અકબંધ લાગણીઓ
ઘણા સમયથી પ્રિતી બસની રાહ જોતી ઉભી હતી. સાંજનો સમય હતો અને બસ આવતી ન હતી. તેની જવાની જગ્યા પર બહુ દૂર હતી. એટલે સાધન બદલીને જવું પડતું. તે વારંવાર ઘડીયાળને જોઇ રહી હતી અને સમયની સાથે હવે સાંજ થી રાતની શરૂઆત પણ થઇ રહી હતી. તેની ચિંતામાં વધારો થઇ રહ્યો હતો કે બસ નહિ આવે તો તે અહીં શું કરશે ? અહીં રોકાઇ શકે તેમ પણ નહતી. ના કોઇ પરિચિત વ્યક્તિ. એટલી જ વારમાં તેના દિમાગમાં એક વ્યક્તિનું નામ આવ્યું પણ ખરા................ પણ હાશકારા સાથે તેણે તેને ફોન કરવાનું માંડી વાળ્યું. પણ પછી તેના દિલની સામે તેણે તેના હથિયાર મૂકી જ દેવા પડયા. તેણે પર્સમાંથી મોબાઇલ કાઢ્યો ને પ્રણયને ફોન કર્યો. પ્રણય કે જે તેની સાથે એક જ કોલેજમાં ભણતો હતો.
પ્રિતી : હેલો....... પ્રણય
પ્રણય : ઓ હાય પ્રિતી. બોલો નીકળી ગયા ઘરે જવા માટે ?
પ્રિતી : હા નીકળી તો છું પણ.........
પ્રણય : પણ શું ? કોઇ તકલીફ છે ? તમે કહી શકો.........
પ્રિતી : આજે મારી બહેનપણીના ઘરે ગયા હતા અને પછી ત્યાંથી બહાર ફરવા ગયા હતા..... મને બસ સ્ટેન્ડ તો તેઓ મૂકી ગયા.... પણ મને બસ જ નથી મળી રહી. એટલે ચિંતામાં છું.
પ્રણય : બસ આટલી જ વાત...... હું કાંઇ મદદ કરી શકું તમારી ? જો તમે કહો તો.......... હું ઘરે મૂકી જાઉં છું.
પ્રિતી : (મનમાં ખુશ થઇને બોલે છે) હું તો ઇચ્છતી જ હતી કે તમે મારી સાથે સમય વીતાવો અને મને મૂકવા આવો એટલે તો ફોન કર્યો.
પ્રણય : હેલો........... પ્રિતી. ..... કેમ બોલતા નથી ??? શું થયું મુકવા આવું કે નહી ?
પ્રિતી : (સપનામાંથી બહાર આવી જાય છે) અરે હા.... સોરી..... મારું ધ્યાન બીજે હતું. હા તમે આવો મૂકવા.
પ્રણય : ઓ.કે. તો તમે દસ મિનિટ રાહ જોવો. હું આવું છું લેવા.
પ્રિતી : ઓ.કે.
જેવો પ્રણયનો ફોન કટ થયો કે પ્રિતી બહુ ખુશ થઇ જાય છે ને મનમાં જ ભગવાનનો આભાર માને છે કે સારું થયું આજે તમે બસ ના મોકલી. પ્રિતી આતુરતાથી રાહ જોતી હતી. ને પછી તે ભૂતકાળમાં સરી પડી. કોલેજની પરીક્ષાના સમયે આખો દિવસ પ્રણય ને પ્રિતી સાથે બેસી રહેતા... પ્રિતીના મનમાં થોડી-થોડી લાગણી ઉદ્ભવી તો રહી હતી પણ તે તેને કહી શકતી ન હતી. વાણી અને વર્તન બંને પ્રણયને કહી રહ્યા હતા કે હું તને પસંદ કરું છું પણ બોલવાની હિંમત જ ન હતી. પ્રિતીએ મન માંડી વાળ્યું કે હવે પછી આ યાદ કરવું નથી. જે સહપાઠીના સંબંધો છે તે બરાબર છે. તેનાથી જ તે ખુશ છે. પણ આજે અચાનક પોતાને રોકી ના શકી અને પ્રણયને ઘરે મૂકવા આવવા માટે કહી દીધું. દસ જ મિનીટમાં પ્રણય આવી જાય છે. પછી પ્રિતી ગાડીમાં બેસી જાય છે ને પ્રણય ગાડી ઘર તરફ જવા દે છે.
પ્રણય : બોલો.... મેડમ..... આજે તો અમે તમને ઘરે છેક મૂકવા આવીશું.
પ્રિતી : હા... એ માટે થેક્યુ અને સોરી એ માટે કે મે તમને તકલીફ આપી....
પ્રણય : એમાં સોરી ના હોય..... એટલો તો હક છે જ મારો.
પ્રિતી : (મનમાં) તમારો તો પૂરો હક છે................. (ને પછી મનમાં મલકાઇ જાય છે)
પ્રણય : પ્રિતી, એક વાત કરવી હતી તને ?
પ્રિતી : હા બોલોને.......
પ્રણય : આપણે કોલેજમાં આવ્યા ત્યારથી આજ દિન સુધી સાથે ફરીએ છીએ, પરીક્ષાની તૈયારી પણ સાથે કરીએ છીએ...... કયાંક ચા-કોફી........ મસ્તી… પણ આજકાલ હું કંઇક અલગ ફીલ કરું છું. હવેથી આપણી વાતચીત બહુ વધી ગઇ છે. તારા મેસેજનો જવાબ આપ્યા વગર મને ગમતું નથી. તને મળ્યા વગર ગમતું નથી.
પ્રિતી : હમમ..... સારું જ ને આપણે હવે ખાસ મિત્રો બની ગયા છે.
પ્રણય : ખાસ મિત્રથી પણ કંઇક આગળ લાગે છે મને ?
પ્રિતી : (અજાણ બનીને) એટલે ? સમજ ના પડી.
પ્રણય : મારો કહેવાનો અર્થ એ છે કે, શું તમે મારા પ્રેમમાં છો ?
પ્રિતી : (એક ધબકારો ચૂકી ગઇ) (તેણે પોતાની નજર બીજી બાજુ ફેરવી લીધી)
પ્રણય : તમે સાંભળ્યું મે શું કહ્યું ?
‘‘કયા કરોગે હમસે જવાબ એ ઇશ્ક લેકર,
કહ તો દિયા હૈ તેરે થે ઔર તેરે હી રહેગે’’
પ્રિતી : (તેણે વાત બદલી નાખી) કાલે કેટલા વાગ્યે આવાનું છે ?
પ્રણય : વાત ના બદલશો.....
પ્રિતી : હા તો તમે કહી દો કે. તમને મારા માટે પ્રેમ છે કે નહીં ?
પ્રણય : મારે ફકત તમારો જવાબ સાંભળવો છે..... તમને ના હોય તો ના પાડી દો..... તો હું એમ સમજીશ કે બધું એકતરફી હતું. તમે મિત્ર જ હતા..... ને તમને પ્રેમ હોય તો હું આગળ કંઇક વિચારું...... પણ મને જવાબ જોઇશે જ.
પ્રિતી : (કંઇ જ બોલી શકતી નથી.)
પ્રિતી મનમાં હરખાતી તો હતી કે એને જે સાંભળવું હતું તે પ્રણય એ બહુ આસાનીથી કહી દીધું. તેના મનમાં તો પતંગિયા રમવા માંડ્યા હતા. ત્યાં જ અચાનક પ્રણય એ પ્રિતીના ખભા પર હાથ મૂકી દીધો. પ્રણયને હાથ મૂકવામાં તકલીફ પડી પણ પ્રિતી ખુશ હતી. પ્રિતી કંઇ જ ના બોલી શકી. પણ હવે પ્રિતીનો જવાબ આપવો જરૂરી બની ગયો હતો. કેમ કે, પ્રણયનો એ એક સ્પર્શ જ તેના દિલ-દિમાગને હચમચાવી શકયો હતો. બંને ગાડીમાં હતા નહીતર પ્રિતી પોતાની ગળે લગાવતા રોકી ન શકત.
પ્રણય : બોલો..... હું રાહ જોવું છું. શું છે તમારા મનમાં ?
‘‘જાનતે હો ફીર ભી અન્જાન બનતે હો,
ઇસ તરહ કયો મુજે પરેશાન કરતે હો,
પુછતે હો મુજે કયા પસંદ હૈ,
જવાબ ખુદ હો ફીર ભી સવાલ કરતે હો.’’
એટલી વારમાં પ્રિતીનું ઘર આવી જાય છે. પ્રણય અફસોસ સાથે લાંબો નિઃસાસો નાખે છે અને મનમાં જાવબ ન મળવાની ઉદાસીનતા. પ્રિતી ગાડીનો દરવાજો ખોલવા જાય છે પણ રોકાઇ જાય છે અને પ્રણયનો હાથ પોતાના હાથ પર લઇ ફકત તેની આંખોમાં જોવે છે અને કહે છે કે, ‘‘દરેક વખતે જવાબ આપવો જરૂરી નથી હોતો. અમુક વાર જાતે સમજી લેવું પડે છે. તારે સમજવું પડશે મારા દિલમાં શું છે.’’ એમ કહીને પ્રિતી ગાડીમાંથી ઉતરી ઘર તરફ જતી રહે છે. પ્રણય તેને જોતો રહે છે અને મનમાં ને મનમાં મલકાય છે અને પ્રિતી પણ તેને પાછું વળીને જોવે છે.
‘‘સ્વપ્નોની દુનિયામાં જ રહેવા દે આ સંબંધને,
વાસ્તવિકતાને અસર પડી તો વરવિખેર થઇ જઇશું.’’
પ્રણયના ઘરે મૂકી ગયા બાદ પ્રિતીને બસ પ્રણય સાથે જ સમય પસાર કરવો હતો. તેણે પ્રણયને ફોન કરીને જે રૂબરૂમાં કહી શકાય તેમ ન હતું તે બધું જ કહી દીધું. એનાથી પ્રિતીના મનમાં જે ભાર હતો તે ઉતરી ગયો ને કદાચ પ્રણયને પણ પોતાના પ્રશ્નનો જવાબ મળી ગયો........................
- પાયલ ચાવડા પાલોદરા