backetlist in Gujarati Women Focused by Heena hemant Modi books and stories PDF | બકેટલીસ્ટ

Featured Books
Categories
Share

બકેટલીસ્ટ

 

દાદાઘર અને નાનાઘર મળીને કુલ સાત બાળકો . બંને ઘરમાં ક્યુટી સૌથી નાની. સાધન સંપન્ન, સુરક્ષિત ઘરમાં દરેક બાળકો ખુબ વ્હાલાં છતાં સૌથી નાનકડી ક્યુટી સ્વાભાવિક રીતે વડીલોની સાથે સાથે ભાઈબહેનોની પણ લાડકી.

            બાળપણથી જ ઘરનાં દરેક બાળકને એમની બર્થડે પર એક બકેટ આપવામાં આવતું અને વડીલો દ્વારા કહેવાતું “ આ બકેટની અંદર તમારે તમારું વર્ષ દરમ્યાનનું ટાર્ગેટ, ઈચ્છા મૂકવાની. જેથી એનાં પર તમે સતત ફોકસ કરી શકો અને તમારાં ધ્યેયને પ્રાપ્ત કરી શકો. “ હોંશે હોંશે દરેક બાળક પોતાનું બકેટ પોતપોતાનાં સ્ટડી ટેબલ મૂકી દેતા અને તેમાં પોતાની મહત્વાકાંક્ષા, ધ્યેયનું લીસ્ટ મુકતાં હતાં.

            વડીલોની આવી કુનેહ અને વ્યવહારકુશળતાને કારણે દરેક બાળક વર્ષનાં અંતે પોતાનાં ટાર્ગેટને પ્રાપ્ત કરી શકતા હતા અને  એ જ કારણે દરેક બાળક પોતાની કારકિર્દીની મંઝીલ પર પણ પ્હોંચી શક્યા. પોતપોતાની રસરુચિ પ્રમાણે કોઈ ડોક્ટર, કોઈ એન્જીનિયર,કોઈ આઈ.એસ. ઓફિસર તો કોઈ સાયન્ટીસ્ટ બન્યાં. ક્યુટી પણ મલ્ટીનેશનલ કંપનીમાં સી.ઈ.ઓ. બની ગઈ.

            સમાજમાં આ સાતેય બાળકો સપ્તર્ષિતારાનાં નામથી ઓળખાતા થયાં. સ્વતંત્રતા, આત્મનિર્ભરતા પોતાનાં ધ્યેયને વળગી રહેવાનાં જેવા ગુણો ખીલીને આખો પરિવાર એક સુંદર ઉપવન બની ગયું.

            પરિવારમાં ચાર પેઢીથી સ્ત્રીઓ પણ સ્વતંત્ર અને આત્મનિર્ભર હોવાથી ક્યુટીમાં એ ગુણો ગળથૂથીમાંથી જ આવેલાં હોય એમાં શંકાને કોઈ સ્થાન ન હતું.

            આત્મવિશ્વાસથી છલોછલ ક્યુટીએ એની જ કંપનીનાં એક થનગનતા અને મનગમતા યુવાન સાથે ગમતાનો ગુલાલ કર્યો. ઘરનાં સભ્યોએ એનાં નિર્ણયને હોંશભેર વધાવી લીધો.

            ક્યુટીના લગ્નને પાંચ વર્ષ વીત્યા પછી એનાં મમ્મી સહિત ઘરનાં સભ્યોએ ક્યુટીને ફેમીલી પ્લાનિંગ માટે પૂછપરછ શરુ કરી. ક્યુટી બધાંને એક જ જવાબ આપતી “ હું કરિયર ઓરિએન્ટેડછું. મારે એ બધાં જમેલામાં પડવું નથી.”

 

            ક્યુટીનાં મમ્મી મિત્રાબેનને ક્યુટીનું આ વર્તન બિલકુલ ગમ્યું નહિં. એ નોંધી રહ્યાં હતાં ક્યુટી સ્વતંત્રતા અને સ્વચ્છંદતાની પાતળી રેખાનો ભેદ ભૂલી રહી છે. મિત્રાબેનેએમનાં સાસુજી રુપબાને કહ્યું “ બા !આપણે પણ કરિયર બનાવ્યું છે. છતાં બાળકોને જન્મ આપ્યો છે. એમની સારસંભાળ, ઉછેરમાં ક્યારેય કોઈ કચાશ કે ઉણપ રાખી નથી. તો પછી ક્યુટીને બાળક જામેલો લાગે છે?!” રૂપાબાએ મિત્રાબેનને સાંત્વના આપતા કહ્યું “ ક્યાંક આપણાં ઉછેરમાં કચાશ તો હશે અને વળી, આ મેટ્રોસીટીમાં રહીને આ યુવાપેઢીની વિચારધારા અલગ ધારાએ વહી રહી છે. પણ બેટા! તું ચિંતા નહિ કર. યુગ ગમે તે હોય .સ્થળ અને સંજોગ ભલે ગમે તે હોય પણ મારો અનુભવ કહે છે કે કોઈપણ સ્ત્રીમાં માતૃત્વ ઘરબાયેલ હોય છે.એક દિવસ એનાં બકેટલીસ્ટમાં બાળક તો આવે જ છે."

            દિવાળી વેકેશનમાં એમના હોમટાઉન સુરતમાં આખું કુટુંબ ભેગું થયું હતું. ફેમીલી રૂમમાં ત્રણેય પેઢીનાં સભ્યો ભેગાં બેઠાં હતાં. અગાઉથી કરેલ પ્લાન મુજબ બધાં સભ્યોએ રીતસરનાં ક્યુટી પર હલ્લાબોલ કર્યું. પૂંછ્યું “ક્યુટી ! હવે તું ક્યારે ખુશખબર આપે છે? બસ, હવે તારા જ બાળકની ઘરમાં ખોટ વર્તાય છે. એનાં આગમનથી આપણું ફેમીલી કમ્પ્લીટ થઇ જશે.”

                ક્યુટીએ ઉત્તર આપ્યો. “ હું સરોગસી માટે વિચારી રહી છું. જેથી મારો સમય, મારા કરિયર અને મારા ફિગરને આંચ નહિ આવે અને રેડીમેડ બાળક પણ મળી જાય. અને, હવે મેટ્રોસીટીમાં નવી પેઢી આવું જ આયોજન કરે છે."

            મિત્રાબેન ક્યુટીનાં “ રેડીમેડ બાળક મળી જાય” વાક્ય પર અન્ડરલાઈન કરી અને કહ્યું “ આનો મતલબ તું પણ બાળક ઝંખે છે. તારામાં પણ... ‘મા’ ની મમતા તો છે જ. એ જાણી મને હાશકારો થયો” સાયકાટ્રીસ્ટ ડૉ. પીહુ એ  હુંકારો પુરાવતાં કહ્યું “ હા, મિત્રામામીની વાત સો ટકા સાચી છે. ક્યુટીમાં પણ માતૃત્વ ઉભરી  રહ્યું છે.”

            કોલેજમાં ભૂતપૂર્વ પ્રિન્સીપાલ રહી ચૂકેલ રૂપાબા બોલ્યાં “ મેડીકલ સાયન્સની જય હો ! જેને બાળકનું સુખ ન હોય અને કોઈ કુદરતી ખામી હોય એનાં માટે આ પધ્ધતિથી બાળક મળતું હોય તો આ ટેકનોલોજી આશીર્વાદરૂપ ગણાય. પણ ક્યુટી ! તું સાવ નોર્મલ છે. તારે તારાં બાળકોને ભાડાંની કુખમાં રાખવાની શી જરૂર? બાળકને મા ની હુંફ મા ના ગર્ભમાંથી જ મળવી જોઈએ. દરેક સજીવની ફરજ છે કે એણે જીવસૃષ્ટીને વારસામાં એક જીવ બક્ષીસ આપવી જ રહી.. તો જ સંસાર આગળ વધે. આ તો પ્રકૃતિનો નિયમ છે.”

            ક્યુટી બોલી “ હું નવ મહિના બંધનમાં રહું. મારાં કરિયરમાં બંધન આવે એનું શું ? અને મારો પતિ તો છુટ્ટો જ ને ! એને તો બાળક માટે ક્યાં કોઈ બાંધછોડ કરવાની છે. આ તો કુદરતે સ્ત્રીજાતિ -માદાજાતિ સાથે કરેલ અન્યાય છે. હું બાળક માટે મારું ગર્ભાશય રેન્ટ પર આપું તો પિતાની જવાબદારી કંઈ નહિં ? અને મારા બકેટલીસ્ટનું શું??? મારે પણ મારા પતિની જેમ મલ્ટીનેશનલ લેવલ પર પ્રમોશન લેવાં છે. પતિ – પત્નીની ઇક્વાલીટીનું શું ? મને સમાજની આવી ખોખલી વાતનો જ વાંધો છે”

             ક્યુટીની દલીલ સાંભળીને બધાં જ અચંબામાં પડી ગયાં. “ બાળકને રેન્ટલ કુખ આપવી ! આ તે કેવી આજની પેઢીની છોકરીઓની વિચારધારા !”

            મીત્રાબેનથી ક્યુટીની વાત સહન નહિં થઇ. એમણે ક્યુટીને ખખડાવી નાંખી અને ઉતેજીત થઇ બોલ્યા “ કયું બકેટલીસ્ટ !!! મંઝીલે પહોંચવા માટે અમે તમને બકેટલીસ્ટ બનાવતાંશીખવ્યું હતું. નહિં કે આવી ગેરવ્યાજબી મનમાની કરવા માટે અને ઇક્વાલીટી એટલે શું? પુરુષ અને સ્ત્રી બાયોલોજીકલ અલગ છે તો એમની જવાબદારી પણ અલગ જ રહેવાની. દરેક બાબતે પુરુષ સાથે સરખામણી કરવી એ તારી નબળી માનસિકતા દર્શાવે છે.”

            વાતાવરણ  શાંત કરવા ક્યુટીનાં સાસુ  વૃક્ષાબેન બોલ્યાં “ બેટા ! તું સ્વતંત્ર છે, હોશિયાર છે, કાબેલ છે, તારી રીતે નિર્ણય લે જે." બધાં છુટા પડ્યાં. પોતપોતાનાં પેકીંગમાં વ્યસ્ત થઇ ગયા અને બીજા દિવસે પોતપોતાનાં મુકામે જવાની નીકળી ગયાં.

             બીજા વર્ષે દિવાળીમાં ફરી આખું ફેમિલિ હોમટાઉન સુરતમાં ભેગું થયું. ત્યારે ક્યુટીનાં ખોળામાં એક ફૂલ જેવી બાળકી હતી. બધાનાં અચંબા વચ્ચે દરેક નોંધી રહ્યા હતાં. ક્યુટી પોતાની દીકરીને પોતાનાથી ક્ષણભર માટે પણ વિખુટી પાડતી ન હતી. ઘરનાં બધાં સભ્યો ક્યુટીનો કહેતાં હતાં “ક્યુટી ! જરા દીકરીને બીજા પાસે રહેવાની ટ્રેનીંગ આપવી પણ જરૂરી છે. જેથી તું જોબ પર જશે ત્યારે દીકરીને તકલીફ નહિં પડે.”

            ક્યુટીએ ટટ્ટાર થઇ જવાબ આપ્યો. “ મેં એક વર્ષની મેટરનિટી લીવ લઇ લીધી છે. દીકરીને સૌથી વધારે જરૂર 'મા' ની તો છે જ .પણ હું પણ આટલી નાની દીકરીને છોડીને જઈ શકીશ નહિં. આ ફક્ત મારી દીકરી જ નથી પણ મારું હૈયું છે મારા નયન છે. એટલે જ મેં એનું નામ પણ હદય।ચક્ષુ પાડ્યું છે. હું એનાં વગર નહિં રહી શકું.”

            ક્યુટી સાસુ વૃક્ષાબેન બોલ્યાં “ બેટા ક્યુટી ! પણ, તારા બકેટલીસ્ટનું શું??? હું છું ને હદયાચક્ષુને હું સાચવી લઈશ. તું તારું કરિયર બનાવવામાં ધ્યાન આપ."  ક્યુટીએ જવાબ આપ્યો “ હા ! હું જાણું છું. તમે બધાં જ હદયાચક્ષુની મારી કરતાં વધારે સારી રીતે માવજત અને ઉછેર કરી શકો છો. પણ, એક બાળકમાં એની ‘મા’ ની હુંફથી ઓક્સીટોસીન વહે છે જેથી બાળક પોતાની જાતને આ વિશાળ દુનિયામાં વધુ મહેફૂસ અનુભવી શકે અને વધુ દૃઢઆત્મવિશ્વાસી બની શકે. હું એને આ દુનિયામાં લઇ આવી છું તો મારી પ્રથમ ફરજ અને કર્તવ્ય છે, એનામાં સર્વાંગી વિકાસના ગુણો વિકસાવવાનો. હવે મારું બકેટલીસ્ટ છે. ‘મા’ ની મમતા. ‘મા’ ની હુંફ. મારું બાળક "