અમદાવાદના નવરંગપુરાની સાંજ હંમેશાની જેમ વ્યસ્ત હતી. રસ્તાઓ પર વાહનોની લાઈટો ચમકી રહી હતી. લોકો પોતાના કામ પૂરા કરીને ઘરે જવાની ઉતાવળમાં હતા.
એજ રસ્તા પર એક નાની ચાની કીટલી હતી : “જય અંબે ટી સ્ટોલ”ત્યાં દરરોજ સાંજે એક યુવક આવતો. નામ હતું અનિરુદ્ધ. ઉંમર લગભગ અઠ્ઠાવીસ. ચહેરા પર શાંતિ હતી, પણ આંખોમાં કોઈ અધૂરી વાર્તા છુપાયેલી લાગતી.તે ત્યાં બેસીને એક કપ કડક ચા પીતા-પીતા લોકો જોતો રહેતો.
દરરોજ સાંજે લગભગ સાત વાગ્યે એક યુવતી પણ ત્યાં આવતી.તેનું નામ હતું માહી.સાદી કોટન કુર્તી, ખભા પર બેગ અને ચહેરા પર હળવું સ્મિત.માહી સામેની કોચિંગ ક્લાસમાં બાળકોને અંગ્રેજી શીખવતી હતી.
શરૂઆતમાં બન્ને ફક્ત એકબીજાને જોતા. ન બોલતા. ન ઓળખતા પણ ક્યારેક અજાણ્યા લોકો પણ જીવનનો મહત્વનો ભાગ બની જાય છે.
એક દિવસ વરસાદ શરૂ થયો.લોકો દોડતા થયા. માહી છત્રી લાવવાનું ભૂલી ગઈ હતી. તે કીટલીની શેડ નીચે ઊભી રહી.અનિરુદ્ધ પહેલેથી જ ત્યાં હતો.
ચાવાળાએ મજાકમાં કહ્યું, “સાહેબ, આજે તો વરસાદે ગ્રાહકો વધારી દીધા.”માહી હળવેથી હસી.
એ પહેલી વાર હતી જ્યારે અનિરુદ્ધે તેની અવાજ સાંભળ્યો.થોડીવાર પછી માહીએ ચા લીધી. ખિસ્સામાંથી પૈસા કાઢવા ગઈ, પણ પર્સમાં ફક્ત બે સોની નોટ હતી.
ચાવાળાએ કહ્યું, “છૂટા નથી બહેન.”
માહી થોડી ગભરાઈ ત્યારે અનિરુદ્ધે કહ્યું, “રહેવા દો, હું આપી દઉં.”
માહીએ તરત કહ્યું, “ના ના, હું કાલે આપી દઈશ.”
“મને વિશ્વાસ છે,” અનિરુદ્ધે શાંતિથી જવાબ આપ્યો.સામાન્ય વાક્ય હતું પણ માહીને ખબર નહોતી કેમ, એ શબ્દો દિલમાં રહી ગયા.
બીજે દિવસે માહી ખાસ પાંચ રૂપિયાનો સિક્કો લઈને આવી.અનિરુદ્ધ પહેલેથી બેઠો હતો.
માહી તેની સામે આવી અને બોલી, “આપના પાંચ રૂપિયા.”
અનિરુદ્ધ હસ્યો, “મને લાગ્યું હતું તમે ભૂલી જશો.”
“હું ઉધાર રાખતી નથી.”માહીએ જણાવ્યું.
“લોકો લાગણીઓ ઉધાર રાખી લે છે, પૈસા નહીં.” અનિરુદ્ધ કહે છે.
માહી થોડા સેકન્ડ માટે ચૂપ રહી ગઈ.
“તમે બહુ ફિલોસોફી કરો છો?” માહીએ પ્રશ્ન કર્યો.
“ના બસ જીવન શીખવાડી દે છે.”અનિરુદ્ધે કહ્યું.
આ વખતે બન્ને સાથે હસ્યા અને ત્યાંથી વાતોની શરૂઆત થઈ.દિવસો પસાર થવા લાગ્યા.હવે બન્ને રોજ મળવા લાગ્યા.ચાની કીટલી તેમની નાની દુનિયા બની ગઈ.
અનિરુદ્ધ એક પ્રાઈવેટ કંપનીમાં ગ્રાફિક ડિઝાઈનર હતો. તેને ફોટોગ્રાફીનો શોખ હતો.માહી મધ્યમવર્ગીય પરિવારમાંથી હતી. પિતા રિટાયર્ડ ક્લાર્ક અને મા ડાયાબિટીસની દર્દી હતી.
માહીનું આખું જીવન જવાબદારીઓમાં ગયું હતું પણ અનિરુદ્ધ સાથે વાત કરતાં તેને પહેલીવાર લાગતું કે કોઈ તેને સમજવા માટે સાંભળે છે.
એક સાંજે અનિરુદ્ધે પૂછ્યું, “તમારું કોઈ સપનું છે?”
માહીએ તરત જવાબ આપ્યો નહીં.
થોડા સમય પછી બોલી, “હતું… હવે નથી.”
“એટલે?”
“ઘરમાં સપનાઓ કરતાં ઘરની લોનની ઈ.એમ.આઈ વધારે મહત્વની હોય છે.”
અનિરુદ્ધ તેની આંખોમાં જોઈ રહ્યો હતો.
“પણ માણસ સપનાઓ વગર જીવી શકે?”
માહી હળવું હસીને બોલી, “ગુજરાતી મધ્યમવર્ગીય છોકરીઓ શીખી જાય છે.”
આ જવાબે અનિરુદ્ધને અંદરથી ક્યાંક હચમચાવી દીધો.
થોડા દિવસ પછી અનિરુદ્ધે માહીને એક ફોટો બતાવ્યો.
ફોટામાં વરસાદ પછીનું ખાલી રસ્તો હતો અને એક છોકરીની છાયા દેખાતી હતી.
“વાહ… ખૂબ સુંદર છે,” માહીએ કહ્યું.
“મોડલ પણ સુંદર હતી.”
“કોણ?”
“તમે.”માહી એકદમ શરમાઈ ગઈ.
“મેં ક્યારે પોઝ આપ્યો?” માહી હતપ્રભ હતી.
“જ્યારે તમે ધ્યાન ન આપતા હતા.”અનિરુદ્ધે જણાવ્યું.
એ પહેલીવાર હતું જ્યારે બન્ને વચ્ચે પ્રેમની હળવી લાગણી સ્પષ્ટ દેખાઈ.સમય આગળ વધતો ગયો.
હવે બન્ને એકબીજાની રાહ જોવા લાગ્યા.માહી માટે દિવસની સૌથી સુંદર ક્ષણ સાંજની ચા હતી.
અને અનિરુદ્ધ માટે માહીનું સ્મિત.
એક દિવસ માહી બહુ ઉદાસ લાગી.
અનિરુદ્ધે પૂછ્યું, “શું થયું?”
“કાલે મારા ઘરે મને છોકરો જોવા આવવાનો છે.”
થોડી સેકન્ડ માટે શાંતિ છવાઈ ગઈ.ચાની ભાપ વચ્ચે અનિરુદ્ધનું મન ધીમે ધીમે તૂટી રહ્યું હતું.
“તો… તમે ખુશ નથી?”
માહીએ નજર નીચે કરી.
“મને ખબર નથી.”
“છોકરો કેવો છે?”અનિરુદ્ધે પ્રશ્ન કર્યો.
“કેનેડા સેટલ છે.” માહીએ જવાબ આપ્યો.
“અને તમારું શું?”
“મારું શું?”અનિરુદ્ધે પુછ્યું.
“તમે શું ઈચ્છો છો?”માહીએ વેધક રીતે પ્રશ્ન કર્યો.
માહીએ પહેલીવાર તેની આંખોમાં સીધું જોયું.
“દરેકને પોતાની ઈચ્છા મુજબ જીવન નથી મળતું અનિરુદ્ધ.”તે રાતે અનિરુદ્ધ ઊંઘી શક્યો નહીં.
તે આખી રાત શહેરના રસ્તાઓ પર ફરતો રહ્યો.
તેને સમજાઈ ગયું હતું કે તે માહીને પ્રેમ કરવા લાગ્યો હતો.એટલો જેનો કોઈ માપ ન હતું,પણ શું પ્રેમ ફક્ત લાગણીથી પૂરું થઈ જાય?
બીજે દિવસે માહી આવી નહીં.પછીના દિવસે પણ નહીં.
ત્રીજા દિવસે અનિરુદ્ધ ચિંતિત થઈ ગયો.
તે કોચિંગ ક્લાસ સુધી ગયો ત્યાં ખબર પડી કે માહીની માતાની તબિયત બગડી હતી.અનિરુદ્ધ હોસ્પિટલ પહોંચી ગયો.માહી બહાર બેન્ચ પર બેઠી હતી.
થાકેલી, તૂટેલી જાણે અનિરુદ્ધની રાહ જોઈ રહી હતી.
અનિરુદ્ધને જોઈને તેની આંખો ભીની થઈ ગઈ.
“તમે અહીં?”
“મિત્રો આવી શકે ને?”
માહી કંઈ બોલી નહીં.
થોડા સમય પછી તેણે ધીમેથી કહ્યું, “હું બહુ થાકી ગઈ છું.”
આ પહેલીવાર હતું જ્યારે તેણે પોતાની નબળાઈ કોઈ સામે સ્વીકારી હતી.અનિરુદ્ધ તેની બાજુમાં બેઠો.
“બધું સારું થઈ જશે.”
“ક્યારેક લાગે છે ભગવાને જીવનમાં ફક્ત પરીક્ષા જ રાખી છે.”
“પણ કદાચ રિઝલ્ટમાં ખુશી પણ હશે.”
માહી હસવાનો પ્રયત્ન કરી રહી હતી.
તે દિવસ પછી અનિરુદ્ધ વધુ નજીક આવ્યો.
હોસ્પિટલના કામથી લઈને દવાઓ સુધી દરેક જગ્યાએ તે હાજર રહેતો.માહી સમજવા લાગી કે પ્રેમ મોટા શબ્દોમાં નહીં, નાની કાળજીમાં છુપાયેલો હોય છે.
એક સાંજે હોસ્પિટલની કેન્ટીનમાં બેઠા હતા.
માહીએ અચાનક પૂછ્યું, “તમે મારી માટે આટલું કેમ કરો છો?”
અનિરુદ્ધ થોડીવાર ચૂપ રહ્યો.
પછી બોલ્યો, “કારણ કે હું તમારી ચિંતા કરું છું.”
“ફક્ત ચિંતા?”
તેના આ પ્રશ્નમાં ઘણું બધું હતું.
અનિરુદ્ધે ધીમેથી કહ્યું, “કદાચ પ્રેમ.”
માહીનું હૃદય ધબકવા લાગ્યું.બન્ને વચ્ચે લાંબી શાંતિ છવાઈ ગઈ.
પછી માહીએ ધીમેથી પૂછ્યું, “અને જો હું હા ન કહું તો?”
“તો પણ હું તમારું સ્મિત ઈચ્છીશ.”
આ જવાબ સાંભળીને માહીની આંખોમાં આંસુ આવી ગયા પણ જીવન હંમેશા પ્રેમીઓ માટે સરળ નથી હોતું.
માહીનો સંબંધ લગભગ નક્કી થઈ ગયો.
ઘરે બધા ખુશ હતા.
પિતા વારંવાર કહેતા, “આવો છોકરો ફરી નહીં મળે.”
માહી અંદરથી તૂટી રહી હતી.
એક તરફ પરિવાર. બીજી તરફ દિલની વાત હતી.
તે રાત્રે તેણે અનિરુદ્ધને ફોન કર્યો.
“કાલે મળશો?”
“હા.”
બીજે દિવસે બન્ને સાબરમતી રિવરફ્રન્ટ પર મળ્યા.
સાંજનો સમય હતો.હવા ધીમે ધીમે વહેતી હતી.
માહી લાંબા સમય સુધી કંઈ બોલી નહીં.
પછી ધીમેથી બોલી, “હું ડરી ગઈ છું.”
“શેનાથી?”
“તમને ગુમાવવાથી.”અનિરુદ્ધ થોડી સેકન્ડ માટે ચૂપ રહ્યો પછી પહેલીવાર તેણે માહીનો હાથ પકડ્યો.
“તો ગુમાવશો નહીં.”
માહીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.
“મારા ઘરના લોકો ક્યારેય નહીં માને.”
“આપણે સમજાવીશું.”
“અને જો નહીં સમજ્યા તો?”
“તો પણ હું તમારી સાથે રહીશ.”
આ શબ્દોમાં એવો વિશ્વાસ હતો કે માહીના દિલનો અડધો ડર ઓગળી ગયો.
ઘરે વાત થઈ.જેમ અપેક્ષા હતી, વિરોધ થયો.
માહીનો પિતા ગુસ્સે થઈ ગયો.
“એક સામાન્ય નોકરી કરતો છોકરો? અને તું કેનેડા છોડીને એને પસંદ કરે છે?”
માહી શાંતિથી બોલી, “પૈસાથી બધું નથી મળતું પપ્પા.”
“પ્રેમથી ઈ.એમ.આઈ ભરાય?”
ઘરમાં શાંતિ છવાઈ ગઈ.આ પ્રશ્નનો જવાબ કોઈ પાસે નહોતો.
બીજી તરફ અનિરુદ્ધના ઘરમાં પણ પરિસ્થિતિ સરળ નહોતી.તેના પિતા ઇચ્છતા હતા કે તે પરિવારનો બિઝનેસ સંભાળે.પ્રેમ અને લગ્ન તેમની પ્રાથમિકતા નહોતી પણ અનિરુદ્ધ પહેલીવાર પોતાના નિર્ણય પર અડગ રહ્યો.
દિવસો સુધી બન્ને પરિવારો વચ્ચે તણાવ રહ્યો.
માહી ધીમે ધીમે અંદરથી તૂટી રહી હતી.
એક દિવસ તેણે અનિરુદ્ધને કહ્યું, “ક્યારેક લાગે છે આપણે હારી જઈશું.”
અનિરુદ્ધે સ્મિત કરીને કહ્યું, “પ્રેમમાં જીતવાનો અર્થ સાથે રહેવું નથી હોતો.”
“તો?”
“એકબીજાને સાચા દિલથી પ્રેમ કરવો.”
“અને જો અંતે અલગ થવું પડે તો?”
અનિરુદ્ધે આંખોમાં પાણી રોકતાં કહ્યું, “તો પણ હું તમને જ પ્રેમ કરીશ.”
આ વાત પછી માહી આખી રાત રડી.તેને સમજાઈ ગયું કે અનિરુદ્ધનો પ્રેમ સ્વાર્થ વગરનો હતો.કેટલાક અઠવાડિયા પછી માહીની માતાની તબિયત ફરી ખરાબ થઈ.
હોસ્પિટલમાં દાખલ કરવી પડી.તે રાત્રે અનિરુદ્ધ આખી રાત હોસ્પિટલ બહાર રહ્યો.સવારમાં માહીના પિતાએ પહેલીવાર તેને ધ્યાનથી જોયો.થાકેલો હતો પણ ગયો નહોતો ત્યારે તેમને પહેલીવાર સમજાયું કે આ છોકરો ફક્ત પ્રેમની વાતો નથી કરતો તે જવાબદારી પણ સમજે છે.
થોડા દિવસ પછી માહીના પિતાએ અનિરુદ્ધને ઘરે બોલાવ્યો.ઘરમાં ભારે શાંતિ હતી.
તેમણે સીધો પ્રશ્ન પૂછ્યો, “મારી દીકરીને ખુશ રાખી શકશો?”
અનિરુદ્ધે એક સેકન્ડ પણ લીધા વગર કહ્યું, “પ્રયત્ન આખી જિંદગી કરીશ.”આ જવાબમાં દેખાવ નહોતો સચ્ચાઈ હતી.
માહીના પિતા લાંબા સમય સુધી કંઈ બોલ્યા નહીં.
પછી ધીમેથી બોલ્યા, “પૈસા ઓછા હોય તો ચાલે… પણ દિલ નાનું ન હોવું જોઈએ.”
માહીની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા.
છ મહિના પછી
ફરી એ જ ચાની કીટલીપણ આજે કંઈક અલગ હતું.
કીટલી પર લાઈટો લગાવેલી હતી.ચાવાળો હસતો હતો.
એક ટેબલ પર બે કપ ચા સાથે અનિરુદ્ધ અને માહી બેઠા હતા.હવે બન્ને પતિ-પત્ની હતા.
માહી હસીને બોલી, “તમારા પાંચ રૂપિયા પાછા આપી દીધા ને?”
અનિરુદ્ધ હસ્યો, “ના… હજુ ઉધાર છે.”
“શું?”
“જીવનભરનો સાથ.”
માહીએ હળવેથી તેની ખભા પર માથું રાખી દીધું.
વરસાદ ફરી શરૂ થયો હતો.ચાની ભાપ વચ્ચે બે લોકોનું સામાન્ય પ્રેમકથાનક ધીમે ધીમે સુંદર જીવનમાં બદલાઈ રહ્યું હતું.
કારણ કે સાચો પ્રેમ ફિલ્મો જેવો મોટો નથી હોતો તે રોજ સાંજે પૂછાતા નાના પ્રશ્નોમાં છુપાયેલો હોય છે
“ચા માં ખાંડ ઓછી તો નથી ને?”
મૌલિક વસાવડા