dhbkarama tu in Gujarati Love Stories by Rupen Patel books and stories PDF | ધબકારામાં તું

Featured Books
Categories
Share

ધબકારામાં તું

હિમાલયના બરફ આચ્છાદિત પહાડો વચ્ચે બાઇકનો ગડગડાટ ગુંજી રહ્યો હતો. 'ફ્રીડમ રાઇડર્સ' ગ્રુપમાં સૌથી આગળ બે બાઇક હવામાં વાતો કરતી દોડી રહી હતી. એક પર હતો વેદાંત—શ્રીમંત ઘરનો એકમાત્ર નબીરો, પણ જેનું દિલ કાચ જેવું સાફ અને ઘમંડથી જોજનો દૂર હતું. અને બીજી બાઇક પર હતી ગાર્ગી—ખુલ્લા દિલની, નીડર છોકરી. ગાર્ગીના પિતા નાનપણમાં જ ગુજરી ગયા હતા, પણ તેની સિંહણ જેવી માતાએ દિવસ-રાત મજૂરી કરીને પણ ગાર્ગીના ચહેરાની હસી અને તેનો મોંઘી બાઇક ચલાવવાનો શોખ ક્યારેય મરવા નહોતા દીધા.
વેદાંત અને ગાર્ગી કોલેજના બેસ્ટ ફ્રેન્ડ્સ હતા, પણ વેદાંતના મનમાં ગાર્ગી માટે મિત્રતાથી કંઈક વિશેષ હતું. તે મનોમન તેને હદથી વધારે પ્રેમ કરતો હતો. પહાડોની ઠંડી હવામાં બાઇક ચલાવતા વેદાંતે મનમાં જ નક્કી કરી લીધું હતું, "આ લદ્દાખની રાઇડ પૂરી થાય એટલે સીધો ઘરે જઈને મમ્મી-પપ્પાને કહી દઈશ—મને મારી લાઇફ પાર્ટનર મળી ગઈ છે."
પણ વિધાતાના લેખ કંઈક જુદા જ હતા. લદ્દાખના એક અત્યંત જોખમી અને સાંકડા વળાંક પર ગાર્ગીની બાઇક અચાનક સ્લીપ થઈ ગઈ. વેદાંતની નજર સામે જ ગાર્ગી હવામાં ફંગોળાઈને ખીણ તરફ પડી.
"ગાર્ગીઈઈઈ...!!!" વેદાંતની કારમી ચીસ પહાડોમાં દબાઈ ગઈ.
હોસ્પિટલના આઈસીયુ (ICU) બહાર સન્નાટો હતો. ડૉક્ટરે બહાર આવીને ભારે હૈયે કહ્યું, "આઈ એમ સોરી... ગાર્ગી હવે ક્યારેય હોશમાં નહીં આવે. શી ઈઝ બ્રેન ડેડ."
આ સાંભળતા જ વેદાંતના પગ નીચેથી જમીન સરકી ગઈ. ગાર્ગીની માતા પર તો જાણે આભ તૂટી પડ્યું. જે દીકરી માટે આખી જિંદગી ન્યોછાવર કરી દીધી, તે હવે ક્યારેય 'મા' કહીને નહીં બોલાવે? હોસ્પિટલની ઓર્ગન ડોનેશન ટીમ અને મિત્રોએ ભારે હૈયે ગાર્ગીની માતાને સમજાવ્યા: "આંટી , ગાર્ગી ભલે દુનિયા છોડી ગઈ, પણ તેનું અંગદાન કરીને તે કોઈનામાં જીવતી રહી શકે છે. પ્લીઝ..."
પથ્થર જેવા કાળજે, ધ્રૂજતા હાથે માતાએ ઓર્ગન ડોનેશનના ફોર્મ પર સહી કરી દીધી.
બીજી તરફ, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ૨૧ વર્ષની રિયા જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાતી હતી. તેનું પોતાનું હૃદય માત્ર ૨૦% જ કામ કરતું હતું. રિયા અદભુત ચિત્રકાર હતી, પણ છેલ્લા કેટલાય મહિનાઓથી આ બીમારીના કારણે તેના હાથમાં પીંછી પકડવાની પણ તાકાત રહી નહોતી. ગાર્ગીનું હૃદય ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદ લવાયું. ઓપરેશન થિયેટરની લાઈટ ચાલુ થઈ અને ગાર્ગીનું ધબકતું હૃદય રિયાના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. ઓપરેશન સફળ રહ્યું. રિયાને એક નવું જીવન મળ્યું, ગાર્ગીના હૃદય સાથે.
ગાર્ગીના ગયા પછી વેદાંત સાવ જીવતો લાશ બની ગયો હતો. તેણે પોતાની બાઇક પર કાળો પડદો ઢાંકીને ગેરેજમાં બંધ કરી દીધી હતી. પણ જ્યારે તેને ખબર પડી કે ગાર્ગીનું હૃદય અમદાવાદની રિયા નામની છોકરીમાં ધબકે છે, ત્યારે તે પોતાના દિલને રોકી ન શક્યો. તે રિયાને મળવા હોસ્પિટલ પહોંચ્યો.
શરૂઆતમાં વેદાંત માત્ર ગાર્ગીના હૃદયની નજીક રહેવા ત્યાં જતો હતો. તે રિયાની સંભાળ રાખતો, તેની દવાઓનો સમય સાચવતો, તેને હસાવવાનો પ્રયત્ન કરતો. ધીમે-ધીમે બંને વચ્ચે એક અનોખી, અણધારી મિત્રતા પાંગરી.
પણ વેદાંતે એક વિચિત્ર ફેરફાર નોટિસ કર્યો. રિયા, જે પહેલા માત્ર કુદરતી દ્રશ્યો દોરતી હતી, તેના સ્કેચબુકમાં હવે અચાનક ઊંચા પહાડો, વાંકીચૂંકી સડકો અને રાઇડિંગ બાઇકના સ્કેચ બનવા લાગ્યા હતા—જે બધી જ ગાર્ગીની મનપસંદ વસ્તુઓ હતી! વેદાંત રિયાની આ કળાને જોઈને આશ્ચર્યચકિત થતો અને તેને વધુ ડ્રોઇંગ કરવા પ્રેરણા આપતો. જ્યારે પણ રિયા ખડખડાટ હસતી, ત્યારે વેદાંતને થતું કે તેની ગાર્ગી તેની આસપાસ જ ક્યાંક છે.
થોડા મહિનાઓ પછી રિયાના ચિત્રોનું એક મોટું એક્ઝિબિશન યોજાયું. વેદાંત ત્યાં પહોંચ્યો ત્યારે રિયા તેને એક ખાસ સ્કેચ પાસે લઈ ગઈ જે પડદા પાછળ ઢંકાયેલો હતો. રિયાએ પડદો હટાવ્યો.
સ્કેચ જોઈને વેદાંતની આંખો ફાટી ગઈ. ચિત્રમાં વેદાંત પોતે બાઇક પર બેઠો હતો અને તેની પાછળ એક ધૂંધળી, પવનમાં ઉડતી છોકરીની આકૃતિ હતી. તે આબેહૂબ ગાર્ગી જેવી જ ભાસતી હતી.
રિયા વેદાંતને એક્ઝિબિશન હોલના એકાંત ખૂણામાં લઈ ગઈ. અચાનક, રિયા ઘૂંટણિયે બેસી ગઈ. તેની આંખોમાં સાચો પ્રેમ હતો. તેણે વેદાંતનો હાથ પકડીને કહ્યું, "વેદાંત, આઈ લવ યુ... હું મારી બાકીની જિંદગી તારી સાથે વિતાવવા માંગું છું."
વેદાંત સ્તબ્ધ થઈ ગયો. ભૂતકાળની યાદો તેની આંખોમાં આંસુ બનીને વહી ગઈ. તેણે રિયાનો હાથ છોડાવતા ધ્રૂજતા અવાજે કહ્યું, "ના રિયા, આ શક્ય નથી. હું તને માત્ર એક સારી મિત્ર માનું છું. મારું દિલ તો ગાર્ગીની સાથે જ તે જ દિવસે ચાલ્યું ગયું હતું. હું તારામાં માત્ર ગાર્ગીને શોધતો હતો... હું તારી પવિત્ર લાગણીઓ સાથે રમત ન કરી શકું. પ્લીઝ મને માફ કરી દે."
રિયા રડી પડી, પણ તેણે હિંમત ન હારી. તેણે વેદાંતનો હાથ પકડ્યો અને જોરથી પોતાના હૃદય પર, જ્યાં ગાર્ગીનું હૃદય ધબકતું હતું ત્યાં મૂકી દીધો.
"વેદાંત! મને ખબર છે તું ગાર્ગીને પ્રેમ કરે છે. અને હું તને એ જ તો કહી રહી છું... તું રિયાને નહીં, પણ મારી અંદર ધબકતા ગાર્ગીના આ હૃદય માટે તો હા પાડ! શું તને નથી સંભળાતા આ ધબકારા? આ હૃદય જ્યારે તને જુએ છે ત્યારે જ આટલી ઝડપથી ધબકે છે! ગાર્ગી તને મૂકીને ક્યાંય નથી ગઈ વેદાંત. તે મારી અંદર રહીને આજે પણ તારો જ પ્રેમ ઝંખે છે. આપણે બંને મળીને ગાર્ગીના આ હૃદયને દુનિયાનું સૌથી ખુશ હૃદય બનાવીશું. પ્લીઝ વેદાંત..."રિયા આજીજી કરી રહી હતી.
વેદાંતના હાથની હથેળીમાં રિયાની છાતીમાં થતા ધબકારા સીધા તેના આત્માને સ્પર્શી ગયા. તેને સમજાયું કે આ માત્ર રિયાનો પ્રેમ નહોતો, આમાં ગાર્ગીનો અધૂરો રહી ગયેલો પ્રેમ પણ ભળેલો હતો. આ રિયા અને ગાર્ગી બંનેનો એક સંયુક્ત અહેસાસ હતો. વેદાંતની આંખમાંથી ખુશી અને ગમ ના આંસુ વહી નીકળ્યા. તેણે રિયાને જોરથી ગળે લગાવી લીધી.
લગ્નના પવિત્ર બંધન પછી, વેદાંતે ગેરેજમાં જઈને પેલો કાળો પડદો હટાવ્યો. ધૂળ ખાઈ રહેલી બાઇક ફરીથી સ્ટાર્ટ થઈ. એન્જિનનો અવાજ જાણે કહી રહ્યો હતો કે સફર હજી બાકી છે.
બાઇક પર આગળ વેદાંત હતો, પાછળ તેની પત્ની તરીકે રિયા બેઠી હતી. લદ્દાખની નવી સફર પર નીકળતા પહેલાં, બંને ગાર્ગીની માતાના ઘરે ગયા. ગાર્ગીની માતાએ બંનેના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. માતાની આંખોમાં આંસુ હતા, પણ હોઠ પર એક સંતોષભર્યું સ્મિત હતું કે તેમની દીકરીનું હૃદય આજે સાચા હાથોમાં સુરક્ષિત અને ખુશ હતું.
ફરીથી એ જ હિમાલયના રસ્તાઓ હતા, એ જ ઠંડો પવન હતો. પણ આ વખતે સફરમાં એ બે નહોતા... તેઓ ત્રણ હતા: ગાર્ગી, વેદાંત અને રિયા. એક અનોખી પ્રેમ કહાની, જે મૃત્યુ પછી પણ જીવતી રહી.