ઢળતી સાંજ તેના ગુલાબી સૌંદર્ય સાથે વધુ ગુલાબી લાગી રહી હતી.. આથમતા સૂરજને પણ થોડીવાર થતું હશે કે એક ક્ષણ થોભી જાઉં અને આ ગુલાબી સાંજને નિહાળતો રહું. બંનેનું મિલન અશક્ય હતું.. છતાં એક ચીજ હતી જે આ બંનેને એક કરવાં માટે જ કુદરતે સર્જન કર્યું હતું, એ હતું ક્ષિતિજ! જે આભ અને જમીન સાથે રમણીય સાંજને એકસાથે પોતાની આગોશમાં લઈને ભ્રમ ઉત્પન્ન કરતી કે આ બંને એક થઈ ગયા છે.. અને આ કુદરતી દ્રશ્ય જોનાર દરેકનું મન મોહી લેતું હોય છે..
આવી અદ્ભૂત અને રમણીય સાંજ વિદાય લેતા સૂરજની સાક્ષીએ એક કારમી ચીસ આકાશ ફાડતી સાંજમાં સમાઈ ગઈ..!
"નહીં... ઇ... ઇ... ઇ...!" તે ફફડીને જાગી ગઈ, પરસેવાની શ્વેત બૂંદોએ તેના પૂરા બદન પર કબજો કરી લીધો હતો. હૃદયની ગતિ વધી ગઈ હતી, આંખોમાં ડર સાથે કંઈક જોઈ લેવાનું દુઃખ હતું.. તેણે ધ્રૂજતા હાથે નાઈટ લેમ્પ ચાલુ કરી બાજુમાં પડેલ ટીપોઈ પર પાણીનો જગ હાથમાં લઈને અડધો ગ્લાસ પાણી લીધું અને આંખો સામે ગ્લાસ લાવતા તેણે ગ્લાસ હોઠ નજીક પહોંચાડ્યો. એક જ ઘૂંટડે તે પાણી પી ગઈ.. ફફડાટ હજુ એમ જ યથાવત હતો..
"બેટા, રુદ્રી! શું થયું? ફરીથી એ જ સપનું આવ્યું કે શું? "
બાજુના રૂમમાં સૂતેલા મીનાબેન રુદ્રીની ચીસ સાંભળી દોડતાં આવ્યાં..
રુદ્રીએ ડરેલી આંખો સાથે હકારમાં ડોકી હલાવી.
મીનાબહેને રુદ્રી નજીક આવીને એના માથે પ્રેમથી હાથ ફેરવ્યો.. ત્યાં સુધીમાં તેના પપ્પા સુનિલભાઈ પણ આવી ગયા..
"હું તમને કહું છું સુનિલ, પણ તમે માનતા નથી, આપણે કોઈ સારા ભૂવાજી પાસે જઈને દીકરીને દેખાડવી જોઈએ. આ કંઈ આજકાલનું નથી, ઘણા સમયથી તે આ રીતના સપનાથી પરેશાન થઈ રહી છે."
સુનિલભાઈ કંઈ બોલ્યા નહીં, રુદ્રી પાસે આવીને બેસી ગયા. તેમણે રુદ્રીનો હાથ પોતાના હાથમાં લઈને બીજા હાથે દબાવી દીધો.. જાણે એક પિતા તેની દીકરીને કહી રહ્યો હતો કે, "તું ચિંતા ના કર, તારો બાપ હજુ જીવે છે!" આ મીનાબેન જોઈ રહ્યાં. તે જાણતા હતા કે કંઈ પણ થઈ જશે પણ પોતાના પતિ ક્યારેય આ વાત નહીં સ્વીકારે કે, દીકરીને ક્યાંય સારા જ્યોતિષી કે ભૂવા પાસે લઈ જઈએ.
પિતાનો હાથ પકડીને રુદ્રી ત્યાં જ સુનિલભાઈના ખોળામાં માથું રાખીને સૂઈ ગઈ.. મીનાબહેન કંઈક કહેવા જતા જ હતા ત્યાં સુનિલભાઈએ હોઠ પર આંગળી રાખી ઈશારો કર્યો કે અવાજ ના કરે.. મીનાબહેનના શબ્દો તેના ગળામાં જ રહી ગયા. તે ધીરેથી પોતાના રૂમ તરફ અગ્રેસર થયા.
એવું નહોતું કે, દીકરી સાથે શું થઈ રહ્યું છે એની ચિંતા મીનાબહેનને નહોતી.. પણ, હાલ દીકરી સુરક્ષિત ખોળામાં સૂતી છે એ જાણી તેને હૈયે ધરપત હતી અને તે બાપ અને દીકરી વચ્ચે ના આવતા પોતાના રૂમમાં જવાનું વધુ યોગ્ય સમજીને નીકળી ગયા..
સૂઈ રહેલી રુદ્રીને સુનિલભાઈ જોઈ રહ્યા, એકદમ માસૂમ નાની બાળકી જ જોઈ લો! ભૂતની વાર્તા સાંભળી બાળક ડરી જાય અને જે રીતે બાપ તથા માતાનો પાલવ પકડીને સુરક્ષિત મહેસૂસ કરે એવું જ હાલ રુદ્રી પોતાના સુપર હીરોનો હાથ પકડીને સૂઈ રહી હતી.. ઘડિયાળના કાંટા ધીરે ધીરે ટક-ટક કરતાં આગળ વધી રહ્યા હતા અને રાતે પણ અંધકારનો છેડો તાણ્યો હતો બરાબરનો. ચાર રસ્તાઓ પર કૂતરા ઠંડીના લીધે કે ભૂખના લીધે જોરજોરથી રડી રહ્યા હતા.. જેના લીધે વચ્ચે વચ્ચે રુદ્રી ઝબકી જતી હતી પણ સુનિલભાઈ મૌન રહીને દીકરીને મહેસૂસ કરાવી રહ્યા હતા કે, "બેટા ચિંતા ના કર, તારો બાપ તારી સાથે જ છે.."
સવાર થતાં મીનાબહેન ચા-ભાખરી બનાવીને સુનિલભાઈને અવાજ કરવા ઓરડામાં જાય છે ત્યાં તેમને યાદ આવે છે કે રાતે સુનિલભાઈ તો રુદ્રીના ઓરડામાં જ હતા એટલે તે તરફ જવા લાગે છે.. રુદ્રી હજુ એમ જ નાની બાળકી જેમ સૂતી હતી.. અને સુનિલભાઈ એ જ જગ્યાએ યથાવત બેઠા હતા, હા એમની આંખોમાં ઝપકી આવી ગઈ હતી. પગરવનો અવાજ થતાં જ તેમણે આંખો ખોલી..
"અહીં જ સૂઈ ગયા હતા શું?" ટેબલ પર ચા-નાસ્તો મૂકતા મીનાબહેન બોલ્યા.
"હા, અહીં જ બેઠો હતો અને ક્યારે ઊંઘ આવી ગઈ એની ખબર જ ના રહી.. તું એક કામ કર, મારો નાસ્તો નીચે લઈ જા હું હમણાં જ ફ્રેશ થઈને આવું છું. રુદ્રીને સૂવા દેજે.. ઉઠાડતી નહીં, આમ પણ આજે રવિવાર છે એટલે કોલેજ તો બંધ છે.."
"હા ઠીક છે તમે જલ્દી આવો.. હું મંદિરનું કામ ત્યાં સુધીમાં પૂરું કરી લઉં." આમ કહીને મીનાબહેન નાસ્તાની ટ્રે લઈને નીકળી ગયા..
સુનિલભાઈ પણ ઊભા થઈને પોતાના ઓરડામાં જવા લાગ્યા. જતાં જતાં તેમણે એક નજર દીકરી પર નાખી તો એ બધી જ ચિંતાઓથી પર મસ્ત ઊંઘી રહી હતી. તેની ઊંઘમાં ખલેલ ના પડે એ હેતુથી સુનિલભાઈ અવાજ કર્યા વગર ચૂપચાપ નીકળી ગયા..
રોજના નિત્યક્રમ પતાવી સુનિલભાઈ નીચે આવી ટેબલ પર બેસતા બોલ્યા, "હું વિચારું છું કે એકવાર રુદ્રીને કોઈ સારા મનોચિકિત્સકને બતાવી લઈએ.. આજકાલના બાળકોમાં આવું થવું સ્વાભાવિક છે.. દોડધામ ભરી જિંદગીમાં માનસિક રીતે તૈયાર થવામાં વાર લાગે.."
"પણ તમે મારી વાત માનો, એને ડોક્ટરની નહીં પણ કોઈ સારા જાણકારની જરૂર છે." ભાખરી પર ઘી લગાવતા મીનાબહેન બોલ્યા.
"જો મીના, મેં તને ઘણીવાર કહ્યું છે મને આવા જાણકાર કે ભૂવા માં જરા અમથો પણ વિશ્વાસ નથી.. હું આવી કોઈ અંધશ્રદ્ધામાં માનતો નથી. હું નથી ઈચ્છતો કે મારી દીકરીને પણ હું ત્યાં લઈ જઈને ભ્રમમાં નાખું.. એટલે ફરીવાર મારી આગળ આવી મનોરોગી જેવી વાત ના કરતી.."
મીનાબહેન આગળ કશું જ ના બોલ્યા. એ જાણતા હતા કે આગળ વાત કરવાનો કોઈ પણ મતલબ નથી. સુનિલભાઈને સમજાવવા એ પથ્થર પર પાણી રેડવા જેવું જ છે.. તે ચૂપચાપ બેસીને ચા-નાસ્તો કરવા લાગ્યા. સુનિલભાઈ નાસ્તો પતાવીને ઓનલાઈન કોઈ સારા મનોચિકિત્સકને તપાસવા લાગ્યા જેથી દીકરીને ત્યાં લઈ જઈ શકાય. થોડીવારમાં જ રુદ્રીની ઊંઘ ઉડતા તે નીચે આવી માતા-પિતાને નાસ્તો કરતા જોઈ તે તરત જ ટેબલ પર ગોઠવાઈ અને ભાખરી પર ઘી બરાબર લગાવ્યું છે કે નહીં એ જોઈ ભાખરી પ્લેટમાં લીધી..
"બેટા, હું વિચારું છું કે તને કોઈ ડોક્ટર પાસે લઈ જઈએ, તને સારા કાઉન્સેલિંગની જરૂર જણાય છે.."
"એટલે તમે કહો છો કે હું મનોરોગી છું એમ?"
"ના બેટા, આવું તો બિલકુલ નથી કહેતો. મારો કહેવાનો અર્થ એ છે કે તું આજકાલ બરાબર સૂઈ નથી શકતી તો તને સારા કાઉન્સેલર પાસે લઈ જઈએ તો તારી સમસ્યાનું સમાધાન થાય. બસ."
"ઠીક છે પપ્પા, તમને એવું લાગે કે મને કોઈ માનસિક સમસ્યા છે તો એકવાર જઈ આવીએ મને વાંધો નથી.." આમ કહીને રુદ્રી નાસ્તાને ન્યાય આપવા લાગી. તે મનમાં વિચારી રહી હતી કે, "કોણ હશે એ યુવક? કોણ હશે એ યુવતી અને શા માટે એમની આવી ક્રૂરતા મુજબ હત્યા કરી નાખવામાં આવી..!"
આખરે, હંમેશા આ એક જ સપનું એમને સતાવી રહ્યું છે. એક સાથે બે-બે હત્યા અને એક હારેલો, થાકેલો માણસ જે ખુદને સમજવાનો પ્રયત્ન કરતો હોય એવું લાગે.. હંમેશા એક જ સપનું, એક જ ઘટના, શું હોઈ શકે આ બધા પાછળ?
To be continued..