Ambaji, Gabbar yatra in Gujarati Travel stories by SUNIL ANJARIA books and stories PDF | અંબાજી, ગબ્બર યાત્રા

Featured Books
Categories
Share

અંબાજી, ગબ્બર યાત્રા

અંબાજી, ગબ્બર, વડનગર યાત્રા

વડનગર વિશે અગાઉ  અત્રે લખી ચૂક્યો છું. આજે અંબાજીની અત્યારની સ્થિતિનું વર્ણન કરીશ.

અંબાજી ગુજરાતની છેક ઉત્તરે આવેલું યાત્રાધામ છે. આ સ્થળ એકાવન શક્તિપીઠો પૈકીનું એક છે. આકાશમાર્ગે સતી નાં અંગો પૃથ્વી પર પડ્યાં ત્યારે અહીં તેમનું હૃદય પડ્યું હતું એમ પૌરાણિક કથાઓ કહે છે.

છેક ઇ.સ. 1800અને તે પહેલાં થી આ યાત્રાધામ પ્રચલિત છે. દર ભાદરવી પૂનમે તો અહીં એટલી ગિરદી હોય છે કે કહે છે કે મંદિરના ચોકમાંથી થાળી ફેંકો તો છેક મુખ્ય માર્ગને બીજે છેડે ક્યાંય નીચે પડ્યા વગર માનવ મેદની ઉપરથી જતી રહે!

યાત્રીઓની ભીડ વધવા સાથે સરકાર અને અંબાજી ટ્રસ્ટે સુવિધાઓ પણ ઘણી વધારી છે. હવે મંદિર પાસેનો ચોક એકદમ સફેદ ચમકીલા આરસથી છવાઈ ગયો છે, વચ્ચે  ખૂબ જ મોટી, આરસથી જ બનેલ રંગોળી છે. શિખર સોને મઢ્યું છે જે એકદમ ઉત્તમ સોનું હોઈ ગમે ત્યારે જુઓ, ઝગારા મારતું ચળકે છે.

હવે તો પહેલાંની જેમ વડનગર કે હિંમતનગર તરફથી જવા ને બદલે  સીધો લાડોલ, સતલાસણા થઈ દાંતા બહારથી જ અંબાજી જતો, બિલકુલ મોટા  કે સીધા ઢાળ વગર અને ફોર લેન લિસ્સો રસ્તો બની ગયો છે.  હવે તો નવી રેલવે લાઇન પણ અંબાજી સુધી જવા લગભગ તૈયાર થઈ ગઈ છે.

માનશો? હું છેક 1992 માં  ગયેલો. એ પછી 2008 માં આબુથી વળતાં  ટ્રાવેલ્સે બસ વીસ મિનિટ ઊભી રાખી ત્યારે દોડતાં દર્શન કરેલ તે છેક આ 18.2.26 ના ગયો! 

મને એવો ખ્યાલ હતો કે ‘92 માં ગયેલ એ ત્રિશૂલિયા ઘાટના એકદમ હેર પીન કર્વઝ  ને સીધું  ચડાણ ઉતરાણ છે  પણ એવું કશું જ ન હતું.

હું અમદાવાદ બોપલ થી અમે 3 કલાક 30 મિનિટ માં અંબાજી પહોંચી ગયેલ.

હા, રસ્તે તારંગા  જૈન મંદિર ની ટેકરીઓ ઉપર કે રસ્તે વ્યુ ખૂબ આલ્હાદક છે. ત્યાંથી  છેક અંબાજી સુધી જેને સેફ્રોન બ્લૂમ કહી શકીએ એમ કેસુડા થી લદાયેલાં  વૃક્ષો આવતાં ગયાં. જો લોકો ચેરી બ્લૂમ જોવા નોર્થ ઇસ્ટ કે જાપાન જાય છે તો આ તો ધાર્મિક યાત્રા કરવા સાથે આંખોને ગમે, હૃદયને સ્પર્શે એવી સાઇટ!

અંબાજી મંદિર પાસે પહોળો મુખ્ય માર્ગ છે. નજીક સાંકડાં પાર્કિગમાં કાર મૂકવી પડે છે. સામે જ ગેટ 8, 9 માંથી અંદર જઈ પહેલાં  મોબાઇલ, જૂતાં, ચામડાની વસ્તુઓ બહાર લોકરમાં મુકવી પડે છે. એ મૂકી પ્રસાદ વગેરે લઈ દર્શન ની બહુ ઓછી લાઇનમાં ઊભાં. દસ મિનિટમાં જ યંત્ર સન્મુખ થઈ ગયાં.  

અંબાજીમાં સોનાનાં વિસો યંત્રની પૂજા થાય છે. અહીં કોઈ મૂર્તિ નથી. 

ફુલહાર બહારથી મળે છે. શ્રીફળ  બહાર જ  એક પથ્થરની પાળી પર વધેરવુ પડે છે જે અંદર લઈ જઈ શકો છે. 

અમને શ્રીફળ, પ્રસાદ ધરાવી નિરાંતે ત્રીસ સેકન્ડ જેવું તો મૂર્તિ સામે ઊભવા મળ્યું. 

મૂર્તિ કે એ સિંહ પર બેઠેલ માતાજી જેવી આકૃતિ હતી પણ અંધારામાં હતી.  બાજુમાં અખંડ જ્યોત ના દીવાઓ ચાલુ હતા. જે વિસોયંત્રની પૂજા થાય છે એ દેખાયું નહીં. ત્યાં ઊભેલ પોલીસ કહે એ અંદર પાછળ છે. 

બહાર આવી  બટુક ભૈરવ, રિદ્ધિ સિદ્ધિ સહ ગણપતિનાં દર્શન કરી ત્યાં ત્રિપુર સુંદરીની અંબાજી જેવી જ મૂર્તિ પાસે સંકલ્પ કર્યો, મહારાજે કરાવ્યો. 

હવે પ્રદક્ષિણા કરી મોબાઈલ મુકાવી દીધેલ તે લોકરમાંથી લઈ આરસની લાદીઓ  વાળાં વિશાળ  ચોગાનમાં આવ્યાં અને ત્યાં જ સોને મઢેલ ઝળાંહળાં થતો ઘુમ્મટ જોયો. સંપૂર્ણ શિખર, એની નજીકના નાનાં શિખર, ધ્વજ દંડ, ઉપર બેઠેલી કોઈ પશુ આકૃતિ બધું કદાચ 24 કેરેટ સોને મઢ્યું છે. ચળકાટ અને શુદ્ધિ દેખાઈ આવતી હતી. 

અમૃતસર સુવર્ણ મંદિર અને અહીં શિખરનો ચળકાટ સરખાં જ હતાં, કાશી વિશ્વનાથનું શિખર એટલું ચળકતું ન હતું. ત્યાં ગયા વર્ષે ગયેલો. 

વિશાળ સ્તંભોના આકાર અને ઉપરની કોતરણીઓ જોતા જ રહીએ એવી હતી. આમ તો હું ખાસ એ સુવર્ણ મઢેલું શિખર જોવા જ ગયેલો. એ જ વખતે કોઈ ધજા ચડતી જોઈ. 

બહાર આવી બાર વાગે ગબ્બર જવા કારમાં જ ગયાં. ત્યાં રોપવે માં સ્થળ પર જ 125 રૂ. ની એક એમ ટિકિટ લઈ દસ પંદર મિનિટમાં વારો આવતાં ઉપર ગયાં. રોપવે  પરથી નીચે ખીણનું દ્રષ્ય રોમાંચક હતું. વનરાજી આચ્છાદિત પર્વતો અને હમણાં જ ધુમ્મસ દૂર થયું હોય એવું વાતાવરણ હતું. 

ઉપર   કદાચ બે ત્રણ સદીઓથી અખંડ  પ્રગટેલી રહેતી જ્યોત સાથે ગબ્બર અંબાજીનાં દર્શન કર્યાં.  એ જ મૂળ અંબાજી છે, મંદિર પછી બનેલું.

ત્યાં જ સ્વચ્છ વોશરૂમ છે અને દરેક જાતના નાસ્તા માટે કેન્ટીન છે. 

નીચે ઉતરી ત્યાં મળતી ફીણવાળી છાશ પીને ગયાં જમવા. બધી જાણીતી રેસ્ટોરાં મંદિર સામે મેઇન  રોડ પર હતી  

હવે  જમીને ફરીથી દર્શન કરવા ગયાં. 

આ વખતે મુખ્ય ગેટ પરથી અંદર જઈએ ત્યાં કોઈ "પરગજુ" ભાઈ આવી ચડ્યા. કહે સોનાના ઘુમ્મટ નો ફોટો લેવો છે ને, અહીંથી લો. પછી અમને બે ને  માતાજી સામે ઊભાં રાખી સામેથી ફોટો લીધો. પછી પ્રસાદ લેવાનું કાર્ડ આપ્યું.  પછી કહે અહીં આવો, સિનિયર સિટીઝનની લાઇનમાં તરત દર્શન થશે. મેં  કહ્યું સાથે આવવું રહેવા દો, મેં પ્રસાદ લઈ લીધો છે. એ થોડું પાછળ આવી પછી જતો રહ્યો.

અમે ફરીથી, આ વખતે થોડી લાંબી લાઇનમાં ઊભી બપોરે 1 વાગે દર્શન કર્યાં અને બહાર આવી ફરી ફરી એ સુવર્ણ શિખર સામે જોતા જ રહી, એને આંખમાં ભરી, નવી ચડાવેલ લાલ ધજાને નમન કરી બે વાગે વડનગર  હાટકેશ્વરનાં દર્શને  જવા હંકારી ગયાં. 

હાટકેશ્વર નિજ મંદિરમાં પૂજા બપોરે ત્રણ સુધી જ થાય છે. એ ઉપરાંત અંદર પુરુષોએ અબોટીયું  અને સ્ત્રીઓએ ફુલ ડ્રેસ પહેરવો ફરજિયાત છે. સાડી કે સલવાર કુર્તી ચાલે. 

અમને  શિવલિંગ પર ચંદન, અબીલ ગુલાલ, ફૂલ ચડાવવા અને જળાધારી રેડવાનું કરવા દીધું પછી સંકલ્પ કરાવ્યો. 

વડનગરમાં હવે એક મ્યુઝિયમ બન્યું છે એ જોવા કલાક જરૂર ફાળવવો. સાંજે મંદિર પર અચૂક જોવા જેવી રોશની થાય છે અને પ્રાંગણ માં સાઉન્ડ એન્ડ લાઇટ શો થાય છે. જો રાત્રી રોકાણ મંદિરનાં સાદાં પણ ઠીકઠીક સ્વચ્છ ગેસ્ટ હાઉસમાં  કરો તો એ રોશની અને શો જોઈ શકો.

હા. રસ્તે એક જગ્યાએ નવું માટલું અને તુલસી ક્યારો લેવા ઊભાં.  માટીની વસ્તુઓ એ રસ્તે સારી, સુંદર નમુનાઓ વાળી અને શહેરો કરતાં સસ્તી મળે છે.

અંબાજીમાં પોલિસની કડક વ્યવસ્થા છે. ખૂબ સારી હતી. લાઇન મેનેજમેન્ટ પણ સારું હતું. આ બધા લેભાગુઓ તો ક્યાં નથી? 

અમને તો કોઈ મહારાજનો ફોન નંબર આપ્યો એ કહે ગિરદી હશે, તમને તરત દર્શન કરાવી દઈશ, સારી જગ્યાએ  ઉતારો અપાવીશ.. એમનું મોઢું મોટું હતું. ચાર પાંચ હજાર નો ચાંદલો થઈ જાત! હિન્દુ ધર્મ આ બધાને કારણે જ વગોવાઈ રહ્યો છે. ખ્રિસ્તી કે મુસ્લિમ માં આ પ્રકારનું છે કે નહીં એ ખબર નથી.

એ ત્રિશૂળયા ઘાટની વાત ભૂતકાળ બની ગઈ. અમારા ડ્રાઈવરે બતાવ્યું કે ત્યાં હવે ખીણ સાથે ફોટો શૂટ ની જગ્યા બનાવી છે. જરાય સ્ટીપ  ઢાળ કે બહુ હેર પિન  કર્વસ  નથી. 

સહુને જય અંબે.