અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે ઘેરાયેલું ભિલોડા ગામ ચોમાસાની ઋતુમાં જીવંત થઈ ઉઠતું. ચારેય તરફ પહાડો પર લીલીછમ ચાદર પથરાઈ જતી અને ભવનાથ મહાદેવના મંદિરની આસપાસનો વિસ્તાર પવિત્ર અને આહલાદક સુગંધથી ભરાઈ જતો. ગામનો સીધો-સાદો યુવાન કબીર, જેના હાથમાં હંમેશાં કેમેરો રહેતો, પ્રકૃતિના આ અદ્ભુત રૂપોને કંડારવામાં પરોવાયેલો રહેતો. એ જ ગામની ચંચળ અને સપનાઓથી ભરેલી આંખોવાળી છોકરી એટલે ઈશા.
શ્રાવણ માસના એક સોમવારે ભવનાથ મંદિરે ભક્તોની ભારે ભીડ હતી. શંખનાદ અને ડમરુના અવાજ વચ્ચે મંદિરમાં જલાભિષેક કરતી વખતે ઈશાની આંખો કબીર સાથે મળી. એ જ દિવસે સાંજે, જ્યારે ઈશા ભવનાથ નજીક આવેલા ગુપ્ત વોટરફોલ (ઝરણા) પાસે સહેલીઓ સાથે ફરવા ગઈ, ત્યારે કબીર ત્યાં પહાડો પાછળ ઢળતા સૂરજના ફોટા પાડી રહ્યો હતો. ઝરણાના ખળખળ વહેતા પાણી વચ્ચે કબીરે હિંમત કરીને પૂછ્યું, "તમે સવારે ભવનાથ મંદિરમાં હતા ને?" ઈશાએ સહેજ શરમાઈને હકારમાં માથું હલાવ્યું. એ હરિયાળી ખીણો અને ઠંડી હવા સાક્ષી બન્યા બંને વચ્ચે શરૂ થયેલી અણમોલ દોસ્તીના, જે ધીમે-ધીમે પ્રેમમાં બદલાઈ ગઈ. રોજ સાંજે હિંમતનગર-ભિલોડા રોડ પર આવેલા હરિયાળા ખેતરો વચ્ચે કબીર ઈશાને બાઇક પર ફેરવતો અને બંને ભવિષ્યના સપના જોતા.
પણ સમય એકસરખો નથી રહેતો. ઈશાને ઉચ્ચ અભ્યાસ માટે અમદાવાદ જેવા મોટા શહેરમાં જવાનું થયું. શરૂઆતમાં તે રોજ રાત્રે કબીર સાથે કલાકો સુધી ફોન પર વાત કરતી, ભિલોડાની પહાડીઓને યાદ કરીને રડતી. પણ ધીમે-ધીમે શહેરની ઝાકઝમાળ, મોર્ડન લાઈફસ્ટાઈલ અને ઊંચી ઈમારતોએ તેના પર જાદુ કરી દીધો.
તેની મુલાકાત રોહન સાથે થઈ—એક અમીર, અત્યંત સ્માર્ટ અને લક્ઝુરિયસ લાઈફ જીવતો સિટી બોય. રોહન તેને મોંઘી કાફેમાં લઈ જતો, પબ અને ક્લબની દુનિયા બતાવતો. ઈશાનો પહેરવેશ, બોલવાની રીત બધું જ બદલાઈ ગયું.
ગામડાનો સીધો-સાદો કબીર હવે તેને ઓછો ભણેલો અને 'બેકવર્ડ' લાગવા માંડ્યો હતો.
એક દિવસ જ્યારે કબીરે ફોન કર્યો ત્યારે ઈશાએ કડક અવાજે કહ્યું, "કબીર, તું પ્લીઝ મને વારંવાર ફોન ન કર. તારી અને મારી લાઈફમાં હવે બહુ મોટો તફાવત છે. તું ભિલોડાના પહાડોમાં જ ખુશ છે, હું નહીં."
કબીરનું દિલ તૂટી ગયું, પણ તેનો પ્રેમ સાચો હતો, એટલે તેણે જીદ ન કરી. આ તરફ રોહને ઈશાને પોતાના પ્રેમની જાળમાં પૂરી રીતે ફસાવી દીધી હતી. સ્ટોરી હવે એક રહસ્યમય પ્રેમ ત્રિકોણમાં ફેરવાઈ ગઈ હતી.
પરંતુ રોહન જે દેખાતો હતો તેવો નહોતો. ઈશા માટે એ સપનું બહુ જલ્દી એક ભયાનક દૂઃસ્વપ્ન બની ગયું. રોહને માત્ર ઈશાનો વિશ્વાસ જ નહોતો તોડ્યો, પણ પ્રેમનો પાવન આંચળો ઓઢીને તેનું શારીરિક અને માનસિક શોષણ કરવાનું શરૂ કરી દીધું.
એક રાત્રે જ્યારે ઈશાએ લગ્નની વાત કરી, ત્યારે રોહન ક્રૂરતાથી હસી પડ્યો, "લગ્ન? તારા જેવી ગામડાની છોકરી સાથે? આઈ જસ્ટ યુઝ્ડ યુ, ઈશા!" રોહને તેને બ્લેકમેલ કરી રસ્તા પર ફેંકી દીધી. ઈશા સંપૂર્ણપણે ભાંગી પડી, તેને થયું કે હવે જીવવાનો કોઈ ફાયદો નથી. પણ વિનાશના આ કિનારે ઉભેલી ઈશાના હાથમાં એક દિવસ રોહનનું જૂનું લેપટોપ અને ડાયરી આવી ગયા, જે રોહન ભૂલથી તેના ફ્લેટ પર ભૂલી ગયો હતો. તે ફાઈલો ખોલતાં જ ઈશાના રૂંવાડા ઉભા થઈ ગયા. રોહને આ પહેલાં પણ ત્રણ માસૂમ છોકરીઓને પોતાના પ્રેમની જાળમાં ફસાવી, તેમનું શારીરિક શોષણ કરી, અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેલ કરી હતી, જેના કારણે તે ત્રણેય છોકરીઓએ આત્મહત્યા કરી લીધી હતી.
રોહન કોઈ સામાન્ય માણસ નહોતો, તે એક સાયકોપેથ હતો જે કાયદાની આંખમાં ધૂળ નાખીને છોકરીઓનો શિકાર કરતો હતો. ઈશાની આંખોમાં હવે આંસુની જગ્યાએ અંગારા હતા. તેણે મનોમન નક્કી કર્યું, 'જો હું પોલીસ પાસે જઈશ તો તે પોતાના પૈસા અને વકીલોના જોરે બચી જશે. આ નરાધમને તેના પાપોની આખરી સજા મારે જ આપવી પડશે.'
ઈશાએ અત્યંત ઠંડા કલેજે એક પ્લાન બનાવ્યો. તેણે રોહનને ફોન કર્યો અને ખૂબ જ શાંત અવાજે કહ્યું, "રોહન, હું તારી બધી શરતો માનવા તૈયાર છું. મારી પાસે તારો એક કિંમતી સામાન છે, જે હું તને પાછો આપવા માંગુ છું. છેલ્લી વાર આપણે ક્યાંક દૂર મળીએ? ભિલોડાના ભવનાથ મંદિર પાસે જે ગુપ્ત વોટરફોલ છે ત્યાં... કોઈને ખબર ન પડે એ રીતે." રોહનની અંદરનો શિકારી ફરી જાગ્યો, તેને લાગ્યું કે ઈશા ડરી ગઈ છે.
ચોમાસાની એ કાળી, બિહામણી રાત હતી. આકાશમાં વીજળીના કડાકા થઈ રહ્યા હતા અને ભિલોડાની અવાવરુ પહાડીઓ સન્નાટામાં ડૂબેલી હતી. રોહન પોતાની મોંઘી કાર લઈને ત્યાં પહોંચ્યો. ઈશા કારની અંદર જ બેઠી હતી. રોહન કારમાં બેસતા જ બોલ્યો, "તો આખરે તને સમજાઈ ગયું કે મારી સામે નમ્યા વગર છૂટકો નથી."
ઈશાએ કશું જ બોલ્યા વગર બે ગ્લાસમાં ડ્રિન્ક રેડ્યું. તેણે ખૂબ જ ચાલાકીથી રોહનના ગ્લાસમાં એક અત્યંત ઝેરી કેમિકલ ભેળવી દીધું હતું, જે તે શહેરની લેબમાંથી લાવી હતી.
ઈશાએ ગ્લાસ લંબાવતા કહ્યું, "આ આપણી આખરી મુલાકાત માટે." રોહને હસતા હસતા આખરી ઘૂંટ ભરી લીધો.
થોડી જ મિનિટોમાં રોહનનો ચહેરો ફિક્કો પડવા લાગ્યો. તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. તે ગળું પકડીને તરફડવા લાગ્યો, "ઈશા... આ... આ શું છે? તે શું કર્યું?"
ઈશાની આંખોમાં કોઈ દયા નહોતી, તેણે રોહનના વાળ પકડીને ચહેરો નજીક લાવીને ઝનૂનથી કહ્યું, "આ એ બધી માસૂમ છોકરીઓની આત્માઓનો ન્યાય છે, જેમને તે મોત તરફ ધકેલી હતી. તારો ખેલ પૂરો થયો, રોહન!" થોડી જ ક્ષણોમાં રોહનનું શબ કારની સીટ પર ઢળી પડ્યું.
રોહનની લાશને જોઈને ઈશાનો ગુસ્સો ધીમે-ધીમે શાંત થયો, અને ગુસ્સો શાંત થતાં જ ભયાનક સન્નાટો તેને ઘેરવા લાગ્યો. તેને ભાન થયું કે તેણે એક માણસની હત્યા કરી નાખી છે. કાયદાનો ડર, જેલની કોટડી અને બદનામીના વિચારોથી તેનું મગજ ફાટવા લાગ્યું. તે ધોધમાર વરસાદમાં કારની બહાર નીકળીને ઘૂંટણિયે બેસી ગઈ અને જોરજોરથી રડવા લાગી. આ અંધારી અને રહસ્યમય રાત્રે તેને માત્ર એક જ ચહેરો યાદ આવ્યો—કબીર.
તેણે ધ્રુજતા હાથે કબીરને ફોન કર્યો, "કબીર... પ્લીઝ ભવનાથની પહાડીઓ પાસે જે વોટરફોલ છે ત્યાં જલ્દી આય... હું બરબાદ થઈ ગઈ છું, કબીર!" કબીર કશું જ પૂછ્યા વગર અડધી રાત્રે બાઇક લઈને ત્યાં પહોંચી ગયો. કબીરે જોયું કે ઈશા વરસાદમાં ભીંજાતી ધ્રુજી રહી હતી અને કારમાં રોહનની લાશ હતી. ઈશાએ રડતા રડતા કબીરના પગ પકડી લીધા, "કબીર, આ માણસ રાક્ષસ હતો. તેણે ઘણી છોકરીઓનો જીવ લીધો હતો. મેં તેને મારી નાખ્યો... પ્લીઝ મને બચાવી લે, હું જેલમાં જવા નથી માંગતી."
કબીર સ્તબ્ધ થઈ ગયો. પણ તેની સામે ઉભેલી છોકરી તેનો પહેલો અને આખરી પ્રેમ હતી. તે ઈશાને કાયદાના સિંજામાં સડવા નહોતો દેવા માંગતો. કબીર એક વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર હોવાથી ભિલોડાના ખૂણે-ખૂણાથી, ગીચ જંગલોથી, ઊંડી ગુફાઓ અને અવાવરુ પહાડોથી ખૂબ સારી રીતે વાકેફ હતો. તેનો કેમેરો જે રસ્તાઓ શોધતો, આજે એ જ ભૌગોલિક જ્ઞાન એક લાશને સગેવગે કરવા માટે કામ આવવાનું હતું.
તેનું મગજ ક્રાઈમ વેબ સિરીઝના આઈડિયા પર દોડવા લાગ્યુ. તેણે ઈશાના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, "ઈશા, શાંત થઈ જા. રડવાનું બંધ કર. હવે હું જે કહું એ બરાબર સાંભળ. આપણે આ લાશને નહીં, પણ આખા રોહનને જ આ દુનિયામાંથી ગાયબ કરવાનો છે... 'ધ પરફેક્ટ ડિસએપિયરન્સ'."
કબીરે પ્લાન અમલમાં મૂક્યો. સૌપ્રથમ તેણે રોહનનો મોબાઈલ લીધો. રોહનના ફોનમાંથી તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલ્યું અને મુંબઈ તરફ જતા હાઈવેનું લોકેશન ટેગ કરીને સ્ટેટસ અપડેટ કર્યું—'રોડ ટ્રીપ ટુ બોમ્બે'.
કબીર અને ઈશાએ મળીને રોહનની લાશને કારમાંથી બહાર કાઢી. કબીરે પોતાની વાઇલ્ડલાઇફ ટ્રેકિંગની મજબૂત દોરીઓ અને પહાડી ભારે પથ્થરોની મદદથી લાશને એવી રીતે બાંધી દીધી કે તે ક્યારેય ઉપર ન આવી શકે. ભવનાથ મંદિરની પાછળ આવેલી અતિશય ઊંડી, અવાવરુ અને કાદવવાળી ગુપ્ત ખીણમાં તેમણે લાશને ફેંકી દીધી. ચોમાસાના ધસમસતા પાણી અને કાદવમાં તે લાશ હંમેશ માટે ગર્ભમાં સમાઈ ગઈ.
હવે વારો હતો કારનો. કબીર પોતે રોહનની મોંઘી લક્ઝરી કારમાં બેઠો અને સ્ટીયરિંગ સંભાળ્યું. તે રાતોરાત કાર જાતે ચલાવીને ભિલોડાથી નીકળી સીધો બોમ્બે હાઈવે પર પહોંચ્યો. હાઈવે પર એક સીસીટીવી કેમેરાથી દૂર અવાવરુ કટ પાસે તેણે કારને લૉક કરી બિનવારસી હાલતમાં મૂકી દીધી, જેથી પોલીસ લોકેશન અને કારના આધારે એ જ માને કે રોહન મુંબઈ ભાગી ગયો છે અથવા ત્યાંથી ગાયબ થયો છે. બધું જ આયોજનપૂર્વક પૂરું કરીને કબીર ખાનગી ટ્રાવેલ્સ બદલતો બદલતો પાછો ભિલોડા ફર્યો.
કબીર જ્યારે ભિલોડાની એ જ પહાડીઓ પર પાછો ફર્યો, ત્યારે ઈશા ત્યાં જ તેની રાહ જોતી હતી. કબીરનો થાકેલો ચહેરો અને તેની આંખોમાં ઈશા માટેનો એ જ જૂનો, પવિત્ર અને અડગ પ્રેમ જોઈને ઈશાના આંસુ રોકાયા નહીં. જે હાથને તે ક્યારેય 'ગામડાનો' કહીને છોડી ગઈ હતી, આજે એ જ હાથે તેને નવું જીવન આપ્યું હતું. ઈશા દોડીને કબીરને વળગી પડી અને તેના પ્રેમનો સ્વીકાર કરતા બોલી, "કબીર, શહેરની ઝાકઝમાળમાં હું આંધળી થઈ ગઈ હતી, પણ સાચો પ્રેમ શું છે એ મને આજે તેં સમજાવ્યું. હવે હું તને ક્યારેય છોડીને નહીં જાઉં." કબીરે તેને પોતાની બાહોમાં ભરી લીધી. ભવનાથ મહાદેવના સાનિધ્યમાં બંને હંમેશ માટે એક થઈ ગયા.
દિવસો વીતતા ગયા, પોલીસે તપાસ કરી પણ રોહનનો કોઈ પતો ન મળ્યો. કબીરની ફોટોગ્રાફીની નજરે એક એવો ગુનો છુપાવ્યો હતો જે ક્યારેય પકડાવાનો નહોતો. ભિલોડાના પહાડો પર આજે પણ એ જ રહસ્યમય શાંતિ પથરાયેલી છે, કારણ કે કબીર તેના કેમેરાના લેન્સથી દુનિયાને એ જ બતાવતો હતો જે તે બતાવવા માંગતો હતો.
"કેમેરાનો લેન્સ હોય કે ભિલોડાના પહાડો... રહસ્ય એટલું જ દેખાય છે, જેટલું ફોટોગ્રાફર બતાવવા માંગતો હોય!"