Depression mathi kevi rite bahar avavu? in Gujarati Spiritual Stories by Dada Bhagwan books and stories PDF | ડિપ્રેશનમાંથી કેવી રીતે બહાર આવવું?

Featured Books
Categories
Share

ડિપ્રેશનમાંથી કેવી રીતે બહાર આવવું?

આજકાલ સંબંધોમાં તણાવ, નોકરીમાં અનિશ્ચિતતા, મોંઘવારી, બેકારી, વેપાર-ધંધાના નુકસાનો, આર્થિક-સામાજિક વિટંબણાઓના પરિણામે ટેન્શન, ચિંતા, ભય, હતાશા અને ડિપ્રેશન સર્જાય છે! ડિપ્રેશન બે પ્રકારના હોય છે. એક પ્રકારના ડિપ્રેશનમાં શરીરમાં અમુક પ્રકારના અંત:સ્ત્રાવો ખોરવાઈ જવાથી મન અને દેહ ઉપર માઠી અસર જોવા મળે છે. આવા તબક્કામાં પહોંચેલા ડિપ્રેશનમાં તબીબી માર્ગદર્શન અને દવા લેવી અનિવાર્ય છે. જ્યારે બીજા પ્રકારના ડિપ્રેશનમાં કોઈ પણ ક્ષેત્રમાં મોટી નિષ્ફળતા મળવાથી ઊંચે ચડેલો અહંકાર ભગ્ન થઈ જાય છે. અથવા મૂંઝવતી પરિસ્થિતિમાં કોઈ ઉકેલ ન મળવાથી નેગેટિવ વિચારોની વણઝાર શરૂ થાય છે. 
ડિપ્રેશનના શરૂઆતના તબક્કામાંથી પસાર થતી વ્યક્તિને સાચી સમજણથી પાછા વાળી શકાય છે. હતાશા અને ડિપ્રેશનમાં નાખતા કારણો ઓળખી તેમાંથી બહાર નીકળવાની કેટલીક સમજણ અહીં આપી છે, જેને અપનાવવાથી વ્યક્તિની બાહ્ય પરિસ્થિતિમાં ફેરફાર થાય કે ન થાય, પણ અંદર ચોક્કસ શાંતિ થઈ જાય છે.

નેગેટિવને પોઝિટિવમાં વાળવું 
બુદ્ધિ હંમેશા દ્વંદ્વ એટલે કે, પોઝિટિવ અને નેગેટિવ બંને તરફનું દેખાડે અને ગૂંચવાડો ઊભો કરે! આ ગૂંચવાડામાં ઉકેલ ન મળતા નેગેટિવ વિચારો શરૂ થાય છે કે “નિષ્ફળતા મળશે તો? મારું ખરાબ દેખાશે તો? મારી કોઈ વેલ્યુ નહીં રહે તો?” વગેરે અને ડિપ્રેશનની શરૂઆત થાય છે.
નેગેટિવ વિચારો શરૂ થાય ત્યારે જ તેને પોઝિટિવમાં વાળ વાળ કરવું. ધંધામાં ખોટ જાય અને બુદ્ધિ બતાવે કે, “અરરર! મારું નુકસાન થયું” ત્યારે એની સામે બોલવું, “મારું નુકસાન ગયું કે ધંધાનું? ઘરના પૈસા તો સલામત છે ને! ખાવા-પીવાની તકલીફ નથી, બહુ થયું!” આવા સમયે ધંધાની ખોટને ધંધાના નફામાંથી જ બાદ કરી નાખવી, આપણે માથે ન લેવું. જેમ ખાલી બોટલમાં પાણી ઉમેરીએ તો બધી હવા નીકળી જાય, તેમ પોઝિટિવ રહેવાથી નેગેટિવ આપોઆપ નીકળી જશે. 
જીવનમાં નિષ્ફળતા મળી, કોઈ મોટી ખોટ ગઈ, નજીકની વ્યક્તિને ગુમાવી બેઠા, તો પછી એના ઉપર નેગેટિવ વિચારો કર્યા કરવાથી બમણું નુકસાન થાય છે. એક દેખીતું નુકસાન તો થયું, ઉપરથી ડિપ્રેશનના કારણો સેવીને બીજું નુકસાન કર્યું. જેમાં રાત્રે ઊંઘ ના આવે, ભૂખ-તરસ હરામ થઈ જાય અને શરીરમાં રોગોને આમંત્રણ આપીએ. 

વિચારોની નોર્માલિટી રાખવી
જે પરિસ્થિતિમાં દસ-પંદર મિનિટ વિચારણા કરવાની હોય, ત્યાં નોન-સ્ટોપ વિચારોના વળ ચઢવા માંડે, વિચારો પ્રમાણ કરતાં વધી જાય એટલે નોર્માલિટી ક્રોસ થઈ કહેવાય. પછી એ જાતજાતના ભય ઊભા કરે. જેમ બહાર મોટું વાવાઝોડું ફૂંકાતું હોય અને આપણે ઘરમાં બારી-બારણા બંધ કરીને બેસી જઈએ તો સલામત રહીએ. તેવી જ રીતે આપણા વિચારો લિમિટ કરતા વધારે આગળ ચાલે તો એમને બંધ કરી દેવાના. 
વિચારો ફટાકડાની કોઠીની જેમ ફૂટ્યા જ કરતા હોય છે. જેમ આપણે કોઠીને ફૂટતી અટકાવી ના શકીએ, પણ બીજી બાજુ જોવા માંડીએ તો આપણા માટે કોઠી બંધ જ થઈ ગઈ ને? તેમ મનમાં વિચારો ફૂટતા હોય, ત્યારે આપણે કોઈ બીજી જગ્યાએ મન પરોવી દઈએ, આપણી દૃષ્ટિ બદલી નાખીએ તો એ વિચારો આપણને બોજો નહીં કરાવે.

વર્તમાનમાં રહેવું
ભૂતકાળ ઈઝ ગોન ફોરેવર! કોઈ વ્યક્તિના નિમિત્તે મોટું દુઃખ પડયું કે ક્યાંક ધાર્યા પ્રમાણે સફળતા ન મળી એ બધું જ ભૂતકાળ કહેવાય. જ્યારે ભવિષ્યની વધારે પડતી ચિંતા એટલે અગ્રશોચ. આ બંને વ્યક્તિને ભયભીત કરી મૂકે છે. એટલું જ નહીં, ભવિષ્યનો વિચાર કરવા જતાં વર્તમાનનું સુખ તો ભોગવાતું નથી, પણ ભવિષ્યેય બગડે છે, એટલે વર્તમાનમાં રહેવું! જે વર્તમાનમાં રહે તેને ક્યારેય ટેન્શન ન થાય, તે નિર્ભય રહે, મુક્ત ને મુક્ત જ રહે. પરિણામ જે આવ્યું તે આવ્યું, આપણે વર્તમાનના કારણો સુધારવા. 

મનોબળ કેળવવું
ગમે તેવા દુઃખ હોય તોય મનોબળવાળો માણસ તેને પસાર કરી નાખે. “હવે મારું શું થશે?” એવું એ ન બોલે. હિંમત હારી જવાય એવા પ્રસંગોમાં “હિંમતે મર્દા તો મદદે ખુદા” એવું બોલે ને, તો શૂરાતન ચઢી જાય. 
મનોબળ તૂટે છે શી રીતે? મુશ્કેલીના પ્રસંગોમાં બીજાના નેગેટિવ જોવાથી મનની શક્તિ તૂટી જાય છે. બીજાના દોષો જોવાની દૃષ્ટિ બંધ કરતા જઈએ અને બીજાના દોષો જોવાઈ જાય તો હૃદયપૂર્વક પસ્તાવો કરીએ તો મનની શક્તિ વધતી જાય છે. જેમનું મનોબળ મજબૂત હોય એવી વ્યક્તિઓનો સહવાસ રાખવાથી, એમનું નિરીક્ષણ કર કર કરવાથી પણ આપણું મનોબળ કેળવાય છે.

ધીરજ અને ધર્મનો આધાર લેવો
મુશ્કેલીના પ્રસંગો ઊભા થાય તો તે પરિસ્થિતિમાં ધીરજ રાખવી. જેમ રાત પછી દિવસ આવે છે, તેમ સંજોગોમાં ફેરફાર થયા જ કરે છે. આજે નોકરી ન હોય તો કાલે નવી મળી જશે. આજે ધંધામાં ખોટ જાય તો કાલે નફો થશે. આ વર્ષે વરસાદ ન પડ્યો ને પાકને નુકસાન થયું, તો બીજા વર્ષે સરસ વરસાદ પડે ને પરિસ્થિતિ સુધારી પણ જાય. આર્થિક સ્થિતિ નબળી થાય તો ધીરજ ધરીને, ખર્ચ ઓછો કરી નાખવો જોઈએ અને ગમે તે રસ્તે કમાવા માટે વધુ પ્રયત્નો કરવા જોઈએ. 
કર્મના ઉદય બહુ કપરા આવે ત્યારે આપણે સમજી લેવાનું કે આ ઉદય ભારે છે, માટે શાંત રહો, ગંભીરતા પકડો! મુશ્કેલી આવે ત્યારે એનો કેમ નિકાલ કરવો તે આવડે નહીં, તો મનુષ્ય અવળા કર્મો કરી બેસે છે. માટે, ખરાબ સમય આવે તો એને ધર્મ કે ભક્તિમાં વાળી દેવો. વિપરીત સંજોગો આવે ત્યારે જે ભગવાન કે ઇષ્ટ દેવ-દેવીને માનતા હોઈએ તેમનું નામ લઈને કહેવું કે, “ભગવાન તમને સોપ્યું”, એટલે બધો ઉકેલ આવી જાય! મનની શાંતિ માટે સત્સંગમાં જવું. સત્ એટલે આત્મા, એનો સંગ! સત્સંગમાં બેસવાથી, સત્સંગના બે શબ્દ આરાધન કરવાથી મનને શાંતિ થઈ જાય.
છેવટે આધ્યાત્મ તરફ વળવાનું લક્ષ રાખવું જોઈએ. આત્માનું જ્ઞાન થાય પછી પોતાનું સાચું સુખ અનુભવમાં આવે છે અને ત્યારે બહારની આધિ-વ્યાધિ-ઉપાધિમાં પણ સમાધિનો અનુભવ થાય છે.