" ખડૂસ દાદાની મુલાકાત "
આગળના ભાગમાં તમે જોયું તેમ આ સંપૂર્ણ વાર્તા જે. બી શાહ માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળા ઉપર રચાયેલી છે. જેના મુખ્ય પાત્રોમાં શિવાંશા, કાર્તિક, રેયાંશ, હિરવા અને પાર્થ નો સમાવેશ થાય છે.
આગળ જોયું તેમાં શિવાંશા, કાર્તિક, હિરવા અને રેયાંશ શાળાના પહેલા દિવસે મોડા પડી જાય છે. જેથી સજાનાં ભાગરૂપે ચારેયને શાળાના ગેટ પાસે મોડા આવનાર વિદ્યાર્થીઓની નોંધ રાખવાની રહેશે. ત્યારબાદ તેઓ પોતાના કલાસરૂમ તરફ જવા માંડે છે.
પાર્થના ગયા બાદ આ ચારેય પણ પોતાના કલાસરૂમ જાણવા માટે નોટિસ બોર્ડ તરફ જવા લાગે છે. શિવાંશા તો મનોમન વિચારવા લાગે છે કે હું કોઇ અજાણ્યી વ્યક્તિ સામે પાર્થની સાથે કેવી રીતે લડી શકું? ઈ મારા વિશે શું વિચાર કરતો હશે કે આ કેટલી બધી ઝઘડાળુ છે. મે એનો સરખો આભાર પણ વ્યકત કર્યો નથી. આજે એણે મારી બે વખત મદદ કરી છે.
આ વિચારો સાથે શિવાંશા બધા કરતાં વધારે પાછળ ચાલતી હતી. ત્યારે હિરવાની નજર પડતાં જ તે શિવાંશાને પૂછે છે શું થયું? મેડમ આજે કેમ ગુમસુમ છો? ત્યારે રેયાંશ બંને પાસે આવીને કહે છે આપણે છેલ્લી 15 -20 મિનિટથી સાથે છીએ પરંતુ આપણે એકબીજાના નામ ઓળખતા નથી. ચાલો આપણે પહેલા એકબીજાનો પરિચય મેળવી લઈએ. તેના માટે બધા માની જાય છે.મારું નામ રેયાંશ ભટ્ટ છે, મારું નામ કાર્તિક પટેલ છે અને હું અને રેયાંશ બાળપણથી સાથે જ ભણીએ છીએ. મારું નામ હિરવા જોશી છે.મારું નામ શિવાંશા શાહ છે. અમે બંને પણ બાળપણથી સાથે જ ભણતા આવીએ છીએ.અને જે આપણને મેદાનમાં મળ્યો તે મારો ભાઈ પાર્થ શાહ છે.
રેયાંશ હિરવા અને શિવાંશા પૂછે છે તમે બંને કયાં ધોરણમાં ભણો છો? હિરવા જવાબ આપે છે કે અમે બંને 11 કોમર્સની વિદ્યાર્થી છીએ. રેયાંશ બોલે છે અમે બંને પણ સાથે જ છીએ. ત્યારે શિવાંશા કહે છે કે જલ્દી કરો! આજે આપણે બધા પહેલાથી જ મોડા પડી ગયા છે અને આપણને પેલા ખડૂસ દાદાએ જોઈ લીધા તો રામ નામ સત્ય જ છે આપણા.
ખડૂસ દાદા નામ સાંભળતાં જ ત્રણેય ચોંકી ઉઠે છે અને પૂછે છે આ ખડૂસ દાદા એ કોણ છે વળી? આ વખતે તો કાર્તિક પણ ઉત્સુક છે. શિવાંશા બોલે છે અરે યાર! ભૂલી ગયા મારો ભાઈ આ સ્કૂલમાં પહેલાથી ભણે છે અને એણે મને આ સ્કૂલ વિશે બધી માહિતી આપેલી છે. ખડૂસ દાદા એટલે કે. પી સર બીજું કોણ?
હવે હિરવા બધાને કહે છે. જલ્દી.. જલ્દી . ત્યાર બાદ બધા ભાગીને નોટિસ બોર્ડ તરફ પોતાના કલાસરૂમની જાણકારી મેળવવા જાય છે. નોટિસ બોર્ડ તરફ પહોંચીને પોતપોતાના કલાસરૂમ શોધવા લાગે છે.
તે સમયે અચાનક શિવાંશા અને કાર્તિકના હાથની આંગળીઓનો એકબીજાને સ્પર્શ થઈ જાય છે. કાર્તિક તરત જ પોતાનો હાથ ખેંચી લે છે. શિવાંશા તો શરમથી લાલ થઈ જાય છે. તે કંઈ વિચારી શકતી નથી. ત્યાર બાદ શિવાંશા પણ પોતાનો હાથ લઈ લે છે. ત્યારે હિરવા જોરથી ચિલ્લાવે છે. વાવ! શિવાંશા આપણે બંને એક જ ક્લાસરૂમમાં છીએ. આપણે બંને 11 - 2 ના કલાસમાં છીએ. ત્યારે શિવાંશા કાર્તિકને પૂછે છે. તમે બંને કયાં કલાસરૂમમાં છો? તો રેયાંશ બોલે છે કે અમે બંને પણ 11-2 ના કલાસમાં સાથે જ છીએ.
ત્યારે હિરવા કહે છે. આ શું ચાલી રહ્યું છે? સવારથી તમે બંને અમારી સાથે જ છો? આ તમારી કોઈ મસ્તી તો નથી ને નહિતર મારે પ્રિન્સીપલ સરનો સંપર્ક કરવો પડશે. સવારના મળ્યા છો ત્યારથી ગરોળીની જેમ ચોંટી ગયા છો.
રેયાંશ ચિડાઈને પૂછે છે આ તું ગરોળી કોને કહે છે? ખિસકોલીની જેમ તો તું ચોંટી ગઈ છે. જયારથી સવારમાં તારું સડેલું ડાચું જોયું છે. ત્યારથી દિવસ ખરાબ જઈ રહ્યો છે.
શિવાંશા અને કાર્તિક બંને હિરવા અને રેયાંશને શાંત કરે છે અને જલદી કલાસમાં જવાનું નક્કી કરે છે. પરંતુ કોઈને પણ કલાસરૂમ વિશેની માહિતી ન હતી. હિરવા અને રેયાંશને લાગે છે કલાસરૂમ જમણી બાજુએ હશે. પરંતુ શિવાંશાને કહે છે મને એવું નથી લાગતું? કારણ કે મારો ભાઈ જમણી બાજુએ ગયો હતો અને તે 12માં ધોરણમાં ભણે છે. કાર્તિક પણ શિવાંશાની વાતથી સંમત થાય છે.
અહીં દરેકને પોતાની વાત સાચી લાગતી હોવાથી કાર્તિક કહે છે. હું અને શિવાંશા ડાબી બાજુ અને તમે બંને જમણી બાજુએ જાઓ અને જેને પહેલાં કલાસરૂમ મળે તે મેસેજ કરી દેજો.
હિરવા અને રેયાંશ બંને એકબીજા સાથે ઝઘડો કરતાં કરતાં જાય છે. હિરવા તો આખા રસ્તે બડબડ કરતી જાય છે આખી સ્કૂલમાં કોઈ પટ્ટાવાળા માસી કે કાકા કોઈ વ્યક્તિ નથી? કેવી ભંગાર સ્કૂલ છે. કેવા જંગલી જાનવર, ગધેડાઓ અને રાક્ષસોને એડમિશન આપી દેય છે. આ સાંભળતા જ રેયાંશ ચિડાઈને બોલે છે કેવી સ્કૂલ છે? થોડાક પૈસા માટે ખિસકોલીઓને પણ એડમિશન આપી દેય છે? છી... છી.. ઘોર કળિયુગ. બંને એકબીજા સામું જોઈને મોઢું ફેરવી લે છે.
બીજી બાજુ શિવાંશા અને કાર્તિક બંને ગુમસુમ ચાલી રહ્યાં હતાં. શિવાંશા મનમાં વિચારે છે કે કઈ રીતે કાર્તિક જોડે વાત કરું. ત્યારે શિવાંશા કાર્તિકને સવારમાં મદદ કરવા માટેThank you કહે છે. ત્યારે હું સારી રીતે બોલી શકી ન હતી અને અત્યારે પણ મદદ કરવા માટે Thank you.
કાર્તિક કહે છે કંઈ વાંધો નહીં. It's okay. શિવાંશાને હવે વાત ચાલુ કરવા માટે સારો સમય મળી ગયો હતો. શિવાંશા કાર્તિકને બીજો કોઈ સવાલ પૂછે કે પાછળથી કે. પી સરની એન્ટ્રી થાય છે.
" ભાગ 3 ચાલુ રહેશે. "