What is social proof? in Gujarati Human Science by Virrajsinh jadeja books and stories PDF | સોશિયલ પ્રૂફ એટલે શું?

Featured Books
Categories
Share

સોશિયલ પ્રૂફ એટલે શું?

સાધુ, નેતા, ફિલ્મ કલાકારોના ઉદાહરણથી જાગૃત થઈએ

માણસ ટોળામાં જીવતો પ્રાણી છે. જ્યારે કોઇ પણ વાતમાં નિર્ણય લેવો હોય ત્યારે એ જુએ કે "બીજા શું કરે છે?" અને એ જ રસ્તે ચાલી નીકળે. મનોવિજ્ઞાનમાં આને "સોશિયલ પ્રૂફ" કહેવાય – ભીડને જોઈને સાચા-ખોટાનો નિર્ણય લેવો. સમસ્યા ત્યારે થાય જ્યારે ચાલાક લોકો આ ભીડનો ઉપયોગ કરીને ભોળાને ભરમાવે. 

1.સાધુના નામે સોશિયલ પ્રૂફ:-

એક નવા "બાબા"નું માર્કેટિંગ કેવી રીતે થાય? પહેલા 4-5 માણસોને પૈસા આપીને સ્ટેજ પર ચડાવી ને રડાવે, "બાબાએ મારું કેન્સર મટાડ્યું". વિડીયો વાયરલ થાય. પછી હજારો લોકો લાઈન લગાવે, જોનારાઓ ના મન માં એક વિચાર તો આવાનો જ કે "આટલા લોકો જાય છે તો કંઈક તો હશે". ઘણા બાબાઓ ના કિસ્સાઓ આપણી સામે છે કે કેટ કેટલા બાબાઓ ના ઇરાદાઓ અને ખોટા કાર્યો લોકોના સામે ઉજાગર થયેલા છે, ધાર્મિક કપડા + હજારોની ભીડ = સાચો બાબા, એવું સમીકરણ ભોળા લોકો બનાવી દે. મગજ તર્ક કરવાનું બંધ કરે: "બાબાઓ પાસે આવેલા આટલા બધા મૂર્ખ તો ન હોય". પણ ઇતિહાસ કહે છે કે ભીડ હંમેશા સાચી હોતી નથી. સોશિયલ પ્રૂફનો પહેલો નિયમ: સંખ્યા સત્યનો પુરાવો નથી.

2.નેતા અને ચૂંટણીનો ખેલ  

ચૂંટણી સભામાં ખુરશીઓ ભરવા માટે પૈસા આપીને માણસો બોલાવાય.મોટી મોટી કંપનીઓ માથી મજૂરો ને બોલાવાય, પબ્લિક ટ્રાન્સપોર્ટ ની બસો ફ્રી માં મુકાય,કાર્યકરો ને માણસો લઇ આવના ટાર્ગેટ અપાય, ડ્રોનથી ફોટાપડાય – "જુઓ કેટલી જનમેદની". ટીવી પર બ્રેકિંગ ન્યૂઝ: "વિરુભા નેતાની રેલીમાં માનવ મહેરામણ". ઘરે બેઠેલો મતદાર વિચારે, "આખું રાજ્ય વિરુભા ની સાથે છે, તો હું એકલો વિરોધ કરીને અલગ તરતો થઈ જઈશ" 1950ના પ્રયોગ "Asch Conformity"માં સાબિત થયું કે 75% લોકો ભીડને જોઈને ખોટી લાઈનને સાચી કહે. રાજકારણીઓ આ જ સિદ્ધાંત વાપરે. IT સેલ હજારો ફેક કોમેન્ટ કરાવે – "વિરુભા યુગપુરુષ છે" કે "ફલાણા જ યુવા આઈકન". આપણને લાગે આખો દેશ એવું માને છે. હકીકતમાં એ ૨૦૦-૫૦૦ જણા ની ટીમ નું કામ હોય. 

3.ફિલ્મ કલાકારો / પ્રખ્યાત વ્યક્તિઓ:-

કોઇ મોટો પ્રખ્યાત એક્ટર  જાહેરાત કરે એટલે કરોડો લોકોને લાગે "એ ખાય,પીવે,વાપરે એ સારું જ હશે".  મનપસંદ ક્રિકેટર ક્રેડિટ કાર્ડ કે કોઇ ચીજવસ્તુ વાપરે એટલે યુવાનો લાઈન લગાવે. અહીં "હેલો ઇફેક્ટ" + સોશિયલ પ્રૂફ ભેગા થાય. હીરોને પડદા પર સારા દેખાડ્યા, એટલે એની દરેક પસંદગી સારી લાગે. મોટા સ્ટાર્સના કરોડો ફોલોઅર્સ છે, એટલે કંપની ખોટી પ્રોડક્ટ પણ "લાખો લોકો વાપરે છે" કહીને વેચી દે. ફિલ્મ રિલીઝ પહેલા "હાઉસફુલ બોર્ડ" લગાવી દેવાય, જેથી ઉત્સુકતા વધે કે  – "બધા જુએ છે તો મારે પણ જોવી જોઈએ".

બચવાના 3 મંત્ર  

1.  ભીડને બદલે તથ્ય જુઓ: બાબા પાસે કેટલી ડિગ્રી છે? નેતાએ 5 વર્ષમાં કેટલા વાયદા પૂરા કર્યા? પ્રોડક્ટના રિવ્યૂ ફેક છે કે સાચા?

2.  "બધા કરે છે" એટલે "હું કરીશ" એ ચેઈન તોડો: એક મિનિટ રોકાઈને પૂછો – જો હું એકલો હોત તો શું કરત?

3.  કાઉન્ટર સોશિયલ પ્રૂફ શોધો: જેની વિરુદ્ધમાં બોલનારા લોકો છે એમને પણ સાંભળો. એકતરફી વાહવાહી હંમેશા શંકાસ્પદ હોય બધે કૂદી ના પડવું.

યાદ રાખો, ગાંધીજી એકલા હતા ત્યારે પણ સાચા હતા, અને હિટલરની સભામાં લાખો હતા છતાં એ ખોટો હતો. બાબાની ભીડ, નેતાનું સરઘસ કે હીરોના ફોલોઅર્સ – સંખ્યા જોઈને નહીં, સત્ય જોઈને ચાલો. કારણ કે આપણી વચ્ચે એવા લોકો ની ભીડ છે કે પોતાના હિત માટે કાંઈ પણ કરી શકે છે , પણ ગોથા ખાવા કે નહીં એ આપણી જાગૃતિ નક્કી કરશે. 

જાગો, વિચારો, પછી વિશ્વાસ કરો. ટોળું ભલે દોડે, તમે તો પગલું સમજીને મૂકો.