corporate check mate in Gujarati Moral Stories by Rupen Patel books and stories PDF | કોર્પોરેટ ચેક મેટ

Featured Books
Categories
Share

કોર્પોરેટ ચેક મેટ

મુંબઈની જાણીતી ફાઈનાન્સ કંપની 'મેટ્રિક્સ ગ્લોબલ'ની કોર્પોરેટ ઓફિસના કાચના કેબિનમાં મેનેજિંગ ડિરેક્ટર કિશોર મહેતા બેઠા હતા. તેમની ઉંમર ૫૨ વર્ષની હતી, પણ બિઝનેસ જગતમાં તેમનો દબદબો અને કડક મિજાજ અકબંધ હતો. બરાબર ત્યારે જ ૨૬ વર્ષની વર્ષા ઇન્ટરવ્યુ આપવા માટે કેબિનમાં પ્રવેશી. તેની આંખોમાં આત્મવિશ્વાસ, હોંશિયારી અને ચહેરા પર એક અદભુત આકર્ષણ હતું.કિશોરે તેની ફાઈલ જોઈ અને પછી વર્ષાની આંખોમાં આંખો પરોવીને પૂછ્યું, "વર્ષા, આ પોસ્ટ માટે ઘણા અનુભવી લોકો લાઈનમાં છે. હું તને શા માટે રાખું?"વર્ષાએ સહેજ સ્મિત સાથે જવાબ આપ્યો, "સર, અનુભવ સમય સાથે આવે છે, પણ વફાદારી અને સ્માર્ટ વર્ક એ માણસની આદત હોય છે. તમે મને તક આપશો, તો નિરાશ નહીં થાઓ."કિશોર તેના રૂપ અને જવાબ આપવાની શૈલી પર મોહિત થઈ ગયા. તેમણે તેને તરત જ હાયર કરી લીધી. વર્ષા કામમાં ખૂબ જ તેજસ્વી નીકળી, પણ કિશોરનો રસ માત્ર તેના કામ પૂરતો સીમિત નહોતો. વર્ષાના રૂપના મોહમાં આવીને કિશોરે કંપનીના જૂના નિયમો બાજુ પર મૂકી દીધા. માત્ર બે જ વર્ષમાં ઓફિસના વરિષ્ઠ અધિકારીઓને પાછળ છોડીને વર્ષાને ગુપ્ત રીતે સીધી 'ટોપ એક્ઝિક્યુટિવ'ની પોસ્ટ આપી દેવામાં આવી.એક રાત્રે લેટ ઓફિસ વર્ક દરમિયાન કિશોરે વર્ષાની નજીક આવીને તેનો હાથ પકડ્યો અને કહ્યું, "વર્ષા, આ કંપનીમાં તારું સ્થાન સૌથી ઉપર છે, કારણ કે મારા દિલમાં પણ તારું સ્થાન સૌથી અલગ છે."વર્ષા માટે કિશોર માત્ર બોસ નહોતા, પણ એક પાવરફુલ મેન્ટોર હતા. કિશોરની મેચ્યોરિટી અને લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ જોઈને વર્ષા પણ તેમના પ્રેમમાં પડી ગઈ. તેણે કિશોરનો હાથ પકડીને કહ્યું, "સર... કિશોર, હું આ પદ અને તમારા પ્રેમ બંનેની ગરિમા જાળવીશ."દુનિયા અને ઓફિસના સ્ટાફથી બચીને, બંને વચ્ચે એક ખાનગી અને અત્યંત ગાઢ સંબંધ શરૂ થયો. ઉંમરમાં કિશોર તેના કરતાં બમણા મોટા હતા, છતાં વર્ષાને તે સંબંધમાં એક આર્થિક સુરક્ષા અને સન્માનનો અહેસાસ થતો હતો.સમય ક્યારેય એકસરખો નથી રહેતો. પાંચ વર્ષ વહી ગયા. વર્ષા હવે ૩૧ વર્ષની એક પરિપક્વ, આત્મનિર્ભર અને અત્યંત સુંદર સ્ત્રી બની ચૂકી હતી. કંપનીનો અડધો કાર્યભાર હવે તેના હાથમાં હતો. બીજી તરફ, કિશોરની ઉંમર હવે ૫૭ પર પહોંચી હતી. સતત વર્કસ્ટ્રેસ અને બદલાતી લાઈફસ્ટાઈલના કારણે તેમની તબિયત બગડવા લાગી. તેમને ડાયાબિટીસ અને હાર્ટની તકલીફ થઈ ગઈ, જેના કારણે તેઓ અવારનવાર બીમાર રહેવા લાગ્યા.હવે કિશોર પહેલા જેવા ઊર્જાવાન અને આકર્ષક નહોતા રહ્યા. એક દિવસ ઓફિસમાં વર્ષા ફાઈલ સાઈન કરાવવા ગઈ, ત્યારે કિશોર હાંફતા હાંફતા બોલ્યા, "વર્ષા, હવે મારાથી આટલું કામ નથી થતું. તું જ બધું સંભાળી લે. સાંજે આપણે ક્યાંક બહાર જઈએ?"વર્ષાએ ફાઈલ લેતા સહેજ પાછળ હટીને કહ્યું, "કિશોર, ડૉક્ટરે તમને આરામ કરવા કહ્યું છે. અને સાંજે મારે એક ઈમ્પોર્ટન્ટ ક્લાયન્ટ મીટિંગ છે,તો હુ નહીં આવી શકું."કિશોરની શારીરિક નબળાઈ અને બદલાતા સ્વભાવને કારણે વર્ષાનું તેમના પ્રત્યેનું આકર્ષણ ધીમે-ધીમે ઘટી ગયું હતું. સંબંધોમાં એક પ્રકારની નીરસતા અને માનસિક દૂરી આવી ગઈ હતી. વર્ષા કિશોરનો આદર કરતી હતી, પણ તેના મનની શારીરિક અને ભાવનાત્મક ભૂખ હવે અધૂરી રહેવા લાગી હતી. તે એકલતા અનુભવતી હતી.બરાબર આ જ સમયે કંપનીમાં 'અનુજ' નામના 22 વર્ષના યુવાનની આસિસ્ટન્ટ મેનેજર તરીકે એન્ટ્રી થઈ. અનુજ ઉંમરમાં વર્ષા કરતાં ઘણો નાનો હતો, પણ તે અત્યંત મહત્વાકાંક્ષી, હેન્ડસમ અને આધુનિક વિચારો ધરાવતો હતો. તે જાણી ગયો હતો કે મેટ્રિક્સ ગ્લોબલમાં જો રાતોરાત સફળ થવું હોય, તો કિશોર મહેતા કરતાં વર્ષાની નજીક જવું વધુ ફાયદાકારક રહેશે.અનુજે વર્ષાની એકલતા અને તેની સત્તાને પારખી લીધી. એક દિવસ ઓફિસ પૂરી થયા પછી, અનુજ વર્ષાના કેબિનમાં એક પ્રોજેક્ટ ફાઈલ લઈને ગયો. ફાઈલ આપતી વખતે તેની આંગળીઓ વર્ષાના હાથને સ્પર્શી ગઈ. અનુજે માફી માગવાના બદલે વર્ષાની આંખોમાં જોઈને ધીમા અવાજે કહ્યું, "મેમ, તમે આખી કંપનીનું ધ્યાન રાખો છો, પણ તમારું ધ્યાન રાખવા વાળું કોઈ નથી. યુ લુક સો સ્ટ્રેસ્ડ એન્ડ... બ્યુટીફુલ."વર્ષા ચમકી, પણ તેના મનમાં લાંબા સમયથી ચાલી રહેલી નીરસતા પર આ વાક્યે એક જાદુઈ અસર કરી. અનુજની યુવાની અને ઉત્સાહ તરફ તે ખેંચાતી ગઈ. અનુજ પોતાના પ્રમોશન અને કરિયરમાં શોર્ટકટ મેળવવા માટે વર્ષા સાથે શારીરિક સંબંધ બાંધવા તૈયાર હતો, અને વર્ષા પોતાની અધૂરી ઈચ્છાઓ પૂરી કરવા તેની તરફ વળી ગઈ.હવે ઓફિસના બંધ દરવાજા પાછળ વર્ષા અને અનુજ કલાકો વિતાવતા. વર્ષાએ અનુજને રાતોરાત સિનિયર મેનેજર બનાવી દીધો. ઇતિહાસે પોતાની જાતને દોહરાવી હતી, બસ પાત્રો બદલાયા હતા.વર્ષા હવે ભયંકર અપરાધભાવ માં જીવતી હતી. એકતરફ કિશોરનો તેના પરનો અંધવિશ્વાસ હતો, જેમણે તેને શૂન્યમાંથી ટોચ પર પહોંચાડી હતી; અને બીજી તરફ અનુજ પ્રત્યેનું પાગલપન હતું.એક સાંજે, કિશોરની તબિયત વધુ બગડી હોવાથી તેઓ ઓફિસે નહોતા આવ્યા. વર્ષા અને અનુજ ઓફિસના ટોપ ફ્લોર પર આવેલા પ્રાઈવેટ રેસ્ટરૂમમાં સાથે હતા. બંને એકબીજાના આલિંગનમાં હતા, ત્યારે જ રૂમનો દરવાજો ધીમેથી ખૂલ્યો.સામે વ્હીલચેર પર કિશોર મહેતા બેઠા હતા. તેમના ચહેરા પર ન તો ગુસ્સો હતો, ન તો આશ્ચર્ય. માત્ર એક ભેદી સ્મિત હતું.વર્ષા ગભરાઈ ગઈ અને અનુજથી અળગી થઈને ધ્રુજતા અવાજે બોલી, "કિશોર... તમે? આ... આ તમે જે જુઓ છો એવું કંઈ નથી..."કિશોરે શાંતિથી વ્હીલચેર આગળ વધારી અને અનુજ તરફ જોયું. અનુજના ચહેરા પર ડરના બદલે એક વિચિત્ર આત્મવિશ્વાસ હતો.કિશોરે હસીને કહ્યું, "વર્ષા, તને શું લાગ્યું કે તું મને છેતરી રહી છે? તું ભૂલી ગઈ કે તને આ કોર્પોરેટ ગેમ મેં જ શીખવાડી છે."વર્ષા કશું સમજી ન શકી, "એટલે?"કિશોરે ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો અને વર્ષા તરફ ફેંકતા કહ્યું, "આ અનુજ મારો સગો ભત્રીજો (મારા મોટા ભાઈનો દીકરો) છે. જ્યારે મને ખબર પડી કે મારી તબિયત લથડી રહી છે અને તું મારાથી દૂર જઈને કંપની પર કબજો કરવા માંગે છે, ત્યારે મેં જ અનુજને લંડનથી બોલાવીને આ કંપનીમાં મોકલ્યો હતો."વર્ષાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે ફાટી આંખે ક્યારેક કિશોર તો ક્યારેક અનુજ તરફ જોવા લાગી.અનુજે વર્ષાની નજીક જઈને તેનો હાથ છોડાવ્યો અને કિશોરની બાજુમાં ઊભો રહીને બોલ્યો, "સોરી વર્ષા મેમ. મેં તમારી સાથે જે સંબંધ બનાવ્યો, એ માત્ર કાકાના કહેવાથી અને તમારી સહીઓ મેળવવા માટે જ બનાવ્યો હતો. તમે લસ્ટ અને ઈમોશનમાં એટલા આંધળા થઈ ગયા કે પ્રમોશન આપતી વખતે તમે જે પાવર ઓફ એટર્ની અને શૅર ટ્રાન્સફરના પેપર્સ સાઈન કર્યા, એ બધામાં કંપનીની માલિકી મારા અને કાકાના નામે ટ્રાન્સફર થઈ ગઈ છે."કિશોરે વ્હીલચેર ફેરવી અને ઠંડા અવાજે છેલ્લો વાર કર્યો, "મેં તને રૂપ અને હોંશિયારી જોઈને ટોપ પર બેસાડી હતી વર્ષા, પણ તેં સત્તા માટે વફાદારી વેચી દીધી. તારો ખાનગી સંબંધ હવે પૂરો થાય છે, અને આ કંપની સાથેનો તારો કોન્ટ્રેક્ટ પણ. યુ આર ફાયર્ડ!"વર્ષા જે કેબિનમાં ક્યારેક રાણીની જેમ રાજ કરતી હતી, આજે તે જ કેબિનમાં સત્તા, સંપત્તિ અને પ્રેમ... બધું જ ગુમાવીને એકલી, લાચાર અને શૂન્ય થઈને ઊભી હતી. કરિયરના જે શોર્ટકટથી તેણે શરૂઆત કરી હતી, એ જ શોર્ટકટે આજે તેને રસ્તા પર લાવી દીધી હતી.