Chess - Part 2 in Gujarati Classic Stories by Mansi Desai Shastri books and stories PDF | શતરંજ - ભાગ 2

Featured Books
Categories
Share

શતરંજ - ભાગ 2

#શતરંજ 
ભાગ 2 અંતિમ ભાગ 
સવારના સાત વાગ્યા હતા. વર્ષોથી મીના બાની આદત હતી કે તેઓ પલંગ પર બેઠા-બેઠા જ રસોડામાં બૂમો પાડીને ચા મંગાવતા. આજે પણ તેમણે એ જ કર્યું. "એય વહુ! ક્યાં મરી ગઈ? મારી ચા લઈ આવ અને જલ્દી પાનનું નવું બીડું બનાવી દે!"
​પણ વળતા જવાબમાં રસોડામાંથી કોઈ અવાજ ન આવ્યો. દસ મિનિટ પછી રૂમનો દરવાજો ખુલ્યો, પણ ચા લઈને રેવા નહીં, પણ હવેલીનો નવો સિક્યુરિટી ગાર્ડ આવ્યો હતો. તેના હાથમાં ચાના કપને બદલે એક લોખંડની પેટી હતી.
​"આ શું છે લ્યા?" મીના બાએ આશ્ચર્યથી પૂછ્યું.
​"બા, રેવા બાનો હુકમ છે. હવેથી તમારું પાનનું ડબલું આ પેટીમાં કેદ રહેશે. દિવસમાં માત્ર એક જ વાર તમને પાન મળશે, એ પણ જો તમે ઘરના નવા નિયમોનું પાલન કરશો તો," ગાર્ડે સત્તાવાહી અવાજે કહ્યું.
​મીના બાના માથાની નસ ફાટવા લાગી. તેઓ ઉભા થઈને સીધા હોલમાં ગયા, જ્યાં રેવા બા અને હ્રદયરાજ નાસ્તો કરી રહ્યા હતા.
​"રેવા! તારી આટલી હિંમત? તું મારા મોઢામાંથી પાન છીનવીશ? હ્રદય, જો આ તારી વહુ શું કરી રહી છે!" મીના બાએ ત્રાડ પાડી.
​હ્રદયરાજે નજર પણ ઊંચી ન કરી. તેણે શાંતિથી છાપું વાંચતા કહ્યું, "બા, રેવા જે કરી રહી છે એ તમારી ભલાઈ માટે છે. તમારા અહંકાર અને આ પાન ચાવવાની આદતે કાલે મને જેલના સળિયા દેખાડ્યા હતા. હવે આ ઘરમાં રેવાનો જ હુકમ ચાલશે."
​રેવાએ નાસ્તાની પ્લેટ સાઈડમાં મૂકી અને મીના બા પાસે ગઈ. તેણે મીના બાના મોંઘા રેશમી છેડાને પકડીને કહ્યું, "બા, આજથી તમારી આલીશાન જિંદગી પર બ્રેક લાગશે. તમે ગામડાની અભણ સ્ત્રી છો એનો ગર્વ કરતા હતા ને? તો આજથી તમારે એ જ કામ કરવા પડશે જે ગામડાની સ્ત્રીઓ કરે છે. આલીશાન ગાદલાં હવે રૂમમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે. તમારે નીચે ભોંય પર સૂવાનું રહેશે."
​"શું?" મીના બા ધ્રૂજી ઉઠ્યા. "શંકરસિંહ! તમે કંઈક બોલો!"
​શંકરસિંહ બાજુમાં ઉભા હતા. તેમણે અત્યંત ધિક્કારથી મીના બા સામે જોયું. "મીના, મેં તને વર્ષો સુધી સન્માન આપ્યું પણ તેં મને બદલામાં માત્ર બદનામી આપી. હવે જે રેવા કહેશે, એ જ આ ઘરનો કાયદો છે."
​રેવાએ એક લિસ્ટ મીના બાના હાથમાં પકડાવ્યું. "આજથી તમારે સવારે પાંચ વાગ્યે ઉઠવાનું, આખા ઘરનો કચરો-પોતું કરવાનું અને બગીચાની સફાઈ કરવાની. જો કામમાં ભૂલ થઈ, તો તે દિવસે જમવાનું અને પાન બંને બંધ."
​મીના બાને સમજાયું કે આ માત્ર સજા નહોતી, પણ તેમનું માનસિક ટોર્ચર શરૂ થઈ ગયું હતું. રેવા જાણતી હતી કે મીના બાનો અહંકાર તેમની સુખ-સાહ્યબીમાં છે, અને એ જ છીનવી લેવું એ તેમને મારવા બરાબર હતું.
​બપોરે, મીના બા જ્યારે ભૂખથી વ્યાકુળ થઈને રસોડામાં ગયા, ત્યારે રેવાએ તેમને માત્ર સૂકી રોટલી અને ડુંગળી આપી. "ગામડાની સ્ત્રીઓને તો આ બહુ ભાવે, ખરું ને બા?" રેવાએ કટાક્ષમાં પૂછ્યું.
​મીના બાના આંખમાં આંસુ આવી ગયા, પણ એ પસ્તાવાના નહીં, પણ વેરના હતા. તેમને લાગતું હતું કે હજી પણ તેમની પાસે એક છેલ્લો પાસો બાકી છે. તેમણે ચોરીછૂપીથી હવેલીના ટેલિફોન તરફ નજર દોડાવી. તેમને ખબર નહોતી કે રેવાએ ફોનની લાઈન ક્યારની કાપી નાખી હતી.
​શતરંજની આ રમતમાં મીના બા હવે એક એવા મહોરા બની ગયા હતા જેની હિલચાલ રેવા નક્કી કરી રહી હતી.
હવેલીમાં અંધકાર ઉતરી રહ્યો હતો. મીના બા અત્યારે તેમના રૂમમાં ભોંય પર બેઠા હતા. તેમના રેશમી ગાદલાં દૂર કરી દેવાયા હતા અને રૂમમાં માત્ર એક ઝાંખો બલ્બ ચાલુ હતો. રેવાએ મીના બાના પાન ખાવાના સમયમાં એવો ફેરફાર કર્યો હતો કે તેમને સતત બેચેની અનુભવાતી હતી.
​રાત્રિના બાર વાગ્યા હતા. અચાનક મીના બાને રૂમની બહાર કોઈના ચાલવાનો અવાજ સંભળાયો. "કોણ છે?" તેમણે ધ્રૂજતા અવાજે પૂછ્યું. કોઈ જવાબ ન મળ્યો, પણ ગેલેરીમાં પિચકારી માર્યા જેવો અવાજ આવ્યો. મીના બા તરત બહાર દોડ્યા, પણ ત્યાં કોઈ નહોતું. માત્ર જમીન પર લાલ રંગના તાજા ડાઘા દેખાતા હતા—બિલકુલ પાનના ડાઘા જેવા.
​"આ શું? અહીં કોણ પાન ખાઈને ગયું?" મીના બા ગભરાઈ ગયા. તેમને લાગ્યું કે કદાચ તેમનો અહંકાર હવે ભૂત બનીને તેમને ડરાવી રહ્યો છે.
​બરાબર ત્યારે જ પાછળથી રેવા બા આવ્યા. તેમના હાથમાં એક મીણબત્તી હતી. "શું થયું બા? આટલી રાત્રે કેમ અહીં રખડો છો?"
​"જો વહુ! આ કોણે પિચકારી મારી છે અહીં?" મીના બાએ આંગળી ચીંધી.
​રેવાએ લાઈટ ચાલુ કરી. જમીન સાવ સાફ હતી. ત્યાં કોઈ ડાઘ નહોતા. "બા, તમને ભ્રમ થાય છે. આ ઘરમાં હવે તમારા સિવાય કોઈ પાન ખાતું નથી, અને તમને તો મેં આજે પાન આપ્યું જ નથી. કદાચ પાન વગર તમારું મગજ ઠેકાણે નથી રહ્યું."
​મીના બા ફાટી આંખે જોઈ રહ્યા. તેમને ખાતરી હતી કે તેમણે લાલ ડાઘા જોયા હતા. રેવાએ મનોમન સ્મિત કર્યું. તેણે હોલની દીવાલો પર એવા પ્રોજેક્ટર અને કેમિકલ્સનો ઉપયોગ કર્યો હતો જે માત્ર ચોક્કસ લાઈટમાં જ દેખાતા હતા. આ મીના બાને માનસિક રીતે અસ્થિર સાબિત કરવાની રમત હતી.
​બીજા દિવસે સવારે, હ્રદયરાજ અને શંકરસિંહ હોલમાં બેઠા હતા ત્યારે મીના બા પાગલની જેમ દોડી આવ્યા. "હ્રદય! આ વહુ મને મારી નાખશે. કાલે રાત્રે આ હવેલીમાં કોઈ હતું, લાલ લોહી જેવા ડાઘા હતા!"
​હ્રદયરાજે ચિંતાથી શંકરસિંહ સામે જોયું. "બાપુ, મને લાગે છે કે બાની માનસિક સ્થિતિ બગડી રહી છે. કદાચ ગામડાની ગરીબાઈમાં પાછા જવાનો ડર તેમને પાગલ કરી રહ્યો છે."
​રેવાએ આગળ આવીને મીના બાના માથે હાથ મૂક્યો. "બા, ચિંતા ન કરો. જો તમને અવાજ સંભળાતા હોય કે ડાઘા દેખાતા હોય, તો આપણે ડોક્ટરને બોલાવીશું. પણ ત્યાં સુધી તમારે આ રૂમમાં કેદ રહેવું પડશે, જેથી તમે કોઈને નુકસાન ન પહોંચાડો."
​મીના બાને સમજાઈ ગયું કે રેવા તેમને 'પાગલ' જાહેર કરીને હંમેશા માટે રસ્તે લગાડવા માંગે છે. તેમને હવે હવેલીની ભીંતોમાંથી ડર લાગવા માંડ્યો હતો. રૂમમાં જ્યારે પણ તેઓ એકલા પડતા, તેમને પાન ચાવવાનો અવાજ સંભળાતો. રેવાએ સ્પીકર્સ દ્વારા એ અવાજ એવી રીતે સેટ કર્યો હતો કે મીના બાને લાગે કે કોઈ તેમના કાનમાં પાન ચાવી રહ્યું છે.
​આ માનસિક ટોર્ચર મીના બાના ગર્વને ધૂળમાં મેળવી રહ્યું હતું. જે સ્ત્રી બીજાની પ્રાઇવસીમાં ડોકિયું કરતી હતી, તેને આજે પોતાની જ પ્રાઇવસીમાં ડર લાગી રહ્યો હતો. રેવાએ મીના બાને એ દુનિયામાં લાવીને મુક્યા હતા જ્યાં હકીકત અને ભ્રમણા વચ્ચેની પાતળી રેખા ભૂંસાઈ ગઈ હતી.
​એ રાત્રે, મીના બા ડરના માર્યા રૂમમાં ખૂણામાં ભીંસાઈને બેઠા હતા. અચાનક તેમના પલંગ નીચેથી એક અવાજ આવ્યો— "બા, પાન જોશે?"
​મીના બા ચીસ પાડી ઉઠ્યા. પણ ત્યાં કોઈ નહોતું. રેવા બા દરવાજા પાસે ઉભા રહીને આ બધું જોઈ રહ્યા હતા. શતરંજની આ રમતમાં મીના બા હવે પોતાનું માનસિક સંતુલન ગુમાવી રહ્યા હતા.
મીના બાના રૂમમાં સવારના દસ વાગ્યા હતા, પણ અંધારું ઘોર હતું. રેવાએ બારીઓ પર કાળા પડદા લગાવી દીધા હતા. મીના બા તરસ્યા અને ભૂખ્યા હતા. જે પાનનો ડબલો તેમનો જીવ હતો, તે હવે રેવાની પાસે તિજોરીમાં કેદ હતો.
​અચાનક, રૂમનો દરવાજો ખુલ્યો. રેવા અંદર આવી, પણ આ વખતે તે એકલી નહોતી. તેની સાથે મીના બાના પિયરનો ભાઈ, એટલે કે હ્રદયરાજનો મામો ‘કાનજી’ હતો. મીના બાને લાગ્યું કે હવે તેમનો ઉદ્ધાર થશે.
​"કાનજી! ભાઈ! જો આ ડાકણ વહુએ મારી શું હાલત કરી છે. મને અહીંથી લઈ જા!" મીના બા રડતા રડતા કાનજીના પગમાં પડ્યા.
​કાનજીએ અત્યંત ઠંડા કલેજે મીના બાનો હાથ ઝટકી નાખ્યો. "બહેન, મેં બધું સાંભળ્યું. તેં હ્રદયરાજ જેવા હીરા જેવા દીકરાને જેલ ભેગો કર્યો? તેં વાઘેલા પરિવારની આબરૂ ધૂળમાં મેળવી? રેવા બાએ જે કર્યું એ બરાબર કર્યું છે."
​મીના બા સ્તબ્ધ થઈ ગયા. "કાનજી, તું પણ? તું મારો સગો ભાઈ થઈને આ વહુના પક્ષમાં?"
​કાનજીએ રેવા સામે જોયું અને પછી એક કાગળ કાઢ્યો. "બહેન, તેં પિયરની જમીન મારા નામે લખી હતી ને? એ જમીન રેવા બાએ મને પાછી અપાવી છે, પણ એક શરતે... કે હું તારો સાથ છોડી દઉં. મને માફ કરજે, પણ તારો અહંકાર તને મુબારક, મને મારી જમીન વહાલી છે."
​વિશ્વાસઘાતનો આ સૌથી મોટો ઘા હતો. મીના બાને સમજાઈ ગયું કે રેવાએ તેમના લોહીના સબંધોને પણ પૈસા અને સત્તાથી ખરીદી લીધા હતા. રેવાએ મીના બાને બતાવ્યું કે જ્યારે માણસ પાસે સત્તા નથી હોતી, ત્યારે સગા ભાઈ પણ સાથ છોડી દે છે.
​રેવાએ કાનજીને બહાર મોકલી દીધો અને મીના બાની સાવ નજીક ગઈ. "બા, જોયું? આને કહેવાય 'વિશ્વાસઘાત'. તમે જે રીતે હ્રદયરાજ સાથે કર્યો હતો, એ જ આજે તમારી સાથે થયો છે. હવે આ દુનિયામાં તમારું કહેવાય એવું કોઈ નથી."
​મીના બાના ચહેરા પર અચાનક એક અજીબ હાસ્ય આવ્યું. "તને લાગે છે તું જીતી ગઈ વહુ? હજી આ મીના જીવતી છે. જો હું તારા સંસારમાં આગ ના લગાડું તો મારું નામ મીના નહીં!"
​તે જ રાત્રે મીના બાએ એક છેલ્લો વળતો પ્રહાર કરવાનું નક્કી કર્યું. તેમણે જાણ્યું હતું કે રેવા અને હ્રદયરાજ વચ્ચે હજી પણ એક વાત છુપાયેલી હતી—રેવાનો ભૂતકાળ. મીના બાએ જેલમાંથી છૂટેલા એક જૂના દુશ્મનનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. તેમણે રૂમની સફાઈ કરવા આવેલા નોકરને પોતાની સોનાની બંગડી આપીને એક ચીઠ્ઠી બહાર મોકલાવી.
​મીના બાને લાગ્યું કે આ તેમનો 'માસ્ટર સ્ટ્રોક' છે. પણ એ નોકર વાસ્તવમાં રેવાનો જ માણસ હતો. જેવો એ નોકર બહાર ગયો, તેણે એ ચીઠ્ઠી સીધી રેવાને આપી દીધી.
​રેવાએ ચીઠ્ઠી વાંચી અને ખડખડાટ હસી પડી. "બા, તમે જે ખાડો મારા માટે ખોદવા માંગો છો, એમાં તમે પોતે જ પડવાના છો."
​બીજા દિવસે સવારે, હવેલીમાં એક અજાણ્યો શખ્સ આવ્યો. તેને જોઈને મીના બાના ચહેરા પર ચમક આવી, પણ હ્રદયરાજ અને શંકરસિંહ તેને જોઈને ગુસ્સે થઈ ગયા. આ વ્યક્તિ કોણ હતો અને રેવાએ તેને અહીં કેમ બોલાવ્યો હતો?
​શતરંજની બાજી હવે લોહી અને બદલાની દિશામાં વળી રહી હતી.
હોલમાં ભારે તણાવ હતો. વકીલ સાહેબે પોતાની બ્રીફકેસ ટેબલ પર મૂકી. મીના બા લંગડાતા ડગલે હોલમાં આવ્યા, તેમના ચહેરા પર વિજયી સ્મિત હતું. "આવો વકીલ સાહેબ! કહી દો આ બધાને કે આ હવેલીનો અડધો ભાગ કાયદેસર રીતે મારો છે. મારા દીકરા અને વહુને હું અત્યારે જ રસ્તા પર લાવી શકું તેમ છું!"
​શંકરસિંહ ચોંકી ગયા, "મીના, આ તું શું બોલે છે? તેં મારી જાણ વગર દસ્તાવેજો બનાવ્યા હતા?"
​"હા વાઘેલા! તમે તો વહુના પાલતુ બની ગયા છો, પણ હું કંઈ ભોળી નથી," મીના બાએ હરખમાં આવીને પાનનું નવું બીડું મોઢામાં દાબ્યું.
​વકીલે દસ્તાવેજો બહાર કાઢ્યા અને વાંચવાનું શરૂ કર્યું. જેમ જેમ વકીલ વાંચતા ગયા, તેમ તેમ મીના બાના ચહેરાનો રંગ ઊડવા લાગ્યો. દસ્તાવેજોમાં હવેલી મીના બાના નામે નહીં, પણ એક ટ્રસ્ટના નામે હતી, જેની સર્વેસર્વા રેવા બા હતી.
​"આ... આ શું છે? મારો અંગૂઠો તો હવેલીના કાગળ પર હતો!" મીના બા ચિલ્લાયા.
​રેવા બા સોફા પર શાંતિથી બેઠા હતા. તેમણે ચાનો કપ નીચે મૂક્યો અને વકીલ સામે જોયું. "બા, તમને યાદ છે? ગયા મહિને જ્યારે તમે બીમાર હોવાનું નાટક કર્યું હતું અને 'દવાની ફાઈલ' પર સહી કરવાને બદલે અંગૂઠો માર્યો હતો? એ હકીકતમાં દવાની ફાઈલ નહોતી, પણ આ દસ્તાવેજો હતા. તમે જ તમારી બધી મિલકત ટ્રસ્ટને દાન કરી દીધી છે."
​મીના બાના મોઢામાંથી પાનનો રસ છલકાઈને તેમના કપડાં પર પડ્યો. તેમને સમજાઈ ગયું કે રેવાએ અત્યંત ધીરજથી તેમની જ જાળમાં તેમને ફસાવ્યા હતા. પણ સસ્પેન્સ અહીં ખતમ નહોતું થતું.
​રેવાએ વકીલને વિદાય કર્યા અને મીના બાની નજીક ગઈ. "બા, આ તો માત્ર મિલકતની વાત હતી. હવે અસલી ખેલ જુઓ." રેવાએ મીના બાને એક જૂની ડાયરી બતાવી. આ એ જ ડાયરી હતી જે મીના બાએ વર્ષોથી છુપાવી રાખી હતી, જેમાં શંકરસિંહના પિતાના મોતના રહસ્યો છુપાયેલા હતા.
​મીના બા ધ્રૂજવા લાગ્યા. "તારા હાથમાં આ ક્યાંથી આવ્યું?"
​"તમે જ્યારે કચરો સાફ કરતા હતા, ત્યારે તમારી જૂની પેટીમાંથી આ મળી," રેવાએ ઠંડા કલેજે કહ્યું. "આમાં લખ્યું છે કે શંકરસિંહ બાપુના પિતાનું મોત કુદરતી નહોતું, પણ તેમને ધીમું ઝેર આપવામાં આવ્યું હતું... અને એ ઝેર બીજા કોઈએ નહીં, પણ તેમના જ પાનમાં આપવામાં આવતું હતું."
​હોલમાં સોપો પડી ગયો. શંકરસિંહના આંખમાં આક્રોશ ફાટી નીકળ્યો. હ્રદયરાજ પણ પોતાની માં સામે ધિક્કારથી જોવા લાગ્યો. મીના બા હવે માત્ર ઘમંડી સ્ત્રી નહીં, પણ એક સંભવિત હત્યારી તરીકે ઉભા હતા.
​રેવાએ ડાયરી બંધ કરી. "બા, આ ડાયરી જો પોલીસ પાસે જાય, તો તમારી બાકીની જિંદગી જેલના અંધકારમાં જશે. હવે નક્કી તમારે કરવાનું છે... શાંતિથી ખૂણામાં પડ્યા રહેવું છે કે ફાંસીના માંચડે ચડવું છે?"
​મીના બા પહેલીવાર સત્તાવાર રીતે હારી ગયા હતા. તેમનો અહંકાર, તેમની ખુમારી અને તેમનું પાન... બધું જ રેવાએ છીનવી લીધું હતું. પણ રેવા અહીં અટકવાની નહોતી. તેણે મીના બા માટે એક એવી સજા નક્કી કરી હતી જે મોત કરતા પણ ભયાનક હતી.
શંકરસિંહની આંખોમાંથી અંગારા વરસી રહ્યા હતા. તેમણે વર્ષો સુધી જે સ્ત્રીને પોતાની અર્ધાંગિની માની, તેણે જ પોતાના પિતાની હત્યા કરી હતી એ વાત તેમના ગળે ઉતરતી નહોતી. તેમણે ગુસ્સામાં ટેબલ પર રહેલી કાચની ફૂલદાની પછાડી.
​"મીના! તું આટલી હદે ગરી શકે એ મેં સપનામાં પણ નહોતું વિચાર્યું. મારા પિતાને પાનમાં ઝેર આપ્યું તેં?" શંકરસિંહનો અવાજ હવેલીની છત ફાડી નાખે તેવો હતો.
​મીના બાના મોઢામાંથી પાનનું બીડું નીચે પડી ગયું. તેમના હોઠ ધ્રૂજતા હતા, પણ અહંકાર હજી પણ ક્યાંક જીવતો હતો. "હા! આપ્યું હતું મેં ઝેર. કારણ કે એ ડોસો મને હંમેશા નીચી દેખાડતો હતો. એણે મને ક્યારેય આ ઘરની વહુ તરીકે સ્વીકારી જ નહોતી. મને ગરીબ અને અભણ કહીને અપમાનિત કરતો હતો. મેં એનો કાંટો કાઢી નાખ્યો!"
​હ્રદયરાજ પોતાની માને આ સ્વરૂપમાં જોઈને શૂન્યમનસ્ક થઈ ગયો હતો. રેવાએ આગળ આવીને પરિસ્થિતિ સંભાળી. "બાપુ, આ સ્ત્રી પોલીસને લાયક છે, પણ આપણે પોલીસ પાસે જઈશું તો હ્રદયરાજની રાજકીય કારકિર્દી કાયમ માટે ખતમ થઈ જશે. લોકો કહેશે કે એક ખૂનીની માનો દીકરો નેતા કેવી રીતે હોઈ શકે?"
​"તો શું આને ખુલ્લી રખડવા દઈએ?" શંકરસિંહ ગર્જ્યા.
​"ના," રેવાએ મીના બા તરફ ફરીને કહ્યું, "આજથી આ હવેલીનો ભોંયતળિયે આવેલો પેલો જૂનો સ્ટોર રૂમ મીના બાનું નવું ઘર હશે. ત્યાં કોઈ બારી નથી, કોઈ લાઈટ નથી. માત્ર એક થાળી જમવાનું અને એક લોટો પાણી મળશે. અને હા... પાન તો સપનામાં પણ નહીં મળે."
​રેવાએ હુકમ કર્યો અને બે ખડતલ ગાર્ડ્સે મીના બાને હાથ પકડીને ઢસડ્યા. મીના બા ચીસો પાડતા રહ્યા, ગાળો ભાંડતા રહ્યા, પણ કોઈના દિલમાં દયા નહોતી. તેમને એ જ કાલકોટરી જેવા રૂમમાં પૂરી દેવામાં આવ્યા, જ્યાં વર્ષોથી પસ્તી અને ભંગાર પડ્યો હતો.
​અંધારિયા રૂમમાં મીના બા એકલા હતા. તેમની પાન ચાવવાની તીવ્ર તલપ તેમને પાગલ કરી રહી હતી. તેમણે દીવાલો પર નખ માર્યા, પણ લોખંડનો એ દરવાજો ખુલ્યો નહીં. રેવાએ દરવાજાની નાની બારીમાંથી અંદર જોયું.
​"કેવું લાગે છે બા? તમે આખી જિંદગી બીજાની આઝાદી છીનવી છે, આજે તમારી પોતાની આઝાદી આ અંધકારમાં કેદ છે," રેવાએ ઠંડા કલેજે કહ્યું.
​મીના બાએ અંધારામાં જ બૂમ પાડી, "વહુ, મને એક પાન આપી દે... હું મરી જઈશ!"
​"મરવું તો આસાન છે બા, પણ જીવતે જીવ આ નરક ભોગવવું એ અસલી સજા છે," રેવાએ બારી બંધ કરી દીધી.
​રાત્રે જ્યારે આખું ઘર સૂતું હતું, ત્યારે રેવા અને હ્રદયરાજ વચ્ચે એક લાંબી ચર્ચા થઈ. હ્રદયરાજને પસ્તાવો હતો કે તેણે આટલા વર્ષો સુધી સત્ય ન જોયું. તે રાત્રે, હ્રદયરાજે રેવાના ખોળામાં માથું મૂકીને રડતા રડતા પ્રતિજ્ઞા લીધી કે હવેથી તે માત્ર રેવાના બતાવેલા રસ્તે જ ચાલશે. વાઘેલા વિલામાં હવે એક નવી સત્તાનું શાસન હતું—રેવા બાનું શાસન.
​પરંતુ, અંધારા રૂમમાં કેદ મીના બાના મનમાં હજી પણ એક ખતરનાક વિચાર ચાલી રહ્યો હતો. તેમણે જોયું કે સ્ટોર રૂમની છત પાસે એક નાનું વેન્ટિલેશન હતું, જ્યાંથી થોડો પ્રકાશ આવતો હતો. તેમણે નક્કી કર્યું કે તેઓ અહીંથી ભાગશે અને રેવા પર એવો હુમલો કરશે જેની તેણે કલ્પના પણ નહીં કરી હોય.
​મીના બાને જે સ્ટોર રૂમમાં રાખવામાં આવ્યા હતા, ત્યાં માત્ર અંધારું અને ધૂળ હતી. રેવાએ મીના બાના તમામ અંગત બેંક ખાતા અને લોકર સીલ કરાવી દીધા હતા. રેવાએ હ્રદયરાજની સેક્રેટરી તરીકે એક કાયદેસરનો દસ્તાવેજ તૈયાર કર્યો હતો, જેમાં મીના બાને 'માનસિક અસ્થિર' જાહેર કરવામાં આવ્યા હતા, જેથી ભવિષ્યમાં તેઓ કોઈ પણ મિલકત કે કાનૂની હકનો દાવો ન કરી શકે.
​બપોરના સમયે રેવા સ્ટોર રૂમ પાસે ગઈ. તેણે નાની બારી ખોલી અને અંદર જોયું. મીના બા એક ખૂણામાં ધૂળિયાં કપડાં પહેરીને બેઠા હતા. તેમના મોઢામાં પાન નહોતું, એટલે તેમના હોઠ સુકાઈ ગયા હતા અને ચહેરો ફિક્કો પડી ગયો હતો.
​"શું વિચારો છો બા? આજે તો તમારી સહી વગર હ્રદયરાજે એક મોટા પ્રોજેક્ટ પર હસ્તાક્ષર કર્યા છે. હવે તમારે કોઈને પૂછવાની જરૂર નથી રહી," રેવાએ કટાક્ષમાં કહ્યું.
​મીના બાએ ધીમેથી મોઢું ઊંચું કર્યું. તેમની આંખોમાં નફરત હજી પણ જીવતી હતી. "તું બહુ ઉડી રહી છે વહુ... પણ યાદ રાખજે, આ વાઘેલા લોહી છે. હું મરી જઈશ પણ તારા જેવી સામાન્ય છોકરીના હાથે હારીશ નહીં."
​રેવા ખડખડાટ હસી. "સામાન્ય? બા, જે 'સામાન્ય' છોકરીએ તમારા દીકરાને જેલમાંથી કાઢ્યો અને તમને આ ઓરડીમાં પૂર્યા, એ સામાન્ય તો ના જ હોય. તમારી બધી જ નાણાકીય તાકાત મેં ખતમ કરી દીધી છે. હવે તમે એક પાવલી માટે પણ મારા પર નિર્ભર છો."
​તે જ સમયે હ્રદયરાજ ત્યાં આવ્યો. રેવાએ તેને ઈશારો કર્યો. હ્રદયરાજે મીના બા સામે જોયું પણ તેની આંખોમાં હવે માતૃપ્રેમની જગ્યાએ એક ઠંડો ધિક્કાર હતો. "માં, રેવાએ જે કર્યું એ કાયદેસર રીતે સાચું છે. તેં દાદાજીની હત્યા કરી એ પાપની સજા તારે અહીં જ ભોગવવી પડશે. જો તેં બહાર આવવાનો પ્રયત્ન કર્યો, તો હું પોતે તને ફાંસીના માંચડા સુધી લઈ જઈશ."
​હ્રદયરાજના આ શબ્દો મીના બાના કાળજાને ચીરી ગયા. પણ રેવાની અસલી ચાલ તો હવે આવવાની હતી. રેવાએ નોકરને મોકલીને મીના બાના રૂમમાં એક મોટો અરીસો મુકાવ્યો.
​"આ અરીસો કેમ?" મીના બાએ પૂછ્યું.
​"એટલા માટે, જેથી તમે આખો દિવસ તમારા એ ચહેરાને જોઈ શકો જેણે આખા પરિવારને બરબાદ કર્યો છે. તમારી જીભ, જે પાન ખાઈને લાલ રહેતી હતી, એ હવે કેવી કાળી પડી ગઈ છે એ જોજો," રેવાએ ઠંડા કલેજે કહ્યું.
​આ એક ભયાનક માનસિક ટોર્ચર હતું. મીના બા આખો દિવસ અરીસામાં પોતાની જાતને જોતા અને ડરતા. તેમને પોતાનો જ પડછાયો ડરાવવા લાગ્યો. પાન વગર તેમની માનસિક સ્થિતિ કથળવા લાગી હતી.
​પરંતુ, તે રાત્રે મીના બાએ જોયું કે સ્ટોર રૂમની છત પાસે રહેલું વેન્ટિલેશન જરા ઢીલું હતું. તેમણે જિંદગીની છેલ્લી તાકાત લગાવીને ત્યાં ચડવાનો પ્રયત્ન કર્યો. તેમના મનમાં માત્ર એક જ વિચાર હતો—બહાર નીકળીને શંકરસિંહની જૂની બંદૂક મેળવવી અને રેવાનો ખેલ ખતમ કરવો.
​મીના બા જ્યારે વેન્ટિલેશન પાસે પહોંચ્યા, ત્યારે તેમને નીચે રેવા અને હ્રદયરાજનો અવાજ સંભળાયો. તેઓ બગીચામાં ટહેલી રહ્યા હતા અને ભવિષ્યની યોજનાઓ બનાવી રહ્યા હતા. મીના બાના હાથમાં એક લોખંડનો સળિયો આવ્યો. આ તેમનો છેલ્લો મોકો હતો.
બગીચામાં હ્રદયરાજ અને રેવા બેઠા હતા. રેવાએ અત્યંત સુંદર રેશમી વસ્ત્રો પહેર્યા હતા અને તેના હાથમાં એ જ પાનનું ડબલું હતું જે મીના બાનો જીવ હતું. રેવાએ અત્યંત નજાકતથી એક પાન બનાવ્યું અને હ્રદયરાજને ખવડાવ્યું.
​"જોયું હ્રદય? બા આ પાન પાછળ પાગલ હતા, પણ તેમને ખબર નહોતી કે પાનનો અસલી સ્વાદ તો સત્તા અને પ્રેમ સાથે મળે છે," રેવાએ ખડખડાટ હસતા કહ્યું.
​વેન્ટિલેશનમાંથી આ જોઈ રહેલા મીના બાના મગજની નસ ફાટવા લાગી. પાનની સુગંધ તેમના નાક સુધી પહોંચી રહી હતી, જે તેમના માટે કોઈ ભયાનક ટોર્ચરથી કમ નહોતી. જેવો તેમણે સળિયો ઉગામ્યો, તેમનો પગ લપસ્યો અને તેઓ ધડામ કરતા સ્ટોર રૂમની અંદર પટકાયા.
​અવાજ સાંભળીને રેવા અને હ્રદયરાજ ત્યાં પહોંચ્યા. રેવાએ દરવાજો ખોલ્યો. મીના બા જમીન પર લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. પણ રેવાના ચહેરા પર દયાનો છાંટોય નહોતો.
​"બા, હજી પણ તમે અહંકાર નથી છોડ્યો? આ સળિયો મારા માટે હતો ને?" રેવાએ નીચે નમીને મીના બાના ગાલ પર આંગળી ફેરવી. "આજથી તમારો આ અરીસો પણ લઈ લેવામાં આવશે. હવે તમારે માત્ર આ અંધકાર સાથે જ વાત કરવાની છે."
​રેવાએ આગલો હુકમ કર્યો જે મીના બાના અસ્તિત્વને જ ભૂંસી નાખનારો હતો. તેણે હવેલીના નોકરોને બોલાવીને કહ્યું કે આજથી કોઈએ મીના બાને 'બા' કહીને નથી બોલાવવાના. તેમને માત્ર 'કેદી નંબર 1' તરીકે જ ઓળખવામાં આવશે.
​તે રાત્રે મીના બાના રૂમમાં રેવાએ સ્પીકર પર એક અવાજ વગાડવાનું શરૂ કર્યું—એ અવાજ શંકરસિંહના પિતાનો હતો (જે રેવાએ એઆઈ ટેક્નોલોજીથી બનાવ્યો હતો). "મીના... તેં મને ઝેર આપ્યું... હવે તારો વારો છે..."
​મીના બા અંધારામાં ચીસો પાડવા લાગ્યા. "મને માફ કરી દો! મને અહીંથી કાઢો!" પણ તેમનો અવાજ ભીંતોમાં જ દબાઈ જતો હતો. રેવાએ તેમને માનસિક રીતે એ સ્તરે તોડી નાખ્યા હતા કે હવે મીના બાને પોતાના જ પડછાયામાં મોત દેખાતું હતું.
​બીજી તરફ, હ્રદયરાજ અને રેવા વચ્ચે એક અંગત પળમાં હ્રદયરાજે પૂછ્યું, "રેવા, આ બધું શું જરૂરી છે?"
​રેવાએ હ્રદયરાજની આંખોમાં જોઈને કહ્યું, "હ્રદય, જે સ્ત્રીએ વર્ષો સુધી આ પરિવારના માનસિક ટુકડા કર્યા છે, તેને માત્ર જેલની સજા કાફી નથી. તેને તેના અહંકારના કટકે-કટકા થતા જોવા પડશે. આ 'શતરંજ' નો નિયમ છે—રાણીને હરાવવા માટે તેને એકલી પાડી દેવી પડે."
​મીના બા જે ક્યારેય ગામડામાં કોઈની દરકાર નહોતા કરતા, આજે એક-એક રોટલીના ટુકડા માટે અને એક પાનના પાંદડા માટે તરસી રહ્યા હતા. તેમનો ઘમંડ હવે ધૂળમાં મળી ચૂક્યો હતો. તેમને સમજાઈ ગયું હતું કે તેઓ જે ખેલ રમવા નીકળ્યા હતા, તેમાં તેઓ પોતે જ શિકાર બની ગયા હતા.
​પણ ક્લાઈમેક્સ હજી બાકી હતો. વિક્રમ ઝાલા, જે મીના બાનો જૂનો સાથી હતો, તેણે હવેલી પર હુમલો કરવાની તૈયારી કરી હતી.
વિક્રમ ઝાલા, જે હ્રદયરાજનો કટ્ટર હરીફ હતો, તેને સમાચાર મળ્યા હતા કે મીના બા હવેલીમાં કેદ છે. તેને લાગ્યું કે જો તે મીના બાને છોડાવી લે અને તેમની પાસે હ્રદયરાજ વિરુદ્ધ જુબાની અપાવે, તો તે હ્રદયરાજની રાજકીય કારકિર્દીને કાયમ માટે જમીનદોસ્ત કરી શકે છે.
​રાત્રિના બે વાગ્યા હતા. હવેલીના પાછળના ભાગેથી ચાર હથિયારધારી ગુંડાઓ સાથે વિક્રમ ઝાલા અંદર પ્રવેશ્યો. મીના બાના સ્ટોર રૂમનો દરવાજો તોડવામાં આવ્યો. અંધારામાં ડરેલા અને ધ્રૂજતા મીના બાએ જેવો પ્રકાશ જોયો, તેઓ ફાટી આંખે જોઈ રહ્યા.
​"ચાલો માજી, હું તમને આ નરકમાંથી છોડાવવા આવ્યો છું," વિક્રમ ઝાલાએ કુટિલ સ્મિત સાથે કહ્યું.
​મીના બાના મનમાં એક ક્ષણ માટે આશા જાગી, પણ પછી તેમને યાદ આવ્યું કે રેવાએ શું કહ્યું હતું. પણ વેરની આગ હજી શમી નહોતી. "હા, મને લઈ જા અહીંથી! હું એ ડાકણ વહુના ટુકડા કરી નાખીશ!"
​તેઓ જેવો હોલ તરફ વધ્યા, ત્યાં અચાનક આખી હવેલીની લાઈટો ચાલુ થઈ ગઈ. હોલની વચ્ચે એક આલીશાન ખુરશી પર રેવા બા બેઠા હતા, બાજુમાં હ્રદયરાજ અને શંકરસિંહ હાથમાં બંદૂક લઈને ઉભા હતા. આશ્ચર્યની વાત એ હતી કે પોલીસની એક આખી ટુકડી પણ ત્યાં હાજર હતી.
​"સ્વાગત છે વિક્રમ ઝાલા!" રેવાએ મક્કમ અવાજે કહ્યું. "મને ખબર જ હતી કે મીના બાની 'છેલ્લી આશા' તમે જ હશો. મેં જ તે નોકર દ્વારા ચિઠ્ઠી તમારા સુધી પહોંચાડી હતી."
​વિક્રમ ઝાલા સ્તબ્ધ થઈ ગયો. "શું? આ તારું કાવતરું હતું?"
​"હા," રેવા ઉભી થઈ અને મીના બા પાસે ગઈ. "મારે મીના બાને એ બતાવવું હતું કે તેઓ જેને પોતાના સાથી સમજે છે, તે માત્ર તેમનો ઉપયોગ કરવા માંગે છે. અને મારે તમને (વિક્રમ) રંગેહાથ પકડવા હતા."
​રેવાએ એક રેકોર્ડિંગ ચાલુ કર્યું, જેમાં વિક્રમ ઝાલા રસ્તામાં તેના ગુંડાઓ સાથે વાત કરી રહ્યો હતો કે મીના બાને છોડાવ્યા પછી તેમનું કામ પૂરું થાય એટલે તેમને 'કાયમ માટે ઊંઘાડી' દેવા, જેથી કોઈ પુરાવો ના રહે.
​મીના બાના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે ભાઈ અને જે સાથીઓ પર તેમણે ગર્વ કર્યો હતો, તે બધા તેમને મારવા તૈયાર હતા. મીના બાએ ધ્રૂજતા હાથે શંકરસિંહ સામે જોયું. "વાઘેલા... મને બચાવી લ્યો..."
​શંકરસિંહે બંદૂક નીચે કરી અને તિરસ્કારથી કહ્યું, "તને બચાવનારો આ ઘરમાં હવે કોઈ નથી મીના. તેં તારો ભરોસો ક્યારનો ગુમાવી દીધો છે."
​પોલીસે વિક્રમ ઝાલા અને તેના ગુંડાઓની ધરપકડ કરી. રેવાએ પોલીસ ઇન્સ્પેક્ટરને કહ્યું, "સાહેબ, આ માજી માનસિક રીતે બીમાર છે, એટલે વિરોધીઓ તેમનો લાભ ઉઠાવતા હતા. તમે વિક્રમને લઈ જાવ, બાની સજા તો આ ઘરની ભીંતો જ નક્કી કરશે."
​મીના બા હવે પૂરી રીતે એકલા હતા. તેમનો અંતિમ કાવતરો તેમના જ ગળાનો ફાંસો બની ગયો હતો. રેવાએ જે રીતે શતરંજની આ બાજી ગોઠવી હતી, તેમાં દુશ્મન અને સાસુ બંને એકસાથે માત ખાઈ ગયા હતા.
​પરંતુ, મીના બાના મનનો અહંકાર હજી પણ એક છેલ્લા શ્વાસ માટે તડપી રહ્યો હતો.
રેવા બાએ પોલીસને વિદાય આપી અને હ્રદયરાજની નજીક જઈને તેનો હાથ પકડ્યો. હ્રદયરાજના ચહેરા પર એક અજીબ ખાલીપો હતો. પોતાની સગી જણીતા જ મા તેને બરબાદ કરવા માટે દુશ્મનો સાથે મળી જાય, એ ઘા રુઝાય તેમ નહોતો.
​"બાપુ," રેવાએ શંકરસિંહને ઉદ્દેશીને કહ્યું, "આ રમતમાં કોઈ જીત્યું નથી. આપણે બધાએ કંઈક ને કંઈક ગુમાવ્યું છે."
​શંકરસિંહ કશું બોલ્યા વગર મીના બા પાસે ગયા. તેમણે જોયું કે મીના બાની આંખોમાં હવે ગુસ્સો નહીં, પણ શૂન્યતા હતી. તેમનું પાનનું ડબલું પાસે જ પડ્યું હતું, જેની પિચકારીઓથી તેઓ આખું ઘર ગજવતા હતા, આજે એ ડબલું પણ ધૂળમાં રોળાયેલું હતું.
​મીના બાએ ધીમેથી માથું ઊંચું કર્યું. તેમની જીભ અચકાતી હતી. "રેવા... તેં મને હરાવી નથી, તેં મને મારી નાખી છે. પણ તેં સાચું કહ્યું હતું... સત્તા અને અહંકારના નશામાં હું એ ભૂલી ગઈ હતી કે જેમના માટે હું આ બધું કરતી હતી, એ જ મારા લોહીના સબંધો મને ઝેર આપી રહ્યા હતા."
​તે રાત્રે મીના બાએ પહેલીવાર પાન માંગ્યું નહીં. તેમણે પોતાની જાતે જ પોતાના ઓરડાનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. અંદરથી રડવાનો કે ચીસો પાડવાનો કોઈ અવાજ નહોતો આવતો. રેવાને લાગ્યું કે કદાચ આ શાંતિ કોઈ મોટા તોફાનની આગાહી છે.
​પરોઢિયાના ચાર વાગ્યા હતા. રેવાની ઊંઘ અચાનક ઉડી ગઈ. તેને કંઈક અશુભ થવાનો અહેસાસ થયો. તે અને હ્રદયરાજ મીના બાના રૂમ પાસે પહોંચ્યા. દરવાજો અંદરથી બંધ હતો. શંકરસિંહે જોરથી ધક્કો મારીને દરવાજો તોડ્યો.
​અંદરનું દ્રશ્ય જોઈને ત્રણેય સ્તબ્ધ થઈ ગયા.
​મીના બા રૂમના ખૂણામાં બેઠા હતા. તેમણે પોતાના તમામ કિંમતી ઘરેણાં અને રેશમી વસ્ત્રો ઉતારીને એક ઢગલો કરી દીધો હતો. તેમની પાસે રહેલી પાનની પેટી પણ તેમણે ખાલી કરી નાખી હતી. તેમણે માથે મુંડન કરાવી નાખ્યું હતું અને માત્ર એક સફેદ સુતરાઉ સાડી પહેરી હતી. તેમના હાથમાં શંકરસિંહના પિતાની એ જ જૂની ડાયરી હતી.
​"આ શું છે માં?" હ્રદયરાજ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યો.
​મીના બાએ અત્યંત શાંતિથી કહ્યું, "આ મારા પાપોનું પ્રાયશ્ચિત છે. હું હવે હવેલીની રાણી નથી, પણ એક એવી અપરાધી છું જેણે પોતાના જ ઘરને આગ લગાડી. રેવા, તેં મારી આંખો ખોલી નાખી. જો તેં મને આ રીતે ન તોડી હોત, તો હું કદાચ આજે હત્યારી બની ગઈ હોત."
​મીના બાએ ડાયરી રેવાને સોંપી. "આમાં મેં બધું લખી દીધું છે. મારા દરેક ગુનાની કબૂલાત. હવે મને સજા તમે નહીં, પણ આ કલમ આપશે. હું હવેલી છોડીને કાશી જઈ રહી છું. મારા જેવી સ્ત્રી માટે હવે આ વૈભવમાં કોઈ સ્થાન નથી."
​રેવા જે અત્યાર સુધી કઠોર બનીને રહી હતી, તેની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેણે જોયું કે શતરંજની આ રમતમાં છેલ્લે 'રાણી' એ જ પોતાનો ત્યાગ કરીને બાજી પૂરી કરી હતી. મીના બાએ પાનનું ડબલું ઉઠાવ્યું અને ગેલેરીમાંથી નીચે ફેંકી દીધું. એ ડબલું પથ્થર સાથે અથડાઈને તૂટી ગયું—બિલકુલ મીના બાના અહંકારની જેમ.
​શંકરસિંહે તેમને રોકવાનો પ્રયત્ન ન કર્યો. તેઓ જાણતા હતા કે આ જ મીના માટે સાચો ન્યાય છે. મીના બા એકલા હાથે, સફેદ વસ્ત્રોમાં હવેલીના એ ભવ્ય દરવાજાની બહાર નીકળી ગયા, જ્યાંથી તેઓ એકવાર પાલખીમાં બેસીને આવ્યા હતા.
​મીના બાને લઈને ગાડી હવેલીના દરવાજાની બહાર નીકળી ગઈ અને વાઘેલા વિલા પર છવાયેલા અહંકારના કાળા વાદળો વિખેરાઈ ગયા. હ્રદયરાજ હજી પણ દરવાજા તરફ જોઈ રહ્યો હતો. તેના મનમાં એક દીકરા તરીકેની પીડા હતી, પણ એક વ્યક્તિ તરીકે શાંતિ હતી.
​રેવાએ હ્રદયરાજના ખભા પર હાથ મૂક્યો. "હ્રદય, જે થયું એ અનિવાર્ય હતું. રોગ જ્યારે આખા શરીરને નુકસાન પહોંચાડવા માંડે, ત્યારે કડવી દવા લેવી જ પડે છે."
​એક વર્ષ પછી:
​વાઘેલા વિલાનો નકશો હવે બદલાઈ ગયો હતો. હવેલીની દીવાલો પર જે પાનની પિચકારીઓના ડાઘા હતા, ત્યાં હવે સુંદર રાજસ્થાની ભીંતચિત્રો અને હરિયાળી હતી. રેવાએ ઘરના સંસ્કારોમાં પ્રોફેશનલિઝમની સાથે પ્રેમનો પણ સંગમ કર્યો હતો.
​હ્રદયરાજ હવે રાજ્યના કેબિનેટ મંત્રી બની ચૂક્યા હતા. તેમની છબી હવે એક સ્વચ્છ અને નીતિવાન નેતાની હતી. ગામના લોકો હવે તેમને 'બાપુ' તરીકે નહીં, પણ 'જનતાના સેવક' તરીકે ઓળખતા હતા. શંકરસિંહ હવેલીના બગીચામાં બેસીને અવારનવાર જૂના પુસ્તકો વાંચતા અને શાંતિ અનુભવતા.
​એક દિવસ રેવાને કાશીના આશ્રમથી એક પત્ર મળ્યો. તેમાં લખ્યું હતું:
​"વહુ, હું અહીં ગંગાના ઘાટ પર પાપોનું પ્રાયશ્ચિત કરી રહી છું. અહીં પાનનો લાલ રંગ નથી, પણ આત્માની શ્વેત શાંતિ છે. તમે સુખી રહેજો."
​રેવાએ પત્ર વાંચીને હ્રદયરાજ સામે જોયું. તે રાત્રે, હવેલીના એ જ હોલમાં જ્યાં એક સમયે શતરંજની લોહિયાળ રમતો રમાતી હતી, ત્યાં હવે હ્રદયરાજ અને રેવાનો એક વર્ષનો દીકરો રમી રહ્યો હતો.
​રેવાએ તેને તેડી લીધો અને હ્રદયરાજ પાસે ગઈ. "આ બાળક આપણી જીત છે, હ્રદય. આને આપણે સત્તાના નહીં, પણ સત્યના પાઠ ભણાવીશું."
​વાઘેલા વિલામાં હવે કોઈ 'શતરંજ' રમાતી નહોતી, કારણ કે હવે ત્યાં કોઈ દુશ્મન નહોતું, માત્ર એક સુખી પરિવાર હતો. રેવા બાની બુદ્ધિશક્તિ અને હ્રદયરાજના સાથથી વાઘેલા વિલાની પ્રતિષ્ઠા આખા રાજ્યમાં ગાજતી થઈ ગઈ.
​શતરંજની આ બાજીનો અહીં અંત આવ્યો, જ્યાં છેલ્લે ન્યાય, નીતિ અને નિસ્વાર્થ પ્રેમની જીત થઈ.
​વાર્તા પૂર્ણ

#MansiDesaiShastriNiVartao

#માનસીદેસાઈશાસ્ત્રીનીવાર્તાઓ

#Aneri

#SuspensethrillerStory

#Booklover

#Storylover

#Viralstory