: હું, તું અને કોફી :
પ્રણય અને પ્રિતી એક જ ઓફિસમાં કામ કરતાં એક કર્મચારીસહ કરતાં એક સારા મિત્રો પહેલા હતા. તેઓ હંમેશા ઓફિસ સમયમાં કામની સાથે-સાથે વોટસએપમાં જ મેસેજથી વાત કરતાં હતા. આખો દિવસ સુખ-દુઃખ, ઓફિસની જ વાતો થતી. અચાનક જ એ દિવસે પ્રણયએ તેના એક અઠવાડિયું રજા પર રહેવાની વાત કરી. પ્રણયને અગત્યનું કામ હોઇ, તે થોડો સમય બહાર જવાનો હતો. રજાઓ મંજૂર થઇ હતી પણ પ્રિતીને પોતાને રજાઓ મંજૂર કરવાની ઇચ્છા થતી ન હતી. પણ શું કરે તે પ્રણયને રોકી શકે તેમ ન હતી !!! પ્રણયની જવાની તૈયારી થઇ ગઇ હતી. પ્રિતી પછી રજાના આગલા દિવસે તેને મેસેજ કરી દે છે. પ્રિતી નકકી કરે છે કે તે કોફી તો પ્રણય સાથે એકલામાં પીશે અને એને થોડી વાત પણ કરવી હતી. કારણ ફકત એટલું જ હતું ઓફિસ સ્ટાફના કોઇ આ રીતે આ બંનેને સાથે જોવે તો કંઇક અજુગતું લાગે. આથી તેઓ બને ત્યાં સુધી એકલામાં કાંઇક જવાનું ટાળતાં હતા. પણ આજે એની ફિકર ન હતી. બસ પ્રિતીને આજે મળવું જ હતું.
પ્રિતી : હેલો.... કયાં છો ?
પ્રણય: ઓફિસમાં જ છું. બોલો...
પ્રિતી: કોફી પીવી છે. ચલો જઇએ.
પ્રણય: પણ કયાં પીવા જઇશું ? કેન્ટીનમાં તો બધા સ્ટાફના હશે......... તો કયાંક બીજે મળીએ......
પ્રિતી : સારું.......
પ્રણય: હું નીચે જઉં છું તો પછી આવો પાછળથી.
પ્રણય નીચે ફલોર પર પહોંચી જાય છે. પ્રિતી પણ તેની પાછળ-પાછળ આવી જાય છે. હવે પ્રશ્ન એ હતો કે કયાં જઉં ? જયાં તેમને શાંતિથી કોઇના પણ ડર વગર વાત કરવાનો સારો એવો સમય મળે. પ્રણય જયાં ઉભો હતો ત્યાં પ્રિતી પહોંચે છે અને તેને બહાર જવાનો ઇશારો કરે છે.
પ્રિતી : ચલો... બહાર કયાંક જઇએ કોફી પીવા....
પ્રણય : સામે કોમ્પ્લેક્ષમાં કોફી સારી મળે છે ત્યાં જઇએ.
બંને ચાલતાં-ચાલતાં સામેની બાજુના કોમ્પ્લેક્ષમાં જાય છે. લીફટ સાઇડ જતાં ખબર પડે છે કે લીફટનું મેઇનટેનન્સ ચાલતું હોઇ, લીફ્ટ તો બંધ હતી. બંને એકબીજાની સામે જોઇ રહ્યા. પછી તો બંનેએ ચાલતી પકડી લીધી. પ્રણય અને પ્રિતી ધીમી ગતિએ જતા હોય છે ત્યાં જ અચાનક પ્રિતી પ્રણયનો હાથ પકડી લે છે. ફકત દસ સેકન્ડ હાથ પકડી છોડી દે છે અને પ્રણયને કહે છે કે, ‘‘યાદ છે મે કહેલું કે મારામાં બધી જ હિંમત છે. આજે આ હિંમત બતાઉં છું.’’ સ્વાભાવિકપણે છોકરીઓ શરમાઇ જતી હોય છે પણ પ્રણય અને પ્રિતી બંને અલગ પ્રકૃતિના હતા. પ્રણય શરમાળ અને ઠરેલ સ્વભાવનો હતો જયારે પ્રિતી સ્વભાવે ચંચળ હતી. પ્રણય ફકત હસે છે. કંઇ બોલી જ શકતો નથી. આખરે તેઓ કોફી શોપ પર આવી જાય છે. અંદર જઇને પ્રણય કોફીનો ઓર્ડર આપે છે.
પ્રિતી થોડું પ્રણયથી દૂર બેસાય એ રીતે પોતાની ખુરશી ગોઠવે છે પણ પ્રણય પ્રિતી પાસે નજીકમાં જ બેસાય એ રીતે ખુરશી ગોઠવે છે. આખરે પ્રિતી પ્રણયને જે રીતે ગમે તે રીતે જ બેસી જાય છે. પછી બંને કોફીની સાથે વાતની શરૂઆત કરે છે. પણ બંને એકબીજા સામે જોઇ શકતા ન હતા. કદાચ પહેલી વાર આ રીતે મળવાના સંજોગ ઉભા થયા હતા.
‘‘હસરત હૈ ઉનકો કરીબ સે દેખને કી,
મગર વો કરીબ હો તો નજરે ઉઠાઇ નહી જાતી.’’
પ્રણય : બોલો. શું વાત કરવી હતી ? અહીં આપણે શાંતિથી વાત કરી શકીશું.
પ્રિતી: કંઇ નઇ. બસ તમે અઠવાડિયા માટે જાઉં છો તો આપણી મુલાકાત થવાની શકયતા નથી. એટલે કોફી માટે બહાર બોલાવ્યા કે વાત પણ થઇ જાય ને કોફી ડેટ પણ થઇ જાય.
પ્રણય : એક વાત કહેવી હતી. આજકાલ આપણે વોટસએપ પર ઘણી વાતો કરીએ છીએ. પહેલા આટલી બધી વાતો થતી ન હતી. ત્યારે આપણે લંચ માટે કે નાસ્તા પાર્ટી માટે મળતાં. પણ આજકાલ આપણે અંગત વાતો પણ શેર કરતાં થયા છીએ.
પ્રિતી : હા સાચી વાત... મને પણ આજકાલ તમારી સાથે સમય વીતાવવો ગમે છે. એક અલગ જ ફીલીંગ્સ આવે છે.
પ્રણય : મને તો ઓફિસથી ઘરે ગયા પછી પણ તમારા જ વિચારો આવે છે.
‘‘ઉલજે હુએ હૈ કબસે ઐસે હી એક સવાલ મેં,
કયા હમ ભી આતે હે કભી તેરે ખયાલ મેં’’
પ્રિતી: (બીજી તરફ મોં રાખીને શરમાઇને) મને પણ... (અને કોફીની એક શીપ લે છે.)
પ્રણય: તમે વુમન્સ ડે ના દિવસે સરસ લાગતા હતા.
પ્રિતી: હા... મને તમે તે જ દિવસે ક્હયું હતું.
પ્રણય : મને તમારી સાથે ખભે હાથ મૂકીને સેલ્ફી લેવી હતી.
પ્રિતી: (આંખો પહોળી કરીને) તો લઇ લેવી જોઇએને.
પ્રણય: અરે તમે સેલ્ફી લેતાં જ કેટલા ડરતા હતા. જો ખભે હાથ રાખ્યો હોત તો શું થઇ જાત બોલો.
પ્રિતી : (હસે છે) હા એ પણ સાચી વાત.
પ્રણય : અને બીજું કે મને તમને મિત્રભાવે એક હગ કરવું હતું.
પ્રિતી : (પ્રણયની આંખોમાં આંખ પરોવીને) તો કરી લેવું જોઇએને. મે ના કયાં પાડી છે !!!!!
‘‘તેરી એક નિગાહને ખરીદ લીયા હમે,
બડા ગુમાન થા હમે કી હમ બીકતે નહીં’’
પ્રણય : સાચે ?
પ્રિતી: હા.... તમે બહુ જ પરમીશન માંગો છો. મિત્રમાં પરમીશન ના હોય...
પ્રણય: ઓ.કે.હવેથી પરમિશન નઇ માંગું. તમારી જેમ જ હિંમત કરી લઇશ.
પ્રિતી: સરસ........ (બંને હસી પડે છે.)
એટલીવારમાં બંનેની કોફી પણ પૂરી થઇ ગઇ.
પ્રણય : ચલો તો હવે જઇશું.
પ્રિતી: તમે કહેતા હોવ તો રોકાઇ જઇએ. (પ્રણયની સામે જોઇને)
પ્રણય : ઘરે જવાનો સમય... (હાથની ઘડીયાળ જોતાં)
પ્રિતી : (લાંબા નિઃસાસા બાદ) ચલો...........
‘‘ઓૈર મેરા રૂકના તો તબ અચ્છા લગેગા ના,
જબ મૈ કહૂ મુજે જાના હૈ ઔર તુમ પૂછો- જાના જરૂરી હૈ કયા..... !!!’’
પ્રિતી અને પ્રણય પછી ઉભા થયા અને ચાલતાં-ચાલતાં ઓફિસ જવા નીકળ્યા. હવે એક અઠવાડિયા સુધી તો તેઓ મળવાના ન હતા. એટલે આજનો એક કલાક કે જે એક અઠવાડિયા ભારોભાર હતો તેટલો સમય તેઓએ આજે જ માણી લીધો.
- પાયલ ચાવડા પાલોદરા