Hun Marun Cancel ane Gratitude in Gujarati Biography by RAHUL VORA books and stories PDF | હું, મારું કેન્સલ અને Gratitude

Featured Books
Categories
Share

હું, મારું કેન્સલ અને Gratitude

હું,મારું “કેન્સલ” અને Gratitude - 1

     Gratitude એ અંગ્રેજી શબ્દ છે.એને માટે ગુજરાતી શબ્દ છે ઋણ સ્વીકાર.

     આજે મારો દિવસ છે.મારા મિત્રનો દિવસ છે એટલે વિશ્વ કેન્સર દિવસ છે.જ્યારથી મારા શરીરમાં રહેવા આવ્યો ત્યારથી એને સાચવ્યો છે,જીવની જેમ સાચવ્યો છે અને હજી સાચવું છું.પંપાળું પણ છું.

     જેમ અખંડ દીવો કે જ્યોત હોય એમ મારા હાથના એક હિસ્સામાં પેઇન છે જેને મેં અખંડ કેન્સર નામ આપ્યું છે જે મને એલર્ટ રાખે છે.મને સતત જાગતો પણ રાખે છે કે જરા પણ હોશિયારી કરીશ તો ફેલાઈ જતાં વિચાર નહીં કરું હું. સામે મેં પણ એને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે આ તારું ઘર છે ત્યાં તને બધી સગવડ મળશે. ફ્રી ઓફ ચાર્જ રહેવાનું,ખાવા,પીવાનું બધું જ ફ્રી.હા,પણ encroachment જરા પણ ચલાવી લેવામાં નહીં આવે.You are under CCTV Surveillance  નું બોર્ડ મારી જ દીધું છે. જરા પણ બહાર નીકળવાની કોશિશ કરી તો કચડી નાખીશ. જો કે અમે બે જણાએ અમારી વફાદારી  આઠ કરતાં વધુ વર્ષથી બરોબર નિભાવી રહ્યા છીએ.

     હિન્દીમાં લોન ને ઋણ કહેવામાં આવે છે. અહીં કોઈનો ઉપકાર પણ એક જાતની લોન જ કહેવાય જ ને. એટલે જ મને ઋણ શબ્દ ગમે છે અને સ્વીકાર શબ્દ તો મારો અધિકતમ પ્રિય છે. મારા આવી રહેલ પુસ્તકમાં એકસો કરતાં વધુ વાર એનો ઉપયોગ કર્યો છે.આ શબ્દ ઉપર તો આખું પુસ્તક લખી શકાય એમ છે!!!!

હું,મારું “કેન્સલ” અને Gratitude – 2

     એક સમય હતો કે રોગના અમુક લક્ષણો દેખાય એટલે સામાન્ય માણસ પણ કહી દે કે મેલેરિયા છે કે ટાઈફોઈડ છે કે અન્ય કોઈ. રોગો પણ સરળ હતા અને એનાં લક્ષણો પણ. જેમ જેમ જીવન સંકુલ બનતું ગયું એમ રોગો અને એનાં લક્ષણો પણ સંકુલ બનતાં ગયાં.

     મારી જ વાત કરું તો દોઢ વર્ષ તો શોલ્ડર પેઈનની ઓર્થોપેડિક ડોક્ટરની ટ્રીટમેન્ટમાં જ ગયો. એક્સ રે રિપોર્ટ નોર્મલ આવ્યો એટલે ડોકટરે પણ વધતી ઉંમર,મસલ્સ પેઈન છે એટલે જરૂર હોય તો જ આવવું એમ કહી થોડી દવાઓ અને ફીઝીયોથેરાપી ની ભલામણ કરી અને જરૂરી હોય તો આવવું એમ કહી  દીધું. વધતાં પેટને  સુખની પારાશીશી માની લીધું. આ તકલીફની અસર જમણા હાથ સુધી પહોંચી ત્યારે ડોકટરે વિટામીન B કોમ્પ્લેક્ષનો કોર્ષ ચાલુ કરાવ્યો અને અનુકૂળતાએ MRI કરાવજો એમ કહ્યું. દીકરીની પ્રેગનન્સીનો ડ્યુ ટાઈમ નજીક આવતો હતો એટલે ઘરના સભ્યોના આગ્રહ છતાં ડીલીવરી પછીની મુદત નાખી.

     પરંતુ હવે કુદરતને ટેન્શન ચાલુ થયું. સામાન્ય રીતે આપણે રોગ થાય પછી દવા કરીએ પણ અહીં કુદરતે પરીસ્થિતિની ગંભીરતા સમજી પોતાના ક્રમને બદલી નાખ્યો. છઠ્ઠી જૂને દવાના રૂપમાં  દોહિત્ર રુહાનને મોકલ્યો અને 14 જૂનના ના મોકલ્યું મિત્ર કેન્સરને. અચાનક ટેકો લઈને બેસી જવું પડ્યું અને એ પણ એવી રીતે કે ક્યારેય ઊભા ન થવાય એ રીતે. અને આમ થઈ મારી નવી ઇનિંગ્સ.

હું,મારું “કેન્સલ” અને Gratitude – 3

     જે ઓર્થોપેડિક ડોક્ટરની ટ્રીટમેન્ટ ચાલુ હતી એને ફોનથી કોન્ટેક્ટ કર્યો તો એમણે VINS હોસ્પિટલ, (વડોદરા) લઈ જવાની સલાહ આપી. જે ડોકટરનો રેફરન્સ આપ્યો હતો એનું ઓપીડી બંધ થાય તે પહેલાં પહોંચવું જરૂરી હતું. ચેક કરીને તાત્કાલિક દાખલ કરવાનું સૂચન કર્યું અને ચાલુ થયા વિવિધ ટેસ્ટ. MRI માં કશુંક બરાબર ના લાગતાં રાત્રે અગિયાર વાગ્યે જ મગજનો સીટી સ્કેન કરવાનું કહ્યું. મને મારા જમાઈ રિપલ  રાત્રે બાર વાગ્યે જ ટેસ્ટ માટે એમ્બ્યુલન્સ માં લઇ ગયા. એક પછી એક રીપોર્ટ આવતા જતા હતા અને ચિંતાનો દોર ચાલુ થઈ ગયો. દીકરી જલજા  મેડીકલ ફિલ્ડમાં હોવાથી એને અણસારો આવી પણ ગયો કે સ્પાઈનમાં ટ્યુમર છે અને એને કારણે જ પેરેલીસીસ થયેલ છે. એણે નામ આપ્યા ધીરે ધીરે મારી પત્ની કાલિન્દી ને તૈયાર કરવાનું શરૂ કર્યું કે કંઈક મોટી તકલીફ છે,માનસિક રીતે તૈયાર રહેજે. હિતેચ્છુઓના ફોન ચાલુ થઈ ગયા હતા કારણ જાણવા માટે. પણ કન્ફર્મ રીપોર્ટ 48 કલાકે આવવાનો હતો.સીટી સ્કેનના રીપોર્ટે ટ્યુમરની મહોર મારી તો દીધી પરંતુ એ ટ્યુમર કેન્સરની જ છે એ બાયોપ્સી પછી જ ખબર પડે. પહેલીવાર મશીનથી બાયોપ્સી થઈ એનો રિપોર્ટ નેગેટીવ આવ્યો. એક પળ માટે હાશ થઈ કે સંકટ ટળ્યું. જો કે ડોક્ટરને લક્ષણો જોતાં ડાઉટ હતો એટલે પછી ઓપન સર્જરીથી બીજી વાર બાયોપ્સી કરી અને થપ્પો લાગી ગયો કેન્સરનો. સ્વાભાવિક રીતે મને જાણ કરવામાં ન આવી. મારા જમાઈ લંચ માટે જતાં રોગનું નામ લીધા વિના કહેતા ગયા કે હવે ડો.નીરજ ભટ્ટને કન્સલ્ટ કરવાના છે.

 

     મેં ડોક્ટરનું નામ સાંભળી લીધું હતું એટલે પકડ્યું ગુગલને. ગુગલે વડોદરાના બે ત્રણ નીરજ ભટ્ટ બતાવ્યા. જેમાં એક સાદા MBBS હતા,એક આંખના સર્જન હતા અને છેલ્લા હતા કેન્સરના. ઘરના સભ્યોના ચહેરાઓની ગંભીરતા જોતાં ટ્યુબલાઈટ થઈ ગઈ. સાંજે મારા જમાઈ આવ્યા એટલે મેં સીધું જ પૂછ્યું કે મને કેન્સર છે ને? પહેલાં તો હેબતાઈ ગયા,થોડાં ગલ્લાંતલ્લાં પણ કર્યાં પણ મેં મોબાઈલનો સ્ક્રીન સામે ધરી દીધો એટલે એમણે હાર સ્વીકારી લીધી. એક રીતે જોઈએ તો શાંતિ પણ થઈ કે નિદાન થઈ ગયું એટલે હવે સાચા રસ્તે ટ્રીટમેન્ટ ચાલુ થઈ જશે પણ હજી બીજો એક રીપોર્ટ બાકી હતો એ તો વધારે ચિંતાજનક આવવાનો હતો. 

હું,મારું “કેન્સલ” અને Gratitude – 4

     બ્લેક એન્ડ વ્હાઈટ. સમાજમાં મોટા ભાગના સજ્જનો જ હોય છે. પણ દશ ટકા મજા લેનારા પણ હોવાના જ. આવા મજા લેનારાઓએ મજા લીધી પણ ખરી.

     પહેલાં સારા અનુભવોની વાત. જેવા કેન્સરના સમાચાર ફેલાયા કે હિતેચ્છુઓનો આશ્વાસન સાથે પ્રાર્થનાઓનો ધોધ ચાલુ થયો.કોઈ સરદાર મિત્રએ ગુરુદ્વારામાં પ્રાર્થના કરી તો કોઈએ નમાજ દ્વારા બંદગી કરી. મારા બન્ને બાજુના સંબંધથી જોડાયેલા સાળા કમ બનેવી એવા ગાયત્રી ઉપાસક શ્રી દિનેશભાઈ અંતાણીએ દિલથી ગાયત્રી હવનમાં પ્રાર્થના કરી. ઘરે ઘરના મંદિરોમાં પ્રાર્થનાનો ધોધ વહ્યો એ તો અલગ. આ ધોધ એટલો વહ્યો કે સ્વર્ગમાં હલચલ મચી ગઈ. વિવિધ ધર્મના આવેદનપત્રનો ઢગલો ખડકાઈ ગયો.યમરાજા દોડ્યા દેવાધિદેવ શંકર પાસે. તમે તો દોઢ મહિના પછીની તારીખ નાખીને ડેથ વોરંટ ઇસ્યુ કર્યું છે અને અહીં તો પ્રાર્થનારૂપી આવેદનપત્રનો ઢગલો થઈ ગયો છે. કંઈક કરવું તો પડશે. કંઈ નહીં કરો તો અમારા ઉપરની આસ્થા ડગી જશે. દેવાધિદેવે વચ્ચેનો માર્ગ કાઢ્યો.ડેથ વોરંટ કેન્સલ તો નહીં થાય ખાલી મોકૂફ રાખી શકાય. અને આમ મળ્યું એક્સટેન્શન. હજી પણ યમરાજા તક શોધે છે અને હું છટકબારીઓ.

     હવે જોઈએ કાળી બાજુ.

     હું હોસ્પીટલમાં હતો ત્યારે કોઈકે એવી અફવા ફેલાવી કે મારી વાચા હરાઈ ગઈ છે. મારા બનેવી શ્રી Rashesh Mankad તો એવા અકળાયા કે આવીને સીધો ફોન જ એમને જોડીને મને આપી દીધો કે તમારી વાચા બરોબર છે તેની સાબિતી આપી દ્યો.

     એક સંબંધીએ તો પત્ની કાલિન્દી ને સીધું જ પૂછી લીધું કે કેન્સર કયા સ્ટેજમાં છે?

     એક સંબંધી તો આવીને ફેરવી ફેરવીને ટોણો મારી ગયા કે તમને તો કોઈ વ્યસન નથી તો તમને કેન્સર કેમ થયું?

      એક સંબંધી બહેને તો પત્ની કાલિન્દીને એવું પણ મોં પર મારી દીધું કે અમે તો સાત્વિક ખોરાક ખાઈએ,સાત્વિક જીવન જીવીએ એટલે અમને આવા રોગો ન થાય.

      મજા લેનાર ની પરાકાષ્ઠા તો ત્યારે આવી કે કાલિન્દીને કહેવામાં આવ્યું કે “પછી તમે ભુજ શિફ્ટ થઈ જાજો.” પછી તમે એટલે હું ઉપર પહોંચી જાઉં પછી.

 

      આ બધા પ્રસંગો કાલિન્દી દિલમાં સમાવતી તો ગઈ પણ એના હૃદયમાં જગ્યાની કમી ઊભી થઈ અને…..                                                                         

હું,મારું “કેન્સલ” અને Gratitude – 5

 

વચ્ચે Black & white આવી ગયું. હવે આગળ.

      હું જે સમયમાં થી પસાર થયો છું એવી પરિસ્થિતિમાં થી ઘણા પસાર થયા હશે,કદાચ આના કરતાં પણ મોટી ચેલેન્જ આવી હશે અને મારા કરતાં પણ વધુ સારી રીતે હેન્ડલ પણ કરી હશે.

     હું મારા સંસ્મરણો અહીં મૂકું છું કારણ કે હું એક લેખક છું,નવો સવો લેખક છું,નવરો લેખક છું,નિવૃત છું. અને સૌથી મોટું કારણ gratitude છે. મારો સમય સાચવનાર ને યાદ કરવાનો,એના ઉપકારને યાદ કરવાનો,ઉપકારની યાદગીરીનું પુનરાવર્તન કરવાની તક ઝડપી લેવા માગું છું.

     પ્રથમ વાર મમ્મી-પપ્પા બનવાનો આનંદ ઓસરે તે પહેલાં આવી પડેલી મારી બીમારીએ મારાં દીકરી-જમાઈએ પોતાના આનંદને બાજુ પર મૂકી દીધો. દીકરી જલજા મેડીકલ ફિલ્ડની હોવાથી ડોક્ટરને મળી બિમારીની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા પોતાના પંદર દિવસના બાળકને લઈને હોસ્પિટલ આવી. આટલાં નાનાં બાળક સહિત અંદર આવવાની મંજૂરી પણ માંડ માંડ મળી. ડોક્ટરને મળીને મને મળવા આવી ત્યારે એના મનોભાવો ઘણું બધું કહી આપતા હતા.  આ લડાઈ લાંબી ચાલશે,હોસ્પીટલમાં રહેવાનું પણ કદાચ લાંબુ ચાલે એટલે ડ્યુટી ગોઠવાઈ ગઈ હતી. જમાઈને રજા લેવામાંથી મુક્તિ આપવા મારા વેવાઈ “કાકા”,(આમ તો એનું નામ યશેષ ધોળકિઆ છે પણ સંતાનો,દોહિત્રી અરે પત્ની સહીત એને કાકા તરીકે જ ઓળખે છે) એ દિવસના મારાં પત્ની કાલિન્દીને ફ્રી કરવાની જવાબદારી સંભાળી લીધી. એ સમયે મને જેની જરૂર હતી તે સધિયારો,હિમ્મત,ઉર્જા એમણે પૂરી પાડી. જો કે કસોટી પણ સરખી થઈ.રોન્ડા બાયર્ન ની બુક The Secret એમના દ્વારા જ સજેસ્ટ કરવામાં આવેલ અને મારામાં રહેલી  gratitude ની લાગણી પણ એ બુકને આભારી છે.

     ઓચિંતા પેટના સીટી સ્કેન માટે લેબમાં જવાનું કહેવામાં આવ્યું.મને લઈને એમ્બ્યુલેન્સમાં સવારી ઉપડી. ત્યાં ગયા તો લાઈન હતી અને બે ત્રણ કલાક લાગે એમ પણ હતું. એકાદ વાગ્યે મારી ભલામણ કરી ચૂપાચૂપ બે બિસ્કીટ અને ચા થી પોતાનું લંચ પતાવી આવ્યા અને ફરી પાછા સેવામાં ગોઠવાઈ ગયા. આ તો એમની નિષ્ઠાનું એક સેમ્પલ છે.

     હોસ્પિટલ ના રોકાણ દરમિયાન મારા માટે એ ભગવાનની ભૂમિકામાં હતા અને એ વસ્તુ હું ભૂલી ન જાઉં એટલે મેં એનો નંબર “કાકા ભગવાન” કરીને સેવ કર્યો હતો.

     ફરી રિપોર્ટની રાહ જોવાની ધીરજની કસોટીનો સમય આવ્યો. એ રિપોર્ટ આવ્યો પણ વધુ આંચકારૂપ હતો. પ્રોસ્ટેટનું કેન્સર 300 ગણું ફેલાઈ ગયું હતું.હોસ્પીટલે ડીસ્ચાર્જની પ્રોસિજર ચાલુ કરી દીધી.

હું,મારું “કેન્સલ” અને Gratitude – 6 

     હવે મારા જમાઈએ પરિસ્થિતિ હાથમાં લીધી. ડોક્ટરને એ સમજાવવાની કોશિશ કરી કે આજે શનિવાર છે અને ડૉ.નીરજ ભટ્ટ તો સોમવારે મળશે. મારા સસરાનો ફ્લેટ ત્રીજે માળે છે,લીફ્ટ નાની છે તો સોમવાર સુધી અહીં રાખો તો અનુકૂળ રહે. માંડ માંડ માન્યા. મારા જમાઈના કન્વીન્સીંગ પાવરે વધુ એક વાતમાં પણ મનાવી લીધા કે ડૉ.નીરજ ભટ્ટ અહીં જોવા ન આવી શકે? કારણ એમનું કલીનીક પણ પહેલા માળે છે. એક વાર ખાલી જોઈ જાય તો સોમવારે અમે એને રિપોર્ટ બતાવી આવશું. ડોકટરના હ્રુદિયામાં રામ વસ્યા અને એણે onchololigist ને સમજાવ્યા અને ડોક્ટર રવિવારે આવવા માની પણ ગયા. જો કે સમયની ગેરંટી ન આપી પણ ટૂંકમાં કામ થઈ ગયું.

     તે દરમિયાન મારે મારી મનની શક્તિઓને કામે લગાડવી પડી. આખી રાત સતત કેન્સર જાણે જીવંત વ્યક્તિ હોય એમ એની સાથે વાતો કરી. એની સાથે સામ,દામ,દંડ,ભેદની નીતિથી એટલું કમીટમેન્ટ તો લઈ જ લીધું કે મગજ,હાર્ટ અને કીડની બાજુ નહીં ફરકે!!!!

      રવિવાર સવારથી જ ડોક્ટરની રાહ જોવાની શરૂઆત થઇ. છેક બપોરે ડૉ.નીરજ ભટ્ટના પાર્ટનર ડો.જીગર પટેલ આવ્યા. રિપોર્ટ જોઇને બહાર નીકળ્યા એટલે હાજર રહેલા મારા બનેવી રશેષભાઈ માંકડ પાછળ પાછળ ગયા અને વાતચીતમાં મારા બનેવીના કઝીન અને સિવિલ હોસ્પિટલ,અમદાવાદ ના MD ડો. બંકિમચંદ્ર માંકડનો રેફરન્સ આપી દીધો. બંકિમભાઈનું નામ સાંભળતાં જ ડોકટરે તરત કહ્યું કે એ તો મારા અને નીરજના ગુરુ હતા. આ ઓળખાણનો એક ફાયદો એ થયો કે ડોક્ટર મારી ટ્રીટમેન્ટ જે હોસ્પીટલમાં દાખલ હતો ત્યાં જ કરવા તૈયાર થયા એટલે પેશન્ટને એટલે કે મને શિફ્ટ કરવાની જરુર નહીં પડે. આ સમયે સૌથી ખરાબ હાલત મારાં મોટાં બહેન માતંગીની હતી.ઘરના સંજોગો એ એને ગાંધીનગર રોકી રાખી હતી. એને કેન્સર છે એમ જણાવ્યું ન હતું અમારા ફોન ન ઉપડે તો સગાં સંબંધીઓ તબિયત ના ખબર પૂછવા કરતાં પણ શું છે એવું જાણવાની ઇન્તેઝારી માં એને ફોન કરતાં અને એનું ટેન્શન વધારતાં.આમ મારું Gratitude નું લીસ્ટ અંનત છે. એક અઠવાડિયાની ટ્રીટમેન્ટ અને વિવિધ ટેસ્ટ પછી શુક્રવારે એમણે કહ્યું કે હવે પરિસ્થિતિ જોતા જેટલાં જલ્દી રેડીએશન ચાલુ થાય એટલું દર્દીના હિતમાં રહેશે.

હું,મારું “કેન્સલ” અને Gratitude – 7

     શુક્રવાર હતો.સાંજનાં સમયે ધોધમાર વરસાદ વચ્ચે ઘરે પહોંચ્યા. ફ્લેટના આડોશી-પાડોશીઓની મદદથી ત્રીજા માળે આવેલા ફ્લેટ ભેગો કરવામાં આવ્યો.

     કેન્સર છે એમ ફાઈનલ થઇ ગયું હતું. હવે સવાલ હતો નજીકનાં કુટુંબીજનોને જાણ કરવાનો.દીકરીને કામ સોંપ્યું પણ એની જીભ ઉપડતી ન હતી એ સમજી ગયો એટલે એની જવાબદારી પણ મેં જ ઉપાડી લીધી. પહેલી જાણ મારા સાળા વિપુલ વૈદ્યને કરી અને એ પક્ષે બધાને જાણ કરવાની જવાબદારી સોંપી. બીજી જવાબદારી મારા સૌથી મોટા મામાના દીકરા ભાઈ મયંક અંતાણી ને સોંપી અને એ જ સૂચના સાથે. પરંતુ ત્રીજી જવાબદારી વખતે તકલીફ થઈ. મારા પક્ષે વડીલ કાકાના દીકરા ભાઈ કૈલાશભાઈ વોરાને વાત કરી તે ભેગા જ એ લાગણીશીલ થઈ ગયા અને મને સ્પષ્ટ શબ્દોમાં કઈ દીધું કે તમને કેન્સર છે એમ હું તો બોલી જ નહીં શકું એમ કહીને ફોન જ મૂકી દીધો પછી મારે જાતે જ ગ્રુપમાં મૂકીને એ જવાબદારી નિભાવવી પડી.બીજા ફેમિલી ગ્રુપમાં પણ I am a fighter ના ટાઇટલ સાથે મેસેજ મૂકી દીધો.

     તકલીફ ખાસ મિત્રોમાં થઈ. ઊંઘ તો હરામ થઈ જ ગઈ હતી. મિત્રોને મેસેજ કરતી વખતે ઘડિયાળમાં જોવાનું ભૂલી ગયો અને મેસેજ કર્યો રાતના ત્રણ વાગે. સવારે મેસેજ નો સમય જોઇને મિત્રો ભડક્યા. સવારે એક મિત્રએ તો ચાન્સ લેતો હોય એમ ફોન કર્યો. એવા વિશ્વાસ સાથે કે ઘરનું કોઈક તો ઉપાડશે!!! ફોન મેં ઉપાડ્યો તો પણ એણે તો મને ફેરવેલ આપતો હોય એવી રીતે જ વાત કરી. હું ક્યારે ક્યારે એને ઉપયોગી થયો હતો એ બધું યાદ રાખીશ એવી હૈયાધારણ પણ આપી દીધી!!!

     છેલ્લા થોડા દિવસોથી જે રીતે અસંમંજસનું વાતાવરણ સર્જાયું હતું,સસ્પેન્સનું વાતાવરણ સર્જાયું હતું,ગુસપુસ ચાલુ હતી એના પરથી અમુક સગાંઓએ બીજા દિવસે સવારે ઉઠીને પૂરા વિશ્વાસ સાથે બે વાર ગ્રુપના મેસેજ ઉથલાવી નાખ્યા કે ક્યાંક 'એવો મેસેજ" છટકી ન ગયો હોય!!!                                                                 

હું,મારું “કેન્સલ” અને Gratitude – 8

      શનિવાર સવારે બાજુમાં જ આવેલ સ્ટરલીંગ કેન્સર હોસ્પિટલ,ભાયલી,વડોદરામાં લઈ જવામાં આવ્યો.

      વચ્ચે એક આડ વાત. અમે વડોદરાના ભાયલી વિસ્તારમાં રહેતાં હતાં તે ફ્લેટ્સ અને દીકરીના ફ્લેટ વચ્ચે આ સ્ટર્લિંગ કેન્સર હોસ્પિટલ બની રહી હતી. અમે એનો પાયો નંખાયો ત્યારથી એનાં એટલાં સાક્ષી રહ્યાં કે જાણે બન્ને એકબીજાને આકર્ષતાં રહ્યાં. અને બન્યું પણ એવું જ કે એ હોસ્પીટલમાં જ ટ્રીટમેન્ટ લેવાનો સમય આવ્યો.

      અમારા નસીબે હોસ્પીટલનો ખાલી રેડીએશન વિભાગ જ ચાલુ થયો હતો. રેડીએશન વિભાગના ડૉ. આશિષ કુમાર પાસે ગયાં. એણે દશ રેડીએશન અને એની અસરો,સાઈડ ઈફેક્ટસ અને સુધારની 20% ટકા સંભાવનાની વાત કરી. આમ તો રેડીએશન પાછળ સ્પાઈનમાં આપવાનું હતું પરંતુ મારે ઓપન સર્જરીને કારણે એ શક્ય ન હતું એટલે front સાઈડ એટલે કે ગળામાં આપવું પડશે અને એને કારણે ખોરાક અને પાણી ગળેથી ઉતારવામાં તકલીફ પડે એવું બની શકે. એ દશ દરમિયાન મને જમવામાં દોઢ કલાક લાગતો પણ ખોરાક બંધ ન કર્યો એને કારણે શરીરની એનર્જી ટકી રહી અને હું પણ.

     પરંતુ જયારે ડોક્ટરનું ધ્યાન પ્રોસ્ટેટના PSA રિપોર્ટ તરફ ગયું ત્યારે ચોંકી ઉઠ્યા. જે 0.4 કે એવો હોવો જોઈએ તે 323 હતો જે એકદમ ડેન્જરસ કહી શકાય. એણે તરત જ ડો.નીરજ ભટ્ટ નો કોન્ટેક્ટ કર્યો અને hormone therapy ઇન્જેક્શન તાત્કાલિક આપવાનું સૂચન કર્યું. (આ હકીકત કદાચ oncologist ની નજરમાંથી છટકી ગઈ હોય એવું બની શકે.) ડૉ.નીરજ ભટ્ટે આ આ ઇન્જેક્શન નું નામ અને મીનીમમ rate માં ક્યાંથી મળશે તે પણ કહ્યું. તાત્કાલિક મારા ભાણેજ ભસ્માંગ માંકડને મોકલી અને ઇન્જેક્શન મંગાવી અને પેટમાં પહેલો ડોઝ પધરાવી દીધો. આ ઇન્જેક્શન દર મહિને એક લેવાનું થતું. નજીકની એક હોસ્પીટલના કમ્પાઉન્ડર ને થોડું કોમ્પ્લીકેટેડ હોવાથી ફાવ્યું નહીં ત્યારે હોસ્પીટલના MBBS ડોકટર પોતે આવતા અને માત્ર 100 રૂપિયા જ ટોકન લેતા! આમ ડોકટરના સારા અનુભવ પણ મારી રીકવરીના નિમિત્ત બન્યા. 

     રેડીએશન શનિવારે બંધ હોય છે પરંતુ મારી પરિસ્થિતિ જોતાં સ્પેશિયલ કેસમાં તાત્કાલિક મેજરમેન્ટ લઈ આખા દિવસની દોડધામ પછી સાંજે પહેલું રેડીએશન આપી પણ દીધું. એક તરફ રેડીએશન અને બીજી તરફ મારા જમાઈ રિપલની પ્રમોશન exam નજીક આવી રહી હતી. રેડીએશન માટે મારા સાથે આવે ત્યારે વેઈટીંગ લોન્જમાં પોતાનું વાંચવાનું તો ચાલુ જ હોય.

      મારા જમાઈએ સ્ટર્લીંગ હોસ્પિટલને એ બાબતમાં પણ મનાવી લીધા કે એનો સ્ટાફ મને વ્હીલચેરમાં લઈ જતો અને મૂકી પણ જતો. મારા માટે એક વાત આશ્વાસનરૂપ એ પણ રહી કે રોજના 50 જેટલા પેશન્ટ રેડીએશન લેવા આવતા એટલે એમ થતું કે મારા જેવા ફાઈટર બીજા પણ છે ખરા.

      રોજે રોજના વાળ ઉતરતા જોઇને મને અને ઘરના ને આઘાત ન લાગે એટલે મેં પહેલાં જ મુંડન કરાવી લીધું હતું.દેખવું પણ નહી અને દાઝવું પણ નહીં!!!

હું,મારું “કેન્સલ” અને Gratitude – 9

     આગળ વધતાં પહેલાં એક વધુ વાત. કેન્સરનો ઉપાય શક્ય છે.હવે કેન્સર એટલે કેન્સલ તો નથી જ રહ્યું. પરંતુ આ કેન્સરના લક્ષણો છેતરામણા હોવાથી ફેલાઈ જતું હોય છે. આવો અનુભવ મને થયો છે અને બીજા ઘણાને થયેલો જ હશે. મારા દીકરી જમાઈ જયારે રિપોર્ટ લઈને ડોક્ટર પાસે ગયા ત્યારે ડોકટરે એમને પૂછેલું કે દોઢ વરસ જેટલો સમય વીતી ગયો હોવા છતા તમને ખ્યાલ કેમ ન આવ્યો? આ સમયે મારા જમાઈએ એ જ દલીલ કરેલી કે શરૂઆતમાં તો શોલ્ડર પેઈન માં ઓર્થોપેડિક ડોક્ટરની સલાહ લઈએ,કેન્સરનો વિચાર તો કોઈ પણ ન જ કરે. આમ કેન્સરનાં છેતરામણા હોવાથી અમુક સેન્સીટીવ પાર્ટ જેવા કે લિવર,ફેફસાં જેવાં માં ફેલાઈ ગયું હોય ત્યારે પેશન્ટ માટે જોખમી બની જતું હોય છે.

     હું ઘરે આવ્યો તે પહેલાં જ મારી દીકરીએ હોસ્પિટલ બેડ, વ્હીલચેર,ટોયલેટ સીટ જેવી વ્યવસ્થા રેન્ટ ઉપર કરી જ રાખી હતી. એવી રીતે પોતે ફીઝીયોથેરાપીસ્ટ હોવા છતાં પણ વડોદરાના સારામાં સારા ન્યુરો ફીઝીયોથેરાપીસ્ટ ની વ્યવસ્થા કરી દીધી. મારા ફીઝીયો ડૉ.ચિંતન શાહ અને એમનાં આસીસ્ટન્ટ ડૉ.ઊર્વીશા તડવીi  પહેલી પંદર મિનીટ તો ઇસુ ખ્રિસ્તને વધ સ્તંભ પર લટકાવેલા એમ મને બેન્ને બાજુ એના ખભા પર હાથ મૂકવી લટકાવી રાખતા!!  એમની મહેનતથી જ મારા હાફ બોડીમાં વીસેક ટકા જેટલું સેન્સેશન આવ્યું અને ડોક્ટરની આગાહી કે “તમારી બાકીની જિંદગી પથારીમાં જ પૂરી થઈ જશે" તે ખોટી પાડી શક્યો.

     મારી દીકરી જલજા રોજ હોસ્પિટલ બેડ પર મને બેસાડી સામે મારા લેપટોપ ટેબલ પર મારી દોહિત્રને મૂકી જાય. મારી બે ટાઇમની એ રોજની પ્રવૃત્તિએ મને જીવવા માટે બળ પૂરું પાડ્યું અને ટકી રહ્યો.

     પત્ની કાલિન્દી પણ ફિઝીયોને આપણે એને ચાલતા કરવા છે કહીને હાજર રહેતી.ક્યારેક exercise નાં એવાં સૂચન કરતી કે ફીઝીયોને પણ નવાઈ લાગતી. એનું એક માત્ર કારણ ગમે એમ ફીઝીયો માટે હું પેશન્ટ હતો જયારે એના માટે સર્વસ્વ. મારી ફીઝીયો પણ એટલી વફાદાર હતી કે કોઈ નવી exercise  introduce કરવી હોય તો ઘરે પોતે ટ્રાય કરતી કે uncle ને આને કારણે સંભવિત શું તકલીફ પડી શકે છે.

     નામકરણ મારા રોગનું અને દોહિત્રનું પણ.પહેલાં ટાઈટલ “મારું કેન્સલ” અંગે.મારા માટે એક કેર ટેકર ભાઈ આવતા હતા. એક દિવસ આવીને કહે કે

      “કાલથી હું વહેલો આવી શકીશ”

     “એમ.સારું.કોઈ વીઝીટમાં ફેરફાર થયો? મેં જાણવા પૂછ્યું.

     "મારો તમારા જેવો જ કેન્સલ નો પેશન્ટ કાલે ગુજરી ગયો.” એનો જવાબ.

     એક તો એ ભાઈ કેન્સર ને કેન્સલ જ કહેતા અને એમાં પણ એણે તમારા જેવો શબ્દ વાપર્યો એમાં મારા મોતિયા મરી ગયા.

 હું,મારું “કેન્સલ” અને Gratitude – 10

     હવે મારા દોહિત્ર રુહાન ના નામકરણની વાત. જો કે મને જાણ કરવામાં નહોતી આવી પણ ડોકટરે એકથી દોઢ મહિનો critical છે એમ કહ્યું હતું. આમ સામાન્ય સંજોગો હોત તો નામકરણ ભુજમાં જ રાખત કારણ કે મોટા ભાગનું કુટુંબ ભુજમાં જ છે. પણ મારી તબિયત જોતાં એ શક્ય ન હતું અને લાંબો સમય ખેંચવો પણ યોગ્ય ન કહેવાય. બીજું સ્વાભાવિક રીતે ઊંડે ઊંડે ડર પણ ખરો.

     આમંત્રણ મોકલાયાં. રિપલના કુટુંબીજનોને એ લોકોએ પોતાના ઘરમાં સમાવ્યાં પણ મારા ફ્લેટમાં એક નાનું બાળક અને બીજો દર્દી એટલે એ શક્ય ન હતું. મારા સાળાનાં પત્ની માલિનીભાભીએ (હવે સ્વ.) પોતાના ફ્લેટમાં બધાને ઉતારો આપીને પરિસ્થિતિ સંભાળી લીધી. નામકરણને આગલે દિવસે કેથેટરનો ઈશ્યુ થયો. નજીકના MBBS ડોકટરે યુરોલોજીસ્ટ પાસે જવાનું કહ્યું.કદાચ નાની સર્જરી કરવી પડે અને એડમીટ થવું પડે એમ પણ કહ્યું. મારા જમાઇ રિપલને ડીસ્ટર્બ કરાય એમ નહોતું. ભાણેજ ભસ્માંગને બોલાવ્યો અને ચૂપચાપ સવારી ઉપડી યુરોલોજીસ્ટ પાસે. સદનસીબે ઓપરેશનની જરૂર ન પડી. થોડી વાર માટે ટેન્શન તો થઈ જ ગયું હતું. મારો ભાણેજ શરૂઆતથી જ મારી સેવામાં મારા જમાઈ સાથે ખડેપગે હાજર રહ્યો હતો. મને મળવા આવતો ત્યારે એના ચહેરા પરની ચિંતા મારા પ્રત્યેની લાગણીની સ્પષ્ટ ચાડી ખાતી હતી.

      નામકરણ તો પ્રસંગ તો રંગેચંગે પાર પડી જ ગયો. જો કે ફોટોસેશન થોડું લાંબું ચાલ્યું. બધાને મારા સાથે ફોટો પડાવવાનો ઉત્સાહ હતો. હું સેલીબ્રીટી ન હતો પણ મનમાં ઊંડે ઊંડે એવું ખરું કે ન કરે નારાયણ ને કાલ કંઈ થાય તો છેલ્લી યાદગીરી!!!

 હું,મારું “કેન્સલ” અને Gratitude – 11  

     આપણા ગુજરાતીમાં એક કહેવત છે "દુકાળમાં અધિક માસ". મારા કેસમાં પણ આવું જ બન્યું. મારી તબિયતની ગાડી પાટે ચડતી હતી ત્યાં અગાઉ Black & White માં વર્ણવાયેલ “બ્લેક કૉમેન્ટ્સ” એટલે કે લોકોની મજા લેવાની વૃત્તિ,પત્ની કાલિન્દી દિલમાં સમાવતી તો ગઈ પણ એના હૃદયમાં જગ્યાની કમી ઊભી થઈ અને એના દિલમાં જગ્યાની કમી ઊભી થઈ અને એનું પરિણામ આવ્યું એનું heart expansion. બાકી કામ મારી ચિંતા અને મને સાવ નાનાં વ્હીલ વાળી ટોયલેટ વ્હીલચેરમાં movement એ કર્યું.

     આ તકલીફે પણ એકવાર દેખા આપી જ દીધી. એકવાર રાત્રે પગ ઠંડા પાડવા લાગ્યા ને શ્વાસની તકલીફ પડવા લાગી. ગેસની પ્રકૃતિ એટલે એના ઉપાય કાર્ય અને ફાયદો થઇ પણ ગયો. ખરેખર તો એ વોર્નિંગ બેલ હતો. ઘરમાં નાનું બાળક અને મોટો દર્દી એટલે બે ત્રણ દિવસ પછી ડોક્ટરને બતાવશું એવું નક્કી કર્યું. પણ બે દિવસ પછી એકવાર રાત્રે સાડા અગિયારે તકલીફ ફરી થઈ. કુદરતી દીકરી જમાઈ ઘરે હાજર હતાં. આ વખતે તકલીફ જોઇને મારી દીકરી જલજા સ્થિતિ પામી ગઈ અને સૂતેલા દીકરાને મારે હવાલે કરી નજીક આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલ,ભાયલી,વડોદરા લઈ જવાનું નક્કી કર્યું. ત્રીજા માળે રહેવાનું અને લીફ્ટ બંધ. જમાઈ રિપલે પાડોશીઓની મદદથી ખુરશીમાં બેસાડી નીચે ઉતારી અને બાજુમાં જ આવેલી મારા માટે જ બની હોય એવી સ્ટરલીંગ કેન્સર હોસ્પિટલ લઈ ગયા,ત્યાં પ્રાથમિક સારવાર આપી સુપર સ્પેશિયલ સ્ટર્લિંગ હોસ્પિટલ લઈ ગયા. રાતના ત્રણ વાગ્યા હતા, હાર્ટનું ફંક્શન ત્રીસ ટકા જ બચ્યું હતું.તરત મેઈન ડોક્ટરને બોલાવવામાં આવ્યા અને ટ્રીટમેન્ટ ચાલુ થઈ. સવારે આઠ વાગ્યે ડોક્ટર પાછા આવ્યા ત્યારે એણે જે રીતે હસીને સ્વાગત કર્યું એ જોઇને ડોક્ટર પણ દંગ રહી ગયા. ગાયત્રી મંત્ર પરનો અખૂટ વિશ્વાસ અને મને ન છોડીને ન જાવાની જીદની જીત થઇ. ત્યારબાદ એન્જીઓગ્રાફી વગેરે થયું પણ ખતરો ટળી ગયો.

      ખતરો ટળી ગયો પણ દવાઓ કાયમ માટે ઘર કરી ગઈ અને શરીરને હેન્ડલ વિથ કેર રાખવાની તકેદારી પણ.

 હું,મારું “કેન્સલ” અને Gratitude – 12

      Health is Wealth પણ જો હેલ્થ માં પંચર પડે તો ધોવાઈ જાય વેલ્થ. એમાં પણ જયારે કેન્સર જેવા રોગનું નામ પડે એટલે ધોવાઈ જવાની તૈયારી પૂરી રાખવી પડે. બેન્કનો હેલ્થ ઇન્સ્યુરન્સ ખરો પણ એ તો મળે ત્યારે. આવનારા દિવસો પારખીને હોસ્પીટલમાં બેઠે બેઠે પહેલું કામ મારી ક્રેડીટ કાર્ડની લિમીટ વધારવાનું કર્યું અને બીજું કામ જેટલા શેર હતા એ બધા ફૂંકી માર્યા. મારા બ્રોકર નો આવું ન કરવા માટે તરત ફોન પણ આવ્યો પરંતુ હું કોઈ રિસ્ક લેવા માંગતો ન હતો. વધારામાં પૈસા માટે દીકરી-જમાઈ પર બોજ વધારવા માંગતો પણ ન હતો.

     જેવું કેન્સરનું નામે પડ્યું એવો જ પહેલો ફોને મારા કઝીન પંકજ અંતાણીનો બેંગ્લોરથી મારા જમાઈ રિપલ ઉપર આવ્યો કે હું દૂર બેઠે બહુ તો ઉપયોગી નહીં થઈ શકું પણ રાહુલભાઈની ટ્રીટમેન્ટ માટે પૈસાની જરૂર પડે તો પહેલાં મને અવાજ આપજો. એવી રીતે મારી દીકરી સાથે અભ્યાસ કરતો અને કેનેડા સેટલ થયેલ ડૉ.કૃણાલ પટેલે પણ જરૂર પડ્યે પૈસા મોકલવાની ઓફર કરી. મારા એક મિત્ર ભદ્રકાન્ત શાહને સમાચાર મળ્યા એટલે એણે પુત્રીની દીકરી ના લગ્નની ખરીદી માટે ઘરમાં રાખેલા રોકડા પૈસા કવરમાં નાખીને અમદાવાદથી મળવા આવ્યો. ઘણાં બધાં સંબંધીઓ વચ્ચે બોલ્યો નહીં પણ બહારથી ફોન કર્યો કે તારા ઓશીકાં નીચે કવર છે એમાં પચાસ હાજર રૂપિયા છે.સાચવીને મૂકાવી દેજે. આ એ જ મિત્ર છે કે જે ધરતીકંપ પછી આણંદ આવીને મને બ્લેન્ક ચેક આપી ગયો હતો.

      મારા મોટા સાઢુભાઈ ભાવેશભાઈ માંકડે પૂછ્યા વિના રાજકોટથી મારા ખાતામાં પચીસ હજાર નાખી જ દીધા.

      આવી વણમાગી મદદ પરત કરવામાં મને પરસેવો વળી ગયો.

     એક સ્નેહીને ઘરે જાઓ તો પાણી પણ માંડ મળે એ પણ કાનમાં આવીને કહી ગયા કે પૈસા માટે મૂંઝાતો નહીં.

     વ્હીલચેર પરનો ફોટો જોઇને US સેટલ થયેલા એક કલીગ રાજુભાઈ શાહ નો ફોન આવી ગયો કે વધારે ટ્રીટમેન્ટ માટે US આવવું પડે તો મને કહેજે બધી વ્યવસ્થા થઈ જશે.

     આમ મદદ કરવા માટે તો જાણે લાઈન જ લાગી.

      શરૂઆતમાં દોઢ વર્ષ વીસ હાજર પેન્શન અને ખર્ચો પચાસ હજાર પણ લોકો તરફથી મળેલી હિમ્મત અમૂલ્ય!!!

 હું,મારું “કેન્સલ” અને Gratitude – 13  

     મારી દીકરીએ પોતાના ગુપના જે ડોક્ટર્સને મારા રીપોર્ટ મોકલ્યા એ લોકોનો  એક બાબતમાં અભિપ્રાય કોમન હતો કે રિપોર્ટ તો સ્પષ્ટ જોખમ તરફ ઈશારો કરે છે પણ uncle નો વીલ પાવર હશે તો ટકી શકવાના ચાન્સ ખરા.

     મારા વીલ પાવરની વાત કરું તો મારા દોહિત્ર રુહાનની પહેલી દિવાળી હતી અને એ પોતાના ઘરે ગાંધીધામ કરવાની સ્વાભાવિક ઈચ્છા હોય જ. ડોક્ટર દ્વારા આપવામાં આવેલી એક થી દોઢ મહિનાની ડેડલાઈન જોતાં એ શક્ય લાગતું ન હતું.IRCTC  ની ટીકીટ હમણાં નહિ કરાવીએ એવી મારા દીકરી જમાઈની ચર્ચા મારા કાને પડી ગઈ હતી. મેં અઢી મહિના પછીની મારી અને મારી પત્નીની  દિવાળી સમયની ટીકીટ online બુક કરાવી મારા વીલ પાવરની પરચો આપી દીધો અને ટીકીટ દીકરી જમાઈ જલજા-રિપલ સામે ધરી દીધી. એવા રિમાર્ક સાથે કે તમે ભલે વડોદરા દિવાળી કરો અમે તો ભુજની દિવાળી જ કરશું. આ બાબતનો ઢંઢેરો પણ પીટી દોધો. ભુજની દિવાળી કરી પણ ખરી.ભલે ટ્રેનમાં આવવાને બદલે કેબમાં આવ્યાં હતાં પણ આવ્યાં ખરાં. કેબમાં બન્ને જણા એકલાં નીકળ્યાં હતાં. એ આઠ કલાકની મુસાફરી દરમિયાન એક બાજુ મારી દીકરી સતત ફોન કરે અને બીજી બાજુ મારાં મોટાં બહેન ચિંતામાં ફોન કરે.

     જેવી ભુજની દિવાળીની જાહેરાત કરી કે તરત મારા સાઢુભાઈ પિયુષ વોરાનો ફોન આવ્યો.ઉતરવાનું મારે ઘરે છે. પછી પણ જયારે પણ ફોન આવે ત્યારે સતત પોતાને ઘરે દિવાળી કરવાનું યાદ અપાવ્યા કરે.હું મારા માટે વ્હીલચેર,કેરટેકર વગેરે જે જે યાદ કરાવું તે બધી જ તૈયારી એમણે કરી રાખી હતી. 

     ભુજ આવ્યાં ને સગાં-સંબંધીઓ,મિત્રો,સ્નેહીઓ,સ્ટાફમિત્રોની લાઈન લાગી.એકાદ વીક રોકાયાં અને આ સિલસિલો ચાલુ જ રહ્યો.બધાને આવકારવા પિયુષભાઇ, મારાં સાળી હીના ખડેપગે ઊભાં રહ્યાં.ક્યારેક તો બપોરે કે રાત્રે જમવા ભેગાં પણ માંડ થતાં. એમની પુત્રી જગતી રાત પડે ને સવારથી આવેલાંનું લીસ્ટ બનાવે અને સંખ્યા ગણે!! અઠવાડિયાનાં રોકાણ દરમિયાન દોઢસો કરતાં વધુ લોકો એ એમનું ઘર ગજવી દીધું હતું.

     એ દિવાળી અમે ભુજમાં ઉજવી અને મારી આવી ચિંતાજનક પરિસ્થિતમાં પણ મારી પુત્રી જલજાએ પોતાના પુત્રની પહેલી  દિવાળી સાસરામાં ઉજવી અમારા સંસ્કાર "તહેવારોમાં પરણેલી દીકરી સાસરામાં જ શોભે" ને ઉજાગર કર્યા.

 હું,મારું “કેન્સલ” અને Gratitude – 14

     Gratitude માં ખાસ ઉલ્લેખ કરવાનો હોય તો ઉમંગભાઈ બક્ષી નો. ઉમંગભાઈ એટલે મારા જમાઈના મોટા બનેવી. ખૂબ જ સરળ સ્વભાવના,હંમેશાં હસતા અને ઘણું ઘણું હૈયામાં ધરબીને બેઠેલા. ઉમંગભાઈ ક્રિકેટના શોખીન પણ ખરા. એક સમયે જામનગરમાં રવિન્દ્ર જાડેજા  સાથે ક્રિકેટ રમેલા પણ ખરા.મારી સતત ચિંતા રાખતા અને મોરલ સપોર્ટ પૂરો પાડતા. એક સમય એવો આવ્યો કે મને કેથેટરનો પ્રોબ્લેમ થયો. દીકરી જમાઈ ગાંધીધામ હતાં.મારી દીકરીને જાણ કરતાં એણે તરત જ ઉમંગભાઈનો કોન્ટેક્ટ કર્યો અને અડધા કલાકમાં પહોંચી પણ આવ્યા. મને યુરોલોજીસ્ટ પાસે લઈ ગયા અને ત્રણથી ચાર કલાક સતત મારી સાથે રહ્યા.

     મને હોસ્પીટલમાં દાખલ કર્યો છે એના સમાચાર મળતાં જ પહેલાં પહોંચી આવવાની તૈયારી બતાવી હતી મારા નાના સાઢુભાઈ ઉમેશભાઈ ધોળકિયાએ. સ્વ. માલિનીભાભી એ સમયે વડોદરા રહેતાં હોવાથી એ દરેક સમયે હાજર રહેતાં. આણંદ રહેતા મારા સાઢુભાઈ સ્વ.જયંત ઢેબર અને એમની વડોદરા સ્થિત પુત્રી શિવાંગી, એમના પતિ કુણાલ દેસાઈ સતત મદદરૂપ માટે તત્પર રહેતાં.

      જામનગરથી પણ કાલિન્દીના ભાણેજ શિવમ માંકડ અવારનવાર ફોન કરી જરૂર પડ્યે બોલાવી દેવા ભારપૂર્વક કહેતો રહેતો. મારા જમાઈની નાની બહેન એન્જલ માંકડ તો આમ પણ મારા માટે મોટીવેટર રહી છે.

     તબિયતના સમાચાર મળ્યા પછી પણ મારા કઝીન મયંક અંતાણી હોય કે રક્ષેશ અંજારીયા દરેક જણ આવીને અમને મદદરૂપ બની જતા.શરૂઆતના દિવસોમાં આ લોકોએ આવીને મને રેડીએશન માટે લઈ જવાની જવાબદારી ઉપાડી લીધી હતી.

      અગાઉ કહ્યું એમ મારા મોટા ભાઈ કૈલાશભાઈ તો તબિયત જોવા આવ્યા ત્યારે પોતાના નાના ભાઈ કિરણ વોરાને  ઉપર મોકલેલ. પહેલાં તું જોઈ આવ. પરીસ્થિતિ સારી હોય તો જ હું આવીશ નહીંતર હું રાહુલની હાલત જોઈ નહીં શકું,સહન નહીં કરી શકું. મારા અન્ય મોટાભાઈ ડૉ.સર્વદમનભાઈ વોરા દંપતિ સુરેન્દ્રનગરથી, ભાભી Nayana Vora,મારો ભત્રીજો Chirag Vora ભુજથી,મારા સાળા કમ બનેવી દિનેશભાઈ અંતાણી અને એમનાં પત્ની અને મારી કાકાની દીકરી ભારતી,કાલિન્દીની માસીની દીકરી બહેન કામિનીબેન અને ભાલેન્દુભાઈ કિકાણી,અશ્વિનભાઈ મહેતા દંપતિ,અજયભાઈ વોરા દંપતિ,મારો મિત્ર નીતિન સોલિયા મુંબઈથી આમ અનેક જણા મારી ખબર જોવા આવતા, મને વસ્તી કરાવી જતા અને અમને જીવવા માટે બળ પૂરું પડી જતા. કોઈ નામ રહી જતું હોય ક્ષમા.

      મારા એક કઝીન નરેન્દ્ર વોરા કે જે હોલસેલ મેડીસીન બિઝનેશ સાથે સંકળાયેલ છે એણે ભુજમાં બેઠે બેઠે વડોદરામાં પણ મને મીનીમમ ભાવે ઇન્જેક્શન મળે એવી વ્યવસ્થા કરી આપી હતી. મેડીસીન અંગેની આ વ્યવસ્થા એમણે ગાંધીધામ માં પણ કરી હતી અને ભુજમાં પણ કરી આપી છે.

      hats off to દિનેશભાઈ ઠક્કર. મારા જમાઈ જયારે મારો કલેઈમ લઈને બેંક ઓફ બરોડાની હેડ ઓફિસે ગયા અને સંબંધિત ઓફિસર સાથે વાત કરતા હતા ત્યારે કેબીનમાં થી બહાર આવેલા દિનેશભાઈએ મારું નામ વાંચ્યું અને તરત જ મારા જમાઈ રિપલ ને મારા સાથેનો સંબંધ પૂછ્યો.પછી તો આખો બંચ જોઇને સધિયારો આપ્યો કે કલેઈમ જેટલી ઝડપથી પાસ થાય તે જોઉં છું.મારો કોન્ટેક્ટ નંબર પણ લીધો અને મને ઘરે જોવા જયેન્દ્ર વોરા સાથે આવ્યા પણ હતા.

     બીજો એક ખાસ ઉલ્લેખ કરવાનો હોય તો મારા ઘરના સભ્ય જેવા રીક્ષા ડ્રાયવર કમ ટેક્ષી ડ્રાયવર અસલમભાઈ ચૌહાણનો. વડોદરામાં તે ખૂબ મદદરૂપ થયા છે.ખાસ તો મારા કલેઈમ માટે હોસ્પિટલમાં જવું પડતું ત્યારે કાલિન્દી ને એક જગ્યાએ બેસાડી જુદા જુદા વિભાગોમાં ફરી સહી સિક્કા કરાવી આવતા. ફોન, WhatsApp થી સંપર્ક જાળવી રાખનાર અસંખ્ય, સગાં - સંબંધીઓ,મિત્રો,સ્ટાફ મિત્રો,સ્નેહીઓ સર્વે મને જીવવામાં બળ પૂરું પાડતાં રહ્યાં હતાં.

 હું,મારું “કેન્સલ” અને Gratitude – 15  

     અગાઉ એક સામાન્ય સૂર રહ્યો હતો કે “અંકલમાં વીલ પાવર હશે તો વાંધો નહીં આવે.”

     મારા અનુભવો share કરતી વખતે મારા જેવા અનેક ફાઈટરોએ પોતાના અનુભવ લખ્યા છે. દરેક વ્યક્તિ આમાંથી બહાર નીકળ્યા છે એના કારણોમાં શ્રદ્ધા,જીજીવિષા,ઘરના સભ્યોની ચિંતા સહિત વિવિધ કારણો હશે એમાં બેમત નથી.

     મને આ બીમારીમાંથી બહાર કાઢનાર આ વીલ પાવર કંઈ રાતોરાત તો આવ્યો ન હતો. તો આવ્યો ક્યાંથી? તો કહી શકાય વાંચનમાંથી,પુસ્તક પ્રેમમાંથી. પથારીવશ હતો ત્યારે એક વસ્તુ સતત બોલ્યા કરતો કે કુદરતને એવું લાગ્યું કે આ ભાઈને પોતાના વાંચનનો બહુ ફાંકો છે તો લાવ કસોટી કરું.ખાલી વાંચ્યું જ છે કે જીવનમાં ઉતાર્યું છે,પચાવ્યું છે. કસોટી કરી પણ ખરી અને હું ફુલ્લી પાસ પણ થયો.

     વાંચનનો શોખ આવ્યો મારા પિતાજીમાંથી. એમને વાંચન અને લેખનનો શોખ ખરો. એ ભુજમાં ગંગાબા મિડલ સ્કૂલમાં શિક્ષક હતા ત્યારે અવારનવાર એ જ મેદાનમાં આવેલ સરકારી જીલ્લા પુસ્તકાલયનો ચાર્જ એમને અવારનવાર મળતો. પુસ્તકાલયમાંથી રમકડું,ચાંદામામા,ચંપક જેવાં મેગેઝીનો અને બકોર પટેલની ચોપડીઓ વાંચવા લઈ આવતા. એમાંથી લાગ્યો વાંચનનો શોખ. જે આગળ જતાં ખૂબ ફૂલ્યો ફાલ્યો. કોલેજ કાળમાં અત્યારે જે ઇન્સ્ટીટયુટ ઔફ યુથ ડેવલપમેન્ટ,ભુજની પુસ્તક પરબની પ્રવૃત્તિ સાથે જોડાયેલો છું એના રસનિધિભાઈ અંતાણી અને હરેશભાઈ ધોળકિયા ના લગભગ ત્રીસ વર્ષ પહેલાંના અમીબાગ અને અન્ય જગ્યાઓના વાંચન શિબિરમાંથી જ શું વાંચવું,કેવી રીતે વાંચવું એ શીખ્યો છું.

      વાંચનમાં રાખેલી વેરાયટી પણ મને કેન્સરમાંથી ટકવામાં સહાયરૂપ થઈ છે. ચરક સંહિતા,ભૃગુ સંહિતા સહિત જે.કૃષ્ણમૂર્તિ,આચાર્ય રજનીશને પણ વાંચ્યા છે.મનની શક્તિઓ વિશેની કાન્તિલાલ કાલાણી નું મનની શક્તિ અંગેનું પુસ્તક મને મનની શક્તિઓ પારખવામાં ખૂબ જ ઉપયોગી બન્યું છે. કોમર્સનો વિદ્યાર્થી હોવાથી બાયોલોજી ભણ્યો ન હતો પણ શરીરની રચના,એમાં કામ કરતાં શરીરનાં વિવિધ તંત્રો કેમ કામ કરે છે એ જાણવાની જીજ્ઞાસાએ મને આવાં પુસ્તકો  દ્વારા શરીરનાં વિવિધ તંત્રોની જાણકારીએ મને મારો ડાયેટ પ્લાન તૈયાર કરવામાં ખૂબ જ ઉપયોગી થયાં છે.

     મારા મિત્ર નીતિન સોલિયાએ આપેલું જે.કૃષ્ણમૂર્તિના પ્રવચનોનું બાબુભાઈ પટેલે કરેલું ભાષાંતર “પ્રજ્ઞાનો પ્રકાશ” મારા માટે ટર્નીંગ પોઈન્ટ સાબિત થયેલ. આ પુસ્તકથી જ એવો વિશ્વાસ આવેલો કે “mass ભલે એક સાઇડમાં જતું હોય અને તમે બીજે રસ્તે જતા હો તો તમે પણ ખોટા ન હોઈ શકો”    આ વિશ્વાસ મને “પ્રજ્ઞાનો પ્રકાશ “ પુસ્તકે જ પૂરો પડ્યો છે.

     કેન્સર સામે ટકી રાખવામાં મારી પુત્રી જલજાની એક સલાહ કે વિવિધ ઉપચાર પદ્ધતિને બદલે એક જ ઉપચાર પદ્ધતિને શ્રદ્ધાપૂર્વક વળગી રહેવાનું અને કોઈ અખતરા કરવાના નહીં. ઘણીવાર નિર્દોષ ઉપચારોના નામે વિવિધ ઉપચાર પદ્ધતિઓની સારવારને કારણે આડ અસરોનું મિશ્રણ થતું હોય છે અને સરવાળે એ નુકશાનકારક સાબિત થતું હોય છે. તદુપરાંત કારણોમાં પડ્યા વિના રોગનો સ્વીકાર પણ ટકી રહેવામાં ઉપયોગી થતો હોય છે. મને ઘણા બધા એ સમયે કહેતા કે તને તો કોઈ વ્યસન નથી તો કેન્સર થવાનું કારણ શું? પણ મેં ન કારણોની શોધમાં સમય બગાડ્યો અને સ્વીકાર કરી લીધો. મેં એ પણ સ્વીકારી લીધું કે પંચાવન વર્ષ ખૂબ દોડ્યો એટલે બાકીની જિંદગી આરામ આપવા કુદરતે મારા પગ લઈ લીધા. હું ઘણીવાર કહેતો પણ ખરો કે જિંદગી કે પગ ના બદલામાં મેં જિંદગી માગી લીધી છે.   

     કેન્સર સામે ટકી રહેવામાં બીજી મદદ મને મળી છે 3SRB ની બ્રીધીંગ એકસરસાઈઝથી. આ એકસરસાઈઝ માટે હું ભાઈ શ્રી Maulik Dholakia નો ખાસ આભારી છું.  3SRB ને કારણે જ મારા ફેફસામાં ફેલાતા કેન્સરને અટકાવી શકવામાં સફળ રહ્યો હતો. આજ પણ નિયમિત 3SRB ચાલુ છે.

     કેન્સર સામે ટકી રહેવામાં મને BK Shivani ની એક થિયરી પણ ઉપયોગી થઇ હતી. તેઓ પોતાના પ્રવચનમાં કહેતાં કે તમે કંઈ પણ ખાતી કે પીતી વખતે એક ક્ષણ માટે અટકો અને એવું વિચારો કે આ વસ્તુ શરીરમાં જઈને મારા આત્માને શુદ્ધ કરે છે.મેં એમાં આત્મા સાથે શરીરને શુદ્ધ કરે છે એવી લાગણી ઉમેરી દીધી હતી.

     કોઈ વ્યસન નહીં,સુગર નહીં,BP નહીં એ વસ્તુએ પણ મને કેન્સર સામે ટકી રહેવામાં મદદ કરી છે. વધારામાં સુગરનો ઓછો વપરાશ,સોલ્ટનો ઓછો વપરાશ અને મિતાહાર અને ખાવાને ભૂખ સાથે જોડવું આવી બધી બાબતોએ પણ મને ઘણો ફાયદો કરાવ્યો છે.

      સૌથી વધુ તો મારી પત્ની કાલિન્દી,પુત્રી જલજા,જમાઇ રિપલ અને બહેન માતંગી,બનેવી રશેષભાઈ તથા ભાણેજ ભસ્માંગ,ભાણેજ વહુ ભવિતા નો ફાળો રહ્યો છે. આ ઉપરાંત સર્વે કુટુંબીજનો,મિત્રો,સંબંધીઓ,સ્નેહીઓના ટેકા થાકી જ આઠ વર્ષથી ટકી રહ્યો છું.

      પહેલાં દવા ના રૂપમાં દોહિત્ર રુહાન ને મોકલ્યો પછી એમ લાગ્યું કે દીવામાં તેલ ખૂટી રહ્યું છે ત્યારે હવે દોહિત્રી શ્રીજાને મોકલી કુદરતે એક દાયકાનું એક્ષ્ટેન્શન આપી દીધું છે.

અસ્તુ.