Border 2 in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | બોર્ડર 2

Featured Books
Categories
Share

બોર્ડર 2

બોર્ડર 2
- રાકેશ ઠક્કર

         ફિલ્મ ‘બોર્ડર 2’ એ તમામ સૈનિકોને એક સલામ છે જેઓ દેશ માટે જીવે છે અને મરે છે. ગુંડાઓની ગેંગવોર કરતા સૈનિકોની રણનીતિ અને તેમનું બલિદાન જોવાથી યુવા પેઢીમાં દેશ પ્રત્યેનો આદર વધે છે. ‘ધુરંધર’ એ દિમાગની રમત છે જ્યારે ‘બોર્ડર ૨’ હૃદયની વાત છે. રણવીર સિંહ એક જાસૂસના પાત્રમાં અદભૂત રહ્યો છે પણ એમાં હિંસા અને અંડરવર્લ્ડનું ચિત્રણ વધુ છે. જ્યારે ‘બોર્ડર ૨’ એ સીધી રીતે રાષ્ટ્રભક્તિ અને ત્યાગની વાત કરે છે. સંદેશ એ છે કે સમાજમાં જ્યારે હિંસા અને ગેંગસ્ટર કલ્ચરને ગ્લોરીફાય કરવામાં આવતું હોય ત્યારે ‘બોર્ડર ૨’ જેવી ફિલ્મો જોવી ખરેખર જરૂરી બની જાય છે.
 
         નિર્દેશક અનુરાગ સિંહે જે.પી. દત્તાના વારસાને જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે. અને આધુનિક પ્રેક્ષકો માટે તેને વધુ એક્શન-પેક્ડ બનાવી છે. ફિલ્મના ગીતો ખાસ કરીને ‘સંદેશે આતે હૈ’ ની ધૂન જ્યારે બેકગ્રાઉન્ડમાં વાગે છે ત્યારે થિયેટરમાં બેઠેલો દરેક ભારતીય ભાવુક થઈ જાય છે. ‘મિટ્ટી કે બેટે’ જેવા નવા ગીતો પણ લાગણીસભર છે. આ માત્ર એક ફિલ્મ નથી પણ કરોડો ભારતીયોની લાગણીઓનું પ્રતિબિંબ છે. ‘બોર્ડર ૨’ ની સૌથી મોટી સફળતા એ છે કે તેણે ૨૦૨૬ના આધુનિક ટેકનોલોજીના જમાનામાં પણ ૧૯૯૭ ની આત્માને જીવંત રાખી છે.
       
  તેમાં ઘણી ખામીઓ છે. જેમ કે તેની લંબાઈ, નબળું VFX અને ક્યાંક ક્યાંક ઓવર એક્ટિંગ પણ તેની સામે સની દેઓલનો ઓરા, દિલજીતનું શાનદાર પર્ફોર્મન્સ અને મજબૂત ભાવનાત્મક પાસાઓ તેને જોવાલાયક બનાવે છે. સૌથી મોટું જમા પાસું સની દેઓલ જ છે. એટલે સનીની ‘ગદર 2’ પછી સૌથી વધુ ઓપનિંગ મેળવનારી ફિલ્મ બની છે. સનીની હાજરી જ ફિલ્મમાં એક પ્રકારની ઉર્જા ભરી દે છે. તેનો બુલંદ અવાજ અને આંખોમાં દેખાતો દેશદાઝનો ભાવ દર્શકોને સીધો ૧૯૯૭ના જમાનામાં લઈ જાય છે. કેટલીક જગ્યાએ તેનું વધુ પડતી ચીસો પાડવાનું થોડુંક કઠે એવું છે પણ તેના ચાહકો માટે તો એ જ અસલી મજા છે. સની માટે કહેવાય છે કે તેણે આ ફિલ્મમાં માત્ર અભિનય નથી કર્યો પણ એક સિંહની જેમ મેદાન ગજવ્યું છે. તેની હાજરી એટલી પાવરફુલ છે કે જ્યારે યુનિફોર્મમાં પડદા પર આવે છે ત્યારે થિયેટરમાં પ્રેક્ષકો ગર્વથી ઉભા થઈ જાય છે. સની માત્ર એક સૈનિક જ નહીં એક પિતા અને પતિ તરીકે પણ ખૂબ જ પ્રભાવશાળી દેખાય છે.
 
         વરુણ ધવન માટે આ ફિલ્મ તેની અત્યાર સુધીની કારકિર્દીની સૌથી મોટી પરીક્ષા હતી. સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવ્યો હતો તેના જવાબમાં અપેક્ષા કરતા ઘણું સારું કામ કર્યું છે. અભિનયમાં જે ગંભીરતા અને સૈનિક તરીકેનો જે ઠહેરાવ હોવો જોઈએ તે જોવા મળે છે. દિલજીત દોસાંઝ તેના પાત્રમાં ફિલ્મનો અસલી જીવ છે. તેની હળવી રમૂજ અને યુદ્ધના મેદાનમાં રૌદ્ર સ્વરૂપને ખૂબ જ સુંદર રીતે ભજવ્યા છે. સોનમ બાજવા સાથેનો તેનો રોમાન્સ અને ‘મોરની’ ગીત ફિલ્મમાં તાજગી ભરે છે. અહાન શેટ્ટી નેવી ઓફિસર તરીકે દેખાય છે. તેની પસંદગી થોડીક નબળી સાબિત થઈ છે.

        નોસ્ટાલ્જીયા ફેક્ટર આ ફિલ્મની સૌથી મોટી તાકાત છે પણ અહાન જેવા નવા કલાકારોની એન્ટ્રીથી ક્યાંક એ જૂનો જાદુ વિખેરાતો લાગે છે. મોના સિંહ જે રીતે એક સૈનિકની માતાનું પાત્ર ભજવે છે તે હૃદયસ્પર્શી છે. તે દર્શાવે છે કે યુદ્ધ માત્ર સરહદ પર લડાતું નથી. ઘરે બેઠેલી મા અને પત્નીઓના હૃદયમાં પણ લડાતું હોય છે.
        
         ફિલ્મનો પહેલો ભાગ પાત્રોના બેકગ્રાઉન્ડ અને તેમના અંગત જીવન પર ધ્યાન કેન્દ્રિત કરે છે એ જરૂરી હતું. કારણ કે જ્યારે બીજા ભાગમાં યુદ્ધ શરૂ થાય અને કોઈ સૈનિક શહીદ થાય ત્યારે દર્શકોને તે વ્યક્તિ પ્રત્યે લગાવ હોવો જોઈએ. યુદ્ધના દ્રશ્યો ખૂબ જ ભવ્ય છે. નેવીના દ્રશ્યોમાં VFX થોડું નબળું અને જૂના જમાનાનું લાગે છે. બ્લાસ્ટ સીન્સમાં પણ કેટલીક જગ્યાએ કૃત્રિમતા દેખાય છે પણ રાષ્ટ્રભક્તિના આ માહોલમાં પ્રેક્ષકો આવી નાની ખામીઓને નજરઅંદાજ કરી દે છે. અંતે જ્યારે ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ’ ના નારા લાગે છે ત્યારે થિયેટરમાંથી બહાર નીકળતી વખતે દરેક ભારતીયની છાતી ગર્વથી ફૂલી જાય છે. અને ‘ઈતિહાસ ગવાહ હૈ, હમને કભી કિસી કી ધરતી પર નઝર નહીં ડાલી, લેકિન અગર કિસી ને હમારી ભારત માં કી તરફ આંખ ઉઠાકર દેખા તો હમને સિર્ફ ઉસકી આંખે હી નહીં નિકાલી ઉસે મિટ્ટી મેં મિલા દિયા હૈ’ જેવા સંવાદ યાદ રહી જાય એવા છે.
 

         ‘બોર્ડર ૨’ એક એવી ફિલ્મ છે જે દરેક ભારતીયે પોતાના પરિવાર સાથે જોવી જોઈએ. તે આપણને આપણી આઝાદીની કિંમત સમજાવે છે. જે લોકો કહે છે કે બોલિવૂડ હવે આવી ફિલ્મો નથી બનાવી શકતું તેમના માટે આ એક જડબાતોડ જવાબ છે. આ ફિલ્મમાં નફરત નથી પણ પોતાના દેશ પ્રત્યેનો પ્રેમ છે. વિવેચકોએ તેને ૫ માંથી ૪ સ્ટાર આપ્યા છે. જો ૧૯૭૧ના એ ભવ્ય ઇતિહાસને આધુનિક પડદે જીવવો હોય, સની પાજીની પેલી અનોખી ગર્જના ફરી સાંભળવી હોય અને યુદ્ધના મેદાનમાં હૃદયને હચમચાવી દેતા ઈમોશન્સ અનુભવવા હોય તો ‘બોર્ડર ૨’ થી શ્રેષ્ઠ કોઈ ફિલ્મ નથી.