પ્રકરણ ૩: અલીફ લૈલાનો જાદુ અને જાદુઈ પેન્સિલના રંગ
શાળાનો છેલ્લો બેલ પડતાની સાથે જ જાણે પાંજરામાંથી પક્ષીઓ મુક્ત થયા હોય તેમ આર્યન, જુગલ અને બિશન દોડતા ગેટની બહાર આવ્યા. નિખિલ તેની નવી સાયકલ સાથે ગેટ પાસે જ ઉભો હતો. આજે આર્યનના મનમાં કોઈ ખચકાટ નહોતો; તે તરત જ નિખિલની સાયકલ પર પાછળ ગોઠવાઈ ગયો. તેના મગજમાં એક જ વાત ચાલતી હતી કે આજે ઘરે જઈને ફટાફટ ગૃહકાર્ય (હોમવર્ક) પૂરું કરવાનું છે, કારણ કે આજે સાંજે કંઈક વિશેષ જોવાનો અવસર મળવાનો હતો.
ઘરે પહોંચતા જ આર્યને સૌથી પહેલા મમ્મીને પેલી નવી પેન્સિલ બતાવી. પપ્પા ઘરે નહોતા એટલે તેણે ગર્વથી પેલા 'લખોટીના દાવ'ની આખી વાત મમ્મીને કહી સંભળાવી. મમ્મીએ પ્રેમથી તેના માથે હાથ ફેરવ્યો અને જલ્દી હાથ-પગ ધોઈને જમી લેવા સૂચના આપી. જમ્યા પછી આર્યને પોતાની એ 'સીવેલી રફનોટ' ખોલી. પપ્પાએ રાત્રે જાગીને સીવેલા પાનાઓ અને પોતાની મહેનતથી કમાયેલી નવી પેન્સિલ—આ બંનેના સંગમથી તેણે અદ્ભુત ઝડપે ગૃહકાર્ય પૂરું કરી દીધું. બીજી તરફ નિખિલ પણ તેના આલીશાન ઘરમાં લેસન પૂરું કરી રહ્યો હતો. બંને મિત્રો વચ્ચે પહેલેથી જ નક્કી થયું હતું કે સાંજે 'સબ ટીવી' પર આવતી રહસ્ય અને રોમાંચથી ભરપૂર સીરિયલ 'અલીફ લૈલા' સાથે જોવી.
એ સમયે આર્યનના ઘરે એક જૂનું બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતું, જેના પર માત્ર 'દૂરદર્શન' ચેનલ જ આવતી. એમાં પણ ક્યારેક જો છાપરે રહેલું એન્ટેના હલી જાય, તો સ્ક્રીન પરના ચિત્રો ધૂંધળા થઈ જતા અને પપ્પાએ જાતે છાપરે ચડીને એન્ટેના ગોઠવવું પડતું. પણ નિખિલનું ઘર તો જાણે કોઈ અલગ જ દુનિયા હતી. ત્યાં મોટું કલર ટીવી હતું અને તેમાં 'કેબલ કનેક્શન'ની સુવિધા હતી. એ જમાનામાં કેબલ કનેક્શન હોવું એ કોઈ રાજમહેલના માલિક હોવા જેવું વૈભવી ગણાતું. તેમાં સ્ટાર પ્લસ, સબ ટીવી અને ઝી ટીવી જેવી અનેક ચેનલો આવતી, જે ગરીબ કે મધ્યમવર્ગીય બાળકો માટે એક આધુનિક અને રંગીન દુનિયાનું પ્રવેશદ્વાર હતી.
શાળાએથી આવ્યા પછી આર્યન અને નિખિલે જાણે એક વણલખ્યો કરાર કર્યો હતો—ફટાફટ ગૃહકાર્ય પૂર્ણ કરી લેવું. આર્યને પોતાની એ સીવેલી રફનોટમાં નવી પેન્સિલથી ગણિતના દાખલાઓ ઉકેલી દીધા. તેના મનમાં એક જ લગની હતી કે ગમે તેમ કરીને સાડા સાત વાગ્યે નિખિલના ઘરે પહોંચી જવું અને પેલી 'રંગીન દુનિયા'ને માણવી.
સાંજે સાડા સાત વાગ્યા અને આર્યન અધીરો થઈને દોડતો નિખિલના ઘરે પહોંચ્યો. જુગલ બિચારો તેના પપ્પાના કડક સ્વભાવ અને શિસ્તના ડરને કારણે ક્યારેય આવી શકતો નહીં. બિશન ક્યારેક હિંમત કરતો, પણ તે પણ ત્યારે જ જ્યારે તેના પિતા ઘરે હાજર ન હોય. બિશનનું ધ્યાન સતત દરવાજા તરફ રહેતું; જો સમાચાર મળે કે પપ્પા ઘરે આવી ગયા છે, તો તે અધવચ્ચેથી જ પ્રોગ્રામ છોડીને ઊભી પૂંછડીએ ભાગતો.
નિખિલના આલીશાન ડ્રોઈંગ રૂમમાં નરમ સોફા પર બેસીને જ્યારે મોટું કલર ટીવી ચાલુ થયું, ત્યારે આર્યન અને બિશનની આંખો વિસ્મયથી પહોળી થઈ ગઈ. કેબલ કનેક્શનના પ્રતાપે ટીવી પર અજીબ ઝગમગાટ હતો. એ સમયે 'સ્ટાર પ્લસ' ચેનલ પર લોકપ્રિય બાળકોનો શો 'શાકા લાકા બૂમ બૂમ' શરૂ થઈ ચૂક્યો હતો. સંજુની એ જાદુઈ પેન્સિલ જે પણ દોરતી તે હકીકત બની જતું! આર્યન પોતાની સામાન્ય પેન્સિલ અને સંજુની જાદુઈ પેન્સિલની સરખામણી કરવા લાગ્યો. તે મનોમન કંઈક ઊંડા વિચારોમાં ડૂબ્યો હતો, અને બેકગ્રાઉન્ડમાં સીરિયલના સંવાદો ગુંજી રહ્યા હતા:
સંજુ: "દેખ જુમરું, અગર મૈંને ઇસ પેન્સિલ સે ઇસ કાગઝ પર આમ (કેરી) બનાયા, તો વો સચમુચ બહાર આ જાયેગા! તુમ્હે ભી મેને ઇસી પેન્સિલ સે હી બનાયા થા!"
જુમરું: (પોતાના ચહેરા પરના અજીબ હાવભાવ સાથે આશ્ચર્યથી) "ક્યા બાત કર રહા હૈ સંજુ? અરે યાર, ફિર તો તૂ બહુત સારે લડ્ડુ ભી બના સકતા હૈ! મુઝે તો બસ લડ્ડુ હી ચાહિયે!"
સંજુ: (ખડખડાટ હસતા) "હા જુમરું, સબ કુછ! બસ દેખતા જા ઇસ મેજિક પેન્સિલ કા કમાલ..."
આર્યન આ સંવાદો સાંભળીને થોડીવાર માટે જડવત થઈ ગયો. તેના હાથમાં રહેલી પેલી 'લખોટીના દાવ' થી કમાયેલી નવી પેન્સિલ પર તેની પકડ મજબૂત થઈ. તેને થયું કે કાશ, પપ્પાએ સીવેલી રફનોટના કોઈ પાના પર તે આ પેન્સિલથી કંઈક દોરે અને તે સાચું બની જાય! સંજુ તો જુમરું માટે લાડુ બનાવવાની વાત કરતો હતો, પણ આર્યનના મનમાં તો સપનાની આખી યાદી તૈયાર હતી. જો તેની પાસે એવી જાદુઈ પેન્સિલ હોત, તો તે સૌથી પહેલા પપ્પા માટે એક નવું અને 'પોતાનું' છાપું દોરત, જેથી તેમને પાડોશી માસી પાસે કડવા વેણ સાંભળવા ન જવું પડે, અને રસોડામાં સંઘર્ષ કરતી મમ્મી માટે ગેસનો ચૂલો દોરી દેત.
"જો આર્યન, સંજુએ તો સાચુકલો આઈસ્ક્રીમ બનાવી દીધો!" બિશને ઉત્સાહમાં આવીને આર્યનનો હાથ પકડ્યો. છતાં, બિશનની નજર હજુ પણ દરવાજા તરફ જતી હતી; તેના પપ્પાનો ફાળ તેના મનમાં સતત રહેતો.
ત્યારબાદ શરૂ થઈ આર્યનની સૌથી મનગમતી સીરિયલ—'અલીફ લૈલા'. એ ગંભીર રહસ્યમય સંગીત અને જાદુઈ દ્રશ્યો... જ્યારે કલર ટીવી પર જાદુઈ ગાલીચો ઊડતો અને ધુમાડામાંથી ભયાનક રાક્ષસ બહાર આવતો, ત્યારે બધું એટલું જીવંત લાગતું કે આર્યનને થતું જાણે તે પોતે એ અરેબિયન નાઈટ્સની દુનિયાનો એક ભાગ છે. આર્યનના ઘરે રહેલા બ્લેક એન્ડ વ્હાઈટ ટીવીમાં માત્ર સફેદ અને કાળા ટપકાં દેખાતા, પણ અહીં તો લાલ, લીલો અને વાદળી—દરેક રંગ પોતાનું નવું અસ્તિત્વ બતાવતા હતા.
આર્યન મંત્રમુગ્ધ થઈને બધું જ જોઈ રહ્યો હતો. તેને એ દિવસે સમજાયું કે દુનિયામાં બે પ્રકારના લોકો છે—એક જે આવી રંગીન દુનિયામાં કાયમ રહે છે, અને બીજા જે એ દુનિયાને માત્ર થોડી મિનિટો માટે 'ઉછીની' જોવા આવે છે. તે મનોમન વિચારવા લાગ્યો, 'કેબલ કનેક્શન' હોવું એટલે જાણે દુનિયાના દરેક દરવાજા ખુલી જવા. શું ક્યારેય મારા ઘરે પણ આવા ભાત-ભાતના રંગીન પ્રોગ્રામ્સ આવશે?
સીરિયલ પૂરી થઈ અને આર્યન પોતાના ઘરે પાછો ફર્યો. તેના બે રૂમના ઘરમાં ટેબલ પર પપ્પાએ સીવેલી રફનોટ પડી હતી. તેણે એ નોટ ખોલી અને તેમાં સંજુની પેન્સિલ જેવી જ એક પેન્સિલ દોરવાનો પ્રયત્ન કર્યો. તેને ખબર હતી કે તેની પાસે કોઈ જાદુઈ પેન્સિલ નથી, પણ તેની આ જ 'ઉબડ-ખાબડ' રફનોટ એક દિવસ તેના જીવનના બધા જ અધૂરા રંગો પૂરવાની હતી.
૨૦૦૧ની સાલ નજીક આવતી જતી હતી, અને આર્યન હવે માત્ર 'રફનોટ'માં લીટા કરવા નહોતો માંગતો, તેને તો પોતાની જિંદગીની 'કલર ચેનલ' જાતે શરૂ કરવી હતી.
પ્રકરણ ૩ નો અંત.