સંજોગોથી 'પર' થઈને કંઈ રીતે જીવી શકાય??
થોડુંક અપેક્ષા મુજબનું ન થાય, કંઈક આંચકા આપતું વર્તન ,શબ્દોના બાણ આપણાં ઉપર આવે તરત આપણે ખળભળી જઈએ છે .મનમાં તે ઘૂમ્યા કરે છે . તેની અસરમાંથી જલ્દી મુક્ત થઈ શકતા નથી. આપણો મૂડ થોડોક સમય તેની અસરમાં કદાચ ખરાબ રહે છે . આપણાં મનોઆવરણ પર તે પીડાની સોય થોડા સમય સુધી તે ભોંકાયા જ કરે છે. શું આવું તમારી સાથે થાય છે?? હા આવું થવું સહજ છે .શું એવું થઈ શકે કે આ બધું ક્ષણિક હોય ,ગમે તેટલા ભૂકંપ જીવનમાં આવે ,આપણી ચિતની સ્થિરતાને , આપણા મનોભાવને હાની પહોંચાડ્યા વગર, ડગમગાવ્યા વગર પસાર થઈ જાય ,વહેતી નદીની જેમ અને આપણે માત્ર દ્રષ્ટા બનીને નદીના કાંઠે ઉભા રહી, તેને નિર્લેપભાવે બસ જોઈ રહ્યા રહીએ !!
શું તમે આપત્તિની, પીડાની આંખોમાં આખો મિલાવી જોવાનો ક્યારેય પ્રયાસ કર્યો છે? તેનો હોવાપણું જો આપણે સહજપણે સ્વીકારી લઈએ, ને તો તે આપણને વધું નુકસાન નહીં પહોંચાડી શકે. તેની આપણને પીડા આપવાની શક્તિ મંદ પડી જશે. તેની 'અસર ''જતી રહેશે .તે 'છે' પણ 'નથી ' તેવી સિચ્યુએશન ઉદભવશે. જો આ બધું એટલું જ સરળ હોય તો કોઈ દુઃખી, કોઈ પીડામાં હોત જ નહીં ને!! અહીં તો સાવ ઉલટી પરિસ્થિતિ જોવા મળે છે. બધા જ લગભગ દુઃખી છે. બધા જ પીડામાં છે. દેખીતું કોઈ કારણ ન હોવા છતાં. આ દુઃખ આ પીડા શાની છે?? આર્થિક , સામાજિક સ્ટેટસ બધી રીતે સમૃદ્ધ હોવા છતાં આ ખાલીપો, આ એકલતા આ અકથિત માનસિક ઈમોશનલ પીડા છે છે શાની?? શું તે માત્ર આપણો ભ્રમ છે કે આપણને ઈશ્વરે ભરી ભરીને માત્ર દુઃખ જ વહેંચી આપ્યું છે?? અને એ પણ એવું દુઃખ કે કોઈને કહી ન શકાય , વર્ણવી ન શકાય ,કોઈને સમજાવી ન શકાય અને તેનો સામનો કરતાં કરતાં થાકી પણ જવાય .
" જીવન એક સંઘર્ષ છે "એવું આપણા મન મગજમાં એ ઠસાવી દેવામાં આવ્યું છે. પણ જીવનને એક નદી સમજીને અને તેના વહેણમાં વહેતા આવડી જાય ને ,તો તે આપણા માટે સંઘર્ષ નહીં રહે. પણ જેને પ્રયત્ન કરીને કુદરતની રચનાને , તરાહને અવગણીને તરીને, જોર લગાવીને ઘટનાઓ નિયતિને બદલવા સતત ઊર્જા વાપરી છે ને તેના માટે તો ચોક્કસ જીવન સંઘર્ષ જ બની રહેશે અને તે પણ છેલ્લા શ્વાસ સુધી. કારણ કે સંઘર્ષે તેમને નહીં, તેમણે સંઘર્ષને પસંદ કર્યો છે .જીવનરૂપી નદીના વહેણને એટલે કે આવતી ઘટનાઓ, પરિસ્થિતિને માત્ર દ્રષ્ટા બનીને નિરખીને તેને પસાર થઈ જવા દેવાનું છે .'સ્વીકૃતિ' એ જ સૌથી મોટું હથિયાર છે. આપણે બધું બદલી નાખીશું ,આપણે આપણું નસીબ ઘડીશુ, આપણે વ્યક્તિના સ્વભાવને કંટ્રોલ કરી લઈશું, એવું જો તમે માનતા હોવ તો સત્ય એ છે કે આપણે કંઈ જ કરી શકતા નથી. સિવાય કે સતત લાગણીથી મનથી ઘસાયા કર્યા સિવાય. નિયતિ જે હશે તે જ થવાનું છે અને તે જ આપણા માટે સૌથી ઉત્તમ હશે .ભલે જે તે સમયે સૌથી ભયાનક તકલીફદાયી લાગતું હોય . પણ તેની પાછળનું કુદરતનું, ઈશ્વરનું તાત્પર્ય આપણું શુભ કરવું એ જ હોય છે .
દીવા માની જ્યોત જેમ ઉર્ધ્વમૂલ દિશામાં પ્રજ્વલિત થાય છે અને તેમ આપણાં વિચારોને પણ સતત ઉર્ધ્વદિશામાં વિકસિત અને ચિંતનશીલ રાખવું પડે. તે માટે માર્ગદર્શન મેળવવા કુદરતને આપણે કોઈને કોઈ માધ્યમ આપવું પડે .આપણા જીવનને, આપના કર્મોને યોગ્ય દિશા આપવા કુદરત સતત આતુર હોય જ છે. જરૂર છે તેને કોઈ માધ્યમ આપવાની. જેથી તે માધ્યમથી તે તમારામાં સાચા જીવનતત્વનું ઈંધણ પૂરી શકે . એક લેખક માટે જેમ તેની 'લેખની' એક માધ્યમ છે ,જેનાથી વાંચક તો પછી તે પોતે ભીતરથી સમૃદ્ધ થાય છે ,પોતે પોતાના ચિત્તને શુદ્ધ કરે છે .સંજોગોથી પર થઈને જીવનના પગથિયા તે સતત ચડતો રહે છે. તે જ રીતે તમે પણ કોઈને કોઈ માધ્યમ કુદરતને આપો .જેથી તેના માધ્યમથી તમારામાં સતત સાર્થક જીવનના બીજ રોપતું રહે. તેને ખાતર પાણી પીવડાવી શકે. તે વાંચનનું માધ્યમ હોય કે ડાયરી લેખનનું કે પ્રકૃતિના સાનિધ્યનું, તમારે વ્યક્ત થવું પડશે.' શબ્દો'થી નહીં , 'વાંચા'થી નહીં, તે તો બાહ્ય અભિવ્યક્તિ છે .તમારે ભીતરની અભિવ્યક્તિના વાહક બનવું પડશે .તમારા સ્વ, તમારા મનોભાવ, તમારા ચિતની મલિનતા, તમારા ભાવની કોમ્પ્લેક્સિટીને વ્યક્ત થવા દો અને ડાયરીલેખન , પુસ્તક અને પ્રકૃતિ સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે. તે તમારા સાથે મૌન સંવાદ સાંધે છે. અને તમારા વિચારોના વમળો,ભાવની મૂંઝવણો, જિંદગી વિશેની ગેરસમજો દૂર કરી ધીમે ધીમે તમને હળવાશભર્યા પ્રસન્નચિત્તવાળા નવીન ભીતરથી પરિપક્વ, જીવન વિશેની સાચી સમજ સાથેના ,જીવનતત્વથી ભરપૂર વ્યક્તિત્વની ભેટ આપે છે. આ તમારું ટ્રાન્સફોર્મેશનવાળું વ્યક્તિત્વ પછી તમને નિયતિ સાથે, સંજોગો સાથે સંઘર્ષ નહીં કરવા દે.
જેના કારણ, કારક કે સાધન તમે છો જ નહીં, તો પછી તેનામાં લેપાવાનુ કેવું!! જ્યારે નિયતિ જ બધું કરાવે છે અને કરે છે તો પછી આપણું કર્તાપણું કેટલું!! આપણે ન તો નિયતિને બદલી શકીએ છીએ, ન તો મિટાવી શકે છે. આપણે માત્ર તેને હર્ષોલ્લાસથી સ્વીકારી શકીએ છીએ અને તે જ તમને જ સંજોગોથી પર થઈને જીવતાં શીખવાડશે .
મિત્તલ પટેલ
"પરિભાષા"