Mara Anubhavo - 66 in Gujarati Spiritual Stories by Tr. Mrs. Snehal Jani books and stories PDF | મારા અનુભવો - ભાગ 66

Featured Books
Categories
Share

મારા અનુભવો - ભાગ 66

ધારાવાહિક:- મારા અનુભવો

ભાગ:- 66

શિર્ષક:- કાશીને વિદાય

લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ

રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની




🤷 મારા અનુભવો…

🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી

📚 પ્રકરણઃ 66.."કાશીને વિદાય"




મને કાશીમાં રહેતાં રહેતાં દશ-અગિયાર વર્ષ થઈ ગયાં હતાં. શાંકર વેદાન્તના મુખ્ય વિષય સાથે આચાર્યની પદવી પ્રાપ્ત કરી હતી. સર્વપ્રથમ સ્થાન આવવાના કારણે સુવર્ણચંદ્રક મળ્યો હતો, પણ મારે એવો સુવર્ણચંદ્રક ક્યાં લગાવવો તથા કોને બતાવવો ? એ ચંદ્રક લેવા હું સમારોહમાં ગયો જ નહિ. મારી ઇચ્છા હોત તો હું પીએચ.ડી કરી શક્યો હોત.એ સમયે ત્રણસોથી ચારસો રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળી શકી હોત, પણ હવે મારે ભણવું ન હતું. જેટલું ભણ્યો તે ગુરુજીની કૃપાથી ભણ્યો હતો. તેમની ઇચ્છા હતી કે હું હંમેશાં કાશીમાં રહું તથા વિદ્યાર્થીઓને ભણાવ્યા કરું. પણ મારી ઇચ્છા કાશી છોડીને સામાજિક-ધાર્મિક કાર્યો કરવાની હતી. મારી વાત સમજાવવા હું ગુરુજી પાસે પંજાબમાં ફીરોજપુર ગયો. તેમની આજ્ઞા પ્રમાણે હું અગિયાર વર્ષ ભણ્યો, હવે મને ભણવામાંથી મુક્તિ આપો તેવી પ્રાર્થના કરી, જે તેમણે માન્ય કરી.




મારી બીજી ઇચ્છા હતી કે હું પ્રથમની માફક જ લક્ષ્મીનો ત્યાગ કરું. પૈસાને સ્પર્શ ન કરું. પૂ. ગુરુજી તો વિરક્ત હતા જ, મારે પણ તેમની માફક વિરક્ત થવું હતું. હવે ભણતો ન હોવાથી પૈસાની જરૂર પણ ન હતી. મેં મારી વાત ગુરુજી આગળ મૂકી. તેમણે મને સમજાવ્યો કે હું જે નિયમ પાળું છું તે મારા માટે ઠીક છે, પણ તારે તેવા નિયમ લેવા નહિ, લક્ષ્મીને સ્પર્શ ન કરવાથી કાંઈ ત્યાગ થઈ જતો નથી તેમ કલ્યાણ થઈ જતું નથી. કેટલીક વાર આવા ત્યાગથી અહંકાર, મોહ તથા લાચારી વધે છે. આવા ત્યાગ કરતાં લક્ષ્મીનો સદ્ઉપયોગ કરી દીનદુઃખીને સુખી કરવામાં લક્ષ્મીને વાપરવી તે ઉત્તમ વસ્તુ છે.'




લક્ષ્મી વિશે તથા કથા-પ્રવચન વિશે તેમની સાથે સારી એવી ચર્ચાઓ  થઈ. તેઓ કથા-પ્રવચન કરવાના પક્ષમાં ન હતા તેનું કારણ કથા-પ્રવચન  કરનારાઓના કડવા અનુભવો હતા. મારો વિચાર ધર્મપ્રચાર કરતા રહેવાનો હતો. અંતે તેમણે મને કહ્યું કે વ્યાસપીઠ ઉપર બેસીને કોઇનો ભય કે લોભ  રાખ્યા વિના જે સત્ય હોય તે જ બોલવું, જે દિવસે લોભ કે ભય થાય તે  દિવસથી પ્રવચન બંધ કરી દેવાં. તેમની આ આજ્ઞા મારા માટે જીવનમૂલ્ય થઈ ગઈ. તેમણે બીજી પણ કેટલીક અનુભવની વાતો કહીઃ સાધુઓનાં ટોળાં  ભેગાં ના કરીશ, શાંતિથી રહેવું હોય તો એકલો રહેજે ઘણા સાધુઓ મળીને ખટપટો કરતા હોય છે, અશાન્તિ જગાવતા હોય છે. એટલે એક્લા રહેવું. કોઈ ગૃહસ્થને શિષ્યો બનાવવા નહિ, કંઠીઓ બાંધવી કે કાન ફૂંકવા નહિ કોઈના પણ ગુરુ થવું નહિ. જીવનભર શિષ્યભાવમાં રહેવું હજારો શિષ્યો કરનારા લોકોનું કલ્યાણ નથી કરી શક્તા, તે માત્ર ટોળાં જ વધારતા હોય છે. સંન્યાસ દીક્ષા પણ કોઈ સુપાત્ર અને સુયોગ્ય હોય તેને જ આપવી. આપણી પરંપરામાં એક જ શિષ્યની પ્રથા ચાલી આવે છે. અર્થાત્ દાદાગુરુ અભ્યુદાનંદજીને એક જ શિષ્ય બળદેવાનંદજી હતા, અને બળદેવાનંદજીને હું જ એકમાત્ર શિષ્ય હતો, અને મારે તું જ એકમાત્ર શિષ્ય છે. આવી આપણી પરંપરા રહી છે.' આવી આવી ઘણી ચર્ચા થઈ. દીક્ષા લેતી વખતે જ મેં તેઓને એક વાત કહેલી કે આપનો આ નાનો સરખો આશ્રમ છે તેને હું સંભાળવાનો નથી, અર્થાત્ તેની જવાબદારી મારાથી સ્વીકારી નહિ શકાય. તેમણે પણ તે વાતનો સ્વીકાર કરેલો કે આ આશ્રમની તારા ઉપર કોઈ જવાબદારી નહિ.





પૂજ્ય ગુરુદેવ અત્યંત વિરક્ત હતા. દિવસમાં એક વાર ભિક્ષા કરવા જતા. બે-ચાર ઘરોનાં આંગણે ઊભા રહીને ઊભા ઊભા જ રોટલી જમતા. ત્યાં જ હાથ દોઈને કુટિયાએ પાછા ફરતા. સાંજે જમતા નહિ. તેમનો બીજો કોઈ ખર્ચ ન હતો. કુટિયાના ચારે તરફ સુંદર બગીચો હતો. બગીચામાં પુષ્કળ ફૂલ થતાં. આ ફૂલોની આવક એક માળી દર વર્ષે છસો રૂપિયા જેવી આપતો. એક વાણિયા ભક્ત બધો વહીવટ કરતા. છસો રૂપિયામાંથી ત્રણસો-ચારસો દવાઓ બનાવવામાં વાપરતા. અર્થાત્ ગુરુજી જાતે દવાઓ બનાવતા તથા દર્દીઓને મફત આપતા. દર વર્ષે મને બસો રૂપિયા મોકલતા. મારી આ પૈસા લેવાની જરા પણ ઇચ્છા ન હોવા છતાં તેમની આજ્ઞા માનીને હું લેતો અને તેમાં ઉમેરીને તેમના નામની તિથિ વગેરે કાશીના આશ્રમોમાં નોંધાવી દેતો. તેમનું જીવન અત્યંત નિર્મળ હતું. કુટિયામાં કદી પણ સ્ત્રીને આવવા દેવામાં આવતી નહિ. માત્ર પુરુષોનો જ પ્રવેશ થતો. પુરુષો પણ સવારે કે સાંજે જ માત્ર આવી શકતા. પૂજ્ય ગુરુજીનું વ્યક્તિત્વ ગંભીરતાની સાથે કઠોર પણ હતું. તેમનાથી લોકોને ભય પણ લાગતો. આ ભય શ્રદ્ધાપૂર્વકનો રહેતો. તેમના વ્યક્તિત્વમાં ત્યાગની ખુમારી, નિઃસ્પૃહતા અને આડંબરહીનતા રહેતાં. તેઓ જાડી ખાદીનાં આછાં ભગવાં વસ્ત્રો પહેરતા, પણ શિયાળામાં કાળી કામળીની ગાતી એવી રીતે લગાવતા કે જાણે કોટ પહેર્યો હોય. માથા ઉપર ભગવા રંગનો એક કટકો એવી રીતે બાંધતા જેથી તે ટોપી જેવો દેખાય. પૂજ્ય બ્રહ્મલીન દાદાગુરુની સ્મૃતિમાં આશ્રમમાં હોળીની આસપાસ ભંડારો કરવામાં આવતો. તેમાં સેંકડો ગરીબ-ગરબાંને શીરો, પૂરી, શાક વગેરેનું ભોજન અપાતું. પૂ. ગુરુજી નિવૃત્તિમાર્ગી હતા. એટલે આશ્રમમાં બીજી કોઈ ખાસ પ્રવૃત્તિ રહેતી નહિ. કુટિયામાં એકાકી રહેતા તથા કોઈની કાંઈ પણ આશા કર્યા વિના નિજાનંદમાં મસ્ત રહેતા. તેઓ વેદાન્ત પરંપરામાં હતા એટલે વેદાન્તી હતા. તેમ છતાં શુષ્ક વેદાન્તી ન હતા. વિચારસાગરને તેઓ ઘણી વાર બિગાડસાગર કહેતા. પંજાબમાં વેદાન્તની કથાઓ બહુ થતી તેથી સ્ત્રીપુરુષો હું જ બ્રહ્મ છું એવી વાતો કર્યા કરતાં. તેમને શુષ્ક વૈદાંત ગમતું નહિ.





મારી સ્થિતિ જુદી હતી. વેદાન્તાચાર્ય થતાં થતાં હું સાવ વેદાન્તોનો વિરોધી થઈ ગયો હતો. મારો ઝુકાવ ભક્તિમાર્ગ તરફ હતો. રામાનુજ વગેરે વૈષ્ણવ આચાર્યોનું વેદાન્ત મને ગમતું પણ શાંકર વેદાન્તની એકેએક પ્રક્રિયા મને હાસ્યાપદ લાગતી. શાંકર વેદાન્ત ભણતાં તથા ભણાવતાં હું લોકો સાથે ખૂબ ચર્ચા કરતો. મારા પ્રશ્નોનું સમાધાન થતું નહિ. મેં ઘણી વાર પૂ. ગુરુજીની પાસે મારા વિચારો દર્શાવ્યા કે આ શાંકર વેદાન્તને મારાથી સ્વીકારી શકાતું નથી. હું ઘણી વાર તેને અનુકૂળતાથી સમજાવવા પ્રયત્ન કરું છું પણ જેમ જેમ સમજવા પ્રયત્ન કરું છું તેમ તેની અસારતા દેખાવા લાગે છે. હું શાંકર વેદાન્તી નથી થઈ શકતો તેથી તે દુઃખી થતા, હું પણ દુ:ખી થતો, અને આ શાંકર વેદાન્ત મારા મગજમાં બરાબર ઊતરી જાય તે માટે પરમાત્માને પ્રાર્થના કરતો. પણ દિનપ્રતિદિન હું તેનાથી વધુ ને વધુ દૂર ખસતો ગયો.





મેં એકવીસમા વર્ષે ગૃહત્યાગ કરેલો અને ત્રેવીસમા વર્ષે સંસ્કૃત ભણવાનું શરૂ કરેલું. લગભગ ચોત્રીસમા વર્ષે કાશીથી ભણીને ગુરુજી પાસે આવ્યો. હવે ધર્મપ્રચાર તથા સમાજસેવા કરવાનો મારો વિચાર હતો. આટલાં વર્ષો કાશીમાં તથા સાધુ સમાજમાં રહેવાથી હું ઘણું શીખ્યો હતો. મને પ્રથમથી જ કેટલીક વાતો ગમતી નહિ, જેમ કે આડંબર, ખોટા ખર્ચા તથા પારસ્પરિક રાગદ્વેષભરી ખટપટો. મારા વિચારોને ગુરુજીનું અનુમોદન મળ્યું, એટલે આ સમાજથી દૂર રહેવા મેં નિર્ણય કર્યો. એકલા અલિપ્ત રહેવું. આશ્રમ-કુટિયા કે મઠ બાંધવો નહિ. ભ્રમણ કરતા રહેવું જે પૈસા આવે તેને તરત જ સારા કામમાં – ગરીબોના કામમાં વાપરી નાખવા. પ્રભુભક્તિનો પ્રચાર કરવો, અંધશ્રદ્ધાને દૂર કરવા પ્રયત્ન કરવો. નાનાં નાનાં ગામડાંઓમાં વિચરવું. આવો નિર્ણય કરીને હું ૧૯૬૬માં ગુજરાતમાં આવ્યો.




આભાર

સ્નેહલ જાની