વાર્તા:- નાસ્તા વચ્ચે બોલાચાલી (હાસ્ય વાર્તા)
વાર્તાકાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.
આજે ઘરમાં સૌ કોઈ ખુશ હતાં. એક તો બાળકોને દિવાળી વેકેશન શરુ થઈ ગયું હતું અને ઉપરથી આજે ઘરમાં સૌને પસંદ એવા મઠીયા અને ચોળાફળી બન્યાં હતાં. મીઠાઈ તો પૂછવું જ શું! કાજુકતરી, બરફી, અંજીર રોલ - અહાહા! બાળકો તો આનંદથી ઝૂમી ઉઠ્યાં. એક બાજુ વેકેશન અને બીજી બાજુ મનભાવન નાસ્તો! પણ વિચારો કે જેમ મનુષ્યોમાં ઝગડા થાય છે એવા જ ઝગડા આ નાસ્તાઓ વચ્ચે થાય તો? ચાલો, આજે આવો જ એક ઝગડો આ ઘરમાં થયો છે. મજા લઈએ.
બપોર થઈ હતી. ઘરમાં બધાં શાંતિથી સૂતાં હતાં. સ્તુતિને ઉંઘ આવતી ન હતી એટલે રસોડામાં પાણી પીવાનાં બહાને જઈ રહી હતી. સાચું કારણ તો એ હતું કે એને દિવાળીનાં નાસ્તા ખાવા હતાં. રસોડામાંથી ધીમો ધીમો અવાજ આવી રહ્યો હતો. સમજ નહીં પડી ક્યાંથી! બધે જોયું પણ કોઈ દેખાયું નહીં. થોડી વાર કાન સરવા કર્યા ત્યારે ખબર પડી કે આ બધો અવાજ નાસ્તાનાં ડબ્બામાંથી આવી રહ્યો હતો. બાળકોનું દિવાળી વેકેશન હોવાથી ડબ્બામાં નાસ્તો થોડો વધારે હતો. આથી બધાં નાસ્તા પોતાને સરખી જગ્યા મળે એ માટે બીજા નાસ્તા સાથે મગજમારી કરી રહ્યાં હતાં.
ખાખરાએ પોતાનું વર્ચસ્વ જમાવ્યું હતું ને બટાકાની વેફર ફેલાઈને પડી હતી. બિસ્કિટનાં પેકેટ ખૂણામાં ક્યાંક અટવાતાં હતાં તો ભૂસુ એની જગ્યા શોધવા મથામણ કરી રહ્યું હતું. આવામાં બિચારા મમરા અને સેવ તો હળીમળીને રહ્યાં હતાં છતાં ડબ્બામાં જગ્યાનાં અભાવે બહાર એક કોથળીમાં રહીને ડબ્બામાં એમની જગ્યા થાય એની રાહ જોઈ રહ્યાં હતાં.
આ અવાજ સાંભળીને રસોડામાં પહોંચી ગયેલી સ્તુતિ વિચારમાં પડી ગઈ કે એને આ આવજો કેમ સંભળાય છે? અને આ અવાજો આવે છે ક્યાંથી? પછી એને જિજ્ઞાસા જાગી અને પોતાનાં કાન સરવા કર્યાં. એણે ધ્યાનથી સાંભળ્યું તો એ ચોંકી ગઈ. બધાં નાસ્તા અંદરોઅંદર જગ્યા માટે 'તુ તુ મેં મેં' કરી રહ્યાં હતાં.
બિસ્કિટનું પેકેટ બોલ્યું, "ઓય ખાખરા, તળિયે જઈને બેસ કે બીજાને જગ્યા મળે. આમ થાંભલાની જેમ વચમાં ઉભો છે તે! ઓ મેડમ, ઓ વેફર મેડમ, તમને જ બોલાવું છું. આમ ફેલાઈને પડી છે તે જરાક સંકોચાઈને રહે. આમ આટલી બધી જગ્યા રોકવાનો તને કોઈ હક નથી. અને હા, સાંભળો બંને જણાં. ડબ્બામાંથી બહાર કાઢી મુકીશ ને તો હવાઈને રોટલી જેવા થઈ જશો."
ખાખરા સમજુ હતાં એટલે બિસ્કિટને વળતો જવાબ ન આપ્યો. એને ખબર હતી કે ઘરમાં વધારે ઉપયોગ તો ખાખરાનો જ થાય છે. બિસ્કિટ તો ભાગ્યે જ ખવાય છે, ખાસ કરીને ચા કે કૉફી પીવાતી હોય ત્યારે! ભલે ને એ ઉછળકૂદ કરતી!
પણ વેફરને બરાબર ગુસ્સો આવ્યો. આ ચપટી બિસ્કિટ સમજે છે શું પોતાને? "ઓય ચીબાવલી બિસ્કિટ, બોલવાનું ભાન રાખજે. પાણીમાં બોળી દઈશ ને તો ખાવા લાયક નહીં રહેશે. પછી તને સીધી કચરાનાં ડબ્બામાં જ નાંખવામાં આવશે." પછી તો એ બંને વચ્ચે બરાબર જામી. એટલી વારમાં ખાખરાએ ધીમે રહીને નીચે સરકી લીધું. આરામથી ડબ્બાનાં તળિયે જઈને સુઈ ગયા.
હવે બાકી બચ્યું ભૂસુ! એ અકળાતું હતું. વેફર અને બિસ્કિટ ચૂપ થવાનું નામ લેતાં નહોતાં. હવે ભૂસામાં રહેલાં ગાંઠિયા, પાપડી, બુંદી, સેવ, ચેવડો, શિંગદાણા પણ બંડ પોકારવાની તૈયારીમાં જ હતાં. પણ એમને ખબર હતી કે એ લોકો ગમે એટલું બોલે કોઈને કોઈ ફેર પડવાનો હતો નહીં, કારણકે એમનું પેકેટ તો હજુ એમનું એમ જ હતું. કોઈએ એને તોડ્યું ન હતું. એટલે અંદર બેઠાં બેઠાં એઓ ગમે એટલી બૂમ પાડે કોઈ સાંભળે એમ હતું નહીં.
આથી એ બધાંએ અંદરોઅંદર ચર્ચા શરુ કરી. પાપડી બોલી, "ખરાં છે આ લોકો. બંનેને રહેવા માટે અલગઅલગ કોથળી આપી છે તો પણ શાંતિ નથી. આપણને જુઓ. આપણે બધાં તો એક જ કોથળીમાં કેવા સંપીને રહીએ છીએ! સૌથી વધારે જગ્યા હું રોકુ છું. મને પણ ખબર છે આની. પણ મારો આકાર જ આવો છે તો એમાં હું શું કરું? છતાં પણ તમે બધાં મારી સાથે હળીમળીને રહો જ છો ને!"
એટલે સેવ બોલી, "હાસ્તો પાપડીબહેન. સંપીને તો રહેવું જ પડે ને! આપણે સંપીને રહીએ છીએ એટલે જ તો બધાંને વધારે ભાવીએ છીએ. આપણને તો આ મમરા સાથે ભેળવીને, સૂકી કે લીલી ભેળ બનાવીને પણ બધાં કેવા મજાથી ખાય છે! કેમ, બરાબર ને મમરાભાઈ?"
એટલે ડબ્બાની બહાર રહેલાં મમરા તરત બોલી ઉઠ્યાં, "હા હા, સેવબેન. એકદમ સાચી વાત કહી તમે. એક જ ઘરમાં રહીને ક્યાં એકબીજા સાથે લડવું? એટલે જ કદાચ આપણે બધાંને વધારે પસંદ આવીએ છીએ. જુઓ ને મને! હું તો ડબ્બામાં પણ નથી, છતાંય આ ઘરમાં બધાં ખાતી વખતે તો ભૂસું ભેગાં મને પણ લઈ લે છે. અને જુઓ, વેફર પણ એકલી જ ખાવી પડે છે અને બિસ્કિટ પણ. બહુ બહુ તો બિસ્કિટને ચામાં કે દૂધમાં બોળીને સાવ પોચી કરીને ખાય છે બધાં. એમનું કોઈ સાથે બનતું જ નથી."
આમ ને આમ ચર્ચા આગળ વધતી ગઈ. સ્તુતિ ચૂપચાપ સાંભળતી હતી. એટલામાં બીજા એક ડબ્બામાં બંધ પડેલી ચોળાફળી અને એક બહુ મોટા ડબ્બામાં પડેલા મઠીયાં પણ મેદાનમાં ઉતર્યા. એમનો તો ડબ્બો ય બંધ હતો, પણ આ બધાંનો ઘોંઘાટ સાંભળી એ બંનેને પણ આ શાબ્દિક યુદ્ધમાં આવવાનું મન થયું.
ચોળાફળી બોલી, "ઓ વેફર, અને ઓય બિસ્કિટ, બહુ વધારે પડતું બોલવાનું રહેવા દો. હમણાં દિવાળી ચાલે છે, તમારાં બધાંનો તો કોઈ આમ પણ ભાવ પૂછતું નથી. હમણાં તો મારી બોલબાલા છે. ઘરે મહેમાન આવે ને તો પણ એમનું સ્વાગત મારાથી જ થાય છે." ચોળાફળીને વધારે પડતું બોલતાં સાંભળી મઠીયાથી ન રહેવાયું. એ બોલ્યા, "ઓ ચોળાફળી, થોડી મ્યાનમાં રહે. બહુ હવામાં ન ઊડ. તારા પર છાંટેલ મસાલાને લીધે અમુક લોકો તને ખાતાં નથી. નાનાં બાળકોને પણ તુ તીખી લાગે છે. મને જો! હું બધાને ભાવું. મારી આગળ તો આખુંય વર્ષ ખવાતાં પાપડ પણ બિચારાં એમનેમ પડી રહે."
આમ ને આમ ચર્ચા આગળ વધતી ગઈ. હજી પણ સેવ મમરા તો કશું બોલ્યા જ નહોતાં. બંનેએ નક્કી કર્યું હતું કે એઓ આ બાબતમાં વચ્ચે પડશે જ નહીં. હમણાં ભલેને આ બધાં ઉછળતાં, આખુંય વર્ષ તો એ બંનેનું જ રાજ ચાલે છે ને! પંદર વીસ દિવસ માટે ભલે ને કોઈ એમને ન જોતું! પણ એમને એ ખબર છે કે આ ભલભલા નાસ્તા કેમ ન પડ્યાં હોય, સ્તુતિની મમ્મી તો સેવ મમરા ખાધા વગર રહેશે જ નહીં!
આટલો ઝગડો ઓછો હોય એમ એમાં મીઠાઈએ પણ ઝંપલાવ્યું. કાજુકતરી અને અંજીરરોલે જ તો વળી! બરફી તો ક્યારની શાંતિથી સુઈ ગઈ હતી, ફ્રીઝની મસ્ત ઠંડીમાં! કાજુકતરી કહે, "દિવાળી હોય કે કોઈ પણ શુભ પ્રસંગ, હું તો બધાંની માનીતી." ત્યાં અંજીરરોલ બોલ્યો, "હા હા, પણ જ્યાં સુધી હું ન હોઉં ત્યાં સુધી જ! હું હોઉં તો તારે બદલે મારી ગણતરી વધારે થાય. તુ માત્ર કાજુમાંથી બની છે, જ્યારે હું કાજુ સાથે અંજીર પણ. એકદમ સરસ સ્વાદ લાગે મારો."
આટલું સાંભળ્યું એટલે કાજુકતરી થોડી ઝંખવાણી પડી ગઈ. પછી બહુ વધારે ન બોલી, કેમકે એ જાણતી હતી કે અંજીરરોલની વાત તો સાચી જ હતી. આમ ને આમ ઝગડો ચાલતો હતો એવામાં સાંજ પડી ગઈ. બધાં ઉઠી ગયાં અને સૌને નાસ્તો જોઈને જ ભૂખ લાગી ગઈ. બાળકો બધાં વેફર પર તૂટી પડ્યાં. અડધા કલાકમાં તો બધી વેફર ખલાસ! ડબ્બામાં ઘણી બધી જગ્યા થઈ ગઈ. હવે બિસ્કિટને બીક લાગી કે વેફર જેવા હાલ એનાં તો ન થાય ને? પણ કોઈએ એનાં તરફ જોયું પણ નહીં.
અને બીજી તરફ મઠીયા અને ચોળાફળી પણ લગભગ પોણા ભાગનાં ખલાસ થઈ ગયાં. કાજુકતરી તો હજુ એમની એમ જ પડી હતી કારણકે એને ખાવાની વડીલો તરફથી ના ફરમાવવામાં આવી હતી. તહેવારો ચાલુ થાય ત્યારે ખાવાની. એટલે એ થોડી મનોમન હરખાતી હતી. હવે બધાં એકદમ ચુપ. બધાંને સમજાઈ ગયું કે વ્યર્થ ઝગડો કર્યો. અંતે તો એમનો વપરાશ જ થવાનો હતો.
પણ આ શું? દાદાજી આવ્યા રસોડામાં! બધાં ફફડી ઉઠ્યાં કે હવે આ આપણને ખાઈ જશે અને આપણો પણ નાશ થવાનો. પણ સૌનાં આશ્ચર્ય વચ્ચે દાદાજીએ તો એક વાટકી ભરીને ડબ્બાની બહાર કોથળીમાં રહેલાં સેવ મમરા લીધાં અને બાકીનાં કોથળી સાથે જ ડબ્બામાં મુકી દીધાં. આમ પણ હવે ડબ્બામાં જગ્યા જ જગ્યા હતી. ડબ્બામાં ગયાં પછી સેવ મમરાનો તો હરખ સમાતો ન હતો. એઓ કશું જ ન બોલ્યાં છતાં પણ બિસ્કિટ ઝંખવાણી પડી ગઈ.
બસ, બધાં ચૂપ. રાત પડી ગઈ, અંધારું થઈ ગયું. જમીને બધાં સુઈ ગયાં. નાસ્તા અને મીઠાઈ પણ!
આભાર.
સ્નેહલ જાની.