Morning After a Heartbreak in Gujarati Short Stories by Khushalee Barchha books and stories PDF | Heartbreak પછીની સવાર

Featured Books
Categories
Share

Heartbreak પછીની સવાર

"Heartbreak પછીની સવાર"
- ખુશાલી બરછા

આજે વાતાવરણમાં નીરવ શાંતિ હતી. સ્નેહલે 'ધ્યાન'માં બેસીને આંખો ખોલી અને મોબાઇલને 'નોર્મલ મોડ' પર રાખ્યો. એ પોતાનું વ્હોટ્સએપ ચેક કરવા લાગી , ત્યાં તો ધૈર્યનું 'hi' દેખાયું. આ એ જ ધૈર્ય હતો જેના પ્રેમમાં એક દિવસ સ્નેહલ પડેલી અને જેના થકી એને ''heartbreak'' શું છે? એની ખબર પડેલી. પણ આજે એ જરાપણ વિચલિત નહોતી. એટલે એણે પણ 'hi' થી ધૈર્યને જવાબ આપ્યો. આટલા વર્ષો પછી એનો મેસેજ કેમ આવ્યો હશે? એવું પૃથ્થકરણ કરવાને બદલે એણે કોલેજ તરફ વાટ પકડી અને ત્યાં એક પ્રોફેસર તરીકે સમયસર પહોંચી. 

"મેમ, આજે તમે અમને આશ્ચર્યમાં મૂકી દીધા. આજે તો ઑફ ડે છે.'' કોલેજના કલીગે કહ્યું.

''હા, સર.. યુનિવર્સિટીમાં મારું લેક્ચર છે એટલે કાલે હું નહીં આવી શકું. અને એટલે જ આજે અહીંયા આવી ગઈ.'' સ્નેહલે શાંતિથી જવાબ આપ્યો. 

"પણ મેમ, દર વખતે અગાઉથી આટલી તૈયારી કરવામાં તમને થાક નથી લાગતો?'' પેલાએ ફરીથી પૂછ્યું.

"ના, જરાય નહીં. Work is my passion. જો કામ ના કરું તો મારું અસ્તિત્વ ભૂંસાતું લાગે મને.'' આમ કહીને સ્નેહલ પોતાનું બધું કામ પૂરું કરવામાં લાગી ગઈ. 

સ્નેહલ માટે બધા કાર્યોમાં advanced રહેવું સહજ હતું. કારણકે તેની philosophy હતી કે 'કાલનો ભરોસો નહીં.' કદાચ એટલે જ એ સમયને માન આપતા શીખેલી. 

રાત્રે સ્નેહલે ફરીથી પોતાનું વ્હોટ્સએપ ચેક કર્યું તો એમાં ધૈર્યએ વાત માંડેલી: 

"સ્નેહલ, I miss you a lot. મને મારી ભૂલ પર પસ્તાવો છે. હું તને મળવા ઈચ્છું છું.''

સ્નેહલે કંઈ જ જવાબ ના આપ્યો . કદાચ ભગવાન શ્રીકૃષ્ણની પરમ ભક્ત હોવાના કારણે એનામાં "સાક્ષીભાવ" વહેલો આવી ગયેલો. અને એટલે, એ શાંતિથી નિંદ્રામાં સરી પડી. 

સવાર પડી એટલે એ જાગીને ફટાફટ તૈયાર થઈ અને યુનિવર્સિટી 15 મિનિટસ વહેલી પહોંચી. ત્યાં ઘણા શ્રોતાઓ હતા અને એનો autograph લેવા પડાપડી કરી રહ્યા હતા કારણકે સ્નેહલે વક્તા અને લેખિકા તરીકે પણ સારી નામના મેળવેલી. બધાનો આભાર વ્યક્ત કરતા કરતા એ સ્ટેજ પર પહોંચી. યુનિવર્સિટીના ટોપરે તેનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું. પછી ધીમે ધીમે સ્નેહલના વક્તવ્ય માટેનો સમય આવ્યો અને એણે માઇક પોતાના હાથમાં લીધું અને કહેવા લાગી:
''આજનો વિષય 'શાશ્વત પ્રેમ' છે અને પ્રેમને અનુભવી શકવો એ માનવઅસ્તિત્વની પરમ સિદ્ધિ છે. તો એના પર વક્તવ્ય આપવાને બદલે આપણે સીધા 'સવાલ જવાબ'નું જ સેશન ગોઠવીએ તો કેવું?''

શ્રોતાઓએ હકારમાં માથું હલાવ્યું અને એમાંથી એક વ્યક્તિ ઉભી થઇ અને પૂછવા લાગી: 
"મેમ, આજના જમાનામાં પ્રેમ ફેસબુકીયો થઈ ગયો છે. આવા સ્તર પર કોઈ પ્રેમનું ઊંડાણ કઈ રીતે અનુભવી શકે?'' 

''પ્રેમની અનુભૂતિ ફેસબુક પર થવી અઘરી છે પણ અશક્ય નથી , જો ધીરજ હોય તો. હા, એ માધ્યમમાં થોડું છીછરાપણું હોઈ શકે પણ છતાંય જો પ્રેમ સાચો હોય તો એક સમયે સ્ત્રી અને પુરુષ લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં રહી જ શકે. શકયતા એ પણ છે કે જૂનો થતો જતો પ્રેમ 'પ્રત્યક્ષ' રીતે મળવાની ઘડી આવે ત્યારે તરોતાજા થઈ જાય.'' સ્નેહલે સંતોષકારક જવાબ આપ્યો.

"Heartbreak પછીની સવાર કેવી હોય છે, મેમ?" એક જાણીતા અવાજે સ્નેહલને પૂછ્યું. 

સ્નેહલને એ અવાજ ઘણા વર્ષો પાછળ લઈ ગયો. એ જ અવાજ જેને એ સાંભળવા એક જમાનામાં તરસતી હતી. છેક આજે એ અવાજ સંભળાયો કે જ્યારે એ પોતાની યાત્રામાં ઘણી આગળ નીકળી ગયેલી. એવી યાત્રા કે જ્યાં અહંકારને સ્થાન નથી, માત્ર પ્રેમનું જ સામ્રાજ્ય છે કારણકે ત્યાં વ્યક્તિ 'વ્યક્તિ' મટીને 'પ્રેમ' બની ગઈ હોય છે. 

સ્નેહલે ધૈર્ય તરફ જોયું અને ઊંડા મૌનમાં ગરકાવ થઈ ગઈ. આ એ જ ધૈર્ય હતો જેણે એના અસ્તિત્વને, એની આત્માને પીડા આપેલી. પણ આજે એ પીડાનું સ્થાન સાક્ષીભાવે લઈ લીધેલું. આજે સ્નેહલના ચહેરા પર બિલકુલ ઉદાસી ના હતી. 

સ્નેહલે ઊંડો શ્વાસ લીધો અને ઓડિયન્સમાં રહેલા ધૈર્યને હૂંફાળું સ્મિત આપીને કહ્યું': 

'' Heartbreak ? રૂમી નામના તત્વચિંતકની યાદ અપાવી તમે તો મને આજે. એ કહેતા કે, 'દર્દ એવી જગ્યા છે કે જ્યાંથી પ્રકાશ પ્રવેશી શકે.' Exactly, heartbreak પછી દરેક વ્યક્તિને શરૂ શરૂમાં દર્દ તો થવાનું જ પણ છતાંય પ્રેમ ખરાબ નથી. Heartbreak પણ ખરાબ નથી જ. ઉલ્ટું, એ પડાવ આવવાથી તમે વધુ મજબૂત બનો છો અને ધીરે ધીરે તમારું રૂપાંતરણ થાય છે. આ રૂપાંતરણ positive કે negative હોઇ શકે. પણ ધીરે ધીરે તમે સમજો છો કે, એ પડાવ પણ તમારી આત્માના વિકાસ માટે જરૂરી હતો. તો yes, heartbreak પછીની સવાર અઘરી લાગી શકે પણ depends કે તમે એને કઈ રીતે લો છો!''

સ્નેહલના આ જવાબથી સભાગૃહમાં તાળીઓનો ગડગડાટ થયો. ધૈર્યને પોતે reject કરેલી સ્નેહલ આજે દરિયાના પાણીમાં વ્યાપેલી શાંતિની સાક્ષાત મૂર્તિ બની છે એ વાતનું ભાન થયું , એને સમજાયું કે પ્રેમમાં રહી ચૂકેલી વ્યક્તિઓ આગળ જતાં evolve થાય છે અને આ ઉત્ક્રાંતિ અસ્તિત્વની સંપૂર્ણ અનુભૂતિ માટે જરૂરી છે. એને સ્નેહલ તરફથી આખરી જવાબ પણ મળી ગયો અને સ્નેહલ પોતાની રાહ પર આગળ ચાલી નીકળી.