ભારે હૃદયે દરિયા-સા આંસુ સારતી આદ્યા હાથમાં મોટી સુટકેશ અને હૈયામાં અસંખ્ય શૂળ લઈ બસસ્ટેશને બસની રાહ જોતી ઊભી હતી. બસને આવવાની હજી વાર હતી. પ્લેટફોર્મ પર જ ઉભી રહીને તે કોઈ ઊંડા વેદનભર્યા વિચારોમાં ખોવાઈ ગઈ હતી.
સાંજનો ઠંડો પવન તેનાં મોહક દૂધ સમા દેહને સ્પર્શીને પાવન થઈ રહ્યો હતો, પણ આ સુખકારી સમીર ઓછો કાંઇ તેનાં અંતરની આગને ઠારવાનો હતો? ક્ષિતિજમાં અસ્ત થતાં સૂર્યને જોઈ તેને પોતાનું પૂર્વ જીવન યાદ આવતું હતું, જે અત્યારે આમ જ વેદનાની ઊંડી ખીણમાં ગરકાવ થઈ ગયું હતું. વિરહમાં ઝૂરતી પ્રેયસીની જેમ તેની સરોવર સમી આંખોમાંથી વહેતા અમીબિંદુઓની સાથે તેના રાતદિવસ વણેલા ઓરતાઓ પણ અનંતમાં વિલીન થઈ રહ્યા હતા. તેનાં મન, હૃદય ને હોઠ ઉપર અત્યારે એક જ વાક્ય વિશ સમું ઘૂંટાઈ રહ્યું હતું:
"આ ઘર કાંઇ તારું નથી!" પોતાના સગા સ્વજનનાં મુખે આ વાક્ય તેને સર્પદંશ સમું થઈ પડ્યું હતું. તેનાં ત્રસ્ત મગજમાં અત્યારે તેનો ભૂતકાળ કાળઘેરા પડછાયાની માફક ઘૂમરાઈ રહ્યો હતો.
......
આજથી બે’એક વર્ષ પહેલા મા-બાપની અનિચ્છા હોવા છતાં આદ્યાએ પોતાનાં પ્રાણથી ’યે પ્યારા પ્રીતમ આદિત્ય સાથે સમાજ વિરુદ્ધ જઈ સ્નેહવિવાહ કર્યા હતા. શરૂઆતમાં બંનેનું દાંપત્યજીવન સુંદર રીતે ચાલતું હતું. આદિત્ય પણ આદ્યાને ખૂબ ચાહતો હતો. બંને સુખેથી શહેરમાં એક મકાન ભાડે રાખી રહેતા હતા. આદિત્યને સરસ પ્રાઇવેટ કંપનીમાં નોકરી હતી અને આદ્યા ઘરે જ રહીને આજુબાજુની સોસાયટીના છોકરાઓને ટ્યુશન કરાવતી. આમ બંને કમાતા અને બંને મોજથી જીવતા. પણ કહેવાય છે ને કે સમયનું ચક્ર ફરતું રહે છે એમ જ આદ્યાનાં જીવનમાં પણ સમયનો જાદુ ચાલ્યો. વખત વિતતા તેમની આ પ્રણયયાત્રામાં પણ તિરાડ પડવા માંડી.
લગ્ન પછી થોડાક જ સમયમાં આદ્યા તરફ આદિત્યનું વર્તન બદલાઈ ગયું. જ્યાં પહેલા તે આદ્યાની ખૂબ કાળજી લેતો હતો અને તેની સાથે મોટાભાગનો સમય વિતાવતો, ત્યાં તે હવે ફક્ત તેની સાથે કામ પૂરતી જ વાત કરતો અને મોટાભાગે વ્યસ્ત રહેતો. આવું બધું સામાન્ય દાંપત્ય જીવનમાં ચાલતું હોય તેમ માની આ બધી વાતો આદ્યા બહુ ધ્યાનમાં ના લેતી.
ધીમે ધીમે આદિત્યની આદ્યા તરફની રુચિહીનતા આદ્યાને શંકાશીલ લાગવા માંડી. આદ્યા હવે આદિત્યની બધી જ વાતોનું ધ્યાન રાખતી; તે ક્યાં ક્યાં જાય છે? કોની કોની સાથે વાત કરે છે... વગેરે... આ બધી શંકાઓ અને આદ્યાની પૂછપરછથી આદિત્ય પણ કંટાળી ગયો હતો. તેંને દારૂની પણ ખોટી લત લાગી ગઈ હતી. શરૂઆતમાં તેં કયારેક ક્યારેક જ પીતો પણ હવે તે રોજ દારૂ પીને આવતો.
આટલું પૂરતું ન હોય તેમ આદિત્યનું દારૂ પીને આદ્યાને હેલફેલ ગાળો બોલવી અને ક્યારેક ક્યારેક હાથ પણ ઉપાડવો, આ બધું પડોશીઓ માટે જાણે મનોરંજન બની ગયું હતું.
એક દિવસ ઘણી મોડી રાત સુધી આદિત્ય આવ્યો નહોતો, આદ્યાએ તેને ઘણા ફોન કર્યા પણ તેનો ફોન વ્યસ્ત બતાવતો હતો. આદ્યા ચિંતાતુર બની આદિત્યની રાહ જોતી હતી. છેક સાડા અગિયાર વાગ્યે લથડિયા ખાતો કાંઈક લવારી કરતો વિખરાયેલા વાળ વાળો આદિત્ય સોસાયટી ગેટથી અંદર આવતો દેખાયો. તેણે આદ્યાને જોઈને જ ગાળો બોલવી શરૂ કરી દીધી:
"એય... બદમાશ સ્ત્રી... તેં... તેં... મારી જિંદગી બરબાદ કરી નાખી... હે.... એ રાસ્કલ લેડી, ગો ટુ ધી હેલ..."
"તમે પહેલા ઘરમાં ચાલો, અહીં બધા વેશ જોવે છે..."
પરાણે આદિત્યનું બાવડું ઝાલી આદ્યા તેને ઘરમાં લઈ ગઈ.
ઘરમાં ગયા પછી તો શું થયું એ તો રામ જાણે, પણ સોસાયટીની ઘણીય સ્ત્રીઓ કાન સરવા કરી આ નાટક સાંભળવા બેતાબ હતી. અંદરથી આવતા અવાજો તો એટલું જ કહેતા હતા કે બે સુખી યુગલના પ્રણયજીવનમાં કોઈ મોટું દાવાનળ હાવી થઈ રહ્યું છે. છતાં રોજની બીના છે કહી ઘણા લોકો આંખ-કાન ઢાંકી સૂઈ રહ્યા હતા.
થોડીવાર પછી એમજ લથડતાં-કૂટાતાં આદિત્યએ બહાર આવી ચીસો પાડીને બોલવાનું શરૂ કર્યું.
"જુવો નાલાયકને, મને કહે છે કે મારે જે કાંઈ કરવાનું એને પૂછીને કરવાનું... ક્યાં હકે આમ બોલે છે?"
"તારી જીવનસંગિની છું આદિત્ય, તારા જીવન પર પૂરો હક રાખું છું."
"કોણે આપ્યો, હું જાતે કમાઈને ખાવ છું, તારું પણ પોષણ કરું છું. હું પોતાનાં ડિસિઝન્સ જાતે લઈ શકું છું. બોવ હક જોઈતો હોય તો જતી રે’જે તારા બાપને ઘેર... બાકી મારા ઘેર રહેવું હોય તો મારું માનવું પડશે." કડવા વખ જેવા શબ્દો આદિત્ય બોલતા તો બોલી ગયો પણ પછી એનું પરિણામ પાછળ તૈયાર પડ્યું હતું.
"વ્હોટ ડુ યૂ મીન બાય ’મારું ઘર’? આદિત્ય આ મારું પણ ઘર છે..."
"નથી... હું કમાઈને હપ્તા ભરું છું, કંઈ તું પૂરું નથી કરતી... કહ્યું ને કે આ ઘર તારું નથી..." જાણે હજી સુધી દારૂનો કૈફ ઊતર્યો ન હોય તેમ આદિત્ય આંખ મીંચીને આદ્યા સામું આંગળી ચીંધીને બોલી ગયો.
જાણે એ ચીંધેલી આંગળી શૂળ બની આદ્યાનાં હૃદયમાં ઊતરી ગઈ હોય તેમ તે કશું પણ કહ્યાં વિના ઘરમાં જતી રહી, જાણે તેનાં હ્રદયમાં આદિત્યની વાત ઊંડે સુધી ઘર કરી ગઈ હોય.
......
"અહીં કેમ આવી ગયા? હજી રહો ને તમારા મનનાં એ માણીગર સાથે..." અડધી રાતે પોતાનાં પિયર પહોંચેલી આદ્યાએ તો કદી નહોતું વિચાર્યું કે ત્યાં પોતાની ભાભીને મોઢે એને આવા શબ્દો સાંભળવા પડશે.
"કેમ આવી ગઈ મોઢું ઉઠાવીને? ધણીએ લાત મારી એટલે આવી ગઈ બાપનાં ઓટલે... ક્યાં હકથી અહીં આવી છું?" પોતાની સગી જનનીને મોઢે આવા વેણ સાંભળીને તો જાણે તેનું લોહી જ થીજી ગયું.
"અહીં તારા માટે જગ્યા નથી, તેં જે કર્યું છે એનાં પછી આપણો કોઈ નાતો રહેતો નથી, કાલે સવારે જ અહીંથી વહેલી ઉપડી જજે, ગામમાં કોઈને ખબર ના પડે એમ..." મક્કમતાથી કહેલા પપ્પાનાં આ વાક્યોએ આદ્યાનાં હ્રદયને ઘણો આઘાત આપ્યો હતો. તેં રડતા રડતા ફક્ત આટલું જ બોલી શકી હતી...
"પપ્પા... તમે તો..."
"ના કહીશ પપ્પા મને, તે મને પપ્પા કહેવાનો હક ખોઈ દીધો છે. આ ઘરને ને તારે કોઈ સંબંધ નથી..." પપ્પાનાં ઊંચા અવાજથી તેં ડગી નહીં; તેણે કહ્યું:
"પપ્પા! આ મારું પણ ઘર છે!"
"ઘર! આ કંઈ તારું ઘર નથી, ચાલ જા હવે..." મોટાભાઈનાં આટલા શબ્દો તેનાં સ્વમાનને જગાડવા પૂરતા હતા.
.....
પાછી વળતી આદ્યાને છેક ગામનાં ચોરા આગળ તેનો ભત્રીજો નક્ષ દોડતો આવીને એક ચિઠ્ઠી આપી ગયો હતો. તેમાં લખ્યું હતું:
’ વ્હાલી આદ્યા...
તારી સાથે કરેલા વર્તાવ પાછળ એક કારણ હતું, જે તું સમજતી હોઈશ... બેટા તેં જે કંઇ કર્યું એનાં પછી હું જો તારી સાથે સંબંધ રાખું તો... તો પછી સમાજ મને નહીં સ્વીકારે, મને મારી નહીં પણ આપણા આખા ઘરની ચિંતા છે. તું તો મારી વ્હાલસોયી છું, જો મારા હાથમાં હોત તો આજેય બધું જ ભૂલીને તને ગળે લગાવી લેત... પણ અફસોસ! હું કંઈ નથી કરી શકતો. થઈ શકે તો તારા બાપને માફ કરી દેજે બેટા! હવે ટૂંકમાં કહીશ કે તું જ્યાં પણ જા ત્યાં સુખી થાજે...
ચિરંજીવી ભવ!
- તારો બાપ ’
આદ્યાને મન આ ચીઠ્ઠી ભલે એક આશ્વાસનમાત્ર હતી પણ એમાં ઓછા શબ્દોમાં તેના બાપની વ્યથાભરી મનોદશા ભારોભાર આલેખાયેલી હતી.
......
આ બધા ભૂતકાળને વાગોળવામાં તે વ્યસ્ત હતી ને ત્યાં જ બસનો હોર્ન વાગ્યો ને તેની તંદ્રા તૂટી, ધક્કામુક્કીમાં ગમે તેમ કરી તે બસમાં જઈ બેઠી. તેને ખુદને ભાન નહોતું કે તે ક્યાં જઈ રહી છે, તેનાં મનમાં અત્યારે એક જ વાત ચાલી રહી હતી:
"બેટા! સાચેમાં તો દીકરીનું પોતાનું કોઈ ઘર હોતું જ નથી, તેણે જાતે પોતાનું ઘર શોધવું પડશે!" દસમાં ધોરણમાં સાહેબે કહેલી વાત આદ્યાનાં મનમાં ઘુમરાઈ રહી હતી. મનમાં જ આ વાક્ય બબડી તેણે પોતાની ઓઢણી વડે લૂંછી આંખોની પાંપણના ખૂણે લટકી રહેલા વેદના ભરી રાખેલા અશ્રુઓને દૂર કર્યા.
બસ ઉપડી અને સાથે તેની વિચારોની શૃંખલા પણ! બસ આગળ વધતી હતી, જેની સાથે તે વધતી હતી પોતાનાં સપનાઓ તરફ, પોતાની નવી જિંદગી તરફ... આદ્યા જઈ રહી હતી પોતાનું ઘર શોધવા! ખબર નહીં ક્યાં જઈ મળશે? પણ તેને આશા હતી અંદર સુધી કે; હા મળશે! ચોક્કસ મળશે! ’દીકરીનું ઘર!’ દીકરીનું પોતાનું ઘર...