લગ્ન માટે ઘણાખરા કેસમાં વડીલો દ્વારા શોધવામાં આવેલ સામેનું પાત્ર અને પછી છોકરા છોકરીની મુલાકાત બાદ સગાઈ જાહેર કરવામાં આવે છે. અગાઉ તો સગાઈ જાહેર થાય એટલે દૂર રહેતાં સગાંઓને ફોન, તાર અને સહેજ દૂરના સગાંઓને પોસ્ટકાર્ડ લખીને જ જાહેરાત થતી .
આજકાલ છોકરા છોકરીની સગાઈ નક્કી થાય એટલે પહેલાં તો હોલ રાખી ધામધૂમથી ગોલધાણા નામની સેરીમની ઉજવાય છે. એમાં પણ ક્યારેક મીની મેરેજ જેવી ધામધુમ હોય છે.
ઘણાને પ્રશ્ન થાય છે કે આ ગોળધાણા ઉત્સવ શા માટે છે જ્યારે સગાઈ ની રસમ કે હવે જેને રીંગ સેરીમની કહે છે એ તો હોય જ છે!
એ પછી રિંગ સેરિમની સમારંભ, પછી પ્રિ વેડિંગ ફોટો શૂટ પછી બેચલર પાર્ટી પછી લગ્ન એ બધું કોણ જાણે ક્યારથી આવ્યું.
કોઈ બહેને પૂછ્યું કે આ ગોળધાણા સેરીમની શા માટે? મેં મારાથી પણ વડીલ એવાં લોકોને પૂછ્યું. એમના જવાબો રસપ્રદ લાગ્યા એટલે અત્રે મૂકું છું.
ગોળધાણા શા માટે એ અંગે કોઈ વડીલ સ્ત્રીએ કહેલ કે બે અલગ રીત રિવાજ વાળાં કુટુંબ ભેગાં થાય ને એકમેકમાં ભળી જાય જેમ ગોળ સાથે ધાણા, એક સ્વીટ એક સહેજ ખારું પણ બેય મળીને જ મોં માં સ્વાદ રહે. એટલે સ્ટાર્ટ સેરીમની ગોળધાણા . હજી પંદરેક વર્ષ અગાઉ સુધી સગાઈ નક્કી થાય ત્યારે આવી કોઈ સેરીમની ન હતી. દૂરના સગાઓને ફોન કે તાર કરી દે અને કન્યાને ઘેર વર પક્ષના ખાસ કુટુંબીઓ, દસબાર વ્યક્તિઓ જ જઈને એકબીજા સાથે અન્ય ઓળખાણો કાઢે, કેટલીક માહિતીઓ આપે, લે. પછી સીધું લગ્ન મુહૂર્ત.
એક મિત્રે જણાવ્યા મુજબ ગોળધાણા સમારંભ માત્ર સગાઈની એક રીત નથી, પરંતુ એ એક ઊંડો સંદેશ છે સંબંધ કેવી રીતે જીવવો તેનો સંકલ્પ છે. થાળીમાં સજેલો ગોળ અને ધાણા દેખાવમાં સરળ લાગે, પરંતુ બંને પાછળ જીવનનું તત્વચિંતન છુપાયેલું છે ગોળ મીઠાશનું પ્રતીક છે. એ જાણે શુભેચ્છા આપે છે કે નવા જીવનમાં સુખ, પ્રેમ અને સમજણ હંમેશા રહે. લગ્નજીવનમાં મતભેદ આવશે, પરિસ્થિતિઓ બદલાશે, પણ શબ્દો અને સ્વભાવમાં મીઠાશ જળવાઈ રહે એ જ ગોળનો સંદેશ છે. ગોળ સ્વભાવને નરમ બનાવે છે અને યાદ અપાવે છે કે જીવન કેટલુંય કઠિન બને, સંબંધ મીઠો જ રહે એવી પ્રાર્થના સાથે શરૂઆત કરવી.હવે વાત આવે છે ધાણાની. નાનકડું ધાણાનું બીજ કદાચ ગોળ જેટલું આકર્ષક ન લાગે, પણ એની અંદર અસીમ શક્તિ છે. જમીનમાં વાવશો તો નાનકડું બીજ ભરપૂર છોડ બની ફૂલે-ફાલે છે. એ દર્શાવે છે કે સંબંધ પણ નાનકડા વિશ્વાસથી શરૂ થાય છે, પરંતુ સમય, સંવાદ અને સન્માન મળે તો મોટો છોડ બની જાય છે. ધાણા સુગંધ અને સ્વાદનું પણ પ્રતીક છે જેમ રસોઈમાં ધાણા વગર સ્વાદ અધૂરો લાગે, તેમ લગ્નજીવનમાં એકબીજાની હાજરીથી જ જીવનમાં સાચો રસ આવે છે. આયુર્વેદ મુજબ ધાણા ઠંડક આપે છે, એટલે એ સંતુલન અને શાંતિનું પ્રતીક પણ છે ગુસ્સા અને ગરમાગરમી વચ્ચે પણ સંબંધમાં શાંતિ જળવાઈ રહે એનો સંદેશ આપે છે.ગોળ અને ધાણા સાથે મળીને જાણે કહી જાય છે કે સંબંધ માત્ર મીઠાશથી જ નહીં, પણ વૃદ્ધિ, સુગંધ અને સંતુલનથી પણ સમૃદ્ધ બને છે. ગોળ મીઠાશ શીખવે છે, ધાણા વૃદ્ધિ અને શાંતિ શીખવે છે. બંનેનો મેળ એ વાતનો સંકલ્પ છે કે આ સંબંધ મીઠાશથી શરૂ થઈને સમય સાથે ફૂલે-ફાલે અને સમૃદ્ધિ સુધી પહોંચે.એટલે જ ગોળધાણા સમારંભ માત્ર એક પરંપરા નથી એ બે દિલ અને બે પરિવારોનો એહેસાસભર્યો આરંભ છે, જ્યાં મીઠાશનો વાયદો અને સમૃદ્ધિનો વિશ્વાસ એક સાથે બંધાય છે.**
**