part 61 in Gujarati Spiritual Stories by કૃષ્ણપ્રિયા books and stories PDF | નિલક્રિષ્ના - ભાગ 61

Featured Books
Categories
Share

નિલક્રિષ્ના - ભાગ 61

અમીનાં છાંટણાં કરવાથી નિલ ભૂમિનું ઝેર દૂર થશે. પરંતુ, એ ઝેરનો સદાકાળ માટે નાશ કેવી રીતે કરવો એ પ્રશ્ન બધા દેવતાઓ માટે ચિંતાનો વિષય બની ગયો હતો.
નિલભૂમિમાં ફેલાયેલું એ વિષ એટલું ભયંકર હતું કે સ્વયં ધરા પાસે પણ તેનો કોઈ ઉપાય નહોતો. અંતે તેણે નિલભૂમિની પવિત્ર ભૂમિ પર મહાદેવનું શિવલિંગ સ્થાપિત કર્યું અને અનન્ય ભક્તિથી પૂજા-અર્ચના તથા તપ શરૂ કર્યું. ધરાની નિષ્ઠાભરી પ્રાર્થનાથી મહાદેવ પ્રસન્ન થયા. તેઓ પ્રગટ થયા અને કરુણાભરી વાણીમાં બોલ્યા,

"હે ધરા, આ વિષને ઓગાળવાની અને પચાવવાની શક્તિનું વરદાન મેં તારી પુત્રી નિલક્રિષ્નાને આપ્યું છે. નિલભૂમિમાં જ્યાં જ્યાં આ ઝેર ફેલાયું છે, તે બધું પોતાની કાયામાં સમાવી લેવાની ક્ષમતા માત્ર તેની પાસે જ છે.

પરંતુ જ્યારે આ વિષ તેના શરીરમાં પ્રવેશશે, ત્યારે તેના  વર્ણમાં પરિવર્તન આવવા લાગશે. ધીમે ધીમે તેની સમગ્ર કાયા લીલાછમ બની જશે. છતાં તું ગભરાતી નહીં; આ વિષ તેને કોઈ હાનિ પહોંચાડી શકશે નહીં. તે આ ઝેરને પોતાની અંદર સમાવી પચાવી લેશે અને નિલભૂમિને ફરી નિર્મળ બનાવી દેશે.

જે દિવસે તે આ મહાકાર્ય પૂર્ણ કરશે, તે દિવસથી સમગ્ર સૃષ્ટિ તેને 'નિલક્રિષ્ના' નામે ઓળખશે."

મહાદેવ અંતર્ધાન થયા, પરંતુ તેમના શબ્દો ધરાના હૃદયમાં આશાનો દીપ પ્રગટાવી ગયા. હવે ધરા આતુરતાપૂર્વક નિલક્રિષ્નાની રાહ જોઈ રહી હતી, એ ક્ષણની રાહ, જ્યારે તેની પુત્રી અમી લઈને પાછી ફરશે અને નિલભૂમિને સદાકાળ માટે વિષમુક્ત કરવાનો મહાયજ્ઞ શરૂ કરશે.


આ બાજુ સમુદ્રની ગહરાય વચ્ચે વિરમન્યુ પડખું ફરવાનું શરૂ કરી દીધું હતું. જેમ જેમ એ હલતો હતો. એમ એમ શૈતાનોમાં વધુ તાકાત ફેલાતી હતી. વિરમન્યુમાં જીવ આવવાનો શરૂ થઈ જતાં. બધી જ શૈતાની સેના પૃથ્વી તરફ આગળ વધવા લાગી ગઈ હતી. દૈત્યરાજ કેતુક અને વરણ્ય આગળ વધી પોતાની સેનામાં વધારે જોમ ભરી રહ્યા હતાં.

દૈત્યરાજ કેતુકની સેના પૃથ્વીનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કરવા જઈ રહી હતી. અને વિરમન્યુના રેડ ગ્રહની સેના દરિયાનાં પાણીમાંથી ઉછળતી કૂદતી હાંકલ મારતી
હુંફાળી ફુફાળી થઇને અંદર પ્રવેશ કરી રહી હતી.

ચારેકોરથી વાયુવેગે રાક્ષસી સેના મનુષ્યો પર તૂટી રહી હતી. મનુષ્યોને જવું તો ક્યાં જવું. ભયનો ક્રોપ બધી બાજુથી છલાગુ મારી રહ્યો હતો. 

મનુષ્યોને વધારે ડરાવવા માટે શૈતાનોનું ઝુંડ એની ફરતે ગોળ ઘેરો કરી રહ્યું હતું.અને મનુષ્યને પોતાની ઝપેટમાં લેવા માટે મોટા અવાજથી ગર્જના કરી રહ્યા હતા.આ અવાજથી વાયુદેવ પણ ડરી ગયા.દેવલોક તરફ એને ઝડપભેર પ્રયાણ કર્યું.કેમ કે,શૈતાનોએ પૃથ્વી પર કબજો કરી લીધો હતો.તેથી ત્યાંની હવા પણ દૈત્યો દ્વારા નિર્મિત હતી. પૃથ્વી પર હવે દૈત્ય સર્જીત હવા ફુંકાવા લાગી ગઈ હતી. ગરમી વધવાથી તેનું ઉકરાટ થવા લાગ્યો હતો. તેથી બધાનાં હદયમાં મુંઝારો વળવા લાગ્યો હતો.

પૃથ્વીમાં પ્રવેશ કર્યા પછી અસુરસેના પોતાનો આક્રંદથી મનુષ્યોમાં લાલસાઓ ભરવા લાગી. અને મનુષ્યો પણ એનાં સ્પર્શથી એનાં જેવી જ શૈતાનવૃતી શીખવા લાગી ગયા.

દૈત્યરાજ કેતુક : "મનુષ્યો, હજુ પણ સમય છે. જેને દેવતાને પુજવા છે તે અત્યારે જ અહીં જ મોતને ઘાટ ઉતરી જશે. જીવીત બચ્યા પછી અહીં દૈત્યોને જ પૂજવા પડશે. અમારી આજ્ઞાનું જ પાલન કરવું પડશે. જો કોઈ આડા અવળું કરશે, તો સજાએ મૃત્યુદંડ ફટકારવામાં આવશે.

મનુષ્યો:  "શૈતાની વૃતિ અમારી રગરગમાં ભરાઇ ગઇ છે. દેવતા શું છે? એ પણ અમે ભુલી ગયા છીએ. તમે જ અમારા ગોડ છો."

વિરમન્યુની નિદ્રા તૂટવાની માત્ર આહટથી જ સમગ્ર સૃષ્ટિના સંતુલનમાં ભયંકર કંપન ફેલાઈ ગયું હતું. એ જાણે કોઈ એક દૈત્ય નહીં, પરંતુ અંધકારનું જ જીવતું સ્વરૂપ હતો. એની અંદર હજારો યુગોથી સંગ્રહાયેલો ક્રોધ હવે ધીમે ધીમે બહાર આવવા લાગ્યો હતો.

જેમ જેમ વિરમન્યુનું વિશાળ હાડપિંજર હલવા લાગ્યું, તેમ ભદ્રકાળીની અંધકારી ગુફામાં પડેલા હજારો મૃત હાડપિંજરોમાં ફરી પ્રાણ પ્રવેશવા લાગ્યા. સૂકા હાડકાંઓ વચ્ચે લાલ અગ્નિ જેવી રોશની દોડવા લાગી.એમની ખાલી આંખોની જગ્યા પર લોહી જેવો લાલ તેજ પ્રગટ થયો. જાણે મૃત્યુ પોતે જ જીવતું થઈ ગયું હોય. એ રાક્ષસી જીવોએ એકસાથે ગર્જના કરી.એ ગર્જનાથી ગુફાની દિવાલો તૂટી પડવા લાગી. પૃથ્વીના સમુદ્રોમાં ભયંકર મોજાં ઊછળવા લાગ્યાં. આકાશ કાળું બની ગયું. ચંદ્રનો પ્રકાશ ધીમે ધીમે ગાયબ થવા લાગ્યો.

વિરમન્યુના રેડ ગ્રહ પર પડેલા મૃત માનવોના શરીરો પણ ફરી જીવંત થવા લાગ્યા. પરંતુ એ જીવન માનવત્વથી ખાલી હતું. એ લોકોની આંખોમાં કોઈ ભાવ ન હતો. માત્ર ક્રોધ અને વિનાશની ભૂખ હતી. એ મૃત આત્માઓ લોહીના આંસુ વહાવતા પૃથ્વીની દિશામાં આગળ વધવા લાગ્યા.

સમુદ્રની અંદર અજબ પરિવર્તન શરૂ થઈ ગયું હતું. શૈતાની ઊર્જાના પ્રસારથી પાણીનો દબાણ અસહ્ય રીતે વધી રહ્યો હતો. માછલીઓના જૂથો તરતાં તરતાં મૃત્યુ પામવા લાગ્યા. વિશાળ વ્હેલ માછલીઓ પાણીની અંદર જ ફાટી પડતી હતી. સમુદ્રનો રંગ ધીમે ધીમે નીલાથી કાળો બનતો ગયો.દેવતાઓ દેવલોકમાંથી આ ભયંકર દ્રશ્યો જોઈ રહ્યા હતા. પ્રથમ વખત એમના દિવ્ય ચહેરા પર પણ ભય સ્પષ્ટ દેખાતો હતો. કારણ કે, આ યુદ્ધ માત્ર પૃથ્વી માટે નહોતું. આ યુદ્ધ આખી સૃષ્ટિના અસ્તિત્વ માટે હતું.

ઇન્દ્રે પોતાના વજ્રને મજબૂતીથી પકડી લીધો. વરુણદેવના સમુદ્રોમાં કંપન ફેલાઈ ગયું. અગ્નિદેવની જ્વાળાઓ કમજોર થવા લાગી. યમરાજ સુધીને લાગવા લાગ્યું કે મૃત્યુનો દરવાજો હવે નિયંત્રણ બહાર જઈ રહ્યો છે. દેવતાઓ આ અસૂરોને રોકવા પૃથ્વી તરફ ઉતરવા લાગ્યા. પરંતુ એમને પણ ખબર હતી કે, વિરમન્યુની શક્તિ સામે સીધું યુદ્ધ કરવું એટલે વિનાશને આમંત્રણ આપવું.

દૈત્યરાજ વરણ્યે પોતાના અગ્નિમય હથિયારનો એક જ ઘા કર્યો. અને પૃથ્વીના રક્ષણ માટે ઉભી વિશાળ દિવાલ ક્ષણોમાં તૂટી પડી. એની સાથે હજારો અસુરો અંદર ઘૂસી આવ્યા. એમના હાથમાં તીક્ષ્ણ ભાલા, અગ્નિતલવારો અને ઝેરી હથિયારો હતાં. એ લોકો મનુષ્યોને કાપતાં આગળ વધી રહ્યા હતાં.

અકાલનું રાક્ષસી સૈન્ય ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ વધવા લાગ્યું. જ્યાં જ્યાં એ પસાર થાય ત્યાં બરફ કાળો પડી જતો હતો. જળચર પ્રાણીઓ અસુરોના નિયંત્રણમાં આવી ગયાં હતાં. વિશાળ ઓક્ટોપસ અને એનાકોન્ડા સમુદ્રમાંથી બહાર આવી શહેરોને તોડી રહ્યા હતાં.

આકાશમાં વૃજાના તોતિંગ પક્ષીઓ ગોળ ચક્કર મારી રહ્યા હતાં. એ પક્ષીઓના પંખોથી તોફાની પવન ઊભો થતો હતો. એક જ ક્ષણે એ દસ-દસ મનુષ્યોને પોતાની ચાંચમાં ઉઠાવી આકાશમાં લઈ જતાં, અને પછી હજારો ફૂટ ઊંચાઈથી જમીન પર ફેંકી દેતા હતા. મનુષ્યોના શરીરો જમીનમાં પડતા જ ખુંચી જતા હતાં.

વૃજા આ બધું જાણે રમતની જેમ માણી રહી હતી. એની આંખોમાં ભયંકર આનંદ દેખાતો હતો. આજ સુધી પૃથ્વીમાં પ્રવેશ ન કરી શકનાર એ દૈત્યણી આજે પોતાના વિનાશનો ઉત્સવ ઉજવી રહી હતી.

મનુષ્યોએ હિંમત કરીને અણુબોમ્બ, મિસાઈલ, રાઈફલ અને અદ્યતન હથિયારોનો ઉપયોગ કર્યો. પરંતુ અસુરોના શરીરો પર એની કોઈ અસર થતી ન હતી. ઘણા શૈતાનો બોમ્બના વિસ્ફોટ પછી ફરી ઉભા થઈ જતા હતા.
જાણે મૃત્યુએ એમને સ્પર્શવાનું જ છોડી દીધું હોય.

ચારેય તરફ કપાયેલા હાથ, પગ અને માથાં પડેલા હતાં.
લોહીની ગંધ હવામાં ભળી ગઈ હતી. પૃથ્વી હવે યુદ્ધભૂમિ નહીં, પરંતુ નર્ક બની ગઈ હતી પૃથ્વી પર શૈતાનોનું રાજ વધતું ગયું. વૃક્ષો સુકાઈ ગયા. નદીઓ ઝેરી બની ગઈ. પવનમાં એવી દુર્ગંધ ફેલાઈ કે પ્રાણીઓ શ્વાસ લઈ ન શકતાં હતાં. પૃથ્વી પર મનુષ્યો ભયથી પાગલ બની રહ્યા હતાં. લોકોને સમજાતું ન હતું કે ક્યાં ભાગવું. જે દિશામાં જાય ત્યાં શૈતાનોની સેના ઉભી દેખાતી હતી. આકાશમાં ચીસો ગુંજતી હતી. ધરતી પર લોહીની નદીઓ વહેતી હતી.

શૈતાનોની ઝપેટમાં આવેલા મનુષ્યો પોતાનું માનવત્વ ગુમાવી બેઠા હતાં. લોકો એકબીજાનું લોહી પીવા લાગ્યા. માતાપિતા પોતાના જ બાળકોનો બલિદાન આપવા લાગ્યા. થોડી જ ક્ષણોમાં માનવ સમાજ સંપૂર્ણપણે શૈતાની સ્વભાવમાં બદલવા લાગ્યો. મનુષ્યોના મગજ હવે એમના પોતાના રહ્યા ન હતાં. શૈતાનો એમના વિચારો નિયંત્રિત કરવા લાગ્યા. લોકોને એ પણ સમજાતું ન હતું કે સાચું શું ને ખોટું શું?

વિરમન્યુનું વિશાળ શરીરમાં જેમ જેમ જીવ આવતો ગયો તેમ તેમ યુગોથી દબાયેલી અંધકારમય શક્તિઓ જાગૃત થવા લાગી. તેના શરીરના કંપનથી ધરતી ધ્રુજી ઊઠી, પર્વતોના શિખરો હચમચી ગયા અને આકાશમાં ભયાનક ગર્જનાઓ ગુંજવા લાગી. વિરમન્યુના અંગોમાંથી નીકળતી કાળી ઊર્જાએ અસંખ્ય દૈત્ય અને અસુરોને વધુ શક્તિશાળી બનાવ્યાં. અસૂરોની આંખોમાં વિનાશની જ્વાળા સળગી રહી હતી. અને તેમના મનમાં માત્ર એક જ ધ્યેય હતો, પૃથ્વી પર અધિકાર સ્થાપિત કરવાનો.

અસુરોની વિશાળ સેનાઓ પૃથ્વીની ચારે તરફ ફેલાઈ ગઈ. ગામો, નગરો અને જંગલો પર તેમના હુમલા શરૂ થયા. જ્યાં નજર પડે ત્યાં હાહાકાર મચી ગયો. મનુષ્યો ભયથી કંપી ઊઠ્યા. કોઈ પોતાના પરિવારને બચાવવા દોડી રહ્યું હતું તો કોઈ આશ્રય શોધી રહ્યું હતું. સમગ્ર પૃથ્વી પર ભય અને અંધકારનું સામ્રાજ્ય ફેલાઈ ગયું હતું.

એ જ સમયે સમુદ્રના ગહન પેટાળમાં એક દિવ્ય સ્પંદન જાગ્યું. દરિયાની ઉછળતી મોજાઓ વચ્ચે તેજસ્વી પ્રકાશ પ્રગટ થયો. એ પ્રકાશમાંથી હેત્શિવા પ્રગટ થઈ. તેમના આગમનથી સમુદ્ર શાંત થઈ ગયો અને જળચરો પણ તેમની સમક્ષ નમન કરવા લાગ્યા. તેમની આંખોમાં કરુણા હતી, પરંતુ સાથે જ અધર્મનો અંત લાવવાનો અડગ સંકલ્પ પણ હતો.

હેત્શિવાને જ્યારે મનુષ્યોની વ્યથા જોઈ, ત્યારે તેમણે તરત જ તેમની રક્ષા કરવાનો નિર્ણય કર્યો. તેઓ સમુદ્રના અંતરાળમાં આવેલી એક પ્રાચીન દરીયાઈ સુરંગ તરફ આગળ વધ્યા. આ સુરંગ સામાન્ય ન હતી; તેને દેવશક્તિઓએ યુગો પહેલાં રચી હતી. સુરંગની અંદર અનેક રહસ્યમય માર્ગો અને વિશાળ ગુફાઓ હતી, જ્યાં બહારની કોઈ દુષ્ટ શક્તિ સરળતાથી પહોંચી શકતી ન હતી.

હેત્શિવાને પોતાના દિવ્ય તેજથી તે ગુફાઓને પ્રકાશિત કરી. દીવાલોમાંથી નીલવર્ણ કિરણો પ્રસરી રહ્યા હતા, જે ભયને શાંતિમાં ફેરવી દેતા હતા. ગુફાની અંદર સ્વચ્છ જળના ઝરણાં વહેતા હતા, દિવ્ય વૃક્ષો ફળ આપતા હતા અને શ્વાસમાં પણ જીવનશક્તિનો અનુભવ થતો હતો. જાણે સમુદ્રના પેટાળમાં એક નવું સુરક્ષિત વિશ્વ વસેલું હોય.

પછી હેત્શિવા પૃથ્વી પર પહોંચી અને ભયભીત મનુષ્યોને પોતાના સાથે તે ગુફાઓમાં લઈ જવા લાગી. વૃદ્ધો, બાળકો, સ્ત્રીઓ અને નિર્દોષ લોકોને તેમણે સુરક્ષિત આશ્રય આપ્યો. દરેકને વિશ્વાસ અપાવ્યો કે જ્યાં સુધી નીલભૂમિનું ઝેર દૂર ન થાય અને પૃથ્વી ફરી સુરક્ષિત ન બને, ત્યાં સુધી આ ગુફા તેમનું રક્ષણ કરશે.
ગુફાની બહાર અસુરોનો આતંક આમ ને આમ વધતો રહ્યો.

અને આ બધાની વચ્ચે અમિની શોધમાં ગયેલી નિલક્રિષ્નાની અંદર એક અગ્નિ ધગધગી રહ્યો હતો. કારણ કે, એને ખબર હતી. આ યુદ્ધ હવે માત્ર પૃથ્વીને બચાવવાનું નહોતું, આ યુદ્ધ માનવત્વના અંતિમ અસ્તિત્વને બચાવવાનું હતું.

- હેતલ ઘેટીયા 'કૃષ્ણપ્રિયા' ✍️