11 TASKS - 27 in Gujarati Drama by Niyati Kapadia Nirjhar books and stories PDF | 11 ટાસ્ક્સ - Chapter 27

Featured Books
Categories
Share

11 ટાસ્ક્સ - Chapter 27

આશુતોષે નિર્ઝરે મોકલેલો મેસેજ બે વખત વાંચ્યો.

પહેલો ટાસ્ક હતો કુદરતનો, ઈશ્વરનો આભાર માનવો.

એણે આંખ બંધ કરી ને ઇશ્વરને કહ્યું, “Thank you God! તમે મને ખૂબ સુંદર જીવન આપ્યું છે. માન્યું કે એ ઘણા ચઢાવઉતારથી ભરેલું છે પણ હવે સમજાય છે કે એનીય એક મજા છે. તમે મારા જીવનમાં દોદોહીને મોકલીને મારા પર મોટો ઉપકાર કર્યો છે. હું ખરેખર સાચા દિલથી એ છોકરીને ચાહું છું. એને મેળવવામાં, એને મારી પત્ની બનાવવામાં મારી મદદ કરજો પ્રભુ."

એણે આંખ ઉગાડી. પોતાની પ્રાર્થનામાં પણ એ છોકરીનું નામ પહેલું આવે છે એ વિચારી એને આનંદ થયો. આ ટાસ્ક સરળ હતો. રોજ પૂરો કરી શકાય એવો હતો. જરૂર હતી રોજ સવારે ઉઠતા જ એને યાદ રાખવાની. થોડીક પ્રેક્ટિસ કરવાથી એ યાદ પણ રહી જશે.

બીજો ટાસ્ક હતો, ભોજન! અન્ન તેવો ઓડકાર! જો એણે જાતે મેનેજ કરવાનું હોત તો આ ટાસ્ક થોડો અઘરો પડત પણ હવે એણે આ મુદ્દે સહેજે ચિંતા કરવા જેવું નહતું. સુખી એને માટે રોજ પોષ્ટિક ખોરાક જ બનાવતી હતી. થોડુંક મોળું, ઓછા તેલ મસાલા વાળું ખાણું એ ખાઇ રહ્યો હતો અને એ એને માટે કોઈ મોટી સમસ્યારૂપ નહતું.

ત્રીજો ટાસ્ક હતો, love your body! તમારા શરીરને પ્રેમ કરો, એને એ જેવું છે એવું અપનાવો અને એ વધારે સ્વસ્થ, સુંદર બની રહે એ માટે પ્રયત્ન કરો. આ ટાસ્ક પૂરો કરવા જ એ હવે નિયમિત મોર્નિંગ વૉક માટે જતો હતો. હેલ્ધી ભોજન લેતો હતો. આજે બ્યૂટીકેરમાંથી એક છોકરીને પણ બોલાવી હતી. આ ટાસ્ક પણ લગભગ પૂરો થઈ જશે.

ચોથો ટાસ્ક હતો, 5, 10 અને 20 મિનિટનો નિયમ! એ એકલો રહેતો હતો ત્યારે એનો ફ્લેટ ફ્લેટ નહીં પણ કબાડખાનું હતું. દરેક વસ્તુ એની જગ્યાએ ગોઠવીને મૂકવાનો એની પાસે સમય પણ નહોતો અને ઈચ્છા પણ નહોતી. આ ટાસ્ક એને માટે મુશ્કેલ પુરવાર થયો હોત પણ નિર્ઝરને લીધે એક મોટો બોજ એના માથેથી ઉતરી ગયો હતો. હવે ઘરની દરેક વસ્તું વ્યવસ્થિત રીતે ગોઠવવાનું કામ રુચિ કરી રહી હતી. એની ઓફિસમાં તો એ કામના દરેક કાગળિયા વ્યવસ્થિત રીતે ફાઇલ કરીને રાખતો હતો. એમાં ક્યાંય પ્રોબ્લેમ નહતો. એના હિસાબે આ ટાસ્ક પણ એ પૂરો કરી રહ્યો હતો.

પાંચમો ટાસ્ક હતો, જીવનના ગોલ, ધ્યેય નક્કી કરવાનો અને એને પુરા કરવા પ્રયાસ કરવાનો. હાલ એનો શું ધ્યેય હતો? એણે પોતાની જાતને સવાલ કર્યો ને જવાબ મળ્યો, દોદોહી સાથે લગ્ન! હાલ, એના જીવનનો એકમાત્ર ધ્યેય એ જ હતો. એ પૂરો થાય તો બીજો કોઈ વિચાર આવે. આશુતોષ એનું લક્ષ્ય સાધવા તૈયાર બેઠો હતો.

છઠ્ઠો ટાસ્ક હતો, નિષ્ફળતાથી ગભરાવું નહીં! અત્યાર સુધીની જિંદગીમાં એવું ઘણીવાર બન્યું હતું. એ કોઈ કામ કરવા જતો ને એક કદમ આગળ વધે ત્યાં એક સવાલ એના મનમાં આવતો, “હું સફળ ના થયો તો"

એની પાછળ જ પછી બીજો સવાલ ઉભો થતો, “લોકો શું કહેશે?"

આશુતોષને હવે ભાન થઈ રહ્યું હતું કે આ બે સવાલોને લીધે જ એ જિંદગીમાં ક્યારેય એની મરજી પ્રમાણે વર્તી નહોતો શક્યો, જીવી નહોતો શક્યો. લોકો! કોણ છે આ લોકો? જેમને એના જીવન સાથે કોઈ લેવાદેવા નથી, જેમાંથી કોઈ એના નબળા સમયે એની બાજુમાં ઊભા રહી મદદ કરવા નથી આવવાના, જેમને બસ એક જ વાતમાં રસ છે અને તે એ કે કેમ કરીને આશુતોષ પર હસવું, એને નીચો પાડવો, એને બેવકૂફ સાબિત કરી એની મજાક ઉડાડવી. આવા લોકો વિશે વિચારી એણે શા માટે પોતાને જે કરવાની ઇચ્છા હતી એ ઇચ્છા મનમાં જ દબાવી રાખી હતી? છેક બાળપણથી લઈને અત્યાર સુધી કેટલીય વખત એવું બન્યું હતું કે આશુતોષ બસ “લોકો શું કહેશે?" એમ વિચારી આગળ નહોતો વધ્યો. સાવ નાની નાની અને સામાન્ય કહી શકાય એવી બાબતમાં પણ લોકો વિશે વિચારી એ પાછો હટ્યો હતો. એક ઉદાહરણ યાદ કરીને ને તો એને પોતાની જાત પર હસવું પણ આવ્યું ને દયા પણ. એને બાળપણથી ગુલાબી રંગ ગમતો હતો. એના ગૌરવર્ણ ચેહરા સાથે એ રંગ સુંદર રીતે ભળી જતો. એણે જ્યારે પણ ગુલાબી રંગનો શર્ટ કે ટીશર્ટ ખરીદી એ એને પહેરીને સ્કૂલમાં કે કોઈ પ્રસંગમાં જવાની હિંમત નહોતો કરી શક્યો. એ જેવો એ શર્ટ પહેરતો એને વિચાર આવતો કે લોકો શું કહેશે? એક છોકરો થઈને એ છોકરીઓ જેવું ગુલાબી શર્ટ કેમ પહેરી લાવ્યો! છોકરા માટે બ્લ્યુ અને છોકરી માટે પિંક આવા ભેદભાવ રામજાણે કોણે અને શા માટે ઊભા કર્યા હશે પણ એક વાત નક્કી હતી કે આ ભેદભાવમાંથી બહાર આવવાનું આશુતોષ નહોતો કરી શક્યો..

હવે એણે નક્કી કર્યું કે એ એની આ નબળાઈ સામે જીતીને રહેશે. આજે સાંજે દોદોહીને મળવા જતી વખતે એ ગુલાબી રંગનું શર્ટ પહેરશે.

આ ટાસ્ક સમય માંગી લે તેવો હતો છતાં એણે હવે નક્કી કર્યું હતું કે એ એને પાર પાડીને રહેશે. એ  જિંદગી એની રીતે ને ઉત્તમ રીતે જીવશે. કોઈ અજાણ્યા લોકો આવીને નક્કી નહીં કરે એણે શું કરવું, એની જિંદગીમાં એની પોતાની મરજી જ ચાલશે.

સાતમો ટાસ્ક હતો, કોઈ સાથે સરખામણી ના કરવી, ફરિયાદ ન કરવી અને કામ કરી દેખાડવું! બીજા સાથે સરખામણી, આ વાત પહેલેથી જ એના સ્વભાવમાં હતી. એ નાનો હતો ત્યારે મનોમન એના ભાઈ સાથે એ સરખામણી કર્યા કરતો ને દુઃખી થતો. એનો મોટો ભાઈ એના કરતા વધારે હોશિયાર હતો, એ એની પહેલા નોકરી કરતો થયો હતો, એની પાસે હાલ પણ એક ફેમિલી હતું...એવું નહોતું કે એ એના ભાઈની પ્રગતિથી બળતો હતો કે એ એના ભાઈને પ્રેમ નહોતો કરતો. એને માટે એનો મોટો ભાઈ અનુરાગ હંમેશા માટે અનુકરણ કરવા લાયક વ્યક્તિ રહ્યો હતો ને એ છતાંય એ સાચું હતું કે મનમાં ને મનમાં એ ભાઈ સાથે પોતાની સરખામણી કર્યા કરતો. સ્કૂલમાં પણ એ એના બેસ્ટ ફ્રેન્ડ સાથે સરખામણી કર્યા કરતો ને દુઃખી થતો. હા, એ ફરિયાદ નહોતો કરતો. મનમાં ને મનમાં દુઃખ દબાવી રાખતો ને વધારે ને વધારે પીડા સહન કર્યા કરતો. એને આવું કરવાની જાણે ગંદી આદત પડી ગઈ હતી. પોતાની જાતને દુઃખ થાય એવું વિચારવું અને એમાંથી બહાર આવવાનો લેશમાત્ર વિચાર ના કરવો. આવી આદત એને ક્યારે પડી ગઈ એ વિશે ચોક્કસપણે કહેવું શક્ય નહોતું. આ કદાચ એનો સ્વભાવ જ હતો. એણે એવું વિચાર્યું જ નહોતું કે આમાંથી પણ બહાર આવી શકાય. હવે એણે એ દિશામાં વિચારવાનું ચાલું કર્યું હતું. ફરીથી એણે મનોમન નિર્ઝરનો આભાર માન્યો, એણે જ એને આ સ્વપીડન વૃત્તિમાંથી બહાર આવવાનો એક માર્ગ દેખાડ્યો હતો, લઘુતાગ્રંથી ભર્યા વિચારો ફગાવી પોતાનું બેસ્ટ કામ કરી દેખાડવાનો માર્ગ. એણે નક્કી કર્યું કે પોતે આ માર્ગ પર ચાલી, સફળ થઈ દેખાડશે.

આઠમો ટાસ્ક હતો, જાગતી આંખે જોયેલા સપના પૂરા થશે જ એ વાત પર વિશ્વાસ કરવો અને એવું જ વિચારવું જેવું એ બનતું જોવા ઇચ્છતો હોય. રાતના સૂતી પહેલા જોવાના સપના! આશુતોષે ઘડીક આંખ બંધ કરી. રાતના સૂતા પહેલા એ શું વિચારવા માંગતો હતો? એ જ કે દોદોહી સાથે એના લગ્ન થઈ ગયા હોય, એ એની બાજુમાં જ સૂતી હોય અને પોતે એને પ્રેમ કરી રહ્યો હોય. એનાથી આગળ પછી એમના બાળકો, બે બાળકો, એક દીકરો બિલકુલ એના જેવો અને એક દીકરી બિલકુલ એની મમ્મી જેવી. એક સુંદર ઘર, ગાડી...
આશુતોષે નક્કી કરી લીધું કે હવેથી રોજ રાતના સૂતા પહેલા એ આવા સુંદર સપના વિશે વિચારશે, એને પોતાની કલ્પનામાં સજીવન થતું જોશે ને વિશ્વાસ રાખશે કે એક દિવસ એના આ બધા સપના સાચા થશે.

નવમો ટાસ્ક હતો, એ જો ફરી અઢાર વરસનો થઈ જાય તો? એ જો ફરી અઢાર વરસનો થઈ જાય તો એ એની બધી જ ભૂલો સુધારી એક નવી જિંદગી જીવશે. વધારે સારી રીતે જીવશે. આજે એને સારી રીતે ખબર છે કે એની શું નબળાઈઓ હતી અને એણે એને કેવો હેરાન કર્યો છે. એ સમયે છોકરીઓ વિશે, પોતાના દેખાવ કે પોતાની આર્થિક હાલત વિશે વિચારી દુઃખી થવાને બદલે એણે ભણવામાં, ઉજ્જવલ કારકિર્દી બનાવવા તરફ ધ્યાન આપવાની જરૂર હતી. એને જો એક તક મળે ને એ ફરી અઢાર વરસનો થઈ જાય તો બધું જ છોડીને એ ભણવામાં ધ્યાન આપવા ઇચ્છતો હતો. એ એની કારકિર્દીને ટોચ પર લઈ જવા ઇચ્છતો હતો. એને ફિલ્મ મેકિંગનો શોખ હતો તો પહેલેથી જ એમાં ઉપયોગી થાય એવું શિક્ષણ મેળવી એ એમાં નાની ઉંમરથી જ આગળ વધી જવા ઇચ્છે.

દસમો ટાસ્ક હતો, એણે જીવનમાં પ્રેમનો અનુભવ લીધો! આ ટાસ્ક વિશે વાંચતા જ આશુતોષના ચહેરા પર એક સંતોષભર્યું સ્મિત આવી ગયું. આજ સુધી એણે આ વિશે ફક્ત વિચાર્યું હતું. એણે પ્રેમ જરૂર કર્યો હતો પણ એકતરફો. જો કે એ એની ભૂલ હતી કે એણે જે કર્યું એ ખોટું હતું એવું માનવાને એ તૈયાર નહોતો. એ એક અહેસાસ હતો ને મજાનો હતો. એણે જ તો આટલા વરસ એને જીવતો રાખ્યો હતો. હવે જ્યારે દોદોહી એના જીવનમાં પ્રવેશી છે. એની પત્ની બનવા જઈ રહી છે ત્યારે એ પોતાની કોઈ ભાવના મનમાં ને મનમાં દબાવીને નહીં રાખે. એ એની લાગણીઓ વ્યક્ત કરશે. બોલીને, દેખાડીને જેમ એને ફાવે એ રીતે પણ એ એના મનના ભાવ છૂટથી બહાર લાવશે. આ ટાસ્ક પણ પૂરો થઈ જશે.

છેલ્લો, અગિયારમો ટાસ્ક હતો, થોડુંક સ્વાર્થી બનવું ને પોતાનો આત્મા પ્રસન્ન થાય એવું કરવું! એણે જીવનમાં એક વાર આવું કર્યું હતું. એણે નક્કી કર્યું હતું કે એને ફિલ્મ મેકિંગ કે એડ મેકિંગ ફિલ્ડમાં જવું છે ને કોઈની પરવા કર્યા વગર એણે એ ફિલ્ડમાં ઝંપલાવ્યું હતું. આજે એના જીવનમાં જે કંઈ થોડીક સફળતા હતી એ એના એ એક નિર્ણયને લીધે હતી. એને એ સમયે પણ ખાતરી હતી કે પોતાનું ધાર્યું કરવામાં એ સફળ જાય કે નિષ્ફળ એને એ વાતનો ક્યારેય અફસોસ નહીં થાય. હા, જો એણે પોતાનું મનનું ના કર્યું હોત ને બીજી કોઈ સામાન્ય નોકરી સ્વીકારી લીધી હોત તો એ ભલે એમાં ગમ્મે એટલો આગળ વધ્યો હોત એ મનથી ક્યારેય ખુશ ના થઈ શક્યો હોત.

પોતાની આત્મા પ્રસન્ન થાય એવું કરવું – આ વાત એ સારી રીતે સમજતો હતો. એકવાર એવું કામ કરી લીધા બાદ એનો આત્મવિશ્વાસ વધ્યો હતો. એને પ્રતાપે જ એ એની ભાભી અને આખા કુટુંબ સામે ઝીંક લઈ શક્યો હતો ને પોતાની ભાભીની બહેન સાથે લગ્ન કરવાની ચોખ્ખી ના કહી શક્યો હતો. એને પોતાના લીધેલા એ નિર્ણય પર આજે પણ ખુશી થતી હતી.

હવે આગળ, હાલ પૂરતું તો એક જ કામ હતું, દોદોહી સાથે લગ્ન! એ થઈ ગયા બાદ એણે કામ કરવાનું હતું. પોતાની કારકિર્દીને ખૂબ આગળ લઈ જવાની હતી જેથી એ એની પત્ની ને બાળકોને સુંદર જિંદગી આપી શકે.

આશુતોષ પછી ફોન મૂકી ઊભો થયો હતો અને બાથરૂમમાં જઈ જરૂરી ક્રિયાઓ પતાવી, કપડાં બદલી, ચાલવા જવા ચાલી નીકળ્યો હતો. કલાક જેટલું ચાલ્યા બાદ એ ફ્લેટ પર પાછો આવી ગયો હતો. સુખી અને રુચિ બંને આવી ગયા હતા ને એમણે એમનું કામ ચાલુ કરી દીધું હતું. એ આવતા જ બાથરૂમમાં ઘૂસ્યો હતો. નહાઈ લીધા બાદ એ કપડા બદલી નાસ્તો કરવા બેઠો હતો. બેઠકખંડમાં ટીપોય પર એને માટે ગાજરની છીણ પર સફેદ તલ, લીલી ડુંગળીના પાન અને ચીઝ ભભરાવી કોઈક નવીન વાનગી તૈયાર કરીને મુકાયેલી હતી. સાથે એક કપ ચા અને બે બટર ટોસ્ટ હતા. એણે ગાજરની વાનગી ટેસ્ટ કરી. આમ જોઈએ તો એ બટરમાં બનાવેલ સંભારો જ હતો પણ થોડીક અલગ રીતે બનાવ્યું હતું. એણે એ પૂરું કર્યું. ચા સાથે ટોસ્ટ ચાવતા ચાવતા એણે જોયું કે રુચિ બેડરૂમમાં કપડાં ગોઠવી રહી હતી. અમસ્તુ જ નાસ્તો પતાવી એ બેડરૂમમાં ગયો હતો. એ અંદર ગયો ત્યારે રુચિ એનું કામ પતાવી બાલ્કનીમાં છોડમાં પાણી નાંખી રહી હતી. એને કબાટમાં આવેલું લોકર ખોલવું હતું ને લોકરની ચાવી એની રોજિંદી જગ્યાએ ન હતી.

શક્ય એટલી બધી જગ્યાએ જોઈ લેવા છતાં લોકરની ચાવી ન મળી એટલે એનું મગજ પાછું શંકાશીલ બન્યું હતું. ફરી એને લાગી રહ્યું હતું કે રુચિ કે સુખીએ એના કબાટમાં હાથ સાફ કર્યો હતો. એણે સહેજ ગરમ થઈને એ બંનેને બૂમ પાડી હતી.