આ પ્રશ્ન જુદા જુદા લોકોને પૂછીએ તો જુદો જુદો જવાબ મળશે. જેમ કે, કોઈના જીવનનો ધ્યેય પોતાને, પોતાના કુટુંબને, પતિ કે પત્ની અને બાળકોને સુખી કરવાનો હોય. કોઈના જીવનનો ધ્યેય ખૂબ પૈસા કમાવાનો હોય. કોઈએ કારકિર્દીમાં સફળતા મેળવવાનો ધ્યેય બાંધ્યો હોય, જેમ કે, મોટા ઉદ્યોગપતિ થવાનો, સફળ કલાકાર થવાનો કે પોતાના વ્યવસાયના ક્ષેત્રમાં ટોચ ઉપર પહોંચવાનો. તો કોઈએ સંસારનો ત્યાગ કરીને તપસ્યા અને સાધના કરવાનો ધ્યેય બાંધ્યો હોય. પછી એ ધ્યેયની પ્રાપ્તિ માટે જીવન પૂરું થઈ જતું હોય છે.
વાસ્તવિકતામાં જીવમાત્ર સુખને શોધે છે. જે વસ્તુ સુખની અનુભૂતિ કરાવે છે, તેની પ્રાપ્તિના હેતુથી મનુષ્યના જીવનમાં ધ્યેય એની મેળે બંધાઈ જતા હોય છે.
જ્યારે કેટલાકના જીવનમાં કોઈ મુખ્ય ધ્યેય નથી હોતો. બસ! આર્થિક, કૌટુંબિક, સામાજિક અને વ્યવસાયિક ગૂંચવાડાને ઉકેલવામાં જીવન પૂરું થઈ જતું હોય છે. મનુષ્ય જીવન જીવી તો જાય છે, પણ શેના માટે જીવન જીવે છે તે એને પોતાને જ ખબર નથી હોતી.
દરેક મનુષ્યનું જીવન ધ્યેયપૂર્વકનું હોવું જોઈએ. ખૂબ મહેનત કરીને પૈસા કમાઈએ, અને પછી એ પૈસા ખાઈ-પીને મોજ કરવામાં વાપરી નાખીએ, અને આખો દિવસ ચિંતા, સ્ટ્રેસ અને ઉપાધિમાં ગાળીએ, એને જીવનનો હેતુ કઈ રીતે કહી શકાય? ઘણી વાર સુખ મેળવવાના પ્રયત્નોમાં મનુષ્ય વધારે ચિંતા, ઉપાધિ અને દુઃખ વહોરી લે છે. કેટલાક ભ્રષ્ટાચાર અને દુરાચારના માર્ગે અધોગતિ પણ નોતરે છે. મનુષ્યપણું મળ્યું એ વેડફાય નહીં તેમ જીવનને સાર્થક કરવું જોઈએ.
મનુષ્યના જીવનનો ધ્યેય પરોપકાર માટે જીવન ગાળવાનો હોવો જોઈએ, જેમાં હેતુ બીજાને સુખ આપવાનો હોય, અને બહુ નહીં તો કોઈને દુઃખ ના થાય એવો ધ્યેય હોવો જોઈએ.
સાચું સુખ ભેગું કરવામાં નહીં, પણ લૂંટાવી દેવામાં છે! પોતાના મન, વચન અને કાયા પારકાંની મદદમાં ખર્ચી નાખવા જેવું બીજું કોઈ સુખ નથી. આપણે પક્ષીઓને ચણ નાખીએ કે ગરીબ બાળકોને આઈસક્રીમ ખવડાવીએ તો આપણી વસ્તુ બીજાને આપવા છતાં અંદર અનેરા સુખનો અનુભવ થાય છે. ગરીબોને દાન આપવું, ભૂખ્યાને જમાડવું, પીડિતને સહાય કરવી એ પરોપકારની પ્રચલિત રીતો છે.
ધર્મ એટલા માટે કરવાનો કે જેનાથી કંઈક આપણા ધ્યેય તરફ પહોંચી શકાય. જગતના બધા ધર્મોનો સાર એ છે કે, પોતાને સુખ જોઈતું હોય તો બીજાને સુખ આપો. બીજાને દુઃખ આપવાથી પોતાને સુખ નહીં મળે, ઊલટું વધારે દુઃખ મળશે.
બીજાને સુખ આપવા માટે પૈસાથી દાન કરવું જ જરૂરી નથી. બીજાને જરૂર પડ્યે સલાહ આપી શકાય, એના માટે ધક્કો ખાઈ શકાય, તો પણ તે પરોપકાર જ કહેવાશે. ટૂંકમાં, જે આપણી પાસે છે તે બીજાને આપવું જોઈએ. સંસારમાં એવી રીતે રહેવું જોઈએ જેનાથી કોઈ જીવને ત્રાસ ન થાય, કોઈને આપણે દુઃખદાયી ન થઈ પડીએ. તે માટે સારા ઊંચા સત્સંગી પુરુષો, સાચા પુરુષો ભેગું રહેવું અને કુસંગમાં ન પેસવું, એવો આપણો ધ્યેય હોવો જોઈએ. ધ્યેય પ્રમાણે જીવન વ્યતીત થાય કે ના પણ થાય, તોય આપણા લક્ષમાં રોજ આપણો ધ્યેય રહેવો જોઈએ.
મનુષ્ય જીવનનો આત્યંતિક ધ્યેય આત્મસાક્ષાત્કાર પામીને મોક્ષે જવાનો હોવો જોઈએ. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “હિન્દુસ્તાનના મનુષ્યો ખરેખર પરમાત્મા થઈ શકે છે. પોતાનું પરમાત્મપણું પ્રાપ્ત કરવું એ છેલ્લામાં છેલ્લું ધ્યેય છે.”
ભગવાનની મૂર્તિ સામે રાખીને જપ, તપ, પૂજાપાઠ કે ભક્તિ કરીએ, પણ જો ભગવાનના સાચા સ્વરૂપની ઓળખાણ નથી થઈ, તો તેવી ભક્તિથી આત્મસાક્ષાત્કાર થતો નથી. પણ જેમણે પોતે આત્મા અનુભવ્યો હોય, અને બીજાને પણ એ અનૂભૂતિ કરાવી શકે એવા આત્મજ્ઞાની પાસે જવાથી આત્મસાક્ષાત્કાર સહેલાઈથી પમાય છે.
મનુષ્યજીવનનો ધ્યેય વિષે વધુ સમજવા માટે અહીં ક્લિક કરો: https://www.dadabhagwan.in/path-to-happiness/humanity/purpose-of-life/goal-of-life/