Preet Na Kario Koi, Chapter 2 in Gujarati Love Stories by Niyati Kapadia Nirjhar books and stories PDF | પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 2

Featured Books
Categories
Share

પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 2

આત્મજા
   જેને સંસ્કૃતનો એક શ્લોક પણ શુધ્ધ ઉચ્ચારણ સાથે બોલતા ના ફાવે એવા મારા બાપુ અને સાતમું ધોરણ ભણ્યા બાદ ચોપડીને ક્યારેય હાથ નહીં લગાડું એવી પ્રતિજ્ઞા લેનાર મારી બા, આ બંનેએ મારું નામકરણ કેવી રીતે કર્યું એ હજી મારી સમજમાં નથી આવ્યું. ‘આશા’ કે ‘આરતી’ જેવા બોલવામાં સરળ અને તરત કોઈને યાદ રહી જાય એવા નામ છોડીને એ લોકો આ ‘આત્મજા’ જેવું ભારેખમ નામ ક્યાંથી ઉપાડી લાવ્યા હશે?
  ક્યારેક તો મને થાય છે કે હું એમની સગી દીકરી નથી. એ નક્કી મને કોઈ મંદિરને પગથિયેથી ઉઠાવી લાવ્યા હશે અને ત્યાં જ એ મંદિરના પૂજારીએ કહી દીધું હશે આ રૂપાળી કન્યા ભવિષ્યમાં આત્મજાને નામે આખી દુનિયામાં ઓળખાશે ને એમ જ મારું નામકરણ થઈ ગયું હશે.
   જો કે મારા બાબાપુને ‘આત્મજા’ બોલવામાં તકલીફ થતી હશે કે એ નામ એમને એમની દીકરી જેવું નહીં લાગતું હોય, એમણે મારું હુલામણું નામ ‘ઝમકું’ પાડી દીધું હતું અને પછી તો આખા ગામમાં હું એ નામે જ ઓળખાતી થયેલી. આત્મજા નામ ખાલી મારી શાળામાં લેવાતું, જેવી શાળાનાં મેદાનની બહાર આવતી કે તરત હું ઝમકું બની જતી.
   આમ જુઓ તો મારા રૂપરંગ કે બુધ્ધિ ચાતુર્ય કશાયનો મારા બાબાપુ કે મારી બે નાની જુડવા બહેનો સાથે મેળ નથી આવતો. એ બધા રહ્યાં સીધા અને સુખી માણસો, એમને જીવનમાં જે કંઈ વગર પ્રયત્ને મળી જાય એમાં જ સુખ ખોળી લેવાની મહારથ પ્રાપ્ત છે. મારે તો દરેક વાતે એક પસંદ નક્કી જ હોય એનાથી ઉતરતું હું ના જ ચલવી લઉં. મને કદાચ સપનાં જોવાનો ગંભીર રોગ લાગું પડી ગયો હતો, છેક બાળપણથી જ, અને એ વકરતો વકરતો પછી એની ચરમસીમાએ આવી પહોંચ્યો હતો. લોકો સૂતી વેળાએ સપનાં જુએ, હું જાગતી આંખોએ જોતી અને પછી એ સપનાં સાચા કરવા મચી પડતી. બંધ આંખે નિહાળેલી ઘટના જ્યારે વાસ્તવિક જીવનમાં બનતી ભાળું ત્યારે જ મને ચેન પડતું. અહીં વાંધો એટલો કે એક પૂરું થાય ત્યાં સુધીમાં તો બીજું સપનું ઉગી નીકળ્યું હોય અને સરવાળે મારા જીવનમાંથી શાંતિ નામની એક અમૂલ્ય ચીજ ક્યાંક ખોવાઈ ગયેલી. જો કે મારી ઈચ્છા પૂરી કરવા પ્રયત્ન કરતા રહેવું મને ગમતું, નવરી બેસી રહેવાનું મારા સ્વભાવમાં જ નહતું.
   હું જ્યારે શાળા કૉલેજમાં ભણતી ત્યારે વર્ગમાં પહેલો નંબર લાવવાનું મારું સપનું રહેતું અને હું દર વખતે પહેલો નંબર લઈ આવતી. શેરીના ગરબા હોય કે કોલેજ કેમ્પસના પહેલું ઈનામ મારા માટે જ બન્યું હતું. બાવીસ વરસની ઉંમરે મેં કેટલાય પુસ્તકો વાંચી કાઢ્યાં હતાં, કવિતાઓ લખી હતી અને હું ખુશ હતી. આગળના જીવન માટે હવે મારી આંખો પાસે એક જ સપનું બાકી બચ્યું હતું, એ પૂરું ના થાય ત્યાં સુધી તો બીજું નવું સપનું નહોંતુ જ આવવાનું. બાકીના જીવનમાં મારે પ્રેમ કરવો હતો! ખરેખર પ્રેમ કરવો હતો! એ ભીની લાગણીમાં તરબોળ થઈ જવું હતું અને એ અનુભવમાં મારી સાથે સાથે કોઈક બીજાને પણ સાંગોપાંગ ડૂબાડી દેવો હતો.
   “જે વ્યક્તિની આ દીલને તડપ છે, તલબ લાગી છે એ ક્યાં છે, કોણ છે એ હું નથી જાણતી પણ એટલો વિશ્વાસ છે કે એ છે જરૂર. ક્યાંક તો એ છે જ અને એ મારો અવાજ સાંભળે છે. આ દિલમાંથી ઉઠતી એના નામની પોકાર આખું ગગન ચીરીને એ કોઈક બીજી દુનિયામાં હોય તો ત્યાં પણ પહોંચે છે અને ત્યાં એ પોકારને જીલનારું કોઈક તો ચોક્કસ છે. મારે સાત ગગન ભેદીને પણ એ વ્યક્તિને મળવું છે. મારે ચીસો પાડીને એને કહેવું છે કે હું તને ચાહું છું, હું તને પ્રેમ કરું છું... સાત સમુદ્ર પાર કરવા પડે તો હું તૈયાર છું અને સાત પાતાળ ભેદવા પડે તોય હું તૈયાર છું પણ આ જનમમાં જ મારે એ વ્યક્તિને મળવું છે જેને હું પ્રેમ કરવા લાગી જાઉં.”
   યુવાની અને ગાંડપણ એકબીજાના સામનાર્થી છે, સાચે. એ દિવસે હું પહાડીની ટોચ પર ઊભી કોઈ ફિલ્મી હિરોઇનની સ્ટાઇલમાં ઉપરની વાત કહી રહી હતી અને ત્યાં જ પ્રેમની દુશ્મન જેવી મારી સખી સલોનીએ મને ટોકી હતી. એનું કહેવું હતું કે હું મારું આ ગાંડપણ બંધ કરું. આસપાસ કોઈ જોઈ જશે તો અમને બંનેને પાગલ સમજશે. હવે એને બિચારીને કોણ સમજાવે કે અહીંયા બધા જ પાગલ છે. આખી દુનિયા નકરા પાગલોથી જ ઉભરાઈ રહી છે. અહીંયા સાજું છે કોણ?
    ઈશ્વરે કેટલા જતનથી મનુષ્યનું સર્જન કરેલું. એણે માનવ નામના રમકડાને બનાવીને આ દુનિયામાં એટલે રમતું મૂક્યું હતું કે જેથી એ પ્રેમ કરી શકે. એને વાણીનું વરદાન આપેલું જેથી એ પ્રેમના ગીત ગાઈ શકે. આનંદના એક અનંત સાગરની મોજ લઈ શકે. આમ જુઓ તો માનવની આખી જિંદગી એક રમત છે અને એમાં જીત ત્યારે જ મળે છે જ્યારે તમે તમારા પ્રેમી પાત્રને શોધી લો. એ જીતની પળ, એ એક મિનિટ માટે થતો અહેસાસ કે બસ આ વ્યક્તિ જ મારું સર્વસ્વ છે અને હવે એનાથી વિશેષ મારે બીજું કશું જ નથી જોઈતું એ જ માનવના સમગ્ર જીવનનો પરમ આંનદ છે. મારે પણ એ આંનદની ઘડી અનુભવવી હતી. મારે પણ પ્રેમ કરવો હતો.
   “સલોની લોકો કેમ આખું જીવન સમૃધ્ધિ પાછળ ભાગ્યા કરે છે? રૂપિયા તમને બે સમયનું સ્વાદિષ્ટ ભોજન આપી શકે છે પણ ભૂખ નહીં. મહેલ જેવું ઘર વસાવી એમાં બે શરીરો સાથે સાથે જીવી જરૂર શકે પણ એ પ્રેમ કરી શકશે કે કેમ એની ગેરંટી કોણ આપશે?” મેં મારી એક માત્ર સખી સલોનીને ખભે હાથ મૂકી ટેકરી પરથી નીચે ઉતરતા પૂછ્યું હતું.
   “પ્લીઝ યાર આત્મજા તું મારું માથું ખાવાનું બંધ કર. તારા એકેય ઉટપટાંગ સવાલનો મારી પાસે કોઈ જવાબ નથી.”
હું શું કરું યાર, મારા એક્કે સવાલનો જવાબ કોઇની પાસે નથી! એવું તો હું શું અઘરું અઘરું પૂછું છું છે તે લોકો મારાથી દૂર ભાગી જાય છે?” આ કહેતી વેળાએ મારા મનમાં ઘર કરી ગયેલી ઉદાસી મારા અવાજમાં ઉતરી આવી હતી અને એ ઉદાસીને મારી સખીએ ઓળખી હતી. એણે તરત જ મારી પીઠ પર હાથ ફેરવતા, મારી આંખોમાં આંખો નાંખી કહ્યું હતું, “આ જીદ છોડી દે બકા તું હેરાન થઈ જઈશ.”
   “કઈ જીદ?”
   “આ જ પ્રેમમાં પડવાની જીદ. જે વાત આપણા હાથમાં જ નથી એની પાછળ ક્યાં સુધી ભાગ્યા કરવાનું અને શા માટે ભાગ્યા કરવાનું?”
   “અહીં જ તો બધા ભૂલ કરે છે. જે વાત આપણા હાથમાં નથી એની પાછળ તો મહેનત કરવાની જરૂર છે. જીવનમાં ખુશ રહેવા માટે, નિરાંત અનુભવવા માટે કોઈક એવી વ્યક્તિની હાજરી જરૂરી છે જેને તમે ચાહતા હો અને એવી એક વ્યક્તિને શોધવા આખું જીવન ભાગવું પડે તોય એ દોટ નક્કામી નથી જ જવાની. છેલ્લે એ સંતોષ તો રહેશે ને કે મેં પૂરતો પ્રયત્ન કર્યો હતો.”
   “પ્રયત્ન કરવાની ના નથી પણ એ પ્રયત્ન કરવો કેમ? કઈ દિશામાં કરવો? છાપામાં ટચૂકડી જાહેરાત આપવાથી તમને પતિ મળી શકે પણ પ્રેમી મળી શકે ખરો? મારે પ્રેમ કરવો છે એવી બૂમો પાડવાથી કે હાથમાં મારે ફલાણા ફલાણા ગૂણ હોય એવો પ્રેમી જોઈએ છે એવી જાહેરાતનું પાટિયું લઈને ફરવાથી પ્રેમી મળી જશે? એને શોધવો તો ક્યાં શોધવો?” સલોનીએ ટેકરી પરથી નીચે આવી જતાં જ પાણીની બોટલ કાઢી પાણી પીતાં પીતાં કહ્યું હતું.
   એની વાત સાંભળી હું થોડી વિચારમાં જરૂર પડી ગયેલી અને એ સાથે જ મનમાં એક ખુશી પણ થયેલી કે મારે પ્રેમ કરવો છે એવું વિચારનારી હું એકલી જ નહોતી. આ દુનિયામાં લગભગ બધા જ માણસોને પ્રેમ જોઈએ છે, સાચો અને ટકાઉ પ્રેમ મેળવવાની ખેવના કેટલાયને છે પણ એમને એમના જ નસીબ પર ભરોસો નથી અને એટલે જ એ લોકો એવું નાટક કરે છે કે આ દુનિયામાં પ્રેમ જેવું કંઈ છે જ નહીં.
   “શું વિચારમાં પડી ગઈ? મારી દલીલ આગળ બોલતી બંધ થઈ ગઈ ને?” સલોનીએ પાણીની બોટલ મારી તરફ લંબાવી સહેજ હસીને કહેલું.
   “છાપામાં ટચૂકડી જાહેરાત આપવાની જરૂર કારગત નીવડી શકે જો તમારો પ્રેમી એ જાહેરાત વાંચી લે, ગળામાં મારે પ્રેમી જોઈએ છે એવું લખેલું પાટિયું લટકાવીને પણ ફરી શકાય, કોને ખબર એ વાંચીને સાચે જ કોઈક એવું મળી જાય જે બિલકુલ તમારા જેવું જ વિચારતું હોય. મતલબ કે તમને ક્યારે અને કયા સમયે કોઈ મળી જાય એ નક્કી નથી. તમને એની જાણેય નથી પણ તમે જેટલા પ્રયત્ન કરો એટલા એ વ્યક્તિ સુધી પહોંચવાના ચાન્સ જરૂર વધી જાય છે.”
   “આત્મજા તું ગાંડી તો નથી થઈ ગઈ ને? તને જરાક વિચાર પણ આવે છે કે તું શું કહી રહી છે?”
   “હું ગાંડી નથી થઈ ગઈ યાર પણ મને આ જીવનનું રહસ્ય સમજાઈ ગયું છે.”
   “શું રહસ્ય સમજાઈ ગયું છે? લગ્ન એની સાથે જ કરવા જેની સાથે પ્રેમ હોય એ જ કે બીજું કંઈ? આવું વિચારનારી કેટલીય છોકરીઓ પછીથી એમની ત્રીસી કે પાંત્રીસીમાં કેટલીય વાતે બાંધછોડ કરીને લગ્ન કરી લેતી હોય છે.”
   સલોનીની આ વાતનો મારી પાસે કોઈ જવાબ નહોતો. એ સાચી હતી. મારો પ્રેમી ક્યાંક છે જરૂર એ હું જેટલું ખાતરીપૂર્વક કહી શકું છું એનાથી એક ટકા જેટલી પણ ખાતરીથી એ ક્યારે મારા જીવનમાં પ્રવેશશે એ હું નથી કહી શકતી. હું રોજ એને વિનંતી કરું છું કે એ મને આવી મળે. એ મારો અવાજ સાંભળે છે એ વાતે હું ચોક્કસ હતી પણ એ સામો જવાબ ક્યારે આપશે એ હું નહોતી જાણતી. આખી જિંદગી હું એની રાહ જોવા તૈયાર હતી પણ આ સમાજ, મારા માબાપ, મારા પછી એમના લગ્નની રાહ જોઈ રહેલી બે બહેનો મારી વાત સમજશે કે કેમ એ વાતે હું ચોક્કસ ન હતી.
  સલોનીની વાત સાંભળી ફરીથી મારું દિલ મારા દિલબરને પોકારી ઉઠ્યું હતું. તું ક્યાં છે મારા પ્રેમ? મારો અવાજ જો તારા સુધી પહોંચે છે તો તું જવાબ કેમ નથી આપતો? હું તકલીફમાં છું, બઉં તકલીફમાં છું અને મારી તમામ તકલીફ એક તું જ મટાડી શકીશ. તું મારા સપનામાંથી બહાર આવી મારા જીવનમાં ક્યારે આવીશ?
  “ચાલ છોડ આ બધી વાતો અને આજે ધમાલ કરવાનો છેલ્લો દિવસ છે એ ના ભૂલ. હોસ્ટેલ લાઈફનો આજ આ છેલ્લો દિવસ છે કાલથી આપણે સૌ પોતપોતાને ઘેર હોઈશું અને ત્યાં તારી આ બકબક સાંભળવા કોઈ સલોની નહીં આવે સમજી?”
   સલોનીની વાત સાચી હતી. બીજે જ દિવસે મારે મારા ઘરે પાછા જવાનું હતું. ગામડાંના ઘરમાં મારા માબાપ અને બે નાની બહેનો પાસે. વરસોથી હું શહેરમાં હોસ્ટેલમાં રહીને ભણી રહી હતી અને એટલે જ કદાચ આ બધા વિચારો કરવાની આઝાદી મળેલી. વિચાર કરવો સરળ હતો પણ જરૂર પડે હું એ વિચારને અમલમાં મૂકી શકીશ કે કેમ એ હું પોતે જ નહોતી જાણતી. આખી દુનિયા સામે કહી દેવું સરળ હતું કે મારે પ્રેમ કરવો છે અને ત્યાર બાદ લગ્ન કરવા છે પણ મારા જ માબાપ આગળ આવું કહેતાં મારી જીભ ઉપડશે કે નહીં એ વાતે હું ચિંતિત હતી. કોઈ જો સાચે જ હોત તો હું આખી જિંદગી એની રાહ જોતી કુંવારી બેસી રહેત પણ એવું કોઈ હોય તો ને...
   હું મારા ઘરે પાછી આવી ગઈ હતી. બધું જ સારું હતું. માબાપ અને નાની બહેનોની આંખોમાં, વર્તન અને વાણીમાં મારા માટે આવકાર હતો. સ્નેહ હતો. બે દિવસ બધું સમુંસૂતરું રહ્યું અને પછી મારી બાએ મને એક સાડી દેખાડતા કહ્યું હતું કે, “આ સાડીનો બ્લાઉઝ એકવાર પહેરીને જોઈ જો. તારા માપનો ના હોય તો દરજી પાસે જઈને ફીટીંગ કરાવી લે.”
   “પણ હાલ મારે સાડી પહેરીને ક્યાં જવાનું છે? કોના લગન આવ્યા?” બાએ જવાબ આપવાને બદલે મારી સામે અપલક જોયા કરેલું અને પછી ધીરે ધીરે એના ચહેરા પર સહેજ સ્મિત લાવતા કહેલું, “તને જોવા આવવાના છે.”
   છેક હોઠ સુધી આવી ગયું હતું, આ શું નાટક માંડ્યું છે? પણ હું બોલી નહતી. સંસ્કારી દીકરી હતી. મનમાં આવ્યું કે કહી દઉં કે હું કોઈ વસ્તું છું, વેચાણ માટે મૂકેલો નમૂનો છું તે મને જોઈને કોઈ પસંદ કરીને લઈ જાય. હું બોલી નહોતી. મને ખબર હતી કે હાલ મારી સામે ઊભેલી સ્ત્રી મારી બા હતી સલોની નહોતી જેની આગળ હું કંઈ પણ કહી શકતી હતી. મારી બા એક આમ સ્ત્રી હતી, મારા બાપુ પણ એવા જ હતા. અમારા ઘરમાં મોટા ભાગના નિર્ણય મારા મોટા બાપુ એટલે કે મારા બાપુના મોટા ભાઈ જ લેતા. એ અમારા કુટુંબના મોભી હતા. આધારસ્તંભ પણ કહી શકો. આ બધું એમણે જ ગોઠવ્યું હશે અને મારા બાબાપુને જાણ કરી હશે જેમ કે હાલ મારી બા મને જાણ કરી કરી હતી.
  “કેટલી સુંદર દેખાય છે મારી દીકરી પાછી કેટલું બધું ભણેલી. છોકરો જોતાં જ હા પાડી દેશે.” મારી બાએ કહેલું અને ત્યારે હું ચૂપ નહોતી રહી શકી. મેં કહેલું કે છોકરો હા પાડી દે પણ એ મને ગમે એવો નહીં હોય તો?
   ખબર નહીં મેં એવી તો શું જૉક મારી હતી પણ મારી બા અને અમારી વાતો સંભાળી ત્યાં આવી ગયેલી મારી બંને નાની બહેનો હસી પડેલી. કોઈ છોકરી એને જોવા આવેલા છોકરાને ના કહી શકે છે એ વાત હજી અમારા કુટુંબમાં બની નહતી એટલી મને જાણ થઈ ગઈ અને એક વિચાર પણ આવી ગયો કે જે ક્યારેય નથી થયું એ કોઇકે તો કરવું પડશે ને. શા માટે આ શુભ કામની શરૂઆત હું જ ના કરું... મારાથી નાની બે જુડવા બહેનો શોભા અને શોભના માટે એક નવીન ચીલો ચાતરું. એ બિચારી તો આખો દિવસ એકબીજામાં જ ગૂંથાયેલી રહેતી. છેક માના ગર્ભમાંથી એ બંને સાથે ને સાથે જ હતી. એમને બંનેને બાળપણથી જ ઘર ઘર રમવું ગમતું. માટીના વાસણો અને ઢીંગલીઓ સાથે એમણે એમની એક અલગ જ દુનિયા વસાવી લીધેલી અને એ બંને ત્યાં ખુશ હતી. એમને એમ ઘરઘર રમતી જોઈ બાબાપુ પણ રાજી થઈ કહેતાં કે આ બંનેને થાળે પાડવામાં કોઈ તકલીફ નહીં પડે બેઉં ક્યાંક ને ક્યાંક ગોઠવાઈ જશે એક આ આત્મજાનું પતે તો ગંગા નાહ્યા, એની જ ફીકર થાય છે.
   એમને મારી ફીકર હતી! શા માટે? કેમ કે હું એ બધામાં થોડી વધારે દેખાવડી હતી? કેમ કે હું એ લોકોની જેમ ચૂપ ચાપ બધુ સ્વીકારી નહતી લેતી, સવાલ પૂછ્યા કરતી હતી? હું વધારે ભણેલી અને ઘમંડી છું એવું મેં લોકોને કહેતાં સાંભળેલા કદાચ મારા બાબાપુ પણ છાના ખૂણે મારા વિશે એવું જ વિચારતાં હતાં, પણ શું એ ખરેખર સાચું હતું? ના. કોઈ મને પૂછે તો હું ફટ દઈને કહી દઉં કે હું બિલકુલ એવી નથી. હા, વસ્તુને સમજવાની મારી રીત તમારી રીતથી અલગ હોય શકે છે પણ એમાં લોકોને વાંધો કેમ પડવો જોઈએ? મને તો લાગે છે કે એ લોકોને વાંધો ત્યાં આવી પડે છે જ્યાં મારી અપનાવેલી રીતથી હું એમના કરતાં ડબલ સ્પીડે ઉકેલ ખોળી લઉં છું! એક છોકરી આગળ હારી જનાર જ્યારે એમ ના કહી શકે કે હા, તું ઘણી હોશિયાર છે ત્યારે એ લોકો પછી છોકરીને માથે આવા અવનવા લેબલ ચિપકાવી દે છે. ઘમંડી, સ્વાર્થી કે ચાંપલી સુધી તો તોય બરાબર પણ કેટલાક તો પછી સાવ નીચલી પારી પર ઉતરી આવી કહી દેતા કે એ રૂપાળી છે એટલે બધા સાહેબો એને પાંચ પોઈન્ટ એકસ્ટ્રા આપે છે. અલ્યા હું રૂપાળી હોઉં તો એમ મારો શું વાંક અને મારું રૂપ જોઈ મને વધારાના ગુણ કે પોઇન્ટ્સ આપનાર શિક્ષક પણ છે તો એક પુરુષ જ ને તો એ તો થઈ તમારા પુરુષોની કમજોરી. તમે તમારા પુરુષ જગતને સુધારવાની જગ્યાએ રૂપાળી અને હોશિયાર સ્ત્રીઓને માથે માછલાં ધોવાનું કે’દિ બંધ કરશો?
   “એમાં હસવા જેવું શું છે, હેં? છોકરાને હું ગમી જાઉં પણ એ મને ના ગમે તો મારેય એને ના કહી શકાય ને?” મારી બા અને બહેનોના મોઢામાં પણ એવી જ જીભ છે જેવી મારામાં અને એ લોકો પણ એમના વિચાર કહી શકે છે એ સાબિત કરવા જ મેં એમને આ સવાલ પૂછ્યો હતો.
   “છોકરમાં કોઈ એબ હોય તો એ જોવાવાળા અમે વડીલો બેઠા છીએ ને. તારા મોટા બાપુ, મા, તારો ભાઈ વિકાસ કોઈ હાલીમવાલી સાથે તારું સગું થોડું જ થવા દેવાના. અમને લાગે કે એ છોકરો તારે લાયક છે એનું ઘરબાર બધું વ્યવસ્થિત છે ત્યારે જ તો તને જોવા બોલાવ્યો હોય ને.” મારી બાએ મને સમજાવી હતી, અલબત એવો પ્રયાસ કર્યો હતો.
   “પણ ધાર કે છોકરનો દેખાવ, નોકરી, ઘરબાર બધું સરસ હોય અને તોય એ મને ના ગમ્યો તો?”
   “લે બધું સરસ હોય તો પછી કેમ ના ગમે?”
   મારી બાના “તો કેમ ના ગમે?” પ્રશ્નનો ઉત્તર મારી પાસે હતો. જેને જોઈને એવું લાગે કે હું મારું આખું જીવન આની સાથે વિતાવી શકીશ એની સાથે વાત આગળ વધી શકે પણ અહીં એ નિર્ણય મારે એકલીએ ક્યાં લેવાનો હતો. અહીંયાં તો મારી સાથે જ પસંદગી મંડળમાં મારા બાબાપુ, મોટાબાપુ, મોટી બા અને ભાઈ સહિત સૌ મત આપવાના હતા. એ બધાની એકવાર ‘હા’ થઈ જાય પછી મારી એકલીની ‘ના’નું કોઈ મહત્વ નહીં રહે. બધા ભેગા થઈ યેનકેન પ્રકારે મને સમજાવી લેશે અને પછી મારે લગ્ન માટે ‘હા’ કહેવી જ પડશે.
   “બા તે તો નાનપણમાં કહેલું કે ગૌરી વ્રત કરવાથી ઈચ્છિત વર મળે.” મારી બા ખૂબ ધાર્મિક અને શિવજીમાં શ્રધ્ધા રાખનાર સ્ત્રી હતી એ હું સારી રીતે જાણતી હતી. મારી ઈચ્છા એ કદાચ અવગણી શકે પણ એના શિવજી અને પાર્વતીજીની ઈચ્છાને એ કેટલું સમજી હશે?
   “હા, સાચું જ કહેલું. તને પણ સરસ વર મળશે તું જોજે.”
    ફરી છેક મારા હોઠ સુધી આવી ગયું કે સારો નહીં ઈચ્છિત વર જોઈએ છે, જેવી રીતે દેવી પાર્વતી શિવજીને પામ્યા હતાં એમ જ હું પણ..., હું ચૂપ રહી, આગળ કશું જ ના કહી શકી. દેવી પાર્વતીની નજર આગળ જ શિવજી વિરાજમાન હતાં જ્યારે મારી નજર આગળ તો કોઈ નહોંતુ.
   “મનથી કરેલી પૂજા કોઈ દિવસ ખાલી નથી જતી. ભોળાનાથ સૌનું સાંભળે છે.” બાએ કહ્યું હતું. મને થયેલું કે આ બાએ સરસ વાત કહી. એક ભોળાનાથ બધું સાંભળે છે, સમજે છે અને બીજો મારો અદ્રશ્ય પ્રેમી. મારે આ બંનેની જરૂર હતી. એ બંને સાથે હું વાત કરતી હતી, મારા સંદેશાઓ મોકલતી હતી અને તોય એ બંને ચૂપ હતા. એ બધું જ સાંભળતા હતા, બધું જ સમજતા હતા અને તોય એકદમ શાંત હતા. એ મારી મદદે નહોતા આવ્યા કે પછી હું જ એમના ઇશારા સમજી નહોતી શકી.
   એ આખો દિવસ સખત અજંપામાં વિતેલો. બાએ બે વખત બ્લાઉઝ પહેરી જોવાનું કહ્યું હતું અને તોય મેં એ કામ નહોતું કર્યું. છેક મોડી સાંજે મારી બા સાથે મંદિરે દર્શન કરવા ગયેલી ત્યાં શિવલિંગ પર ફૂલ ચઢાવતા જ મારી આંખોમાંથી બે આંસુ ખરી પડેલા. અરે રે ભૂલ થઈ ગઈ મહાદેવ માફ કરી દેજો મને! મેં તરત આંખો લૂછીને ભોલેનાથની માફી માંગી લીધી હતી.
   મંદિરની બહાર આવ્યા ત્યારે એની એક બાજુએ વહી જતી ધસમસતી નદીને જોઈ થયેલું કે એ કેટલી ભાગ્યશાળી છે! એને ખબર છે તો એને ક્યાં જવાનું છે.
   એ આખી રાત હું વિચારતી રહેલી, આંસુ સારતી રહેલી. ઘડી ઘડી આંખો આગળ શિવલીંગ અને નદી આવી જતાં હતાં. પરોઢે ભાન થયેલું કે શિવજી અને ધસમસતી નદી મને કોઈ સંકેત આપી રહ્યાં હતાં. હું સફાળી બેઠી થઈ ગઈ હતી. ના, ના બધું જ પૂરું નહોતું થઈ ગયું. હજી એક તક હતી. એક તક, એક આશા. મારો પ્રેમી પણ ક્યાંક દૂર બેઠો મને જ યાદ કરી રહ્યો હશે. એ પણ મને જ સાદ દઈ રહ્યો હશે. હું એનો અવાજ અનુભવી શકતી હતી. એ મને કહી રહ્યો હતો કે હું આમ બેસી ના રહું. ઊભી થાઉ અને કંઇક કરું... પણ હું શું કરતી?
   મેં આંખો બંધ કરી હતી અને મનમાં શિવજીનું ધ્યાન ધર્યું ત્યાં ફરી ધસમતી નદી દેખાયેલી. પાણી પી રહેલી સલોની દેખાઈ હતી અને મારું ધ્યાન સલોનીના હાથમાં રહેલી બોટલ પર ગયેલું. બીજા જ દ્રશ્યમાં ફરી નદી દેખાઈ હતી, સાગરમાં પોતાનું અસ્તિત્વ ઓગાળી દેતી નદી.
   મને એક રસ્તો સુઝી આવ્યો હતો. મારું દિલ કહી રહ્યું હતું કે આજે મારો પ્રયત્ન નિષ્ફળ નહીં જાય...
    મેં મારા ચોપડામાંથી એક કાગળ ફાડ્યો અને પેન લઈ કાગળ પર એક નોટ લખી-

I love you.
આખી દુનિયામાં કોઈએ કોઈને ના કર્યો હોય એટલો પ્રેમ હું તમને કરું છું અને મને વિશ્વાસ છે કે તમે પણ મને એટલું જ ચાહો છો.
મને નથી ખબર કે આપણે ક્યાં અને ક્યારે મળીશું પણ જો આ દુનિયામાં ખરેખર પ્રેમ જેવું કઈંક છે તો આપણે મળીશું ચોક્કસ એ પાક્કું છે. હું મારા છેલ્લા શ્વાસ સુધી તમારા આગમનની પ્રતિક્ષા કરીશ.
તમે આવશો ને?
તમારી પ્રેયસી,
આત્મજા
મેં એ કાગળનો મારા ફોન વડે ફોટો ખેંચ્યો હતો અને પછી એની સાચવીને રૉલ વાળેલો. ઘડીભર થયેલું કે આ કાગળના ફોટાને સોશ્યલ મીડિયામાં શેર કરું તો વધારે લોકો સુધી એ પહોંચી શકે અને પછી તરત ત્યાં હાજર રહેલા ગીધ જેવા માણસોનો વિચાર આવેલો અને મેં એ વિચાર માંડી વાળ્યો હતો. આમેય સોશ્યલ મીડિયામાં કંઈ પણ મૂકો એટલે તરત જ સમાજના બધા લોકોને એની જાણ થઈ જાય અને વાતનું વતેસર થતાં વાર ના લાગે. મેં એ કાગળના રૉલને હોઠ અડાડી મારી છાતીએ થોડીવાર વળગાડી રાખેલું, હું એટલી પાગલ હતી એ કાગળના વીંટામાં મારા હ્રદયનો અવાજ ભરવાનો પ્રયત્ન કરી રહી હતી. મારા ચોપડાના ખાનામાં એક ધાર્મિક પુસ્તક પડયું હતું એ બહાર કાઢ્યું અને એની પર રહેલાં શિવપાર્વતીને મારી ચિઠ્ઠી દેખાડી એમનાં આશીર્વાદ લીધાં હતાં. એ કાગળના વીંટાને પુસ્તકની અંદર રાધાકૃષ્ણનો ફોટો હતો એ પાને દબાવી હું રસોડામાં ગઈ હતી અને કબાટમાંથી જૂની ખાલી થઈ ગયેલી કાચની બાટલી શોધેલી. રસોડામાંથી મને ટોમેટો શોષની એક બાટલી મળેલી, એ ધોઈને મૂકેલી ચોખ્ખી બોટલ હતી. એ બાટલી મને પસંદ આવેલી પણ એનું ઢાંકણું સરખું બંધ નહોતું થતું. અચાનક મને યાદ આવ્યું કે શોભા અને શોભનાના રમકડાના ઢગલામાં માટી અને પ્લાસ્ટિકના વાસણો વચ્ચે એક સરસ કાચની બાટલી પડી હતી. હું ઘરની બહાર નીકળી અને બે ઊભા ખાટલા પર ગોદળું નાંખી વસાવેલા એમના ઘરસંસાર તરફ ભાગી. ઉતાવળે ત્યાંથી ગોદળું ફગાવી, ખાટલો ખસેડતા જ ઢગલો નક્કામી વસ્તુઓ વચ્ચેથી મને મારા કામની ચીજ મળી આવી હતી. રામ જાણે એમને આ બાટલી ક્યાંથી મળી હતી પણ એ મારા કામમાં આવે એવી હતી એટલે મેં એને ઉપાડી લીધેલી.
  મારા ઓરડામાં આવી મેં ફરી પેલી ચિઠ્ઠી, કાગળનો રૉલ મારા હાથમાં લીધેલો. એને ખોલીને એકવાર ફરી એમાનું લખાણ વાંચ્યું હતું. મારું દિલ એટલું જોરથી ધબકી રહ્યું હતું.
    એ ચિઠ્ઠીને ફરી રોટલીના રૉલની જેમ ગોળ વાળીને બોટલમાં દાખલ કરતા અચાનક જ મને એક ડુંસકું આવી ગયું હતું અને મારી આંખો વરસી પડેલી. થયું હતું કે જો મારા નસીબમાં પ્રેમ નામનું પુષ્પ ખિલવાનું લખ્યું જ નથી તો પછી મારામાં મારા પ્રેમીને પામવાની આટલી બધી તડપ શા માટે આપી હતી? જેનું નામ પણ હું નથી જાણતી એને વિશે જ એક ઘડી વિચાર્યા વગર કેમ નથી રહી શકાતું?
   મેં જોયું કે મારા આંસુ ચિઠ્ઠી પરના લખાણ પર પડી રહ્યાં હતાં. કાગળના વીંટાનો બાટલીના મોંઢા તરફનો છેડો મારા આંસુથી ભીનો થયો હતો.
   બહાર મારી બા જાગી ગઈ હતી. એના કોગળા કરવાનો અવાજ આવતો હતો. મેં બાટલીનું ઢાંકણ બંધ કરી એને સરખી રીતે ફીટ કર્યું હતું. છેલ્લે જિંદગીમાં પહેલીવાર કોઈ કામ માટે ભગવાનને ભલામણ કરી હતી. હે ભગવાન જો તું ખરેખર ક્યાંક હોય તો બસ એટલી કૃપા કરજે કે મારી આ ચીઠ્ઠી મારા પ્રેમી સુધી પહોંચી જાય. આ બાટલો અને અને આ ચીઠ્ઠી એને જ હાથ લાગે બસ એટલું કામ કરી આપજે. ત્યારે મને એમ હતું કે મારો પ્રેમી જાણે મારા માટે જ દરિયા કિનારે ઊભો રહી આ બાટલો એને આવી મળે એની રાહ જોઈ રહ્યો હશે અને જેવી એ આ ચીઠ્ઠી વાંચશે એવો તરત એ મારી પાસે દોડી આવશે. વગર સરનામું જાણેય એ મને શોધી લેશે. એના જીવનમાં આ પ્રેમ પ્રકરણ સિવાય બીજું પણ કંઈ મહત્વનું હોય શકે છે એ વિચારવાનું મને સૂઝ્યું જ નહોંતુ. માણસ પ્રેમમાં પડે એટલે બીજું કંઈ શીખે ના શીખે ભૂલો કરવામાં માસ્ટરી ચોક્કસ આવી જાય છે!
   હું ઝડપથી તૈયાર થઈ હતી ને હજી સૂરજ એનો મિજાજ બદલે એ પહેલાં તો, બા હું હાલ આવી, કહીને હાથમાં બાટલી લઈને ઘરની બહાર ભાગી હતી...
   હું સીધી નદીને કિનારે જઈને ઊભી હતી. સાગરમાં ભળી જવા મથતાં, હરખની હેલી સાથે ઉતાવળે આગળ વહી જતાં જળને જોઈ સાચું કહું તો મને ઈર્ષા આવી ગઈ હતી. એક પળ થયું કાશ હું એક નદી હોત અને મારી નિયતિમાં પણ અંતે મારા સાગરમાં ભળી જવાનું લખાયું હોત. ફરી આંખો ભીની બની. મેં મારા હાથમાં પકડેલી કાચની બોટલને બે હાથે પકડી અને જઈ શકાય એટલું હું નદીમાં ઊંડે ગઈ. ઢીંચણ સમા પાણી આવી ગયા ત્યારે ખ્યાલ આવ્યો કે કિનારેથી શાંત દેખાતી નદી અહીં કેટલી રૌદ્ર હતી. જરાક શરતચૂક થઈ અને તમે એના પ્રવાહમાં તણાઈ ગયા સમજો.
   મેં બોટલને હોઠ અડાડી મનમાં ઈચ્છા કરી હતી કે એ મારા પ્રેમીના હાથમાં જરૂર પહોંચે. છેલ્લી પળે મારું દિલ એટલું જોર જોરથી ધબકી રહ્યું હતું કે મને મારા પોતાના ધબકારા સંભળાઈ રહ્યા હતા. આ બોટલ મારા પ્રેમી સુધી પહોંચશે? કેટલી બધી શંકા, આશંકા વચ્ચે ઘેરાયેલી હું ના ખૂલીને હસી શકતી હતી, ના ખૂલીને રડી શકતી હતી. મેં એ ક્ષણે ફરી જાગતી આંખે એક સપનું જોયું હતું... બોટલ આગળ જઈને જે પણ કિનારે ઊભી રહી જાય છે ત્યાં જ મારો પ્રિયતમ પણ મારા જ વિચાર કરતો ઊભો છે અને બોટલ હાથમાં આવતા જ એ કુતૂહલતાથી એને ઉપાડી લે છે. એમાં ચિઠ્ઠી જેવું કંઇક દેખાતા એ એને બહાર કાઢી વાંચે છે. એની નજર મારા લખાણ પર ફરી વળે છે અને એ રાજી થઈ જાય છે. એના મનમાં પણ મને મળવાની, મને જોવાની ઈચ્છા જોર કરી જાય છે અને એ દોડ્યો આવે છે...સીધો મારી પાસે!
   ઓયે ઘેલી છોકરી, એ ક્યાં દોડ્યો આવશે? તે આમાં તારું સરનામું કે ફોન નંબર તો લખ્યો નથી. મારી અંદરથી જ એક અવાજ આવ્યો હતો અને મને થયેલું કે મારી કોઈક નિશાની બોટલ સાથે રવાના કરું અને ત્યાં જ બીજો વિચાર આવેલો. આ બોટલ આગળ જઈ કોઈ દારૂડિયા કે ત્રાહિત વ્યક્તિને હાથ લાગી જાય અને એના હાથમાં મારું સરનામું, ફોન નંબર...
   તરત જ મારો વિચાર બદલાઈ ગયો હતો. હાથમાંની બોટલ પર મારી પક્કડ સખત થઈ. મારી પાસે બે વિકલ્પ હતાં. મારા દિલના અવાજને અનુસરવું અને બોટલને નદીમાં વહાવી દેવી કે પછી શંકામાં અટવાયા કરી એનો નાશ કરવો. પહેલાં વિકલ્પમાં એક આશા જીવંત રહેતી હતી અને બીજામાં હાલ જ એનો અંત આવી જતો હતો. વરસોથી જોયેલાં મારા રૂપાળા સપનાંનો હું ભલા મારા હાથે જ કેવી રીતે અંત લાવી દેત? કેટલી પીડા થઈ રહી હતી મને અને દુનિયામાં કોઈને એનાથી લેશમાત્ર ફરક નહતો પડતો! પણ, હા એને ફરક ચોક્કસ પડશે જો એ સાચુકલો ક્યાંક હશે... એને જેને મેં પ્રાણથીય અધિક ચાહ્યો છે. જેને મેં મારા મનની હરએક વાત કહી છે. જેની સાથે એક પળ જીવવા હું તરસી રહી છું.
   ચોધાર વહી જતી આંખો સાથે મનોમન શિવજીને યાદ કરી મેં હાથમાની બોટલને નદીમાતાને હવાલે કરી હતી. કેમે કરીને મારું રડવું રોકાતું ન હતું. હું જાણતી હતી કે આ બોટલ આગળ વધતાં જ મારાં મનમાં એક નવી આશ જન્મ લેવાની હતી. જેની સાથે આજ સુધી ફક્ત મારા સપનામાં કે વિચારોમાં જ મુલાકાત થતી હતી એને સાચુકલો જોવાની આશ. એ આશા ફળશે કે કેમ? કોને ખબર? ઓ દુનિયાભરના જ્યોતિષીઓ આવો, હાલ જ અહીંયા આવો અને મારા હાથની રેખાઓ વાંચી કહી દો મારા મનનો માણીગર ક્યાં છુપાઈને બેઠો છે? એ ક્યાં સુધી મારી સાથે આમ રમત રમ્યા કરશે? અમારો મેળાપ થશે કે નહીં?
   પાણીમાં પડેલી બાટલી પણ જાણે મારા જેવી જ અવઢવમાં હતી. એ ત્યાં જ પડી પડી પાણીમાં ચકરાવા લઈ રહી હતી. મેં હાથથી પાણી આગળ ધકેલ્યું અને એ થોડી આગળ વધી. પાછળથી અચાનક એક વહેણ આવ્યું અને એના પ્રવાહમાં પછી એ બોટલને તાણી ગયું. એ અચાનક આવેલા વહેણમાં મારું સંતુલન પણ ગયું હતું અને હું પાણીમાં બેસી પડેલી. છાતી સુધી મારા કપડાં ભીંજાઇ ગયા હતા. એક પળ તો થયું કે હું પણ આગળ ને આગળ ને વહી જાઉં આ પ્રવાહમાં... મારા પ્રિતમને હાથ મારી ચિઠ્ઠી નહીં આખેઆખી હું જ આવી જાઉં તો કેવી મજા આવે...
   “અલ્યા કોઈ તણાઈ રહ્યું છે?”
   દૂર કિનારેથી અમારા ગામના હરગોવન મહારાજની એ બૂમ હતી અને હું ભાનમાં આવી.
   “ના કાકા કોઈ તણાઈ નથી રહ્યું. હું માથાબોળ સ્નાન કરવા આવી હતી. થઈ ગયું.”
   હું ભીને કપડે, ભીની આંખે અને ભીના ચહેરા સાથે બહાર આવી ત્યારે કોઈને જરાક પણ ખ્યાલ ન હતો આવ્યો કે આગળ નિયતિ મારી સાથે કેવી રમત રમવાની હતી...
                         ******