આ તરફ પૃથ્વી પર લાખો લોકોના આંસુઓથી સમુદ્રનું પાણી કંપી ઉઠ્યું હતું. એ જ સમયે દૈત્યરાજ કેતુક મહાદેવની સામે ઉભા હતાં. એની આંખોમાં અહંકાર અને ક્રોધ બંને પ્રગટ થઈ રહ્યા હતાં.
દૈત્યરાજ કેતુક બોલ્યાં,
“જોવો મહાદેવ. પૃથ્વીની આ હાલત જોઈને તમને દયા નથી આવતી. તમે જે કર્યું હતું. એની સજા હવે મનુષ્યો ભોગવી રહ્યા છે. તમે અગ્નેઅસ્ત્રથી વિરમન્યુનો દેહ બાળી નાખ્યો હતો. જે વિનાશની શરૂઆત તમે કરી હતી. એનો તો હજુ આરંભ થયો છે. જોવો, કેવી ચીસો ગુંજી રહી છે. પૃથ્વીની પ્રજા પોતાના બાળકોને બચાવવા માટે ભટકી રહી છે. હજારો વર્ષોની તમારી મહેનત તમારી નજર સામે જ ભસ્મ થઈ રહી છે.
તમે અમારો વંશ ખતમ કરવા માંગતા હતાં. પરંતુ વિરમન્યુ દૈત્યપુત્ર છે. એની શક્તિઓનો અંત કોઈ દેવતા કરી શકે નહીં. અને મહાદેવ, તમે ઈચ્છતા હોવા છતાં તાંડવ પણ નથી મચાવી શકતા. કારણ કે મનુષ્યો હજુ પણ આ પૃથ્વી પર જ છે. તમે જાણી જોઈને એમનો નાશ નહીં કરો.
સમયનું ચક્ર ફર્યું છે મહાદેવ. અને એ ચક્ર અમને ન્યાય આપી રહ્યું છે.”
દૈત્યરાજના શબ્દો પછી સમગ્ર આકાશમાં અશાંતિ ફેલાઈ ગઈ હતી. દેવતાઓ મૌન થઈ ગયા હતાં.
પરંતુ એ અંધકાર વચ્ચે પણ એક આશા જીવંત હતી. દેવતાઓને ખબર હતી કે નિલક્રિષ્નાએ પૃથ્વીનાં મોટા ભાગના મનુષ્યોને એક ગુપ્ત અને સુરક્ષિત સ્થાન પર ખસેડી દીધા હતાં. એ જગ્યા સમુદ્રની સામાન્ય દુનિયાથી હજારો ગણી ઊંડે હતી. ત્યાં દિવ્ય પ્રકાશની દિવાલો હતી. જે દૈત્યોની શક્તિઓને રોકતી હતી.
દૈત્યોને એવું જ લાગતું હતું કે સમુદ્રના પ્રચંડ પાણીમાં ગરકાવ થઈને સમગ્ર મનુષ્યસૃષ્ટીનો નાશ થઈ ગયો છે.
કેટલીય અગણિત મુશ્કેલીઓ, અસંખ્ય યુદ્ધો અને વિનાશના ભયંકર દૃશ્યોનો સામનો કરીને અંતે એ ક્ષણ આવી પહોંચી જ્યારે નીલક્રિષ્ના નિલ પૃથ્વી પર આવી.
આકાશમાં વાદળો ગર્જી રહ્યા હતા, સમુદ્ર ઉશ્કેરાયેલા દૈત્યની જેમ ઉછળી રહ્યો હતો અને પૃથ્વીના દરેક ખૂણે ચીસો, ભય અને વિનાશનું તાંડવ દેખાઈ રહ્યું હતું.
કારણ કે વિશાળ સમુદ્રના પોણા ભાગમાં વિરમન્યુ દફનાયેલો હતો. હજારો વર્ષોથી નિદ્રામાં પડેલું એ ભયંકર દૈત્યશરીર હવે ધીમે ધીમે હલનચલન કરવા લાગ્યું હતું. સમયનો ચક્ર એવો વળ્યો કે વિરમન્યુનું વિશાળ શરીર હવે પડખું ફરવા જઈ રહ્યું હતું. એના માત્ર એક પડખા ફરવાથી જ સમગ્ર પૃથ્વી ધ્રૂજી ઉઠી હતી.
વિશ્વભરના મહાસાગરોમાં પ્રચંડ જ્વાળાઓ જેવી તરંગો ઊઠવા લાગ્યાં. પર્વતો તૂટી પડવા લાગ્યા. ધરતીમાં લાંબી ભયાનક ભંગાળાઓ પડવા લાગી. શહેરો ક્ષણોમાં સમુદ્રમાં સમાઈ ગયા. માણસો પોતાના ઘર, પરિવાર અને સંસ્કૃતિ છોડીને જીવ બચાવવા જંગલો તરફ ભાગવા લાગ્યા. દરેક દિશામાં હાહાકાર મચી ગયો.
એ જ સમયે દૈત્યલોકના દ્વાર ખુલવા લાગ્યા.
પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ બધી દિશાઓમાંથી ભયંકર દૈત્યો પૃથ્વી પર ઉતરવા લાગ્યા. કોઈ અગ્નિવર્ષા કરતો હતો. કોઈ નદીઓને ઝેરથી કાળી બનાવી રહ્યો હતો, તો કોઈ માનવ વસાહતોને ક્ષણોમાં ભસ્મ કરી રહ્યો હતો. પૃથ્વી ફરી એકવાર રાક્ષસી રાજના અંધકારમાં ડૂબવા લાગી.
પરંતુ આ વિનાશ વચ્ચે પણ એક આશા જીવંત હતી, નીલક્રિષ્ના.
ધરતીનો દરેક કણ કાળો પડી ગયો હતો. વૃક્ષોના પાંદડાં સુકાઈને રાખ સમાન થઈ ગયાં હતાં, નદીઓનું જળ ઝેરથી કાળું બની ઊકળતું હતું, અને હવામાં પણ એવો તીવ્ર વિષ ભળેલો હતો કે શ્વાસ લેતાં જ જીવ તડપી ઊઠે. પક્ષીઓ આકાશમાંથી બેભાન થઈ નીચે પટકાતા હતા, પશુઓની આંખોમાં ભય અને પીડા ભરાઈ ગઈ હતી. સમગ્ર ભૂમિ જાણે પ્રલય પછીની નિર્જીવ દુનિયા બની ગઈ હતી.
આ ભયંકર વિનાશ જોઈને દેવતાઓ પણ મૌન થઈ ગયા. કોઈ પાસે આ મનુષ્યોને બચાવવાનો ઉપાય ન હતો. ત્યારે આકાશમાં અચાનક દિવ્ય પ્રકાશ ફેલાયો. વાદળો ગર્જવા લાગ્યા, પવન શાંત થઈ ગયો, અને સમગ્ર દિશાઓમાં એક અજાણી દિવ્ય સુગંધ પ્રસરી ગઈ. એ ક્ષણે નીલક્રિષ્ના નિલભુમિ પર આવી પહોંચી.
તેમની આંખોમાં કરુણા હતી, પણ રૂપમાં અનંત શક્તિ ઝળહળી રહી હતી. તેમના ચરણ સ્પર્શતાં જ ઝેરી ધરતી ધ્રુજવા લાગી. જ્યાં જ્યાં તેણે પગ મૂક્યો, ત્યાં ત્યાં કાળી પડેલી જમીનમાંથી ફરી હરિયાળી થવા લાગી. તેણે પોતાની હથેળી આકાશ તરફ ઊંચી કરી, અને તેના શરીરમાંથી નીલ તેજના અસંખ્ય કિરણો બહાર નીકળવા લાગ્યા.
એ કિરણો ધીમે ધીમે સમગ્ર નીલભૂમિ પર વરસવા લાગ્યા. નાગ દેવતાનું ઝેર જાણે આ દિવ્ય તેજ સામે ટકી જ ન શક્યું. ઝેરી નદીઓમાંથી કાળો ધુમાડો નીકળવા લાગ્યો અને થોડા જ ક્ષણોમાં એ પાણી ફરી સ્વચ્છ અને નિર્મળ બની ગયું. ઝેરથી સળગેલા પર્વતો ફરી ઠંડક અનુભવવા લાગ્યા. વૃક્ષોની સુકાયેલી ડાળીઓ પર નવી કૂંપળો ફૂટવા લાગી. હવામાંથી મૃત્યુની ગંધ અદૃશ્ય થઈ ગઈ અને એની જગ્યાએ જીવનનો સુગંધિત સ્પર્શ પ્રસરી ગયો. ધીમે ધીમે બધુ ઝેર નિલક્રિષ્નાના શરીરે ધારણ કરી લીધું. એ નિલવર્ણ બની. બધી દિશામાંથી એક જ નામ ગુંજી ઉઠ્યું, "નિલક્રિષ્ના...! નિલક્રિષ્ના"
પછી તેણે પોતાના કમંડળમાંથી દિવ્ય અમી બહાર કાઢ્યું. એ અમી સામાન્ય જળ ન હતું એમાં સર્જનની શક્તિ, જીવનનો આશીર્વાદ અને પવિત્રતાનો તેજ સમાયેલું હતું. તેણે આ અમીના છાંટણા સમગ્ર નિલભૂમિ પર કરવાનાં શરૂ કર્યા.
જે જગ્યાએ અમીના ટીપાં પડતા ગયા ત્યાં ધરતી ચમકવા લાગી. ઝેરી કાદવ સુવર્ણ માટીમાં પરિવર્તિત થવા લાગ્યો. સુકાયેલી નદીઓમાં મધુર જળ વહેવા લાગ્યું. હવામાંથી વિષનો એક અણુ પણ બાકી રહ્યો નહીં. આકાશ વધુ નિર્મળ બની ગયું, અને વર્ષો પછી પહેલીવાર સૂર્યનો પ્રકાશ નીલભૂમિ પર શાંતિ લઈને વરસ્યો.
માણસો આશ્ચર્યથી જોઈ રહ્યા હતાં કે જે ભૂમિ ક્યારેય મૃત્યુનું રાજ્ય બની ગઈ હતી, એ હવે સ્વર્ગ સમાન પવિત્ર બની રહી હતી. બાળકો ફરી નિર્ભય બની દોડવા લાગ્યા, પશુઓ શાંતિથી જળ પીવા લાગ્યા, અને લોકોના હૃદયમાં આશાનો પ્રકાશ જન્મ્યો.
નિલક્રિષ્ના એ મમતા ભરેલી દૃષ્ટિથી સમગ્ર નિલભૂમિને જોયું અને કહ્યું,
“જ્યાં વિષ હોય ત્યાં વિનાશ જન્મે, પણ જ્યાં અમી વરસે ત્યાં જીવન ફરી ખીલે. આ ભૂમિ હવે ભયની નહીં, પરંતુ માનવતાની પવિત્ર ધરતી બનશે.”
તેમના શબ્દો સાથે સમગ્ર નિલભૂમિમાં દિવ્ય ઘંટનાદ ગૂંજી ઊઠ્યો, લોકો નમન કરવા લાગ્યા. કારણ કે આજે માત્ર ઝેરનો અંત ન થયો હતો. આજે મૃત્યુ પર જીવનનો વિજય થયો હતો.
બે ભાગમાં વહેંચાઈ ગયેલી પૃથ્વી હવે બે અલગ અલગ ભાગ્યની સાક્ષી બની ગઈ હતી.
એક બાજુ હતી “નિલભૂમિ” જ્યાં નીલક્રિષ્નાએ પોતાના દિવ્ય અમી અને પવિત્ર શક્તિથી દરેક અણુને શુદ્ધ કરી દીધો હતો. ત્યાંની હવા શુદ્ધ અને શાંતિનો શ્વાસ ભરતી હતી. વૃક્ષોના પાંદડાં પર અમૃતના ટીપાં ઝગમગતા હતાં. નદીઓનું જળ હવે માત્ર પાણી ન રહ્યું હતું, એમાં જીવનનો આશીર્વાદ વહેતો હતો.
અને બીજી બાજુ હતી અંધકારથી ગળી ગયેલી પૃથ્વી.
જ્યાં માયા, લાલચ, ક્રોધ અને દ્રોહમાં ડૂબેલા મનુષ્યો શૈતાનો સાથે મળીને એક થઈ ગયા હતાં. એ લોકોને લાગતું હતું કે તેઓએ શક્તિ મેળવી લીધી છે. પરંતુ તેમને ખબર જ નહોતી કે એ તો પોતાના જ પાપોના બંધનમાં બંધાઈ ગયા હતાં. જેટલું વધારે તેઓ અંધકારને સ્વીકારતા ગયા, એટલું જ તેમની આત્માનું પ્રકાશ મરતું ગયું. પૃથ્વીનાં અંધકારથી ઘેરાયેલા ભાગમાં હવે માત્ર શૈતાનો જ બચ્યાં હતાં. જે મનુષ્યો સંપૂર્ણ રીતે પોતાની આત્મા ગુમાવી ચૂક્યાં હતાં, તેઓ હવે સદાકાળ માટે એ જ અંધકારમય દુનિયાનો ભાગ બની ગયા હતાં. તેમની આંખોમાં હવે માનવતા નહોતી. માત્ર વિનાશની ભૂખ સળગતી હતી.
દેવતાઓની પવિત્ર ભૂમિ પર હવે અસુરો અને દૈત્યોનો કબજો થઈ ગયો હતો. જ્યાં ક્યારેક ધર્મના મંત્રો ગુંજતા હતા, ત્યાં હવે અધર્મનો કોલાહલ સંભળાતો હતો. જ્યાં યજ્ઞોની અગ્નિ પ્રજ્વલિત રહેતી હતી, ત્યાં હવે વિનાશની જ્વાળાઓ ધગધગી રહી હતી. ધરતીનો દરેક કણ અસુરી શક્તિઓના અત્યાચારથી કંપી રહ્યો હતો.
આ ભયાનક સમય દરમિયાન નિલક્રિષ્ના એકલી જ ફરી એ પૃથ્વી તરફ આગળ જવા વધી. તેમની આંખોમાં ભવિષ્યની એક દિવ્ય ઝાંખી હતી. તેમણે ધરાને કહ્યું,
"આ દેવતાઓની ભૂમિ પર આજે દૈત્યોએ કબજો કરી લીધો છે. ધર્મના મંદિરો ખંડેર બની ગયા છે અને સત્યને સાંકળોમાં બાંધી દેવામાં આવ્યું છે. પરંતુ ભગવાન ક્યારેય એવી જગ્યાએ અવતાર લેતા નથી જ્યાં પૌરુષત્વ સંપૂર્ણપણે મરી ગયું હોય. ભગવાન ત્યાં જ પ્રગટ થાય છે જ્યાં એક અંશ પણ ધર્મ, સાહસ અને સત્ય માટે લડવાની જ્વાળા જીવંત હોય."
નિલક્રિષ્નાના શબ્દોમાં અતૂટ વિશ્વાસ હતો,
"આ શૈતાનોની દુનિયામાં હવે એવો ભાવ લગભગ નષ્ટ થઈ ગયો છે, છતાં હું અહીં જ રહીશ. જ્યાં સુધી મારા હૃદયમાં ધર્મ માટેનો સંકલ્પ જીવંત છે, ત્યાં સુધી આ ભૂમિ સંપૂર્ણપણે અધર્મની બની શકે નહીં. મારું પૌરુષત્વ, મારું તપ અને મારું સમર્પણ ભગવાનને ફરી અવતાર લેવા માટે મજબૂર કરશે."
ધરા આશ્ચર્યથી તેમની તરફ જોઈ રહી.
ત્યારે નિલક્રિષ્નાએ એક મહાન રહસ્ય પ્રગટ કર્યું,
"સમય આવશે જ્યારે ભગવાન વિષ્ણુ કલ્કિ અવતાર ધારણ કરશે. કલિયુગના અંતિમ અંધકારમાં જ્યારે સમગ્ર જગત અધર્મના ભારથી કંપી ઊઠશે, ત્યારે શ્વેત અશ્વ પર આરુઢ થઈ કલ્કિ આ પૃથ્વી પર અવતરશે. પરંતુ તેમના આગમન પહેલાં એક કાર્ય પૂર્ણ થવું આવશ્યક છે."
તેમણે આકાશ તરફ નજર કરી.
"નીલમાધવનું હૃદય એ દિવ્ય શક્તિનું કેન્દ્ર છે, જે સત્યયુગથી ધર્મની જ્યોતિને પ્રજ્વલિત રાખે છે. અસુરો તેને પ્રાપ્ત ન કરી શકે, તેથી નીલમાધવના હૃદયને પૃથ્વી પર મેં એક એવી ગુપ્ત જગ્યાએ સુરક્ષિત રાખ્યું છે, જ્યાં કોઈ અસુર, કોઈ દૈત્ય અને કોઈ શૈતાની શક્તિ પહોંચી શકશે નહીં."
"જ્યારે કલ્કિ અવતાર પ્રગટ થશે, ત્યારે તેઓ સૌથી પહેલા મને શોધશે. હું નીલમાધવનું તે દિવ્ય હૃદય તેમને અર્પણ કરીશ. તે હૃદય પોતાની અંદર ધારણ કરીને જ કલ્કિ પૂર્ણ શક્તિ પ્રાપ્ત કરશે અને અધર્મના મૂળનો નાશ કરી શકશે."
પરંતુ એ ક્ષણ હજુ ઘણી દૂર હતી. વર્ષો નહીં, યુગો પસાર થવાના હતા. ધરતીને હજુ અસંખ્ય પીડાઓ સહન કરવાની હતી. અસુરોના અત્યાચાર વધવાના હતા. મનુષ્ય પોતાના સ્વાર્થમાં ધર્મને ભૂલવાનો હતો. સંબંધોમાંથી વિશ્વાસ ખૂટવાનો હતો અને સત્યને અસત્યના પડછાયામાં જીવવું પડવાનું હતું.
આમ કહેતા તેની આંખોમાં એક અજોડ તેજ પ્રગટ થયું. એ તેજમાં દુઃખ પણ હતું, ક્રોધ પણ હતો અને અડગ વિશ્વાસ પણ જીવંત હતો. પછી એ ધીમે ધીમે પૃથ્વી પર જવા નીકળી. એણે એક વાર પણ નિલભૂમિ તરફ નજર ન કરી. કારણ કે એ જાણતી હતી જો એ ફરી એક વાર નિલભૂમિને જોશે, તો કદાચ પોતાના ભાવોને રોકી નહીં શકે. સમુદ્રની ઉશ્કેરાયેલી લહેરો વચ્ચે તે ફરી અંધકારમય જળરાજ્ય તરફ આગળ વધવા લાગી. દરેક પગલે જાણે સમુદ્રક પોતે એમને રોકવા ચીસો પાડી રહ્યો હતો. પરંતુ ધૃણના ચહેરા પર હવે અદ્દભુત શાંતિ હતી.
એ શાંતિ કોઈ સામાન્ય મનુષ્યની નહોતી,
એ શાંતિ એવા યોદ્ધાની હતી, જેણે પોતાની આખી જિંદગી માત્ર એક આશા માટે સમર્પિત કરી દીધી હોય
“પ્રભુ ફરી આવશે.” સાથે સાથે એક વાતની ખુશી હતી કે એક નવી ભુમિ જન્મ લઈ ચુકી હતી એ હતી નિલભુમિ, જ્યાં માત્ર સતયુગ જ હતો.
પૃથ્વી પર શૈતાની સામ્રાજ્ય હતું છતાં પણ આશા જીવંત હતી. કારણ કે નિલક્રિષ્ના હજુ પૃથ્વી પર જ હતી. તે પૃથ્વીની અંતિમ રક્ષક બનીને તપમાં લીન રહી. દરેક શ્વાસ સાથે તે ભગવાનના આગમનની પ્રાર્થના કરતી હતી. દરેક દિવસ સાથે તેમનો સંકલ્પ વધુ પ્રબળ બનતો ગયો.
એક દિવસ કલિયુગના અંધકારનો અંત આવશે. આકાશમાં દિવ્ય પ્રકાશ ફેલાશે. ભગવાન વિષ્ણુ કલ્કિ સ્વરૂપે અવતરશે. તેમની દિવ્ય તલવારના એક જ પ્રહારે અસુર સામ્રાજ્યો ધ્વસ્ત થઈ જશે. દૈત્યોની અહંકારભરી ગર્જનાઓ સદાકાળ માટે શાંત થઈ જશે. ધરતી પર ફરી ધર્મનો વિજય થશે. દેવતાઓની ભૂમિ ફરી દેવતાઓને પ્રાપ્ત થશે. નદીઓ ફરી અમૃત સમાન નિર્મળ વહેશે. વનોમાં ફરી જીવનનું સંગીત ગુંજશે. મનુષ્યના હૃદયમાંથી ભય દૂર થશે અને સત્ય, કરુણા તથા ધર્મ ફરીથી માનવ જીવનનો આધાર બનશે. અને ફરી આ પવિત્ર ધરતી પર ફરી એકવાર સુવર્ણયુગની સ્થાપના થશે.
એવો સુવર્ણયુગ, જ્યાં અધર્મનો કોઈ અંશ નહીં હોય, જ્યાં સત્ય સર્વોચ્ચ હશે અને જ્યાં ભગવાનની કૃપા દરેક જીવ પર વરસશે. નિલક્રિષ્નાનું તપ પૂર્ણ થશે. અને તેમની હજારો વર્ષોની પ્રતીક્ષા ધર્મના મહાવિજયમાં પરિણમશે.
******
વિરમન્યુ સંપૂર્ણ રીતે ઉભો થઈ શકયો ન હતો. માત્ર પડખું ફરીને ફરી નિંદ્રામાં દફન થઈ ગયો હતો. સમયની એ ભયંકર અવધિ પૂર્ણ થઈ ગઈ હતી. તેથી વિનાશનો ખતરો હાલ માટે પાંચ હજાર વર્ષ દૂર ખસી ગયો હતો. પરંતુ હવે પાંચ હજાર વર્ષ પછી વિરમન્યુ ઉઠશે ત્યારે શું થશે?
પાંચ હજાર વર્ષથી અંધકારના ગર્ભમાં સુતેલો વિરમન્યુ,
એ માત્ર એક શરીર નથી, એક વિનાશક ચેતના છે.
શૈતાનોની આંખોમાં હવે ડર નહોતો, કારણ કે પૃથ્વી પર તેમનું રાજ ફેલાઈ ચૂક્યું હતું. પણ તેમ છતાં તેઓ અધૂરા હતા. એમને રાહ હતી પોતાના “ભગવાન”ની, વિરમન્યુની.
પણ પ્રશ્ન માત્ર એટલો નહોતો કે વિરમન્યુ જાગશે કે નહીં. પ્રશ્ન એ હતો, જાગ્યા પછી એ “કયો દિમાગ” ચલાવશે?
માનવનો?
રાક્ષસનો?
કે પછી એ પ્રાચીન બ્રહ્મચેતનાનો,
જે એક વખત આખા બ્રહ્માંડને ઝૂકાવી ચૂકી હતી?
શરીર સમાપ્ત થયું હતું, પરંતુ વિરમન્યુ માટે મૃત્યુ માત્ર એક “વિરામ” હતું.
રહસ્યો હવે ધીમે ધીમે ખુલ્લી રહ્યું હતું, અંધકાર ફરી આંખો ખોલી રહ્યો હતો. વિરમન્યુની આસપાસ અગ્નિવર્તુળ રચાઈ ચૂક્યાં હતાં, કાળી મંત્રધ્વનિઓ ગુંજી રહી હતી. અને વચ્ચે પડેલું હતું એ અજ્ઞાત “મણી”, જેમાં બંધ હતી પાંચ હજાર વર્ષની સ્મૃતિ, શક્તિ અને વિનાશની ભૂખ.
પાંચ હજાર વર્ષ ફરી પુર્ણ થવા આવ્યા હતાં. જ્યારે હવે એ ઉઠશે, ત્યારે કદાચ એનું શરીર દુગણું નહીં. પણ એની શક્તિ અસીમિત બની ગઈ હશે. અને જો એ મણી ફરી સક્રિય થશે. તો શું નિલભૂમિના મનુષ્યો સુધી એની પહોંચ થશે? શું ફરી શરૂ થશે દેવો અને દૈતો વચ્ચેનું યુદ્ધ? કે પછી માનવજાત જ બનશે નવા વિનાશનું કારણ?
અને “નિલક્રિષ્ના - ૨” માં શરૂ થશે એક એવી કથા,
જ્યાં સમય પણ ડરી જશે.
"નિલક્રિષ્ના - ૨" જલ્દી જ…!
અંત નહી, હવે શરૂઆત થશે.
સમાપ્ત
- હેતલ ઘેટીયા 'કૃષ્ણપ્રિયા'✍️