સારા માતા-પિતા બનવા માટે માતા પિતાએ બાળકોને પ્રેમથી ઉછેરવા જોઈએ. પ્રેમ એટલે શું? બાળક સારું કરીને આવે તો મા-બાપને ઉછાળો ના આવે અને ખરાબ કરીને આવે તો એના ઉપર ગુસ્સે ન થાય.
દરેક મા-બાપને એમ જ લાગતું હોય કે હું મારા બાળકને પ્રેમ જ આપું છું. દાખલો લઈએ કે, પોતાનો છોકરો બારમા ધોરણમાં નેવું ટકા માર્ક્સ લાવ્યો હોય તો મા-બાપ ખુશ થઈને પાર્ટી આપે. લોકો સામે છોકરાની હોશિયારીના વખાણ કરતા ના થાકે! અરે, નવું બાઈક પણ ગિફ્ટમાં લાવી આપે. પણ એ જ છોકરો ચાર દિવસ પછી બાઈકનો એક્સિડન્ટ કરીને આવે, બાઈકનો કચ્ચરઘાણ થઈ જાય તો મા-બાપ એને “નાલાયક છે, હવે તને કશું નહીં મળે!” એમ કહીને તોડી પાડે. ચાર દિવસમાં જ હોશિયાર છોકરાનું સર્ટિફિકેટ પાછું લેવાઈ ગયું. આ પ્રેમ નથી પણ આસક્તિ છે. ખરેખર મા-બાપ છોકરાઓને પ્રેમથી નહીં, મોહથી ઉછેરે છે અને એટલે જ આવા રિએક્શન આવે છે.
બાળકો સાથે તેમની પ્રકૃતિ ઓળખીને કામ લેવું, એ સારા માતા પિતા બનવાની એક માસ્ટર કી છે. આજકાલ માતા-પિતા બાળકોને પોતાના જેવા બનાવવાના પ્રયત્નો કરે છે, અથવા બીજા સાથે સરખામણી કરીને તેમને સતત ટોકે છે. તેમાં તેમની પ્રકૃતિ સંકોચાઈ જાય છે અને બાળકો ખીલતા નથી. જેમ બગીચામાં જુદાજુદા અનેક ફૂલો હોય, એ બધાને માળી પ્રેમથી ઉછેરે છે. છોડને ખાતર-પાણી આપે, સડેલા પાંદડા કાઢી નાખે, ફરતે વાડ બાંધે જેથી તેનું રક્ષણ થાય. પણ માળી એવી અપેક્ષા ના રાખે કે મોગરાના છોડમાંથી ગુલાબ કે ગુલાબના છોડમાંથી મોગરો જ નીકળવો જોઈએ. કારણ કે એ છોડવાની પ્રકૃતિને ઓળખે છે. ગુલાબના છોડમાં કાંટા હોય તો તે કાંટાને વગોવ્યા વગર, કાંટા વાગે નહીં તે રીતે ફૂલની માવજત કરે છે. તેવી જ રીતે, બાળકોની પ્રકૃતિમાં સારા અને ખરાબ બંને ગુણો રહેવાના. માતા-પિતાએ પણ બાળકોને એમની પ્રકૃતિ પ્રમાણે ખીલવા દેવા જોઈએ. સંસ્કારોનું પોષણ આપવું જોઈએ. એમના સારા ગુણોને એન્કરેજ કરવા જોઈએ. પણ જો બાળક કંઈક ખોટું કાર્ય કરીને આવે, જેમ કે જુઠું બોલે, ચોરી કરે, ધાર્યું ના થાય તો ગુસ્સો કરે, જીદ પકડે ત્યારે મા-બાપે રિએક્ટ થયા વગર ધીરજથી કામ લેવું અને ભૂલોમાંથી પાછા વાળવા. માતા-પિતાનો વ્યવહાર એવો હોય કે પોતાના બાળકની નબળાઈ તેમના લક્ષમાં જ હોય અને એ કઈ રીતે એમાંથી બહાર નીકળે એના પોઝિટિવ પ્રયત્નો ચાલુ હોય, તે પણ ગુસ્સો કે કચકચ કર્યા વગર.
બીજી ચાવી છે, નેગેટિવ શબ્દો ન બોલવાની. બાળકો નાના હોય ત્યારથી માતા-પિતા તેમને “બહુ જીદ્દી છે”, “મારું માનતા જ નથી!”, “તું ભણીશ નહીં તો કોઈ દિવસ ઊંચે નહીં આવે”, “ભાઈ કેટલું સરસ ભણે છે, તું કાંઈ કરતો જ નથી!” એવા અનેક નેગેટિવ વાક્યો કહ્યા કરે છે. વર્ષો સુધી એકધારું નેગેટિવ સાંભળી સાંભળીને બાળકની માનસિકતા બગડી જાય છે. તેમના દિલને દુઃખ પહોંચે છે. માતા-પિતાએ ફરજના ભાગરૂપે ટકોર કરવી હોય તો પણ સમજાવીને વાત કરવી, પણ વઢીને કે નેગેટિવ બોલીને દુઃખ ના આપવું. તેમજ કહેવાની રીત બદલવી. કારણ કે બાળકો સહેજ સત્તાવાહી અવાજ સાંભળે કે એમની સ્વીકારવાની શક્તિ બંધ થઈ જાય છે. જેમ ચામાં એક ચમચી ખાંડ નાખીએ તો એ ઓગળે. પણ પચીસ પચીસ ચમચી ખાંડ નાખીએ તો? તેમ મા-બાપ બાળકોને નાનપણથી વધુ પડતું ટોક ટોક કરે તો બાળકો તેમની વાત પછી સ્વીકારતા નથી.
છેવટે બાળકો પ્રેમના ભૂખ્યા છે. પણ ઘરમાં માતા-પિતાની કચકચ, તેમની સાથે ટકરામણના કારણે તેઓ નાની ઉંમરે પછી ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડના લફરામાં ફસાય છે. જો તેમને ઘરમાં જ પ્રેમનું વાતાવરણ મળશે તો તેઓ બહાર પ્રેમ નહીં ખોળે.