પગમાંથી લોહી નીકળતું હતું.
“જોયું?” મંગલે દારૂનો ઘૂંટડો ભરતા કહ્યું. “આખરે આ જંગલનો રાજા કોણ? હું! મંગલ!”
ત્યાં જ... અંધારામાંથી એક સણસણતો અવાજ આવ્યો.
સૂ...ઈ...ઈ...ઈ...
અને ધડામ!
એક અણીદાર પથ્થર સીધો આવીને મંગલના હાથમાં રહેલી દારૂની બોટલ પર વાગ્યો. કાચના ટુકડે-ટુકડા થઈ ગયા.
“કોણ છે?” બધા ગુંડાઓ ઉભા થઈ ગયા. બંદૂકો ઉંચી થઈ.
સામેના અંધકારમાંથી એક મશાલ પ્રગટી. આગના અજવાળામાં એક રૌદ્ર રૂપ દેખાયું.
કાનજી.
તેના હાથમાં ડાંગ હતી અને આંખોમાં મોત હતું. તેની પાછળ જીવી ઉભી હતી, જે ગોફણમાં બીજો પથ્થર ભરાવી રહી હતી.
“મંગલ!” કાનજીનો અવાજ ગીરના પથ્થરો ફાડી નાખે તેવો હતો. “મારા ભાઈને છોડી દે, નહીંતર આજે તારી સાત પેઢીને પાણી પાવા વાળું કોઈ નહીં બચે.”
મંગલ હસ્યો. “ઓહો! ભગતડો આવ્યો છે! અને સાથે પેલી નેસડાની પરી પણ છે! વાહ, એક કાંકરે બે શિકાર.”
મંગલે ઈશારો કર્યો. “પતાવી દ્યો બેયને.”
પાંચ ગુંડાઓ હથિયાર લઈને કાનજી તરફ દોડ્યા.
“જય મહાદેવ!”
કાનજીએ રણનાદ કર્યો. તેણે પોતાની ડાંગ હવામાં વીંઝી – ‘પવન વેગ’.
ડાંગનો અવાજ સૂ...સૂ... કરતો ગુંજ્યો. પહેલો ગુંડો નજીક આવ્યો અને કાનજીએ ડાંગનો છેડો તેના પેટમાં માર્યો. ટન... ગુંડો ત્યાં જ ઢગલો થઈ ગયો.
બીજો ગુંડો છરો લઈને આવ્યો. જીવીએ પાછળથી ગોફણ ફેરવી.
સૂ...ઈ...ઈ... ધડામ!
પથ્થર સીધો ગુંડાના કપાળે વાગ્યો. તે લોહીલુહાણ થઈને પડ્યો.
“શાબાશ જીવી!” કાનજીએ હસતા હસતા કહ્યું, પણ તેની નજર પાંજરા પર હતી.
હવે લડાઈ ભયાનક બની. કાનજી એકલો ત્રણ જણા સામે લડતો હતો. તેની ડાંગ વીજળીની જેમ ફરતી હતી. તેને પણ ઘા વાગ્યા હતા. એક છરો તેના બાવડા પર વાગ્યો, લોહી નીકળ્યું, પણ તેને દર્દનું ભાન નહોતું. તેના શરીરમાં જાણે ભૈરવ પ્રવેશી ગયા હતા.
મંગલ જોઈ રહ્યો હતો. તેને માન્યામાં નહોતું આવતું કે એક ગોવાળિયો આટલું ભયાનક લડી શકે.
“મરી જા!” મંગલે બંદૂક તાકી.
જીવી જોઈ ગઈ. “કાનજી! બંદૂક!”
જીવીએ પોતાની સળગતી મશાલ મંગલ તરફ ફેંકી. મશાલ મંગલના પગ પાસે પડી અને સૂકા ઘાસમાં આગ લાગી. મંગલ ગભરાઈને પાછો હટ્યો અને નિશાન ચૂકી ગયો. ગોળી હવામાં ગઈ.
કાનજીએ જોયું કે રસ્તો થોડો સાફ છે. તે ઘાયલ શરીરે, લથડતા પગે પાંજરા તરફ દોડ્યો.
કેસરી પાંજરામાં પડ્યો હતો. બહારના અવાજથી અને લોહીની ગંધથી તેની બેહોશી ઉડવા લાગી હતી. તેણે આંખો ખોલી. ઝાંખા અજવાળામાં તેણે કાનજીને જોયો.
“કેસરી...” કાનજી પાંજરાના સળિયા પકડીને રડી પડ્યો. “ઉઠ ભાઈ! ઉઠ! હું આવી ગયો છું!”
પાંજરાને મોટું તાળું મારેલું હતું. કાનજીએ પોતાની ડાંગ તાળા પર મારી. એક વાર... બે વાર... પણ તાળું તૂટતું નહોતું.
પાછળથી એક ગુંડાએ કાનજીના માથા પર સળિયો માર્યો.
ઠ...ક!
કાનજીનું માથું ફાટ્યું. લોહીની ધાર આંખમાં ઉતરી. તે ઘૂંટણિયે પડી ગયો. જીવીએ ચીસ પાડી – “કાનજી!”
ગુંડો બીજો ઘા કરવા ગયો.
ત્યાં જ... પાંજરાની અંદરથી એક પ્રચંડ, ધરતી હલાવી દે તેવી ગર્જના થઈ.
“હ્વૌઉઉઉઉ........!!!!”
પોતાના ભાઈબંધનું લોહી જોઈને, કેસરીની નસેનસમાં આગ લાગી ગઈ હતી. બેહોશીની દવા પણ આ ગુસ્સા સામે હારી ગઈ. કેસરી ઉભો થયો. તેણે પાંજરાના સળિયા પર પંજો માર્યો.
કાનજીએ ધૂંધળી આંખે જોયું. કેસરી જાગી ગયો હતો.
“હા કેસરી... હા!”
કાનજીએ પોતાની બચેલી-ખૂચેલી તાકાત ભેગી કરી. તેણે જમીન પરથી એક મોટો પથ્થર ઉપાડ્યો અને પાંજરાના તાળા પર માર્યો.
ખટાક!
તાળું તૂટી ગયું.
કાનજીએ દરવાજો ખોલી નાખ્યો.
“નીકળ! જંગલ તારું છે! નીકળ!”
અને લોખંડનો દરવાજો ખૂલતાની સાથે જ, એક સોનેરી વાવાઝોડું બહાર આવ્યું.
હવે મેદાનમાં માણસો નહોતા, હવે મેદાનમાં ‘મૃત્યુ’ હતું.
કેસરીએ એક તરાપ મારી અને પેલા સળિયા વાળા ગુંડાનું ગળું પકડી લીધું. એક જ ઝાટકે હાડકું તોડી નાખ્યું.
બાકીના ગુંડાઓ બંદૂક ફેંકીને ભાગ્યા. “ભાગો! સાવજ છૂટ્યો!”
મંગલ એકલો પડી ગયો. તે થથરતો હતો. આગની લપેટો વધી રહી હતી. એક બાજુ કાનજી લોહીલુહાણ હાલતમાં ડાંગ લઈને ઉભો હતો, અને બીજી બાજુ મોઢામાંથી લોહી ટપકાવતો કેસરી ઉભો હતો.
ડણક અને ડાંગ – બંને એકસાથે મંગલની સામે હતા.
“હવે ક્યાં જઈશ મંગલ?” કાનજીનો અવાજ શાંત પણ ભયાનક હતો. “આજે તારો હિસાબ અહીં જ થશે.”
મંગલે પાછળ જોયું. પાછળ આગ હતી. આગળ મોત હતું.
તેણે પોતાની કમર પાછળ છુપાવેલી નાની પિસ્તોલ કાઢવા હાથ લંબાવ્યો. આ એનો છેલ્લો દાવ હતો.
કેસરીની નજર મંગલના હાથ પર હતી.
શું મંગલ ગોળી ચલાવી શકશે? કે પછી કેસરીનો પંજો પહેલા પડશે?
જંગલની આ મસાણી રાત હવે લોહી માંગતી હતી. એક મોટું બલિદાન લેવાઈ રહ્યું હતું.
(ક્રમશ: ભાગ-૧૧ માં જુઓ – છેલ્લો દાવ અને લોહીનું તિલક)