ભાગ ૧૯: કેમ્પસમાં ભય
હાઇવે પર ૧૦૦ ની સ્પીડે દોડતી કારની બ્રેકનો ચિત્કાર હજુ હવામાં ગુંજી રહ્યો હતો. રસ્તા પર ટાયર ઘસાવાની કાળી લાઈનો પડી ગઈ હતી.
આરવનો ચહેરો હવે કોઈ પ્રેમીનો નહોતો રહ્યો. એની ચહેરાની રેખાઓ તંગ થઈ ગઈ હતી અને આંખોમાં એક ખૂંખાર, રક્તપીપાસુ જ્વાળામુખી સળગી ઊઠ્યો હતો. રોમાન્સની એ મખમલી ક્ષણોને સેકન્ડના હજારમા ભાગમાં મોત અને લોહીના ખેલએ બાનમાં લઈ લીધી હતી. ડૉ. વ્યાસે આરવના નિર્દોષ મિત્રો પર હાથ નાખવાની જીવલેણ ભૂલ કરી દીધી હતી.
"આરવ... શું થયું?" આધ્યા ગભરાઈને સીટ પર જકડાઈ ગઈ. એણે આરવનું આટલું ભયાનક સ્વરૂપ ક્યારેય નહોતું જોયું. આરવની આંખોમાં ક્રોધ અને ચિંતાની મિશ્ર લાગણી વ્યક્ત થઈ રહી હતી.
"મારા મિત્રોનો જીવ જોખમમાં છે આધ્યા." આરવે કારને રિવર્સ ગિયરમાં નાખીને ફૂલ એક્સિલેટર આપતા અત્યંત કઠોર અવાજે કહ્યું, "ડૉ. વ્યાસના ગુંડાઓ હોસ્ટેલ રૂમમાં ઘૂસી ગયા છે."
કાર પવનના વેગે પાછી અમદાવાદ તરફ ઉડી રહી હતી.
******************
સ્વામી વિવેકાનંદ બોય્ઝ હોસ્ટેલનો ત્રીજો માળ આજે કોઈ કબ્રસ્તાન જેવો ભયાનક લાગી રહ્યો હતો. હંમેશા વિદ્યાર્થીઓના ઘોંઘાટથી ગુંજતો કોરિડોર આજે સ્મશાનવત શાંત હતો, કારણ કે દરેક વિદ્યાર્થીઓ પોતાના રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને ડરના માર્યા ધ્રૂજી રહ્યા હતા.
રૂમ નંબર ૪૦૪ ની હાલત કોઈ યુદ્ધના મેદાન જેવી હતી.
કેતનનો પેલો ઇસ્ત્રી કરવાનો સ્ટીલનો લોટો એક ખૂણામાં પછડાઈને પડ્યો હતો. જિગ્નેશની પેથોલોજીની ચોપડીઓ ફાટીને વેરવિખેર પડી હતી અને એના સફેદ પાનાઓ પર લોહીના તાજા છાંટા હતા.
રૂમની વચ્ચે ભીમા ભાઉરાવ ઊભો હતો. ૬ ફૂટ ૨ ઇંચની કદાવર બોડી, ગળામાં જાડી સોનાની ચેઈન અને જમણા ગાલ પર એક જૂનો, લાંબો કાપો (Scar). એની લાલચોળ આંખો કોઈ જંગલી શિકારી કૂતરા જેવી હતી. એની પાછળ એના ત્રણ ખડતલ ગુંડાઓ હાથમાં લોખંડના સળિયા લઈને ઊભા હતા.
જમીન પર કેતન અને જિગ્નેશ લોહીલુહાણ હાલતમાં પડેલા હતા. કેતનના નાકમાંથી લોહી વહીને એના મોં સુધી આવી ગયું હતું, અને જિગ્નેશના ચશ્મા તૂટીને ફ્લોર પર પડ્યા હતા. છતાં પણ, હંમેશા ડરપોક લાગતો કેતન આજે પોતાના મિત્ર જિગ્નેશની આગળ ઢાલ બનીને બેઠો હતો.
"સા... સાહેબ, અમને જવા દો," કેતન રડમસ પણ મક્કમ અવાજે બોલ્યો. "અમને સાચે જ નથી ખબર કે આરવ ક્યાં ગયો છે. એ કોઈના લફડામાં પડે એવો માણસ જ નથી!"
"ચૂપ કર કૂતરા!" ભાઉરાવે પોતાના ભારે બૂટથી કેતનની છાતી પર એક જોરદાર લાત મારી.
કેતન હવામા ફંગોળાઈને સીધો લોખંડના પલંગ સાથે અથડાયો અને પીડાથી ચીસ પાડી ઉઠ્યો.
"તારો એ સીધો સાદો મિત્ર કોઈ સાધુ નથી. એણે મારા કરોડોના માલ પર પાણી ફેરવી દીધું છે," ભાઉરાવે જિગ્નેશના વાળ પકડીને એને ઊંચો કરતા કહ્યું. "જો તમે એનું લોકેશન નહિ કહો... તો આજે આ રૂમમાંથી તમારી બંનેની લાશો જ બહાર જશે."
જિગ્નેશ પીડાથી તરફડી રહ્યો હતો, પણ બંને નિર્દોષ મિત્રો આરવને દગો આપવા તૈયાર નહોતા. આ મધ્યમવર્ગીય મિત્રતાની તાકાત હતી, જેણે ભાઉરાવ જેવા ગુંડાને પણ અકળાવી દીધો હતો.
રાતના ૧૨:૧૫ વાગ્યા.
હોસ્ટેલના મેઈન ગેટની બહાર અંધારામાં આરવની કાર બ્રેક મારીને ઊભી રહી.
આરવે સીટબેલ્ટ ખોલ્યો અને આધ્યા તરફ જોઈને અત્યંત ગંભીરતાથી કહ્યું, "આધ્યા, ગાડી અંદરથી લોક કરી દે અને સીટની નીચે સંતાઈને બેસજે. ગમે તે થાય, બહાર આવવાની ભૂલ ના કરતી."
આધ્યા ડરથી કાંપી રહી હતી, પણ એણે આરવના હાથને મજબૂતાઈથી પકડ્યો. "આરવ... પ્લીઝ, તું પણ સંભાળજે."
આરવે બસ એક નાનકડી નજર આધ્યા પર નાખી અને કારનો દરવાજો ખોલીને અંધારામાં ઓગળી ગયો.
હોસ્ટેલના પાછલા ભાગની દીવાલ પરથી આરવ કોઈ સ્પાઈડરમેનની જેમ ત્રીજા માળની બાલ્કનીમાં કૂદ્યો. એના શ્વાસ એકદમ સાયલન્ટ હતા. કોરિડોરમાં ભાઉરાવના બે માણસો ચોકી કરી રહ્યા હતા.
આરવ એક પડછાયાની જેમ પાછળથી આવ્યો. એણે ડાબા હાથવાળા ગુંડાના મોં પર હાથ મૂકીને એની ગરદન એક જ ઝાટકે એવી રીતે મરડી કે કોઈ જ અવાજ ના આવ્યો અને એ ઢળી પડ્યો. બીજો ગુંડો કંઈ સમજે અને બૂમ પાડે, એ પહેલાં જ આરવની ગ્લોક પિસ્તોલનું પાછલું ભારે હેન્ડલ એના માથા પર વીજળીની જેમ ખાબક્યું. બે સેકન્ડમાં બંને ચોકીદારો જમીન પર બેભાન હતા.
રૂમ નંબર ૪૦૪ ની અંદર ભાઉરાવ હવે કંટાળી ગયો હતો. એણે પોતાના માણસના હાથમાંથી લોખંડનો જાડો સળિયો લીધો અને કેતનના માથા પર મારવા માટે હાથ ઊંચો કર્યો.
ત્યાં જ... દરવાજા પર એક અત્યંત ભારે, બર્ફીલો અને મોતની ગુંજ જેવો અવાજ આવ્યો:
"એ સળિયો નીચે મૂકી દે ભાઉરાવ... નહીંતર તારા અસ્તિત્વને જ જમીનમાં દાટી દઈશ."
ભાઉરાવે પાછળ ફરીને જોયું.
તૂટેલા દરવાજાની ફ્રેમ વચ્ચે આરવ ઊભો હતો. એની આંખોમાં નૈનાના મોતનો સંચિત ક્રોધ, અને પોતાના મિત્રોને લોહીલુહાણ જોયાની ભયાનક આગ હતી. એના હાથમાં ૯ એમએમ ની ગ્લોક પિસ્તોલ સીધી ભાઉરાવના માથા તરફ તાકેલી હતી.
કેતન અને જિગ્નેશ આરવને જોઈને આશ્ચર્ય અને રાહતથી રડી પડ્યા. એમને સમજાતું નહોતું કે એમનો આ સીધો-સાદો, શાંત મિત્ર અચાનક આટલો ખતરનાક શૂટર કઈ રીતે બની ગયો!
ભાઉરાવ પહેલાં તો સહેજ ચોંક્યો, પણ પછી એના હોઠ પર એક શૈતાની, ક્રૂર હાસ્ય આવી ગયું. એણે સળિયો નીચે નાખી દીધો.
"આવી ગયો કમાન્ડો સાહેબ? બહુ વાટ જોવડાવી તેં," ભાઉરાવે પોતાના ખિસ્સામાંથી એક નાનકડું ડિવાઇસ કાઢ્યું જેનો આકાર કોઈ રિમોટ જેવો હતો અને એમાં લાલ લાઈટ બ્લિન્ક થઈ રહી હતી.
આરવની નજર એ રિમોટ પર ગઈ અને એના ભવાં ખેંચાયા.
ભાઉરાવે હસતા હસતા કહ્યું, "તેં મારા માણસોને તો પછાડી દીધા કેપ્ટન... પણ મારી બીજી ટીમ ક્યાં છે, એ તને ખબર છે? તું તો હીરો બનીને ઉપર આવી ગયો... પણ તારી પેલી રૂપાળી મેડમનું શું, જે નીચે કારમાં સીટ નીચે સંતાઈને બેઠી છે?"
આરવના શ્વાસ છાતીમાં જ થંભી ગયા!
ભાઉરાવે પોતાના ફોનની સ્ક્રીન આરવ તરફ ફેરવી. સ્ક્રીન પર લાઈવ વિડિયો ચાલી રહ્યો હતો. આરવની કારની ચારે બાજુ ભાઉરાવના ચાર ગુંડાઓ હાથમાં પેટ્રોલના ડબ્બા લઈને ઊભા હતા, અને એક ગુંડાના હાથમાં સળગતી લાઈટર હતી!
"બંદૂક નીચે મૂક કેપ્ટન..." ભાઉરાવનો અવાજ હવે ડરામણો હતો. "જો તારી આંગળી ટ્રિગર પર દબાઈ... તો નીચે તારી આધ્યા આ કારની અંદર જ જીવતી સળગીને ભસ્મ થઈ જશે!"
આરવના પગ તળેથી જમીન ખસી ગઈ. ડૉ. વ્યાસ અને ભાઉરાવ શિકારી કરતા એક ડગલું આગળ નીકળી ચૂક્યા હતા. રૂમમાં મિત્રોનું મોત અને નીચે કારમાં આધ્યાનો જીવ. આરવ ચારે બાજુથી એવી જાળમાં ફસાયો હતો, જ્યાંથી બચવાનો કોઈ જ રસ્તો નહોતો.
(ક્રમશ:)
“નીલ”
ડૉ. નિલેષ ઠાકોર