Mara Anubhavo - 63 in Gujarati Spiritual Stories by Tr. Mrs. Snehal Jani books and stories PDF | મારા અનુભવો - ભાગ 63

Featured Books
Categories
Share

મારા અનુભવો - ભાગ 63

ધારાવાહિક:- મારા અનુભવો

ભાગ:- 63

શિર્ષક:- ભૂતપ્રેત છે ખરાં?

લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ

રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની



🤷 મારા અનુભવો…

🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી

📚 પ્રકરણઃ 63. "ભૂતપ્રેત છે ખરાં ?"



વિશ્વભરના બધા જ મુખ્ય ધર્મોમાં ભૂતપ્રેત વિશે કોઈ ને કોઈ પ્રકારની માન્યતા હોય છે. વિજ્ઞાનની આટલી બધી પ્રગતિ પછી પણ હજી આ માન્યતાને  નાબૂદ કરી શકાઈ નથી. ભૂતપ્રેત - વિરોધી ગમે તેટલો વિરોધ કરે પણ માન્યતા ધરાવતો વર્ગ અસ્તિત્વ ધરાવે છે જ. માત્ર અભણ માણસ જ આવી માન્યતા ધરાવે છે તેવું નથી, શિક્ષિતવર્ગ પણ આવી માન્યતાઓને માનનારો રહ્યો છે. જો ભૂતપ્રેતના અસ્તિત્વની સિદ્ધિ થાય તો આત્માની સિદ્ધિ સરળ થઈ જાય. શરીરનો નાશ થયા પછી પણ જીવનનું અસ્તિત્વ રહી જાય છે તે ભૂતપ્રેતથી સિદ્ધ થાય. માત્ર દેહનું નામ જ જીવન નથી. દેહની સાથે એક બીજું તત્ત્વ પણ અસ્તિત્વ ધરાવે છે. આ તત્ત્વ મૃત્યુ પછી પણ પોતાની સત્તા તથા શક્તિ ધરાવે છે, એવું કહી શકાય. પણ આ ક્ષેત્રમાં સૌથી વધુ મુશ્કેલી એ છે કે તે ભૂતપ્રેતના અનુભવો સાર્વજનિક નથી હોતા, વૈયક્તિક હોય છે અને તે પણ આકસ્મિક હોય છે.


કોઈ પડકાર કરે કે ભૂતપ્રેત હોય તો બતાવો તો આ પડકારને ઝીલી ન શકાય, કારણ કે ભૂતપ્રેત એ પોતાને આધીન કોઈ પદાર્થ નથી. ઈશ્વર, આત્મા વગેરે તત્ત્વો માટેના પડકારો પણ ઝીલી શકાય તેવા નથી, કારણ કે આ બધાને બતાવી આપવાનું શક્ય નથી. જેનું અસ્તિત્વ હોય તેને બતાવી જ શકાય તેવું નથી. ગુરુત્વાકર્ષણનું અસ્તિત્વ હોવા છતાં તેને બતાવી શકાતું નથી. માત્ર ભૌતિકવાદીઓ પાંચ જ્ઞાનેન્દ્રિયોથી જે સિદ્ધ થાય તેને જ માનવાની વાત કરે છે. પાંચે ઇંદ્રિયોમાંથી એક ઇંદ્રિયથી ગુરુત્વાકર્ષણ અનુભવાતું નથી. છતાં આપણે સૌ તેને માનીએ છીએ. જોકે અત્યંત અભણ માણસ કદાચ આવા ગુરુત્વાકર્ષણને હસી પણ કાઢે. કારણ કે આવી માન્યતાઓ માટેની ભૂમિકા તેની પાસે છે જ નહિ. એમ કેટલાક સૂક્ષ્મ તત્ત્વોની માન્યતા વિશે પણ આ નિયમ ખરો. આપણું અનુભવ ક્ષેત્ર અત્યંત સીમિત છે. બિનઅનુભવનું ક્ષેત્ર અત્યંત વિશાળ છે. માત્ર ભૌતિકક્ષેત્ર જ એટલું બધું વિશાળ છે કે અત્યારનું ચરમ કક્ષાનું વિજ્ઞાન માત્ર તેના એક નાના અંશને જ સમજી શક્યું છે એમ કહી શકાય.


ભૌતિક જગત અનંત છે, તેનાં રહસ્યો પણ અનંત છે. પ્રત્યેક કણ કે સેલ એક નિશ્ચિત ડિઝાઇન અને પ્લાન લઈને બેઠો છે. કલ્પી ન શકાય તેવી વ્યવસ્થા કણ કણમાં જોઈ શકાય છે. આ વ્યવસ્થા, આ નિયમો અને આ આયોજન કોણે કર્યું હશે ? કેમ કર્યું હશે ? બસ, આ વિચારમાં શ્રદ્ધા પ્રગટે છે અને રહસ્યવાદ શરૂ થાય છે. દૃશ્યજગતની અંદર એક બહુ જ શક્તિશાળી અદૃશ્ય જગત પણ છે. કોઈ તેનો સંચાલક છે. કોઈ ડિઝાઇનર, કોઈ પ્લાનમેકર અને કોઈ લક્ષ્યદ્રષ્ટા છે. આ રીતે શિક્ષિત વ્યક્તિમાં પણ આસ્તિકતા લક્ષિત થતી હોય છે. આસ્તિકતા નિરાધાર નથી. તેમાં ચિંતનનો આધાર તો છે જ, સર્વોપરી અનુભૂતિનો પણ આધાર છે. આ અનુભૂતિનાં અનેક ક્ષેત્રો છે પણ તેમાં સર્વોપરી ક્ષેત્ર કૃપાઅનુભૂતિનું છે. વ્યક્તિને એવી અનુભૂતિ થયા કરે કે જાણે તેના ઉપર કોઈ કૃપા વરસાવી રહ્યું છે. કપરા પ્રસંગો, વિપત્તિઓ અને ભયંકર ઝંઝાવાતોમાં આવી અનુભૂતિઓ વધુ સ્પષ્ટ થઈ ઊઠે.


આસ્તિકતા કદી પણ તર્કસાધ્ય નથી હોતી, શ્રદ્વાસાધ્ય હોય છે. બૌદ્ધિકતા જેમ તત્ત્વ છે, તેમ શ્રદ્ધા પણ તત્ત્વ છે. જેમાં બન્ને તત્ત્વો ખૂબ વિકસ્યાં હોય તેવું જીવન ધન્ય બની જાય. બૌદ્ધિકતા વિનાની શ્રદ્ધા, અંધશ્રદ્ઘા થઈ જવા સંભાવના છે, અને શ્રદ્ધા વિનાની કોરી બૌદ્ધિકતા એ નાસ્તિક થઈ જતી હોય છે. આ બન્ને કલ્યાણકારી તત્ત્વોનો ઉચિત સમન્વય કરવો એ વિવેક્યોગ છે.


જીવનને કદી પણ શત-પ્રતિશત તર્કસંગત કરી શકાતું નથી, ચુસ્ત નાસ્તિકો કે તાર્કિકના જીવનમાં પણ કેટલીક બાબતો તર્કથી ૫૨ હોય જ છે. ખાસ કરીને લાગણીઓનું ક્ષેત્ર તર્કની કર્કશતાને સહન નથી કરી શકતું. ભૂતપ્રેતની સત્તા વિશે બે મત છે જ. તેની સત્તાનો સદંતર અસ્વીકાર કરનાર જેટલો સ્પષ્ટ છે તેટલો સ્વીકાર કરનારો મત સ્પષ્ટ નથી. પ્રહારકને ત્યારે પાનો ચડતો હોય છે જ્યારે તેને પોચું પ્રહારક ક્ષેત્ર મળ્યું હોય. આટલાબધા તાર્કિક પ્રહારો પછી પણ શ્રદ્ધાનું કે અગોચર માન્યતાનું અસ્તિત્વ રહ્યું છે તેમાં તેની કાંઈક તો શક્તિ હશે જ.


કાશીમાં બે માળનો એક આશ્રમ ભોંયતળિયે વ્યવસ્થાપક તથા  વિદ્યાર્થીઓ રહે. પ્રથમ માળ આશ્રમના અધ્યક્ષ માટે ખાલી રહે. જ્યારે તેઓ આવે ત્યારે તેનો ઉપયોગ થાય. છેક ઉપરનો માળ, જેમાં માત્ર ત્રણ જ રૂમો, બે નાના અને એક મોટો, તે લગભગ ખાલી રહે. આગળ વિશાળ છત, ખુલ્લી હવા, પૂરતો પ્રકાશ, પણ એ રૂમોમાં કોઈ રહેવા તૈયાર ન થાય. કારણ કે તેમાં ભૂત રહેતું હતું તેવી પ્રગાઢ માન્યતા હતી. આ ભૂતથી લોકો એટલા બધા ડરી ગયેલા કે નીચેનો કોઈ વિદ્યાર્થી રાત્રે એકલો લટાર મારવા પણ ન આવે. ઉપરના રૂમોમાં કોઈ રહેવા આવે પણ બે-પાંચ દિવસ રહીને ભાગી  જાય.


હું ભૂતપ્રેતમાં માનું નહિ. હું મોટા ભાગે ભૂતપ્રેતવાળાં મકાનોમાં  જ રહ્યો છું. છતાં મને કદી ભૂત દેખાયું નથી. અનેક વાર પડકારો કરીને સ્મશાન વગેરેમાં પણ સાક્ષાત્કારનો પ્રયત્ન કરેલો પણ મને કદી ભૂત દેખાયું ન હતું. એટલે હું આવી માન્યતાઓની હાંસી ઉડાડતો.


પેલા ઉપરના ભૂતવાળા મોટા રૂમમાં હું રહેવા આવ્યો. અહીં પહેલાં એક અત્યંત મેધાવી વિદ્યાર્થી રહેતો હતો. મસ્તિષ્કનો અત્યંત ઉપરોગ કરવાથી તે પાગલ થયો અને અંતે આત્મહત્યા કરી બેઠો. બસ હવે લોકો એમ જ માનતા થઈ ગયા હતા કે તે ભૂત થયો છે અને કોઈને રહેવા દેતો નથી. આશ્રમવાળા હર્ષપૂર્વક કોઈ રહેવા આવે તો રૂમ ખોલી આપતા, પણ રહેનારી બેપાંચ દિવસમાં જ પલાયન થઈ જતો. આ રૂમમાં હું લગભગ દોઢ-બે વર્ષ રહ્યો. મારે ખુલ્લા મનથી સ્વીકાર કરવો જોઈએ કે મેં કદી કોઈ ભૂતને જોયું નહિ, પણ સાથે સાથે એ પણ સ્વીકારવું જોઈએ કે મને લાગ્યા  કરતું કે ખરેખર કોઈ અહીં છે ખરું. મને તે દેખાય નહિ, પણ તેના અસ્તિત્વની પ્રતીતિ થયા કરે. આ માત્ર માનસિક ભ્રમણા નહીં પણ વાસ્તવિક પ્રતીતિ હતી. કેટલીક વાર જરા પણ પવન ન હોય છતાં જોરથી બારણું બંધ થઈ જાય, કેટલીક વાર ચારે તરફ કોઈ ફરતું હોય તેવું લાગ્યા કરે. આના પહેલાં અનેક ભૂતિયા મકાનોમાં જ રહી ચૂક્યો હતો, પણ આવો અનુભવ ક્યાંય થયો ન હતો. લોકો મને પુછતા કે તમને કાંઇ દેખાય છે ? તો હું કહેતો કે ‘ના…ના…કઈ દેખાતું નથી." પણ આવી અનુભવ થાય છે તેમ હું મને કહેતો નહિ. મારી વાતોથી તથા એકાદ મહિનો વીતી જવાથી લોકોને  પ્રતીતિ થઈ કે હવે અહીં કાંઈ નથી." હિંમત કરીને મારા રૂમની આજુબાજુના બે રૂમોમાં બે સાધુઓ રહેવા આવ્યા. બન્ને ભણતા અને મારી પાસેથી ભણવાનું  આકર્ષણ હોવાથી સમીપમાં રહેવા આવેલા.


પ્રથમ રાત વીતી ને એક સાધુએ સવારે કહ્યું કે આખી રાત  ઊંઘ ન આવી. મારો પાટ કોઈ હચમચાવતું હતું. મને ભયંકરતા લાગતી હતી. અશાંતિ તથા ભયમાં રાત પસાર કરી. બીજાને પણ તેવું જ લાગ્યું હતું.


મારા આશ્વાસનથી બન્નેને હિંમત આવી. સાંજે બન્નેએ સર્વત્ર ગંગાજળ છાંટ્યું, ધૂપ કર્યો, મંત્રો બોલ્યા, સૂઈ ગયા. આજે ઓછું થયું હતું. મને થયું કે બે-ચાર દિવસમાં બધી ભ્રાન્તિ નીકળી જશે. હું પણ ઇચ્છતો હતો કે એકલો હું રહું તેના કરતાં બે સાથીદારો રહે તો સારું. ત્રીજા દિવસે ફરી પાછો સાધુ બેબાકળો થઈ ગયો. ગંગાજળ રોજની માફક છાંટ્યું જ હતું તો કહે કે “આજ તો સાલેને બહોત સતાયા.' પાંચમા દિવસે આ સાધુ રૂમ છોડીને ચાલ્યા ગયા. તેમના જવાથી બીજાના મન ઉપર પણ અસર પડી. તે પણ જવા તૈયાર થયા. મેં તેમને માંડ માંડ સમજાવીને રાખ્યા. જોકે તેઓ ઘણા સમય સુધી રહ્યા પણ ફરિયાદ તો કરતા જ રહ્યા. કોઈ વાર હું બે પાંચ દિવસ બહાર જાઉં તો તે એકલા ઉપર સૂએ નહિ. નીચે સૂવા ચાલ્યા જાય.


ત્યારે અને અત્યારે પણ મને થયા કરે છે કે શું આવી ભૂતયોનિ હશે ખરી? પહેલાં જેટલી મક્કમતાથી હું અસ્વીકાર કરતો તેટલી મક્કમતા હવે મારામાં રહી નથી. તેનું કારણ આવા અનુભવો છે. પુસ્તકીયા જ્ઞાન કે તાર્કિકતાથી કરેલા નિર્ણયો ઘણી વાર અનુભવોની એરણ ઉપર ફૂટી જતા હોય છે.


જ્યારે મને લાગતું કે મારા રૂમમાં કોઈ છે, કોઈ હરીફરી રહ્યું છે, ત્યારે માત્ર માનસિક ભ્રમણા છે તેવું માની લેતો, પણ ના... ના..આ ભ્રમણા નહીં પણ કાંઈ તથ્ય લાગે છે, તેવું સમજાતું ત્યારે હું પેલા તત્ત્વ સાથે આત્મીયતા કેળવવા લાગ્યો. મનોમન હું સંદેશો મોકલવા લાગ્યો. તું. અહીં ખુશીથી રહે. મને તારી સાથે કોઈ વિરોધ નથી. તું પણ રહે. અને હું પણ રહું. તારાથી બની શકે તો મારું કલ્યાણ કર, મારાથી બની શકે તેવું હોય તો હું તારું કલ્યાણ કરવા તૈયાર છું.' મારા આવા માનસિક સંદેશાની સારી અસર થતી જણાતી. દોઢ-બે વર્ષનો ગાળો મેં ત્યાં વિતાવ્યો, મને કાંઈ નુકસાન ન થયું. હું ફરીથી કહું છું કે મેં પ્રત્યક્ષ કાંઈ જ જોયું ન હતું તેમ છતાં ત્યાં કાંઈક હતું એવું મને લાગ્યા કરતું. ભૂતપ્રેતયોનિ હોય તેમાં ભટકતા જીવો વિશે શાન્તિથી વિચારવું જોઈએ. અંધશ્રદ્ધાને દૂર કરવી જેટલી જરૂરી છે, તેટલી જ અનુભવહીન એકપક્ષીય નકારાત્મકતાને પણ દૂર કરવી જરૂરી છે.


કોઈ કોઈ વાર શાન્ત ધીર-ગંભી૨ વ્યક્તિ પણ કામાવેશમાં કે ક્રોધાવેશ જેવા આવેગોમાં અકારણ તણખલાની માફક તણાઈ જાય, પોતાની જાત ઉપરનો સંપૂર્ણ કાબૂ ગુમાવી દે, ત્યારે તેનાં કારણોનું પૃથક્કરણ કરતી વખતે મનોવૈજ્ઞાનિક સમાધાન ન થાય તો હું ભલામણ કરું છું કે કોઈ અતૃપ્ત-વાસનાવાળો ભટકતો જીવાત્મા તેના શરીર ઉપર આધિપત્ય મેળવીને પોતાનું ઇચ્છિત તો નથી મેળવતો ને ? મારી વાતને હસી કાઢનારા પ્રત્યે મારી સહાનુભૂતિ છે, કારણ કે હું પણ આવી વાતોને હસી જ કાઢતો હતો. મેં તે ભૂમિકા અનુભવી છે. પણ આ એક ભૂમિકા છે, સભાનતાથી પૃથક્કરણ કરવા જેવી છે, જો આવો કોઈ વાસનાથી અતૃપ્ત સ્ત્રીનો જીવાત્મા ભટકતો હોય, તમારા ઉપર તેની અસર થતી જણાતી હોય, તો તમે માનસિક સંદેશા મોકલી તેના દુષ્પ્રભાવને બદલી શકો છોઃ તું બહેન છે, માતા છે, હું તો તારો બાળક છું. મને પુત્ર સમજો, ભાઈ સમજો, શાન્તિથી રહો, હું તમને અડચણ નહિ કરું, તમે મને અડચણ ના કરશો.' આવા આવા શાંતિભર્યા સંદેશા પૂર્ણ સ્વસ્થતાથી મોકલવાથી પરિસ્થિતિમાં બહુ જ મોટો ફેર પડતો અનુભવાય છે. જે અતૃપ્ત આત્માઓ હેરાન કરી શકે છે, તે જ જો અનુકૂળ થઈ જાય તો સુખસગવડ પણ કરી આપે છે. હા તેમને અનુકૂળ કરવા તેમની સાથે આત્મીયતા કેળવવી જોઈએ.


[ નોંધઃ ઉપરનું પ્રકરણ બંને પક્ષના લોકો માત્ર તટસ્થ ભાવે અનુસંધાન કરે એટલા પૂરતું જ લખ્યું છે. ખરેખર તો મને કદી પણ કોઈ પણ પ્રકારના ભૂતનો અનુભવ થયો નથી અને આજે હું સ્પષ્ટ રીતે ભૂતપ્રેત વળગાડ, નડતર વગેરેમાં જરાય પણ માનતો નથી.  -  સ્વામી સચ્ચિદાનંદ.]


આભાર

સ્નેહલ જાની